આદિત્યએ જોયું તો તેની આંખો ફાટી ગઈ. પૂજારીજીને કોઈકે મંદિરના ધજાના ભાગે ઉપર લટકાવી દીધા હતા.
"મારી ચિંતા ના કરશો. માધવી તું આદિત્ય સાથે મળીને શીલાનો નાશ કરવાનું કર. નહીંતો અનન્યાનો જીવ બચાવવો અશક્ય થઇ જશે." પૂજારીજી મનમાં મંત્ર બોલતા ત્યાંથી દૂર થઈને શાંતિથી નીચે આવી ગયા.
માધવી ફટાફટ આદિત્યનો હાથ પકડીને કાર પાસે લઇ ગઈ.
"આ શું કરી રહી છું?? અનન્યાને તો લેવા દે આપણી જોડે!!" આદિત્ય ગુસ્સામાં માધવીનો હાથ છોડાવતા બોલ્યા.
"આદિત્ય અનન્યા આપણી સાથે હશે તો એ આપણા અને એના બંને માટે મુસીબત બની શકે એમ છે. પ્લીઝ બેસી જા કારમાં હું તને બધી વાત કરું છું." માધવીએ ચોખવટ કરતા કહ્યું.
આદિત્ય અને માધવી કારમાં ગોઠવાઈ ગયા. આદિત્યએ ફટાફટ કારને દોડાવી મુંબઈ જતા રસ્તે.
"આદિત્ય આપણે મુંબઈ તારા ઘરે જવું પડશે. ત્યાં આપણે તારી મોમની એ વસ્તુ શોધવી પડશે જેમાં તેની આત્માને કેદ કરેલી છે. જ્યાં સુધી એ આપણે નહીં કરીએ ત્યાં સુધી તારી મોમની આત્મા અનન્યાના શરીર પર કબ્જો મેળવતી રહેશે."
"હું કાંઈ સમજ્યો નહીં માધવી!! આ તું શું કહી રહી છું??"
"પૂજારીએ આગળ કહ્યું એમ અનન્યા એક પવિત્ર આત્મા છે. જયારે તેની માઁને આ વાતની ખબર પડી ત્યારે તેણે અનન્યનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું.ચાંદનીએ અનન્યાને કયારેય પોતાની દૈવી શક્તિનો ભાસ જ ના થવા દીધો. તેના આ કામમાં સાથ આપ્યો તારી મોમ શીલાએ."
"વ્હોટ??"
"હા, આદિત્ય તારી મોમ જયારે મૃત્યુ પામી એ બાદ તેની આત્મા અનન્યાના શરીર પર કબ્જો જમાવીને પોતાનું ધાર્યું કામ કરાવવા લાગી."
'"એમ કોઈ પણ આત્મા કોઈ પણ શરીરમાં ત્યાં સુધી ના પ્રવેશી શકે જ્યાં સુધી તે શરીર તેને આમંત્રિત ના કરે તો અનન્યાની મરજી વગર મોમ કઈ રીતે તેના શરીર સુધી પહોંચી શકી??" આદિત્યએ કારને ધીરી કરતા પૂછ્યું.
"એ માટે હું જવાબદાર છું."માધવી નીચું મોં કરીને પોતાની ભૂલ સ્વીકારવા લાગી.
'તું?? '
"હમ્મ, હું. ચાંદનીની ધમકીઓથી હું ડરી ગઈ હતી. આ વાત છે આ બધું શરુ થયું ત્યારની. મેં આગળ કહ્યું એમ અનન્યાને હોરર વિડિયોઝ જોવા ખુબ ગમતા. અમારા ગ્રુપમાં તે જ સૌથી સાહસિક હતી આ બાબતે. અનન્યાની બર્થડે આવી રહી હતી. તે ખુબ ખુશ હતી પણ તેને ક્યાં ખબર હતી કે તેની આ ખુશી અંતિમ ખુશી જ કદાચ રહેવાની હતી. મને જયારે ચાંદનીઆંટીએ ધમકીઓ આપી એટલે હું ડરી ગઈ અને એમના દરેક કામમાં તેમને સાથ આપવા લાગી. અનન્યાને કોઈ પડછાયો દેખાવું અને તેને તેની નાનીની આત્મા દેખાવી આ બધા પાછળ તેમજ અર્શની મોત પાછળ ચાંદનીજવાબદાર હતી. અર્શ અમારો ફ્રેન્ડ હતો. તેણે અનન્યાને એવું ફીલ કરાવડાવ્યું કે તેણે અર્શને માર્યો છે. સવારે અનન્યાના રૂમમાં મેં અડધા મરેલા ઉંદરો મૂકી દીધા. સવારે તેને એવું લાગ્યું જાણે તેણે એ ખાધા હોય. ત્યારબાદ અર્શની મોતના સમાચાર તેને મળ્યા અને તેને એવું લાગવા લાગ્યું કે તેણે જ અર્શની આવી હાલત કરી છે. અનન્યાના ઘરે કયારેક અજીબ ઘટનાઓ ઘટતી જેવી કે દરવાજો બંધ થવો કે બારીઓ ખખડવી આ બધા પાછળ તારી મોમ જ જવાબદાર હતી. ત્યારબાદ ચાંદનીઆંટીએ નક્કી કરી લીધું કે હવે તેણે આ શરીરને મૂકીને આત્મારૂપે પોતાના કાર્યને અંજામ આપવો પડશે અને અનન્યાને પણ પુરેપુરી ડરાવી દેવી છે આથી અનન્યાના શરીરમાં તારી મોમને આમંત્રિત કરી જેમાં સાથ આપ્યો મેં. અનન્યાને એક વિડીયો મેં બતાવ્યો અને એને એમ કીધું કે આ રીતે વિધિ કરવાથી તેની સાથે કાંઈ પણ પ્રકારનું ખોટું નહીં થાય અને અનન્યાએ મારી વાતને માની પણ લીધી અને તે રાતે તેણે તારી મોમને આમંત્રિત કરવાની વિધિ કરી. વિધિ કર્યા બાદ તારી મોમે અનન્યાના શરીરમાં પ્રવેશીને ઉપર ચાંદનીઆંટીના રૂમ પર જઈને તેમની બેરહેમીપૂર્વક હત્યા કરી દીધી. અનન્યાને હજુ પણ સમજ નહોતી કે તે આ બધું શું કરી રહી હતી. બીજા દિવસે સવારે ઓમ ત્યાં અનાયાસે આવ્યો. મને નહોતી ખબર કે ઓમ અનન્યાના ઘરે જવાનો હતો નહીંતો હું એને રોકી લેત. ઓમે ત્યાં જઈને અનન્યાનો ફાયદો ઉઠાવ્યો અને ત્યાંથી નીકળીને રાતે આવવાનું કીધું. અનન્યા આ બધું વિચારતી હતી કે તેણે આવું કઈ રીતે કર્યું અને તેણે મને મેસેજ કર્યો. મેસેજમાં તે મને પૂછતી હતી કે એ વિધિ કરવાથી તેની સાથે સારુ થવાની જગ્યાએ ખરાબ કેમ થવા લાગ્યું?? હું ડરી ગઈ. હું મારા ઘરેથી નીકળીને અનન્યાના ઘેર આવી. ત્યાં મેં પાછળના દરવાજેથી રસોડામાં જોયું તો અનન્યા કોઈક બિલાડીને મારીને કાપી રહી હતી. તેનું આ સ્વરૂપ હું સમજી ચૂકી હતી કે આ મારી ફ્રેન્ડ અનન્યા નથી. મેં આગળ જોયું તો અનન્યાના ઘેર આવતી કામવાળી રૂપાને મેં જોઈ. મને આ વાત જાણીને પીડા અનુભવાઈ રહી હતી. મેં તેને મળીને બધી વાત કરી. અચાનક ખબર નહીં તારી મોમને આ વાતની કેમની ખબર પડી કે તેણે મને ડરાવવાનું શરુ કરી દીધું. મને નહોતી ખબર પડતી કે હું શું કરું!!એવામાં રૂપાએ મને કાલીઘાટ પાસે રહેલ મંદિરના પૂજારી વિશે વાત કરી. હું અને રૂપા ત્યાં સાથે ગયા. પૂજારીને બધી વાત જણાવ્યા બાદ તેમણે અમને એટલુંજ સૂચન કર્યું કે હું તારી મોમ અને ચાંદની સાથે રહીને તેમની દરેક ચાલચલગત સમજીને તેમના વિશે જાણી શકું. હું આટલું સમજીને ઘરે આવી. ઓમને કોલ્સ કરી જોયા પણ તે ઉપાડતો નહોતો એટલે મને બહુ ટેન્શન થવા લાગ્યું. હું ફટાફટ અનન્યાના ઘેર ગઈ તો તેમની કાર પણ ઘરે નહોતી અને ઘર પણ લોક હતું. મને યાદ આવ્યું કે એકવાર ચાંદનીઆંટીએ સ્મશાન વિશે વાત કરી હતી. એટલા માટે હું ત્યાંથી નીકળીને સીધી સ્મશાન પહોંચી ગઈ. સ્મશાનમાં મેં હિંમતપૂર્વક પ્રવેશ કર્યો અને જોયું તો અનન્યા ઓમને બેરહેમીથી મારી રહી હતી. મારા મોંઢામાંથી નીકળેલી ચીસ મેં હાથ દબાવીને દાબી દીધી. મારી નજરો સામે મારો પ્રેમ મરી રહ્યો હતો પણ હું કશુંજ કરી શકું એમ નહોતી. મેં જોયું તો અનન્યા ત્યાંથી નીકળી ગઈ. ત્યારબાદ હું એ અઘોરી પાસે આવી અને મેં તેને ખૂબજ વિનંતી કરી કે તે ઓમને પુનઃ સજીવન કરી દે. અઘોરીએ મારો ફાયદો ઉઠાવ્યો પણ ઓમને જીવન બક્ષવા માટે મને એની કોઈજ દરકાર નહોતી. ઓમને પુનઃ સજીવન કરવા બદલ તે અઘોરીનો આભાર માનીને હું ઓમને લઈને ત્યાંથી નીકળી ગઈ. ઓમને જીવન તો મળ્યું હતું પણ તેના ઘા હજુ રૂઝાયા નહોતા એટલે તેને અનન્યાથી દૂર રાખવો જ બરાબર હતું. એટલે મેં તે જ રાતે ઓમને મુંબઈ મોકલી દીધો. ઓમની સાથે હું કોલથી કોન્ટેકમાં હતી. એટલે અનન્યા વિશેની પૂરી વાત તેને જણાવ્યા બાદ તેનો અનન્યા પ્રત્યેનો ગુસ્સો મટી ગયો હતો. મેં અનન્યા સાથે રહીને તારી મોમની અને ચાંદનીઆંટીના દિમાગમાં શું ચાલતું હતું તેનો પતો લગાવવાનું શરૂ કર્યું જેમાં રૂપાએ પણ મને સહકાર આપ્યો. તારી મોમ અને ચાંદનીઆંટીને એમ હતું કે અમે તેમની સાથે રહીને અનન્યાને વધારે પાગલ બનાવી રહ્યા છીએ પણ હું સમય મળતા જ અનન્યાને તેની સાથે ઘટતી ઘટનાઓ જણાવી દેતી. અનન્યા પોતાની માઁ વિશેની આ વાત જાણ્યા બાદ ખૂબજ તૂટી ગઈ હતી. તે પણ હવે અમારી જેમ અજાણી બનીને રહેવા લાગી હતી. અનન્યા તેના પિતાને મારવા નહોતી માંગતી પણ આ બધા પાછળ તારી મોમ જ જવાબદાર હતી. જયારે તેના અનન્યાના ડેડએ ચાંદનીઆંટીની ડાયરી લીધી તો એમાં એક કાગળ બધી હકીકત લખેલ પણ હતો. અંકલ વધુ કાંઈ સમજે એ પહેલા તેઓ બારીમાંથી કૂદી ગયા. અનન્યાએ નીચે આવીને જોયું તો તેઓ હજુ જીવતા હતા. તેમના હાથમાં કાગળનો ડૂચો હતો એ તારી મોમ એટલે કે અનન્યાએ વાંચ્યો. શીલા સમજી ચૂકી હતી કે આ કાગળ મેં અથવા તો રૂપાએ જ મુક્યો હોઈ શકે માટે રૂપા મારો જીવ બચાવવાં પોતે મોતને ભેટી ગઈ. મરતા પહેલા તેણે મને જ કોલ લગાવ્યો હતો.... "આટલું કહીને માધવી ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડી.
આદિત્યએ પાસે રહેલ બોટલ માધવી તરફ લંબાવી. તેઓ મુંબઈ પહોંચવા આવ્યા હતા. આદિત્ય મનમાં વિચારી રહ્યો હતો કે એવી તો કઈ વસ્તુ હતી જેમાં મોમની આત્મા કેદ હોય અને અચાનક કાંઈક વિચાર આવતા તે ખુશીથી ઝુમી ઉઠ્યો અને પોતાના મનમાં રહેલ શબ્દને હોઠો પર ફફડાવી ગયો.
"મોમની કાચની પેટી."
(ક્રમશ :)