svikruti books and stories free download online pdf in Gujarati

સ્વીકૃતિ

મુંબઈ નગરીમાં કોઈ આંબો મોરે તો
એની મંજરી નેં રામ રામ કેહજો!
એનાં મીઠાં ઓવારણાં લેજો.
મકરંદ દવેની પંકિત મન માં ગણગણતી અને આંખો થીં પ્રકૃતિના ખોળો છોડી યંત્રવત્ દુનિયા નાં રોબોટ ની માફક સમય નેં હરાવવાની હોડ માં ભાગતા માણસો ને રસ્તા પર જોતી સંજના પોતે વિચારી રહી હતી.
નાના ટેકરા‌ અને ડુંગરા ‌ની કુદરતી કોર બાંધી,ફરતે વહેતાં ઝરણાં અને નદી ની રંગોળી, પાદરે ‌દેવળ અને ઉઠતા વેંત ‌આખા ગામને એનાં ધજા ના દશૅન થાય એમ એમાં પરિવાર સાથે બિરાજતા શિવ શંકર ભગવાન, શિવજી ના સાનિધ્યમાં વિકસેલ ખોબા‌ જેવડું સંજના નું રામપુર ગામ.
સંજના પોતે ગામમાં જૂજ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલ લોકો માંની એક.પોતાના નાનાં એવા ગામમાં પ્રાથમિક શિક્ષણ તેમજ માધ્યમિક શિક્ષણ સુધી ની શાળા તો હતી તો તેટલો અભ્યાસ પોતે ગામમાં અને બાકીનો અભ્યાસ પોતે બાજુના વિકસિત ગામમાં કરેલ.
સંજના નો અભ્યાસ પૂર્ણ કર્યા ‌બાદ ઘર બેઠાં નોકરી નો‌ પ્રથમ પ્રસ્તાવ આવેલો અને એ પણ લઈ આવેલા ગામના સભ્યો સહિત,સરપંચ અને ઉપસરપંચ.
" બેટા, તું આપણા ગામની આટલું ભણેલ પહેલી દિકરી છો‌, તો જ્યાં સુધી સાસરે ના જાય ત્યાં સુધી આપણાં જ ગામમાં ,આપણી જ‌ શાળા માં ભણાવે તો શું ખોટું.
આપણું અંતરીયાળ ગામ એમાં આવતી એકાદ એસટી બસ પણ વરસ દિવસ થી નથી આવતી, સરકાર નેં વારંવાર રજૂઆત કરી પણ કોઈ પુરતાં શિક્ષક મુકાતા નથી, પ્રાથમિક શિક્ષણ તો વાલી અને છોકરીઓ જાતે મહેનત કરી લે છે પણ જો માધ્યમિકમાં ‌તારા જેવું કોઈ ભણાવે તો બાળકોનું વરસ ના‌ બગડે અને સારું ભવિષ્ય બને અને પગાર તને ગામ તું કહીશ એ દેશે."
સંજના નાં બાપુ ની અને‌ હાજર વ્યક્તિઓની પરવાનગી લેતા વિનંતીરુપી વાણી સાથે પ્રાગજીભાઈ સરપંચ બોલ્યા.
વાત નો વિષય ગંભીર હતો પણ સંજના ને આ ગંભીરતા કરતાં પણ પોતાનું સ્વપ્ન મોટું લાગ્યું, સ્વપ્ન શહેર જવાનું, શહેર માં જ જોબ કરવાનું અને એ જોબ થકી જાજરમાન આધુનિકતા સભર જીવન જીવવાનું.

"માફ કરજો કાકા પણ મેં મારું બધું જ ભણતર‌ ગામડામાં જ પુરું કર્યું છે તો મારે નોકરી તો શહેરમાં જ કરવી છે મારે થોડી દુનિયા જોવી છે, એટલે હું તમારા આ પ્રસ્તાવને સ્વીકારી નહીં શકું."
ગામના હોદ્દેદારો સંજના નાં નિણર્ય નેં માન આપી,ચા-પાણી પીધા ને જતાં રહ્યાં અને આ બાજુ સંજના એ મુંબઈ નગરીમાં વરસોથી વસવાટ કરતાં પોતાની બા ની માસીયાઈ બહેન અને પોતાના થતાં માસી ને બાપુજી પાસે ફોન કરાવી પોતાનો મુંબઈ જવાનો માર્ગ મોકળો કર્યો.
મોજમાં નેં મોજમાં કલ્પના માં જ જોયેલ મુંબઈ માં આગમન કર્યું, માસી નું ઘર તો હતું જ ,થોડી ઘણી ઓળખાણ થી સારાં પગાર ની નોકરી પણ મળી ગઈ ,સવાર થતાં તૈયાર થઈ ટ્રેન છૂટી ન જાય એની ચિંતા સાથે દોડવુ, ટ્રેન મળી ગ્યા બાદ પણ એમાં ધક્કામુક્કી કરી માત્ર પગ મુકવાની જગ્યા માં ઉભા ઉભા ઓફિસમાં પહોંચવા ઉતાવળ, ઓફિસમાં બોસ અને સિનિયર સ્ટાફ સમક્ષ કાબેલિયત પુરવાર કરવાની ચિંતા, કામ નાં ઓવરલોડ થી થાકેલા ફરી સૂર્ય ડુબતા ટ્રેન પકડવાની બળતરા.

શહેરની રહેણીકરણી થીં પ્રભાવિત થયેલી પણ એ માત્ર બાહ્ય દેખાવ રજૂ કરતો હતો , તેણે તો આ શહેર નેં આવતા પહેલા જ પોતાનું માની લીધેલું પણ આ શહેર તેનો સ્વીકાર કેટલું કરશે તેનો ભય સતત સતાવતો રહેતો.

ઓફિસમાં નવું નવું કામ હોવાથી કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી અને થોડું અજાણ્યું લાગવાથી સ્વાભાવિક છે સ્ટાફ ના અન્ય સહકર્મીઓ સાથે કામ સિવાય વાત કરવામાં અચકાહટ થાય.

પણ આ શું સંજના લંચ સમયે લંચ બોક્સ સાથે કંપની નાં કેન્ટીન માં જમતાં ગર્લ્સના ગ્રુપમાં સામેલ થવાની કોશિશ કરી તો તેઓ બધી જાણે ખાવાનાં કોળીયા માં કાંકરો આવી ગયો હોય એવાં મોંઢા કરી એકબીજા સામે જોવા લાગ્યા.

સમજતા સમય ના લાગ્યો કે કદાચ એના ગ્રૂપ જોડે કોઈ બીજા બેસે તે પસંદ નહીં આવ્યું હોય એટલે પોતે દુર જઈ એકલાં જ જમી લીધું અને એ નિત્યક્રમ બની ગયો. એકદિવસ સંજના પોતે બોસની ચેમ્બર માંથી બહાર આવતી હતી તો એક ટેબલ પર સટાફ નું ટોળું તેની સામે જોઈને હસી રહ્યું હતું અને સાથે કંઈક બડબડાટ પણ કરી રહ્યા હતા.પોતે તે લોકોને નજરઅંદાજ કરી વગર મને કામ માં જીવ પરોવવા કોશિશ કરી.

થોડા દિવસ બાદ સવારે પોતે ઓફિસમાં આવી તો બધા તેની જ સામે ઉભા ઉભા ઘૂરી રહ્યા હતા .

"સંજના તારી આટલી હિંમત જ કેમ થઈ ,અમે તને આવી નહોતી સમજી" બોસ આખી ઓફિસમાં પડઘમ પડે એટલાં મોટાં અવાજ થી બોલ્યા.

શેની વાત થાય છે અને શું થયું છે તે સમજવાની કોશિશ કરતી સંજના

"પણ ,સર!"

"તારી તમામ હરકતો આખી ઓફિસ સામે આવી ગઈ છે તને આજે જ નોકરી ‌‌‌‌પર થીં છૂટી કરવામાં આવે છે ઓફિસમાં આવી તમામ પ્રોસીજર પતાવી લો .

"પણ, સર મેં કર્યું છે શું કે મને સાંભળ્યા વગર‌ જ‌ મને છૂટી કરવામાં આવી રહી છે".

તે કંપનીના અગત્યના તમામ ડેટા ચોરી મામૂલી રૂપિયા માટે આપણી હરીફ કંપનીને વેચી નાખ્યાં છે અને તારાં વિરુદ્ધ નાં તમામ પુરાવા અમારી પાસે છે એટલે તને સાંભળવાની કોઈ જરૂર નથી"બોસ ની બાજુમાંથી મેનેજર બોલ્યા.

સંજના નેં ખુબ દુઃખ થયું કે આજે કોઈએ હજારો હથોડા નો પ્રહાર પોતાના આત્મસન્માન પર કરતું હોય એવું લાગી આવતું હતું તેની પ્રામાણિકતા ની આ કેવી કિંમત આંકવામાં આવી ,પોતાને સાંભળ્યા વગર જ તેને દોષિત ઠેરવી દેવામાં આવી એ પણ એવાં ગૂના ની કે જે તેણે કર્યો તો નથી જ પણ આવું કરવા વિશે ક્યારેય વિચાર્યું સુધ્ધાં નથી

પોતે કંપની માં તમામ કાગળ ની કાયૅવાહી કરી નિકળતી જ હતી ત્યાં જ દાદર ઉતરતાં લેડીઝ વોશરૂમ પાસે કાન નેં ચિરી નાંખે એવો બે ત્રણ છોકરીઓના રાક્ષસી હસવાનો અવાજ સંભળાયો પોતે રૂચિ ના હોવા છતાં અનાયાસે કાન હાસ્ય ની દિશા તરફ સરવા કર્યા

" કેવી મજા આવી નહીં"

"હા,એ ગવાર નું ફેસ જોવા જેવું હતું હાહાહા""અરે એતો સારું થયું કે બધું આપણા પ્લાન મુજબ જ થયું અને કોઈને શંકા પણ ના ગઈ, અને જ્યારે એની વિરુદ્ધ પુરાવા નું કહ્યું ત્યારે તો કાપીએ તો લોહી ના નીકળે એવી થઈ ગયેલી એ સંજના ની બચ્ચી"

"પણ આ બધું મેનેજર સર ની વગર મદદે પોસીબલ ના બનતે"

સંજના બિલ્લી પગે તે ટોળા સામે જઈ અચાનક ઉભી રહી ગઈ અને સંજના ને જોઈ બધા ની જીભ તાળવે ચોંટી ગઈ

પોતાનો તમામ આક્રોશ ઠાલવતા સંજના બરાડી"‌‌‌‌મે તમારું શું બગાડ્યું હતું , મેં તો તમારી ક્યાંય વચ્ચે નથી આવી તો આ‌ બધું મારી સાથે જ કેમ?

"તું કાલની આવેલી ગામડાં ની ગવાર અમારાં થીં ‌‌‌‌‌આગળ જઈ બોસ નેં સારી થઈ જાય એ અમે કેમ ચલાવી લઈએ, એટલે જ તારી ગેરહાજરીમાં તારા કમ્પ્યુટર માંથી ડેટા ફોરવર્ડ કર્યા અને મેનેજર ની હેલ્પ થી બોસ નેં પણ અમારી વાત સહેલાઈ થીં મનાવી લીધી."
"તારી જેવા કોઈ પણ ગવાર ગામ ના જાણ માંથી ઉઠી આવી જાય અને અમારા બાપ બની જાય એ કૈ અમે થોડી ચલાવી લેતાં હોઈએ
"


"આ બધું માત્ર એટલાં માટે? હું ગામડેથી આવી, મેં મહેનતથી મારી જાતને શ્રેષ્ઠ બનાવવા કોશિશ કરી એમાં મારો શો વાંક?

પોતે વળતા જવાબની રાહ જોયા વગર આંખો માં આવેલ ઝળઝળીયાં આંસુ બની ખરી પડે એ પહેલાં ચાલતી થઈ.

મરીન લાઇન્સ પર બેઠી બેઠી દુર દરીયા માં સમાતા સુરજ ને જોઈ શાંતિ ની શોધ કરવાની કોશિશ કરતી પોતે દરિયા ના પેટાળમાંથી આવતા પવનની લહેરખીઓ સાથે વાતો કરી રહી હતી

"શું આજ જીવન જીવવાનું મેં સ્વપ્ન સેવેલ? તો તો બહું જ તુચ્છ છે આ સ્વપ્ન કે આ સ્વપ્ન જોવા અંગે આવેલ વિચાર
બઘાં જ આવા હોય છે કે આ શહેરમાં જ આવું વધુ જોવા મળે છે? માણસ જેવો છે તે દેખાતો નથી અને જે તે સમાજ નેં દેખાવ કરે છે તે તો તે છે જ નહીં, માણસ બહુરૂપીયોો છે, આકર્ષિત વ્યક્તિત્વ પાાછળ ઈર્ષ્યા ની સળગતી આગ , માનવતા પણ મરી પરવારી હોય એવું લાગે છે પોતાના થી કોઈ આગળ નાં નિકળી જાય એટલે તેનું કરીયર ખરાબ કરવા ચોરી જેવો ગંભીર ગુનામાં સંડોવતા પણ કોઈએ ન વિચાર્યું,મને પહેલીવાર અજાણ્યા સમાજ માં એકલી પડી ગઈ હોઉં એવું લાગે છે, અહીંયા બાજુ માં કોઈ માણસ છે એની પણ કોઈને કંઈ પડી નથી , દરેક વ્યક્તિ છે ટોળા માં પણ આટલાં વિશાળ ટોળા માં પણ એકલો છે, અહિયાં લોકો ની આવડત કરતાં ઓળખાણ અને અને બેકગ્રાઉન્ડ નું મહત્વ વધું છે દરેક પ્રકૃતિ નેં પોતાની મુઠ્ઠીમાં બંધ કરવાની કોશિશ કરે છે, આટલો સુંદર આભ સમો દરીયો છે પણ એનાં મોજાં સાથે મૈત્રી કરવાં પણ રવિવાર ની રાહ જોવાની , અહીં તો માણસને માણસ માટે દયા કે નથી કુદરત માટે કોઈને સમય, આ દોરંગી દુનિયા માં મારે નથી રહેવું , મારું ગોકુળીયુ ગામ સારું છે."

ત્રણ દિવસ બાદ રામપુર
"સંજના દિદી આજે ક્લાસ માં અંગ્રેજી હું વાંચીશ " હરખાતી હરખાતી એક વિદ્યાર્થીની બોલી

" હા, હા,હું દરેક ની પાસે વારાફરતી વંચાવીશ પણ આજે નહીં કાલે અને જેને નથી આવડતું એને પણ ડરવાનું નથી ,એને પણ તમારી સંજના દિધી શિખવી દેશે, અત્યારે ફટાફટ આટલાં સ્પેલીંગ પાકાં કરી લો જોઈ ચલો... જો અંધારું થઈ ગયું છે, વરસાદની વરસવાનો લાગે."
દુર દુર ડુંગરા અને ખેતરો માંથી આવતો મયુરો નો
મે _આવ, મે-આવ ,મે-આવ નો આવકારો, સાથે આજુબાજુ ના ગામડા માં હમણાં જ ઈશ્વરે પોતાના પરફયૂમ નો સંસાર સમો ખોલેલ પટારામાંથી ભિના પવન સાથે મુગ્ધ કરતી આવતી મંદ મંદ માટીની મહેંક ,ઝાડ એના પાંદડાંને સહારે મેધરાજાના સ્વાગત માં સમર ઢોળતા હોય એમ ઝૂલી રહ્યા હતા અને આટલા મહિનાથી પ્રિયતમ ની રાહ જોતા સુતેલી પ્રિયતમા સમી ઘરતી પણ ધૂળ રૂપે સળવળાટ કરી રહીં હતી.
" ચલો, બાળકો મેદાનમાં"
આ અવાજ સાથે કલાસ માં બેઠેલ કુદરત નાં સંતાનો દોડી વિશાળ પટાંગણમાં નાચવા કુદવા લાગ્યા,અને જેનાં સ્વાગત કરવા બધાં આતુર હતાં તે મહેમાન આવ્યા શાનદાર સવારી સાથે ગગન ગજાવતા આવ્યાં.
મોસમ નો મેહુલો આવ્યો,
ખુબ વરસ્યો , ખુશી થી વરસ્યો,
સંજના ને સંતોષતો વરસ્યો,
પ્રકૃતિ ના પ્રેમ ને લઈ વરસ્યો,
આજે મુશળધાર વરસ્યો.
કુદરત નાં ખોળે માણસાઈ ની વચ્ચે , ઉચ્ચ નિમ્ન નાં વર્ગો નો જ્યાં કોઈ અવકાશ નથી જ્યાં માણસ ને માણસ સમજવા માં આવે છે તેવી માતૃભૂમિ પર પરત ફરેલી સંજના નેં આજનો વરસાદ પોતાની સાથે વાતો કરવા જ આવ્યો હોય તેમ એની દરેક બૂંદ પોતાના પર ઝીલતી વરસી રહેલો પ્રેમ પામતી પોતાને ખુશનસીબ માની રહીં હતી કે જો મને આ રીતે તિરસ્કૃત કરવામાં ના આવી હોતે તો મને મારી આ માટીનું વાસ્તવિક મૂલ્ય ક્યારેય નાં સમજાયું હોત, માટી અને મા બન્ને તમને દરેક સ્થિતિ માં સ્વીકારવા સજ્જ હોય છે અને આ તક મને આ બંને નું ઋણ અદા કરવા માટે જ મળી છે.
હું શહેર ગઇ જ ના હોત તો મને ક્યારેય નાં ખબર પડી હોત કે,
જે નશો પ્રકૃતિ નાં ખોળે છે જે નશો મને આપેલ પ્રકૃતિને તેનું પરત આપવામાં છે તે ક્યાંય નથી ,ગમે ત્યારે પડતાં મુંબઈ ના વરસાદ થી પણ‌ વહાલો મને આજનો વરસાદ લાગ્યો,મને આનંદ છે કે મને તક મળી જે ધરા પર મેં ભણતર મેળવ્યું તે જ ધરા પર એ ભણતર થકી બીજા નેં ભણાવવાની , માનવતા મહેસુસ કરવાની અને મારી અંદરની માનવતા મહેંકાવવાની,ધસાઈ નેં ઉજળા થવાની,જે ખરેખર જીવન છે તે કુદરત નાં સાંનિઘ્યમાં રહીં તેનાં સૌંદર્ય નેં માણવાની,વરસો પછી કુદરત ની પ્રેમી બની વરસાદ માં પલળવાની.

‌‌ -અપેક્ષા દિયોરા.


બીજા રસપ્રદ વિકલ્પો