ઓહો... આ આકાશ છોકરો તો બહું સરસ છે અને ઘર પણ, હોશિયાર પણ હશે તો જ સોફ્ટવેર એન્જિનિયર બની બેંગલોર માં આટલાં સારા પેકેજ ની નોકરી કરતો હોય ને, દેખાવે પણ હિરો થી કંઈ ઓછો નથી.
હાં , રામ-સિતા ની જોડી લાગશે,આપણી આશા પણ તો સો માં સોંસરવી નિકળે એવી છે!
અજાણ્યા માં પડવા થીં સારું છે ઓળખીતું તો ખરું કેમ?
પણ આશા દિ કહેશે એમ જ થશે,ભલે એ લોકો એ હાં પાડી દીધી હોય
શિક્ષિત અને સંસ્કારી સંયુક્ત પરિવાર માં દરેક સદસ્ય વચ્ચે ઊંડાણપૂર્વક ચર્ચા ચાલી રહી હતી,આશા_આકાશ નાં સગપણ ની.
થોડા દિવસ પહેલા જ આશાનું ત્રેવીસમો જન્મદિવસ ગયો હતો અને સાથે અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયેલો હતો,શિસ્ત અને સંસ્કાર પરિવાર તરફથી બહોળા પ્રમાણમાં મળેલ પણ સાથે સ્વતંત્રતા પણ એટલી જ મળેલ. કોઇપણ ને પોતાની પુત્રવધુ માં જોઈએ તે તમામ ગુણો થી સભર .
બંને પરિવાર આધુનિક વિચારસરણી ધરાવતા હતા જેથી આકાશ અને આશા ની સંમતિથી એકબીજા ને ઓળખવા-સમજવા થોડો સમય લઈ અને પછી પોતાની જીંદગી નો કોઈ પણ દબાણ કે સંકોચ વગર નિર્ણય લેવા છૂટ આપી.
બંને વચ્ચે શહેર નું અંતર હતું પણ ટેકનોલોજી નાં યુગમાં ક્યાં સરહદ સિમાડા નડે.
સંબંધ નેં સમય ની ફાળવણી વધતી ગઈ એમ મિત્રતા અને સમય સાથે સંબંધ વધુ ગાઢ બનતો ગયો.હવે તો આશા ની સવાર આકાશ થી થતી અને આકાશ ની રાત આશા થી, એકબીજા સાથે દરરોજ વોટ્સએપ પર અને કોલ પર સતત સંપર્કમાં રહેવું નિત્યક્રમ બની ગયો હતો.જાણે પક્ષી યુગલ ને મુક્ત મને વિહરવા આખું આભ સોંપી દિધું હોય.
ચારેક માસ નો સમય આમ જ વિતી ગયો અને આ સોનેરી સમય માં આકાશ-આશા વચ્ચે પ્રેમ ની કૂણી કુંપળ ફુટી નિકળી હતી હવે બાકી હતું તો પરિવાર વાળા કંકુ નાં કરે એટલી જ.
----------------------------------------------------------------------
આસમાન ધેધુર ધેરાયેલું હતું, કાળું ડીબાંગ વાદળોથી છવાયેલું .
આજે આકાશ નો કોઈ મેસેજ કેમ નહીં આવ્યો હોય ?
કેટલાં કોલ કયૉ પણ કોલ રિસીવ પણ ના કયૉ, કામ થી ધેરાયેલો આકાશ અને આકાશ ની યાદ થી ધેરાયેલા આશા.
નવા પાંગરેલી પ્રિત ની કદાચ આ જ ખાસિયત હશે, વધુ ને વધુ એકબીજાને જાણવાની આતુરતા , એકબીજા નાં વિશે જ વિચારવાની અભિલાષા.જેમ ધરા આભ થીં વરસતા વ્હાલ ને પામવા ઉત્સુક હતી એમ જ આશા આકાશ ની જોડે વાત કરવા ઉત્સુક હતી,એને મન વાત કરવી મિલન સરખી જ હતી.
આશા ફેસબુક ખોલી આકાશ નાં ફોટા જોવા લાગી, આજે આકાશ નાં ફેસબુક એકાઉન્ટ પર જ વ્હાલ વરસાવવાનો હોય એમ ખુબ જ પ્રેમ થી દરેક ફોટો અને તેમાં બધાં ની આવેલ વખાણ ભરી કોમેન્ટસ વાંચી જાણે કોઈએ પોતાના વખાણ કરતું હોય એમ હરખાતી જતી હતી. આ પહેલાં એને આટલી જીણવટ થી ક્યારેય એકાઉન્ટ જોયું નહોતું.
અરે..આ શું? "In Relationship"
ફેસબુક સ્ટેટસ એ પણ આકાશ નું !
પણ જે સમયે આ સ્ટેટસ અપડેટ કરેલ છે એ સમયે તો હું અને આકાશ મળ્યા પણ ન હતાં કે ન અમારાં સગપણ ની વાત ચાલેલી
તો આ સ્ટેટસ કોની સાથે નું ? મને કેમ નહીં કહ્યું? મેં તો પૂછેલું પણ તેના ભૂતકાળ વિશે.
ક્યારનું ધેરાયેલુ આભ વરસ્યું, ખુબ જ વરસ્યું અને આભ સાથે આશા પણ.
વડિલો નાં મોંઢે "ખમ્મા મેઘરાજા ખમ્મા" બોલાવા લાગ્યું પણ આશા નેં ખમ્મા કહેનાર કોઈ નહોતું.
પહેલી વખત કોઈ ને દિલ સોંપેલ એમાં પણ આકાશ નાં છુપાવેલા સત્ય થી એમાં તિરાડ પડી ગઈ હતી અને મન વિચારો નાં વમળમાં વહેતું ગયું.
આવું કેમ કર્યું મારી સાથે?એ હજુ સુધી તેની સાથે રિલેશન માં હશે તો? હું મારા પ્રેમ વગર રહી શકું પણ કોઈ સાથે વહેંચી નહીં શકું, તેણે મને કહ્યું હોતે તો હું શું એને ના સમજતે? કે પછી એને મારાં પર એટલો વિશ્વાસ જ નહોતો, શું એણે મને ઓળખી જ નથી,એણે મને એક વખત પણ કહ્યું હોતે તો હું એની ખુશી માટે એને પણ છોડી દેતાં ના અચકાત,મેં એને ચાહ્યો છે એ પણ અંતર થી...
ફરીથી આશા નાં ઘરમાં એકલી જ ચચૉ ચાલતી હતી પણ વિષય ગંભીર હતો,
મન અને ચહેરા પર ચોખ્ખો ઉપસી આવેલ દેખાતા ખાલીપા સાથે આશા એ આકાશ સાથે પરિવાર દ્વારા નક્કી કરવામાં આવેલ સંબંધ થી ઈન્કાર કરી દિધો.
પરિવાર દ્વારા પ્રશ્ર્નો ધણાં થયાં પણ દરેક પ્રશ્ર્ન નો જવાબ માત્ર "હું કદાચ એને લાયક નહોતી"એક જ વાક્યમાં આપી આકાશ ની ચચૉ નો અને સંબંધ નો અંત કર્યો.
ધરતી પર જ્યાં સુધી આભ માં સૂર્ય નાં કિરણો ન પડે ત્યાં સુધી સવાર ના થાય એવું જ આશા ને હતું , જ્યારથી આકાશ એની જીંદગી નાં શબ્દકોશ માં ઉમેરાયો આકાશ વગર ની જીંદગી અકલ્પનીય હતી, ટૂંકા સમયમાં ખુબ જ આત્મીયતા બંધાઈ ગયેલી. યાદો નું ધોડાપુર રોજે રોજ આવતું પણ ફેસબુક માં આકાશ નાં અપડેટ થતાં ફોટોઝ જોઈને જ ખુશ થતી.
આત્મા થી બંધાયેલ સંબંધ તો દેહ છૂટ્યા બાદ પણ નથી છૂટતાં તો આમાં તો માત્ર સામાજીક ઔપચારિકતા નિભાવતા સંબંધ નો અંત હતો.
સમય સાથે બધું જ બદલાતું હોય છે કદાચ પણ આશા ની નિસ્વાર્થ પ્રેમ માં કોઈ બદલાવ ન આવ્યો આકાશ તરફથી જેટલું મળ્યું એ એનાં માટે અવિસ્મરણીય હતું.એ દરેક ક્ષણ એને મન જીંદગીની સોનેરી પલો હતી અને પલ સાથે જ એને જીવનપર્યંત રહેવાનું પસંદ કર્યું.
----------------------------------------------------------------------
માર્ચ-2020(ચાર વર્ષ બાદ)
આકાશ નું ફેસબુક માં નવો ફોટો અપડેટ થયો, કોમેન્ટ માં કોઈએ પુછેલ સવાલ" ક્યાંનો છે ફોટો?"
જવાબ હતો "શ્રીલંકા"
ફરી બીજી કોમેન્ટ માં "ક્યારે ગયેલો?"
જવાબ"ચારેક દિવસ પહેલા જ પરત આવ્યો".
જેટલી ખુશી એનો ફોટો જોતાં હતી તે ખુશી ધીરે-ધીરે ઓછી થતી ચાલી અને તેના સ્થાને ચિંતા નાં વાદળો છવાયા," વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરેલ કોરોના નાં લક્ષણો હમણાં શ્રીલંકા થી પરત ફરેલા ગુજરાતી યુવક માં દેખાયાં,આ રોગ નો એન્ટી વાયરસ શોધવામાં હજું સફળતા પ્રાપ્ત નથી થઈ."
આશા ની આંખો આજે ફરી ધેરાઈ,એક અફસોસ સાથે નિઃસાસો નિકળી ગયો અને બેશુમાર વરસી .
સમય સાથે ભુલાવી તો ના શકી પણ જણાવી પણ ના શકી ,આટલી મોટી બિમારી માં ફસાયો પણ ખબર પણ પૂછી ના શકી, પોતાનાં એકપક્ષીય પ્રેમ માટે ઈશ્વર ને મનોમન પ્રાર્થના કરતી રહી .
કોઈ ને કહેવાતું પણ ન હતું અને સહેવાતું પણ નહોતું, એકલતા માંહતો તો માત્ર પોતાના લીધેલ નિર્ણયો નો અફસોસ અને માત્ર અફસોસ.
અફસોસ અવિશ્વાસ નો
અફસોસ ઈન્કાર નો,
દિલ નું નહીં સાંભળ્યા નો
દિમાગ નેં જીતવા દેવાનો,
પોતાનું ધાર્યું સાચું માની
મળયો ન મોકો પશ્ચાતાપ નો,
નિર્ણય લીધો ભૂલભર્યો
જેથી પામેલા અંધકાર નો,
અવિશ્વાસ હતો બંને નો
હાર્યો સંબંધ પ્રણય નો.
-અપેક્ષા દિયોરા