વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૩ દીપક ભટ્ટ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૩

દાદા પશુપતિનાથના દર્શને

~~~~~~~~~~~~

એક અગત્યની વાત અહીં જણાવવી જરૂરી છે

કાઠમંડુ અને પોખરા સહીત મોટાભાગના નેપાળી ટુરિસ્ટ સેન્ટરો પર મને અને તમને પોસાય તેવી મોટાભાગની સામાન્ય હોટલો "એપાર્ટમેન્ટ કમ હોટલ" છે એટલે એમાં લિફટની સગવડ નથી

એટલે તમારી ઉંમર, પગની ત્રેવડ અને તમારી કાયાના વજનને ધ્યાને રાખી જે તે માળ પર રૂમની પસંદગી કરવી

અન્યથા એ કસરતના કારણે ત્યાં ફરવાનું બાજુ પર રહેશે અને......

જયારે તમે વધારે થાકેલા હો ત્યારે તમને ઊંઘ નથી આવતી

બસ એ નિયમે લગભગ આખીયે રાત હું જાગતો રહ્યો

સવારે ૭ વાગે મારુ હોટલ બુકીંગ હતું એ હોટલ પર જઈ પહોંચ્યો અને રૂમ ખાલી થવા બાબતની પૂછપરછ કરી

એક રૂમ ખાલી થઇ ગયો હતો

અને સવારે આઠ વાગે અમે અમારું બુકીંગ કરાવેલી હોટલ "નમસ્તે નેપાલ"માં આવી ગયા

નવ વાગે હોટલના માલિક "ધ્રુવા લામસેલ" સાથે મુલાકાત થઈ અમારા હવે પછીના દિવસોના પ્રવાસો અને આજના પ્રવાસો સહીત જે તે જગ્યાએ હોટલોના રોકાણો અંગેની તથા ત્યાં જવા આવવાની સગવડ અંગે વિગતે વાતચીત કરી માહિતી મેળવી.

નેપાળમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સગવડ નહિવત છે.

વળી આપણા શહેરોમાં રોકેટની જેમ ઊડતી ઓટોરિક્ષાઓને અને છકડાઓને સરકારી રાહે સમગ્ર દેશમાંથી તિલાંજલિ અપાઈ છે.

૧૯૮૦ - ૯૦ના દાયકામાં લગભગ ૬૦૦ રીક્ષાઓ કાઠમંડુમાં ફરતી પણ વર્ષ ૨૦૦૦માં સરકારી ફરમાન સાથે કાળા ધુમાડા ઓકતી એ તમામ રીક્ષાઓ, રીક્ષા જેવા સાધનો અને છકડાઓ રાખવા અને ચલાવવા પર સંપૂર્ણ બધી છે

હવે તમારી પાસે ટેક્સી અથવા પગરીક્ષા બે જ વાહનો ઉપલબ્ધ છે અને એ બંનેમાંથી જ તમારે પસંદગી કરવી રહી

પગરીક્ષા મને એટલે પસંદ નથી કે હું કોઈ માનવને મને ખેંચીને લઈ જાય તે ગમતું નથી

.

નેપાળ લગભગ ૮૦૦ કિલોમીટર લાંબો અને લગભગ ૨૦૦ કિલોમીટર પહોળો પટ્ટો અને અંદાજે ૧૪૮૦૦૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર.

ભારત અને ચીન જેવા એકબીજાથી તદ્દન વિપરીત વિચારધારા, ધર્મ, સંસ્કૃતિ ધરાવતા પણ પોતાના દેશની અને દુનિયાની વસતીના વધારામાં એકબીજાની સાથે હોડે ઉતારેલા બે મહાન રાષ્ટ્રોની સરહદોથી જોડાયેલો અને હિમાલયની ગોદમાં વસેલો નાનકડો દેશ જે જાહેરમાં મિત્રતા બાકી એકબીજા તરફ દુશ્મની ધરાવતા દેશો વચ્ચે "બફર કન્ટ્રી" બની રહ્યો છે.

નેપાલ જે તિબેટ અને બાંગ્લાદેશ જેવા દેશો સાથે પણ આંતરરાષ્ટ્રીય સરહદોથી જોડાયેલો છે

હિમાલય પર્વતમાળા આમ તો એશિયાના પાંચ દેશોને ચીરતી પસાર થાય છે, ભારત, નેપાળ, તિબેટ, ચીન, પાકિસ્તાન.

એક અંદાજે એન્ટાર્ટિકા અને આર્કટિક બાદ દુનિયાનો ત્રીજા ક્રમનો બરફનો જથ્થો ધરાવતી પર્વતમાળા.

હિમાલય પર્વતમાળામાં + ૨૯૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો દુનિયાનો સૌથી ઊંચો પર્વતરાજ એવરેસ્ટ જે નેપાળ સાથે ચીનમાં પણ પથારો કરી બેઠેલો છે.

+ ૨૩૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ૧૩ જેટલા પર્વતો અને +૨૦૦૦૦ જેટલી ઊંચાઈ ધરાવતા ૧૬ જેટલા પર્વતો ધરાવતી પર્વતમાળાને સંઘરી બેઠેલો નાનકડો દેશ.

હિમાલય પર્વતમાળા દુનિયામાં સૌથી દુર્ગમ પર્વતમાળા ગણાય છે.

એ દુર્ગમ પર્વતમાળા ના માત્ર નેપાળ, ભારત, તિબેટ, ચીન અને પાકિસ્તાનની અન્નપૂર્ણાઓનું ઉદગમસ્થાન છે પણ બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા એશિયાના દેશોની જીવાદોરી સમાન તમામ મોટી નદીઓના ઉદગમસ્થાન છે.

જેના કિનારે ના માત્ર જીવન પાંગર્યું છે પણ જીવન જીવવાની કલા પણ પાંગરી છે.

હિમાલય એટલે સંસ્કૃતિનો જનક

ઈન્ડસ ઉર્ફે હિન્દુ સંસ્કૃતિ હિમાલયના ખોળે જ જન્મી અને હિમાલયના ખોળે જ પાંગરી

આજે એ હિમાલયના ખોળો ખૂંદવાનો મને લ્હાવો મળ્યો

સંપૂર્ણપણે પ્રવાસન પર નભતો દેશ

પોતાના બનાવેલા ખાસ નિયમોને અનુસરે છે

નેપાળમાં કોઈપણ શહેરમાં કોઈપણ ટેક્સીવાળા મિત્ર તમને એકદિવસમાં જે તે શહેરના ચાર જોવાલાયક સ્થળની મુલાકાત જ કરાવે એવો નિયમ છે

અને દરેક ટેક્સીચાલકો એ નિયમનું ચુસ્તપણે પાલન કરે છે

હોટલ માલિકના કહેણ પર ટેક્સી આવી ગઈ

હોટલ માલિક અને યુવા મિત્ર ધ્રુવા લામસેલની દોરવણી પ્રમાણે અમે નેપાળની યાત્રાનું મુહર્ત કર્યું

સૌથી પહેલા તો દાદા પશુપતિનાથના ચરણમાં જવાની જ વાત હોય

ટેક્સીવાળા મિત્રને મંદિરે દર્શન કરવા લઈ જવા જણાવ્યું

એ મિત્ર મંદિરના પાછળના દરવાજા પાસે જ્યાં "અગરવાલ જવેલર્સ"ની દુકાન છે એ તરફ રસ્તાની બાજુમાં થોડા ચઢાણ પણ દુકાન છે ત્યાં મૂકી ગયો

અને કહ્યું કે તમે દર્શન કરીને અહીં જ આવજો હું અહીં પહોંચી જઈશ.

ખબર નહિ પણ બધા જ ખાનગી વાહનોના ચાલકો યાત્રાળુઓને ત્યાં આવી ને જ ઠાલવતા

કદાચ એ અગરવાલ જવેલર્સનું પણ આપણી એસટી બસના ડ્રાઈવર અને હાઈવે પરની હોટલ જેવો સંબંધ હોય !

મંદિરના પ્રવેશદ્વારે પગ મુકતા જ હું આનંદવિભોર હતો અને આંખોના ખૂણા હર્ષાસુના કારણે ભીના થઈ ગયા હતા

ભાવાવેશ જ !

મંદિરના દરવાજામાં પ્રવેશતા જ મંદિરની ભવ્યતા દૂરથી જ દેખાતી હતી

ના માત્ર ભવ્યતા સ્વચ્છતા પણ ખરી

દરેક યાત્રાળુઓએ કાપડની થેલીમાં પોતાના પગરખા જાતે મૂકી જે તે જગ્યા પર મૂકી ટોકન લેવાનો રહેતો

કોઈપણ વ્યક્તિ પોતાના પગરખા આપણા મંદિરોની માફક છુટા મૂકીને મંદિરમાં જાય નહિ તેના માટે ત્યાં સ્વયંસેવકો હાજર હતા.

મંદિરના દરવાજે ના કોઈ બંદૂકધારી પહેરેદાર કે મંદિર પ્રવેશે ના યાત્રાળુનું કોઈ ચેકીંગ એટલે સામાન્યરીતે આપણા પ્રસિદ્ધ મંદિરોમાં જોવા મળતી એકસરખી અને વધુ પડતી સુરક્ષાવ્યવસ્થાનું ત્યાં નામનિશાન નહિ

કદાચ નેપાળમાં આતંકવાદ પ્રવેશ્યો નહિ હોય !

હા પરિસરમાં સુરક્ષાકર્મીઓની હાજરી ખરી પણ એ વ્યવસ્થા જાળવવા પૂરતી જ

હિન્દૂ અને શીખ સિવાયની કોઈપણ વ્યક્તિ માટે મંદિરના પરિસરમાં પ્રવેશ નિષેધ.

મંદિરમાં દર્શનનો સમય સવારે ૪ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી અને સાંજે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધીનો

એક જ તાલાવેલી હતી કે ભગવાન પશુપતિનાથના દર્શન

એટલે ફટાફટ પગરખા ઉતારી ટોકન લઈને મંદિરે પહોંચ્યા

નસીબ અમારા સારા હતા કે આજે ભગવાનના દર્શને આવેલા દર્શનાર્થીઓની લાઈન પણ પ્રમાણમાં ઓછી હતી

ભવ્ય ચૌમુખી લિંગ

અને મંદિરમાં ચારેય બાજુથી તમે છેક નજીક જઈને (લગભગ ૫ ફૂટથી) ચારેય મુખના તમે દર્શન કરી શકો

સામાન્ય દિવસોમાં યાત્રાળુઓની સંખ્યા લગભગ ૧૫૦૦૦૦ થી ૨૦૦૦૦૦ સુધીની અને મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં તે વધીને ૫૦૦૦૦૦ થી ૮૦૦૦૦૦ સુધીની.

વ્યવસ્થા જ એવી કે ના કોઈ ધક્કામુક્કી, દરેક યાત્રાળુ ના માત્ર દર્શન કરી શકે પુજારીને પોતે લાવેલા હોય તે પૂજાપો આપી પૂજા કરાવી શકે

ભારતના પ્રસિદ્ધ મંદિરોની જેમ ના કોઈ VIP કે VVIP દ્વાર !

ના માત્ર મંદિરની ચોખ્ખાઈ પણ મંદિર પરિસરની ચોખ્ખાઈ પણ એટલી અને એવી કે તમે કદાચ સફેદ મોજા પહેરી ને અંદર ગયા હો તો પણ એ મોજા ગંદા ના થાય !

મંદિરના ચારેય દ્વાર શુદ્ધ સોનાના પતરા જડિત

ગર્ભગૃહની છત સોનાની.

અરે મંદિરના પરિસરમાં સ્થાપિત ભવ્યાતિભવ્ય "નંદિની મહાકાય મૂર્તિ" પણ સંપૂર્ણ સોના જડિત

એવું કહેવાય છે કે ભારતના બાર જ્યોતિર્લિંગ શરીરરૂપે છે જયારે ભગવાન પશુપતિનાથ મસ્તકરૂપે બિરાજ્યા છે.

યવનોની સદીની શરૂઆત પહેલા લગભગ ૫૦૦ વર્ષ પૂર્વે આ મંદિર બન્યાનું ઈતિહાસમાં નોંધાયેલું છે

૧૯૭૯માં યુનેસ્કોએ મંદિર પરિસરને "વર્લ્ડ હેરિટેઝ"મા સ્થાન આપ્યું છે

મંદિર પરિસરમાં દાદાની સાથે ભગવાન રામ, હનુમાનજી, કાલભૈરવ, વગેરે વગેરે પણ બિરાજમાન છે.

સમગ્ર મંદિર પરિસરનો વ્યાપ લગભગ ૩૦૦ હેક્ટરમાં છે

બાગમતી નદીનો કિનારો

વિદેશીઓને મંદિર પરિસરમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

એટલે મંદિર પરિસરની બહાર અને બાગમતીના ઘાટ પર વિદેશીઓના ધાડેધાડા મળે.

અહીં બે માન્યતાઓને નોંધવી રહી

એક, ભગવાન પશુપતિનાથના દર્શન કરનાર ગમે એટલો પાપી કેમ ના હોય એ વ્યક્તિ દાદાના એકવાર પણ દર્શન કરે એટલે એનો પશુયોનિમાં ક્યારેય જન્મ ના થાય એ માનવયોનિમાં જ જન્મ ધારણ કરે છે

બીજુ , અહીં મંદિરના પરિસરમાં એટલે કે બાગમતી નદીના ઘાટે જેમની અંત્યેષ્ઠિ થાય એ બીજા જન્મે મનુષ્ય તરીકે જ અવતરે છે

અહીંના પ્રખર જ્યોતિષીઓ તમને તમારા મૃત્યુની તિથિ (તારીખ) કહી શકે છે એટલે કેટલાયે સામાન્ય લોકો અહીં જે તે તિથિ પહેલા અહીં આવી જાય છે અને પોતાના મૃત્યુની રાહમાં બેઠા જ હોય છે !

જોકે મારી હિમ્મત એ તારીખ જાણવાની ચાલી નહિ એટલે મેં એ જ્યોતિષાચાર્યોને શોધવાનું અને મળવાનું ટાળ્યું.

મંદિરના ગર્ભગૃહમાં ચારેય દિશાઓથી દાદાના દર્શન કરી દાદાના આશીર્વાદ મેળવ્યા.

અહીં એક આડવાત જરૂર કહેવી રહી

સવારે દાદા પાસે જે માંગણી મૂકી હતી તે પૂરી થયાનો સંદેશો મને રાત્રે મળી જ ગયો

મારો મોટો દીકરો ત્યારે જામનગરમાં નોકરી કરતો હતો તેની ટ્રાન્સફર વડોદરા થઈ ગઈ અને બરાબર એ સમયે જ એનો ઓર્ડર હાથમાં આવ્યો લગભગ જે સમયે મેં આ બાબતની પ્રાર્થના દાદાને કરી

જો કે શ્રદ્ધા અને આસ્થા એ વ્યક્તિગત, ગંભીર, ગહન અને વિચાર માંગી લે તેવો વિષય છે.

મારા આવા જ અનુભવ "માતાના મઢ - કચ્છ" માટે છે.

આ બધી જગ્યાઓએ દર્શન કરી જે તે ધાર્મિક જગ્યાઓના પરિસરમાં એકાંત જગ્યાએ બેઠા પછી કરેલી મારી લગભગ બધી માંગણીઓ પુરી થયાનો મને અનુભવ છે.

નેપાળમાં દરેક મંદિર પરિસરમાં પૂજા - અર્ચના કરવા આવેલી નેપાળી મહિલાઓનો એકસરખો જ પહેરવેશ ઉડી ને આંખે વળગે તેવો હતો.

સામાન્યતઃ સ્ત્રીઓ લાલચટ્ટક અલગઅલગ ભાતવાળી સાડી સાથે એવા જ રંગનું પોલકુ અથવા સોનેરી કે રૂપેરી પોલકુ પહેરતી જોવા મળી.

જો કે પૂજા - અર્ચના કરવા આવતા પુરુષોમાં આવી કોઈ ખાસિયત કે વસ્ત્રો પહેરવાની કોઈ ખાસ વાત જોવા ના મળી.

.

૧૪મી સદીથી દાદા પશુપતિનાથની સેવા પૂજાનો એકાધિકાર માત્ર ને માત્ર કર્ણાટકના બ્રાહ્મણોને મળેલો છે.

૨૦૦૮ - ૦૯ સત્તા પલ્ટા બાદ શાસનમાં આવેલી માઓવાદી સરકારે નેપાળી બ્રાહ્મણોને જબરજસ્તી આ કામ આપવાનો પ્રયત્ન કર્યો હતો (જેની વિગતે વાત આગળ ઉપર કરીશું)

મોટા પાયે થયેલી સામસામી અથડામણો અને જાનહાની પછી નેપાળની સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર ફરીથી પૂજા - અર્ચનાનું એ કામ કર્ણાટકના બ્રાહ્મણોને ફરીથી અપાયું છે.

મંદિર પરિસરમાં મુખ્ય મંદિર સિવાયના કેટલાક અન્ય મંદિરો અકારણ કે સકારણ દર્શનાર્થીઓ માટે બંધ હતા

.

પશુપતિનાથ દાદા

~~~~~~~~

પશુ અર્થાત પ્રાણી કે જીવ અને પતિ અર્થાત સ્વામી એટલે વિશ્વના જીવ માત્રના સ્વામી એટલે પશુપતિનાથ દાદા

બીજા અર્થમાં કહીયે તો જીવ માત્રાના રખેવાળ એવા પશુપતિનાથ દાદા

પશુપતિનાથના મંદિરના ઈતિહાસનો કોઈ પ્રમાણભૂત દસ્તાવેજ ઉપલબ્ધ નથી પણ કોઈકોઈ જગ્યાએ એવા લખાણ ઉપલબ્ધ છે જે અનુસાર આ મંદિરનું નિર્માણ સોમદેવ રાજવંશમાં ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં કરાયું છે

ઈ.સ.૬૦૫માં રાજા અંશુવર્મને આ મંદિરને નવો ઓપ આપ્યો હતો

૧૧મી સદીમાં પશુપતિનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હોવાનો અછડતો ઉલ્લેખ્ખ છે

ત્યારબાદ આ મંદિર કદાચ અકારણ સદીઓપર્યન્ત અપૂજ રહેવા પામ્યું હોય અને એ કારણે આખાયે મંદિરને ઉધઈ લાગી ગઈ હતી જેના કારણે એ મંદિર નષ્ટપ્રાય હાલતમાં હતું

જેનો પુનરોદ્ધાર ૧૭મી સદીમાં કરાયો

વર્ષ ૧૬૯૭માં રાજા નરેશ ભુપલેન્દ્ર મલ્લ દ્વારા કરાયેલા મંદિરના પુનર્નિર્માણ બાદ જે મંદિર અસ્તિત્વમાં આવેલ એ મંદિરનો ઢાંચો આજસુધી સચવાયો છે

૨૫ એપ્રિલ ૨૦૧૫ના દિવસે નેપાળમાં આવેલા મહાવિનાશક ધરતીકંપ સમયે પશુપતિનાથ મંદિર પરિસરમાં આવેલા મોટાભાગના મંદિરો જમીનદોસ્ત થઇ ગયા હતા પણ ભગવાન પશુપતિનાથના મુખ્ય મંદિરને કોઈ જ નુકશાન થયું ના હતું

નેપાળમાં રાજાઓ અને રાજધાનીઓ બદલાતા નેપાળમાં જ આ મંદિરની પ્રતિકૃતિઓ સમાન મંદિરો ભક્તાપુરમાં (૧૪૮૦) અને લલિતપુરમાં (૧૫૬૬)માં બનાવાયા છે

આ ઉપરાંત ભારતમાં બનારસમાં ૧૮૦૪માં નેપાળના રાજા રાણા બહાદુર શાહ દ્વારા લલિતઘાટ પર પશુપતિનાથ મંદિર બનાવવાની શરૂઆત કરાઈ હતી

રાજા રાણા બહાદુર શાહ વારાણસીથી નેપાળ પરત ફર્યા ત્યારે તેમના સાવકા ભાઈ શેર બહાદુર શાહે રાણા બહાદુર શાહનું ખૂન કરી નાખ્યું હતું

જેના કારણે વારાણસીના પશુપતિનાથ મંદિરના નિર્માણનું કામ ખોરંભે પડયું હતું

૨૦ વર્ષ બાદ રાણા બહાદુર શાહના દીકરા ગિરવાન યુદ્ધ બિક્રમ શાહ દેવાએ ગાદી પર આવ્યા પછી આ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યું હતું

પેગોડા ટાઈપ બનાવાયેલા આ મંદિર બનાવવામાં નેપાળથી લાવેલ લાકડાનો અને વાંસનો જ ઉપયોગ કરાયો છે

આ મંદિરને નેપાળી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે

આ મંદિરની સેવા અને સુરક્ષાની જવાબદારી આજેય નેપાળ સરકારની છે

વર્ષ ૨૦૧૮માં સ્થાનિક તંત્ર દ્વારા આ મંદિર સહીત આ મંદિર પરિસરમાં આવેલા અન્ય +૩૦ નાના મંદિરોને વિશ્વનાથ કોરિડોર યોજના હેઠળ તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો

પણ નેપાળ સરકાર અને ભારતના સમકક્ષ અધિકારીઓની વાટાઘાટો બાદ ભારત અને નેપાળની મૈત્રી સંબંધોને અસર ના પડે એ ધ્યાને રાખીને એ નિર્ણય મુલતવી રખાયો હતો

જે તે સમયના નેપાળી મહારાજાએ વર્ષ ૧૭૪૭માં આ મંદિરમાં ભગવાનની સેવાપૂજા કરવાનો ઈજારો ભારતીય બ્રાહ્મણોને આપ્યો

જે સમયે મોટાભાગે વારાણસીના બ્રાહ્મણો પશુપતિનાથ મંદિરમાં સેવાપૂજા કરતા હતા

પરંતુ મલ્લ રાજાઓના સમયે આ અધિકાર કર્ણાટકના ભટ્ટ પરિવારના બ્રાહ્મણોને પ્રધાન પુરોહિત તરીકે નિમણૂંક કરીને અપાયો હતો

જાન્યુઆરી ૨૦૦૯માં પ્રચંડ સરકારના શાસન સમયે ભટ્ટ પરિવાર પાસેથી આ અધિકાર છીનવીને નેપાળના સ્થાનિક બ્રાહ્મણોને આ અધિકાર આપી દેવાયો હતો

પરંતુ લાંબા અને લોહિયાળ સંઘર્ષ બાદ આ અધિકાર ફરીથી કર્ણાટકના ભટ્ટ પરિવારને પાછો અપાયો હતો

નવી ગોઠવાયેલી સેવાપૂજા વ્યવસ્થા અનુસાર શિવલિંગ પૂજા માત્ર કર્ણાટકન ભટ્ટ પરિવારના ચાર સભ્યો જ કરી શકે છે

આ ચાર સભ્યોને સહાય કરવા માટે સ્થાનિક ચાર બ્રાહ્મણો રખાયા છે જે ભંડારી અથવા રાજભંડારી પરિવારના સભ્યો છે

પશુપતિનાથ મંદિર સવારે ૪ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લું રહે છે

કાઠમંડુ પાસેના દેવપાટણ ગામમાં બાગમતી નદીના કિનારે ભગવાન પશુપતિનાથનું મંદિર આવેલું છે

મંદિરમાં પંચમુખી શિવલિંગ છે

ચાર દિશાઓ તરફ એક એક મુખ અને એક મુખ સૌથી ઉપર છે

દરેક મુખના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા આને કમંડળ છે

એક માન્યતા પ્રમાણે આ પંચમુખી લિંગ પારસ પથ્થરથી બનેલું છે

પૂર્વાભિ મુખને તત્પુરૂષ, પશ્ચિમ તરફના મુખને સદજ્યોત, ઉત્તર તરફના મુખને વામવેદ અને દક્ષિણ તરફના મુખને અઘોરા તરીકે ઓળખાવાય છે

જયારે સૌથી ટોચે આવેલા પાંચમા મુખને ઈશાનમુખ તરીકે ઓળખાવાય છે

પશુપતિનાથ મંદિરને બાર જ્યોર્તિર્લિંગ પૈકીના એક એવા કેદારનાથ મંદિરનો અડધો હિસ્સો માનવામાં આવે છે

પશુપતિનાથના મુખ્ય મંદિરને ચાર દરવાજા છે

એ ચારેય દરવાજા શુદ્ધ ચાંદીના બનેલા છે

મંદિર પરિસરમાં આવેલી નંદિની ભવ્ય મૂર્તિ પિત્તળની ધાતુની બની હોવાનું મનાય છે

મંદિરનું શિખર શુદ્ધ સોનાનું બનેલું છે

આ મંદિરનો વ્યાપ ૨૬૪ હેક્ટરનો છે

પરિસરમાં ૫૧૮ નાનામોટા અન્ય મંદિરો સ્થાપિત કરાયા છે

મંદિરના અંદરના પ્રાંગણમાં વાસુકીનાથ મંદિર, ઉન્મત્તા ભૈરવ મંદિર, સૂર્ય નારાયણ મંદિર, કીર્તિ મુખ મંદિર, બુઢા નીલકંઠ મંદિર, હનુમાન મંદિર આવેલા છે

જયારે મંદિરના બહારના પ્રાંગણમાં રામ મંદિર, વિરાટ સ્વરૂપ મંદિર, પંદર શિવાલય, ૧૨ જ્યોતિર્લિંગ સ્થાપિત છે

આવા યાત્રા સ્થળોએ આવેલા મુખ્યમંદિરના દર્શન અને પૂજા અર્ચનાનું મહત્વ છે

એટલે મંદિર પરિસરમાં ઉભા કરાયેલા અન્ય મંદિરોના દર્શન કરવામાં વધુ સમય ના બગડે એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે

કારણ કે જયારે તમે આવા પ્રવાસોએ જતા હો ત્યારે તમારો પ્રવાસ માર્યાદિત સમય માટેનો હોય છે અને જો વધારે સમય અન્ય મંદિરોમાં પૂજાઅર્ચનામાં વીતી જાય ત્યારે તમારે અન્ય અગત્યના સ્થાનોની યાત્રા પડતી મુકાવી પડે છે

મારા ખ્યાલથી હરદ્વારમાં જ +૫૦૦૦ નાનામોટા મંદિરો આવેલા છે

અને આ દરેક મંદિરોમાં પૂજાઅર્ચના કરવા જાઓ તો છ મહિનાનો સમય પણ ઓછો પડે !

બાકી તો પસંદ અપની અપની ખયાલ અપના અપના !

પુરાણોમાં કહેવાયેલી એક કથાઓ પ્રમાણે

ભગવાન શિવ હરણનું રૂપ ધારણ કરીને બાગમતી નદીના કિનારે નિંદ્રાધીન હતા

ત્યારે અન્ય દેવતાઓએ ભગવાન શિવને શોધી કાઢયા અને વારાણસી પાછા લઈ જવા પ્રયત્ન કર્યો ત્યારે એ દેવતાઓથી બચવા માટે હરણના રૂપમાં છુપાયેલા ભગવાન શિવે બાગમતી નદીના એક કિનારેથી બીજા કિનારે છલાંગ લગાવી

જે છલાંગ લગાવતા હરણના શીંગડા ચારભાગમાં તૂટી ગયા

જે પાછળથી પશુપતિનાથના ચતુર્મુખ લિંગ સ્વરૂપે પ્રગટ થયા

બીજી માન્યતા ગાય, દૂધ અને ભરવાડની જે મોટાભાગના શિવલિંગ સાથે સંકળાયેલી છે એ છે

ત્રીજી અને અગત્યની માન્યતા કેદારનાથ મંદિર અને પાંડવો સાથે સંકળાયેલી છે

કહેવાય છે કે જયારે પાંડવો સ્વર્ગારોહણ કરી રહ્યા હતા ત્યારે શિવે ભેંસ સ્વરૂપે દર્શન આપ્યા બાદ ધરતીમાં સમાવા લાગ્યા

ત્યારે ભીમે તેની પૂંછડી પકડી લીધી

ભીમે જે જગ્યાએ પૂંછડી પકડી એ જગ્યા કેદારનાથ ધામ તરીકે ઓળખાય છે

અને ધરતીમાં સમાઈ જવા સમયે ભગવાન શિવના ભેંસનું મુખ કાઠમંડુ નેપાળમાં બહાર નીકળ્યું હતું

કહેવાય છે કે બસ એ જગ્યાએ જ પશુપતિનાથ મંદિર સ્થિત છે

૧૯૭૯માં UNESCOએ કાઠમંડુના પશુપતિનાથ મંદિર સહિતના પરિસરનો World Heritage Sitesમાં સમાવેશ કર્યો છે

અભિષેકના સમય સિવાય ચોવીસે કલાક આ શિવલિંગ સોનાના વસ્ત્રો ધારણ કરે છે

આથી અભિષેકના સમય સિવાય આ શિવલિંગ પર પાણી અને દૂધ સહિતના તમામ પ્રવાહી પદાર્થોનો ભક્તગણોની પૂજાઅર્ચના સમયે ક્યારેય ઉપયોગ કરતો નથી  

ગુહ્યેશ્વરીદેવી ઉર્ફે ઈશ્વરીરહસ્યોની દેવીના દર્શને

મંદિર પરિસરમાં લગભગ બે કલાક રહ્યા પછી મંદિર પરિસરની પાછળ બાગમતીના ઘાટે ગયા. ઠેરઠેર સળગતી ચિતાઓ, ક્યાંક અર્ધબળેલી પડેલી લાશો અને ગંધ પણ એટલી જ.

આજુબાજુ ના કોઈ માણસો કે ના કોઈ રોકકળ. ચિતાની આજુબાજુમાં માણસો પણ માત્ર ગણતરીના ૧,૨,૩ કે ૪ જ

કદાચ પેલા જ્યોતિષીઓ પાસે પોતાના મૃત્યુતિથિની આગોતરા જાણ મેળવી અહીં રહી પડેલા અથવા જે તે તિથિ પ્રમાણે ઘરબાર ત્યજીને અહીં આવી ગયેલા લોકોની એ અંત્યેષ્ઠિ હશે !

મંદિર પરિસરમાં બિનહિન્દુઓને પ્રવેશ ના હોવાથી મોટાભાગના વિદેશીપ્રવાસીઓ ઘટના પગથિયે એટલે ઘાટના પગથિયે વિદેશી સહેલાણીઓનો જમાવડો. કેમેરાની દબાતી ચાંપો અને ઉઠતા "ફ્લેશ" જે ખાસ કરીને સ્નાન કરતી સ્ત્રીઓ કે અંત્યેષ્ઠિના દ્રશ્યો કંડારતા જોવા મળે.

કદાચ એમના માટે આ વાતો આશ્ચર્યજનક એટલા માટે હશે કે

તેમના દેશોમાં મૃતદેહને દફનાવાયા છે

જે તે દફનની જગ્યા માટે પહેલા બુકીંગ કરાવવું પડે છે

તે માટે આગોતરા પૈસા આપવા પડે છે

દફનના કોફીનની ડિઝાઈન પહેલા નક્કી કરીને તેના પૈસા પણ પહેલા આપવા પડે છે

દફનના દિવસ માટે લાંબો સમય રહા જોવી પડે છે

જયારે અહીં તો મૃતદેહનો દાહસંસ્કાર અને અંત્યેષ્ઠિ પૂર્ણ !

પવિત્ર કહેવાતી નદી બાગમતી એટલે કાઠમંડુને ચીરતો પસાર થતો એક ગંદકીથી ભરેલો વહેળો ! વડોદરાની વિશ્વામિત્રીને જ યાદ કરી લો ને બસ એનાથી પણ નાનો પટ.

બાગમતીનું ઉદ્ભવસ્થાન આમ તો નેપાળ સ્થિત હિમાલયની "મહાભારત રેન્જ"માં પણ આશ્ચર્યજનકરીતે મહાભારત રેન્જ હિમાલયનો હિસ્સો હોવા છતાંયે બરફાચ્છાદિત ના હોવાથી તે બારમાસી નદી નથી તેથી ઘણું કરીને તે ફેબ્રુઆરી થી જુલાઈ સુધીમાં મૃતપ્રાય બની જતી હોવાથી ગંદકીનો ઢગ બની રહે છે. જૂન - જુલાઈમાં વરસાદી પાણીના આગમને એમાં કંઈક અંશે જીવ આવે છે.

આ નદી જ્યાં જયાંથી પસાર થાય છે ત્યાં ત્યાં એના પટમાં આજુબાજુના ગામોમાં કે શહેરોમાં એકઠો થતો કચરો નંખાય છે.

સ્વયંશિસ્તને વરેલી નેપાળી પ્રજાનું આ શરમજનક પાસુ !

૨૦૧૪ના પ્રારંભે બાગમતી નદીને તદ્દન સ્વચ્છ જાહેર કરાઈ હતી

જે વર્ષે અને જે સમયે હું ત્યાં હાજર હતો પણ એ સમયેય નાક દબાવ્યા વગર એ ગંદા વહેળા પરથી પસાર થવું અસંભવ હતું

સ્વાનુભવ !

આજે પણ નેપાળની અઠવાડિક રજાના દિવસે, દર શનિવારે ગુરખા આર્મી, નેપાળી પોલીસ અને નેપાળી નાગરિકો સ્વયંભૂ એમાં ભેગો થયેલો કચરો ઉસેટીને એને સ્વચ્છ કરતા જોવા મળે છે, પણ વ્યર્થ

જળ એ જીવન છે.

દુનિયાની દરેક સંસ્કૃતિઓ સ્વાભાવિકરીતે નદી કિનારે જ પાંગરી છે.

છતાંયે માનવજાત નદીમાતાને સ્વચ્છ નથી રાખી શક્યો અને આ કોઈ પ્રાદેશિક, કોઈ રાજ્યનો કે કોઈ દેશનો પ્રશ્ન નથી આ પ્રશ્ન સમસ્ત દુનિયાનો છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર અંત્યેષ્ઠિ પહેલા મૃતદેહને ત્રણ વખત બાગમતી નદીમાં સ્નાન કરાવાય છે. અને અંત્યેષ્ઠિ પછી ના માત્ર અસ્થિ પણ જે કાંઈ પણ, અર્ધ બળેલી લાશ સહીત, ચિતા પર બચે છે તેને પવિત્ર નદી બાગમતીમાં વહેવડાવી દેવાય છે.

એક તરફ સ્નાન કરતા ડાઘુઓ. બીજી તરફ મંદિરમાં પૂજા અર્ચના કરવા સ્નાન કરી પવિત્ર થતા સ્ત્રી-પુરુષો. ક્યારેક તો એ વહેળો ગંદકીના વહનના કારણે "ચોક થઇ જાય છે" - જામી જાય છે પણ એ પવિત્ર હોવાની માન્યતા કાયમ રહે છે અને એ હાલતમાં પણ પશુપતિનાથ મંદિરમાં પૂજા અર્ચના કરવા આવતા શ્રદ્ધાળુઓ પવિત્ર થવા એ પાણીમાંયે ડૂબકી લગાવે જ છે. બસ એમ જ જેમ આપણા ઘરમાં ગંદા ફર્નિચરને સાફ કરવા કે ધોયેલા વાસણોને લુછવા આપણે મસોતાનો કે ગંદા કપડાનો ઉપયોગ કરીયે છીએ, એમ જ !

આમ તો હું સમજણો થયો ત્યારથી હું સુંદરતાનો ચાહક પણ ના જાણે કેમ બાગમતીના ઘાટે બેઠેલી વિદેશીયૌવનાઓ મને સાવ સામાન્ય જ લાગી. કદાચ જગ્યાનો અને વાતાવરણનો પ્રતાપ હોઈ શકે !

ઘાટ પર વધુ સમય રહેવું અસહ્ય લાગતા ઘાટ પર આવેલા પથ્થરના નાના મંદિરોને અને નાની દેરીઓને જોવાનું કે ત્યાં બિરાજેલા ભગવાનોના દર્શન કરવાનું છોડીને અમે મુખ્યમંદિરના પરિસરમાં પરત આવ્યા.

મન ભરાયું નહોતું એટલે ફરી ચારે દરવાજે ફરીને દાદાના દર્શન કર્યા.

મુખ્યમંદિરની પશ્ચિમ તરફ સહસ્ત્રલિંગના દર્શન કર્યા. જ્યાં આપણા યુપી અને બિહારથી આવીને કાઠમંડુમાં વસી ગયેલા બ્રાહ્મણોએ પગપેસારો કર્યો છે. જેઓ ભારતીય મંદિરોમાં જે પ્રમાણે યાત્રાળુની પાછળ પડી કપાળમાં ચાંદલા કરી પૈસા પડાવવાના ધંધા કરે છે. ભારતીય યાત્રાળુઓને ઓળખીને એમની સાથે રહેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો સામે નેપાળી ચલણ બદલાવતા પણ જોવા મળ્યા.

કદાચ ભારતની ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો પર નેપાળમાં પ્રતિબંધ હશે !

અથવા એ લોકોને ૫૦૦ અને ૧૦૦૦ની ભારતીય ચલણી નોટો રદ્દ થવાની ભીતિ એ સમયે હશે !

મુખ્યમંદિર સિવાય પરિસરમાં તમે ફોટોગ્રાફી કરી શકો છો પણ છાનામાના. બાકી મુખ્યમંદિરની બહાર મુખ્ય દરવાજાની બહાર તમે મન ભરીને ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકો છો. મોટાભાગના યાત્રાળુ પ્રવાસીઓ ભારતના વિવિધ ભાગમાંથી આવેલા જ હતા કેટલાક નેપાળના વિવિધ ભાગમાંથી આવેલા અને ત્રણ ચાર હિન્દૂ પરિવાર બાંગલાદેશથી પણ આવ્યા હતા.

અમે સૌએ "સબકા સાથ સબકા ફોટોગ્રાફ" એ નિયમે એકબીજાની મદદ લઈ એકબીજાના ફોટા પાડયા.

જયારે ફોટાની વાત જ છેડાઈ છે તો કેમેરાની પણ વાત કરી જ લઈએ. શક્ય હોય તો પોકેટકેમેરાનો મોહ છોડી સારા કેમેરા સાથે લઈ નેપાળના પ્રવાસે જવું એમાંયે જો એવરેસ્ટ ફ્લાઈટમાં જવાનું વિચારતા હો તો ખાસ સારા કેમેરા સિવાય જવું નહિ.

લગભગ પાંચેક કલાક તો અહીં જ થઈ ગયા.

ગાડીના ડ્રાઈવર રાજુએ કહેલા રસ્તે બહાર નીકળીને અગ્રવાલ જવેલર્સ તરફ જતા રસ્તામાં રુદ્રાક્ષ વેચનારા દેખાયા.

હવે તમે નેપાળ ગયા હો અને પ્રસાદમાં આપવા માટે રુદ્રાક્ષના હોય એ કેમ ચાલે ?

અમદાવાદી આદત પ્રમાણે ભાવની રકઝક કરી એક બે વખત અમદાવાદી સ્ટાઈલમાં ચાલતા થઈ ૧૦૦ રૂપિયાની કહેલી ૫૪ મણકા ધરાવતી પાંચમુખી મણકાની માળા ૫૦ની એક લેખે ૮ ખરીદી લીધી.

પછી પ્રવેશ્યા અગ્રવાલ જવેલર્સમાં. ત્યાં મોતીની સેર અને મોતીની માળાઓ જોવાની હતી અને લેવાની પણ હતી. સફેદ નાના મોટા મોતીની સેરો અને યાદ કરી કરીને જેમને પણ આપવાના હતા તેમના માટે અલગઅલગ ડીઝાઈન અને સ્ટાઈલના સેટ ખરીદ્યા.

અમદાવાદી આદત પ્રમાણે ભાવ ઠરાવીને પેમેન્ટ કર્યું.

.

બસ ત્યારે જ અગ્રવાલ જવેલર્સના એ શો રૂમમાં ૩૦ - ૪૦ ગુજરાતીભાષી પ્રવાસીઓ પ્રવેશ્યા. વાતચીત કરતા જણાયું કે તેઓ રાજકોટ અને આજુબાજુના હતા અને સાથે મળીને કોઈકના સહયોગે પેકેઝડ ટુરમાં આવ્યા હતા.

તેઓ વિમાનમાર્ગે આવ્યા હતા અને એકાદ બે દિવસના રોકાણે પરત જવાના હતા

એ તમામ યાત્રાળુઓએ જેટલા ઉતાવળે આવ્યા એનાથી પણ વધુ ઉતાવળે ખરીદી કરી રાજકોટની સ્ટાઈલમાં ભાવતાલ કરાવ્યા વગર પૈસા ચૂકવીને રવાના થયા.

કદાચ એમના ટુર ઓપરેટરને અગ્રવાલ જવેલર્સ સાથે કમિશનના સંબંધ હશે

એટલે પોતાની સાથે આવેલા જે યાત્રાળુઓએ ખરીદી કરી તે બધા પાસેથી પૈસા ઉઘરાવીને જે તે ટુર ઓપરેટરે હાથોહાથ ચુકવણું કર્યું

કે જેથી ખરીદીની કુલ રકમ પર કમિશનની ગણતરી કરતા ફાવે !

શક્ય હોય ત્યાં સુધી પેકેઝડ ટુર પ્રોગ્રામ ટાળી તમારી પોતાની રીતે પ્રવાસો કરવા ઈચ્છનીય છે

જેથી તમારી ઈચ્છા થાય તેમ ફરી શકો અને તમારી ઈચ્છા થાય એ જગ્યા એ લાંબો સમય રહી શકો

જોકે આ બાબત વ્યક્તિગત છે પણ આનું એક સરસ ઉદાહરણ આગળ હું "માઉન્ટેન ફ્લાઇટ" સમયે જણાવીશ

જેમ પશુપતિનાથ દાદાની જ્યોતિર્લિંગમાં ગણતરી થાય છે એમ જ પશુપતિનાથના મંદિરની નજીક "ગુહ્યેશ્વરીદેવી માતા"નું મંદિર છે જેની ગણતરી એક શક્તિપીઠમાં થાય છે.

એ મંદિરના દર્શન વગર ભગવાન પશુપતિનાથના દર્શન અધૂરા કહેવાય છે.

ગુહ્યેશ્વરીદેવી શક્તિપીઠ વિષે અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે

કેટલીક માન્યતાઓ અનુસાર મહાસતી પાર્વતી માતાના પિતા દક્ષ પ્રજાપતિએ કંનખલ (હરિદ્વાર)માં 'બૃહસ્પતિ સર્વ' નામનો યજ્ઞ કર્યો હતો

એ યજ્ઞમાં શંકરને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા

જયારે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય દેવી-દેવતાઓને તે યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું

પોતાના પિતાએ આમંત્રણ ન આપ્યું હોવા છતાં શિવની પત્ની અને દક્ષની પુત્રી સતી યજ્ઞમાં ભાગ લેવા ગયા હતા.

યજ્ઞના સ્થળે સતીએ પોતાના પિતા દક્ષને શંકરને અને મહાસતીને(પોતાને) આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું અને પોતાના પિતા સામે સખત વિરોધ દર્શાવ્યો.

સામે મહાસતીના પિતા દક્ષ પ્રજાપતિએ શંકરને અપશબ્દો કહ્યા.

પોતાના પિતા દ્વારા પોતાના પતિનું કરાતુ અપમાન સહન ના થતા મહાસતીએ યજ્ઞના અગ્નિકુંડમાં કૂદીને પ્રાણ ત્યાગ કર્યો હતો

આ દુઃખદ ઘટનાની જાણ થતા જ ભગવાન શંકર યજ્ઞના સ્થળે આવી પહોંચ્યા હતા

અને મહાસતીના દેહને પોતાન ખભા પર લઈને આખી પૃથ્વી પર તાંડવનૃત્ય કરવા લાગ્યા

જેના કારણે સમસ્ત પૃથ્વી પર હાહાકાર મચી ગયો

શિવતાંડવે સમસ્ત પૃથ્વીનો વિનાશ પારખી ગયેલા ભગવાન વિષ્ણુએ સમસ્ત પૃથ્વીને પ્રલયથી નષ્ટ થતી બચાવવા પોતાના સુદર્શન ચક્રથી મહાસતીના દેહના ટુકડા કરવાની શરૂઆત કરી

મહાસતીના દેહના અંગો વિશ્વમાં અલગ અલગ સ્થળોએ પડયા

મહાસતીના દેહના અંગો ધરતી પર જ્યાં - જ્યાં પડ્યાં તે સ્થાનકોને શક્તિપીઠ કહેવામાં આવે છે.

દુનિયામાં ૫૧ શક્તિપીઠ હોવાનું મનાય છે

જેમાંથી ૪૨ શક્તિપીઠ ભારતમાં અને ૯ શક્તિપીઠ વિદેશોમાં છે

નેપાળ કાઠમંડુની આ શક્તિપીઠમાં મહાસતીની યોનિનો ભાગ પડ્યો હોવાની માન્યતાના કારણે આ શક્તિપીઠને ગુહ્યેશ્વરી શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે

એક અન્ય માન્યતા પ્રમાણે આસામમાં કામાખ્યા મંદિર છે તે જગ્યા પર મહાસતીની યોની પડી હોવાની પણ માન્યતા છે

એક અન્ય માન્યતા પ્રમાણે કાઠમંડુ નેપાળની આ શક્તિપીઠના સ્થાને મહાસતીના બે ઘૂંટણ પડયા હોવાનું પણ મનાય છે

કાઠમંડુ, નેપાળમાં સતીને મહામાયા તથા શિવને કપાલ તરીકે ઓળખવામાં આવે છે.

ગુહ્યેશ્વરીદેવી એટલે ઈશ્વરીરહસ્યોની દેવી સાથે સંબંધ દર્શાવાયો છે.

આ શક્તિપીઠનો ઉલ્લેખ કાલીતંત્ર, ચંડીતંત્ર અને શિવતંત્ર રહસ્યમાં કરાયો છે. અહીં મોટાભાગે તાંત્રિકો પૂજા - હોમ - યજ્ઞ કરી પોતાની તંત્રવિધાને જાગૃત કરતા હોય છે અથવા તંત્રવિદ્યાનું જ્ઞાન મેળવતા હોય છે.

સામાન્યપણે અહીં આસો મહિનાની નવરાત્રી અને દશેરાના સમયે હજારો ભાવિકો દર્શને આવે છે.

બાકી ચૈત્રી નવરાત્રીમાં અમે ત્યાં દર્શને ગયા ત્યારે ગણતરીના માણસોની જ હાજરી હતી.

પરંતુ મોટાભાગના ટુર ઓપરેટરો ગુહ્યેશ્વરીદેવીના મંદિરે દર્શન કરવા લઈ જવાનું ટાળે છે

કાઠમંડુ નેપાળના સૌથી મોટા બે મંદિરોના દર્શન કર્યા પછી જે બાબતો ઉડીને આંખે વળગી તે ........

૧. મંદિરની પરસાળમાં કે મંદિરની બહાર સમખાવા એકપણ લંગડો લૂલો, અંધ , લાચાર કે હટ્ટોકટ્ટો ભિખારી જોવા ના મળ્યો.

૨. મંદિરના પ્રવેશે જયાં પ્રસાદ અને અન્ય પૂજાની સામગ્રી વેચાય છે ત્યાં કોઈ વેપારી કે એનો માણસ તમને બૂમો પાડીને બોલાવતો, હાથ પકડીને એને ત્યાંથી જ એ સામગ્રી લેવા આગ્રહ કરતો કે જબરજસ્તી કરતો જોવા ના મળ્યો.

૩. મંદિરની બહાર કોઈ સાધુ - બાવા કે સંતના વેશમાં બેસીને કોઈ પૈસા પડાવતો જોવા ના મળ્યો.

૪. મંદિર પરિસરની બહાર ના કોઈ લારીગલ્લા દેખાયા

૫. કોઈપણ વ્યક્તિ જાહેરમાં પાનમસાલા ખાઈ થુંકતો દેખાયો નહીં અને કોઈપણ વ્યક્તિ જાહેરમાં બીડી કે સિગારેટ પીતો દેખાયો . સરકારે તમાકુવાળા ઉત્પાદનો અને તેના વેચાણ પણ પ્રતિબંધ મુક્યો છે અને એનો સરકાર કડકપણે અમલ કરે છે અને નેપાળી પ્રજા સરકારને એ બાબતમાં પૂરતો સાથ સહકાર આપે છે.

૬. નેપાળી સરકારે રીક્ષા નામના ધુમાડિયા રાક્ષસ પર પણ પ્રતિબંધ લાદયો છે.

આપણે હંમેશા જેમની બુદ્ધિમતા આપણાથી ઓછી માનતા આવ્યા છીએ એ પ્રજાની ખુમારી અને સ્વયંશિસ્તની આ બાબતે પ્રસંશા કરવી જ રહી.

(ક્રમશઃ)