ધરતીનો છેડો ઘર ~~~
આજે અમારી ફ્લાઈટ લગભગ એક કલાક મોડી હોવાની જાહેરાત થઈ
સમય ગાળો વધતા વધતા એ લગભગ પોણા બે કલાક મોડી આવી
ભૂતકાળમાં કાઠમંડુથી દિલ્હીની ફ્લાઈટ હાઇજેક થયેલી એટલે કાઠમંડુ એરપોર્ટ પર ચાર લેયર ચેકીંગ હતું
વિન્ડો સીટ લીધી હતી કે જતા જતા પણ હિમાલય દર્શન થાય
પણ મારી એ ઈચ્છા સાવ અધૂરી રહી
કારણ કે વિમાન ઉપાડતા સમયે સાવ અંધારું થઈ ગયેલું
કાઠમંડુ - દિલ્હી વચ્ચે આકાશી અંતર લગભગ બે કલાકનું છે
અમારું વિમાન જ્યાં લેન્ડ થયું હતું ત્યાંથી સમાનકક્ષ લગભગ ૪ કિલોમીટર દૂર હતો
સમાનકક્ષ સુધી ચાલી ચાલીને પહોંચતા થાકી ગયા
ત્યાં સુધીમાં અમારી બેગ પેલા કન્વેયર બેલ્ટ પર આંટા મારી મારીનેય થાકી ગઈ હતી અને આમતેમ ફાંફા મારીને બીજી ભારે અને રુઆબદાર બેગોની વચ્ચે શરમથી પોતાની જાત છુપાવીને બેસી ગઈ હતી
અમે પહોંચ્યા એટલે અમારી બેગના જીવમાં જીવ આવ્યો અને દૂરથી અમને જોઈને ઉત્સાહભેર કન્વેયર બેલ્ટ પર દોડતી અમારી પાસે આવી ગઈ
દિલ્હી એરપોર્ટ પર ઉતરીને ગ્રીન કોરીડોરમાં બહાર નીકળતા એક અધિકારીએ રોક્યા અને પૂછ્યું કે કઈ ફ્લાઈટમાં આવ્યા ?
જવાબ હતો "નેપાળ"
એટલે અમારો જવાબ સાંભળીને અને અમારા દેદાર જોઈને વળી આઠ આનાના તાળાવાળી અમારી બેગ જોઈને એ અધિકારી સમજી ગયો કે આમને ઉભા રાખીને બેગ ચેક કરવાનો કોઈ ફાયદો નથી
એટલે પોતાના મુખ પર નકલી હાસ્ય લાવીને અમને એરપોર્ટ ગેટની બહાર નીકળવા દીધા
પહેલા વિચાર્યું કે રાતના અગિયાર વાગવા આવ્યા છે તો અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારના ચાર વાગ્યા સુધી બેસવું
પણ બેસવાની ક્યાંય જગ્યા જ નહોતી
એટલે ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્ટરનલ એરપોર્ટ તરફ જતી બસની ફ્રી ટિકિટ મેળવી ઈન્ટરનલ એરપોર્ટ પર પહોંચી ગયા
રાત્રીના બારનો સમય હતો
ઈન્ટરનલ એરપોર્ટની બહાર ફુડસ્ટોલ પર બ્રેડપકોડા સિવાય અન્ય કોઈ નાસ્તો હતો નહિ
બ્રેડપકોડાને ન્યાય આપીને પેટને તૃપ્તિ કરાવી
એરપોર્ટની અંદર પ્રવેશ્યા
ક્યાંય બેસવાની જગ્યા નહિ
જગ્યા શોધવા માટે આમથી તેમ આંટા મારતા તા
એ સમયે કોઈક એરપોર્ટ અધિકારી અમને લાચાર અવસ્થામાં જોઈ ગયા
તેઓને અમારા પર દયા આવી અને જે જગ્યાએથી અમારું વિમાન સવારે ૭ વાગે ઉપાડવાનું હતું ત્યાં લઇ આવ્યા
ત્યાં બેઠક બતાવી અમને બેસવાનો ઈશારો કર્યો ત્યારે જ એક મહિલા PI ત્યાં દોડી આવ્યા
અને અમને પાછા બહાર જવા જણાવ્યું
મને અને મારા ધર્મપત્નીને ગુજરાતીમાં વાત કરતા સાંભળીને પેલા મહિલા PI પણ અમારી સાથે ગુજરાતીમાં વાતો કરવા લાગ્યા
તેઓને અમારી તકલીફ જણાવી એટલે તેઓએ અમને અન્ય જગ્યાએ લઈ ગયા અને ત્યાં બેસવા જણાવ્યું
સાથે એમ પણ કહ્યું કે સવારે છ વાગ્યા સુધી અહીંથી ક્યાંય ખસશો નહિ અન્યથા મારી નોકરીમાં તકલીફ પડશે
વળી એમ પણ જણાવ્યું કે કોઈ આવીને પૂછે તો મારુ નામ જણાવી દેજો કે મેં તમને અહીં બેસવાની પરવાનગી આપી છે
હું તો આછા અંધારામાં ડોળા ફાડીને એકપણ મટકુ માર્યા વાગાએ આખી રાત જાગતો રહ્યો
મારા ધર્મપત્નીએ બેઠાબેઠા ઊંઘ ખેંચી લીધી
સવારના પોણા છ લગભગ એ જગ્યાએ ચહલપહલ શરુ થઈ
અને જે તે વિમાની કંપનીના કર્મસાધરીઓની અવરજવર શરુ થઈ
નસીબના બળીયા એટલે અહીં પણ અમારી ફ્લાઈટ અડધો કલાક મોડી હતી
દરમ્યાન અમદાવાદ એરપોર્ટથી ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવા માટે અમદાવાદના પેલા રિક્ષાચાલક મિત્રને ફોન લગાવ્યો
પણ એમનો ફોન બંધ આવતો તો
એરપોર્ટ પર પહોંચતા ફરી એ રિક્ષાચાલક મિત્રને ફોન લગાવ્યો પણ ફોન પર જવાબ ના મળ્યો
આખરે અમદાવાદ એરપોર્ટ પર ઉભી કરાયેલી પ્રિપેઈડ રિક્ષામાં બેસીને ઘરના દરવાજે પહોંચ્યા
સવારના લગભગ ૧૦ થવા આવ્યા હતા
રિક્ષામાં બેઠાબેઠા જ એ નક્કી કરી લીધું હતું કે આજે ન્હાવાનો અણોજો પાળવો
અને તુવેરની દાળની વઘારેલી ખીચડી અને છાલ સહિતનું બટાકાનું શાક બનાવવું અને જમી લેવું
પછી સાંજ સુધી આરામ ફરમાવવો
ઘરની ખીચડીને છાલ સહિતના બટાકાના શાકને ન્યાય આપ્યો
અને લંબી તાણી
પણ ફરી પેલો નિયમ આડો આવ્યો
"તમે બહુ થાકેલા હો ત્યારે ઊંઘ જ ના આવે !"
અને આજેય એમ જ થયું
હું નેપાળની યાદોને વાગોળતો પથારીમાં પડયો રહ્યો
યાત્રા પ્રવાસ ~~~
નેપાળમાં વિશ્વપ્રસિદ્ધ કેસિનો આવેલું છે
અને નેપાળમાં કેટલાક પ્રસિદ્ધ બાર છે
પણ એ બંનેય બાબતોથી હું જોજનો દૂર છું
એટલે એ બંનેમાંથી એકેય જગ્યાએ જવાનો વિચાર પણ કર્યો નહોતો
.
આટલા દિવસ નેપાળમાં રહેવા છતાંયે નેપાળી ભોજનનો આસ્વાદ માણવાનો રહી ગયો
એનું મુખ્ય કારણ તો જેટલા દિવસનું રોકાણ હતું એટલા દિવસમાં અમે બપોરે જમવાનું ટાળ્યું હતું
હા....નેપાળી વેજ મોમોનો સ્વાદ જરૂર માણ્યો હતો
મારા મંતવ્ય પ્રમાણે કોઈપણ પ્રવાસના સ્થળે તમારે અજાણી ચીજવસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ
કદાચ એ તમારા શરીરને અનુકૂળ ના આવેને અજાણ્યા પ્રદેશમાં તમારી તબિયત બગાડે
જોકે કેટલાક પ્રવાસીઓનો મત આ બાબતમાં કાંઈક અલગ છે
તેઓના કહેવા પ્રમાણે તમે જે પ્રદેશમાં પ્રવાસે જાવ ત્યાં તમારા પરંપરાગત ભોજનની શોધ ના કરતા જે તે પ્રદેશના ભોજનના ભોજનનો આસ્વાદ માણવો જોઈએ
જોકે આ બાબત માંસાહારી લોકો માટે શક્ય બને શાકાહારી લોકો માટે નહિ
૧૯૯૯માં લગભગ ૪ મહિના જેટલો સમય ઓફિસના કામે મારે કેરાલામાં રહેવું પડ્યું હતું
હું શુદ્ધ શાકાહારી અને કેરાલામાં શુદ્ધ શાકાહારી ભોજન મળવું ખુબ જ મુશ્કેલ હતું
ત્યારે કોચીમાં હેડક્વાર્ટર અને BTHમાં રહેવાનું (BTH - ભારત ટુરિઝમ હોટલ)
BTHમાં ઈડલી, ઢોંસા કે ઉત્તપ્પા મળતા
પણ સવાર, બપોરને સાંજ એ ખાઈને કંટાળી ગયો હતો
એ સમયે કોચીનમાં કોઈપણ જગ્યા એ ગુજરાતી ખાણું ઉપલબ્ધ ના હતું
ત્યારે MG Road જોસ જંક્શનથી આગળ દ્વારકા પ્યોર વેજ રેસ્ટોરન્ટ શોધી કાઢી હતી
તેના માલિક ગુજરાતી હતા પણ પેઢીઓથી કોચીન, કેરાલામાં આવીને વસ્યા હતા
તેઓ ગુજરાતી સમજી શકતા હતા પણ ગુજરાતી બોલી શકતા નહોતા
દ્વારકા રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી મળતી ના હતી (કદાચ અત્યારે મળતી હોય)
પણ પંજાબી કે સાઉથની વાનગીઓ મળતી એનાથી પેટપૂજા કરાવી પડતી
રેસ્ટોરન્ટના ગુજરાતી માલિક સાથે વાતચીતમાં જાણ્યું કે અહીં ગુજરાતી થાળી કોઈ પસંદ જ ના કરે એટલે અહીં ગુજરાતી થાળીનું કે ગુજરાતી ખાણાનું જોખમ ના ઉઠાવાય
કદાચ તેઓની વાત સાચી હતી
સતત ચાર મહિના સુધી પંજાબી કે સાઉથની વાનગીઓ અને આઈસક્રીમથી ગાડુ ગબડાવ્યું
તકલીફ ત્યારે થતી જયારે અર્નાકુલમ વોર્ફ પર અને કોટ્ટાયમ, કોલ્લમ, એલેપ્પી વગેરે વગેરે જગ્યાઓએ અને એ પણ અંતરિયાળ ભાગોમાં જવાનું રહેતું
ત્યાં શાકાહારી ભોજન અસંભવ હતું
ત્યારે ફ્રૂટ જ્યુસ અને ફ્રૂટ ખાઈને જબરજસ્તી ઉપવાસ કરવાનો વારો આવતો
નોકરી દરમ્યાન આવા તો ઘણા ઉપવાસ કરવાનો વારો આવ્યો !
ફરી એ વાત કહીશ
પ્રવાસના સ્થળો પર અજાણી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું
મોટાભાગના સ્થળોએ ઈંડાથી બનાવેલી વાનગીઓને શાકાહારી ગણાવાય છે
એટલે એ બાબતે પણ ચોખવટ કરીને જ અજાણ્યા ભોજનનો ખાવામાં ઉપયોગ કરવો
.
અજાણ્યા સ્થળે પ્રવાસ દરમ્યાન તમારા વાહનના ડ્રાઈવરની જમવાની અને આરામની વ્યવસ્થાનો ખાસ ખ્યાલ રાખવો
તેની સાથે મિત્રતા કેળવવી અને તેની તકલીફો ખ્યાલ રાખવો
આજથી પાંચેક વર્ષ પહેલા ભારતના ઉત્તરપૂર્વ ભાગમાં બનેલો એક સાચો કિસ્સો અહીં નોંધવો રહ્યો
વડોદરા, ગુજરાતથી કેટલાક પ્રવાસીઓ ઉત્તર ભારતના પ્રવાસે ગયા હતા
અને ત્યાંથી સ્થાનિક બસ ભાડે કરીને પ્રવાસે હતા
સામાન્યરીતે પ્રવાસી બસના ચાલકો સાંજે અંધારું થયા પછી પોતાની અને પ્રવાસીઓની સલામતી ધ્યાને રાખીને ખીણ વિસ્તારમાં પોતાનું વાહન ચલાવવાનું ટાળે છે
પ્રવાસીઓએ બસના ડ્રાઈવર અને કંડકટરને કોઈક કારણે માર્યા અને ડ્રાઈવરની ઈચ્છા વિરુદ્ધ બસ ચાવવાનું અસહ્ય દબાણ કર્યું
ઘાટીના વળાંકોથી જાણીતા સ્થાનિક ડ્રાઈવર અને કંડકટર એક વળાંકે ચાલુ બસમાંથી કૂદીને ઝાડ પર લટકી ગયા અને પ્રવાસીઓ સાથેની બસને ખીણમાં નાખી હતી
જેમાં ૪૨ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા
આ વાતની પુષ્ટિ આ બસ અકસ્માતમાં બચી જવા પામેલા પ્રવાસીઓએ જ કરી હતી
આ કિસ્સો અહીં ટાંકવાનો અને કહેવાનો અર્થ એટલો જ છે કે બસના / વાહનના ડ્રાઈવર / કંડકટર સાથે માનવીય અભિગમ કેળવવો અન્યથા એમની સાથેનો દુર્વ્યવહાર પ્રવાસીઓને ભારે પડી શકે છે
.
પ્રવાસે જતા જરૂરી કપડા, જરૂરી દવાઓ, એક ટોર્ચ અને સારો કેમેરો સાથે રાખવા
શક્ય હોય ત્યાં સુધી વધારાના કપડા વેંઢારવા નહિ
શક્ય હોય ત્યાં સુધી પોકેટ કેમેરો ટાળવો
મોબાઈલ, કેમેરાની બેટરી દરરોજ ચાર્જ કરતા રહેવું. ધ્યાન રહે કે હોટલનો રૂમ છોડી બહાર ફરવા જતા સમયે જે તે બેટરીઓ મોબાઈલ કે કેમેરામાં લગાવી દીધી હોય
.
પ્રવાસના સ્થળેથી બિનજરૂરી કોઈપણ વસ્તુ ખરીદવી નહિ
કારણ કે હાલના સમયમાં દુનિયાની કોઈપણ વસ્તુ મારા અને તમારા શહેરમાં મળે છે અથવા Online એ મંગાવી શકાય છે
.
એપ્રિલ ૨૦૧૪માં આ વિપ્રએ જિંદગીમાં પ્રથમ વખત ભારતની ભૂમિ સિવાય વિશ્વની અન્ય ભૂમિ પર પગ મૂક્યો હતો
દેશ હતો નેપાળ
ત્યારે આશ્ચર્ય અને આનંદની કોઈ અવધિ જ નહોતી
અઢળક જવાબદારીઓ અને આવકના ટાંચા સાધનમાં આ વાતની કે આ વિષયની કલ્પના કરવી પણ શક્ય નહોતી
પણ મારી સાથે મારા ખભા પરનો ભાર ઓછો કરવા મારા બંનેય દીકરાઓ ત્યારે પગભર થઈ ગયા હતા અને મારી આર્થિક ઊંચાઈને આંબી ગયા હતા
તેઓના અને મારી પુત્રવધૂઓનાં આગ્રહવશ આ જાત્રા-યાત્રા કમ સૌપ્રથમ વિદેશપ્રવાસ શક્ય બન્યો
મારા બંનેય પુત્રોનો અને બંનેય પુત્રવધુઓનો દિલથી આભાર
અમને મળ્યા એવા પુત્રો અને એવી પુત્રવધૂઓ સૌને મળે એજ અભ્યર્થના
નેપાળ પ્રવાસ - હાલની પરિસ્થિતિ
~~~~~~~~~~~~~~~~~~~~~~
નેપાળની હાલની પરિસ્થિતિ અને નેપાળ સાથેના સરહદ વિવાદથી વણસતા જતા રાજકીય સંબંધોને ધ્યાને રાખીને એ વાત વિચારવી રહી કે ભવિષ્યમાં નેપાળની યાત્રા આટલી જ સરળતાથી થઈ શકશે કે ?
રાજાશાહીના આધિકારિક પતન પછી ૨૮ મે ૨૦૦૮ના દિવસે વડાપ્રધાન ગિરજાપ્રસાદ કોઇરાલાની આગેવાનીમાં સૌપ્રથમ લોકશાહી સરકાર બની
નેપાળી કોંગ્રેસની આ સરકારનું ૧૮ ઓગસ્ટ ૨૦૦૮ના દિવસે પતન થયું
અને પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડની આગેવાનીમાં સૌપ્રથમ વખત નેપાળમાં સામ્યવાદી સરકાર બની
ત્યારથી આજસુધી , મોટાભાગના સમય દરમ્યાન, જુદાજુદા વડાપ્રધાનની આગેવાની હેઠળ નેપાળમાં ચીન તરફી સામ્યવાદી સરકારોનું રાજ્ય રહ્યું
દરમ્યાન માર્ચ માર્ચ ૨૦૧૩માં બાબુરામ ભટ્ટરાઈની ( યુનાઇટેડ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ )ની સરકારના પતન બાદ લગભગ એક વર્ષ માટે વડાપ્રધાન ખીલરાજ રેગ્મીની આગેવાની હેઠળ રખેવાળ સરકાર રહી
અને માર્ચ ૨૦૧૪થી ફરી વખત સત્તાના સૂત્રો નેપાળી કોંગ્રેસના હાથમાં આવ્યા અને સુશીલ કોઇરાલાની સરકાર બની
જે સરકારનું પતન ઓક્ટોબર ૨૦૧૫માં થયું
ત્યારથી આજસુધી નેપાળની સત્તાના સૂત્રો સામ્યવાદી સરકારના હાથમાં છે
નેપાળ પ્રવાસ દરમ્યાન અલગ અલગ હોટલોના માલિકો અને અલગ અલગ ટેક્સીચાલકો સાથે આત્મીયતા અને મિત્રતા થયા પછી એ મિત્રો સાથે થયેલી વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે ૨૦૦૮માં સત્તાપલ્ટા પછી નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં દેશનું શાસન આવ્યું
અને આ સત્તાપલ્ટા સાથે જ પ્રવાસન અને હોટલ ઉદ્યોગ પર નભતા નાનકડા સ્વમાની દેશની માઠી બેઠી
ભારતીય પ્રવાસીઓ સહીત અન્ય વિદેશી પ્રવાસીઓ નેપાળ પ્રવાસે આવતા લગભગ બંધ થઈ ગયા
ત્યાં સુધી કે નેપાળની કરોડરજ્જુ સમાન પ્રવાસન ઉદ્યોગ સાવ પડી ભાંગ્યો
આ પરિસ્થિતિમાં સ્વમાની નેપાળી પ્રજા ધંધા રોજગાર વગરની થઈ ગઈ
અને નેપાળની મોટાભાગની પ્રજા લગભગ ભૂખમરામાં જીવવા લાગી
વર્ષ ઓગસ્ટ ૨૦૦૮થી માર્ચ ૨૦૧૩ સુધી આ પરિસ્થિતિ રહી
વર્ષ ૨૦૧૩માં આવેલી રખેવાળ સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી નેપાળનો પ્રવાસન ઉદ્યોગ પુનર્જીવિત થયો
ભારત સહિતના વિદેશી પ્રવાસીઓની આવનજાવન શરુ થતા નેપાળની એકમાત્ર આર્થિક જીવાદોરી જીવંત થઈ
૨૦૧૪માં જયારે અમે નેપાળ પ્રવાસે હતા ત્યારે ચીને "પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ" બનાવવાની વાટાઘાટો શરૂ કરી દીધી હતી
વર્ષ ૨૦૧૬થી ચીને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની શરૂઆત કરી દીધી હતી
જેનું નિર્માણ કાર્ય વર્ષ ૨૦૨૦ના અંતભાગમાં પૂર્ણ થઈ જશે અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ ૨૦૨૧ની શરૂઆતથી સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે
યાદ રહે કે પોખરાએ નેપાળની આર્થિક રાજધાની છે
જેના પર આડકતરુ નિયંત્રણ ચીનનું આવી જશે
યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આ એરપોર્ટનો લશ્કરી ઉપયોગ પણ કદાચ ચીન કરી શકશે
આ સિવાસ લ્હાસાથી કાઠમંડુ સુધીનો ૧૩૦૦ કિલોમીટરનો "ફ્રેન્ડશીપ હાઇવે" ચીનની સરકારે બનાવ્યો છે
જે ચીનના G 318 હાઇવેને મળે છે
જેનો ઉપયોગ પણ જરૂર પડે ચીની લશ્કરની હેરાફેરીમાં કરી શકશે
આ સિવાય કાઠમંડુને ચીનના સરહદી રાજ્યોને જોડતી રેલવેલાઈન નાંખવાની શરૂઆત ચીને ૨૦૧૬માં કરી દીધી છે
આ રેલવે લાઈનનો ૭૨ કિલોમીટરનો હિસ્સો નેપાળમાં હશે
જયારે ૫૫૬ કિલોમીટરનો હિસ્સો ચીનમાં
આ રેલવે લાઈનનું કામ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થઈ જશે
.
આમ રસ્તા, રેલ અને હવાઈ માર્ગે ચીને નેપાળમાં પોતાનું આધિપત્ય સ્થાપવામાં ભરચક પ્રયત્નો આદરી દીધા છે
.
નેપાળમાં જ્યારથી માઓવાદી - સામ્યવાદી સરકારો આવવા લાગી છે ત્યારથી જે તે સરકારોએ નેપાળની ભારત પરની નિર્ભરતા ઘટાડવાના ભરચક પ્રયાસો કર્યા છે
અને સાથોસાથ ચીન અને ચીનની સરકાર સાથેના આર્થિક સહિતના નેપાળના વિકાસના કામો માટેની ચીન પરની નિર્ભરતા વધારી દીધી છે
.
તિબેટની જેમ રાતની રાતમાં નેપાળને પણ ચાઈનીઝ ડ્રેગન ભરખી લે , એવી ભીતિ પર અત્યારે સિવાય છે
જો આમ થશે તો ભારતને એના ખુબ જ માઠા પરિણામો ભોગવવા પડશે
કારણ કે અત્યારે ભારત અને ચીન વચ્ચે નેપાળ એક "બફર સ્ટેટ" છે
ભવિષ્યમાં નેપાળ અને ભારતની સરહદે ચીની લશ્કરની હાજરી જોવા મળી શકે છે
કોઈ માને કે ના માને પણ નેપાળ જેવા પાડોશી સાથે વણસેલા સંબંધો એ ખોટી વિદેશનીતિનું પરિણામ ગણી શકાય
આ પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ ના આવ્યો કદાચ કાલે નેપાળનો યાત્રાપ્રવાસ કે જાત્રાપ્રવાસ ભારતીયો માટે અશક્ય બની રહેશે
.
હું એપ્રિલ ૨૦૧૪માં નેપાળના પ્રવાસે ગયો હતો
ત્યારે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩ વચ્ચે નેપાળમાં સર્જાયેલી રાજકીય અરાજકતાનો અંત આવી ગયો હતો
૨૫ એપ્રિલ ૨૦૧૫ના દિવસે નેપાળમાં આવેલા મહા વિનાશક ભૂકંપ પહેલા મેં નેપાળમાં પ્રવાસ કર્યો
અને હાલની રાજકીય અફડાતફડી પહેલા હું નેપાળ જઈ આવ્યો
એટલે હું મારી જાતને નસીબદાર સમજુ છું.
દાદા પશુપતિનાથને એ પ્રાર્થના કરવી રહી કે અત્યારની જેમ તમામ ભારતીય શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓ બ્રહ્માંડના અસ્તિત્વ સુધી હાલની જેમ જ નેપાળમાં આસાનીથી અવરજવર કરતા રહે
(સંપૂર્ણ)
~~~
~~~~~~~~~~~~~~~~~~~~