Viprani Videshyatra - Nepal Pravas - 6 books and stories free download online pdf in Gujarati

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૬

હનુમાન ડોકા, કાઠમંડુ દરબારચોક ~~~

યાત્રાની આ જ તો ખાસિયત છે

સવારે વિમાનમાર્ગે હિમાલય સર કર્યો અને અત્યારે પગપાળા દરબારચોક નામના મેદાનમાં

અહીં ફરી વખત એજ વાત કહીશ કે

કોઈપણ યાત્રામાં જાઓ ત્યારે તમારા આળસ, ઊંઘ, થાક, ભૂખ-તરસને તમારા ઘરના દીવાનખંડમાં ધરબીને જવું

શક્ય હોય તો તમારા દુખતા ઢીંચણને પણ તમારા ઘરમાં ધરબીને જવા

એટલે એ કોઈ તમને મ્હાલવામાં, હરવા ફરવામાં, જે તે જગ્યાની મજા માણવામાં વચ્ચે ના આવે અને તમને નડે નહિ

જો એ બધાયે તમારી સાથે આવ્યા જ હોય તો

બાકી તો તમે ફરી રહયા !

.

.

નવી સવારે નવી તાજગી અને નવા ઉત્સાહ સાથે થાકને ભૂલીનેય નવી જગ્યાએ નવા દિવસની શરૂઆત કરવી રહી

અન્યથા તમે તમારા ઘરમાં જ રહો એ વધુ ઈચ્છનીય છે.

આટલા દિવસમાં ના માત્ર ગુજરાતી ખાણુ ભૂલી ગયો હતો ક્યારેક તો તારીખ અને વાર પણ યાદ રહેતા ના હતા

સ્વાદ અને આસ્વાદ આમ તો બન્નેય માણવાની વસ્તુ છે

સ્વાદ અને આસ્વાદ બન્નેયમાં બહુ મોટો ફરક છે.

સ્વાદ તો માત્ર જીભના ચટાકાની પૂર્તિ કરી આપે

આસ્વાદ તો એક અલૌકિક અનુભૂતિ છે

સ્વાદ તો ક્ષણિક છે

આસ્વાદ તો આજીવન સ્મૃતિમાં સંગ્રહાયેલો રહે છે.

એમાંયે અર્થાટન વગરના પર્યટનની તો વાત જ અનેરી કહેવાયને

ના કામનો બોજ ના અન્ય કોઈ ચિંતા

રખડપટ્ટીનો આનંદ કોને કહ્યો !

.

આજે સવારી ઉપડી કાઠમંડુના દરબારચોકમાં

એની ઓળખ આમ તો દરબાર ચોક કે બસંતપુર દરબાર ક્ષેત્ર કે હનુમાન ડોકા દરબારચોકના નામે

મલ્લ અને શાહ રાજવીઓના સમયના મહેલની બરાબર સામે આવેલી વિશાલ જગ્યા

નેપાળના ત્રણ દરબારચોક ભક્તાપુર, લલિતપુર અને કાઠમંડુ

અહીં એ વાત અવશ્ય નોંધવી રહી કે કાઠમંડુના દરબાર ચોક કરતા લલિતપુરના દરબારચોકની ભવ્યતા વધારે અને કાઠમંડુ અને લલિતપુર કરતાંયે ભક્તાપુરની ભવ્યતા સૌથી વધારે

ભક્તાપુર, લલિતપુર અને કાઠમંડુ એ ત્રણેયના દરબાર ચોકને વિશ્વ ધરોહરનો દરજ્જો મળેલો એટલે એની સારસંભાળ અને માવજતમાં કોઈ જ કચાશ ના મળે

હા વર્લ્ડ હેરીટેઝમાં એ ત્રણેયના સમાવેશ પછી એ ત્રણેય જગ્યાઓએ પ્રવેશ મેળવવા હવે પ્રવેશ ફી આપવી ફરજીયાત થઈ ગઈ છે

રાજવીના મહેલની સામે જ હોય એટલે રાજવીઓના ઠાઠ અને જાહોજલાલી આપોઆપ દરબારચોકને મળ્યા કે હોય

વિશાળ જગ્યા, રાજવીઓ જે કોઈ દેવીદેવતાને માનતા હોય એ દેવીદેવતાની હાજરી આમ પ્રત્યક્ષપણે નહિ પણ અપ્રત્યક્ષરૂપે જે તે મંદિરમાં મૂર્તિ સ્વરૂપે

મહેલો સિવાયની અન્ય ભવ્યાતિભવ્ય ઈમારતો પણ

મહેલના પ્રવેશદ્વારની સામે બિરાજ્યા છે રામભક્ત હનુમાનજી એટલે જ આ જગ્યા હનુમાન ડોકા તરીકે વધુ પ્રચલિત છે.

આમ તો નેપાળના મોટાભાગના નગરો હિન્દુ દેવીદેવતાઓ મંદિરોની હાજરીની કારણે યુગોપર્યન્ત ત્યાં પાંગરેલી હિન્દુસંસ્કૃતિની યાદ અપાવવા પૂરતા છે.

અને અગત્યની વાત એ છે કે સ્વયંશિસ્તને વરેલી ગરીબ અને ભોળીપ્રજાએ ક્યારેય કોઈપણ નગરમાં કે કોઈ મુખ્યમાર્ગો પર સરકારી કે અન્ય ખાનગી જમીન ઓળવીને નાનામોટા મંદિરો તાણી બાંધ્યા નથી !

કદાચ એના શાસકોના કડબના કારણે પણ એમ બન્યું હોય !

પ્રવેશતાની સાથે જ ડાબી તરફ લાયસન્સદાર પાથરણાવાળા દેખાયા ....

એક સમયે અમદાવાદની ગુજરીની યાદ આવી ગઈ

પણ અહીં ફરક એટલો હતો કે અહીં પાથરણાવાળા વિવિધ ધાતુની હિન્દુ દેવીદેવતાની મૂર્તિઓ ભગવાન બુદ્ધની અલગ અલગ અંગભંગિમા સાથેની મૂર્તિઓ કે અલગ અલગ મહોરા અને ભાતીગળ કપડાની હાટ સજાવીને પોતાની જગ્યાઓએ બેઠેલા હતા.

ના ગુજરી જેવો શોરબકોર....

ના વિદેશીપ્રવાસી કે અન્ય ગ્રાહકો પાછળ દોડીને એમને કોઈપણ વસ્તુ પરાણે પકડાવવાની રતનપોળ કે ઢાલગરવાડ જેવી વાત

.

આમ તો ત્રીજી સદીમાં લિચ્છવી રાજા દ્વારા આ મહેલ અને દરબાર ચોકની અન્ય ઈમારતો બંધાવ્યાનો અછડતો ઉલ્લેખ છે.

ત્યારબાદ ૧૦૬૯ થી ૧૦૮૩માં જયારે રાજા શંકરદેવ કાઠમંડુની ગાદીએ રાજ્ય કરતા હતા ત્યારે મહેલ અને દરબારચોકનું નવીનીકરણ કરાયાની નોંધ પણ ખરી

કદાચ એ સમયે આજના જેવી નોંધનીય બાબતોના લખાણોને સુયોગ્યઢબે સાચવવાની વૈજ્ઞાનીકરીત હજુ શોધાઈ ના હતી અને અથવા રાજા સહિતની પ્રજાને પોતાના સામ્રાજ્ય સિવાયના અન્ય સામ્રાજ્યોની સંવેદનશીલ ઐતિહાસિક સિદ્ધિઓમાં રસ જ નહિ હોય !

૧૫૦૧માં રાજા રત્નમલ્લે દરબાર ચોકમાં પોતાના કુળદેવી માતા તુળજાભવાનીનું મંદિર બનાવ્યું.

તુળજાભવાની મંદિર સિવાય દરબાર ચોકમાં ભગવતી મંદિર સ્થિત છે.

જગન્નાથ મંદિર, જે ૧૬મી સદીમાં બન્યું છે. જે મંદિરને ફરતે લાકડામાંથી કોતરી બનાવેલા ખજુરાહો શૈલીના અદભુત કોતરકામ ધરાવતા શિલ્પો છે.

૧૭મી સદીમાં એક જ પથ્થરમાંથી કોતરી બનાવેલ કાલભૈરવની મૂર્તિ બિરાજમાન છે.

કાળભૈરવની મૂર્તિ છત્ર વગરના કે ગુમ્બજ વગરના મંદિરમાં તદ્દન ખુલ્લામાં છે.

અહીં એ વાત ની નોંધ લેવી રહી કે આ મંદિરના બે પગથીયા ચઢીને ઘણા સ્થાનિકો પોતાના ચંપલ કે બુટ ઉતાર્યા વગર ના માત્ર દર્શન કરતા પણ કાલભૈરવની પૂજા પણ કરતા !

શ્વેત ભૈરવનું મંદિર જે વર્ષમાં માત્ર એક જ વખત ઈન્દ્રજાત્રાના તહેવાર નિમિત્તે ખુલે છે જયાં સાક્ષાત કુમારિકા દેવી બિરાજે છે જે કુમારિકાઓને વર્ષોથી પરંપરાગતરીતે શોધીને દેવી સ્વરૂપે પૂજવામાં આવે છે.

આ મંદિરમાં અન્ય દિવસે દેવીના દર્શન કરવા માટે વિદેશી પ્રવાસીઓ પાસેથી મોં માંગી ફી ઉઘરાવી દેવીના દર્શન કરાવાય છે.

કાષ્ઠમંડપ કે જેની સાથે નેપાળની રાજધાની કાઠમંડુનું નામકરણ કરાયું છે તે અહીં સ્થિત છે.

આ કાષ્ઠમંડપ એક જ વૃક્ષને કોરીને બનાવાયું હોવાનું કહેવાય છે.

નૌતાલે દરબાર, જે નવમાળનો પેગોડા ટાઈપનો મહેલ છે.

મારુ ગણેશ મંદિર, શિવપાર્વતી મંદિર, ભગવતી મંદિર, સરસ્વતી મંદિર, કૃષ્ણ મંદિર વગેરે અન્ય મંદિરો દરબાર ચોકના મુખ્ય આકર્ષણ છે.

અહીં ભગવાન પશુપતિનાથના મૂળ મંદિરની પ્રતિકૃતિ સમાન નાનું મંદિર પણ છે.

મુલાકાતીઓ માટે મહેલમાં પ્રવેશ સદંતરરીતે વર્જિત છે ત્યાં સૈનિકોની હાજરી સતત રહે છે અને સરકારી અધિકારીઓ અને અથવા માત્ર રાજઘરાનાની વ્યક્તિઓને જ પ્રસંગોપાત પ્રવેશ અપાય છે.

દરબાર ચોકની દક્ષિણ તરફ સામાન્ય વ્યક્તિઓના રહેઠાણ છે આજે આ તરફનો વિસ્તાર કોમર્શિયલ ઝોન તરીકે વિકસાવ્યો છે જ્યાં કેટલાક ભાગમાં અમદાવાદના માણેકચોકના રાત્રી ખાણીપીણી બજાર કે સુરતની ખાઉધરા ગલીની જેમ ખાણીપીણીના સ્ટોલ અથવા લારીઓને લાયસન્સ સાથે પોતાનો ધંધો કરવા છૂટ અપાઈ છે.

એ સિવાય આજુબાજુમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાણીપીણીના રેસ્ટોરન્ટ પણ છે. આ એવી જગ્યા છે જયાં ઘરથી દૂર ઘર જોવા મળે છે.

આ વિસ્તારમાં ધંધો કરનારા લોકો મૂળ ભારતીયો જ છે જેમના પૂર્વજો UP અને બિહારના છે જેઓ વર્ષો પહેલા અહીં આવી વસ્યા છે અને અહીં જ રહી પડયા છે.

અહીં રેસ્ટોરન્ટ કમ મીઠાઈની દુકાનમાં ભુખ્ખડની જેમ રગડા પેટીસ અને ભાજીપાઉંની મઝા માણી

અને બાકીના દિવસો માટે મીઠાઈ અને કટકબટક ભરી લીધા.

અહીં ઢાલગરવાડની જેમ પાથરણા પર સાડીઓ, નાના બાળકોના કપડા, નેપકીન કે ટુવાલ, શેતરંજી, ચાદર કે બેડશીટ વેચનારા પણ જોવા મળે છે.

માણેકચોકની જેમ આ સખત ભીડભાડવાળો વિસ્તાર જણાય છે.

અહીં પહેલી વખત રસ્તા પર આથડતી અને લોકોને શીંગડે ચડાવતી ઘણી બધી ગાયો જોવા મળી.

બધી જ રીતે અમદાવાદ જેવું વાતાવરણ લાગવું જોઈએને !

કદાચ ભારતીયોની હાજરી એ આ વિસ્તારને ભારત જેવો બનાવી દીધો હોય આ સિવાય પોતાની સાયકલો પર ફળફળાદિ વેચતા આપણા UP અને બિહારના "ભૈયા" પણ નજરે ચઢ્યા.

લલિતપુર અને ભક્તાપુરના દરબાર ચોકની મુલાકાત સમયે ત્યાં અસંખ્ય વિદેશીઓની હાજરી જોવા મળી હતી કાઠમંડુ દરબાર ચોકની મુલાકાત સમયે સમખાવા એકપણ વિદેશી પ્રવાસી જોવા ના મળ્યો એ નોંધનીય બાબત ગણવી રહી.

કદાચ ભીડભાડ કે ભારતના શહેરોના બજારો જેવું વાતાવરણ હશે એટલે વિદેશીઓ આ સ્થળથી અળગા રહેતા હશે !

આટલી મોટી જગ્યા,

એક જ જગ્યાએ આટલા બધા મંદિરો,

આટલુ મોટું બજાર ,

આટલી ભીડભાડવાળી જગ્યા

પણ એ જગ્યાએ એકપણ હા એકપણ ભિખારી નહિ !

ગરીબ ગણાતી પ્રજાની એ ખુમારીને સલામ !

સાયકલ અને ટુ વ્હીલર સિવાયના કોઈપણ વાહનને આ જગ્યા પર આવવાની સદંતર બંધી

એક અગત્યની વાત અહીં કહેવી જરૂરી છે તે

નેપાળ યાત્રા સમયે રુદ્રાક્ષ સિવાયની કોઈપણ વસ્તુની ખરીદી કરવી નહિ

કારણ કે નેપાળમાં મોટાભાગની વસ્તુઓ ભારતમાંથી આયાત થાય છે

તેમાંયે જુદીજુદી ધાતુની અલગ અલગ ભગવાનની કે અન્ય મૂર્તિઓ દિલ્હી, નોઈડા, UP , બિહારથી કિલોના ભાવે લવાય છે અને નેપાળના બજારમાં એ નંગના ભાવે વેચાય છે

એટલે બિનજરૂરી કોઈપણ વસ્તુ નેપાળથી ખરીદવી નહિ

.

બીજી અગત્યની વાત

જો નેપાળને માણવુ જ હોય તો કોઈ પેકેજ ટુરમાં ના જવું

પણ પોતાની રીતે નેપાળમાં જવું


પ્રજાવત્સલ રાણી અને રાણીની ત્યાગભાવના

~~~~~~

હિમાલય અને હિમાલયનો ખીણવિસ્તાર એટલે કુદરતી સૌંદર્યની ભરમાર જ !

ન માત્ર એની અસર કુદરતી વનસ્પતિ પૂરતી જ મર્યાદિત પણ હિમાલયની તળેટીના ગામોમાં કે શહેરોમાં વસતી સ્ત્રીઓનું સૌંદર્ય પણ અદ્વિતીય.

એટલે મારી પ્રબળ માન્યતા હતી કે નેપાળ સહીત હિમાલયની તળેટી વિસ્તારમાં "બ્યુટીપાર્લર" નામના ૨૧મી સદીના આધુનિક વ્યવસાયનો જન્મ થયો જ નહિ હોય !

પણ મારી આશા ઠગારી નીવડી

અદભુત કુદરતી સૌંદર્યને વરેલી સ્ત્રીઓ પણ એટલી જ "મેકઅપ" અને "ઓવર મેકઅપ"ને વરેલી જોવા મળી.

કારણ ?

સ્ત્રી સહજ દેખાદેખી જ હશે !

જયારે બીજી તરફ

નેપાળની રાણી ઐશ્વર્યા જે આજેય વિશ્વની સુંદરતમ ૧૦ સ્ત્રીઓમાંથી એક ગણાય છે.

તે જવલ્લે જ મેકઅપ કરવાનું પસંદ કરતી.

રાણી ઐશ્વર્યાની કપડા પહેરવાની સમજ અને કેશકલાપ / વાળગૂંથણીની સ્ટાઈલ નેપાળમાં આજેય અદ્વિતીય જ ગણાય છે.

રાણી ઐશ્વર્યાના શરીર પર કોઈપણ સામાન્યવસ્ત્રો પણ દીપી ઉઠતા !

સામાન્યરીતે રાજપરિવાર અને અથવા નેતાઓની જીવન જીવવાની ઢબછબને સામાન્યપ્રજા સ્વીકારીને અનુસરતી હોય છે

કદાચ રાણી એ સત્ય સુપેરે જાણતી હતી કે એની જીવન જીવવાની ઢબછબ નેપાળની સામાન્ય અને ગરીબ સ્ત્રીઓ અનુસરવાનો પ્રયાસ કરશે જ

એટલે રાણી એશ્વર્યા આજીવન સાદગીને વરેલી રહી

પોતાની ગરીબ પ્રજા માટે રાણીનો મહાન ત્યાગ !

સામાન્ય નેપાળી પુરુષ સામાન્ય ભારતીય પુરુષની હરોળનો જોવા મળ્યો .......

કારણ એને "કેટલી વીસે સો થાય એ ખબર હશે !"

દિવાળી, જન્માષ્ટમી, મકરસંક્રાંતિ, ઋષિ પાંચમ, ભાઈબીજ , રક્ષાબંધન , ત્રીજ કે છઠ જેવા ભારતીય તહેવારો નેપાળી સ્ત્રીઓ એટલા જ હર્ષોલ્લાસથી ઉજવે છે.

તેઓ જે તે તહેવાર સમયે યુગોથી અનુસરાતી વસ્ત્રાલંકારની રુઢીને આજેય અનુસરે છે.

જાહેર તહેવારો સમયે સ્ત્રીઓ ઉડીને આંખે વળગે તેવી લાલચટ્ટક રંગની સાડીઓ અને સોનેરી કે રૂપેરી રંગના સામાન્યથી લાંબી બાંયના બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે

એ સમયે ઉભો થતો રંગોત્સવ એક અલગ માહોલ પેદા કરે છે.

વસ્ત્રાલંકારની આ પરંપરા જ કોઈકના વ્યક્તિગત લગ્નપ્રસંગે, જનોઈ સમયે, બાળકોના મુંડન સમયે કે ઘરના વાસ્તુ સહિતના અન્ય પ્રસંગોએ જોવા મળે છે.

સ્ત્રીઓ મોટાભાગે રંગબેરંગી મોતીઓના હાર, રંગબેરંગી મોતીઓની માળા કે મોતીઓના સેટ પહેરતી જોવા મળી

કદાચ સોના ચાંદીના દાગીના પહેરવા નેપાળની પ્રજાને પોસાતા નહિ હોય !

.

સમગ્ર નેપાળની વાત કરીએ તો પોતાની સ્વનિર્ભરતાના અભાવે સામાન્ય જીવનજરૂરિયાતની તમામે તમામ વસ્તુઓ માટે પોતાના સૌથી નજીકના અને સમૃદ્ધ પાડોશી દેશો ભારત અને ચીન તરફ નેપાળ હંમેશા લાચારીનો હાથ લંબાવતુ જોવા મળ્યું છે.

રાજવીઓના રાજ્યના સમય સુધી વિશ્વમાં સૌથી વધુ હિન્દુ વસતી ધરાવતા ભારતદેશે પોતાનાથી શક્ય એટલી બધી જ મદદ જે તે સમયના હિન્દુરાષ્ટ્ર નેપાળને કરવાનું પસંદ કર્યું હતું.

રાજઘરાણાના અસ્તની સાથે, સ્વીકારાયેલી લોકશાહી ઢબછબમાં ચીન અને ચીન તરફી રાજકીયપક્ષોના વધતા વર્ચસ્વ સાથે ભારતે પોતાના નાનાભાઈ સમાન નેપાળને મદદ આપવાનું ઓછુ કરી દીધું.

આ પરિસ્થિતિ ક્યારેક ભારતદેશમાં અસહ્ય સાબિત થઈને રહેશે એ વાત નક્કી છે.

કારણ કે ચીન ના માત્ર ત્યાં આર્થિક પગપેસારો કરે છે પરંતુ પોતાના લશ્કરને ભારતની સીમા સુધી પહોંચવા જરૂરી એવા વ્યુહયાત્મક સ્થળોએ પોતાને અનુરૂપ વિકાસ અને ઝડપી વિકાસમાં લાગી ગયુ છે.

જેમાં સીમાવર્તી ક્ષેત્રોના મુખ્યરસ્તાઓ અને વ્યૂહાત્મક સ્થળોના અંતરિયાળ રસ્તાઓના બાંધકામ અને પુલોનો સમાવેશ થાય છે.

નેપાળના કાઠમંડુ પછીના બીજા નંબરના શહેર પોખરાના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવવાના કામનો પણ એમાં સમાવેશ થાય છે.

માનો કે તિબેટ અને ભૂતાનની જેમ રાતની રાતમાં નેપાળને પણ જો આ ચાઈનીઝ ડ્રેગન ભરખી લેશે તો ભારતને રાતાપાણીએ રોવાનો વારો આવશે એમાં બેમત નથી.

.

નેપાળને પોતાના કોઈ ઉદ્યોગધંધા છે નહિ.

આ વિસ્તારને કુદરતે અમાપ સૌંદર્ય બક્ષ્યુ છે પણ અન્યરીતે આ પ્રદેશને તદ્દન ઉપેક્ષિત રાખ્યો છે.

આ વિસ્તારની આજીવિકાનું મુખ્ય સાધન પ્રવાસન અને પર્યટન જ છે.

૨૦૦૯માં ચીનતરફી રાજકીયપક્ષે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ લગભગ ૩ વર્ષ સુધી નેપાળના પ્રવાસન અને પર્યટન ઉદ્યોગ નવી સરકારની નીતિરીતિના પાપે સદંતર ઠપ થઈ ગયો હતો.

પ્રવાસનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ એ વર્ષો કેવીરીતે વિતાવ્યા એ વાતો ખરેખર નિષ્ઠુર માણસનેય હચમચાવી નાખે તેવી છે.

હાલની ભારત સરકાર દ્વારા સંપૂર્ણપણે ઉપેક્ષિત હોવાથી નેપાળ દેશ આજેય ફરી એ જ કગાર પર આવીને ઉભો છે.

બાકી હતું તે કામ એપ્રિલ ૨૦૧૫ના વિનાશક ભૂકંપે પૂરું કર્યું છે. લલિતપુર, ભક્તાપુર કે કાઠમંડુ સહિતના મોટાભાગના મુખ્ય પ્રવાસન સ્થળોએ કુદરતે ભારે તબાહી સર્જી છે.

ચારેબાજુથી ભારત પર ભરડો લેવાની તૈયારીમાં બેઠેલુ ચીન આવા મોકાની જ રાહ જુઓ છે અને કદાચ નેપાળને આર્થિક, લશ્કરી અને અન્ય સહાયોના નામે ગળી પણ જાય !

વળી પાપીસ્તાન, ISI કે ISIS પ્રેરિત આતંકવાદ નેપાળમાં છુપીરીતે કામ કરતો અને ફેલાતો જોવા મળ્યો છે જે પણ ભારત માટે માઠા પરિણામો લાવી શકે છે.

મોંઘવારીની વાત કરીયે તો ભારતની જેમ નેપાળમાં પણ સામાન્ય માણસને ત્યાં જીવવું દોહ્યલું થતું જાય છે

ભારતમાં હાલમાં હિન્દુવાદી સરકાર કે જે પોતે હિંદુત્વને વરેલી હોવાનો દાવો કરતી સરકાર કાર્યરત છે પણ પાડોશમાં આવેલા નાનકડા દેશ કે જે પણ હિન્દુ બહુમતી ધરાવે છે અને આજેય યુગો જૂની હિન્દુવાદી પરંપરાઓને સાચવીને બેઠો છે તેની સદંતર ઉપેક્ષા અને અવગણના કરે છે એ વાત ખુબ જ ગંભીર અને ભવિષ્યમાં માઠા પરિણામો આપનારી બની રહેશે એ બાબત અત્યારે તો નક્કી જણાય છે.


છોટા નીલકંઠ અને દક્ષિણ કાલીમાતાના દર્શને

~~~~~~

આમ તો "રાત થોડી અને વેષ ઝાઝા" જેવો ઘાટ હતો પણ ના છૂટકે એ સંજોગોને સ્વિકાર્યા હતા.

નેપાળને માણવું હતું ....નેપાળને જાણવું હતું ..... નેપાળમાં આથડવું હતું ,,,,,,,નેપાળમાં ઘુમવું હતું..... નેપાળમાં ફરવું હતું

આટલા દિવસના થાક અને ઊંઘના કારણે આજે હોટલ પરથી આજના દિવસનો પ્રવાસારંભ થોડો મોડો કરવા વિચારેલું.

અને લગભગ ૮ વાગે અમારો સારથી રથ લઈને આવ્યો અને પ્રવાસારંભ કર્યો.

અજાણી જગ્યાએ જ્યારે તમારે ઓછા સમયમાં શક્ય એટલી મહત્વની અને શક્ય એટલા વધારે સ્થળો એ અને એ પણ પેકેઝ ટુર વગર ફરવાના હોય ત્યારે તમારો સારથી વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન હોવો જોઈએ.

અને સંજોગાવસાત અમને વિશ્વાસુ, પ્રામાણિક અને નિષ્ઠાવાન સારથી મળી ગયો હતો આજદિવસ સુધી અમારી સાથે ફરતા એ અમારી ભાવના અને વધુમાં તો અમારી આર્થિક હાલતથી વાકેફ થઇ ચુક્યો હતો.

રોજ રાત્રે એ અમને હોટલ પર મુકવા આવતો ત્યારે અમે બીજા દિવસે મુલાકાત લેવાના જોવાલાયક સ્થળો, તે સ્થળોનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ અને તે સ્થળોના અંદાજિત અંતર વગેરેની ચર્ચા નિખાલસપણે કરી લેતા અને બીજા દિવસના પ્રવાસનું ભાડુ નક્કી કરી લેતા.

એ સારથીએ પહેલા દિવસથી આજપર્યંત અમને છેતરીને વધારે ભાડુ પડાવવાનો ક્યારેય પ્રયત્નસુધ્દ્ધાં પણ કર્યો ના હતો.

જગત કદાચ આવા પ્રામાણિક અને નિષ્ઠાવાન લોકોના પુણ્યપ્રતાપે જ ટકી રહ્યું હશે !

નેપાળ જેવી જગ્યાએ ટેક્સીચાલકોએ પોતે જ જે તે સ્થળના "ગાઈડ" બની જવું જોઈએ.

.

રાજવીઓના શ્રાપિત બડા નીલકંઠ કે બુઢા નીલકંઠનાં દર્શન તો પહેલા કર્યા હતા .....

આજે સવારી પહોંચી છોટા નીલકંઠના દ્વારે .....

નેપાળના રાજવીઓની આ અંગત જાગીર જયાં હવે સામાન્યપ્રજાને પ્રવેશ અપાય છે.

છોટા નીલકંઠ .....

એ બડા નીલકંઠની નાની પ્રતિકૃતિ છે.

એવી કિંવદંતી છે કે નેપાળનો જે રાજા બડા નીલકંઠના દર્શન કરે એ પોતાનો હોદ્દો અને પોતાનું રાજ્ય ગુમાવે છે

બસ એટલે જ રાજવીઓ માટે શ્રાપિત બડા નીલકંઠની મૂર્તિના દર્શન નેપાળી રાજવીઓ માટે શક્ય ના હોવાથી શહેરની વચ્ચોવચ્ચ નાનકડા અપ્રાકૃતિક હોજમાં શયનમુદ્રામાં છોટા નીલકંઠની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

એજ બેસાલ્ટના પથ્થરથી બનેલી મૂર્તિ

અને ભગવાન વિષ્ણુની એજ શયનમુદ્રાવાળી અદ્ભૂત મૂર્તિ.

આસપાસનું વાતાવરણ અત્યંત આલ્હાદક.....

સુંદર બાગ અને વ્યવસ્થિત વનરાજી.

પાછળના ભાગમાં રાજવીઓના શોખ સાચવવા ઉભી કરાયેલી કલબ છે.

સ્વચ્છ, સુઘડ જગ્યા જયાં આજે સામાન્ય નેપાળી નાગરિકો પોતાના બાધા આખડી પુરી કરવા, ચૌલકર્મ વગેરે જેવા પ્રસંગે અહીં પોતાની રીતે નાનકડું આયોજન પણ કરે છે.

કદાચ બાધાઆખડી અને અન્ય સામાજિક કાર્યો કરવા પર બડા નીલકંઠમાં પ્રતિબંધ હશે !

બગીચા ફરતે જલધારા કરતા પૌરાણિક પાત્રોની મુખાકૃતિવાળા પાત્રોની પથ્થરની પ્રતિમાઓ.

કદાચ આખોયે દિવસ ત્યાં જ ગાળવાની ઈચ્છા થાય તેવી મનોહર અને મનોરમ્ય જગ્યા.

વાત સાવ સાચી .....

પણ મંદિર ગમે એટલું સારું હોય, ભવ્યાતિભવ્ય હોય ત્યાં જીવતા માણસથી તો ના જ રહેવાયને એ તો પથ્થરના ભગવાનને રહેવા માટે જે બન્યું હોય !

બડા નીલકંઠમાં યાત્રાળુઓ / દર્શનાર્થીઓનો મૂર્તિને સ્પર્શ વર્જિત છે જયારે છોટા નીલકંઠ એ બાબતે બહુ ઉદાર છે ....

ના માત્ર એ યાત્રાળુઓને સ્પર્શ કરવા દે છે સાથેસાથે પોતાના વિસ્તારમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની પણ છૂટ આપે છે.

ફરી ફરી એ વાત હું નોંધીશ કે નેપાળ જેવા ભારતને સરખામણીએ ૩૦% GDP ધરાવતા અને ગરીબ કહેવાતા દેશમાં આત્મસન્માની લોકો જ વસે છે

નાનામોટા કોઈપણ મંદિરની આજુબાજુમાં એકપણ ભિખારી હજુસુધી જોયો નથી.

.

શહેરમાં આવેલા મહાકાળી સહિતના અન્ય ઓછા જાણીતા મંદિરોની મુલાકાત લઈ શહેરથી લગભગ ૩૦ કિલોમીટર દૂર પહાડી પર બનેલા અને નેપાળમાં અતિપ્રચલિત એવા દક્ષિણકાલી મંદિરની મુલાકાતે જવાનું હતું જે મંદિર પહાડીની તળેટીમાં અને ઉદ્ધારવતી ગંગા નામની નદીના કિનારે છે.

શહેરથી બહાર નીકળ્યા પછી સાંકડી કેડી જેવો સિંગલપટ્ટીનો રસ્તો જે આગળ જતા ભારતની હદમાં પ્રવેશે તે હાઈવે.

પહાડી અને ઢોળાવ વચ્ચે થઈને પસાર થવાનું.

અસમાન ઉબડખાબડ રસ્તા અને એમાયે જયારે કોઈક મોટુ વાહન એ ઢોળાવમાં ફસાઈને પડયું હોય ત્યારે જોવા જેવી થતી.

૩૦ કિલોમીટર કાપતા લગભગ દોઢેક કલાક થયો.

ફટાફટ જઈને ફટાફટ પાછા આવવાની આપણેય ક્યાં ઉતાવળ હતી !

મંદિરની પહાડીથી લગભગ ૩ કિલોમીટર દૂર કાર પાર્ક કરવાનો આદેશ હતો.

કદાચ મંગળવાર અને શનિવારના દિવસોએ ઉમડતા શ્રદ્ધાળુઓની ગીરદીને ધ્યાને રાખીને પાર્કિંગની આ વ્યવસ્થા કરાઈ હશે.

કાલીમાતાનું ગર્ભગૃહ વગરનું ખુલ્લું મંદિર ....

જેના પર માત્ર પતરાના શેડ ઉભા કરાયેલા ....

અને દર્શન બંધ થાય ત્યારે મૂર્તિની આગળ પડદા લગાવી દેવાતા .....

જે સામાન્ય દિવસોમાં બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી બંધ રહેતું.

દંતકથા પ્રમાણે ૧૪મી સદીના મલ્લવંશના રાજાના સપનામાં કાલીમાતા આવ્યા અને રાજાને આદેશ આપ્યો કે મંદિર બનાવી માતાજીનું વિધિવત સ્થાપન કરવું.

આદેશ પ્રમાણે અને આદેશમાં જણાવેલી જગ્યાના સ્થળે પહાડીની પાસે રાજાએ વિધિવતરીતે મંદિર બનાવ્યું અને પૂજા અર્ચના માટે પ્રજાને અર્પણ કર્યું.

અહીં મંગળવાર અને શનિવારે ખુબ જ ભીડ થાય છે અને લોકો પોતાની બાધાઆખડી પુરી કરવા આ મંદિરમાં કુકડા, ઘેટા કે બકરાના બલી આજેય ચઢાવે છે.

ભગવાનનો પાડ માનવો રહ્યો કે અમે ગયા એ દિવસ બુધવાર હતો

અન્યથા મંગળવાર અને શનિવારે અહીં ૫ - ૬ કલાક લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે.

આજે એકવીસમી સદીમાંયે માનવી કુકડા, ઘેટા કે બકરા જેવા અબોલ પ્રાણીઓના બલી ચઢાવવાનું ભુલ્યો નથી.

અહીં દશેરાના દિવસે પણ અકલ્પનિય માત્રામાં લોકો ભેગા થાય છે અને એ દિવસે બલીનો મહિમા કંઈક અનેરો રહે છે.

બલી ચઢાવેલા પ્રાણીને મંદિરના પ્રાંગણમાં અથવા બાજુમાં ગંદા વહેળા જેવી વહેતી નદીમાં રાંધી અને ખાય છે અને અથવા પ્રસાદ તરીકે પોતાના ઘેર લઈ જાય છે.

આ મંદિરમાં પશુપતિનાથના મંદિર અને નેપાળના અન્ય મંદિરોની માફક બિનહિન્દુનો પ્રવેશ વર્જિત છે. તેઓ નદીના પટમાં અથવા મંદિરના પ્રાંગણમાં હરીફરી શકે છે પણ મંદિરમાં નહિ.

તળેટીમાં મુખ્યમંદિર છે જયારે પહાડી પર લગભગ ૧૨૦૦ પગથીયા ઉપર માતાજીના મામાનું ઘર એટલે કે મોસાળ હોવાનું કહેવાય છે.

ઉદ્ધારવતી ગંગા કદાચ માનવોને ૮૪ લાખ ફેરામાંથી મુક્તિ અપાવતી હશે એટલે અહીં પણ પશુપતિનાથ મંદિરના પ્રાંગણની માફક સામુહિક સ્મશાનઘર હોય તેવી હાલત..... ઠેરઠેર બળતી અને અથવા અર્ધ બળેલી લાશો અરે લગભગ લાવારીસ, લાશો ....

કારણ કે એ બળતી કે અર્ધબળેલી લાશો નજીક સમખાવા કોઈનીયે હાજરી નહોતી !

માથું ફાટે એવી અસહ્ય ગંધ.

બાકી હતુ તે મંદિર પરિસર અને નદીના પટની આજુબાજુમાં ઉભા કરાયેલા કાચાપાકા મોટા હોલમાં સાધકોના હવનો અને સાધકોના ચાહકોની ભીડ.

કદાચ ગૂઢવિદ્યાના વિધિવિધાનો આ જગ્યાએ સંપન્ન કરાતા હશે અને એ કામ પર પાડવા અર્ધબળેલા માનવ શરીરની લાશોનો ઉપયોગ પણ થતો હશે

કદાચ ભૂતપિશાચયોનિના ભટકતા આત્માઓને આહ્વાન આપીને અહીં બોલાવતા હશે અને જાતજાતના ગૂઢવિદ્યાના પ્રયોગો અહીં થતા હશે એમ એ જગ્યા જોઈને લાગ્યું

દક્ષિણકાલી માતાના દર્શન કર્યા બાદ પહાડી પર ચઢવાનું શરુ કર્યું. અધવચ્ચે ગામ અને આજુબાજુના ગામથી આવતો વાહનવ્યવહાર.

રસ્તાની એક બાજુ નાનામોટા રમકડા, પૂજાપાના સામાન, મોતી કે પથ્થરની માળાઓ કે એના સેટ અને નાનીમોટી પેકેટફૂડ વેચતી ટપરીઓ.

ગરમી ખુબ હતી પરંતુ પગથીયાને લીલારંગના પ્લાસ્ટિકના પતરાથી સંપૂર્ણપણે ઢાંકવામાં આવ્યા હોવાથી પહાડી પર ચઢતા અને ઉતરતા ગરમી પ્રમાણમાં ઓછી લાગી.

એ ટેકરી પરથી નજરે ચઢતો કાઠમંડુ ખીણનો નજારો પણ અદભુત હતો.

દૂરદૂર આછીપાતળી દેખાતી પણ આકાશે આંબતી હિમાલયની વિધવિધ પર્વતમાળ ......

જ્યાં સુધી પડે ત્યાં સુધી નરી લીલોતરી .....

લીલોતરી અને પર્વતમાળ વચ્ચે ક્યાંક ક્યાંક માનવ રહેઠાણનો આભાસ આપતા રમકડાના ઘર ......

ઓછા વાહનવ્યવહારવાળા રસ્તાઓ......

ટેકરી પર અને મંદિરની આસપાસ ઉમટેલા ગરીબ પણ આત્મસન્માની લોકો.

ટેકરી પર બંને તરફ ઉપર કહ્યા પ્રમાણેની નાનકડી ટપરીઓ પણ કોઈપણ ગ્રાહકને પરાણે બોલાવી પરાણે કોઈ વસ્તુ પહેરાવવાનું નામનિશાન નહિ.

કાર પાર્કિંગથી મંદિર તરફ આવતા રસ્તે આગળ વધતા નાનકડા ગામોનું અસ્તિત્વ ....

ત્યાં રસ્તાની બંને તરફ સહકારી રાહે પંચાયતે ફાળવેલી જગ્યાઓમાં લાકડીઓ અને કપડાની આડશે ઉભા કરેલા નાનકડા સ્ટોર્સ

વાતચીત દરમ્યાન નાનકડી દુકાનો ધરાવતા મોટાભાગના લોકો મૂળ ભારતીય હોવાનું જણાયું.

આજે વધુ આરામની જરૂર જણાતા ચારેક કલાક દક્ષિણકાલી મંદિર આસપાસ વિતાવી હોટલની રાહ પકડી.

"ના જાણ્યું જાનકીનાથે આજે આરામ કેવો મળવાનો છે !"


મહમ્મદ રફીના ચાહક નેપાળી મિત્રની મુલાકાત, કૈલાસનાથ મહાદેવના દર્શન અને ખોવાઈ જવાનો લ્હાવો

~~~~

દક્ષિણકાલી માતાના દર્શન કરી હોટલ પર પહોંચ્યા અને સ્વાગતકક્ષમાં ફરજપરસ્ત હોટલ સ્ટાફે એમની સામે ઉભેલા ભાઈને કહ્યું,

"આપ નસીબવાલે હો યે ભટ્ટ સાબ આ ગયે"

કાઠમંડુમાં પગ મુક્યો એ દિવસથી શ્રી. મહેશ રીઝાલ નામના મારા ફેસબુક મિત્રને હું શોધતો હતો ..... અહીંથી નીકળતા પહેલા એમને ઈનબોક્સમાં મારી હોટલનું નામ, સરનામું અને ફોન નંબર પણ મેં આપ્યો હતો. પણ આજ દિવસ સુધી એ દેખાય ના હતા .....

અને આજે અચાનક એ પ્રગટ થયા !

નીચી કદકાઠી ... પાતળા બાંધાનું શરીર.... નાનકડા છોકરડા જેવો દેખાવ પણ બહુ ઊંચું વ્યક્તિત્વ અને કાઠમંડુમાં પાંચમા પૂછાતો માણસ

આમ તો નેપાળ ગ્રામીણ બેંકમાં અધિકારી ...

પણ નેપાળનો સાહિત્યકાર અને કવિ જીવડો ....

અરે એનાથી આગળ કહું તો ભારતીય ગાયક મહમ્મદ રફીનો મોટો ચાહક જીવ.

મહમ્મદ રફી ફેન કલબના સભ્ય હોવાના કારણે અમે બંને ફેસબુક પર મિત્ર બન્યા હતા ....

અને ફેસબુક પર મિત્ર બન્યા પછી આજે લગભગ ૩ વર્ષ પછી રૂબરૂ મળ્યા.

એકબીજાની ઓળખ ...

કુટુંબની માહિતીની આપ...લે

પછી હોટલની લોન્ઝમાં જ મહમ્મદ રફીના ગીતો મારી ફરમાઈશ પર તેમણે ગાવાના શરુ કર્યા.....

અને મહેફિલ જામી ....

હોટલનો હાજર સ્ટાફ પણ એ મહેફિલમાં સામેલ થયો અને મહેફિલ ૩ - ૩:૩૦ કલાક જામી ગઈ.

એમની ગીતો ગાતી લાક્ષણિક મુદ્રાઓ કેમેરામાં કેદ કરી .....

અતિ આનંદ થયો .....

અને અગત્યની વાત એ બની કે જે થાકને દૂર કરવા આજે પ્રવાસોત્સવ મુલતવી રાખી હોટલ પર અમે પાછા ફર્યા હતા એ એક અજાણ્યા પણ હવે જાણીતા થઈ ગયેલા ફેસબુક મિત્રની હાજરી માત્રથી એ થાક દૂર થઈ ગયો !

એ મિત્રએ એક જબરજસ્ત માહોલ બનાવી દીધો અને પસંદગીના ગીતો ગાઈ મને આનંદથી તરબતર કરી દીધો.

મહમ્મદ રફીનું જાણીતું એવું એકપણ ગીત નહિ હોય જે મિત્ર મહેશ રીઝાલને કંઠસ્થ ના હોય !

આમ તો એક પરદેશી જીવ અને એને ભારતીય હિન્દી ફીલ્મોમાં રસ હોવો એ અગત્યની વાત કહેવાય

અને એથી પણ અગત્યની વાત ભારતીય હિન્દી ફિલ્મના ગીત, સંગીત અને ગાયક કલાકારમાં રસ હોવો એ ગણી શકાય.

આજેય કાઠમંડુ, નેપાળમાં પોતાના ચાહક મિત્રો દ્વારા યોજાતા ફિલ્મીગીતોના કાર્યક્રમમાં ભારતીય હિન્દીફીલ્મોના ગીતો ગાઈ લોકોને આનંદમાં તરબોળ કરે છે.

ઘરથી ૨૦૦૦ - ૩૦૦૦ કિલોમીટર દૂર વિદેશી બહુમુખી પ્રતિભાને મળીને હું તો ધન્ય થઈ ગયો.

બીજા દિવસે તેમણે પોતાના ઘેર આવવાનું અમને આમંત્રણ આપ્યુ પણ મારે ત્રણ દિવસ માટે "પોખરા" જવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હોવાથી એ શક્ય ના બન્યું.

સમસુખીયા મિત્રો મળવા અને સમસુખીયા મિત્રોને મળવું એ પણ એક લ્હાવો જ ગણાય !

.

.

સાંજે ૪ વાગે અમારે "કૈલાસનાથ મહાદેવ" જવાનો કાર્યક્રમ હતો

અમારો સારથી કહેણ પ્રમાણે એના રથ સાથે હાજર હતો ....

અને અમારી રથયાત્રા ઉપડી "કૈલાસનાથ મહાદેવ" તરફ.

કાઠમંડુથી +૨૦ કિલોમીટર અને ભક્તાપુર અને કાઠમંડુની હદે આવેલી જગ્યા

જયાં સમુદ્રથી ૧૮૦૦ ફૂટ ઊંચી પહાડી પર ૧૪૩ ફૂટ ઊંચી ભગવાન શિવની ઉભી મુદ્રાની મૂર્તિ સ્થાપિત કરાઈ છે.

વિશ્વમાં ઉભેલી મુદ્રાની ભગવાન શિવની આ સૌથી ઉંચી મૂર્તિ ગણાય છે.

૨૦૦૩માં આ જગ્યાનો વિકાસ કરવાનો વિચાર જે તે સમયની નેપાળની સરકારને આવ્યો અને ૨૦૧૦માં આ પ્રોજેક્ટ પૂરો થયો.

૪,૦૦,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી જગ્યામાં ભગવાન શિવની મૂર્તિ સાથે બાજુમાં માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મસમોટી મૂર્તિ અને નંદિની પણ પ્રમાણમાં ખુબ જ મોટી મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે.

ભવિષ્યમાં આવનારી કુદરતી આફતોને ધ્યાનમાં લઈ ભગવાન શિવની મૂર્તિનો પાયો ૧૦૦ ફૂટથી પણ ઊંડો નંખાયો છે.

અને ૨૫ એપ્રિલ ૨૦૧૫ના દિવસે નેપાળમાં આવેલા મહાવિનાશક ભૂકંપમાં નેપાળના મોટાભાગના ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોને ખુબ જ મોટુ નુકશાન થયું છે અથવા એ બધાયે સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

જ્યારે પ્રવાસનસ્થળ તરીકે ઉભા કરાયેલા કૈલાસનાથ મંદિર અને ભગવાન શિવ સહિતની અન્ય મૂર્તિઓને કોઈ જ નુકશાન થયું નથી

જે એક નવાઈની વાત જ કહેવાય જ્યારે અડગ કહેવાતો એવરેસ્ટ પણ હાલી ગયો અને તેનેય અકલ્પનિય નુકશાન થયું ...

આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારે લગભગ રૂ.૯ કરોડ ખર્ચ્યા જેમાં ભગવાન શિવની મૂર્તિના સ્થાપન માટે ખર્ચાયેલા રૂ.૧.૫નો સમાવેશ થાય છે.

મૂર્તિઓ સિમેન્ટ કોંક્રિટથી બનાવાયેલી છે જેના પર જસત અને તાંબાનો ઢોળ ચઢાવાયેલો છે જેથી એ મૂર્તિઓનું આયુષ્ય લાંબુ રહી શકે.

આજે આ સ્થળની મુલાકાતે રોજના ૫૦૦૦ પ્રવાસીઓ આવે છે અને શનિવારની અઠવાડિક રજાના દિવસે અને હિન્દૂ તહેવારોના દિવસો સહીત અન્ય જાહેર રજાના દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા +૩૦,૦૦૦ સુધી પહોંચી જાય છે.

નેપાળનો મુખ્ય વ્યવસાય પ્રવાસનનો છે એ મુદ્દાને ધ્યાને રાખી સરકારે અહીં ના માત્ર ભગવાન શિવની પ્રતિમા ઉભી કરી છે પણ સાથે સાથે વિદેશી પ્રવાસીઓને આકર્ષવા સ્પા, જીમ, મેડિટેશન અને યોગસેન્ટર અને રિસોર્ટ અને ખાણીપીણીની વ્યવસ્થા ઉભી કરી છે.

અહીં ચિલ્ડ્રન પાર્ક, ફિઝિયોથેરાપી સેન્ટર, સોના બાથ અને સ્ટીમ બાથની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

મંદિરમાં પ્રવેશ માટે કોઈ પ્રવેશ ફી રખાઈ નથી બાકી સ્પા, જીમ , રિસોર્ટ વગેરેમાં પ્રવેશ માટે વ્યક્તિદીઠ રૂ.૧૦૦ની પ્રવેશ ફી રખાઈ છે.

વળી બંને જગ્યાઓને એકબીજાની અસર ના થાય તે માટે બંને જગ્યાઓને એકબીજાથી ત્રણેક કિલોમીટરના અંતરે રખાઈ છે.

આ જગ્યાના વિકાસ સાથે જ આજુબાજુના ગામોને તેનો ફાયદો થયો છે અને એ તમામ ગામોનો આર્થિક વિકાસ થયો છે.

કાર પાર્કિંગની જગ્યાએથી લગભગ ૨ કિલોમીટરના ઉબડખાબડ ચઢાણ બાદ મંદિર પરિસર શરુ થાય છે

મંદિર પરિસરમાં પ્રવેશ માટે અને નિકાસ માટે બંને તરફ પગથીયાની હાર છે જેની વચ્ચોવચ્ચ ભારતમાં આવેલા ૧૨ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ સ્થાપિત કરાઈ છે.

પહાડી પર આવેલા કૈલાસનાથ મહાદેવ મંદિરનું શિવલિંગ ચાંદીનું છે.

જે જગ્યાએ આ વ્યવસ્થા ઉભી કરાઈ છે તે પહાડી અને ગામનું નામ સાંગા છે

જુદાજુદા રાજવીઓના યુગ પ્રમાણે સાંગાનો અર્થ પણ યુગેયુગે બદલાતો રહ્યો છે

૧. સાંગાનો અર્થ નેપાળીમાં તાંબા જેવો થાય છે .... કદાચ આ જગ્યા એ તાંબુ મળતું હશે

૨. સાંગાનો અર્થ નેપાળીમાં તેલ (ઓઈલ) મળે તેવી જગ્યા પણ થાય છે

૩. સાં એટલે ગાય અને ગા એટલે રહેવાની જગ્યા ... કદાચ આ સ્થળે કોઈક સમયે ગાયોના ધણનો વસવાટ હશે

જે હોય તે પણ નેપાળની સરકારના પ્રવાસનસ્થળ અને સાથેના ગામો અને નગરોની આર્થિક પરિસ્થિતિ એક નાના અને ઓછા ખર્ચાળ પ્રયત્ન માત્રથી વધારવા માટે વખાણ કરવા જ રહયા.

જરૂરીયાત સંશોધનની માતા છે અહીં નેપાળની સરકારે એ વાતને ના માત્ર ધ્યાને રાખી છે પણ એ વાતની સાર્થકતાની સાબિતી પણ આપી દીધી છે.

ફરી એક આલ્હાદક સ્થળની મુલાકાત કે જ્યાંથી માઈલો સુધીનો વિસ્તાર નરી આંખે નજરે પડતો અને કાઠમંડુ ખીણનો અદભુત નઝારો માણવાનો લ્હાવો.

આ પણ એવી સ્વચ્છ અને શાંત જગ્યા હતી જે જગ્યા છોડવાની ક્યારેય ઈચ્છા જ ના થાય.

કૈલાસનાથ મંદિરના પુજારીને વિનંતી કરી અને અમને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપી જલાભિષેક કરવા દીધો અને ફોટા પણ પાડવા દીધા.

નીચે પવેશદ્વાર પાસે નાનકડી ૧૨ - ૧૫ હાટડીઓ હતી જયાં રમકડાં, સ્ત્રીઓના શોખની નાનીમોટી મોતી / પથ્થરની માળાઓ અને સેટ મળતા.

અમદાવાદ છોડયા પછી પ્રથમ વખત પાણીપુરીના દર્શન થયા અને અમે મનભરીને નેપાળી પાણીપુરી ખાધી અને સાથે રગડા-પેટીસ પણ.

પાણીપુરી ખાધી એ સમયે અમારો સારથી અમારી સાથે હતો ....

હવે થયું એવું કે જે રસ્તે અમે બે ત્રણ કિલોમીટર ચાલીને આવ્યા હતા એની બીજી તરફ નીચે ઉતરવાના પગથીયા નજરે ચઢતા "સહેલું તે પહેલું"ના નિયમે અમે એ તરફ ઉતરી ગયા.

અને ચાલતા જ રહયા ....ચાલતા જ રહયા.....

આ શું ?

ત્રણ ચાર કિલોમીટર ચાલ્યા પછીયે કારપાર્કીંગની જગ્યા જ ના આવી.

અમે રીતસર ખોવાઈ ગયા ......

કોઈક અજાણ્યા ગામમાં ઘુસી ગયા ....

દુરદુર (લગભગ ૪ - ૫ કિલોમીટર દૂર) હાઈવે પર જતા એકલદોકલ વાહનો નજરે ચઢતા પણ ......

નાનકડા ગામમાં એક ચાની દુકાન દેખાઈ ત્યાં પહોંચી તેના માલિકને અમારા સારથીના ફોન પર ફોન લગાવવા કહ્યું એ ભાઈએ માફી સાથે કહ્યું કે એના મોબાઈલમાં બેલેન્સ નથી ત્યાંથી ગામ તરફ આગળ વધ્યા સાંજનો સમય અજાણી જગ્યા .....

એક સારું ઘર દેખાયુ .....

એ ઘરના પ્રાંગણમાં દેખાતી મહિલાઓને અમારી આપવીતી કહી.

તેમણે ઘરમાં બેસાડ્યા અને ઘરના પુરુષો જે ગામમાં કોઈક જગ્યાએ ગયા હતા ત્યાંથી ફોન કરી પરત બોલાવ્યા.

તેઓ તરત આવ્યા.

અમારી મુશ્કેલી જાણી અમારા સારથીને ફોન લગાવી તેનો સંપર્ક કરી અમે જે ગામમાં હતા ત્યાં આવવા જણાવ્યું.

અમારો સારથી આવ્યો ...

એણે કહ્યું કે હું તમારી રથ પર રાહ જોતો રહ્યો ,

મને ખબર નહિ કે તમે "આડે રસ્તે" ચઢી ગયા હશો !

જે ઘરમાં અમે બેઠા હતા એ લોકો આગ્રહપૂર્વક સાંજે એમના ઘેર જમીને જવા કહ્યું

પણ અમે સૌજન્યતાથી એમની વાતનો અસ્વીકાર કર્યો અને તેમનો આભાર માનતા અમારા ગંતવ્યસ્થાન એવા અમારી હોટલની વાટ પકડી.

જિંદગીમાં ક્યારેક ખોવાઈ જવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ અને ખોવાઈ જવાનો અનુભવ પણ લેવો જોઈએ.

એમાંયે જયારે તમે બંનેય સાથે હો ....

વળી અજાણી જગ્યા હોય....

તમારા ફોન બંધ હોય ત્યારે એ મઝા કંઈક ઓર જ હોય છે

એકબીજા પર દોષારોપણ.....

એકબીજા પર ખિજાવું ....

થોબડું ચઢાવીને પણ એકબીજાની સાથે ચાલવું ....

અજાણ્યા માણસોની અકલ્પનિય સહાય મળવી....

અને ફરી પાછા મુખ્ય રસ્તે આવી મુખ્ય ધારામાં વહેવા લાગવું ...........

.

રાત્રે ફરી બેન્ક રોડ પર આવેલી પેલી રેસ્ટોરન્ટમાં મસાલા ઉત્તપ્પા અને ગુલાબજાંબુની મિજબાની માણી.....

બધુ થઈને ખર્ચ હતો માત્ર રૂ.૧૩૦ નો જે મને એક અમદાવાદી તરીકે ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્નેય રીતે પરવડે તેમ હતો.

આવતીકાલે તો આકાશી છકડામાં બેસી નેપાળના સ્વર્ગ સમા શહેર "પોખરા"ની મુલાકાતે જવાનું છે.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED