રેડિયો રવાંડા Kiran oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેડિયો રવાંડા

મધ્ય પૂર્વ આફ્રિકામાં રવાંડા દેશ આવેલો છે. વિસ્તારની દ્રષ્ટીએ આપણા કેરળ રાજ્ય કરતા પણ નાનો. અહીં મુખ્ય રુપે ત્રણ જાતી વસે છે, ત્વા , તુત્સી અને હુતુ. 'કાગડા બધે કાળા' કહેવતની જેમ અહીં પણ તુત્સી અને હુતુ સમુદાય વચ્ચે વર્ષોથી જાતી વાદિ સંઘર્ષ ચાલ્યો આવે છે. બન્ને જાતીને એક બીજા પ્રત્યે દ્વેષ અને વૈમનસ્યનો ભાવ. 1994 માં એક દુર્ઘટના ઘટી, જેણે આ જાતીવાદના ભોરીંગે આખા દેશને ભરડામાં લીધો. ઇતિહાસના પાના પર આ '1994ના નરસંહાર' તરીકે કાળા અક્ષરે લખાનાર પ્રકરણ બની રહેવાનું હતું.

બન્યું એવું કે 1994 માં રવાંડાના રાષ્ટ્રપતિની હત્યા કરી દેવામાં આવી. રાષ્ટ્રપતિ હુતુ જાતીના હતા. એવું જાહેર કરવામાં આવ્યું કે આ હત્યા તુત્સી સમુદાય દ્વારા કરવામાં આવી છે. ( જે ક્યારેય સાબિત થયુ નહીં) હુતુ સમુદાયમાં રોષનો દાવાનળ ફાટ્યો. કહેવાય છે કે 100 દિવસ સુધી દેશમાં તુત્સી સમુદાયને ખતમ કરવા મોતનું તાંડવ ચાલ્યું, જેમાં 5 થી 10 લાખ લોકોની કતલ કરવામાં આવી. (સાચો આંકડો ક્યારેય સામે આવ્યો નથી) જે દેશ ની 20% જેટલી હતી. તુત્સી સમુદાય પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ ઘટનામાં બર્બરતાએ હદ વટાવી હતી, હત્યાઓ ઘાતકી રીતે કરવામાં આવી હતી. મહિલાઓ સામે બળાત્કાર એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. HIV ગ્રસ્ત દ્વારા તુત્સી મહિલાઓ પર બળાત્કાર ગુજારાવી તેમને સંક્રમિત કરવાનું જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. 20 લાખ જેટલા લોકો દેશ છોડીને જતા રહ્યા. આજે પણ આ દેશ આ ઘટનાને યાદ કરી ફફડી જાય છે.
આવી નરસંહારની ઘટનાતો ઘણી બની છે, આનાથી વધારે લોકો યુધ્ધમાં માર્યા ગયા છે, પણ આ નરસંહારની ખાસિયત એ હતી કે દેશનો રાષ્ટ્રીય રેડિયો 'રેડિયો રવાંડા' નો દુરઉપયોગ આ હિંસાને પ્રોત્સાહક અને ઉત્તેજક તરીકે કરવામાં આવ્યો હતો. આ રેડિયો પરથી સતત લોકોની ઉશ્કેરવામાં આવ્યા, જેથી લોકોના મગજમાં રહેલા વર્ષો જુનો સુશુપ્ત વૈરાગ્નિ પ્રજ્વલિત થયો અને એક સંહારક ઘટનામાં પરિણમ્યો. અહીં બે વાત નોંધવા જેવી ખરી કે લોકોમાં રોજ નફરતના બીજ રોપવામાં આવતા હતા. જન્મથી જ એને એક જાતી પ્રત્યે દ્વેષ શિખવવામાં આવતો હતો. બીજુ એ કે સમાજના દિમાગમાં ભરવામાં આવેલ વેરનાં બારૂદને ' રેડિયો રવાંડા' એ આગ છાપવાનું કર્યું, ધડાકો થવાનો જ હતો.
આ દેશ સાથે કે તેની જાતી પ્રત્યે દૂર દૂર સુધી આપણે સ્નાન સુતકનો સંબંધ નથી, પણ આ ઘટના અહીં કેમ યાદ કરવામાં આવી? કારણ કે આજે 'રેડિયો રવાંડા' ને ટક્કર મારે એવી કહેવાતી ન્યુઝ ચેનલો રોજ આપણા દિમાગમાં બારુદ ભરવાનું કામ કરે છે. રોજ ઉઠીને સુવો ત્યાં સુધી સતત નફરતના બીજનું વાવેતર કરવામાં આવે છે. કોઈ ચેનલ સત્તા પક્ષની જી હજુરી કરવામાં મશગુલ છે, તો કોઈ એકલ દોકલ સત્તા વિરોધી વિષ ફેલાવે છે. કોઈ તટસ્થ નથી. અને આપણે પાછા કેસર કેરીના રસની જેમ તેમના દ્વારા અપાતા વિષનું પાન કરીએ છીએ. આ એમ જ નથી કહેતો પણ મારી નજીકના અમુક એવા લોકો છે જે ન્યુઝ ચેનલને જ જ્ઞાનનું માધ્યમ માને છે, અને આજે તેમના વ્યવહાર અને સ્વભાવમાં પરિવર્તન જોયું છે. અધૂરામાં પુરુ સોશિયલ મિડિયા નામનો 'સાઈનાઈટ બોમ્બ' અત્યારે દરેકના હાથમાં છે. દરેક પોતાની વિચારધારા પ્રમાણેના ગૃપમાં જ સંકળાયેલા રહે છે, એટલે તેમાં તેમના વિચારોને પોષણ વાળા મેસેજ આપવામાં આવે છે. જે ઈન્ટરનેટના મહા સાગરના પેટાળમાં અણમોલ મોતી પડેલા છે ત્યાં આપણે કાંઠે ઊભા રહી માછલી પકડવામાં પડેલા છીએ. દરેક રાજકીય પક્ષ પોતાના હીત માટે આ માધ્યમોનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
યાદ આવે છે સર્વ શક્તિશાળી યદુ વંશનો નાશ કરનાર એ મુસળ. યાદવોએ કૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રીના વસ્ત્રો પહેરાવી ઋષિ પાસે લઈ જાય છે અને પુછે છે કે આ સ્ત્રી ગર્ભવતી છે, તેને શું અવતરશે? સત્ય જાણી ગયેલ ઋષિ નારાજ થાય છે અને યાદવોને શાપ આપે છે કે 'તેને લોઢાનું મુસળ અવતરશે, જેનાથી યાદવ કુળનો નાશ થશે.' ટેક્નોલોજી એ મુસળનો કલીકાલ અવતારતો નથી ને? અશિક્ષિત (માત્ર અક્ષરજ્ઞાનથી નહીં) પ્રજાના હાથમાં આધુનિક ટેકનોલોજી આવે તેના પરિણામ આવનાર સમય બતાવશે. 'રેડિયો રવાંડા' ની વાત ડરાવવા માટે નથી કરી, પણ ઈતિહાસમાંથી સબક શિખવા માટે છે. નગીનદાસ સંઘવી કહે છે તેમ 'જે પ્રજા ઇતિહાસ ભુલી જાય તેનું ભાવિ હંમેશા અંધારમય બની જાય છે . પણ જૂનાનાં આધારે જ જીવીએ તો ખત્તા ખાવાનો વખત આવે.'
ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા માં આવતી દરેક માહીતી સાચી માનતા પહેલા ખરાઈ કરો, વૈમનસ્ય ફેલાવતા સોશિયલ મીડિયા ગૃપ, પેઈઝથી દુર રહો અને ભડકાઉ મેસેજને ફોરવર્ડ ન કરો એ જ મોટી રાષ્ટ્ર ભક્તિ છે. કોઈ આઈ. ટી. સેલ ને તમારા દેશ ભક્ત હોવાનો પુરાવો આપતુ પ્રમાણપત્ર આપવાનો હક ન આપો. જય હિન્દ