યોગ-વિયોગ - 22 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 22

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૨

રાજેશ અને અંજલિ પોતાને ઘેર જવા નીકળ્યાં ત્યારે સૂર્યકાંતને ભેટેલી અંજલિનું રૂદન છૂટી ગયું. આટલાં વર્ષોની ફરિયાદ અને અભાવો જાણે અંજલિની આંખોમાંથી વહી રહ્યા હતા. આમ તો અંજલિ આવી હાલતમાં રડે એ રાજેશ માટે અસહ્ય હતું, પણ અત્યારે રાજેશ ચૂપચાપ એની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. એ જાણતો હતો કે અંજલિને રોકવાથી કંઈ નહીં થાય. આટલાં વર્ષોની પીડા એની આંખોમાંથી વહી રહી હતી અને એ વહી જાય તો જ એનું મન હળવું થાય એવું હતું.

‘‘બાપુ, આઇ મિસ્ડ યુ બાપુ !’’ અંજલિ કહી રહી હતી.

‘‘આઈ મિસ્ડ યુ ટુ માઇ ચાઇલ્ડ, આઇ મિસ્ડ યુ ટુ...’’

અંજલિની વિદાય વખતે સૂર્યકાંતની ગેરહાજરીમાં જે દૃશ્ય નહોતું ભજવાઈ શક્યું એ કદાચ આજે ભજવાઈ રહ્યું હતું. જોકે રાજેશને મળીને અંજલિને વિશે બધું જાણીને સૂર્યકાંતનું મન પ્રમાણમાં ઘણું સંતુષ્ટ હતું. આજે પોતાનાં બધાં સંતાનોને મળીને સૂર્યકાંતના મનમાં જાણ્યે-અજાણ્યે વસુંધરા તરફ અહોભાવની લાગણી થઈ આવી હતી. પોતાની ગેરહાજરીમાં પોતાની પત્નીએ કોણ જાણે કેવા સંજોગો સાથે લડીને પોતાનાં ચાર-ચાર સંતાનોને આવી ઉત્તમ રીતે ઉછેર્યાં હતાં.

જોકે અભય અને વૈભવીના સંબંધો પણ એમની નજરની બહાર નહોતા રહ્યા. સાથે સાથે જાનકીની સમજદારી પણ એમના સુધી પહોંચી હતી.

મહેતા કુટુંબમાં એમની ગેરહાજરીમાં જીવાયેલાં પચીસ વર્ષો જાણે ધીરે ધીરે સૂર્યકાંતની નજર સામે ઊઘડી રહ્યાં હતાં. જે સમીકરણો ગોઠવાતાં જતાં હતાં ત્યારે પોતે હાજર નહોતા એ સમીકરણો પણ એમને હળવે હળવે સમજાતાં હતાં.

‘‘બેટા, ભલે મોડો, પણ હું આવ્યો તો ખરો ને !’’

‘‘બાપુ, જે વર્ષો અમે તમારા વિના કાઢ્યાં એનાં છાલાં હજી પગમાં છે. મારી અંદર, મારા ઉછેરમાં કશું અધૂરું રહી ગયું બાપુ ! તમે કેમ ચાલી ગયા ?’’

અંજલિનો આ એકનો એક સવાલ સૂર્યકાંતને વારેવારે મૂંઝવતો હતો. કેમ કરીને કહેવું આ છોકરીને કે પોતે કેમ ચાલી ગયા હતા ! ત્રણ દીકરાઓમાંથી કોઈએ આ સવાલ આ તીવ્રતાથી નહોતો કર્યો, પરંતુ અંજલિ રહી રહીને આ જ સવાલ તરફ વળતી હતી. કારણમાં કદાચ અંજલિને પોતાનાં વીતેલાં વર્ષોની હિસાબ તો જોઈતો જ હતો, પણ પોતે જે રીતે જિંદગીનો પ્રવાહ બદલી નાખવો પડ્યો, જે જીવવું હતું એ જીવી ના શકી, જે બનવું હતું એ બની ના શકી એની ફરિયાદ પણ હતી. અંજલિના મનમાં ઊંડે ઊંડે સતત એક વાત ઘૂમરાતી રહી હતી આટલાં વર્ષો, ‘‘જો મારા પિતા હોત તો કદાચ આમ જબરદસ્તી મારાં લગ્ન રાજેશ સાથે ના કરાવાયાં હોત.’’ એ દુઃખી નહોતી એ પણ એટલું જ સત્ય હતું હવે. રાજેશના પ્રેમે અને એની સરળતાએ અંજલિનાં ઘણા દૂઝતા જખમો પર હળવે હાથે મલમ લગાડ્યો કર્યો હતો આટલાં વર્ષો, તેમ છતાં એનું છૂટી ગયેલું સંગીત અને એનાં નંદવાઈ ગયેલાં સપનાં અત્યારે એની આંખોમાંથી વહી રહ્યાં હતાં.

એ કેમેય કરી સૂર્યકાંતની છાતીએથી છૂટી નહોતી પડતી. ખાસ્સી વાર રડી લેવા દીધા પછી રાજેશે હળવેકથી એને ખભેથી પકડી, ‘‘સ્વીટહાર્ટ, કુલડાઉન, હવે તો બાપુ આવી ગયા છે ને ! હવે શું કામ રડે છે ?’’

‘‘એ તને નહીં સમજાય.’’ અંજલિએ રડતાં રડતાં ડુમાયેલા અવાજે કહ્યું, ‘‘મારા ભાઈઓ તો જીવી ગયા પોતાની જિંદગી, જીવી લેશે બાકીની પણ ! બસ, એક હું અધૂરી રહી ગઈ...’’ અંજલિ હજુ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. વસુમા સાવ સાક્ષીભાવે એને રડતી જોઈ રહ્યાં હતાં.

નાનપણમાં કોઈ રમકડા માટે કે કોઈ વસ્તુ માટે જીદ કરતી અંજલિને જેમ એ રડવા દેતાં એમ જ અત્યારે પણ એ શાંત ચિત્તે એને રડતી જોઈ રહ્યાં હતાં.

‘‘મારા ઘરે ક્યારે આવશો ?’’ માંડ માંડ સ્વસ્થ થયેલી અંજલિએ સૂર્યકાંતને પૂછ્‌યું.

‘‘તું કહે ત્યારે, પણ મને હસીને આવકારજે. હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો દીકરા.’’

‘‘આટલાં વર્ષો આ આંખોમાં આંસુ જ રહ્યાં છે બાપુ ! રોજ રોજ, પળેપળ અમે મરી મરીને જીવ્યા છીએ તમારા વિના. મા કહે કે ના કહે, હું તો કહીશ- તમે અમને અન્યાય કર્યો છે બાપુ ! તમે અમને અન્યાય કર્યો છે.’’

‘‘જાણું છું બેટા ને માનું પણ છું. ભૂલ થઈ ગઈ મારી.’’ આ કહેતાં સૂર્યકાંતથી અનાયાસે જ વસુમા તરફ જોવાઈ ગયું. વસુમાની સ્થિર નિર્વિકાર આંખો એમને હલાવી ગઈ ! ‘‘બેટા, એ તમામ વર્ષોના અન્યાયનો બદલો ચુકાવી દઈશ હું. ખરેખર કહું છું. તમારા તમામ અભાવોને ભુલાવી દઈશ...’’

‘‘બાપુ, ગમે તેટલું કરીએ, ભૂતકાળ બદલી નથી શકાતો. જે આંસુ મારી આંખમાંથી ખરી પડ્યાં છે એને કેમ કરીને લૂછશો તમે ? જે વર્ષો, જે દિવસો, જે સપનાં તારતાર થઈને, લીરે લીરા થઈને ઊડી ગયાં છે એને કેમ કરીને સાંધશો ?’’

‘‘દીકરી મારી, મને એક તક તો આપ. જે ઘા મેં પાડ્યા છે એને હું જ રુઝાવીશ...’’ સૂર્યકાંતને પોતાનો જ અવાજ બોદો લાગ્યો. છતાં એ બોલતાં રહ્યા, ‘‘તારી વાત સાચી છે કે હું તારો ભૂતકાળ નહીં બદલી શકું, પણ તારી આવનારી જિંદગીમાં હું એટલું સુખ ભરી દઈશ બેટા કે તું વીત્યા વર્ષોના ડામ ભૂલી જઈશ. હું વચન આપું છું તને. હવે ક્યાંય નહીં જાઉં તને મૂકીને મારી દીકરી !’’ અંજલિ ફરી ભેટી પડી સૂર્યકાંતને.

‘‘બાપુ ! ’’

અંજલિ અને રાજેશ ગયાં ત્યારે વૈભવી ઓલરેડી ખરાબ મૂડમાં હતી. એણે જેના નાકમાં લગામ નાખીને રાખ્યો હતો એવો એનો પતિ સાવ અચાનક જ એના કહ્યાની બહાર થઈ ગયો હતો. એણે આ પરિસ્થિતિની કલ્પના ક્યારેય કરી જ નહોતી. એનો અભય, એનો પાળેલો - એનું કીધું કરતો અભય, એના તમામ નખરાં ઉઠાવતો, એને સહન કરતો અભય આમ અચાનક લગામ છોડાવીને ભાગશે અને એ પણ જાહેરમાં એવું એ સ્વીકારી જ શકતી નહોતી.

બીજી વાર અભય બહાર ગયો પછી, ‘‘માથું દુઃખે છે’’નું બહાનું કાઢીને વૈભવી ઉપર ચાલી ગઈ. લજ્જાને એક પાટર્ી હતી અને આદિત્યને ટ્યૂશન...

જાનકીએ થોડુંં સમજીને અને થોડું સમય વર્તી્રને અજયને કહ્યું, ‘‘મંદિર જાઉં છું, હૃદયને લઈને, તમે આવો છો ?’’

ઝાઝું સમજ્યા વિના અજય એની સાથે જવા તૈયાર થઈ ગયો હતો.

અજય અને જાનકી નીકળ્યાં ત્યારે વસુમાના આખાય અસ્તિત્વમાં કશુંક શબ્દોમાં ન વર્ણવી શકાય એવું રણઝણી ઊઠ્યું હતું. એમને પોતાને નવાઈ લાગી હતી. એમણે એમના મનને પૂછ્‌યું હતું, ‘‘ગંગાકિનારે તું તારા તમામ વર્ષોની પ્રતીક્ષાનું, અપેક્ષાઓનું શ્રાદ્ધ કરી આવી હતી વસુ, હવે આ એકાંતની કલ્પનાએ શું થઈ ગયું તને આટલાં વર્ષો્ર પછી ?’’

અલય, શ્રેયા અને લક્ષ્મી જ્યારે તાજ જવા નીકળ્યાં ત્યારે સૂર્યકાંત જઈ જ શક્યા હોત એમની સાથે, પણ એય કોણ જાણે શું વિચારીને રોકાઈ ગયા. વસુ સાથે એકાંત મળશે જ એવું કંઈ નક્કી નહોતું ને કદાચ એકાંત મળી જાય - મળે તો એને માટેની માનસિક તૈયારી પણ હતી કે નહીં એની સૂર્યકાંતને હજીયે ખબર નહોતી.

અમસ્તુય સૂર્યકાંત માટે વસુંધરા સાથેનું એકાંત અકળાવનારું હતું. આજથી પચીસ વર્ષ પહેલાં પણ એમને વસુંધરા સાથે એકલા પડતાં કોણ શું થઈ જતું ! એ બને ત્યાં સુધી એકાદ સંતાનને પોતાની સાથે સૂવા લઈ આવતા. એમના મનમાં આ વધુ ભણેલી, વધુ સ્વરૂપવાન, જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી પત્ની વિશે કોણ જાણે શું પૂર્વગ્રહ હતો કે એ સતત એનાથી ભાગતા રહ્યા હતા આટલાં વર્ષો.

પરંતુ આજે પચીસ વર્ષના સમયગાળા પછી એ જ શ્રીજી વિલાના દીવાનખંડમાં પતિ-પત્ની એકલાં પડ્યાં હતાં.

સૂર્યકાંત ઘડીકમાં વસુ સામે તો ઘડીકમાં ઘરમાં ચારે તરફ જોતા હતા. એમને પોતાની હાજરી જ જાણે અપ્રસ્તુત, બિનજરૂરી લાગતી હતી. ઘણું કહેવું હતું એમને, પણ ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નહોતું. વાતચીત જો વસુ તરફથી શરૂ થાય તો બહુ સારું એવું એ મનોમન ઝંખી રહ્યા હતા. વસુ સાથે નજર મિલાવવાનું કોણ જાણે કેમ એ ટાળી રહ્યાં હતા. ઓરડામાં નજર ફેરવતા જે બે-ચાર વાર વસુ સાથે નજર ટકરાઈ એ પછી એમણે તરત જ નજર પાછી વાળી લીધી.

એથી તદ્દન ઊલટું વસુમા એકીટશે અપલક નયને સૂર્યકાંતને જોઈ રહ્યાં હતાં. એમની દૃષ્ટિમાં કશુંક એવું તો છલોછલ હતું જે છલકાઈને સૂર્યકાંત સુધી છાલક ઉડાડતું હતું.

‘‘ઘર અચાનક ખાલી થઈ ગયું નહીં ?’’ આખરે સૂર્યકાંતથી ના રહેવાયું એટલે એમણે ઔપચારિક વાત શરૂ કરી.

‘‘મને તો અચાનક ભરાઈ ગયું હોય એવું લાગે છે.’’ વસુમાએ એમનું સરળ, મીઠુંં સ્મિત કર્યું.

‘‘વસુ, આટલાં વર્ષો દરમિયાન...’’

‘‘મેં તમને કેમ શોધ્યા નહીં, ખરું ?’’ વસુમા વચ્ચે જ બોલ્યાં, એમનું સ્મિત હજુ અકબંધ હતું.

‘‘જરાય નથી બદલાઈ. વગર કહ્યે મારા મનની વાત સમજી જાય છે.’’

‘‘ના કાન્ત, બહુ બદલાઈ ગઈ છું. ઘણી વાર તો હું પોતે પોતાને ન ઓળખી શકું એટલો બદલાવ આવ્યો છે મારામાં. મારો તરફડાટ અને મારા સવાલો જાણે શમી ગયા છે.’’

‘‘તો તો ખરેખર જ બદલાઈ કહેવાય તું. યાદ છે તને તારા સવાલોથી અકળાઈ ઊઠતો હું અને મગજ ગુમાવીને તને કહેતો- પત્ની છે, પત્ની રહે. પોલીસ થવાનો પ્રયાસ ના કરીશ.’’

નિખાલસ મને હસી પડ્યાં વસુમા, ‘‘પોલીસ હોત તો પીછો ના કર્યો હોત તમારો ? ગમે ત્યાંથી પકડી લાવી હોત તમને.’’ એમના અવાજમાં અચાનક એક ખાલીપો ભરાઈ ગયો, ‘‘પણ કાન્ત, હવે સમજાય છે મને કે પત્ની હતી ત્યારે પોલીસ થતી રહી, અને જ્યારે પોલીસ થવાનું હતું ત્યારે પત્ની થઈને અસહાય પ્રતીક્ષા કરતી રહી.’’

‘‘બહુ ધિક્કાર્યો હશે તેં મને આટલાં વર્ષો, શુંનું શું નહીં કહ્યું હોય મનોમન...અને બરોબર જ છે, તારા માથે આમ જવાબદારી નાખીને ભાગી ગયેલા માણસ માટે શું કામ ધિક્કાર ન જન્મે ?’’

‘‘ધિક્કાર ?!’’ વસુમાના ચહેરા ઉપર એક નિષ્પાક સરળતા હતી, ‘‘ધિક્કાર ? શું કામ ? કાન્ત, તમે માની શકો તો માનજો, મેં તમને ક્યારેય ધિક્કાર્યા નથી. હા, પ્રશ્નો બહુ પૂછ્‌યા. તમને પણ, જાતને પણ અને મારા ઈશ્વરને પણ...’’

‘‘પણ ક્યાંયથી જવાબ ના મળ્યો નહીં ?’’ સૂર્યકાંતે ફિક્કું હસવાનો પ્રયત્ન કર્યો.

‘‘કાન્ત, જવાબો તો દરેક સવાલોના મળતા જ હોય છે. મુશ્કેલી આપણી સાથે હોય છે. આપણને જવાબમાં ના સાંભળવાની ટેવ નથી ને ? એટલે આપણે નાને જવાબ તરીકે સ્વીકારતા નથી.’’

‘‘વસુ, જિંદગીને કદીયે ફિલોસોફીથી જુદી પાડી શકી જ નહીં, તું. વસુ, કદી વિચાર્યા વિના પણ જીવી જોયું હોત, કદી પ્રશ્નો વિનાનો એક સંબંધ કલ્પી જોયો હોત...’’

‘‘કાન્ત, કોણ જાણે કેમ તમે મારી બુદ્ધિ સામે જ જોતા રહ્યા. મને એક હૃદય છે એ વાત પહેલાં તમે ભૂલ્યા ને ધીરે ધીરે મને ભૂલવાડી દીધી.’’

‘‘વસુ, કાં તો તું મને ના સમજી, અને કાં તો મેં તને સમજવામાં ભૂલ કરી.’’

‘‘હવે શું કરવું છે એ સમજી લે. કાન્ત, તમે આવ્યા એ જ બહુ છે. તમારાં સંતાનોની જિંદગીમાં જે ખૂટતું હતું એ તમારા આવવાથી પૂરું થયું છે. જે અભાવ એમને સાલતો રહ્યો જીવનભર એ તમારા આવવાથી હવે નહીં સાલે. એક માને બીજું શું જોઈએ કાન્ત ? મારાં સંતાનોને મારાથી અપાય એટલું આપ્યું છે, પણ પિતા તો નથી જ આપી શકી અને એટલે જ મેં નક્કી કર્યું કે મારે એમને પિતા આપવાનો પ્રયત્ન કરી જોવો. તમે ના આવ્યા હોત તો પ્રયત્ન નિષ્ફળ ગયો એમ માનીને મન વાળી લેત, પણ તમે આવ્યા એથી આ કુટુંબ, આ ઘરની ખૂટતી કડી જોડાઈ છે એનો મને આનંદ છે.’’

‘‘વસુ, તારે મને કંઈ પૂછવું નથી ? લક્ષ્મી વિશે, વીતેલાં વર્ષો વિશે ? મારા જવા વિશે ?’’

‘‘તમારે કહેવું છે ? તો સાંભળીશ હું... બાકી કોઈ કુતૂહલ નથી રહ્યું મને.’’

‘‘વસુ, અહીંથી જવામાં...’’

‘‘દેવું કારણભૂત નહોતું.’’

‘‘તું જાણે છે ?’’ સૂર્યકાંતનો અવાજ ફાટી ગયો હતો.

‘‘તમે ગયા ત્યારે નહોતી જાણતી, ને ખરું માનજો તપાસેય નથી કરી.’’

‘‘તો ? પછી ?’’ સૂર્યકાંત જાણે વસુની હાજરીમાં ફરી એક વાર સાવ નાના, સાવ વામણા થઈ ગયા હતા.

‘‘યશોધરાનાં મા આવ્યાં હતાં, એક દિવસ.’’

‘‘એટલે તું...’’

‘‘કાન્ત, મેં કહ્યુંને તમને, મારે કંઈ પૂછવું નથી. તમારે કહેવું હશે તો સાંભળીશ અને નહીં કહો તો કોઈ વલવલાટ નથી રહ્યો મારી અંદર. આમેય એ સાંભળીને મને કોઈ સુખ નથી મળવાનું કાન્ત.’’

‘‘કેમ આવી છે તું વસુ ? તારા મા-બાપે તારું નામ વસુંધરા પાડીને તને ધરતી જેટલી ઊંડી બનાવી દીધી છે. હાથ, બે હાથ, છ હાથ, પચાસ હાથ- ખોદ્યા જ કરો, પાતાળ જડે નહીં.’’

‘‘કાન્ત, મેં હમણાં જ કહ્યુંને કે તમે મારી બુદ્ધિ સામે જોતા હતા, મારે એક હૃદય છે એ વાત ભૂલી ગયા તમે. કદાચ હુંય ભૂલી ગઈ, પણ એક મન હતું, જે સતત જાગ્યું... જેણે સતત માગ્યું ! આમેય અમને સ્ત્રીઓને મન સાથે જરા વધારે ફાવે છે.’’ વસુમાના ચહેરા પર એક સુંદર સ્મિત વીલસી રહ્યું હતું. જાણે સૂર્યકાંત મહેતા પચીસ વર્ષથી અહીં જ, આમ જ, આ જ ઘરમાં એમની સાથે રહેતા હોય એટલો સહજ સ્વીકાર હતો એમના એ સ્મિતમાં. એ મોઢેથી તો કહેતાં જ હતા કે એમના મનમાં કોઈ ડંખ, કોઈ ધિક્કાર કે ફરિયાદ નથી, પરંતુ એ જ વાત એમના સ્મિતમાં પણ દેખાતી હતી, ‘‘કાન્ત, શરીરના કયા ભાગમાં, કેવા રંગનું ને કેવા આકારનું છે મન, જાણો છો ? અને છતાંય આપણા આટલા મોટા શરીર પર આપણા ભૂતકાળ, આપણા વર્તમાન અને આપણા ભવિષ્ય પર પણ એ મન કાબૂ રાખે છે. કાન્ત, અમે સ્ત્રીઓ મનથી જ વર્તી શકીએ, મનથી જ સમજી શકીએ ને બહુ નવાઈની વાત છે પણ મનથી જ વિચારીએ...’’

‘‘ને પુરુષો ?’’ સૂર્યકાંત વસુને જાણે મુગ્ધભાવે સાંભળી રહ્યા હતા.

‘‘તમે પુરુષો મગજથી વર્તો છો. તમારું મગજ તમારી પાસે ધાર્યું કરાવે. દરેક પરિસ્થિતિને ત્રાજવામાં લઈને માપવાની, તોળવાની અનેપછી મગજ કહે એ પ્રમાણે વર્તવાનું. તર્ક વિનાનો કોઈ સંબંધ તમને પુરુષોને ક્યાં સમજાય છે ?’’

‘‘વસુ, તું સાચી છે એવું જાણું છું, હવે સ્વીકારું પણ છું, પણ મને એક વાત કહે, તું થોડીક ઉદાર થઈને સમજદારીથી વર્તી હોત તો આપણે કદાચ છૂટા ના પડ્યા હોત.’’

‘‘કાન્ત, છોડીને તમે ગયા, હું તો હજીયે ત્યાં જ ઊભી છું.’’

‘‘હા, એમ રાખ, પણ હું છોડીને કેમ ગયો ? તેં થોડીક ઉદારતા, થોડીક ધીરજ બતાવી હોત તો કદાચ...’’

‘‘કાન્ત, શું થયું હોત, શું થઈ શક્યું હોત એની ચર્ચા અત્યારે અસ્થાને છે. જે થયું છે એ થઈ જ ચૂક્યું છે. એને હું કે તમે બદલી શકીએ એમ નથી, પરંતુ એક વાત કહેવી છે અહીં, જે કહેવા માટે તમને બોલાવ્યા છે મેં આટલે દૂર... આટલાં વર્ષો પછી...’’

‘‘બોલ !’’ સૂર્યકાંતે પૂછ્‌યું તો ખરું, પણ એમનું હૃદય ત્રણ ગણી ઝડપે ધડકી રહ્યું હતું. કપાળ પર પરસેવો થવા માંડ્યો હતો. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હતી. હોઠ સુકાવા લાગ્યા હતા અને વસુ શું બોલશે એની પ્રતીક્ષામાં મન વ્યાકુળ થઈ ગયું હતું.

વસુમા શાંત-સ્વસ્થ નજરે સ્થિર, અપલક સૂર્યકાંતને જોઈ રહ્યા હતા.

‘‘બોલ, શું કહેવું છે ?’’ સૂર્યકાંતે હોઠ પર જીભ ફેરવી.

‘‘કાન્ત, તમને એ સમયે જે સાચું લાગ્યું એ તમે કર્યું. કારણ કદાચ એક પણ નથી અથવા સો છે... મારે જે કહેવાનું છે એ માત્ર એટલું જ છે કાન્ત કે જેમ મેં તમને જવાબદાર નથી ઠેરવ્યા આ વીત્યાં વર્ષો માટે એમ તમારા જવા પાછળનું કારણ હું નથી એટલું સાંભળવું છે મારે.’’ આટલું બોલતાં બોલતાંમાં તો વસુમાને જાણે શ્રમ પડી ગયો હતો. એમનો શ્વાસ ભરાઈ આવ્યો. આંખો બહુ જ આછી પણ ભીની થઈ આવી. અત્યાર સુધી જે સ્વસ્થતા એમના આખા ચહેરા પર દીપશિખાની જેમ પ્રજ્વળતી હતી એ સ્વસ્થતા કોણ જાણે ક્યાં ચાલી ગઈ !

‘‘કાન્ત, હું જાણું કે હું કેટલી સાચી છું. કોઈ પ્રમાણપત્રની આવશ્યકતા નથી. તેમ છતાં એક પડાવ પર આવીને મારે તમારા મોઢે મારાં સંતાનોની હાજરીમાં સાંભળવું છે કે તમે તમારા કારણસર, તમારી ઇચ્છા અને મરજીથી, તમારા સુખની શોધમાં આ ઘર છોડીને ગયા હતા... મારું કોઈ વર્તન કે ગેરવર્તન એને માટે જવાબદાર નહોતું કાન્ત.’’

આટલું કહીને વસુમાએ સોફાની પીઠ પર માથું ઢાળી દીધું. આંખો મીંચી દીધી અને ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગ્યાં. સૂર્યકાંત હળવેથી ઊભા થયા, સોફાની નજીક આવીને થોડી વાર ઊભા રહ્યા. એક વાર હાથ લંબાવ્યો, પછી કોણ જાણે શું વિચારીને પાછો ખેંચી લીધો અને પછી ફરી પ્રયત્નપૂર્વક હાથ લંબાવીને વસુમાના કપાળ પર મૂક્યો...

એમણે હળવેકથી વસુમાના કપાળથી વાળ સુધી હાથ ફેરવવા માંડ્યો...

અત્યાર સુધી ડૂમો બનીને ગોરંભાતું રહેલું રૂદન બંધ આંખે જ વસુમાની આંખોના ખૂણામાંથી ગાલ ઉપર થઈને ગળા સુધી વહી આવ્યું.

રાજેશ અને અંજલિ ઘેર પહોંચ્યાં ત્યાં સુધી અંજલિ ધીમું ધીમું રડતી હતી. લગ્નનાં પાંચ વર્ષમાં એણે રાજેશને ક્યારેય નહોતી કહી એવી કેટલી બધી વાતો એ રાજેશને કહીરહી હતી. એનું બાળપણ, એની યુવાની, એના મનમાં ઉદભવેલા સવાલો, એનું સંગીત, એનાં સપનાં...

કોણ જાણે એ શું શું બોલી રહી હતી !

એના પહેલા અને બીજા વાક્ય વચ્ચે મોં-માથાનો મેળ નહોતો અને છતાંય રાજેશ સંપૂર્ણ સ્વસ્થતા રાખીને શાંત ચિત્તે એને સાંભળી રહ્યો હતો. એક હાથ ગાડી ચલાવતા એણે અંજલિનો એક હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો હતો.

પોતાની વાત કહેતી અંજલિ એટલી તો વહી ગઈ હતી કે એને એટલુંં પણ ભાન નહોતું રહ્યું કે એણે વાતવાતમાં રાજેશને એની સાથેના પોતાના લગ્નની તીવ્ર અનિચ્છા વિશે પણ કહી જ દીધું હતું.

‘‘જો બાપુ હોત તો એમણે જરૂર મારો પક્ષ લીધો હોત. અલય તો ખૂબ નાનો હતો. અજયભાઈનો કોઈ સે જ નહોતો ઘરમાં. અભયભાઈ અને ભાભીએ મળીને આ લગ્ન કરાવી દીધાં. રાજેશ, મારે લગ્ન નહોતાં કરવાં ને તમારી સાથે તો નહોતાં કરવા ! હું તમને પ્રેમ નહોતી કરતી રાજેશ, મારે તો મારા સંગીતમાં કારકિદર્ી બનાવવી હતી. તમારા ઘરની ચાર દીવાલમાં હીરા-મોતીના દાગીના લટકાવવાનું હેન્ગર નહોતું બનવું મારે ! તમે અને તમારા મમ્મી-પપ્પાએ દૂરાગ્રહ કરીને અમારી ઇચ્છા-અનિચ્છા જાણવાનો પ્રયત્ન જ ના કર્યો... યુ લવ્ડ મી, આઇ ડિન્ટ ! મારા બાપુ હોત તો મેં ખૂલીને કહ્યું હોત કે આ લગ્ન નથી કરવા મારે, પણ વૈભવીભાભી અને અભયભાઈએ મારી માના ભેજામાં કોણ જાણે શું ભરી દીધું કે કોઈએ મારી વાત સાંભળી જ નહીં... અને બાપુ હવે આવ્યા છે ! બહુ મોડું થઈ ગયું છે રાજેશ, બહુ મોડું થઈ ગયું છે. હવે આવ્યાનો શો ફાયદો ? મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને ? મારાં સપનાં અધૂરાં જ રહી ગયાં રાજેશ... હું હારી ગઈ...’’ રડતી, પોતાની ધૂનમાં બોલતી જતી અંજલિને ખ્યાલ પણ નહોતો કે પોતાના હાથ ઉપર રાજેશની પકડ અચાનક જ ઢીલી થઈ ગઈ હતી !

ગાડી ઘરે પહોંચી ત્યાં સુધી અંજલિ બોલતી રહી અને રાજેશ સાંભળતો રહ્યો, પણ રાજેશની અંદર જાણે એક ઉઝરડો પડી ગયો હતો.

એની અંજલિ જે એનું શ્વાસ અને પ્રાણ હતી એ એને નહોતી ચાહતી ?

આજ સુધી એ બંને જે જીવી ગયા એ શું હતું ? એક જૂઠ ? એક છલ? એક પરાણે બાંધી દેવાયેલી ગાંઠ ?

અને જે અંજલિ માટે એણે બધું જ કર્યું એ અંજલિ કહેતી હતી કે એની જિંદગી બરબાદ થઈ ગઈ...

રાજેશ સાંભળતો રહ્યો અંજલિની વાત, પણ એના મનમાં એક સમાંતર વિચારની એવી તો જ્વાળા ઊઠી હતી જે એને રોમેરોમ દઝાડવા લાગી હતી !

હવેલી જેવો મોટો સિસમનો દરવાજો ખોલતાં જ રાજેશના પગ ઉપર એક કવર અથડાયું. એણે ઊંચકીને જોયું. સફેદ રંગના મોટા કવર ઉપર સોનેરી અક્ષરોએ લખ્યું હતું- શ્રીમતી અને શ્રી રાજેશ ઝવેરી. એણે કવર ખોલીને જોયું. અંદર બે આમંત્રણ હતાં. એ-૮ અને ૯... આવતા શનિવારની સાંજે એન.સી.પી.એ.માં શફ્ફાક અખ્તરના લાઇવ શો માટે એમને વી.આઈ.પી. સિટ્‌સ મોકલવામાં આવી હતી.

‘‘શું છે ?’’ એની પાછળ દાખલ થયેલી અંજલિએ એ કવર અને બે પાસ ઉપાડ્યા... જોયા.

‘‘ઇન્વીટેશન છે.’’

‘‘ગઝલ ! શફ્ફાક અખ્તરની. આપણે જઈશું ?’’

‘‘હું ક્યાં આવું છું તારી સાથે ક્યારેય ? મને ક્યાં સમજણ જ પડે છે, સંગીતમાં...’’ આટલાં વર્ષોમાં પહેલી વાર અંજલિને રાજેશનો અવાજ જુદો લાગ્યો.

‘‘એટલે જ- આ વખતે આવો મારી સાથે.’’ રાજેશે અંજલિ સામે જોયું. અંજલિના અવાજમાં ક્યાંય કોઈ બનાવટ નહોતી.

‘‘ના. તું જજે. હું ક્લબમાં જઈને દારૂ પીશ.’’ રાજેશે કવર સેન્ટર ટેબલ પર ફેંક્યું અને અંદરના રૂમ તરફ જવા આગળ વધી ગયો. જતાં જતાં એણે જાત પરનો કાબૂ ગુમાવીને કહ્યું, ‘‘આમેય મને એ સિવાય બીજું શું આવડે છે ?’’

અંજલિને કોણ જાણે કેમ છેલ્લું વાક્ય અડી ગયું. રાજેશ આવી રીતે ક્યારેય નહોતો વર્તતો. પોતે સાવ પારદર્શક થઈને એને કહેલી નિખાલસ વાતોનો આમ અવળો અર્થ કાઢીને એ આવું વર્તી શકે એ વાતે અંજલિનું સ્વમાન ઘવાઈ ગયું અને એણે મનોમન નક્કી કર્યું કે રાજેશ આવે કે નહીં, પોતે એ શોમાં જશે.

કપડાં અસ્તવ્યસ્ત... વાળ વિખરાયેલા અને નશામાં ધૂત... અનુપમા રસ્તા પર ટેક્સી માટે ફાંફા મારતી હતી !

એક કરોડ રૂપિયાની હિરોઈને અડધી રાતે સાવ એકલા-અટૂલા રસ્તા પર તાજની બહાર ફૂટપાથ પર ફરી એક વાર બૂમ પાડી, ‘‘ટેક્સી...’’ અને એક લથડિયું ખાધું. લગભગ પડવાની તૈયારીમાં હતી એ.

અલયે નિરવ સામે જોયું અને પછી એક પણ ક્ષણ ગુમાવ્યા વિના જઈને અનુપમાને પકડી લીધી.

‘‘થેન્ક યુ.’’ અનુપમાએ અલયની સામે જોયા વિના કહ્યું.

‘‘ક્યાં જવું છે મેડમ ?’’

‘‘ઘેર... બીજે ક્યાં જવું હોય ?’’

‘‘હું ઉતારી દઉં...’’

‘‘તમે જોયું છે મારું ઘર ?’’

‘‘હા.’’

‘‘તમે ઓળખો છો મને ?’’ અનુપમા ધીરે ધીરે અલયના ખભા પર ઢળતી જતી હતી. એના વાળ અલયના ખભા પર થઈને અલયની પીઠ સુધી ફેલાયા હતા. એણે એક હાથ અલયના હાથમાં પરોવીને એનું બાવડું પકડી લીધું હતું. તેમ છતાં એ ડોલતી હતી. એનું શરીર સ્થિર રહી જ નહોતું શકતું.

કાળા રંગનું ઓફ શોલ્ડર ટોપ એટલું ટૂંકું હતું, જેમાંથી એની કમર અને પેટ સ્પષ્ટ ઝળકતા હતા. નીચે લગભગ દસ મીટરના શિફોનનો સ્કર્ટ પહેર્યો હતો એણે, જે એની નાભીથી નીચે સરકી ગયો હતો. એના ઓફ શોલ્ડર ટોપનું ઠેકાણું નહોતું. એનું ટોપ ધીમે ધીમે નીચે સરકી રહ્યું હતું અને એની ગોરી ચામડી ઊઘડતી જતી હતી. અલયે એક ક્ષણ વિચાર કરીને એનું ટોપ છાતી પાસેથી પકડીને ઉપર ખેંચ્યું.

‘‘થેન્ક યુ !’’ એણે ફરી કહ્યું અને અલયના ખભે માથું મૂકી દીધું. અને અલયના બાવડાને લપેટેલો હાથ થોડો વધુ મજબૂતીથી કસ્યો.

‘‘જોયું ને ? આ તમારી અનુપમા ઘોષ...’’ શ્રેયાને ત્રાસ થતો હતો.

‘‘કુલ ડાઉન, એ નશામાં છે.’’ નીરવ પરિસ્થિતિ વણસે નહીં એ માટે મરણિયો થઈ ગયો હતો. એ જાણતો હતો શ્રેયાનું પઝેશન, અલય માટે. બીજી કોઈ છોકરી અલયને જુએ તો પણ શ્રેયા ક્યારેક અકળાઈ જતી. એને માટે એની દુનિયા અલયથી શરૂ થઈને અલય પર જ પૂરી થઈ જતી. એના વર્તુળનું કેન્દ્ર હતો અલય. શ્રેયા અલયનું અનુપમા ઘોષ માટેનું આકર્ષણ જાણતી હતી, પણ એ હસવામાં કાઢી નાખતી, કારણ કે અનુપમા ઘોષ ક્યારેય પણ અલયને મળશે એ વાત એની કલ્પનામાં નહોતી.

મળશે તો પ્રોફેશનલી ફિલ્મ માટે મળશે, પણ એનીયે સંભાવના જૂજ જ હતી. એટલે શ્રેયા બહુ વાંધો ના ઉઠાવતી, પણ આજે અનુપમા જે રીતે વળગી રહી હતી અલયને એ શ્રેયા માટે અસહ્ય હતું. એનું ચાલે તો એ જઈને એક તમાચો મારી દેત અનુપમાને... પણ નીરવે એનો હાથ પકડી રાખ્યો હતો. શ્રેયા છટપટતી હતી અનુપમાને અલયથી દૂર કરવા.

એનો અલય, એની એકલીનો અલય, જેને એ છેલ્લાં સાત-સાત વર્ષથી પાગલની જેમ પ્રેમ કરતી હતી એ અલય અત્યારે કોઈ બીજી સ્ત્રીના બાહુપાશમાં એની નજર સામે લપેટાયેલો હતો, અને એ કંઈ જ કરી શકતી નહોતી. ગુસ્સામાં એની આંખો ભરાઈ આવી હતી. નીરવના હાથમાં પકડાયેલો એનો હાથ છૂટવા માટે તરફડતો હતો. એનો ગુસ્સો એનું માથું ફાડીને બહાર નીકળી જાય એટલી હદે કાળઝાળ થઈ ગયો હતો અને છતાં નીરવ જે થાય તે થવા દેતો હતો !

નીરવ એની નજર સામે એક તક જોઈ રહ્યો હતો ! એક એવો સમય, એવી પળ જેનો અલય યોગ્ય ઉપયોગ કરે તો અલયની જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી જાય !

‘‘આ છોકરી શ્રેયા, હૃદયથી વિચારતી હતી... એ અત્યારે કંઈ પણ આડુંઅવળું કરે તો અલયની જિંદગીમાં માંડ માંડ આવેલી આ તક રેતીની જેમ સરકી જાય અને ફરી એક વાર અલયે એકડે એકથી ગણતરી માંડવી પડે.’’ નીરવની અંદર જીવતો વેપારી વિચારી રહ્યો હતો, ‘‘અલય જે છોકરીને લઈને ફિલ્મ બનાવવા માગતો હતો, જે છોકરી અલયના સપનામાં રંગ ભરી શકે એમ હતી... જે છોકરી અલયની આટલાં વર્ષોની મહેનતને એક ઝાટકે સફળ કરી શકે એમ હતી. એ છોકરી અત્યારે અલયના બાહુપાશમાં હતી !’’

‘‘છોડ મને.’’ શ્રેયા અકળાઈ હતી.

‘‘શાંતિ રાખ.’’

‘‘વોટ રબીશ, ભરરસ્તા ઉપર આ શું તાયફો ચાલે છે ? મારાથી આ સહન નથી થતું.’’

‘‘શ્રેયા, એ પીધેલી છે, એકલી છે, એને ઘરે મૂકી આવવી જોઈએ.’’

‘‘તો તું જા ને... હું ને અલય ઘરે જઈએ. લક્ષ્મીને તો આમ પણ ઉપર જ જવાનું છે.’’

‘‘સ્ટોપ ધેટ નીરવ.’’ શ્રેયા ભયાનક ચીડાઈ હતી.

લક્ષ્મીને આ છોકરીનો ચહેરો જાણીતો લાગતો હતો, પણ ઓળખાણ નહોતી પડી હજી ! અલયની સાથે ઓ છોકરીનું લપેટાવું અને શ્રેયાનું મગજ ગુમાવવું સમજાતું હતું એને. પણ એ મૂક સાક્ષી બનીને જોઈ રહેવા સિવાય કંઈ કરી શકે એમ નહોતી.

લથડતી, લપેટાતી અનુપમાને લઈને અલય નજીક આવ્યો.

‘‘નીરવ, હું આને...’’

‘‘ઓહ યેસ, તું એને મૂકી આવ. હું શ્રેયાને ઉતારી દઈશ.’’

‘‘પણ હું આવું છું ને તારી સાથે.’’ શ્રેયાએ કહ્યું અને અલયને બીજા બાવડેથી પકડી લીધો.

‘‘શ્રેયા, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ...’’

‘‘યુ અન્ડરસ્ટેન્ડ ! તું જાણે છે મને...’’

‘‘શ્રેયા, આ દલીલો કરવાનો સમય નથી. એ ભાનમાં નથી. તું તો છે ને ? ચાલ, હું તને મૂકી જાઉં.’’ શ્રેયા લગભગ અનિચ્છાએ ખેંચાઈ.

‘‘ટેક્સી...’’ પસાર થતી એક ખાલી ટેક્સીને અલયે રોકી અને અનુપમાને અંદર ધકેલી. શ્રેયાનો હાથ હજીયે નીરવના હાથમાં જકડાયેલો હતો. અલય ટેક્સીમાં પાછળ બેઠો, ‘‘ઘરે પહોંચીને એક ફોન કરી દેજે.’’ અને ટેકસી ઉપડી ગઈ.

ટેક્સીના પાછળના કાચમાંથી અલયના ખભે માથું મૂકીને ઊંઘતી અનુપમાને જોઈને શ્રેયાએ ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો અને ટેક્સીની પાછળ દોડી...

અંધાધૂંધ દોડતી શ્રેયા એક ભયાનક સ્પીડે આવતી ગાડીની બ્રેકના ચૂંઉંઉંઉંઉં.... અવાજથી જાણે ભાનમાં આવી અને એની પાસે આવી પહોંચેલા નીરવના ખભે માથું મૂકીને રડી પડી.

(ક્રમશઃ)