જોકર – સ્ટોરી એક લુઝરની – 42 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોકર – સ્ટોરી એક લુઝરની – 42

જોકર – સ્ટોરી એક લુઝરની
ભાગ – 42
લેખક – મેર મેહુલ
ખુશાલે જૈનીતનું લાલ જેકેટ ઉતારી કેસરી શર્ટના બટન ખોલ્યા.શર્ટ ખોલતાં તેની નજર સામે જે નજારો હતો એ જોઈને ખુશાલથી આવી સ્થિતિમાં પણ હસવું આવી ગયું.
“શાણો માણસ છે”ખુશાલે કહ્યું.
જૈનીતના કેસરી શર્ટ નીચે બુલેટ પ્રૂફ જેકેટ હતું.જોકરના કપડાંમાં જૈનીતને જોઈને ખુશાલને આશ્ચર્ય તો થયું જ હતું.હવે તેને વિશ્વાસ આવી ગયો કે મામલો તેણે ધર્યો એટલો સીધો નથી.ખુશાલને પણ જોકર પસંદ હતો એટલે જ તેણે જીદ કરી આ બંગલાનું નામ ‘જોકર બંગલો’ રખાવ્યું હતું.
તેણે આહીસ્તાથી જેકેટને જૈનીતના શરીરથી દુર કર્યું.કવચ એટલું મજબૂત ન હોવાને કારણે ત્રણ ગોળી જેકેટને છેદી જૈનીતના શરીરમાં ઘુસી ગઈ હતી.સદનસીબે એકપણ ગોળી જૈનીતના છાતીના ભાગ પર નહોતી લાગી.ત્રણેય ગોળી પેટના ભાગમાં લાગી હતી એટલે ખુશાલે પહેલાં એ ગોળીઓ કાઢી ત્યાં સ્ટીચીસ લઈ પાટો બાંધી દીધો.ચહેરા પર અને શરીરના બાકીના હિસ્સા પર જ્યાં નાના-મોટાં ઉઝરડા પડી ગયા હતા ત્યાં ખુશાલે દવા લગાવી પાટાપિંડી કરી દીધી.
હાલ પૂરતી જૈનીતની સારવાર થઈ ગઈ હતી.શરીરના આંતરિક અંગોમાં કેટલી ઇજા પહોંચી એ એક્સ-રે અને સીટી-સ્કેન કર્યા પછી માલુમ પડવાનું હતું એટલે ખુશાલે આગળની પ્રોસેસ હાથ ધરી.
સૌથી પહેલું કામ જૈનીતના ઘરવાળાઓને આ ઘટનાથી વાકેફ કરવાનું હતું.ખુશાલે જૈનીતના કપડાં ચેક કર્યા.તેમાં કોઈ વસ્તુ નહોતી.તેણે વૃષભને બોલાવી ગાડીમાંથી જૈનીતની બેગ મંગાવી.
બેગ ખોળતા ખુશાલને જૈનીતનો મોબાઈલ અને જૈનીતની બે ડાયરી હાથમાં લાગી.ખુશાલે મોબાઈલનો લૉક ખોલ્યો.સદનસીબે તેમાં કોઈ પાસવર્ડ નહોતો.રિસેન્ટ કૉલ ચૅક કર્યો તો તેમાં નિધિનું નામ હતું. નિધિને આ ઘટનાની જાણ કરી પોતાનાં બંગલાનું એડ્રેસ આપી દીધું.નિધિ તત્કાળ જોકર બંગલા તરફ નીકળી ગઈ હતી.
એ આવે ત્યાં સુધી ખુશાલે ડાયરી પર નજર કરવાનું વિચાર્યું.તેણે પહેલી ડાયરી ખોલી.
“જૂન,2018,
આજે હું બધું ગુમાવી ચુક્યો છું,મારાં માતા-પિતા,મારી નિધિ,મારાં દોસ્તો,મારું મિશન બધું જ ગુમાવી ચુક્યો છું.અત્યારે હું એવી જગ્યા પર છું જ્યાં હું કોઈને ઓળખતો નથી.મારી ઓળખાણ છુપાવીને ફરું છું.હું કોઈની સાથે વાત નથી કરી શકતો.
એ જ કારણથી મેં આજે ડાયરી લખવાનું શરૂ કર્યું છે. અહીં હું મારી યાદોને સાચવીને રાખવા ઈચ્છું છું.
સિંહપુરથી તળાજા જતાં વરલ પછી એક વળાંક આવે છે.ત્યાંથી રામગઢનો રસ્તો ફંટાય છે……”
ખુશાલે તો ટાઈમ પાસ માટે જ ડાયરી વાંચવાનું શરૂ કર્યું હતું.પણ જેમ જેમ એ ડાયરી વાંચતો ગયો તેમ તેમ કોઈ નવલકથાની માફક એ તેમાં ઉતર તો ગયો.
સવાર થઈ ગઈ પણ ખુશાલ હજી એ ડાયરી વાંચી રહ્યો હતો.એ ડાયરીમાં કેટકેટલાં રહસ્યો દફન થયેલાં હતા એ માત્ર જૈનીત જ જાણતો હતો.હવે ખુશાલ પણ.
ખુશાલે જ્યારે ડાયરી પુરી કરી ત્યારે તેણે મનોમન એક નિર્ણય લઈ લીધો હતો.જૈનીતનું મિશન જ્યાં અટક્યું હતું ત્યાંથી એ બેડું પોતાનાં સર લઈ તેણે આગળ ધપાવવાનું નક્કી કરી લીધું.
બપોરે નિધિ આવી એટલે ખુશાલે તેને બધી ઘટનાથી વાકેફ કરી.ખુશાલે ડાયરીવાળું રહસ્ય જાણીજોઈને નિધિથી છુપાવ્યું.
પછીના દિવસથી જ જૈનીતને રેડ એરિયાની ઓરડીમાં શિફ્ટ કરી લેવામાં આવ્યો.આ એરિયામાં જૈનીતને રાખવા પાછળ પણ એક કારણ હતું.એ લોકો પૂરું સુરત ખોળી નાખવાના હતા માત્ર તેનો આ એરિયો છોડીને. જૈનીતના ડાબા હાથે ફેક્ચર હતું અને ડાબા ખભે ક્રેક પણ હતો તેથી તેને રિકવર થવામાં ખાસ્સો સમય લાગવાનો હતો એટલે ખુશાલે જ જૈનીત બની મિશનને અપનાવી લીધું.
તેને પહેલું કામ ક્રિશાને મળવાનું હતું.ક્રિશાને મળીને તેને વિશ્વાસમાં લેવાની હતી.બકુલનો સાથ મળતાં ખુશાલે ષડયંત્ર રચીને ક્રિશા સાથે વાત કરવાનું નક્કી કરી લીધું.હાલ ખુશાલ ડેરીડોનમાં ક્રિશાને જૈનીતની ડાયરીમાં જે લખ્યું હતું એ પોતાની જુબાને કહી રહ્યો હતો.
***
જેલમાંથી ફરાર થવામાં મને ચોકીના ઇન્સ્પેક્ટર જુવાનસિંહે જ મદદ કરી હતી.તેઓએ મારાં પર શા માટે મહેરબાની કરી એ મને ખબર નહિ પણ મને બકુલના ઘરે જવા કહ્યું એટલે હું એટલું તો સમજી જ ગયો હતો કે તેઓનો ઈરાદો સારો હતો.હું બકુલના ઘરે પહોંચ્યો ત્યારે નિધિ,બકુલ અને શેફાલી હજાર હતા.મારી હાલત ખરાબ હતી.મને મૂઢ ઘા વાગ્યાં હતા.મારો ચહેરો પણ સોજી ગયો હતો.
દરવાજે મને ઉભો જોઈ નિધિ દોડીને મને વળગી ગઈ.જખમ મારો એકનો જ હતો પણ કદાચ દર્દ તેને પણ થતું હતું.એ મને વળગીને રડતી હતી.મેં તેને શાંત કરી.
“આ બધું કેવી રીતે થયું બકુલ?”મેં પૂછ્યું, “જુવાનસિંહે કેમ મને મદદ કરી?”
“અમે તેઓને મળવા બોલાવ્યાં હતા”બકુલે માંડીને વાત કરી, “તેઓના ઇમાનદારીના કિસ્સા મેં સાંભળેલા હતા એટલે એ વ્યક્તિ મને વિશ્વાસપાત્ર લાગ્યા.મેં આપણાં મિશન વિશે તેને બધી વાત કહી.સાથે નિધીએ થોડાં વિડયો પણ તેને દેખાડ્યા.એ ભલો વ્યક્તિ નીકળ્યો.તેણે તને મારીને ભૂલ કરી એ સ્વીકાર્યુ.તેઓએ જ તને જેલમાંથી બહાર કાઢવા પ્લાન આપ્યો.હવે તું આ શહેર છોડી દે.મિશન તો પછી પણ પૂરું થઈ જશે.જુવાનસિંહે કહ્યું છે,વિક્રમ દેસાઈ સુધી તારી વાત પહોંચી ગઈ છે.એ ગમે ત્યારે તારા સુધી પહોંચી શકે છે”
“આ વિક્રમ દેસાઈ કોણ છે?”મેં પૂછ્યું.
“આપણે જે થડ શોધતાં હતા એ જ”બકુલે કહ્યું, “બધાં લોકો આનાં ઈશારા પર જ નાચે છે”
હું સહેજ હસ્યો, “આપણે જે શોધતાં હતા એ તો મળી ગયું છે. તો હવે મારે ભાગવાની શું જરૂર છે?”
“એ માણસ ક્રૂર છે,ઘાતકી છે”નિધીએ કહ્યું, “જુવાનસિંહ જેવો જુવાનસિંહ હાથ પર હાથ ધરીને બેઠો છે તો આપણે શું કરી શકીએ?”
“તું આવું કહે છે નિધિ?”મને ગુસ્સો આવ્યો.
“પણ અમે તને ખોવા નથી માંગતા”નિધિની વાત શેફાલીએ કહી.
“મારી પાસે ખોવા માટે તમે ત્રણ જ વ્યક્તિ છો”મેં કહ્યું, “અને તમે ત્રણ જ વ્યક્તિ મારા જુસ્સામાં વધારો કરનારા છો.મારે તમારો સપોર્ટ પહેલાં જેવો જ જોઈએ છે.ભૂલી જાઓ વિક્રમ દેસાઈને.એ વિચારોને,આપણી સાથે હવે એક ઇસ્પેક્ટર છે.આપણે તેની પણ મદદ લઇ શકીશું”
સૌએ મારી વાત પર વિચાર કર્યો.અમે પહેલાં કરતાં એક ડગલું આગળ વધી ગયાં હતાં.પહેલાં કરતાં અમારી પાસે વધુ માહિતી હતી.વિક્રમ દેસાઈનું નામ પણ સામે આવ્યું હતું. હું હવે પાછળ હઠવાના મૂડમાં નહોતો.
“અમે તારી સાથે છીએ”સૌએ એકબીજા સામે જોયાં પછી બકુલે કહ્યું, “આગળ જે થશે એ જોયું જશે”
“તો પ્લાનમાં થોડો ફેરફાર છે”મેં કહ્યું, “જુવાનસિંહને કોઈએ બાતમી આપી હતી.મતલબ કોઈને આપણાં પ્લાન વિશે ખબર પડી ગઈ છે,આપણે હવે એ વ્યક્તિને પકડીશું.તેની પાસેથી માહિતી ઓકાવીશું અને વિક્રમ દેસાઈ સુધી પહોંચી જશું”
“હા મને પણ એવું લાગ્યું”બકુલે કહ્યું, “તેઓ ઘણાં દિવસથી આપણો પીછો કરતાં હતાં”
“બસ તો એ વ્યક્તિ આપણો આગળનો ટાર્ગેટ”મેં કહ્યું.
“જુવાનસિંહે મને જરૂર હોય ત્યારે કૉલ કરવા નંબર આપ્યો છે”બકુલે કહ્યું.
મેં બકુલ પાસેથી નંબર લઈ જુવાનસિંહને કૉલ કર્યો.
“જૈનીત બોલું”તેણે કૉલ રિસીવ કર્યો એટલે મેં કહ્યું.
“તું પહોંચી ગયોને?”જુવાનસિંહે કહ્યું.
“મારી મદદ કરવા માટે તમારો આભાર”મેં કહ્યું, “તમને કોણે બાતમી આપી હતી?”
“તું થોડાં સમય માટે અન્ડરગ્રાઉન્ડ થઈ જા”જુવાનસિંહે સલાહ આપતાં કહ્યું, “એને હું જોઈ લઈશ”
“હું એ ના કરી શકું જુવાનસિંહ”મેં કહ્યું, “મારાં લોહીમાં એવું કંઈ ભળ્યું જ નથી.તમે બસ નંબર આપો અને હવે તો તમે પણ સાથે છો તો મારો ડર થોડી હદે ઓછો થઈ ગયો છે”
જુવાનસિંહે મને એ વ્યક્તિનું નામ આપ્યું.નામ સાંભળી મારાં રુવાંટા ખડા થઈ ગયા.એ વ્યક્તિને કારણે મારે ઘણુંબધું સહન કરવું પડ્યું હતું.હવે મારો વારો હતો.
(ક્રમશઃ)
કોણ હતું એ વ્યક્તિ?,જૈનીત કોની વાત કરી રહ્યો હતો?,જૈનીતનું ભવિષ્ય કંઈ દિશામાં હતું?,જૈનીત વિક્રમ દેસાઈ સુધી કેવી રીતે પહોંચી શકશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226