પુરુષ થી લોખંડી પુરુષ - 3 Nilesh N. Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરુષ થી લોખંડી પુરુષ - 3

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

તરવાની તૈયારી

ભાગ - 3

લગભગ 40 વર્ષની ઉમરે કદાચ 1-2 કિલોમીટર પણ દોડી ન શકાય તેવી મારી ફીઝીકલ ફીટનેસ હતી. ભારે શરીર મેદસ્વીતાની નિશાની હતી. માટે નાના ગોલ થી શરૂઆત કરી દરરોજ કસરત કરી અને ગોલ તરીકે દર વર્ષે ફક્ત 1 કિલોગ્રામ વજન ઘટાડવાનું રાખ્યું. ખાવા પીવામાં કોઈ બાંધછોડ નહોતી કરી કેમ કે ખાવાનું મને ઘણું પ્રિય છે. અને તેમાંય મીઠાઈ તો રોજ જોઈએ અને મીઠાઈ ન હોય તો મારી ધર્મપત્ની, મારી મિત્ર અને મારી પ્રેમિકા નીતા છેવટે ઘરે શીરો બનાવી આપે. તો મારી ફીઝીકલ એક્સેસાઈઝ નો દોર ચાલુ થયો. રોજ એક્સેસાઈઝ કરવા જવું અને ધીરે ધીરે સ્ટેમિના વધાર્યો. શરૂઆતમાં મને જવાનો કંટાળો આવતો કાઈક બહાનું શોધવા પ્રયત્ન કરતો પણ મન મક્કમ હતું માટે મારી ડીસીપ્લીનના હિસાબે જીવનચક્ર ગોઠવવા માંડ્યું. દરરોજ કંઇક ને કંઈક કસરત વધારે કરતો. મને સ્વિમિંગ આવડતું અને જયારે યુવાન હતો ત્યારે ઘણું સારું સ્વિમિંગ કરતો માટે સૌથી પહેલા ગુજરાત વિદ્યાપીઠમાં સ્વિમિંગ ચાલુ કર્યું ત્યાં 50 મીટરનો સ્વિમિંગપૂલ છે માટે તરવાની મજા આવતી, જાતે જાતે જે સારા સ્વિમિંગ કરતા તેમની સાથે મનોમન કોમ્પિટિશન કરતો અને સ્પીડ વધારતો અને ત્યાં લગભગ એક લેન્થ 50 મીટર થી શરુ કરી 63 લેન્થ મતલબ 3.3 કિલોમીટર સુધી 2 વર્ષમાં પહોંચી ગયો.

આમેય અમદાવાદની ગરમી માં સ્વિમિંગ કરવામાં વાંધો નહિ. મારા છોકરાઓ (નકુલ અને નંદીશ) પણ વિદ્યાપીઠમાં સ્વિમિંગ કરવા જતા હતા. હું અને નીતા તેઓને લઇ જતા અને ત્યાં કમલેશ નાણાવટી જે તેમના કોચ હતા તેમની ટીપ્સ હું પણ લેતો અને થયું કે ત્યાંજ સ્વિમિંગ કરવાનું શરુ કરીએ. રોજ સવારે લગભગ 7:30 વાગે હું ઉઠી જતો અને 8:00 વાગે અમે બધા વિદ્યાપીઠ પહોંચી જતા. મારા USA ના કામોના લીધે અને અમારી જીવનશેલી પ્રમાણે સવારે વહેલું ઊઠવાનું અમને ક્યારેય ફાવતું ન હતું. 8:00 - 8:15 અને 8:45 - 9:00 વાગ્યા સુધી 18-20 લેન્થ મારતો. સ્વિમિંગ કરવાની મજા પડી તો સમય પણ વધારવા માંડ્યો. હું સ્કુલ કોલેજમાં હતો ત્યારે આમેય સ્વિમિંગ ઘણું કરતો હતો. મારે (9) નો ગુણાંક કે જે મારો ફેવરીટ નંબર છે તે વધવા માંડ્યું. 18 થી 27 કરી. ઘણીવાર 36 લેન્થ કરવા લાગ્યો. જયારે તમે સતત પ્રેકટીસ કરો તો એક સ્પીડ ટીપ્સ તમને જાતે જ મળે કે જેનાથી જીંદગી બદલાઈ જાય. કોઈપણ સ્પર્ધા માં પહેલો નંબર અને પાંચમાં નંબર વચ્ચે મોટો ફરક નથી હોતો. પહેલા નંબરની ચપળતા તેને જીતાડે છે. મને ખબર પડી કે સ્વિમિંગ કરતા જો હું મારી દાઢી છાતીને અડાડું તો સ્વિમિંગ ફાસ્ટ થાય કેમકે શરીર ઓટોમેટિક ઉપર આવે અને સ્પીડ વધે. તે જાણ્યા પછી મહેનત જાણે સહેલી લાગવા માંડી અને મહેનત ની મજા પણ આવવા માંડી.

36 લેન્થ ગુજરાત વિદ્યાપીઠમાં ઘણીવાર કરી. મારી સૌથી વધારે લેન્થ ત્યાં 63 કરી હતી. આમ કોન્ફીડન્સ વધી ગયો હતો. અમદાવાદમાં જ્યાં જ્યાં સ્વિમિંગ કોમ્પિટિશન થતી ત્યાં હું ભાગ લેવા લાગ્યો. રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ, ગુજરાત વિદ્યાપીઠ અને છેલ્લે ઇન્ટર ક્લબ કોમ્પિટિશન માં ભાગ લેવા લાગ્યો અને ભાગ લઇ હું પોડિયમ ફિનીશ વિજેતા પણ થવા લાગ્યો. પહેલું ઇનામ, બીજું ઇનામ ગ્રુપ ચેમ્પીયનશીપ પણ મળવા લાગી. મારો આત્મવિશ્વાસ ઘણો વધતો ગયો. આનંદ આવી ગયો કે આતો મજા આવે છે. હું જયારે જયારે કંઈપણ કરતો તો લોકોને જણાવતો. અને તેમને પણ પ્રોત્સાહિત કરતો. આમ મિત્રો પણ વધવા લાગ્યા અને લોકોને મારી વાતની ખબર પડવા લાગી. સ્વિમિંગના મારા ગુરુ કમલેશ નાણાવટી હતા. તેમણે મને ઘણું શીખવ્યું. 2-3 વર્ષ મે સ્વિમિંગ કર્યું ઘણા ઇનામો જીત્યા. ઓવરઓલ ઘણી સફળતા મેળવી. આમ લગભગ 2004 થી 2008 સુધી વધુ પડતું સ્વિમિંગ કર્યું હતું. મારા છોકરાઓ (નકુલ અને નંદીશ ) પણ ત્યાં પ્રેકટીશ કરી, સ્ટેટ કોમ્પિટિશન સુધી પહોંચ્યા. સફળતાથી આત્મવિશ્વાસ ઝડપથી વધી ગયો હતો.

****