Ardhi rate aazadi books and stories free download online pdf in Gujarati

અર્ધી રાતે આઝાદી - પુસ્તક પરિચય

અર્ધી રાતે આઝાદી - લેરી કોલિન્સ અને દોમિનિક લેપિયર
અનુવાદક - અશ્વિની ભટ્ટ

"કહે છે કે ઇતિહાસ આપણને એકની એક ભૂલો ફરી ન કરવાનું શીખવે છે. પણ જ્યારે આવી ગાથાઓ આવી સત્યકથા વાંચીએ છીએ, ત્યારે જ સમજાય છે કે આપણે કશું શીખતા નથી. ભૂતકાળ કે તવારીખની જાણે આપણને કશી જ અસર થતી નથી, નહિ તો મહાત્માને ગોળીએ દીધા ન હોત ! પણ કોણ જાણે માનવીનું કરાલ ખપ્પર લોહીથી ભીનું રહે તેમ માનવજાતને હાંકનારા રાજકીય નેતાઓના અજ્ઞાતમનની એ વાસના હશે ! કે પછી માનવીમાં જિજીવિષા કરતાં મૃત્યુની એષણા પ્રભાવશાળી હશે ! માનવીના હૃદયમાં ભલે ઈશ્વર વસતો હશે ... પણ તેના માનસમાં શયતાને દર નાખેલું છે . હજારો વર્ષથી તક્ષકનાં ઝેરીલાં ઈડાં એ દરમાં સેવાતાં રહે છે , નહિ તો આટઆટલા યુગાવતારો પછી શું માનવી એવો ને એવો જ રહે જેવો તે પથ્થરયુગમાં હતો ! શું એક ઈસુનો વધ પૂરતો ન હતો ? બુદ્ધ , મહાવીર કે મહંમદ , કૉન્ફયૂશિયસ કે જરથુષ્ટ્રના નામની ઈમારતો ચણાવનાર માનવીએ કશું જ પ્રાપ્ત કર્યું નહિ ? શું સૉક્રેટિસનું બલિદાન એળે ગયું!" (પુસ્તકમાંથી)

"Freedom at midnight" નું ગુજરાતી અનુવાદ અશ્વિની ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ વિખ્યાત પુસ્તક ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે. ભારતને આઝાદી આપવાનું નક્કી કર્યા પછી બ્રિટન વતી આખરી વાઈસરોય તરીકે માઉન્ટબેટનને મોકલવામાં આવે છે. તેમની મુખ્ય કામગીરી ભારતને વહેલી તકે આઝાદ કરી, બ્રિટનનો યુનિયન જેક સંકેલી વતન પરત આવવું. વિભિન્ન ભાગોમાં વહેંચાયેલા ભારતને આઝાદી આપવી એ સરળ કામ ન હતું. કોંગ્રેસની અખંડ ભારતની માંગ, જિન્હાની અલગ પાકિસ્તાનની માંગ અને રજવાડાઓની સ્વાયત રહેવાની માંગણીઓ વચ્ચે આઝાદી આપવી એ સરળ ન હતું.
માઉન્ટબેટનના આગમન બાદ જે ઘટનાક્રમ ઘટ્યો તેને શબ્દ દેહે અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. મુખ્યત: મહાત્મા ગાંધી, માઉન્ટબેટન, નહેરુ, સરદાર પટેલ, મેનન, રેડક્લીફ અને ગોડસેના ચરિત્રને આલેખી તેઓના મનોભાવો દસ્તાવેજી પુરાવા સહ રજુ કરવામાં આવ્યાં છે. પુસ્તકમાં જે તે સમયે રાજા - નવાબોના જીવન અને તેમના ચિત્ર - વિચિત્ર રીત રિવાજનું આલેખન પણ કરવામાં આવ્યું છે. તેમાની અમુક ઘટનાઓ વાંચીને તો હસવું કે રડવું તે વિચારે ચડી જઈએ. ભારત પાકિસ્તાન ભાગલા સમરના હ્રદય દ્રાવક દ્રશ્યો કંપારી છૂટે તેવા હિંસક, જુગુપ્સા જનક છે. વિસ્થાપન સમયે થયેલ હત્યા, બળાત્કાર અને લુંટફાટની બરબરતાનો ખ્યાલ આવી વાત પરથી આવશે. "ગીધડા પણ ખાઈ ખાઈને એટલા ધરાયાં હતાં કે ઊડી પણ શકતાં ન હતાં. જંગલી કૂતરા પણ ખાવાની બાબતમાં એટલા સ્વાદીલા થઈ ગયા હતા કે મડદા ચૂંથીને કેવળ કાળજા જ ખાતા." અહીં માનવીની બિહામણી પાશવી કૃરતા અને પરપીડનગ્રંથીથી પાગલપણાની પ્રતીતિ થાય છે.
આઝાદીની ઉજવણી અને કોમી તોફાનની વાતો સાથે રેડક્લીફ દ્રારા સિમાંકન અને કાશ્મીર પર પાકિસ્તાનના હુમલા અને રાજા હરિસિંહ દ્વારા કશ્મીરના ભારતમાં વિલીનીકરણની પુરી ઘટનાનો સિતાર આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. આ સિવાય ગાંધી હત્યાની ઘટનાનો વિગતે સિતાર આપવામાં આવ્યો છે. ગોડસે અને તેના સાથીઓએ કરેલા પુરા આયોજન અને એ આયોજનને પાર પાડવા કરેલ દરેક કાર્ય વિગતે રજુ કરવામાં આવેલ છે.
આજે જ્યારે યુવાનો સોશિયલ મીડિયાને એક માત્ર જ્ઞાનનો સ્ત્રોત માની બેઠા છે ત્યારે એટલું જ કહેવાનું કે ભારતના ઇતિહાસ અને આઝાદી કાળને જાણવા માટે આ પુસ્તક માહિતીપ્રદ છે. ઘણી ઐતિહાસિક ઘટનાઓ બાબતે સોશિયલ મીડિયાના કારણે લોકોના મગજમાં ગેરમાન્યતાઓ છે તેના જવાબ મળશે. આ સાથે પુસ્તકમાંથી થોડા રસપ્રદ મુદ્દા લેખક - પ્રકાશકના આભાર સહ અત્રે પ્રસ્તુત છે.

* ઇતિહાસની કેટલીય ભવ્ય સિધ્ધિઓ તદ્દન મામૂલી બાબતોમાંથી ઉદ્ભવતી હોય તેવા અગણિત દાખલા છે.
* ભેદભાવની અંશ માત્ર ભાવના વગરનો ગાંધી જેટલો સહિષ્ણુ માણસ સમષ્ટિમાં શોધવો મુશ્કેલ હતો.
* માનવ તવારીખમાં મહાત્મા ગાંધીનું નામ ઈસુ અને બુદ્ધના નામની સાથે જ લખાશે. - માઉન્ટબેટન
* ગાંધીમાં હિંદના આત્માને પારખવાની આત્મસૂઝ હતી.
* જો બ્રિટિશરોને બદલે હિંદ પર હિટલર કે સ્ટાલિનની હકૂમત હોત તો, ગાંધીએ કબૂલ્યું હતું કે ઉપવાસ એક બિનઉપયોગી શસ્ત્ર બન્યું હોત.
* યુગોથી માનવોએ ફીરસ્તાઓએ પથ્થરોથી માર્યા છે અને તે પછી તેમની યાદમાં દેવળો બંધાયાં છે. પરાપૂર્વની આ રસમ છે.
* આ (ગાંધી હત્યા) બતાવે છે કે દુનિયામાં 'સારા' બનવું એ કેટલું ખતરનાક છે. - જ્યોર્જ બર્નાર્ડ શો
* હિંદની અખંડિતતા પ્રત્યેની કોઈ ગૂઢ ભક્તિને કારણે ગાંધી ભાગલાનો વિરોધ કરતા હતા તેવું ન હતું, પરંતુ તેને કારણે હત્યાકાંડ રચાશે, ભાઈ ભાઈના ઉપર અને પાડોશી પાડોશીના ઉપર હલ્લો કરશે. ઉપખંડના ભાગલા કરીને, બે અદાવતી ટુકડીઓ, એકબીજાનાં આંતરડાં ચાવતા કરી મૂકે તેવી આ તદન બિનઉપયોગી અને મનહૂસ સિદ્ધિ હાંસલ કરવા માટે લોહી રેડાશે. ગાંધી દઢપણે માનતા હતા કે જે ભૂલ કરવા માટે, એ સૌ કટિબદ્ધ થયા હતા, તેની કિંમત આવતા કેટલાય દાયકાઓ સુધી, હિંદુસ્તાનની ભાવિ પેઢીઓને ચૂકવવી પડશે.
* સ્વાતંત્ર્ય ઘણી વાર કારાવાસની દીવાલોની ભીતરમાં મળે છે કે ફાંસીના માંચડા પર મળે છે, પરંતુ કાઉન્સિલ ચેમ્બરોમાં, કોર્ટોમાં કે શિક્ષણ વર્ગોમાં નહીં. - ગાંધીજી
* માનવતાના ખાતર, માનવકુળને ખાતર, જો કોઈ યુદ્ધ ન્યાયી હોય તો તે જર્મની સામેનું યુદ્ધ છે. એક આખીય માનવજાતિ પરના પાશવી જુલમને અટકાવવા એ યુદ્ધ વાજબી ગણાશે. છતા હું યુદ્ધમાં માનતો નથી. - ગાંધીજી
* આપણે જેમ આપણા ધર્મને માન આપીએ છીએ તેમ જ અન્યના ધર્મો તરફ માનથી જોઈએ. જે સત્ય છે તે સત્ય છે જ. પછી ભલે તે ઉર્દૂમાં કે સંસ્કૃતમાં કે પર્શિયનમાં લખ્યું હોય. - ગાંધીજી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED