થોડા દિવસ પહેલા જો કોઈનું એક સમાચાર તરફ ધ્યાન ગયું હોય તો એ છે ડુમ્સડે ક્લોક ના કાંટા 11:58:20 પર સેટ કરવામાં આવ્યાં. શું છે આ કયામતની ઘડિયાળ?
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના હિરોશિમા - નાકાસાકી પર થયેલા અણુ હુમલાએ ઘણા લોકોને વિચારતા કરી મુક્યા, કે આવા ગાંડપણ ભર્યા નિર્ણયથી તો એક દિવસ ઓચિંતા ધરતી પ્રલયની ગોદમાં પોઢી જશે? આ વિચાર કરવાવાળામાં અણુવૈજ્ઞાનિકો પણ હતા. તેમને ભય લાગ્યો કે જે શોધ આપણે માનવતાના કલ્યાણ માટે કરીએ એ ક્યાંક વિનાશક ન બની રહે? આવા અણુ વૈજ્ઞાનિકોના સમુહે એક સંસ્થા બનાવી. આ વૈજ્ઞાનિકોમાં નોબેલ વિનર પણ હતા. તેઓએ ઘણા વિચારો કરી 1947 થી એક બુલેટીન બહાર પાડવાનું નક્કી કર્યું. અને આ બુલેટીન માનવતા માટેના જોખમોનો ખ્યાલ આપે છે. અને આ માટે એક પ્રતીકાત્મક ઘડિયાળને રાખવામાં આવી. આ ઘડિયાળમાં રાત્રીના 12:00 વાગ્યાના સમયને કાળરાત્રીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો. હવે ઘડિયાળમાં 12:00 નજીકનો સમય એટલે વિશ્વ વિનાશકતાની વધુ નજીક એવું સમજવું. આ ઘડિયાળનાઓ સમય દર વર્ષે જાન્યુઆરીમાં સેટ કરવામાં આવે છે.
એક સવાલ એ થાય કે ઘડિયાળનો સમય સેટ કરવાના માપદંડ ક્યાં? તો એ માટે મુખ્ય ત્રણ માપદંડ નક્કી કરવામાં આવ્યાં છે. 1. પરમાણું હથિયાર 2. જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ), 3. ભ્રામક સુચનાઓ. જ્યારે આ ત્રણ વાતનો પ્રભાવ વધે એમ ઘડિયાળ 12:00 નજીકનો સમય દર્શાવે. 1947 માં વિશ્વ યુદ્ધની સમાપ્તિ બાદ પણ અમેરિકા - રશિયા વચ્ચેના શિત યુદ્ધના કારણે ઘડિયાળ સાત મિનિટ પાછળ (11:53:00) સેટ કરવામાં આવી હતી. તો અત્યાર સુધીના ઈતિહાસમાં 1991માં સૌથી વધુ દુર (17 મીનીટ) સેટ કરવામાં આવી હતી. છેલ્લે 1918 અને 19 માં કાળરાત્રીનો સમય 2 મીનીટ દુર રહ્યો હતો. પણ આ વરસે 2020 ના આંકડાએ 'બાર વાગવા' ની નજીક પહોચાડી દિધા. કાળરાત્રીથી માત્ર 100 સેકન્ડ દુર!!!!
આ ઘડિયાળ ડર ઉભો કરવા માટે નથી, પણ માનવજાતે જાગવાનો એલાર્મ છે. આ ઘડિયાળ કઈ પ્રલય કે કયામત માટે આખરી માપદંડ નથી, પણ વિનાશકતાનો ઉતાર ચઢાવ આપતી માહિતી છે. આ ઘડિયાળ' પેટ ચોળીને ઉભી કરેલ શુળ' જેવી માનવ સર્જિત વિનાશની સંભાવનાનું પ્રતીક છે. આપણે સમય જોવા ઘડિયાળનો ઉપયોગ કરિએ છીએ, એ આપણી વ્યવસ્થા માટે છે. ઘડિયાળના સેલ પુરા થતા કાંટા થંભે છે, સમય નહીં. ઘડિયાળના કાંટાને ફાસ્ટ દોડાવી શકાય છે, સમય તેની ગતીમાં પસાર થાય છે. ઘડિયાળ અને કેલેન્ડર જેમ આપણી વ્યવસ્થા માટે છે એમ ડુમ્સડે ઘડિયાળ પણ એક પ્રતીક માત્ર છે. સવાર પડે એટલે કૂકડો બોલે, કૂકડાના બોલવાથી સવાર ન પડે.
કેમ આ વરસે 100 સેકન્ડનું અંતર રહ્યું? ઉપરોક્ત ધોરણો પ્રમાણે જોઈએ તો પ્રવર્તમાન સમયમાં અણુશસ્ત્રોનો ભય તોળાયેલો જ રહે છે. ટ્રંપ અને કીમ જોંગ તો અણું બોમ્બ ફેંકવાની એમ વાત કરે જાણે સાવર કુંડલાવાળા દિવાળીમાં ઈંગોરિયા દાગવાની વાત કરતા હોય. જેમ ટ્રક ડ્રાઈવરનો એક હાથ સતત ગિયર પર હોય એમ બન્ને નો એક હાથ તો અણું બોમ્બના બટન પર જ હોય. ભારત - પાકિસ્તાન કે બીજા ડખે ચડેલા રાષ્ટ્રની વાત અલગ. બીજો મુદ્દો છે જળવાયુ પરિવર્તન. આ મુદ્દો તો એટલો કોઠે પડી ગયો કે પ્રાથમિક શાળામાં પણ પરિક્ષામાં એકાદ નિબંધ અચૂક આ વિષય પર હોય. આપણા કે કોઈના પેટનું પાણી પણ હલતું નથી. ગ્રેટા થંબર્ગની વાત યુનો ની દિવાલે અથડાઈને પાછી ફરતી હોય, ત્યાં આપણે આ બાબતે વ્યક્તિગત પ્રયાસ કરવો રહ્યો.
ત્રીજો મુદ્દો ભારત માટે બરાબર લાકડે માકડું વળગે એમ ફીટ બેસે છે, ભ્રામક સુચના. સોશ્યલ મિડિયા અને મેઈન સ્ટ્રીમ મિડિયાતો આના 24 કલાક ધમધમતા કારખાના છે. કોઈને કદાચ એવું લાગતું હોય કે આમ આપણા મેસેજ થી કે નાની હરકતથી શું ફરક પડે? તો એ માટે સો વર્ષ પાછળ જવું પડે. યુરોપના બે દેશ ઓસ્ટ્રિયા અને બોસ્નિયા. બન્ને વચ્ચે ભારત - પાકિસ્તાન જેવા કડવા સંબંધ. જુન - 1914 માં શાંતી મુલાકાત માટે ઓસ્ટ્રિયાનો ગાદિ વારસ રાજકુમાર ફ્રાન્ઝ ફર્ડિનાન્ડે બોસ્નિયા ગયો. આ રાજકુમારની એક સર્બિયાના બળવાખોરે હત્યા કરી નાખી. આથી અકળાયેલા ઓસ્ટ્રિયા અને હંગેરીએ બોસ્નિયા પર આક્રમણ કરી દિધુ. બોસ્નિયાની લાચારી જોઈ રશિયા તેની મદદે આવ્યું. અને એનું પલડુ ભારે થયું. તો જર્મનીએ ઓસ્ટ્રિયા પક્ષે ઝંપલાવ્યું. આમ એક પછી એક યુરોપી દેશ યુદ્ધની આગમાં હોમાતા ગયા. જેને આપણે પ્રથમ વિશ્વ યુધ્ધ કહિએ છીએ. એક બળવાખોરની બંદુકમાંથી નિકળેલ ગોળીએ સરવાળે 86 લાખ લોકોના જીવ લીધા. જે તે સમયે 186 અબજ ડોલરનો ખર્ચ થયો. અને બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા એ બોનસમાં
આ કયામતની ઘડિયાળથી ડરવાની જરુર નથી. જાગૃતિની જરુર છે. આપણે શક્ય હોય એટલા ઈકો ફ્રેન્ડલી બની રહેવું. સોશ્યલ મિડિયા પર અફવા ન ફેલાવવી કે ન તો ખરાઈ કર્યા વીના કોઈ સુચના સાચી માનવી. જય હિન્દ.