Kaniyo and mango books and stories free download online pdf in Gujarati

કાનીયો અને કેરી!

શીર્ષક વાંચીને આમ તો તમારા મનમાં ઘણા વિચિત્ર વિચારો પેદા થયા હોઈ શકે. પણ હમણાં મારા જેવી એ વિચિત્ર પેદાશોને બાજુએ રાખો અને આગળ વધો! આમ તો બધાના જીવનમાં શુકન-અપશુકન વસ્તુઓ બન્યા કરે છે અને મોટાભાગના લોકો આવી બધી વાતમાં વિશ્વાસ કરે જ છે. અને જે છાતી ઠોકીને કહે છે કે અમે આવા વિચારોમાં નથી માનતા એવા ય ઘણી વાર જાણ્યે-અજાણ્યે આનો ભોગ બને જ છે. અને આવા જ કોઈ વિચારોનો ભોગ બન્યો હોય એવો ઉત્તમ નમૂનો એટલે આપણો આ કાનીયો(હવે તો પરિચયની જરૂર નહિ ને!).

જ્યારથી યુટ્યુબ વર્સીસ ટીક-ટોકનો ઝઘડો શરૂ થયો છે ત્યારથી કાનીયાને ય ચેન નથી. ના ભાઈ ના કાનીયાને આ બધાં સાથે કાંઈ લેવા દેવા નથી કે એ કંઈ યુટ્યુબ જોવા ય નવરો નથી. પણ ન્યુઝ ચેનલ અને પેલા વ્હોટસેપમાં આવતાં મીમ્સમાં એક નામ ફર્યા કરે જેનાથી કાનીયાને ચેન નથી. એણે તો એ માણસને જોયો ય નહિ હોય. પણ એના નામે કાનીયાને જીવનમાં ધમાલ અરે કહોને! એવી કેટલીય યાદગાર વાતો કરાવી છે અને એટલે જ એને એ નામ સાથે આવી વિચિત્ર ફિલીંગ્સ આવે છે. કેમ? એવું કોણે કીધું કે બધી ફિલીંગ્સ નારી જાતિમાં જ હોય? અલ્યા પુરુષોને આ તો સમાજે દબાવી દીધો છે બાકી..... જો મારી પેન( નારી જાતિ) ના લીધે અટકી ગઇ માંડ માંડ મનાવી! કંઈ નહિ આ વિષય પર પછી ક્યારેક! અત્યારે ચાલો આગળ વધીએ.

હવે એ નામ એટલે કેરી! હા કાનીયાને બસ આ નામ તો છોડો એને લાગતી વળગતી વસ્તુ સાથે ય ગજબની ચીડ છે! એવું નહિ કે ભાઈને રસ નહિ ભાવતો કે કેરી નહિ ભાવતી પણ એની સાથે વિતેલા એના દિવસો કંઇક મજાના(સજાના) છે. અને એટલે એ હાલમાં કાનીયાનુ મગજ ફાટી ગયું છે. અત્યારે જ્યા જુઓ ત્યાં બસ કેરી! કરી! ને કેરી! વ્હોટસેપની સ્ટોરીમાં ય શરૂઆતની દસ સ્ટોરી તો કેરી ની જ હોય! ક્યાક પેલો યુટ્યુબ્યો કેરી તો ક્યાંક વળી જાણે માંડ કેરી મળી હોય લોકડાઉનમાં તો કેરી સાથે સેલ્ફી! લ્યો કેરી ને ય સેલિબ્રિટીની ફિલીંગ્સ દેવડાવાની ને! કાનીયો કેરીનુ ચિત્ર જુએને ભાઈના ભડાકા શરૂ થાય ને બિચારા આજુબાજમાં જે પણ હોય એણે સહન કરવાનું થાય. જો આમાં વાત કોર્ટ કેસ સુધી પહોંચે તો સુપ્રીમ કોર્ટની ય તાકાત નહિ કે આમા કોઈનો ગુનો બતાવે! હવે થયુ છે જ એવુ તો.

આપણા કાનીયાને આમ તો કેરી બહુ ભાવે! લે કેમ?દુશ્મનને પ્રેમ ન કરાય? કરાય જ ને! પણ ભાઈના વિચિત્ર વિચારો અટકે નહિ. અને આવા અનેક વિચિત્ર વિચારોનું ફળદ્રુપ ખેતર એટલે કાનીયાનુ મગજ. આ ખેતરમાં સીઝન વગર પણ ખેતી થતી જ રે. અને આવો જ એક વિચાર કાનીયાને 12 વર્ષની વયે આવેલો કે ચોમાસે કેરી ખાવી છે. ત્યારે તો કાનીયો નાનો ને રે ય ગામડામાં. વળી પાછા બહુ રૂપિયા નહિ એટલે જો ઘરે રૂપિયા કે કેરી માંગે તો મળવાના જ નહિ. આજે પોતાની કમાણી હોવા છતાં ય કોઈ પૈસા નહિ આપતુ ઘરેથી! તો કાનીયો બિચારો ત્યારે તો શું આશા કરે. પણ વિચારનો અમલ તો થવો જ જોઈએ! અને એ અમલના ભાગરૂપે કાનીયાએ તો ટોળકી ભેગી કરી! અને યોજનાઓ ઘડી કાઢી.આ ટોળકી એક એક ના કપડાં ઉતારે એવી! આ અડવિત્રી પેદાશોને તો વિચાર માત્રથી જ શૂરાતન ચડેલું. આખો દિવસ બેસીને ટોળકીનું નામ, ટોળકીમા દરેકનો હોદ્દો, ટોળકી ગીત, ટોળકીના મિશનો અને કેરી મિશન પછીના કામો પણ નક્કી થઇ ગયા! દુનિયાનું કોઈ મેનેજમેન્ટ આટલુ ઝડપી કામ નહિ કરતું હોય. પાછી આખી ટોળકી વિશ્વાસુ અને મહેનતુ. અને કામ પણ એટલી નિષ્ઠાથી જ કરે એટલે ચોમાસે કેરી મળશે ખરી!

હવે આવા ચોમાસે કેરી ખાવાનો પ્લાન આવો કંઈક હતો. કે ગામની સૌથી મોટી ફળની દુકાન(ચોમાસે કેરી મળે ય ક્યાં!) વાળાને ઉલ્લુ બનાવીને ઈજ્જત ભેર કેરી લઈ આવવાનો! હવે આવા અઘરા કામમાં માહિતી ભેગી કરવાનો ભાગ ભોળા ભિખુ ભાખરીને માથે નંખાયો. પછી વેશપલટો અને એને લાગતાં-વળગતાં તમામ કામો છોટુ દલાલને અને અનેઆખા કામની ઉપર નજર રાખી બધુ બરાબર થાય એ જોવાનુ કામ આપડા કાનીયાનુ. આ આખી ટોળકી તો પૂરજોશમાં કે કાલરાત સુધીમાં તો આપડે કેરી સાથે મોજ કરતાં હશું.અને એટલે જ ત્રણમાંથી એકેયે સવારના જમવામા ય ધાંધિયાં જ કર્યા.

સાંજે પાંચ વાગતાં તો કલાકારોની ટોળકી હાજર. ભિખુ ભાખરી આજે ભૂત બનવાનો! હા ભૂત! અને આ ભૂત જશે પેલા રાજુ ફળવાળાને ત્યાં અને ડરાવશે. હવે રાજુ હનુમાનજીનો ભક્ત એટલે આવે ટાણે યાદ તો કરવાનો જ અને આ વખતે હનુમાનજી આવશે ય ખરા! આ પેલા છોટીયા ના રૂપમાં અને ભૂત ડરીને જતું રહેશે ને ખુશ થયેલો ભક્ત કેરી ધરાવશે જેના માટે તો આ નાટક હતું. પાછો છોટીયો આમ હનુમાનજીથી કમ નહિ. કામે ય એવા જ! ગમે એને પાડી આવે! ભારે શરીર એટલે જાણે સાક્ષાત્ હનુમાનજી જ. અને બાકી રહેલી કસર તો મેક-અપ પૂરી કરી નાંખશે. અને આ કાનીયો એ તો સાહેબ કહેવાય આજનો એટલે આ ટોળકીનો મેનેજર બધી નજર રાખશે જોશે અને છેલ્લે આનંદથી ટોળકી જોડે આ ચોમાસેય કેરી ખાશે!

થોડીવારમાં કલાકારોની મેક-અપ વિધી પૂરી કરાઈ. છોટુ દલાલમાં તો અત્યારથી જ હનુમાનજી પ્રગટ્યા. ગદા લઇને મંડ્યો આ બે ની ધોલાઈ કરવા કે જો પેલો રાજ્યો કેરીની ના પાડશે તો આમ ધોલાઈ કરીને લઈ આવીશ! એમા બિચારા ભિખુ ભાખરીને પગ પર જરા જોરથી વાગી ગ્યું. બિચારો લંગડાઈ ગ્યો. આજે એ પોતે પાછો ભૂખ્યા ભૂત જેવો લાગતો તો! જાણે બહુ દિવસના ઉપવાસ કરીને ભૂત આવ્યુ ના હોય! હવે લંગડુ ભૂત ભૂખ્યા ભૂતમાં ફેરવાયું! અને આ બધામાં મેનેજરનો મગજ ગ્યો અલ્યા છોટીયા અને ગદા ખેંચીને સીધી છોટીયાના ઢેકલા પર! અને પછી નર્યા નાટકો! હવે એ ગદાને આ જ ટાઈમે ધોતીયા જોડે પ્રેમ થઈ ગ્યો! અને એતો ભરાઈ ગઈ ધોતિયામાં! અને આમ પણ ગુસ્સામાં કોઈને ક્યાં કાંઈ ભાન રે! ખેંચી એણે તો ગદા (એને થોડી ગદાના પ્રેમનું ભાન હોય!) અને જેમ ક્રુષ્ણના જન્મ વખતે યમુના બે કાંઠે વહેતી હોવા છતાં તરત રસ્તો કરી આપે એમ છોટીયાના લહેરાતા ધોતીયાએ કાનીયાના ગુસ્સાના જન્મ સાથે સીધો ઊભો રસ્તો કરી આપ્યો અને સડડ ફાટ! ધોતિયાની સિલાઈ ગઈ. માંડ છેલ્લું બચ્યુ તુ છોટીયા પાસે! હવે વારો કાનીયાનો હતો. ભલે ધોતિયું ફાટ્યું તુ પણ અંદરનો કલાકાર જીવતો હતો. અને હવે હનુમાનજીને કાનીયામાં રાવણ દેખાયો! આઈ રહ્યુ કાનીયાનુ જે ધોયો છે કાંઈ! અને એ દિવસે બિચારા કાનીયાને એના કપડાંની દયા આવી કે મમ્મી આને આમ જ ધોતી હશે ને!

ખૂણામાં પડેલા ભૂતને તો ક્યારનીય કળ વળેલી પણ મફતના શો એમ કાંઈ થોડી જવા દેવાય! બાકી હતું ત્યાં વરસાદ આયો! અને ભાખરી ભૂત હવે મૂડમાં આયો! એ તો નાચવા માંડ્યું વરસાદ જોઈને આને શૂરાતન ચડતું હવે કેરી માય ગઈ આ નાચશે જ્યા સુધી વરસાદ ચાલશે! અને આ બાજુ હનુમાનજીનો મેક-અપ જેમાં ખાસ તો મોઢા પર લગાડેલું કંકુ પોતાની ભયાવહતા દેખાડવા માંડ્યું. ને છોટીયો હનુમાનજી માંથી કાળકા માં બની ગયો! હવે છોટીયાનુ કેરેક્ટર મેક-અપ પ્રમાણે બદલાયું પણ રાક્ષસ તો કાનીયો જ બન્યો અને હજી ધોવાતો હતો. આ આખીય બબાલ ચાલતી હતી મેનેજરના ધાબે. કારણકે એમના ઘરની સીડીથી સીધાં બહાર નીકળાતુ એટલે મિશન સરળતાથી થઈ શકે! હવે તો ભાખરી ભૂત નાચે છે! કાળકા માં બની(કેરેક્ટર બદલાઈ ગ્યું! ) હજી વધારે ખીજાયાં છે! અને મેનેજર બિચારો માતાજીનો પ્રકોપ સહન કરે છે.

આ બધામાં સાચા માતાજી ઉપર આવ્યા અરે સૂકવેલા કપડાં લેવા તે વળી એમના કાનાની લીલા ય દેખાઈ! આખી ટોળકીમા માત્ર એ મેનેજરને જ ઓળખી શક્યા! હજી ભૂત નાચે છે! અને માતાજી(છોટીયો!) હવે ધીરો પડ્યો ને જગ્યાનું ભાન આવ્યું. મૂળ મુદ્દો તો ગયો અને પછી કેરીની જગ્યાએ જે મેથીપાક મળ્યો છે! એના કારણે એ તો આજ દિન સુધી મેનેજર કેરીથી ગભરાય છે! પછીના બે ટંક કેરી તો શું ખાવાનું ય નહોતું મળ્યુ અને અઠવાડિયું વગર લોકડાઉને લોકડાઉન ભોગવવું પડ્યું તું! ક્યાંથી ખાય બિચારો કેરી હવે! કેરી જોતા જ કાળકા માં, હનુમાનજી અને ભૂત નજર સામે આવી જાય છે!

આવું એ કંઇક બીજીવાર પણ થયેલું અચાનક ઘરેથી એકવાર ફોન આવ્યો હોમ મિનિસ્ટરનો ઓર્ડર કે આજે કેરી લેતા આવજો અને બિચારો કાનીયો કેરી લેવા ગયો. આમ તો બાળપણની અમુક ઘટનાઓ પછી હજી સુધી એણે ક્યારેય કેરી સાથે ચેડાં કર્યા નથી! હા કદાચ કેરી એ એની જોડે કર્યા હશે! પણ કાનીયાએ ક્યારેય બદલાની ભાવના નહિ રાખી!

હવે કેરી લેવા ગયેલા કાનીયાએ સારી કેરી જોઈને એ જમાનામાં ય 300 રૂ. ખર્ચેલા. અને ખરીદીને ભાઈએ લ્યુના ચાલુ કરી. (આપણા જેવા યુવાનોને સમજાવી દવ કે આપણું યો બાઈક જેવું જ આવતું આ સાધન પેટ્રોલ ના હોય તો પેંડલ મારીને ય ચાલે! અને ચાલુ પણ એવી જરીતે થતું. પણ લ્યુના વાળાને ખબર ના હોય ને કે આપણી પબ્લિક આમાંય આખો પરિવાર લઇ ને જશે! ગમે તે થાય પરિવાર ભાવના ન જવી જોઈએ!) હવે એમાં ક્યાંય કેરી મૂકવાની જગ્યા નહિ તે માંડ માંડ ઘણાં બાળકોએ ત્યાં બેસવાની(હુ પોતે એમાનો જ એક!) ત્યાં કેરીની પેટી મૂકી.


કાનીયો તો બકરીચાલે ઘરે આવવા નીકળ્યો. હરખાતો મનમા બબડ્યો કે હાશ આજે ઘરની ડાકણ તો ખૂશ!પણ નસીબ સાથ ના આપે ને! અચાનક રસ્તામાં એક ખિસકોલી વચ્ચે આવી ને આણે બ્રેક મારી. કાંઈ નહિ ખાલી બોક્સ નીચે પડ્યું કેરીનું. રસ્તે થોડી અવર-જવર ઓછી છે એટલે લઇ લેવાશે! પણ હજી બકરી(લ્યુના) લેવા જાય ત્યાં તો એક વાંદરો આવી ગ્યો બોક્સ પર અને નકલ તો રગમા જ હોય ક્યાંક જોઈ આયો હશે તે બોક્સ ખોલી કાઢ્યું અને વળી પાછો જાણે કંઈક ઝબકારો થયો ને વાંદરાને કેરીમાં દડો દેખાયો! કે ચાલુ કરી આખી ટોળીએ કેચમ-કેચ. અને કહેવાતા પૂર્વજોની આ લીલાને બિચારો કાનીયો માણી રહ્યો. ટી. વી. પર મેચ પણ ન જોતો બિચારો કાનીયો આજે આ લોકોની દડાફેંક અરે સોરી! કેરીફેંક જોઈ રહ્યો. અને પૂર્વજો તો જોતજોતામાં આખું બોક્સ ખાલી કરી ગયા. આ લીલા પત્યા પછી કાનીયો પાછો જેમ માણસ ફૂટેલા બોમ્બ નજીક ડરતાં ડરતાં જાય એમ નજીક ગયો. બોક્સમાં એક કેરી મલક મલક હસતી તી! હવે તો કાનીયાને ય મન થ્યું ને એણે ય એ વધેલી કેરીથી પોતે ય દડાફેંક અરે કેરીફેંક રમી લીધી! એ પણ પૂર્વજો સાથે! અને ચૂપચાપ બકરી લઈ ઘરે આવતો રહ્યો.

અને પછીનું વર્ણન પેલા મેથીપાક જેવું જ! ખાલી આ વખતે લોકડાઉની નહોતું મળ્યું બાકી બે ટંકના ઉપવાસ તો ત્યારે ય થયા તા જ! અને એટલે જ ભાઈ કેરીના નામથી આજે ય ભડકે છે!

************************************************************************************************************************

બીજા રસપ્રદ વિકલ્પો