Tale of lockdown books and stories free download online pdf in Gujarati

લોકડાઉનની લોકવાયકા

મિત્રો અત્રે તમારુ સ્વાગત છે. આવા શુદ્ધ ગુજરાતીમાં કરેલા સ્વાગતમાં ખાસ કોઇને રસ રહ્યો નથી. તો ય મે કર્યુ. લોકડાઉનના આ ચોથા તબક્કામાં ત્રાસી ગયેલાઓ માટે અને હવે જે થોડુ ઘણુ ટેન્શન લ્યો છો એને બાજુએ મૂકી મોજ કરવાનો આ નવો અખતરો! લ્યો ત્યારે બસ મોજ કરો!

લોકડાઉનમાં ય વાતોના પડીકા આવે ખરા. હા હવે કદાચ આ વ્હોટ્સેપ્યા જમાનામાં તમને મોબાઇલમાં પણ ખરા-ખોટા સમાચાર અને કથાઓ મળી રે. પણ આજે ચાલો એ બધાથી કાંઇક નોખી જ કથા જણાવુ.

નામ એમનુ કાનાભાઈ પણ ગુજરાતીમા તો હવે બધાય જાણે કે અસલી નામમાથી લોકલાડીલુ નામ કેમ બને. અને આમનુ લોકલાડીલુ નામ એટલે કાનીયો(કાણીયો નહિ! ) હવે મારાથી તો ઉંમરમાં મોટા એટલે કાનાભાઈ એમ કેવુ પડે. પણ એમા મજા નહિ આવે. એટલે હુ ય કાનીયો જ કહીશ ચાલોને! આ કાનીયો થોડો તોફાની બાળપણથી જ તે હજી ય એવા જ તોફાન કરે! લગભગ પચાસે પહોંચવા આયો છે પણ ભાઈના તોફાન ઘટ્યા નથી. પેલા તો આજુબાજુ વાળી માસીઓ આવતી રાવ લઈને, હવે ભાભીઓ આવે છે! પણ કાનીયાને કોઈની ય પડી નથી એ તો બસ જલસા કરે ને ઘર સાચવીને બેઠો છે!

હવે લોકડાઉનની જાહેરાત થતા જ કાનીયાને પરસેવા છૂટયા. કેમ છૂટયા એ તો બધાને ખબર છે કે ભાઈને મસાલાની ટેવ અને વળી પગ વાળીને ક્યાય બેસે નહી. આ તો ભરાણો. અને અધુરામાંપૂરુ ઘરમા આના જેવા બીજા ચાર પ્રાણીઓ. એક કાનીયાની પત્ની, બે એના જેવા અડવિત્રા (એટલે કોઇને ય શંકા નઇ કે બાળકો બીજાના છે!) છોકરા અને એક કાનીયાની મા.

લોકડાઉનમા બિચારો ભરાણો એટલે ઘરમાં આંટા માર્યા કરે. થોડીવારે ડબ્બા ફંફોસે થોડીવારે ટી. વી. જુએ પણ ભાઈનુ મન ક્યાંય ચોંટે નહિ. તો હળી કરે અડવિત્રા બાળકોની પણ હવે એ ય સમજી ગયો કે સાપણ અને એના બાળકોને છંછેડવામાં મજા નથી! બાકી ધોબીના કૂતરા જેવી દશા આ કાનીયા સાપની થાશે. નહિ બહાર જવાય કે નહિ ઘરમાં બેસાય.

અઠવાડિયુ માંડ માંડ ગ્યુ ત્યાં બધી બાજુથી થાકેલા કાનીયા ને કાંઈક નવુ સૂઝ્યુ. કુદરત ને સમજવાનુ. હવે જેને કુદરત બોલવામા ય જીભ થોથવાય એ મજાકમા કહોને સમય પસાર કરવા એને સમજવા નીકળ્યો. પણ આ રહ્યો અડવિત્રો. ભાઈએ ડિસ્કવરી મા મેન vs વાઈલ્ડ જોયુ તુ એના સિવાય એને કાંઇ ખબર નઇ. અને કાનીયાએ કુદરત ને સમજવાના ભાગ રુપે ગરોળી પકડવાનુ નક્કી કર્યું. એની પાછળ બે જ ઉદ્દેશ એક તો ગરોળી ને કાચની ડબ્બીમાં મૂકીને નજીકથી જોવી અને બીજુ કુદરતને સમજવી. નિર્ણય લેવાઈ ગ્યો હવે પીછેહઠ થાય નહી. નહિ તો રાજાની શાખ નું શુ? આને કોણ સમજાવે કે ભાઈ નો પડાય આવી વાતુમાં. અને એટલે જ કવ છુ આવા તો ગલ્લે જ શોભે. ભલે ને પછી ગલ્લે માવા ઘસતા ઘસતા બે-ચાર સરકાર ઉથલાવી નાંખે! પણ આવા પ્રાણીઓને આમ રેઢા તો નો મુકાય!

કાનીયો તો મનમા યુદ્ધ કરવાનો નિર્ણય લઈ બેઠો છે. સૌ પ્રથમ તો યુદ્ધ ની સાધન-સામગ્રી ભેગી કરવા ભાઈએ લિસ્ટ બનાવ્યુ. કાચની ડબ્બી, રૂમાલ, સાવરણી અને ગરોળીને લાલચ આપવા ચોખાના દાણા! હીહીહી! આવુ તો કાનીયાનુ લિસ્ટ. પણ આજે કુદરતને સમજ્યે છૂટકો.આવા લોકો એકવાર કુદરત બોલી લે તો ય કુદરત રાજી થઈ જાય. પણ હવે યુદ્ધ ની ઘોષણા થઈ ચૂકી તી. અને ઉત્સાહી સેનાપતિ એ ડગ માંડ્યા રસોડા ભણી. આમા એની પત્ની ક્યાંય સામેલ નઈ. અને લિસ્ટ મા ય રાજા ને સમજાવાનુ ક્યાંય હતુ નહિ. રાજાને મનાવવા એ એક મોટો પડાવ હતો.

પણ યુદ્ધમાં તો અણધાર્યા પડકારો આવે. એનાથી કાંઈ ડરે એ સાચો યોદ્ધા ન કહેવાય. કાનીયા એ જેમ તેમ કરીને હિંમત ભેગી કરીને કાચની બરણી માગી. અને સેનાપતિ ની વાત પૂરી કર્યા પેલા જ વળતા પ્રહારો ઝીંકાયા. સો વાતની એક વાત તમને એકે ય કાચનુ વાસણ નહિ મળે. એકપણ કાચનું વાસણ અડક્યા છો તો જોઈ લેજો.બધા મારા આણામાં લાવી છું તમારા બા એ તો કોઈ દી કાંઈ દીધું નથી. આ તો વાત બા સુધી પહોંચી. અને એક મોટો રાજા નાના રાજાએ કરેલુ અપમાન ચલાવી જ ન લે! હવે બા વચ્ચે પડ્યા. કુદરત કુદરત ને ઠેકાણે રહી ને આંયા જોવા જેવી જામી. હા તે કાચનુ તો ન જ અપાય ને! સાત તોલા સોનુ આપ્યુ તે ય ઓછુ પડ્યું?. હવે કાનીયાને પોતાના હાથમાંથી વાત છટકતી લાગી. બે રાજાઓની વચ્ચે પિસાતો સેનાપતિ કાનીયો પોતાનુ યુદ્ધ મેલી આ યુદ્ધ નિહાળી રહ્યો. હા તે આપ્યું હશે. પણ ઘરમાંય થોડા વાસણ વસાવવા તા ને તો શુ કે મારે જોખમ ના રેત. વળતી જાને તો મારો જીવ કાચના વાસણમાં જ હતો. લ્યો બોલો વર ને કન્યામા ને જાનને જમવામાં રસ હોવાનું સાંભળ્યુ તુ પણ વહુ ને કાચના વાસણમાં રસ હોવાનુ પહેલીવાર સાંભળ્યું!

છેલ્લે માંડ માંડ કાનીયાએ પ્લાસ્ટીકની ડબ્બીથી પતાવટ કરીને યુદ્ધનું મેદાન સાફ કર્યુ. ત્યાં વળી વાત સાવરણી પર આવી. નવી ન લેતા ત્યાં ખૂણામાં જૂનુ ઠૂંઠિયું પડ્યું છે એ લેજો. નહિ તો ખબર નહિ નવી સાવરણી સાથે શું ય કરશો! બિચારી સાવરણીને ય આટલો ભય નહિ હોય કે કોણ એની સાથે શું કરશે. પણ ન મામા કરતા કાણો મામો શુ ખોટો એમ વિચારી ઉપાડી કાનીયાએ એ જૂની સાવરણી. અને પછીની વસ્તુઓ એમ જ છાનીમાની લઈ લીધી! પણ મજા હવે હતી દુશ્મન ક્યાં?

જ્યારે ગરોળી જોઈને કુદરત સમજવાનો વિચાર જાગ્યો જે ભલે વિચિત્ર હતો પણ અત્યારે ગરોળી નામનો દુશ્મન ક્યાં? દબાતે પગલે બધે તપાસ કરી એમા વળી બા ના રૂમમાં કંકુની ડબ્બીને લાત વાગી ગઈ. હવે આમા બિચારો સેનાપતિ અણધારી મુસીબતો વચ્ચે ઘેરાતો ગ્યો. પણ મળી ગ્યો દુશ્મન! ચુપચાપ બસ પકડી લવ. હવે અહી સેનાપતિને એના થયેલા નુકસાનની ખબર નથી અને અજાણ્યા દુશ્મન ને એ ઊભી કરવા જઈ રહેલી મુસીબતની ખબર નથી.

ગરોળી એ તો દોટ મૂકી એમ કાંઈ થોડી હાથમા આવે? હવે કાનીયો સતર્ક થયો દુશ્મને એની છાવણીમાંથી ભાગવાની કોશિશ કરી અને એટલે એનો અહમ ઘવાયો. બેવડી તાકાતથી સાવરણીથી પ્રહાર કર્યો પણ બસ પડી રહેલી ધૂળ સિવાય કાંઈ હાથ લાગ્યુ નહિ.અને ઢળાયેલા કંકુમાં આ કાનીયાનો પગ પડ્યો. અને કંકુવાળા પગે જ ઘરમા પેલા દુશ્મનને પકડવા દોડ્યો.

ગરોળી તો નાઠી બેડરૂમમાં ને ચડી સીધી છત ઉપર આજે તો પકડવો જ રહ્યો દુશ્મનને મનમાં બબડતો બેડ પર ચડ્યો ઓહ તારી! થોડો પનો ટૂંકો પડ્યો. સાઈડમાં પડેલા ટેબલ પર પગ મુક્યો ને હે આવ્યો દુશ્મન ને ત્યાં તો ઓઇ મા ધડામ! અને આખા ઘરના ખૂણે-ખાંચરે રહેલા પ્રાણીઓ દોડી આવ્યા.. સેનાપતિ ઘવાયો ને નવુ યુદ્ધ ચાલુ થયુ. દાંપત્ય યુદ્ધ!

આવતા વેંત જ રમીલા (કાનીયાની પત્ની) ચિલ્લાઈ ના પાડી તી તમને કાંઈ નવા અખતરાની આ બા ની ભૂલ મારે જ ભોગવવી રહી. બિચારો કાનીયો આવી હાલતમાં ય પૂછી બેઠો એ મા બા ની શું ભૂલ? એ જ જપનો પૈસો મૂકવાનુ ભૂલી ગ્યા તા ને! ના ના કરો હજી તમતમારે હું કાંઈ લોકડાઉનમા તમારી ચાકરી કરવાની નથી. એક તો આ બે ને અને છોકરાવ બાજુ જોઈને ઓછા હતા તે તમે બાળક બન્યા. હજી એનુ ધ્યાન બેડ ની ચાદર પર નહોતુ પડ્યુ જેવુ પડ્યુ ત્યા તો એ પેલુ ગરોળી ને ડામવાનુ શસ્ત્ર ઠૂંઠિયુ રમીલાએ પણ ત્યાં બા આવી ચડ્યા. બા ની નજર સીધી એમના રૂમમાંથી આવતા કંકુના પગલા પર પડી અને કાનીયાને જોઈને ખમ્મા માડી ખમ્મા કરવા માંડ્યા. તું આજ આવી એમ ને! મને હતુ જ કે તુ મારા વ્રત એમનેમ નો જાવ દ્યે. હવે કાનીયાની કમાન છટકી એક તો કમરમા દુખાવો ને ઉપરથી આ બધા નાટકો! જોરથી ચીસ નાંખી ને બીજી જ સેકન્ડે આખી હકીકત પોપટની જેમ બોલી ગ્યો.


તે હજી લોકડાઉનને આટલા દહાડા થ્યા. ચાદર ઈ જ છે કંકુના પગલા વાળી(નવી તો મહેમાન આયે જ નીકળે) અને કાનીયો બિચારો માંડ માંડ ચાલતો થયો છે. કમર તૂટી પણ પોલીસથી નહિ પોતાના અખતરાને લીધે. તો ય મોજ કરે છે. હા હજી હાજતે જવામા તકલીફ પડે એટલે ખાય છે ઓછુ. પણ જલસામા છે અને પેલી ગરોળી હજી છત પર આવી કાનીયાને દર્શન આપી જાય છે ને કરેલી ધમાલ યાદ કરાવી જાય છે.!.

************************************************************************************************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED