Viprani Videshyatra - Nepal Pravas - 5 books and stories free download online pdf in Gujarati

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૫

નેપાળ નામકરણ, સ્વયંશિસ્તતાઓ અને વિશિષ્ટતાઓ

~~~~

ગઈકાલ સુધીનું વિશ્વનું એકમાત્ર હિન્દુરાષ્ટ્ર

ભગવાન શંકરના કાયમી વસવાટની ભૂમિ

માતા પાર્વતીએ ભગવાન શંકર સાથે પોતાનો ઘરસંસાર માંડયો તે ભૂમિ

માતા સીતાએ જ્યાં જન્મ ધર્યો તે ભૂમિ

ભગવાન રામ સ્વયંવરમાં સીતાને જ્યાં વર્યા તે ભૂમિ

ભગવાન બુદ્ધની જન્મભૂમિ

વેદકાળના પુસ્તકોમાં નેપાળનો ઉલ્લેખ છે

નેપાળ ના નામકરણ બાબતે અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે

જેમની કેટલીક માન્યતાઓ પર આપણે નજર કરી લઈએ

માન્યતા - ૧

સ્કંધપુરાણના સંદર્ભ અનુસાર "નેમુનિ" નામના ઋષિ હિમાલયમાં વસવાટ કરતા હતા

પશુપતિપુરાણના સંદર્ભ અનુસાર નેમુનિ નામના સંત હતા જે વખતોવખતો આવતી કુદરતી આપત્તિઓમાં પ્રજાને એક અથવા બીજી રીતે કુદરતી આપત્તિઓથી બચાવતા

નેમુનિ કે જેઓ જે તે સમયે બાગમતી અને બિષ્ણુમતી નદીના કિનારે લોકોને વિધિવિધાન કરાવતા

કેટલાક પૌરાણિક સંદર્ભોમાં દર્શાવ્યા પ્રમાણે નેમુનિ વેદના રચયિતા રહયા

કહેવાય છે કે વર્ષો પહેલા તેઓએ નેપાળમાં ગોપાલવંશની સ્થાપના કરી

નેપાળમાં ગોપાલવંશનું રાજ્ય લગભગ ૬૨૧ વર્ષ સુધી રહ્યું

ગોપાલવંશના છેલ્લા રાજવી યક્ષ ગુપ્તા હતા

નેમુનિના પ્રજાપર્યન્ત અનન્ય સેવાઓની કદર કરવાના ભાગરૂપે જે તે દેશને "નેપાળ" તરીકે નામકરણ કરી ઓળખ અપાઈ હોવાની દ્રઢ માન્યતા છે

માન્યતા - ૨

એક અન્ય માન્યતા પ્રમાણે શબ્દ NEPALA એ બે શબ્દ સમૂહથી બનેલો છે

NIPA - Foot of Mountain અને ALA - Abode (ગુફા)

એટલે કે "abode at the foot of the mountain" સાદી ગુજરાતીમાં કહીયે તો નેપાળ એટલે "પર્વતના સાનિધ્યે આવેલી ગુફા"

માન્યતા - ૩

અન્ય એક માન્યતા પ્રમાણે નેપાળના મૂળ લોકો નેવારના નેવારી આદિવાસીઓ છે

જેના પરથી નેપાળ નામકરણ થયું છે

માન્યતા - ૪

બીજી માન્યતા પ્રમાણે Ne - Cattle (પશુ) Pa - Keeper (રખેવાળી કરનાર) એટલે કે ગોપાલક પરથી નેપાળ નામ આવ્યું છે

.

.

નેપાળ, દુનિયાનો એકમાત્ર દેશ કે જેનો રાષ્ટ્રધ્વજ કેસરી રંગનો અને ત્રિકોણાકાર છે.

નેપાળ, દુનિયાનો એવો દેશ જે પોતાનો સ્વતંત્રતાદિવસ ક્યારેય ઉજવાતો જ નથી કારણ આજપર્યન્ત તેના પર કોઈ વિદેશી આક્રમણ થયા નથી અને એ નાનકડો દેશ ક્યારેય કોઈનોયે ગુલામ બન્યો નથી.

નેપાળ, જબરજસ્તી રાજાશાહી છોડી પ્રજાસત્તાક રાષ્ટ્ર બનેલો દેશ

નેપાળ, ૭ રાજ્યો, ૭૫ જિલ્લાઓમાં ફેલાયેલો દેશ

નેપાળ, મુખ્યભાષા નેપાળી અને ૯૨ બોલીઓ બોલતો દેશ

નેપાળ કે જેની વસ્તી આશરે ૨.૭૫ કરોડની છે

એકસમયે નેપાળી પાર્લામેન્ટમાં સભ્યોની સંખ્યા ૬૦૧ હતી, ૨૦૧૫માં નવા સ્વિકારાયેલા બંધારણ પ્રમાણે

હાલમાં તે ૨૭૫ સભ્યો પ્રતિનિધિ સભામાં છે જેમને મતદાતાઓ પાંચ વર્ષ માટે ચૂંટી કાઢે છે અને ૫૯ સભ્યોની રાષ્ટ્રીય સભા જેના સભ્યોને ૬ વર્ષ માટે ચૂંટી કાઢવામાં આવે છે

નેપાલી કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી ઓફ નેપાલ એ મુખ્ય રાજકીયપક્ષો છે

જયારે નેપાળમાં ૧૩૦ જેટલા અન્ય નાનામોટા રાજકીય પક્ષો છે જે સક્રિય છે.

નેપાળ જેવા નાનકડા પ્રજાસત્તાક રાષ્ટ્રના નિર્માણ સાથે ઉડીને આંખે વળગે તેવી બાબતો જે નજરે ચઢી તે

૧. રાષ્ટ્રપતિભવન, વડાપ્રધાનનું રહેઠાણ અન્ય દેશોની એલચી કચેરીઓ સામાન્ય નાગરિકોના રહેઠાણોને લગોલગ

આ લોકોને પ્રજાની વચ્ચે રહેવાનો ડર નહિ લાગતો હોય ?

આપણાવાળા તો ?

૨. થામેલ, જયાથામાં મુખ્યબજારની વચ્ચે SAARCનું મુખ્યાલય છે

૩. તમાકુ અને અન્યપ્રકારની તમાકુ મિશ્રિત વ્યસન ગણાય તેવી વસ્તુઓ પર પ્રતિબંધ, ના તેનો ઉપયોગ કરી શકો ના તેનું ખરીદ વેચાણ કરી શકો.

પાછો આ નિયમ ગુજરાતની દારૂબંધી જેવો નહિ.

જે નિયમ બનાવાયો છે તેનું કાયદેસરનું પાલન ના માત્ર દેશના નાગરિકોએ પણ પ્રવાસે આવતા વિદેશીઓએ પણ કરવું પડે

૪. ધુમાડિયા રાક્ષસ એવી ઓટોરિક્ષાને દેશમાંથી તિલાંજલિ અપાઈ ગઈ છે.

૫. એપ્રિલ ૨૦૧૪માં ડીઝલ ૧૧૦ રુપીયે લીટર અને પેટ્રો ૧૫૦ રુપીયે લીટર હતું.

૬. ભારતની સસ્તામાં સસ્તીકાર નેનોની બજાર કિંમત ત્યાં રૂ.૧૨ લાખ હતી. એ પ્રમાણે અન્ય કારોની કિંમત વિચારવી રહી

૭. પ્રવાસન એ એક જ મુખ્ય વ્યવસાય હોવાના કારણે ત્યાં હોટલઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસેલો છે. પણ મુખ્ય શહેરોમાં જગ્યાના અભાવ અને હોટલ પરના ઊંચા કરવેરાના કારણે સ્થાનિકોલોકો એપાર્ટમેન્ટ કમ હોટલ બનાવવા લાગ્યા છે. જ્યાં રહેવાની પૂરતી સગવડ હોય છે પણ મોટાભાગે રેસ્ટોરન્ટની વ્યવસ્થા નથી હોતી.

વળી ચાર પાંચ માળની એ એપાર્ટમેન્ટ કમ હોટલમાં મોટાભાગે લિફ્ટ નથી હોતી

૮. બેંકરોડ જેવા કાઠમંડુના ભરચક વિસ્તારના અને અન્ય મુખ્ય જગ્યાઓના ચારરસ્તા પર બે કે ત્રણ પોલીસમેન જ મેન્યુઅલી ટ્રાફિકને કંટ્રોલ કરતા દેખાયા

૯. નેપાળ હાઈડ્રોપાવર પર નિર્ભર છે.

૪૮૦ MW સરકારી કંપની NEA ઉત્પાદન કરે છે ૨૩૦ MW અન્ય ખાનગી હાઈડ્રોપાવર કંપની પાસેથી ખરીદાય છે અને ડિઝલબેઝ બે પાવરપ્લાન્ટ છે જે લગભગ ૬૦ MW વીજળી પૂરી પડે છે.

૧૦. સરકારી વીજળી દિવસમાં ૬ થી ૮ કલાક માટે જ આપી શકાય છે એટલે મોટાભાગની હોટલોમાં પોતાના DG Sets મુકાવેલા છે અથવા અન્ય વ્યવસ્થા કરાઈ છે.

૧૧. વીજળીની રાષ્ટ્રીય અછતને અનુલક્ષીને કાઠમંડુ જેવા મુખ્યશહેરો સહિતના શહેરોના માર્ગો પર પણ સ્ટ્રીટલાઈટ નથી.

૧૨. ૧૯૫૯માં શરુ કરાયેલી પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ ૧૯૬૬ સુધી કાઠમંડુમાં સેવારત હતી પણ ના પૂરી શકાય તેવા નુકશાનને ધ્યાને રાખીને ૧૯૬૬ પછી એ સેવા સદંતર બંધ છે.

૧૩. કાઠમંડુ જેવા મોટા શહેરમાં કે જ્યાં વસ્તી લગભગ ૧ કરોડની છે ત્યાં આજેય પગરિક્ષાઓ કાર્યરત છે.

૧૪. પશુપતિનાથ સહીત કોઈપણ મંદિરની આગળ અને કોઈપણ ચારરસ્તા પર પણ મેં કોઈ ભિખારી જોયો નથી

૧૫. રાજમાર્ગો પર કોઈપણ વાહનચાલકને પોતાની લેન તોડી આગળ ઘુસતા જોયા નથી.

૧૬. રાજમાર્ગો પર કોઈપણ વાહનચાલકને હોર્ન વગાડતા જોયો નથી

૧૭. દરેક ટુ વ્હીલર પર બેઠેલી બંને વ્યક્તિઓને ફરજીયાત પણે પૂરેપૂરું મોં ઢંકાય તેવી હેલ્મેટ પહેરેલી જ જોઈ છે.

૧૮. દરેક વાહનની નંબર પ્લેટ એકસરખી અને માત્ર અને માત્ર નેપાલી ભાષામાં ચીતરાવેલી છે.

૧૯. નવા બનતા મકાન કે સમારકામ કરાતા મકાનનો માલસામાન રસ્તા પર ગમે ત્યાં ખડકવાની મનાઈ છે.

૨૦. પદચાલકો માટે ફૂટપાથો આજેય જીવંત છે અને સક્રિય છે, જેના પર કોઈ ફેરિયો કે કોઈપણ દુકાનદાર કોઈપણ જાતનું દબાણ ઉભુ કરાતા નથી.

૨૧. કડક કાયદાના કારણે ક્યાંયે લારીગલ્લા નજરે પડતા નથી તેમ છતાંયે યુપી અને બિહારથી આવી અહીં વસી ગયેલા લોકોએ તેનો ઉપાય શોધી કાઢ્યો છે

તેઓ સાયકલ પર ખુમચા કે ટોપલા લગાવી જે તે જગ્યાએ પોતાની વસ્તુઓ વેચે છે.

૨૨. મોટાભાગના બિલ્ડીગો અથવા ઘરોમાં બહારની બાજુ પ્લાસ્ટર કરાયા નથી એ એક આશ્ચર્યજનક બાબત જણાય છે.

૨૩. ભારતીય ચલણ દરેક જગ્યાએ સ્વીકાર્ય છે, જોકે મોટી નોટો (૫૦૦, ૧૦૦૦) લેવાની બંધી છે પણ પોતાના ધંધામાં નડતરરૂપ એવા એ નિયમને કોઈ ગણકારતુ નથી

૨૪. જે તે સમયે INR 1 = NR 1.60 દર હતો.

૨૫. ધાતુની મોટાભાગની મૂર્તિઓ અને ધાતુની અન્ય ડેકોરેટિવ વસ્તુઓ ઉત્તર ભારતથી કિલોના ભાવે અહીં લેવાય છે અને ખુબ જ ઊંચાભાવે અહીં નંગના ભાવે અહીં વેચાય છે

૨૬. આ પ્રમાણે ઉનીવસ્ત્રો પણ ભારતથી જ આયાત કરતા હોવાથી ખુબ જ ઊંચી કિંમતે અહીં વેચાય છે

૨૭. નેપાળ પોતાની જરૂરિયાત માટેના અનાજ, કઠોળ, કરીયાણા અને મસાલા સહિતની તમામ વસ્તુઓ ભારતથી આયાત કરે છે

એટલે ખાદ્યવસ્તુઓના ભાવ, કેટલાક અપવાદોને બાદ કરતા, ખુબ જ ઊંચા જોવા મળે છે

ઉદાહરણ રૂપે - જે તે સમયે તડબૂચ, ટેટી, દ્રાક્ષ, કેરીનો ભાવ +૪૦૦ Kg હતો

પાર્લે Gના બિસ્કિટના ૫ રૂપિયાવાળા પેકેટના ૧૨ થી ૧૫ રૂપિયા વસુલાતા હતા

૨૮. કાગળના ડૂચા અને પ્લાસ્ટિકના ટુકડા કે પ્લાસ્ટિકની બેગ સહિતનો કોઈપણ કચરો એકપણ રસ્તા પર નજરે ચઢ્યો નથી

કાઠમંડુના રસ્તે આથડતા મને એકવિચાર આવ્યો કે શું ભારતમાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો કોઈ પાડોશી હોઈ શકે ?

શક્યતા નહિવત છે જયારે અહીં રાષ્ટ્રપતિ આવાસ અને વડાપ્રધાન આવાસ પ્રજાની વચ્ચોવચ્ચ ....કદાચ એ પ્રજા જન્મજાત નિડર, તાકાતવાન, હિંમતવાન અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળે એવા કુનેહવાળી હશે એટલે એ શક્ય હશે કે ?

.

બંનેના આવાસની આજુબાજુ સામાન્ય પહેરો.

કદાચ ગરીબીમાં જન્મેલો અને ગરીબીમાં ઉછરેલો દેશ પ્રજાના પૈસાનું મૂલ્ય જાણતો હશે !

રસ્તે જતા વડાપ્રધાનના અને રાષ્ટ્રપતિના વાહનોનો કાફલો પણ માર્યાદિત અને એ કાફલાએ સામાન્ય નાગરિકની જેમ જ ટ્રાફિક નિયમોનું પાલન અચૂક કરવાનું.

રાજા નિયમ ઘડે તો રાજા પોતે એ નિયમમાંથી પોતાને બાકાત થોડો જ રાખી શકે

પ્રજાને દાખલો બેસાડવા એણે તો સૌ પ્રથમ એ નિયમનું પાલન કરવું જ પડે ને !

કોઈપણ ચારરસ્તે માત્ર ૩ પોલીસમેનની હાજરી.

વીજળીની અછતના કારણે મોટાભાગના ચારરસ્તે ટ્રાફિકસિગ્નલની વ્યવસ્થા નથી.

મેન્યુઅલી ટ્રાફિકને કંટ્રોલ કરવામાં આવે છે.

એ છતાંયે ના કોઈ અંધાધૂંધી ના કોઈ અફડાતફડી

કોઈપણ વાહનચાલક ક્યારેય પોતાની લેન તોડતો નથી.

અરે નેપાળમાં મારા ૧૨ દિવસના રોકાણ દરમ્યાન મેં ક્યારેય કોઈ વાહનચાલકને હોર્ન વગાડતા જોયો નથી.

કદાચ હોર્ન વગરના બધા વાહનો હશે કે ?

એકવખત અપનાવ્યા પછી તેનાથી ઉભી થતી તકલીફો અને અગવડતાઓ ધ્યાને આવતા નેપાળી તંત્રએ ધુમાડિયા રાક્ષસ ઉર્ફે ઓટોરિક્ષાને ક્યારનીયે તિલાંજલિ આપી દીધી છે ...

એ કારણે ટ્રાફિકમાં વધુ સુગમતા જણાય છે.

આપણે ત્યાં ઓટોરિક્ષાને તિલાંજલિ આપવી શક્ય જ નથી આજેય અમદાવાદ, સુરત કે મુંબઈ જેવા શહેરોમાં દેશના ઉત્તરભાગમાંથી આવેલા લોકોનું એ રહેઠાણ અને એ જ કમાણીનું સાધન છે.

અને કહે છે કે મોટાભાગની રીક્ષાઓના માલિકો સ્થાનિક પોલીસવાળાઓ જ છે !

આપણા શહેરોમાં મોટાભાગે ઓટોરિક્ષાઓ જ ટ્રાફિક નિયમનમાં સૌથી મોટી અડચણ ઉભી કરે છે.

દરેક બાઈકચાલકે / સ્કૂટરચાલકે તથા પાછળ બેઠેલા સહપ્રવાસીએ, પછી તે સ્ત્રી કેમ ના હોય, ફરજિયાતપણે ફૂલ હેલ્મેટ પહેરવી જરૂરી છે.

બાઈક / સ્કૂટર પર બે થી વધુ લોકો બેસી શકતા નથી ....

હા માત્ર ૫ - ૭ સુધીની ઉંમરના બાળકોને તમે બેસાડી શકો છો.

અહીં રસ્તે ફરતા વાંકી ડોકીવાળી પ્રજાતિ જોવા ના મળી

કારણ કે અહીં બે પૈડાના વાહનચાલક માટે ફૂલ હેલ્મેટ ફરજીયાત છે અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર પ્રતિબંધ છે.

સ્વયંશિસ્તને વરેલી પ્રજા કાયદાનું અવશ્યપણે પાલન કરે છે.

દરેક વાહન પર સરકારી ધારાધોરણ પ્રમાણે નક્કી કરાયેલી સાઈઝની વાહનની નંબરપ્લેટ છે.

જેના પર કોઈપણ પ્રકારનું ચિતરામણ કરવું માન્ય નથી.

દરેક નંબરપ્લેટ માત્ર નેપાળીભાષામાં જ ચિતરાવાયેલી છે.

કદાચ અંગ્રેજો નેપાળને આભડ્યા નહિ હોય એટલે એમ હશે કે ?!

પ્રજાના સ્વાસ્થ્યનો વિચાર કરીને સ્થાનિક સરકારે તમાકુ અને તમાકુમિશ્રિત કોઈપણ વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મુકેલો છે અને કાયદાનો કડકપણે અમલ ન માત્ર સ્થાનિકો પાસે પણ વિદેશથી આવતા પ્રવાસીઓ પાસે પણ ફરજિયાતપણે કરાવાય છે.

.

ખરેખર જેમણે તમાકુના વ્યસનથી મુક્તિ મેળવવી હોય એમણે એકાદ મહિનો નેપાળમાં જઈને રહેવું જોઈએ !

.

ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાં ગુટકા અને એ પ્રકારના અન્ય ઉત્પાદનો પર પ્રતિબંધ છે જે કાયદાના અમલની મને અને તમને ખબર છે જ.

.

મારી એ ધારણા સદંતર ખોટી પડી કે નેપાળમાં કોઈ બ્યુટીપાર્લર નહિ જ હોય .......

સકારણ કે અકારણ કુદરતી સુંદરતાને વરેલી રુપસુંદરીઓ પોતાની જાતને વધુને વધુ સુંદર બતાવવાની પોતાની ઘેલછાને રોકી નહિ શકી હોય .....

જ્યારે રતુમ્બડા સફરજન જેવા ગાલ પર લાલ કે ગુલાબી ઝાંયના લપેડા સાથેની અસંખ્ય સ્ત્રીઓ નજરે ચઢી.

.

ના કોઈ લારીગલ્લા એટલે ક્યાંયે ટ્રાફિકમાં અકારણ અડચણ ઉભી કરતા વાહનો પાર્ક કરેલા દેખાય નહિ

.

ના હાઈવે પર ખાણીપીણીની કોઈ હોટલ - રેસ્ટોરન્ટ.

.

સ્વચ્છતા અભિયાનના તાયફા સાથે આપણે હજુ સ્વચ્છતા અભિયાન તરફ પાપા પગલી ભરીયે છીએ

જયારે અહીં કોઈપણ મુખ્યમાર્ગ પર ના કાગળ ના કચરો

અરે પ્લાસ્ટિકના ઝભલા કે કચરાનું તો ક્યાંય નામ નહિ

સરકારના પ્રયત્નો સાથે પ્રજાની જાગૃતિ જરૂરી ખરી પણ પણ એ જાગૃતિ લાવવા સરકારના એવા પ્રયાસો પણ એટલા જ જરૂરી ગણાવા રહ્યા.

સ્વર્ગની કલ્પના તો ક્યારેક કરી હતી પણ નેપાળ નામના સ્વર્ગને જોયા પછી આંશિકરીતે એ પુરી થઈ હોવાનો અહેસાસ જરૂર થયો

માઉન્ટેન ફ્લાઈટના વિહંગનના વિચાર વિહારે

~~~~~~

ભગવાન શંકર, કૈલાસ, હિમાલય , એવરેસ્ટ, માઉન્ટેન ફ્લાઈટના વિચારોમાં આખીયે રાત ઊંઘ જ ના આવી

"માઉન્ટેન ફ્લાઈટ", એક કલાકનો અદભુત વિમાનીપ્રવાસ છે જે કાઠમંડુ એરપોર્ટથી શરુ થઈ હિમાલયની પર્વતમાળામાં ડાબી બાજુથી શરુ થઈ છેક છેવાડે ધવલગીરી સુધી જાય છે અને કંચનજંઘાથી પરત ફરતા હિમાલય પર્વતમાળાની જમણી બાજુથી પર્વતમાળાનો અદભુત નજારો બતાવે છે.

ગિરનાર, શેત્રુંજો, અરવલ્લી, વિંઘ્યાચળના બાપા દાદાઓને નજરે જોવા એ પણ એક લ્હાવો છે.

અને આવા અવસર ફરીફરી નથી મળતા.

કદાચ ભગવાન શિવનો વાસ આજેય જયાં હોવાનું મનાય છે એ હિમાલયની ગિરીકંદરાઓ પર પદચિન્હો પાડવા તો બહુ કઠીન છે પણ તમારી આંખોથી માનસપટલ પર જીવનપર્યંત એની છાપ કંડારવી કેટલી સહેલી છે !

સવારે ૦૩:૩૦ પથારી છોડી દીધી.

લગભગ ૦૪:૧૫ હોટલ છોડી રસ્તા પર આવી અમારા રથચાલક રાજન અને રથની રાહ જોવા લાગ્યા.

સ્ટ્રીટલાઈટ તો આખાયે નેપાળમાં ક્યાંયે છે નહિ એટલે મોબાઈલની બેટરીની સહારે રસ્તા સુધી પહોંચ્યા. અન્ય પ્રવાસીઓ માટે બંને બાજુથી આવતી કારોના બીમમાં આંખો અંજાઈ જતી.

કેટલીક કારના ચાલકો અમને જોઈને ઉભા રહેવા લાગ્યા કે એરપોર્ટ અથવા અન્ય જગ્યાનું ભાડુ મળે.

આજે એવરેસ્ટનો ઉત્સાહ હતો અને આજે જ રથચાલક મોડો પડયો.

લગભગ એ ૦૪:૪૦ આવ્યો અને કહ્યું કે આજે રાત્રે ફરી એના પિતાજીની તબિયત બગડી હતી

એણે અન્ય ટેક્ષી ડ્રાઈવરનો સંપર્ક કરી અમારા માટે જરૂરી વ્યવસ્થા કરવા પ્રયત્ન કર્યો પણ તેના બધાયે મિત્રો વર્ધીમાં વ્યસ્ત હતા એટલે ના છૂટકે એ પોતે આવ્યો

૦૫:૩૦ વાગે અમે એરપોર્ટ પહોંચ્યા. ડોમેસ્ટિક એરપોર્ટ પર અંદાજે +૫૦૦ વિદેશી પ્રવાસીઓ હાજર હતા. ૦૫:૪૫ વાગે એરપોર્ટનો મુખ્ય દરવાજો ખુલ્યો અને પ્રવાસીઓ સિક્યોરિટી ચેકિંગની સામાન્ય પ્રક્રિયાઓ પસાર કરી અંદર જવા લાગ્યા.

અંદર દાખલ થયા પછી એ નાનકડા દેશ નેપાળમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા અને વિદેશી પ્રવાસીઓની સગવડ અને સવલત માટે ચલાવાતી નેપાળની મુખ્ય મુખ્ય એરલાઈન્સના કાઉન્ટરો નજરે ચઢયા.

વિદેશીપ્રવાસીઓ પોતપોતાના કેમેરામાં ફોટા પાડવા લાગ્યા

મનેય મારો કેમેરો યાદ આવ્યો ખિસ્સામાંથી બહાર કાઢી ફોટા પાડવા પ્રયત્ન કર્યો

અરે એ બંધ થઈ ગયો છે ..... એ કામ જ નથી કરતો .... આમ કેમ ?

બસ ત્યારે યાદ આવ્યું કે રાત્રે કેમેરાની બેટરી કાઢી ચાર્જિંગમાં મૂકી હતી જે બહાર ટેક્સીમાં મુકેલા બગલથેલામાં રહી ગઈ .

હવે ?

ચેકઈન થયા પછી બહાર કેમ જવાય ?

ડ્રાઈવર રાજનને અન્ય એક ભારતીયના સ્થાનિક મોબાઈલ કંપનીના સિમકાર્ડવાળા મોબાઈલફોનથી વાત કરવા પ્રયત્ન કર્યો પણ એનો ફોન બંધ હતો

ફરજ પરના જે તે અધિકારીને મારી સમસ્યા સમજાવી અને મને બહાર જવા દેવા માટે વિનંતી કરી.

તેમણે મને ૫ માત્ર મિનિટનો સમય આપ્યો.

એરપોર્ટમાં ચેકઈનની રાહ જોતી ભીડ સોંસરવો હું દોડતો દોડતો પાર્કિગની જગ્યાએ પહોંચ્યો.

ગાડી પડી છે "રાજન" નથી.

બીજા ડ્રાઈવરને મારી વાત કહી એણે રાજનના અન્ય મિત્રને ફોન કરી રાજનને શોધી આપ્યો.

રાજન આવ્યો અને કેમેરાની બેટરી સાથે હું દોડતો દોડતો ચેકઈનના કાઉન્ટર પર પરત થયો. લગભગ ૧૦ મિનિટ થઈ ગઈ હતી. પેલા અધિકારીએ મારી સામે જોઈ પોતાની કાંડા ઘડિયાળ જોઈ.

ના છૂટકે મારે મારા બંને પગના ઓપરેશનની વાત કરી એ અધિકારીને મનાવવા પડયા અને હું ફરી એરપોર્ટમાં દાખલ થયો.

પ્રવાસે જાવ ત્યારે આ બાબત ભૂલ ના થાય એ વાત યાદ રાખવી રહી.

નાનકડા નેપાળમાં બુદ્ધા એરલાઈન્સ, તારા એર, યેતી એર, સીમરીક એર, ગોમા એર, નેપાળ એરલાઈન્સ, સીતા એર, વગેરે વગેરે નાનીમોટી એરલાઈન્સ કંપનીઓ દરેક પાસે પોતાના નાનામોટા છકડાપ્લેન

છકડાપ્લેન એટલે ૬ થી ૫૦ પચાસ મુસાફરોના વહનની ક્ષમતા ધરાવતા નાનકડા વિમાનો !

ડોમેસ્ટિક એરપોર્ટ પરથી તમને પોખરા, બિરાટનગર , નેપાલગંજ, જનકપુર, સીમારા, ભદ્રાપુર, લુકલા , ભૈરવાહા, ભરતપુર (ચિતવન) જવા માટે વિમાની સેવાની સગવડ મળે.

પોણા છ વાગતા જ બધા જ કાઉન્ટર ખુલી ગયા અને ઝબકતી LED લાઈટ સાથે જૅ તે વિમાનીસેવાના ઉપડનારા વિમાનોની જાહેરાત થવા લાગી સાથેસાથે સ્પીકરથી પણ જાહેરાત થવા લાગી.

જાહેરાત માત્ર અને માત્ર અંગ્રેજી ભાષામાં જ થતી હતી.

કદાચ મોટાભાગના વિદેશી પ્રવાસીઓને ધ્યાનમાં રાખી એ ભાષામાં જાહેરાત કરવાનું સ્વીકારાયું હશે.

વહેલી સવારે દરેક વિમાની કંપનીની સેવા "માઉન્ટેન ફ્લાઈટ" અને "લુકલા" માટે જ હતી.

"લુકલા"ની વિસ્તારથી વાત હવે પછી કરીશું.

ગઈકાલે રાત્રે કાઠમંડુમાં વરસાદ સાથે લાંબો સમય સુધી બરફના કરા પડયા હતા. આજે પણ વાતાવરણ વાદળછાયુ હતું.

દરેક એરલાઈન્સને આજે હિમાલયના પહાડોમાં બગડેલા વાતાવરણનો અંદેશો હતો. અમારી ફ્લાઈટ ૧૫ મિનિટ ડીલે કરાઈ હતી.

યેતી એરની સૌથી પહેલી "માઉન્ટેન ફ્લાઈટ" સવારે ૬ વાગે તેના નિયત સમયે નીકળી ચુકી હતી.

૦૬:૪૫ સુધી કોઈ જાહેરાત ના થતા કાઉન્ટર પર પૃચ્છા કરી જવાબ મળ્યો આગળ ગયેલી અન્ય કંપનીઓની બંને ફ્લાઇટને ખરાબ હવામાનનો સામનો કરવો પડયો છે.

હવામાનના સમાચાર મળ્યા બાદ આપણી ફ્લાઈટ રવાના કરાશે.

"લુકલા" કે જે છેક એવરેસ્ટની સૌથી નજીકનું એરપોર્ટ છે ત્યાં ખરાબ હવામાનના કારણે તેની આજની તમામ ફ્લાઇટો રદ થવાની જાહેરાત એરપોર્ટ ઓથોરિટીએ કરી.

જે લુકલા જનારા મુસાફરો હતા તેમની પાસેથી જાણવા મળ્યું કે આજે સતત ત્રીજો દિવસ છે કે ખરાબ હવામાનના કારણે લુકલાની તમામ વિમાનીસેવાઓ રદ કરાઈ છે.

એવરેસ્ટ ટ્રેકિંગ માટે આવેલા તમામ ઉંમરના ઉત્સાહી જીવો પોતપોતાની કીટો ખભે ભરાવી આજેય આવતીકાલની આશાએ પોતપોતાની હોટલો તરફ વળ્યાં.

સાતવાગે અમારી ફ્લાઈટની જાહેરાત થઈ અને દરેક મુસાફરોને સીટ નંબર ફાળવી દેવાયા. ૫૦ સીટરના વિમાનમાં ૨૪ મુસાફરો અને દરેકને વિન્ડો સીટ ફાળવાયેલી.

લો ફ્લોર બસ આવી ગઈ અને મારો ઉત્સાહ બમણો થઈ ગયો. બસમાં સવાર થઈ વિમાન જ્યાં હતું ત્યાં સુધી પહોંચ્યા અને જે તે ગ્રાઉન્ડસ્ટાફે બસમાંથી નીચે ઉતરવાની મનાઈ ફરમાવી.

૧૦ - ૧૨ મિનિટ પછી જાહેરાત થઈ કે આગળ ગયેલી અન્ય વિમાની કંપનીની બંનેય ફ્લાઈટ હિમાલયમાં ખરાબ હવામાનને કારણે અડધેથી પરત આવે છે અને આજની તમામ "માઉન્ટેન ફ્લાઈટ" પણ ખરાબ હવામાનના કારણે રદ કરાઈ છે.

અને અમે વીલા મોઢે એરપોર્ટ પર પાછા આવ્યા.

ટીકીટના પૈસા પાછા લેવાની વ્યવસ્થા ઓફિસમાં કરાઈ હતી.

મારા માટે ઓફિસમાં જઈ પૈસા પાછા લેવાનો પ્રશ્ન અસ્થાને હતો. ત્યાં જઈ બીજા દિવસની ટીકીટ મેળવી લીધી.

હવે આવતીકાલે ફરી "માઉન્ટેન ફ્લાઈટ"

અન્ય મુસાફરો જે પેકેજ ટુરમાં આવ્યા હતા એ લોકોએ સમયના અભાવે આ સોનેરી મોકો ગુમાવીને નેપાળથી પરત જવું રહ્યું.

તમે પેકેજ ટુરમાં ગયા હો ત્યારે આ તકલીફ રહેવાની

સમયના અભાવે માઉન્ટેન ફ્લાઈટમાં બેસીને હિમાલય દર્શન કરવાનો મોકો ગુમાવવાનો વારો પણ આવર !

કાઠમંડુ એરપોર્ટ પર ખુબ જ અગત્યની એકવાત જાણવા મળી કે

૧. તમે ટુ સીટર વિમાન પણ "માઉન્ટેન ફ્લાઇટ" માટે ભાડે કરી શકો છો.

જેમાં તમે કોકપીટમાં વિમાનચાલકની સાથે બેસીને હિમાલયને માણી શકો છો

.

૨, તમે ટુ સીટર હેલીકોપ્ટર પણ "માઉન્ટેન ફ્લાઇટ" માટે ભાડે કરી શકો છો.

જેમાં તમે કોકપીટમાં વિમાનચાલકની સાથે બેસીને હિમાલયને માણી શકો છો

દરેક એરલાઇન્સ દ્વારા સામાન્યરીતે માઉન્ટેન ફલાઈટનો સમય વહેલી સવારનો રખાયો છે

જે સવારે ૬ વાગ્યાથી શરુ થઈને લગભગ ૧૦ વાગ્યા સુધીમાં માઉન્ટેન ફ્લાઇટ બંધ થઈ જાય છે

એનું મુખ્ય કારણ બરફાચ્છાદિત શિખરો પરથી પરાવર્તિત થઈને આવતો પ્રકાશ છે

જે પાઈલોટની આંખોમાં આવી છે અને પાઈલોટની આંખોને આંજી દે છે

જેના કારણે વિમાન અકસ્માતની સંભાવના વધી જાય છે.

અગાઉ જણાવ્યું એ પ્રમાણે માઉન્ટેન ફ્લાઈટમાં જવા માટે બુદ્ધા એરવેઝમાં જવું કારણ કે એ એરવેઝના તમામ વિમાનો ડબલ એન્જીનવાળા છે

સવારે ૦૩:૩૦ વાગ્યાથી સવારના ૦૮:૩૦ સુધીનો સમય આજે તો વ્યર્થ ગયો

કચવાતા મને એરપોર્ટની બહાર આવીને અમારા રથમાં સવાર થઈ એક જમાનાની નેપાળની સમૃદ્ધ રાજધાની "લલિતપુર પાટણ"ની વાટ પકડી.


લલિતપુર પાટણ, ઐતિહાસિક ધરોહરની ભવ્યતા

~~~~~

નવાનવા સ્થળો જોવાની અને નવાનવા સ્થળોએ ફરવાની ભૂખ અચાનક ખુલી ગઈ હતી એટલે દિવસ દરમ્યાન ભૂખ અને તરસ બંનેય વિસરાઈ ગયા હતા.

રોજ આવતો પીળો પેશાબ જોઈને એકસમયે તો ધ્રાસ્કો પડયો કે પરગામમાં ક્યાંક કમળો તો નહિ થયો હોયને ?

પછી યાદ આવ્યું કે એક તો કરકસરીયો અમદાવાદી જીવ વળી રસ્તામાં ક્યાંયે પાણીની બોટલ મળે નહિ અને મળે તો ખરીદે નહિ અને આખોયે દિવસ પાણી પીવે જ નહિ તો બીજુ થાય શું !

બપોરે ખાવા માટે તો જ્યાં કોઈ ફળફળાદિ મળે એ ઉચકી લેતા.... જેમાં મોટાભાગે કેળા, દ્રાક્ષ કે સફરજન રહેતા

મોટેભાગે એ વેચનાર ફેરિયાઓ સાયકલ પર સૂંડલામાં કે થેલામાં એ વેચતા નજરે પડયા અને સૌથી અગત્યની વાત મોટાભાગે એ લોકો યુપી કે બિહારના વતનીઓ હતા જે અસહ્ય બેકારીના કારણે પોતાના પરિવારોને છોડીને નેપાળમાં એકલા આવીને વસ્યા હતા કેટલાકને તો યુપી - બિહારના પોતાના ગામમાં પોતાની ખેતીલાયક જમીનો હોવાની વિગતો પણ સામાન્ય વાતચીતે સાંપડી.

ગરીબી અને શિક્ષણનો અભાવ જ યુપી અને બિહારમાં બેરોજગારીનું મૂળ કારણ હશે કે ?

નેપાળ પ્રમાણમાં ઘણો ગરીબદેશ છે અને નેપાળીઓ સમગ્ર ભારતમાં નાનીમોટી નોકરીઅર્થે આવી વસેલા છે જે સર્વવિદિત છે

એવા ગરીબ દેશ નેપાળમાં કામ માટે જતા યુપી - બિહારના વતનીઓ કેટલા ગરીબ હશે ?!

પક્ષાપક્ષીથી પર રહી દેશના એ ભાગોની ગરીબી અને દેશના એ ભાગોના ગરીબોની ચિંતા અને ચર્ચા ન માત્ર સરકારોએ પણ સામાજિક સંસ્થોએ તથા જાગૃત નાગરિકોએ કરવી રહી અને એના ઉપાયો સૂચવી એ ગરીબોની ગરીબી દૂર કરવા નક્કર પગલાંની હિમાયત કરવી રહી.

પણ મોટો સવાલ એ છે કે ..... આ બધું કરે કોણ ?!

લલિતપુર પાટણના રસ્તે લલિતપુરના સીમાડે એક નવો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ બનેલો .... અમારા સારથી રાજને અમારો રથ ત્યાં લાવીને ઉભો રાખ્યો.

હજુ એકાદ મહિના પહેલા જ એ સ્ટોરનું ઉદઘાટન થયેલુ. કલાકેક આમતેમ આથડીને ત્રણ ચાર ચવાણાના અને સેવ - ગાંઠિયાના પેકેટ અને બે મિક્સ સુકામેવાના પેકેટ ખરીદ્યા.

હજુ તો ઘણા દિવસ નેપાળમાં કાઢવાના હતા તે બપોરના જમણમાં કામ આવે ને !

બહાર બનેલા ફુડકોર્ટમાં "વેજ મોમો" ના મળ્યા એટલે એ ખાવાની ઈચ્છાપૂર્તિ ત્યારે થઈ નહિ.

અને અમારો રથ આગળ વધ્યો "લલિતપુર પાટણ" તરફ

જરૂરી પ્રવેશ ફી ભરી ટિકિટ લઈ બહારથી સાવ સામાન્ય લાગતા નગરમાં અમે પ્રવેશ્યા.

અને સામે દેખાવા લાગી એ સદીયો પુરાણા નેપાળી પાટનગરની ભવ્યતા.

પાટણ એટલે પાટનગર એવો જ અર્થ હશે કે ?

પાટણ એટલે ભવ્યતા એવો જ અર્થ હશે કે ?

પાટણ એટલે પ્રભુતા એવો જ અર્થ હશે કે ?

સાચે જ આંખો અચંભિત રહી ગઈ.

કાઠમંડુ અને પોખરા પછી હાલના નેપાળમાં કાઠમંડુ ખીણમાં આવેલું નેપાળનું ત્રીજા નંબરનું મોટું નગર એટલે લલિતપુર.

નેપાળની ઐતિહાસિક ધરોહરના પ્રતીકોને સંઘરી બેઠેલું નગર એટલે લલિતપુર.

ઈ.સ.પૂર્વે ૩૦૦ વર્ષ પહેલા આ નગર વસ્યું હોવાની વાત ઈતિહાસ સ્વીકારે છે.

અને લલિતપુરને વસાવનાર રાજવી વીર દેવા હતા.

એ સમયે કિરાત રાજવી દ્વારા આ નગર વસેલું.

સમયાંતરે લિચ્છવી અને મલ્લ રાજવીના હાથે એનો વિકાસ થયો.

૧૭૬૮માં ગોરખા રાજવી પૃથ્વી નારાયણ શાહના સમયમાં યુદ્ધ વગર લલિતપુરનો ગોરખા રાજ્યમાં વિલય થયો.

એક વાયકા પ્રમાણે આ પ્રદેશ ગુજરાતના કચ્છ જેવો સૂકોભઠ્ઠ વિસ્તાર હતો અને વારેવારે ત્યાં દુષ્કાળનો સામનો કરવો પડતો.

આ પરિસ્થિતિથી ઉગારવા લલિત નામના ખેડૂતે અખંડ ભારતના આસામમાંથી ભગવાન મચ્છેન્દ્રનાથની મૂર્તિને વિધિવતરીતે વિનવણી કરી લલિતપુરમાં લાવી ત્યાં વિધિવતરીતે સ્થાપના કરેલી.

ભગવાન મચ્છેન્દ્રનાથ માટે એવું કહેવાતું કે એ એમની હાજરી માત્રથી જે તે વિસ્તારમાં પૂરતો વરસાદ પડે છે અને પ્રજાને સૂકો દુષ્કાળ જોવાનો વારો ક્યારેય આવતો નથી.

ખેડૂત લલિતના આ નિસ્વાર્થ પ્રયત્નોના કારણે આ પ્રદેશ એ સમયે નેપાળનો હરિયાળો અને સમૃદ્ધપ્રદેશ બની રહ્યો

અને એ નિસ્પૃહી ભારતીય ખેડૂત લલિતની યાદમાં આ નગરને "લલિતપુર" નામ અપાયું.

એ સમયે સારા કામની કદરરૂપે એક સામાન્ય માણસના નામને નગરનું નામ આપનાર એ રાજવીઓને ધન્ય છે.

આજે આપણા દેશમાં તો નાનીમોટી યોજનાઓમાં પોતાનું અને પોતાના મળતીયાઓનું નામ ચઢાવવાની હોડ ચાલે છે પછી ભલેને એ યોજના સાથે પોતાને કે પોતાના મળતીયાઓને કોઈ જ લેવાદેવા જ ના હોય.

દરબાર સ્કવેર , લલિતપુરની મુખ્ય જગ્યા.

ભવ્ય સ્થળ

પુરાતનકાળમાં કદાચ હિન્દૂ રાજવીઓ જે તે દેવ અથવા ભગવાનમાં અપાર આસ્થા અને શ્રદ્ધા ધરાવતા હશે તે દેવ અથવા ભગવાનના ભવ્યાતિભવ્ય મંદિરો પોતાના રાજમહેલના પ્રાંગણમાં બનાવતા હશે.

એ સમયના પ્રજાવત્સલ રાજવીઓ જે તે મંદિરો પોતાની અંગત જાગીર હોવા છતાંયે પ્રજા માટે તેના દ્વાર હંમેશા ખુલ્લા રહેતા હશે.

દુઃખદ વાત એ છે કે .....આજે તો સમય પલટાયો છે .... સ્વવત્સલ રાજવી અથવા શાસકો ખુદને ભગવાન તરીકે ચીતરવા અને ચીતરાવવા લાગ્યા છે

અને શાસકોના ચેલકાઓ દ્વારા પોતાના મંદિરો બનાવવામાં રત છે.

બિચારો ભગવાન તો કોઈક ખૂણે પડ્યો ડુસકા ભરતો હશે !

લલિતપુરને બૌદ્ધધર્મના ધર્મચક્ર તરીકે વિકસાવવામાં આવ્યુ હશે એવી પ્રતીતિ આજેય મળી આવે છે.

દરબાર સ્કવેરના ચાર ખૂણે ચાર અશોકસ્તંભ અને દરબાર સ્કવેરની વચ્ચોવચ ઉભેલો અશોકસ્તંભ એ વાતની સાક્ષી પુરે છે.

સમ્રાટ અશોક (૩૦૪ BC - ૨૩૨ BC) કલિંગ યુદ્ધોપરાંત પોતાની દીકરી ચારુમતી સાથે આ સ્થળની મુલાકાતે આવ્યા હોવાની વાતની સાક્ષીરુપે સ્થપાયેલા આ સ્તૂપ આજેય અડીખમ ઉભા છે.

લલિતપુર શહેરમાં અલગઅલગ જગ્યાઓએ બૌદ્ધધર્મના અલગઅલગ આકારના લગભગ ૧૨૦૦ સ્મારકો આજેય મોજુદ છે.

એક સમયના જૂની બાંધણીવાળા મહેલને પાટણ મ્યુઝિયમમાં ફેરવી નંખાયું છે

જેમાં પ્રવેશ માટે અલગ ટીકીટ જરૂરી છે.

કૃષ્ણમંદિર - ભારતીય શૈલીમાં બનાવેલ કૃષ્ણમંદિર એ દરબાર સ્કવેરનું મુખ્ય આકર્ષણ છે જે શિખરબંધ છે.

જે મંદિરની પથ્થરની દીવાલો પરની કોતરણી અદ્વિતીય છે.

જેમાં પ્રથમ માળની દીવાલો પરની કોતરણી મહાભારતના મુખ્યપ્રસંગો પર આધારિત છે

જયારે બીજા માળની દીવાલો પરની કોતરણી રામાયણના મુખ્યપ્રસંગોની યાદ આપે છે.

પ્રચલિત કિંવદંતી પ્રમાણે વર્ષ ૧૬૩૭માં મલ્લવંશના હિન્દૂ રાજા સિદ્ધિ નરસિંહને રાત્રે સપનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના દર્શન થયા

સપનામાં રાજમહેલની સામે જે જગ્યા પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા ઉભા હતા બસ એ જ જગ્યા પર રાજાએ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવડાવ્યું.

ભગવાનનેય સદેહે કે સપનામાં પણ રાજા - રાજવી કે સટ્ટાખોર સત્તાધિધોને જ દર્શન દેવાની આદત પડી ગઈ લાગે છે

એનેય ખબર લાગે છે કે પેલો ગરીબડો મારા માટે શું બનાવવાનો ?

એના કરતા આ રાજા - રાજવી કે સત્તાખોર સત્તાધીશો પોતાની ત્રેવડ પ્રમાણે અને મરજી પ્રમાણે ખર્ચ કરી મંદિર તો બનાવશે જે !

કૃષ્ણ મંદિર - મંદિરની અંદર સોને મઢેલ ૨૧ નાના શિખરોવાળુ મંદિર ત્રણમાળનું છે.

પ્રથમ માળે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજેલ છે

સાથે એક તરફ રૂક્ષ્મણી અને બીજી તરફ રાધા બિરાજેલ છે

બીજા માળે ભગવાન શંકર બિરાજેલ છે અને ત્રીજામાળે ભગવાન બુદ્ધ બિરાજેલ છે.

ગુજરાતમાં પ્રચલિત ત્રિદેવમંદિરનો મૂળવિચાર ક્યાંક આ ત્રિદેવમંદિર પરથી તો નહિ આવ્યો હોય ને ?!

કદાચ ત્રણ અલગઅલગ ધાર્મિક વિચારધારાઓને એકસાથે રજુ કરી ત્રણ અલગઅલગ ધાર્મિક વિચારધારાઓને વરેલા લોકોને એકસાથે એકમંચ પર લાવીને પારસ્પરિક એકતા સાધવાનો પ્રયાસ પણ હોય !

કેટલો ઉત્તમ વિચાર !

આ જગ્યાએ જન્માષ્ટમીના દિવસે નેપાળના હજારો શ્રદ્ધાળુઓ કૃષ્ણજન્મોત્સવ ઉજવવા એકઠા થાય છે.

ભીમસેન મંદિર -

મલ્લ રાજવીઓ ભીમસેનને ભગવાન તરીકે પૂજતા હશે. નેપાળમાં ભક્તાપુરમાં, પોખરામાં અને અહીં લલિતપુરમાં ભીમસેનનું મંદિર સ્થિત છે.

આશ્ચર્યની વાત એ હતી કે મલ્લ રાજવીઓ ભીમસેનને તેના સ્વભાવની વિપરીત ધંધા ને રોજગારના દેવ ગણતા !

લલિતપુર પાટણના ભીમસેન મંદિરમાં કોઈપણ વિદેશી પ્રવાસીનો પ્રવેશ વર્જિત છે.

ભીમસેન મંદિર ૧૬૮૦માં મલ્લ રાજા શ્રીનિવાસે બંધાવ્યાનું ઈતિહાસ નોંધે છે.

વિશ્વનાથ મંદિર -

૧૬૨૭માં મલ્લ રાજા સિદ્ધિ નરસિંહે બનાવેલ ભગવાન શિવનું મંદિર એ દરબાર સ્કવેરનું મુખ્ય મંદિર છે. જે વિશ્વનાથ મંદિર તરીકે પ્રખ્યાત છે. ખજુરાહોની પ્રતિકૃતિના સ્થાપત્ય એ આ મંદિરની વિશેષતા છે.

મંદિરની બહાર એકતરફના પ્રવેશદ્વારે પથ્થરનો મહાકાય નંદી અને બીજી તરફના પ્રવેશદ્વારે પથ્થરના બે હાથી શ્રદ્ધાળુઓના સ્વાગતે ઉભા છે.

તુળજા ભવાની મંદિર -

માતા તુળજા ભવાની મલ્લ રાજવીઓના કુળદેવી રહ્યા હશે. દરબાર ચોકમાં માતા તુળજા ભવાની મંદિર આ વાતની સાક્ષી પુરે છે.

તુળજા ભવાની મંદિર પાંચમાળનું છે.

૧૪મી સદીમાં આ મંદિર બન્યાની વાત ઈતિહાસ નોંધે છે પણ સાથે વર્ષ ૧૬૪૦માં મલ્લ રાજવી સિદ્ધિ નરસિંહે આ મંદિર બંધાવ્યાની પણ નોંધે છે કદાચ એવું બને કે ૧૪મી સદીમાં બનાવેલ મંદિર કાળક્રમે જીર્ણશીર્ણ હાલતમાં આવી જતા ૧૬૪૦માં રાજા સિદ્ધિ નરસિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય.

ઈતિહાસ એ વાત પણ નોંધે છે કે ૧૬૬૭માં મલ્લ રાજવી શ્રીનિવાસ મલ્લે આગમાં સ્વાહા થઈ ગયેલા તુળજા ભવાનીમંદિરને સંપૂર્ણપણે નવેસરથી બનાવ્યું.

બગલામુખી મંદિર -

દસ મહાવિદ્યામાંથી એક મહાવિદ્યાની દેવી જે પીળાવસ્ત્રોમાં શોભાયમાન હોય છે જેને પીળા કમળ ચઢાવાય છે જેનું આસાન સોનાનું અને પીળાવસ્ત્રથી આચ્છાદિત હોય છે.

બગલો આમ તો વિકૃતિનું પ્રતીક ગણાય છે અને બગલામુખીની સાધના એ પણ એક વિકૃત સાધના ગણાય છે પણ સાધકોને તરત ફળ આપતી હોવાથી સાધકો આ સાધનાથી ખાનગીમાં સિદ્ધિ મેળવવાના પ્રયત્નો કરતા જ હોય છે.

બગલામુખીના મંદિર જવલ્લે જ જોવા મળે છે . નેપાળમાં આવેલું આ એકમાત્ર બગલામુખી મંદિર છે.

બગલામુખી ભૈરવનું રૂપ ગણાય છે અને પીતામ્બરીદેવી કે બ્રહ્માસ્ત્રદેવી તરીકે પણ ઓળખાય છે.

બગલામુખીનું મંદિર દક્ષીણ ગુજરાતના ધરમપુર પાસેના બરુમાળમાં સ્થિત છે

જેની મૂર્તિ ખુબ જ ભવ્ય છે.

કેશવ નારાયણ ચોક, મૂળ ચોક અને સુંદરી ચોક એ જુના પેલેસ અને આજના મ્યુઝિયમના મુખ્ય આકર્ષણો છે.

અહીં ફરી એ વાત નોંધવી રહી કે આટલા બધા મંદિરો , આટલી મોટી જગ્યા અને રોજના હજારો પ્રવાસીઓની અવરજવર છતાંયે એકપણ ભિખારી કે એકપણ માગણની હાજરી જ નહિ !

એક સમયનું હિન્દુરાષ્ટ્ર નેપાળ જે વિશ્વની સૌથી વધુ હિન્દૂ વસ્તી ધરાવતા રાષ્ટ્ર ભારતનો સૌથી નજીકનો દેશ બંનેય હિન્દુધર્મ સંસ્કૃતિના અને હિન્દુધર્મ વિચારધારાને વરેલા પણ નેપાળમાં વિહરતા આશ્ચર્યજનક બાબત તો એ લાગી કે નેપાળમાં આવેલા સદીઓ જુના હિન્દુમંદિરોની બાંધણી ભારતના શિખરબંધ મંદિરો જેવી નહિ પણ મોંગોલિયન પ્રજાએ અપનાવેલ પેગોડા ટાઈપની છે !

કારણ ખરેખર અકળ છે

શું એ સમયે પણ નેપાળના રાજવીઓ પર હિમાલયની પેલે પાર વસેલા ચીનાઓ કે જાપાનીઓનો પ્રભાવ હશે કે ?!

સંશોધનનો વિષય છે.

દરેક પાટણનો એક ઈતિહાસ છે

દરેક પાટણની જે તે સમય ભવ્યતાનો એક અલગ ઈતિહાસ છે

પછી તે ગુજરાતના પ્રભાસપાટણ, વલ્લભીપુર પાટણ કે અણહિલપુર પાટણ જ કેમ ના હોય !


હિમાલયની ગિરિકંદરાઓ ખૂંદતા ખૂંદતા

~~~~~~~~~~~~

અપૂરતી ઊંઘ , અપૂરતો આરામ , અપૂરતી પેટપૂજા અને અતિશય થાક આમ તો વિચારમાત્ર કંપાવી નાખે છે

પણ ઓછા સમયમાં વધુ જગ્યાઓ ફરવાનો ઉત્સાહ હજુયે અકબંધ હતો.

૨૦૦૮ - ૨૦૦૯માં ડાબા પગમાં થયેલા ઓપરેશનો પછી બંનેય ડોક્ટર સાહેબોએ ૪૫ મિનિટથી વધારે સમય સતત ઉભા રહેવાની અને ૪૫ મિનિટથી વધારે સમય સતત ચાલવાની મનાઈ ફરમાવી હતી

પણ અહીં તો ............

દિવસના લગભગ ૧૪ થી ૧૬ કલાક ફરવાનો (અલબત્ત મોટરકારમાં) ચાલવાનો અથવા ઉભા રહેવાનો વારો આવતો .....પણ નેપાળમાં એ સસ્મિત મંજૂર હતો

આજે તો હવાઈમાર્ગે "હિમાલય"ની ગિરીકંદરાઓ ખૂંદવાનો દિવસ હતો,

આજે સવારે ૦૪:૩૦ વાગે તૈયાર થઈને હોટલ છોડીને અમે રસ્તા પર આવી ગયા. લગભગ ૦૪:૪૦ અમારો સારથી અમારો રથ લઈ હાજર થઈ ગયો.

અને અમે આવી પહોંચ્યા નેપાળના ડોમેસ્ટિક એરપોર્ટ પર

બસ એ પ્રાર્થના કરતા જ એરપોર્ટ પહોંચ્યા કે ગઈકાલની જેમ આજે હવામાનના કારણે ફ્લાઇટ કેન્સલ ના થાય.

જરૂરી વિધિ પતાવી સીટ નંબર મેળવીને ફ્લાઈટની રાહ જોતા બેઠા.

ગઈકાલ જેવી જ અને ગઈકાલ જેટલી જ ભીડ.

હિમાલય ટ્રેકિંગ માટે આવતા વિદેશીઓ અને હિમાલયદર્શન માટે આવતા વિદેશીઓ

આંખોએ તો એની આદત પ્રમાણે એરપોર્ટ પરના સૌંદર્યને પરખવાનું અને નિરખવાનું શરુ કરી દીધું !

નજર કાબુમાં રહેતી નહોતી......

ક્યાં સુંદરતા જોવી અને કેટલી જોવી ?

નજર હૈ કે માનતી નહિ !

ખરાબ હવામાનના કારણે આજે સતત ચોથા દિવસે "લાકુલા"ની તમામ ફ્લાઇટો કેન્સલ થઈ

"લાકુલા" કે જે પગપાળા હિમાલયને સર કરવા નિકળતા યોદ્ધાઓને પહોંચવાનું સૌથી નજીકની એરપોર્ટ હતું.

હજુ "હિમાલય દર્શન"ની એકપણ ફ્લાઈટ માટે ના તો જાહેરાત થઈ કે ના નિયોન લાઈટ ઝબકી.

શું થશે ?

આજેય બધી ફ્લાઈટ કેન્સલ થશે કે ?

અસમંજસમાં ડાફોળીયા મારતા અમે બેઠા.

સવારે ૬:૦૦ વાગ્યાની પહેલી ફ્લાઈટ ઉપાડવાની જાહેરાત લગભગ ૦૬:૫૦ થઈ

ત્યારબાદ અમારી ફ્લાઈટની જાહેરાત થઈ અને ગેટ પર આવેલી બસમાં બેસવા કહેવાયું.

બુદ્ધા એરવેઝના વિમાનમાં બેસવાનું શરુ થતા જ માનસિક સધિયારો મળ્યો કે આજે તો હિમાલય દર્શન થશે જ.

૪૮ સીટની ક્ષમતાવાળુ બે એન્જીન ધરાવતું વિમાન.

૨૪ મુસાફરો અને દરેકને એક એક વિન્ડો સીટ ફાળવેલી

કદાચ બે એન્જીનનું વિમાન હોવાના કારણે અને ક્ષમતા કરતા અડધા જ મુસાફરોની યાત્રાએ લઈ જતા હોવાના કારણે ટિકિટનો દર રૂ.૧૦,૦૦૦ (INR ) (નેપાળી રૂ.૧૬,૦૦૦) હશે !

દરેક મુસાફરને રૂટ મેપ અને હિમાલયન પર્વતમાળાના ચિત્ર અને દરેક પર્વતની ઊંચાઈ અને ટ્રેકિંગ શક્ય છે કે નહિ એ બધી વિગતો સાથેનો ગ્લોસીપેપર ચાર્ટ આપી દેવાયો.

બે એરહોસ્ટેસે યવનોની ભાષામાં મુસાફરોની નિયમિતરીતે અપાતી સૂચનાઓ આપી દીધી.

અને કોકપીટમાં બેઠેલા બંનેય સારથીઓએ પોતાના પરિચય સાથે વિમાનને રનવે તરફ દોડાવવા સજ્જ કરી દીધું.

અને આ વિમાન ઉચકાયું

બે - ચાર મિનિટમાં અમે નજરોથી હિમાલયની ગિરીકંદરાઓ ખૂંદવા લાગ્યા.

પ્રવાસ કાઠમંડુથી કાંચનજંઘા સુધીનો હતો

જતી વખતે હિમાલય પર્વતમાળાની જમણી બાજુએ ઉડ્ડયન શરુ કર્યું અને વળતી ટ્રીપમાં ડાબી તરફથી પરત આવ્યા.

સામાન્યરીતે વિમાની પ્રવાસમાં નજર ટીપટોપ યુનિફોર્મમાં સજ્જ અને ફાંકડું હિન્દી અથવા અંગ્રેજી બોલતી એરહોસ્ટેસના સૌંદર્યમાં તમારે ખોવાઈ જવાનું રહે છે

અહીં તો વાત જ જુદી હતી

વિમાન આગળ વધતા એ બંનેય વારાફરતી જે તે પર્વતનું નામ, તેની ઊંચાઈ અને વિશ્વમાં ઊંચાઈની દ્રષ્ટિએ તેનો કેટલામો નંબર છે એ બતાવતી હતી.

પણ મને પુરેપુરી ખાતરી છે કે મારા સહીત કોઈનુંયે ધ્યાન એના બોલવા તરફ ના હતું

બધાયે પોતપોતાના સાથી સાથે બારીની બહાર દેખાતા પર્વતો અને ઉગતા સૂરજના કુમળા પ્રકાશના સહારે સર્જાતી પર્વતોની સોના જેવી ટોચના સૌંદર્યસભર અપ્રતિમ દ્રશ્યો જોવામાં અને તેને પોતાના કેમેરામાં કંડારવામાં વ્યસ્ત હતા.

ક્યારેક તો હાલત એવી થતી કે વિમાનની એ નાનકડી બારીમાંથી ફોટા પાડવામાં ખરેખર નજારો જોવાનો ચૂકાઈ જતો !

વળી બીજી અગત્યની તકલીફ એ હતી કે એ નાનકડી બારીમાંથી હિમાલયના દર્શન કરનાર હું અને મારી પત્ની બંનેય હતા

કારણ કે બુદ્ધા એરવેઝના જે તે વ્યવસ્થાપક અધિકારીઓએ અમને એક ડાબી તરફની બારીની અને એક જમણી તરફની બારીની સીટ ફાળવી હતી

એટલે અમે બંનેય જતા અને આવતા મનભરીને બંને તરફથી હિમાલયને માણી શક્યા

થોડી જ વારમાં એરહોસ્ટેસ એક પછી એક મુસાફરોને બે બે મિનિટ માટે હિમાલયદર્શન કરવા કોકપીટમાં લઈ જવા લાગી.

ખરેખર એને નસીબની બલિહારી જ ગણવી રહી કે કોકપીટમાંથી હિમાલય દર્શન કરવાનો અમારા બન્નેયનો વારો જયારે વિમાન એવરેસ્ટ પરથી પસાર થતું હતું બસ ત્યારે જ આવ્યો !

ભાગ્યશાળીને ભગવાન પણ ફળે એ આનું જ નામ !

મારી બે મિનિટ પુરી થઈ ગઈ અને એણે મને કોકપીટમાંથી નિકળવા આદેશ આપ્યો પણ હું ત્યાંથી ખસ્યો જ નહિ.

આવુ અદભુત દ્રશ્ય કેમેરામાં તો ઠીક જેટલું નજરમાં ઉતરે એટલું ઉતારવાનો હેતુ.

તેના આદેશની અવગણના કરતા મેં બીજી એકાદ બે મિનિટ ખેંચી કાઢી.

અને એ એરહોસ્ટેસને હસતા હસતા કહ્યું કે "હું ભારતના ગુજરાતમાંથી અને અમદાવાદથી આવું છું અને આ દ્રશ્યો જોવા માટે તો રૂ.૧૦,૦૦૦ ખર્ચ્યા છે તો એ વસૂલવા તો પડે ને !"

એણે પણ સસ્મિત મારી વાતને સ્વીકારી લીધી.

પર્વતમાળામાં હવાઈમાર્ગે નજરોથી ખૂંદેલા મુખ્ય પર્વતોની યાદી અને તેમની ઊંચાઈ

માઉન્ટ ગણેશ.. - ૨૫૯૭૭ ફૂટ

માઉન્ટ ધવલગીરી....- ૨૮૩૦૦ ફૂટ

માઉન્ટ લાન્ગટાન્ગ લિરુન્ગ - ૨૩૭૩૪ ફૂટ..

માઉન્ટ શીશા પગ્મા - ૨૮૨૯૦ ફૂટ..

માઉન્ટ દોરજી લક્પ - ૨૨૮૫૪ ફૂટ...

માઉન્ટ ફુરબી ગ્યાછુ - ૨૧૭૭૫ ફૂટ....

છોબ ભામરે - ૧૯૫૮૧ ફૂટ...

માઉન્ટ ગૌરી શન્કર - ૨૩૪૦૫ ફૂટ..

માઉન્ટ મેલુગ્ન્સ્તે - ૨૩૫૬૦ ફૂટ...

માઉન્ટ ચુઘીમાગો - ૨૦૬૬૦ ફૂટ...

માઉન્ટ ચો યુ - ૨૬૯૦૬ ફૂટ....

માઉન્ટ એવરેસ્ટ - ૨૯૦૨૮ ફૂટ...

માઉન્ટ મકાલુ - ૨૭૭૬૬ ફૂટ..

માઉન્ટ કાન્ચનજન્ઘા - ૨૮૧૭૦ ફૂટ...

આહ !!!

વાહ !!!

બસ બે શબ્દો જ એ યાત્રા માટે કહેવા પૂરતા છે.

એક વાતનો વસવસો રહી ગયો કે મારી પાસે નાનકડો પોકેટ કેમેરો જ હતો.

તમને વણમાગી સલાહ આપવી રહી કે જયારે પણ આવા યાત્રાપ્રવાસે જાવ ત્યારે સારા કેમેરા સાથે લઈ જવા.

અમારી સાથે એ વખતે મહેસાણાથી "ડેરી ઈકવીપમેન્ટ" બનાવતા ત્રણ યુવાનો હતા જે પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ અને વેચાણ માટે નેપાળ આવ્યા હતા

તેઓ બીજી વખત નેપાળ આવ્યા હતા પણ અગાઉની યાત્રા સમયે આ ફ્લાઈટથી તેઓ અજાણ હતા એનો એમને વસવસો હતો આજે આ સફરમાં એમની ઈચ્છા પુરી થઈ એનો એમને અનેરો આનંદ હતો.

લગભગ સવા કલાકની એ સફર ક્યાં પુરી થઈ ગઈ એ ખબર પણ ના પડી.

અહીં એક નિખાલસ કબૂલાત કરવી રહી

પગપાળા હિમાલયની ગિરિકંદરાઓ ખૂંદવાનું મારુ ગજુ નથી અને મારી ત્રેવડ પણ નથી.

પણ નજરોથી હિમાલયની ગિરિકંદરાઓને ખૂંદવાનો મોકો મળ્યો અને હું ધન્ય થઈ ગયો !

જિંદગીમાં નેપાળ જવાનો જયારે પણ મોકો મળે આ માઉન્ટેન ફ્લાઈટમાં હિમાલયમાં વિહરવાનું ચૂકશો નહિ.

અંબાજીનો ગબ્બર, જૂનાગઢમાં ગિરનાર, અને પાલીતાણાનો શેત્રુંજી ચઢતા હાંફી જનારા મારા જેવા સુકલકડીઓ માટે વિમાનમાર્ગે હિમાલય ખૂંદવાનો આ એકમાત્ર સહેલો રસ્તો ગણી શકાય

વળી દરેક પર્વતો પર ચઢવાની લાયસન્સ ફી અને અન્ય ખર્ચાઓની રકમ લાખો રૂપિયામાં પહોંચે છે જે મારી હેસિયતની બહારની વાત ગણાય એટલે એ ખર્ચ બચાવવાનો સહેલામાં સહેલો ઉપાય !

"માઉન્ટેન ફ્લાઈટ"માં સફર દરમ્યાન તમે ના માત્ર હિમાલયની વિવિધ પર્વતમાળામાંથી પસાર થાવ છો પણ એકસાથે તમે નેપાળ, ચીન, તિબેટ, ભૂતાન અને ભારતદેશની હવાઈ સીમાઓમાંથી પણ પસાર થાવ છો અને એશિયાના સૌથી ઊંચા ૧૦ ઘાટમાંથી પસાર થાવ છો.

આપણી સામાન્ય માન્યતા અને જાણકારી હિમાલય એટલે હિમાલય અને એવરેસ્ટ પૂરતી જ છે

પણ હકીકતે હિમાલયની કુલ ૧૩ અલગ અલગ પર્વતમાળાઓ છે

જેમાંની ૧૦ પર્વતમાળાઓ તો માત્ર અને માત્ર નેપાળમાં વિસ્તરેલી છે.

અને દરેકની અલગ અલગ વિશિષ્ટતાઓ છે

દરેક પર્વતમાળાની એક ખાસિયત છે

દરેક પર્વતમાળાનો ઘેરાવો લગભગ +૩૦૦ ચોરસ કિલોમીટરનો મનાય છે.

અધધ...ધ

હિમાલયનો વ્યાપ લગભગ ૨૪૦૦ વર્ગ કિલોમીટર જેટલો છે

અને હિમાલયમાં આવેલી પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ +૨૦૦૦૦ ફૂટની છે.

"માઉન્ટેન ફ્લાઈટ"માં સફર દરમ્યાન તમે પર્વતાધિરાજ એવરેસ્ટ સહીત નીચે દર્શાવેલા મુખ્ય પર્વતો અને મુખ્ય પર્વતમાળાઓ પસાર કરો છો.

૧. ગણેશ હિમાલ પર્વતમાળા ~~~

કાઠમંડુથી ૮૦ કિલોમીટરના અંતરે આવેલી પર્વતમાળા.

નેપાળના મધ્યભાગમાં આ પર્વતમાળાનો મોટોભાગ નેપાળમાં છે પરંતુ આ પર્વતમાળાનો કેટલોક હિસ્સો તિબેટમાં પણ છે.

.

ચાર મુખ્ય પર્વતોમાં વહેંચાયેલી છે.

૧. ગણેશ I - +૨૫૦૦૦ ફૂટની ઊંચાઈ

૨. ગણેશ II - + ૨૩૩૦૦ ફૂટની ઊંચાઈ

૩. ગણેશ III - + ૨૩૦૦૦ ફૂટની ઊંચાઈ

૪. ગણેશ IV - + ૨૩૩૦૦ ફૂટની ઊંચાઈ

ગણેશ IV નો દેખાવ હિન્દુધર્મના દેવતા ગણપતિ જેવો દેખાવ ધરાવતો હોવાથી આ પર્વતમાળાને ગણેશ હિમાલ પર્વતમાળા નામ અપાયું છે.

.

ગણેશ I કે જેનુ બીજુ નામ યંગરા પણ છે.

ગણેશ I નો વ્યાપ નેપાળ અને ચીન બંને દેશમાં છે

પર્વતારોહી દ્વારા ૧૯૫૫માં ગણેશ I પર સફળ આરોહણ કર્યાની વાત નોંધાઈ છે

પર્વતોની ઊંચાઈ ધ્યાને રાખતા ગણેશ I દુનિયામાં ૬૨માં ક્રમે છે.

૨. ધવલગીરી પર્વતમાળા ~~~

૧. ધવલગીરી ૧ - ૨૬૮૦૦ ફૂટ

૨. ધવલગીરી ૨ - ૨૫૪૩૦ ફૂટ

૩. ધવલગીરી ૩ - ૨૫૩૧૧ ફૂટ

૪. ધવલગીરી ૪ - ૨૫૧૩૫ ફૂટ

૫. ધવલગીરી ૫ - ૨૪૯૯૨ ફૂટ

૬. ધવલગીરી ૬ - ૨૩૮૪૫ફૂટ

૭. ધવલગીરી ૭ - ૨૩૭૭૩ફૂટ

આ સિવાય ધવલગીરી પર્વતમાળામાં અન્ય +૧૦ પર્વતો જે બધાયે +૨૦૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવે છે.

આ પર્વતમાળાનો વ્યાપ +૩૦૦ ચોરસ કિલોમીટરનો ગણાય છે.

૧૮૦૮માં હાથ ધરાયેલા સર્વે પ્રમાણે ધવલગીરી ૧ને વિશ્વનો પર્વતાધિરાજ મનાતો.

૧૮૨૮માં આ સ્થાન કાંચનજંઘાને પ્રાપ્ત થયુ.

૧૮૫૮ના સર્વે પ્રમાણે એ સ્થાન માઉન્ટ એવરેસ્ટને મળ્યું.

ઊંચાઈની દ્રષ્ટિએ ધવલગીરી - ૧ આજે દુનિયામાં ૭મું સ્થાન ધરાવે છે.

૩. માઉન્ટ લાન્ગટાન્ગ લિરુન્ગ પર્વતમાળા ~~~

માઉન્ટ લાન્ગટાન્ગ લિરુન્ગ પર્વતમાળાનો મોટો ભાગ નેપાળમાં છે અને થોડો ભાગ તિબેટમાં છે.

પર્વતમાળાનો મુખ્ય પર્વત લાન્ગટાન્ગ લિરુન્ગ જે + ૨૩૭૦૦ ફૂટની ઊંચાઈ ધરાવે છે તે ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં ૯૯મો ક્રમ ધરાવે છે.

આ પર્વતમાળાની તળેટીમાં વસેલ લાન્ગટાન્ગ ગામના નામ પરથી આ પર્વતમાળાને લાન્ગટાન્ગ લિરુન્ગ પર્વતમાળા નામ અપાયું છે.

એપ્રિલ ૨૦૧૫માં આવેલા મહાવિનાશક ભૂકંપમાં લાન્ગટાન્ગ ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

એ સમયે +૪૦૦ લોકોના અહીં મૃત્યુ નોંધાયા હતા જેમાં +૮૦ વિદેશીઓ હતા.

અસંખ્ય લોકો આજેય લાપતા છે.

૪. માઉન્ટ શીશાપગ્મા પર્વતમાળા ~~~

માઉન્ટ શીશાપગ્મા ૨૬,૩૩૫ ફૂટની ઊંચાઈ ધરાવે છે. ઊંચાઈની દ્રષ્ટિએ માઉન્ટ શીશાપગ્મા દુનિયામાં ૧૪મોં ક્રમ ધરાવે છે.

માઉન્ટ શીશાપગ્માનો સમગ્ર વિસ્તાર તિબેટ અને ચીનમાં આવતો હોવાથી વિદેશી પર્વતારોહકો માટે પર્વતારોહણનો પ્રતિબંધ છે.

આ પર્વતમાળા નેપાળની સરહદથી માત્ર ૫ કિલોમીટર દૂર છે.

શીશા પગમાં એટલે આપણને તો ફિલ્મ શોલેનું હેમામાલિનીના ગબ્બર સામેના પેલું નૃત્યગીત યાદ આવે કે જેમાં હેમામાલિની તૂટેલી દારૂની બોટલોના કાચ પર નાચ કરે છે ....."જબ તક હૈ જાન જાને જહાં મૈં નાચુંગી ...."

પણ આ તો કાંઈક બીજુ છે ......

ભાષા બદલાઈ એટલે અર્થ પણ બદલાઈ જવાનો જ ને !

શીશાપગ્માનો તિબેટિયન ભાષામાં અર્થ "કુદરતીરીતે મરણ પામેલા પ્રાણીનું માંસ" એવો થયા છે.

૫. માઉન્ટ દોરજી લક્પ પર્વતમાળા ~~~

૨૨૮૫૪ ફૂટ ઊંચાઈ ધરાવતો મુખ્ય પર્વત

૬. માઉન્ટ ગ્યાન છુ ~~~

નેપાળ અને ચીનની સરહદ સાચવતો પર્વતરાજ,

૨૬૦૮૯ ફૂટની ઊંચાઈ ધરાવે છે

ઊંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં ૧૫મું સ્થાન ધરાવે છે.

૭.ચોબ ભામરે પર્વતમાળા ~~~

હિમાલયની અલગઅલગ પર્વતમાળાઓમાં સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી પર્વતમાળા.

જેમાં આવેલા પર્વતોની ઊંચાઈ +૫૫૦૦ થી +૬૫૦૦ મીટરની જ છે.

મુખ્ય પર્વતની ઊંચાઈ ૧૯૫૮૧ ફૂટ જેટલી છે.

૮. માઉન્ટ ગૌરીશંકર ~~~

ભગવાન શંકર અને માતા પાર્વતીનો કાયમી વસવાટ જે જગ્યાએ ગણાય છે તે પર્વત

ગૌરીશંકર પર્વતનો ઉત્તરનો ભાગ શંકર તરીકે અને દક્ષિણનો ભાગ ગૌરી તરીકે ઓળખાય છે

નેપાળનો સ્ટાન્ડર્ડ ટાઈમ ગૌરીશંકર પર્વતની ટોચના અક્ષાંશથી નક્કી કરાયો છે

ગૌરીશંકર પર્વતની ઊંચાઈ ૨૪૦૩૫ ફૂટ છે.

ઊંચાઈની દ્રષ્ટિએ ગૌરીશંકર પર્વતનો વિશ્વમાં ૭૮મો ક્રમ છે.

ગૌરીશંકર પર્વતના દર્શન કાઠમંડુના ઉત્તરભાગના વિસ્તારોમાંથી નરી આંખે થઈ શકે છે

નેપાળ અને તિબેટની હદમાં છે.

તિબેટીયનો આ પર્વતને જોમો તશેરીગમાના નામે ઓળખે છે.

૯.માઉન્ટ મેલુગ્ન્સ્તે ~~~

માઉન્ટ મેલુગ્ન્સ્તે ૨૩૫૬૦ ફૂટની ઊંચાઈ ધરાવે છે.

પર્વતાધિરાજ માઉન્ટ એવરેસ્ટથી લગભગ ૬૦ કિલોમીટર દૂર છે.

નેપાળની ઉત્તરે ચીની સરહદે સ્થિત છે.

કાઠમંડુના ઉત્તર ભાગમાંથી નરી આંખે નીરખી શકાય છે.

૧૦. માઉન્ટ ચો યુ ~~~

માઉન્ટ ચો યુ ૨૬૮૬૪ ફૂટની ઊંચાઈ સાથે વિશ્વમાં છઠ્ઠો ક્રમ ધરાવે છે.

નેપાળ અને ચીનની સરહદે સ્થિત છે.

તિબેટમાં દેવી નીલમની તરીકે પ્રખ્યાત છે.

૧૧. માઉન્ટ એવરેસ્ટ ~~~

માઉન્ટ એવરેસ્ટની ઓળખ આપવી એટલે સૂર્ય સામે દીપક ધરવા જેવી વાત થઈ.

માઉન્ટ એવરેસ્ટ ૨૯૦૨૮ ફૂટની ઊંચાઈ સાથે પૃથ્વી પર પ્રથમ ક્રમાંક પર બિરાજે છે.

૧૮૫૮ સુધી આ સન્માન માઉન્ટ કાંચનજંઘા પાસે હતું.

માઉન્ટ એવરેસ્ટ, નેપાળ અને ચીનની સરહદે સ્થિત છે.

નેપાળીમાં એને સાગરમથ્થા અને તિબેટીમાં એને ચોમોલુન્ગ્માના નામે ઓળખવામાં આવે છે.

૨૯ મે ૧૯૫૩ના દિવસે સૌ પ્રથમવાર સર એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગે સર કર્યો.

બ્રિટિશ સર્વેયર સર જ્યોર્જ એવરેસ્ટની યાદમાં આ પર્વતાધિરાજનું નામ એવરેસ્ટ રખાયું છે.

૧૨.માઉન્ટ મકાલુ ~~~

માઉન્ટ મકાલુ ૨૭૮૩૮ ફૂટની ઊંચાઈ સાથે વિશ્વમાં પાંચમો ક્રમાંક ધરાવે છે.

માઉન્ટ મકાલુ , નેપાળ અને ચીનની સરહદે સ્થિત છે.

માઉન્ટ મકાલુની બાજુમાં ઉભેલા બે પર્વતો પણ +૭૬૦૦ મીટર અને +૭૨૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે.

મકાલુ એવરેસ્ટથી માત્ર ૨૦ કિલોમીટર જ દૂર છે.

માઉન્ટ મકાલુ ચારેય તરફથી પિરામિડ જેવો આકાર ધરાવે છે.

૧૩. માઉન્ટ કાંચનજંઘા ~~~

માઉન્ટ કાંચનજંઘા ૨૮૧૭૦ ફૂટની ઊંચાઈ સાથે દુનિયામાં ત્રીજા ક્રમાંકે છે.

ભારતના રાજ્ય સિક્કિમ અને નેપાળમાં સ્થિત છે.

૧૮૫૮ સુધી કાંચનજંઘાને વિશ્વમાં સૌથી ઊંચો પર્વત ગણવામાં આવતો પરંતુ ૧૯૫૬ના સર્વે અનુસાર તેને ત્રીજો ક્રમાંક અપાયો.

૨૫ મે ૧૯૫૫ના દિવસે સૌ પ્રથમવાર પર્વતારોહીએ તેને સર કર્યો.

.

.

આ સિવાય વિશ્વના ૧ થી ૧૫૦ ક્રમાંક પર બિરાજતા અન્ય નાનામોટા +૨૫ પર્વતો આ પર્વતમાળાઓમાં જોવા મળે છે.

મ્હાલવાની મજા તો કાંઈક ઓર જ હોય છે

પણ જો મ્હાલવા ના જ મળે તેમ હોય ત્યારે એ વાતોને વિગતે માણવા અને જાણવા મજા પણ અનેરી બની રહે છે.

આમ તો વેદ અને પુરાણોની કથાઓમાં અને હિન્દુશાસ્ત્રોમાં હિમાલયનું મહત્વ વર્ણવાયેલું જ છે.

હિમાલયમાં સર્વદેવોનો વાસ છે એ વાત સર્વસ્વીકૃત છે.

એવી ભૂમિની યાત્રા સ્વર્ગ જેવો આનંદ આપે એ સ્વાભાવિક છે

અને કદાચ ક્યાંક કોઈક દેવનો ભેટો કરાવી દે !

વખત છે ને મોક્ષદાયી પણ બની રહે !

હિમાલય નહિ દેખા તો કુછ નહિ દેખા !

"ગંગા મેરી માં કા નામ બાપ કા નામ હિમાલા .... અબ તુમ ખુદ હી ફૈસલા કરેલો મૈં કિસ સુબેવાલા..."

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED