મારી મા - મારી ભગવાન - મલય શાહ Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી મા - મારી ભગવાન - મલય શાહ

આજે સવારે દિવ્ય ભાસ્કરમાં ઓનલાઇન એક લેખ વાંચ્યો, વાંચતાં વાંચતાં મારું મન મારી જ અંદર ડોકિયું કરવા લાગ્યું, પ્રથમ એ લેખને સહેજ ફેરફાર સાથે સંક્ષિપ્તમાં રજૂ કરું છું!

એક નવદંપતી શહેરમાં નવા ઘરે રહેવા આવ્યું હતું. પતિ-પત્ની બંને સારી જોબ કરતાં હતાં, સુખેથી જીવન વિતાવતાં હતાં.

પત્ની પાસે એક નાનું બોક્સ હતું અને એણે પતિને કહ્યું હતું કે, આ બોક્સને તમારે અડવાનું નથી. મારી મમ્મીએ ખાસ મારા માટે આપેલું છે. પતિએ પ્રથમ તો આનાકાની કરી પછી એની વાતને બિનશરતી સ્વીકારીને ભૂલી પણ ગયો.

૨૫ વર્ષના એ દામ્પત્ય જીવનમાં બંને એ ઘણા ઉતાર ચઢાવ જોયા, પણ પત્નીની સૂઝબૂઝથી બધું સરસ પાર પડ્યું. એકાએક પત્ની બીમાર પડતાં હૉસ્પિટલમાં દાખલ કરવી પડી.

ઘરે આવ્યા પછી આજે પત્નીએ એ બોકસનું રહસ્ય ખોલ્યું અને કહ્યું કે, "જ્યારે હું પરણીને સૌપ્રથમ આપણા આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્સ મને આપેલું, એમાં સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન આપ્યો હતો. એણે કહ્યું હતું કે, “તને જ્યારે જ્યારે ઘરમાં કોઇ નિરાશા ઉત્પન્ન થાય, જિંદગી બોજ લાગે કે કોઇપણ કારણોસર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગી જજે, એ તારી હતાશાઓને દૂર કરી દેશે."


એનો પતિ એકદમ લાગણીવશ થઈ ગયો. પણ ખોલીને જોયું તો બોક્સમાં માત્ર બે જ સ્વેટર હતા...
એટલે ગળગળો થઇને ધીમેથી બોલ્યો, “છેલ્લા ૨૫ વર્ષમાં તેં બે જ સ્વેટર બનાવ્યા...!!!"
અને આ રૂ.૨,૮૨,૫૦૦ કેમ અહીં છે?” પત્નીએ કહ્યું, “અરે એ તો અત્યાર સુધીમાં જેટલા સ્વેટર બનાવીને વેચ્યા તેના છે...!!

આ લેખ વાંચીને હું મારી જિંદગીમાં ખોવાઈ ગયો. સ્ત્રી એક મા, પત્ની, બેન કે દીકરી તરીકે પરિવારનું કેન્દ્ર છે, વર્તુળની ધરી છે. એની સૂઝબૂઝ વગર જિંદગીમાં શ્વાસ તો હોય પણ પ્રાણ ન હોઈ શકે.

આજે મને એ સ્ત્રીમાં મારી મમ્મી જ દેખાય છે.

પૂ. મમ્મીના ચરણોમાં શત શત વંદન કરું છું, મારી તો એ ભગવાન જ રહી છે, પણ અફસોસ એ છે કે, એ બધું આજે સમજાય છે.

હું જીવનમાં અત્યંત અસ્તવ્યસ્ત રહેનારો માણસ, ઊઠવાનું ઠેકાણું નહીં ન ઊંઘવાનું. આજ સુધી કોઇ નિયમિત દિનચર્યાને ક્યારેય અનુસર્યો જ નથી.

નક્કી કર્યું હોય કે કાલે સવારે વહેલો ઊઠીને ચાલવા જઇશ, મમ્મીને જ હૂકમ કર્યો હોય કે ઊઠાડી દે જે, એ બિચારી મને ઊઠાડવા માટે વહેલી ઊઠી જાય, પ્રેમથી અવાર નવાર ઊઠાડે, ને હું મારી ઊંઘ બગાડી એ માટે એના પર ગુસ્સે થઉં! મોડા ઊઠ્યા પછી એને જ ખખડાઉં કે મને ઊઠાડ્યો કેમ નહીં!! પણ એ તો હસતી જ હોય! ન ગુસ્સે થાય ન ખોટું લગાડે!!

મારે જો થપ્પીમાંથી મારાં કપડાં લેવાના હોય તો માની જ લેવાનું કે, કબાટના બધા કપડાં અસ્ત વ્યસ્ત અને ઠેકાણા વગરના થઇ ગયા હોય!!, બને ત્યાં સુધી તો એ અલગ મૂકીને પલંગ પર કે ટેબલ પર મૂકી જે દે, પણ જો ભૂલેચૂકે મારે લેવાના થયા હોય તો, ઇસ્ત્રી વાળા કપડાં પણ ચૂંથાઇ ગયા હોય!

વળી મારી એક અજબ ગજબની મર્યાદા, લાઈટ/પંખા ચાલુ કરવાના ખરા, બંધ નહીં જ કરવાના. ક્યારેય બંધ નહીં કરવાના. એક રૂમમાંથી બીજી રૂમમાં જાઉં પણ પંખા/લાઇટ વગેરે ચાલુ રાખીને જ જવાનું. એ તો ઠીક પણ હું કબાટના બારણાં, ટેબલના ડ્રોઅર પણ ખુલ્લા રાખી દઉં. મમ્મી ચૂપચાપ બંધ કરી દે, ક્યારેક હસતાં હસતાં કહે ખરી, પણ કોઇ ફરિયાદ ન કરે?

જમવા બેસવાનું થાય તો મને ભાવતું હું ખાઇ જઉં, એના માટે બચ્યું છે કે નહીં, તેની ફીકર ક્યાં કરી છે? જે ના ભાવે તે ના જ ખાઉં? સાંજે નહીં જમું એવું કહું, પછી હું જ સાંજે જમવાનું માંગું. આટલા બધા બેફીકર દીકરા ચિંતામાં એણે હસતે મોંએ જાતને ઘસી નાંખી, અને મને ખબર પણ ન પડી.

મારી બધી જ હરકતોને તે એવી રીતે સહન કરી લેતી હતી જાણે કશું બન્યું જ નથી, એને માટે આ દિવસ રાત વર્તાતો સંઘર્ષ, સંઘર્ષ હતો જ નહીં, એ બધું જ સરળતાથી અને સહજતાથી લઇ લેતી હતી, અને હું એની પર નાની નાની વાતે ગુસ્સે થઇ જતો હતો.

મારી કોઇ પણ આર્થિક સંકડામણમાં એ જ મારી બેંક હતી. મને આજે ય નથી સમજાતું કે, એટલા ઓછા પૈસામાં એ બચત કેવી રીતે કરી શકતી હતી? મેં તો સતત એની પાસે સ્વેટર જ ગુંથાવ્યા! અને મેં એ સ્વેટરો વેચી દીધા છે!! આજે મમ્મી નથી પણ એના સ્વેટરોથી જ મારી જિંદગી તો ચાલે છે!

ભગવાન આવો જ હોતો હશે ને!