Discovery - the story of rebirth - 18 books and stories free download online pdf in Gujarati

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૮

૧૭૯૯, શ્રીરંગપટમ

‘આપણી ચોતરફ બ્રિટીશ સૈન્ય ગોઠવાઇ ચૂક્યું છે.’, પૂર્ણૈયાએ ટીપુને જણાવ્યું.

ટીપુ અને પૂર્ણૈયા ગઢની ચારે તરફનો અભ્યાસ કરી રહ્યા હતા. ટીપુ સાથેની સંધિ બાદ પણ બ્રિટીશરોએ તેની સામે યુદ્ધ છેડ્યું હતું. ટીપુ પણ હાર માને તેમ નહોતું. તેણે વિરોધી પક્ષની શરતોને તાબે થવાનું અસ્વીકાર હતું.

‘હું જાણું છું. પરંતુ તેમને આપણી સુરક્ષા વ્યવ્સ્થા વિષે ખબર કેવી રીતે પડી?’, ટીપુને આંખો સંકોચાઇ.

‘આપણા ગુપ્તચરો તપાસ કરી રહ્યા છે. જે બાબતથી આજ સુધી તમે અને તમારા નીકટજનો જ જાણી શક્યા છે... તે માહિતી બહાર કેવી રીતે નીકળી શકે?’, પૂર્ણૈયાએ ટીપુની વાતને સમર્થન આપતા શંકા વ્યક્ત કરી.

‘મારા નીકટજનો’, ટીપુ વિચારમાં કક્ષની બારી તરફ ગયો, અને બાગમાં બાનુને જોઇ, ‘હા…! મારી અને રાજ્યની સઘળી બાબતો વિષે વિસ્તારમાં તો ફક્ત બાનુ જ જાણે છે. તેણે કોઇને કહ્યું હશે...?’

‘બની શકે... મહારાજ! મને એક જ વ્યક્તિ પર શંકા જાય છે, જે રાણી બાનુની અત્યંત નીકટ છે અને તમારા પ્રત્યે તેને સૌથી વધારે ઘૃણા છે.’, પૂર્ણૈયા ટીપુની વાતને સમજી ગયો અને તેનું મંતવ્ય રજું કર્યું.

‘કોણ???’, ટીપુ પૂર્ણૈયાની અત્યંત નીકટ આવી ગયો.

‘આપનો સાળો...રાણીનો ભાઇ... અને આ ગઢ માટે બહારથી મિત્ર અને અંદરથી શત્રુ... બુર્હાઉદ્દીન શહીદ.’

*****

કોર્નવોલીસ અને મેડોવ યુદ્ધની તૈયારીઓમાં વ્યસ્ત હતા. તેમની પાસે સૌથી મોટું હથિયાર હતું, બુર્હાઉદ્દીન શહીદ. મેડોવે હજુ સુધી તેને જોયો નહોતો. હંમેશા ધાબળો ઓઢીને આવનાર વ્યક્તિની ઓળખાણ વોલીસે શહીદ તરીકે કરાવી હતી.

‘સર...! વ્હૉટ ઇઝ નેક્સ્ટ પ્લાન?’, મેડોવે કોફીનો કપ ઉપાડ્યો.

બન્ને શ્રીરંગપટમ ગઢના મુખ્ય દ્વારની બરોબર સામેની તરફના મેદાનમાં છાવણીમાં ચર્ચા કરી રહ્યા હતા.

‘નેક્સ્ટ... આઇ જસ્ટ વોન્ટ ધીસ ગઢ એન્ડ પાવર ઓફ મૈસુર...’, વોલીસે ટેબલ પર મૂકેલા શ્રીરંગપટમ ગઢની છબી પર હાથ પછાડ્યો.

‘પણ કેવી રીતે? યુદ્ધ આપણે જ જીતીશું, એવું જરૂરી તો નથી જ...’

‘યુ આર રાઇટ... પરંતુ આ વખતે યુદ્ધ આપણે જ જીતીશું. મારી પાસે જે હથિયાર છે, તેનો વાર ખાલી નહી જાય.’ વોલીસે ગર્વ દર્શાવ્યો.

‘પરંતુ, મને તો શહીદ તમારી માન્યતા મુજબ કામ કરી શકશે... એવું જરાય પણ લાગયું નથી.’, મેડોવે વોલીસ સામે ઝીણી આંખે તાક્યું.

‘તમને કોણે કહ્યું કે આપણે શહીદની બુદ્ધિ પર આધારીત છીએ...?’, વોલીસે ખુબ જ શાંત અવાજે જવાબ આપ્યો.

‘શું…? તે આપણો જ માણસ છે, તો પછી તેના પર જ આધાર રાખવો પડે ને...’, મેડોવ વોલીસની પાસેની ખુરશી પર આવીને બેઠો.

‘હા... તારી વાત સાચી છે... પરંતુ શહીદ તો એક પ્યાદું છે... રાજાને મારવા માટે આપણે વજીરનો ઉપયોગ કરવાના છીએ...’, વોલીસે મેડોવના ખભા પર હાથ મૂક્યો, ‘આ વખતે આપણી સાથે મરાઠા અને નિઝામનું સૈન્ય પણ છે, એટલે કે આપણે ટીપુની સેનાની સરખામણીએ ત્રણ ગણા છીએ.’

‘રાજ્ય મેળવીને આપણે શું કરીશું...? આપણે તો વેપારી છીએ ને....’

‘હા... આપણે યુદ્ધ રાજ્ય માટે નથી કરવાના... આપણને જોઇએ છીએ ટીપુનો મહામુલ્યવાન ખજાનો... જેના લીધે બ્રિટીશ સરકાર આર્થીક ર્દષ્ટિએ મજબૂત બની જશે.’, વોલીસે સંપૂર્ણ યોજના મેડોવને કહી.

‘તો પછી આ રાજ્ય કોણ સંભાળશે...?’

‘આપણે રાજા શબ્દનો જ નાશ કરી નાંખીશું. દરેક રાજ્ય જીતીશું અને ત્યાં નીમીશું એક દીવાન..., જે સંપૂર્ણ રીતે આપણી સત્તાની હેઠળ કામ કરશે.’, વોલીસે વેપારનીતિને રાજનીતિમાં ફેરવી સમજાવી.

‘વજીર કોણ છે?’

‘અમુક પ્રશ્નોના ઉત્તર નથી હોતા?’, વોલીસ તંબૂમાંથી નીકળી ગયો.

*****

૪ મે, ૧૭૯૯, ચોથું આંગ્લ-મૈસુર યુદ્ધ

‘તમે ગઢમાં જતા રહો...’, ટીપુના સલાહકારે યુદ્ધમેદાનમાં ટીપુને સલાહ આપી.

ટીપુ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ જામેલું. ટીપુને ખાતરી હતી કે તેના શુભચિંતકો ઝમાન ખાન અને ફ્રેંચ સૈન્ય તેની સાથે જ રહેશે. પરંતુ આ સમયે અંગ્રેજો જાણી ચૂકેલા ટીપુના મદદગારોને. આથી તેમણે બીજી તરફ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, જેના કારણે ઝમાન ખાને અધવચ્ચેથી જ વતન પરત ફરવું પડ્યું. સાથે સાથે ફ્રેંચ સૈન્યના માર્ગને રોકી લીધો, જેના લીધે તેઓ પણ ટીપુ સુધી પહોંચી શક્યા નહી. છતાં પણ ટીપુએ આવિષ્કાર કરેલ રોકેટના લીધે પ્રથમ પ્રહર તો ટીપુ તરફ જ રહ્યો. દ્વ્રિત્તિય પ્રહરમાં ટીપુનું સૈન્યબળ નબળું પડવા લાગ્યું. આથી જ તેમની સાથે યુદ્ધમાં લડી રહેલા, તેમના સલાહકારે તેમને ગઢમાં સુરક્ષિત રીતે પરત ફરવા માટે જણાવ્યું.

‘ના, મિત્ર, મૃત્યુ તો યુદ્ધ મેદાનમાં જ આવવું જોઇએ.’, ટીપુએ તેની પસંદીદા તલવાર ઘુમાવી અને અંગ્રેજ સૈન્યના બે સૈનિકોને એક જ વારથી મોતને ઘાટ ઉતારી દીધા.

‘મહારાજ, તમે જીવિત રહેશો, તો આગળ પણ આપણે યુદ્ધ કરી સંધિના રાજ્યો છોડાવી શકીશું. હાલની પરીસ્થિતી મુજબ આપણી તરફ નબળી પડી રહી છે. જે અનુસંધાને તમારૂ અહીંથી નીકળી જવું જ હિતાવહ છે.’, સલાહકારે પણ તલવાર ઘુમાવી અને લડવાનું ચાલુ રાખ્યું.

‘પરંતુ...’

‘પરંતુ… નહી...મહારાજ, તમે ગઢમાં જતા રહો....’

ટીપુ પણ પરીસ્થિતી પામી ગયો. સલાહકારની વાતને સમર્થન આપી તેણે ગઢ તરફ ઘોડો દોડાવ્યો. તીવ્ર ગતિથી ગઢ તરફ પ્રયાણ કરતા, માર્ગમાં આવતા પ્રત્યેક અંગ્રેજ સૈનિક સમા રોડાને ધારદાર ચમકતી તલવારથી તોડતો ગયો.

પળવારમાં તે ગઢના દ્વાર પાસે પહોંચી ગયો. દ્વાર અંદરની તરફથી બંધ હતા અને દ્વાર પરના મિનારા પર ટીપુનો વ્યક્તિ ઊભો હતો. ટીપુએ તેને દ્વાર ઉઘાડવા માટે ઇશારો કર્યો. પરંતુ તે વ્યક્તિએ દ્વાર ન ઉઘાડ્યું. ટીપુ બંધ દ્વાર પર હાથ પછાડવા લાગ્યો.

‘ટીપુ... સીલી ફેલો... રાજ્યના શાસન સાથે રાજનીતિ પણ જરૂરી છે.’, અવાજ અંગ્રેજ અધિકારીનો હતો.

ટીપુએ પાછું ફરીને જોયું, ‘આને રાજનીતિ ન કહેવાય... વેપાર કહેવાય...’

‘અમે તો છીએ જ વેપારી, અને હવે અમને રાજ કરવાનું ભૂત વળગ્યું છે.’, અંગ્રેજ અધિકારીએ તેની બંદૂકનું નાળચું ટીપુ તરફ કર્યું.

‘હું જાણું છું કે તમારી નજર મૈસુર પણ કેમ છે?’

‘કેમ છે?’, અધિકારી રોકાયો.

‘કેમ કે, બ્રિટીશ સરકારને રાજ કરવામાં નહી પણ મૈસુર પાસે જે ધનદોલત છે, તેમાં વધુ રસ છે.’, ટીપુ મલકાયો.

‘હા, એ તો છે જ, પણ તમારી મૃત્યુ બાદ અહીં અમારૂ જ તો રાજ હશે. પછી તમારી સંપત્તિ પણ અમારી.’, અધિકારીએ આંગળી ટ્રીગર પર થોડી દબાવી.

ટીપુ હસવા લાગ્યો, ‘મારી મૃત્યુ બાદ તમને આ ગઢ કે મારા સમર પેલેસમાંથી કશું જ નહી મળે… તમારી બધી મહેનત પાણીમાં જશે... અને ...હા તમારો મિત્ર અને મારા રાજ્યનો ગદ્દાર.. જે પણ છે તેને પણ કંઇ નહિ મળે.’

અધિકારીની આંખોમાં લોહી વહેવા લાગ્યું. ગુસ્સાથી ચહેરો લાલ થઇ ગયો. તેણે ટ્રીગર દબાવી દીધું...એક, બે, ત્રણ... ગોળી ટીપુની છાતીમાં દાબી દીધી.

ટીપુ ત્યાં જ ઢળી પડ્યો.

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED