Pratishodh - 1 - 16 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ પ્રથમ અંક - 16

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:16

મે 2002, અબુના, કેરળ

અબુના પર હવે છઠ્ઠી વિપદા રૂપે તીડનાં ટોળાંઓએ આક્રમણ કરી દીધું છે સાંભળતા જ કેશવના ઘરની બહાર બેસીને ચર્ચા કરી રહેલાં બધાં કેશવના ઘરમાં જઈને ભરાઈ ગયાં. એ લોકોને ચેતવનાર વ્યક્તિ પણ આવીને કેશવનાં ઘરમાં ઘૂસી ગયો. એ બધાં લોકોએ ફટાફટ ઘરનાં બધાં બારી-બારણાં બંધ કરી દીધાં.

પાંચ મિનિટમાં તો એક વિચિત્ર પ્રકારનો અવાજ એ લોકોનાં કાને પડઘાયો. કેશવના ઘરની કાચની બારીમાંથી પંડિતે અને બીજાં લોકોએ બહારનું દ્રશ્ય જોયું તો એમનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. લાખોની સંખ્યામાં તીડ પાણીનાં પ્રવાહની માફક એ લોકોનાં ઘર તરફ આગળ વધી રહયાં હતાં. રસ્તામાં જે પણ ખેતરો આવ્યાં એ બધાંમાં ઉગેલો બધો જ પાક તીડનાં ટોળાંઓએ થોડી મિનિટમાં તો સાફ કરી દીધો હતો.

એ લોકોને ચેતવનાર ત્રીસેક વર્ષનો વ્યક્તિ પેલી વૃદ્ધ સ્ત્રીનો નાનો દીકરો દામોદર હતો. દામોદરે જણાવ્યું કે તીડનાં ટોળાંઓએ અબુના ગામમાં પણ ખેતરોમાં ઉભેલો બધો જ પાક નષ્ટ કરી દીધો છે. વધારામાં આ તીડ પશુઓનો ઘાસચારો પણ ખાઈ ચૂક્યાં છે. પંદર મિનિટમાં તો એ તીડ ત્યાંથી આગળ ચાલ્યાં ગયાં.

"પંડિતજી, તમે કહ્યું કે તમે ખૂબ મોટાં તાંત્રિક છો..તો અમે તમને હાથ જોડી વિનંતી કરીએ છીએ કે બાકીની ચાર વિપદાઓ અબુના પર વરસે એ પહેલાં આ બધું અટકાવી દો." કેશવ શંકરનાથ સામે હાથ જોડી દયનિય સ્વરે બોલ્યો.

"હું તમને એવું વચન તો નથી આપી શકતો કે હું આ બધું અટકાવી દઈશ..કેમકે, આ બધી ઈશ્વરની આપેલી વિપદાઓ છે." પંડિતે કહ્યું. "છતાં હું તમને એ વાતનું વચન અવશ્ય આપું છું કે હું ઈશ્વરનો ક્રોધ શાંત કરવા માટે જે કંઈપણ કરવું પડશે એ બધું જ કરીશ. ભલે આમ કરવામાં મારો જીવ કેમ ના ચાલ્યો જાય!"

"ચલ સૂર્યા, હવે અહીંથી જવું પડશે. હજુ આપણે ઘણી વસ્તુઓ વિશે જાણવાનું બાકી છે." સૂર્યાનો હાથ પકડી એની સાથે કેશવના ઘરની બહાર નીકળતાં શંકરનાથે કહ્યું.

શંકરનાથ કેશવના ઘરથી નીકળી થોડાં ડગલાં આગળ વધ્યાં હતાં ત્યાં એમનાં કાને વૃદ્ધ મહિલાનો આજીજીભર્યો સુર સંભળાયો.

"હે પદ્મનાભ ભગવાન, આ ભલા માણસને એનાં કામમાં સફળ બનાવજે.!

**********

તીડનાં ટોળાંએ ખેતરોમાં ઉભેલાં પાકની જે દશા કરી હતી અને જોતાં-જોતાં શંકરનાથ પંડિત અને સૂર્યા કેશવના ઘરેથી નીકળી ગામ તરફ જતી સડક પર આવ્યાં.

"દાદાજી, એ વૃદ્ધા ઇલુમાનિટી નામક જે સંસ્થાની વાત કરી રહી હતી એ ખૂબ જ શક્તિશાળી છે?" સૂર્યાએ પંડિત તરફ જોતાં પૂછ્યું. "જ્યારે એ માજીએ આ સંસ્થા વિશે જણાવ્યું ત્યારે તમારાં ચહેરાનાં બદલાયેલાં ભાવ પરથી મને લાગ્યું કે મોટી ગરબડ છે."

"એ સંસ્થાનું સાચું નામ ઇલુમાનિટી નહીં પણ ઈલ્યુમીનાટી છે." શંકરનાથ પંડિતે આટલું કહી ઈલ્યુમીનાટી અંગે સૂર્યાને જણાવવાનું શરૂ કર્યું.

ઈલ્યુમીનાટી સંસ્થાની સ્થાપના 1 મે 1776નાં રોજ બવારીયા નામક જર્મન જગ્યાએ એડમ વિશાઉટ નામક એક ફિલોસોફરે કરી હતી. આ સંસ્થામાં એવાં લોકોનો સમાવેશ કરવામાં આવતો જે લોકોની બુદ્ધિ ક્ષમતા અને વિચારધારા અન્ય સામાન્ય લોકોથી ઘણી ઉત્તમ હોય.

આ સંસ્થાનાં લોકોને એક વસ્તુથી સૌથી વધારે પ્રેમ હોય છે અને એ વસ્તુ છે સફળતા. પોતાનું ઈચ્છિત કાર્ય થઈ શકે એ હેતુથી આ સંસ્થાનાં લોકો શૈતાનની પૂજા કરે છે. શૈતાનની પૂજાની વિધિઓ દરમિયાન આ લોકો શૈતાનને ખુશ કરવાં મનુષ્ય બલી પણ આપતાં હોય છે.

દુનિયામાં ઘણી એવી ઘટનાઓ છે જેનાં પાછળ ઈલ્યુમીનાટીનો હાથ હોવાનું કહેવાય છે. આ સંસ્થાનાં લોકો પદડાં પાછળ રહીને એવી ઘણી ઘટનાઓને આકાર આપે છે જેની અસર સમગ્ર વિશ્વ પર પડતી હોય છે; આનું સૌથી પહેલું ઉદાહરણ હતું ફ્રાંસની ક્રાંતિ. ગયાં વર્ષે અમેરિકાનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે હુમલો થયો એમાં પણ ક્યાંક ને ક્યાંક ઈલ્યુમીનાટી સંકળાયેલું હોવાનું કહેવાય છે. અમેરિકન એક ડોલરની નોટને જો ત્રિકોણાકાર ફોલ્ડ કરવામાં આવે તો એમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલાં હુમલા પછી નીકળતાં ધુમાડાની પ્રતિકૃતિ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ ઘટના અંગે પહેલાંથી જ અમુક લોકો જાણતાં હતાં.

ઈલ્યુમીનાટી સંસ્થાનાં લોકો ઈશ્વરની જગ્યાએ શૈતાનની પૂજા કરે છે. કહેવાય છે કે આ સંસ્થામાં વિશ્વની ખૂબ મોટી હસ્તીઓ સામેલ છે. વિન્સ્ટન ચર્ચિલ, જ્યોર્જ બુશ જેવાં કદાવર નેતાઓથી લઈને ઘણાં ફિલ્મ કલાકારો, રમતવીર, ગાયકો અને મોટાં-મોટાં બિઝનેસમેન આ સંસ્થાનાં સભ્યો હોવાનું અનુમાન છે. આ સંસ્થા ઘણી કુદરતી વિપદાઓ માટે પણ જવાબદાર હોવાનું કહેવાય છે. આમ છતાં આ સંસ્થા વિરુદ્ધ થતી વાતો બસ હવામાં છે; એમની વિરુદ્ધ કોઈ ઠોસ સબૂત નથી.

આ લોકો એક ઉદ્દેશ સાથે કાર્ય કરે છે જેને વર્લ્ડ ઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્રિકોણાકાર પિરામિડ વચ્ચે આંખ એ ઈલ્યુમીનાટી સંપ્રદાયનું વૈશ્વિક ચિહ્ન છે. આ સંસ્થા ક્યાંથી કાર્ય કરે છે અને કઈ રીતે કાર્ય કરે છે એ હજુ કોઈને ખબર નથી. પણ એ વાત સાફ છે કે સમગ્ર વિશ્વમાં ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં સભ્યો મોજુદ છે, જેમાંથી આપણો દેશ પણ બાકાત નથી.

પોતાની આત્માને શૈતાન જોડે ગીરવે રાખીને, શૈતાનને નિર્દોષ લોકોની બલી આપીને આ સંસ્થામાં સામેલ લોકો પોતાની જાતને કામયાબ બનાવવા માંગે છે. આ લોકો બેફમેટ, લ્યુસિફર અથવા સટાન મતલબ કે શૈતાનની પૂજા કરે છે. ત્રિકોણાકાર સંકેત, નંબર 666 અને બેફરમેટની આકૃતિ ઈલ્યુમીનાટી સંસ્થાની હાજરી દર્શાવે છે.

આ લોકો જોડે પૈસા, પાવર, પબ્લિક બધું જ છે; આ લોકોનો સામનો કરવો લગભગ અશક્ય છે.

"તો શું દાદાજી, આપણે આ વિપદાઓ પાછળ જવાબદાર લાગતાં ઈલ્યુમીનાટી સંસ્થાનાં લોકોને કંઈ નહીં કરીએ?" ઈલ્યુમીનાટી સંસ્થા વિશેની સઘળી વાતો શંકરનાથનાં મુખેથી સાંભળ્યાં બાદ સૂર્યાએ ધ્રુજતાં સ્વરે પ્રશ્ન કર્યો.

"સૂર્યા, આપણે આ બધું અવશ્ય રોકીશું. કાલે રાતે એકપણ છોકરીની બલી નહીં આપવામાં આવે." દૃઢતાપૂર્વક શંકરનાથે કહ્યું. "એ માટે પહેલાં આપણે એ જાણવું પડશે કે ઈલ્યુમીનાટી સંસ્થાનાં લોકો કાલે કોની બલી આપવાનાં છે અને આ બલી ક્યાં આપવાનાં છે.?"

પોતાનાં દાદાએ જો નક્કી કરી જ લીધું છે આમ કરવાનું તો નક્કી એ આમ કરીને જ રહેશે એવો વિશ્વાસ સૂર્યાને હતો. એટલો વધુ કોઈ પ્રશ્નો કર્યાં વિનાં સૂર્યા પોતાનાં દાદાની સાથે અબુના ગામમાં પ્રવેશ્યો.

અબુના ગામની અંદર પ્રવેશ કરતાં જ નવાં બનાવેલાં અમુક ઘરોની હરોળ હતી. આ નવા ઘરો નક્કી ધર્માંતરણનાં ભોગ બનેલાં હિંદુ લોકોનાં હશે એનો અંદાજો શંકરનાથ પંડિતને આવી ગયો. એની પાછળનું મુખ્ય કારણ હતું એ મકાનોનું હમણાં જ થયેલું નવનિર્માણ અને આ મકાનોનું ગામથી થોડે અંતરે હોવું.

શંકરનાથ પંડિત કંઈક વિચારીને આ ઘરો તરફ ચાલી પડ્યાં. સૂર્યા પણ એમને અનુસર્યો.

"એક ગ્લાસ પાણી મળશે..?" એક મકાન પાસે પહોંચી શંકરનાથે વિનંતી કરતાં એક મહિલાને ઉદ્દેશીને કહ્યું. આ મકાનની બહાર ત્રણ નાની બાળકીઓ એકબીજા સાથે કંઈક રમત રમી રહી હતી.

એ મહિલા તુરંત એક મોટો પાણીનો લોટો ભરીને આવી અને શંકરનાથના હાથમાં મૂક્યો. લોટામાંથી થોડું પાણી પીને લોટો સૂર્યા તરફ લંબાવી શંકરનાથે એ સ્ત્રીનો આભાર માનતા કહ્યું.

"ભગવાન તમારું ભળું કરે..! તમારાં બાળબચ્ચાને કામયાબી અને લાબું આયુષ્ય આપે."

જાણીજોઈને પંડિતે ઉચ્ચારેલાં આ શબ્દોની ત્વરિત અસર જોવાં મળી અને એ સ્ત્રીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

"શું થયું બહેન..?" શંકરનાથે લાગણીસભર સુરમાં કહ્યું. "મેં કંઈ ખોટું કહ્યું? તમારાં ગામમાં બાળકોની લાંબી ઉંમરની પ્રાર્થના કરી એ ગુનો તો નથી ને?"

"વડીલ, તમે કંઈ ખોટું નથી કહ્યું..!" એ સ્ત્રી રડમસ સ્વરે બોલી. "ગુનો તમારો નહીં અમારો છે. અમે ડરનાં માર્યા અમારો ધર્મ બદલ્યો અને આજે અમારી ફૂલ જેવી બાળકીઓને આની સજા ભોગવવી પડી રહી છે, ખબર નહીં ક્યારે મારી દીકરીનો પણ વારો આવી જાય."

"તમે રડશો નહીં! મને જણાવો કે આખરે તમારાં રડવાનું કારણ શું છે.?"

શંકરનાથ પંડિતની આત્મીયતા અને એમના પહેરવેશ તથા એમનાં હિંદુ હોવાની છબીનાં લીધે એ મહિલાએ એ બધી જ વાતો જણાવી જે ફાધર પોલ અને કેશવ જોડેથી જાણવા મળી હતી. આ બધું શંકરનાથ જાણતાં હોવાં છતાં એમને એવું વર્તન કર્યું કે જાણે એ બધી એમને ખબર જ ના હોય.

"તમારાં કહ્યાં મુજબ આવતીકાલે ઈલ્યુમીનાટીનાં લોકો કોઈ યુવતીની બલી આપશે..!" એ મહિલાની પૂરી વાત સાંભળ્યાં બાદ પંડિતે કહ્યું. "કોણ છે એ અભાગી યુવતી અને ક્યાં આપવામાં આવે છે આવી હિંસક નર બલી.?"

"એ ગરીબ રામૈયાની દીકરી છે, નયનતારા..!" મહિલાએ આંખમાં આવેલાં આંસુ સાડીનાં પાલવ વડે લૂછતાં કહ્યું. "તળાવની પેલે પાર જંગલોની થોડે અંદર જતાં એક ટેકરી છે; એ ટેકરીમાં આવેલી ગુફાઓમાં આ શૈતાની નર બલી અપાય છે."

"તમે ચિંતા ના કરો..બધું સારું થઈ જશે." પંડિતે કહ્યું. "સાથે તમારાં લોકોને કહી દેજો કે આવતીકાલે રાતે બરાબર બાર વાગે બધાં મળીને એ ગુફાઓમાં પહોંચી જાય."

"પણ તમે કોણ છો..?" શંકરનાથના શબ્દોમાં રહેલાં વિશ્વાસનો અનુભવ થતાં જ એ મહિલાએ જિજ્ઞાશાપૂર્વક પૂછ્યું.

"બસ એટલું સમજી લો કે ઈશ્વરે જ મને મોકલ્યો છે." આટલું કહી શંકરનાથ ત્યાંથી ચાલી નીકળ્યાં.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED