યોગ-વિયોગ - 14 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 14

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૧૪

વૈભવીએ ફરી નંબર જોડ્યો અને ૧૦૧૧ માગ્યો.

‘‘ફોન એન્ગેજ છે મેડમ...’’

‘‘એન્ગેજ? રાત્રે બાર ને દસે?’’ વૈભવીને ફાળ પડી.

એને સૌથી પહેલો વહેમ જાનકી ઉપર પડ્યો.

હજી આજે સાંજે જ એને જાનકીએ પૂછ્‌યું હતું... ‘‘પપ્પાજી તો નહોતા ને ?’’

એણે એ વખતે તો હસીને ટાળી દીધું હતું પણ જો સૂર્યકાંત મહેતા પાછા આવે તો પોતાની સ્થિતિ કફોડી થશે.

આવા સમયે એણે પોતાને બચાવવાનો પ્રયાસ કરવો પડે. એને બદલે એ જો સામેથી સૂર્યકાંતને શોધીને, વસુમાની સામે ઊભા કરી દેતો...

તો?!!!

તો?!!!

વૈભવીનું ચિત્ત ચકડોળે ચઢ્‌યું હતું. એણે મહેનત કરીને સૂર્યકાંતનો પત્તો તો કાઢ્યો, પણ તાજનો ૧૦૧૧ સ્વીટનો ફોન બીજે લાગેલો હતો.

‘‘આ સમયે કોણ હોઈ શકે?’’ એ વિચાર વૈભવીને પરેશાન કરવા લાગ્યો.

એ ધીમેથી ઊઠી. એ જાનકીના રૂમ તરફ ગઈ. ધીમેથી એણે રૂમનો દરવાજો ધકેલ્યો.

હૃદયને પડખામાં લઈ જાનકી ઘસઘસાટ ઊંઘતી હતી...

એટલે આ જાનકી તો નહોતી.

તો પછી? કોણ હોઈ શકે? પચીસ વર્ષ પહેલાં દેશ- અને મુંબઈ શહેર છોડીને ચાલી ગયેલા સૂર્યકાંત મહેતાને આ શહેરમાં એવો બીજો કયો સંબંધ હતો જે રાત્રે બાર ને દસે પણ જાગતો હતો?!

નીરવે ઘડિયાળમાં જોયું.

સવા બાર.

લક્ષ્મીને જાણે આજે જ નીરવની સાત પેઢીનો ઇતિહાસ જાણી લેવો હતો.

એના ગમા-અણગમા, શોખ...

લક્ષ્મી પ્રશ્નો પૂછ્‌યે જ જતી હતી ને નીરવ જવાબ આપ્યે જ જતો હતો. બંને જાણે એકબીજાને વર્ષોથી ઓળખતાં હોય એમ-

એકબીજા સાથે લગભગ અંગત વાતો પર ઊતરી આવ્યાં હતાં.

નીરવનું બાળપણ પણ અમેરિકામાં એની મા રિયા પાસે વીત્યું હતું એ વાત નીકળતાં જ નીરવનાં જાણે બે-ચાર પડ ઊઘડી ગયાં. એણે પોતાની અંગત લાગણીઓ લક્ષ્મી સાથે એવી રીતે વહેંચવા માંડી જાણે લક્ષ્મી એની બાળપણની સખી હોય...

આમ નીરવ જલદી ખૂલે એવો માણસ નહોતો. મા રિયાને છોડીને આવ્યા પછી વિષ્ણુપ્રસાદ પાસે રહી રહીને તો નીરવે જાણે પોતાના બધા જ બારી-દરવાજા બંધ કરી દીધા હતા. હસતાં-જોક મારતા માણસનો મુખવટો પહેરીને જીવતો નીરવ ધીરે ધીરે ભૂલવા લાગ્યો હતો કે એ મૂળ કોણ હતો ! એની ઝંખનાઓ શું હતી ! એનાં સપનાં શું હતાં ! એ પોતે જ ભૂલી ગયો હતો કે એની અંદર કશુંક ભીનું, કશુંક ધબકતું પણ હતું ક્યારેક !

ઘરમાં બાપ-દીકરો ભાગ્યે જ સાથે જમતા. સામસામે બેસીને વાત કરવાના પ્રસંગો ભાગ્યે જ બનતા. આમ તો વિષ્ણુપ્રસાદને દીકરાના સંવેદનો સમજવાનો સમય જ નહોતો. સંવેદનો નામની ‘‘ચીજ’’ વિષ્ણુપ્રસાદ માટે સમય બગાડવા જેવી વસ્તુ જ નહોતી... નીરવ સમય સાથે એવું શીખી ગયો હતો કે કોઈનેય પોતાની વાત ના કહેવી.

પણ આજે -

લક્ષ્મીએ જાણે એક હળવો ધક્કો મારીને નીરવના મનના દરવાજા ખોલી નાખ્યા હતા. કેટલા સમય પછી બહારની તાજી, ખુલ્લી હવા નીરવના મનના પ્રદેશમાં દાખલ થઈ હતી.

જે નીરવ ભાગ્યે જ પોતાના વિશે બોલતો, એ નીરવ આજે અચાનક જ લક્ષ્મીને પોતાના અંગત જીવનની બધી જ માહિતી બિનશરતી આપવા તૈયાર થઈ ગયો હતો.

દસમે વર્ષે નીરવને એની ઇચ્છા વિરુદ્ધ ભારત લાવવામાં આવ્યો હતો અને પિતા સાથે રહેવાની સહેજ પણ ઇચ્છા ના હોવા છતાં કોઈ કારણ વગર છેલ્લાં બે દાયકાથી એ અહીં, મુંબઈમાં રહેતો હતો. એક દિવસ પણ એવો નહોતો જ્યારે એણે એની મા રિયાને મિસ ના કરી હોય. શરૂઆતમાં સ્કૂલમાં વાપરવા મળતા પોકેટમની માને ફોન કરવામાં જ વપરાઈ જતાં...

અલય એની સ્કૂલમાં, એના ક્લાસમાં ભણતો ! અલય પાસે પણ પૈસા કાયમ તંગી જ રહેતી. બીજા મિત્રો જ્યારે કેન્ટીનમાં જઈને સમોસાં, વડાં પાઉં, ચોકલેટ કે મિસળ ખાતાં ત્યારે આ બે જણા સાવ નજીક આવેલા ઘરે જઈને વસુમાએ તળી રાખેલી કાતરી કે બનાવી રાખેલા બટાકાપૌંઆ ઝાપટતા ! અલયને હંમેશાં વસુમાના ચહેરામાં રિયાનો ચહેરો દેખાતો...

વસુમા પણ સમજતાં કે નીરવને માની ખોટ સાલે છે. ક્યારેક નીરવને ખોળામાં બેસાડીને વહાલ કરતાં તો ક્યારેક એને હોમવર્કમાં મદદ કરતાં... એટલી નાની ઉંમરે પણ નીરવ આને ઉપકાર સમજતો અને જ્યારે જ્યારે અમેરિકા જતો ત્યારે ત્યારે ઘરના બધા માટે ઢગલાબંધ વસ્તુઓ લઈ આવતો. નીરવને નાનપણથી જ વહાલની સામે વસ્તુ આપી દેવાનું શીખવાડાયું હતું. જોકે સમય સાથે એણે પોતાની જાતને ઘણી બદલી હતી, પરંતુ વસુમા માટેનું સન્માન કહો, વહાલ કહો કે આકર્ષણ કહો, એમાં કોઈ ફેર પડ્યો નહોતો.

વેકેશનમાં વર્ષે- બે વર્ષે એ માને મળવા અમેરિકા જતો ખરો, ને દરેક વખતે નક્કી કરીને જતો કે, ‘‘ પાછો નહીં આવું.’’

વિષ્ણુપ્રસાદ શરૂઆતમાં ફોન ન કરતા. પછી અઠવાડિયે, બબ્બે દિવસે, રોજ અને પછી દિવસમાં બે ફોન કરવા લાગતા. કામના બહાને, કે બીજી કોઈ પણ વાત કરવા માટે ! પણ ક્યારેય એવું ના કહેતા કે પાછો આવ. ઇગોઇસ્ટ પિતાની એકલતાને ઓળખીને નીરવ મુંબઈ પાછો આવી જ પહોંચતો !

રિયા નીરવને કહેતી, ‘‘ન જા ! એ માણસને એક વાર તો પીગળવા દે. એને કહેવા દે કે એ તને યાદ કરે છે, તને મિસ કરે છે.’’

પણ નીરવ હંમેશાં હસીને એક જ જવાબ આપતો, ‘‘મોમ, આપણે બંને જાણીએ છીએ કે એ પથ્થર છે. પછી એને પીગળાવવાની જીદ શું કામ કરવાની? એ આવા જ છે અને એટલે જ તેં તો એમને છોડી દીધા છે. હવે જો હું પણ એમને છોડી દઉં તો આ પથ્થર કેટલાનાં માથાં ફોડશે એ ખબર છે ?’’

મા-દીકરો હસતાં.

ને નીરવ મુંબઈ પાછો આવવા નીકળતો ત્યારે રિયાની આંખો છલકાવા લાગતી.

‘‘તું ક્યારેય મારી સાથે નહીં રહે ?’’

‘‘રહીશને ! તું મુંબઈ ચાલ...’’

‘‘ના, મને નફરત છે એ શહેરથી. એ શહેરનો વિચાર કરું તો પણ ત્યાં ગાળેલાં દુઃખ અને તકલીફના દિવસોની કડવાશનો સ્વાદ આવે છે મને...’’

‘‘મોમ !’’

‘‘નીરવ !’’

અને બંને જણાં ભેટીને છૂટાં પડી જતાં...

અત્યારે પણ, નીરવ જ્યારે લક્ષ્મીને રિયા વિશે કહી રહ્યો હતો ત્યારે એનું ગળું ભરાઈ આવ્યું હતું. સામે છેડે એની વાત ચૂપચાપ સાંભળી રહેલી લક્ષ્મીની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

બંને જણા થોડી વાર સાવ ચૂપ રહ્યાં. બંને છેડે જાણે લાગણીઓનો ભાર લાગવા માંડ્યો. બંને જણા જાણે પોતપોતાના ભૂતકાળના અતલ ઊંડાણમાં ડૂબકી મારી આવ્યાં. બે માણસો જ્યારે નિકટ આવે છે ત્યારે, પીડાદાયક બાળપણ એક પુલ બની જતું હશે?! એવો પુલ જે બંનેને એકબીજાની વધુ ને વધુ નજીક લઈ આવે !

સ્મૃતિમાં સચવાયેલાં આંસુથી વધુ ખારું અને વધુ ઊનું કદાચ બીજું કંઈ નથી, કદાચ ! મૌનનો ભાર જાણે બંનેને કચડવા લાગ્યો ત્યારે લક્ષ્મીએ આખરે ચૂપકિદી તોડી, ‘‘મેં તો મારી મોમને જોઈ જ નથી. હું એક મહિનાની હતી, એ ગુજરી ગઈ ત્યારે.’’

‘‘ઓહ ! તારી મોમ એટલે સૂર્યકાંત મહેતાની બીજી પત્ની...’’ નીરવથી બોલ્યા વિના ના રહેવાયું.

‘‘હા !’’ લક્ષ્મીએ થૂંક ગળે ઉતાર્યું, ‘‘પણ મારી મોમને કદાચ ખબર નહીં હોય વસુ આન્ટી વિશે...’’

‘‘હા, વસુમાને પણ તારી મોમ વિશે ખબર નહીં હોય. તને ખબર છે- પહેલી પત્ની જીવતી હોય અને બીજાં લગ્ન કરો તો એ કાયદેસર ગુનો બને છે ?’’

‘‘મને ખબર છે. પણ તમારે એમને પૂછવું જોઈએ કે તમે આવું કેમ કર્યું...’’

‘‘મારે ? મારે શા માટે પૂછવું જોઈએ ?’’

‘‘કારણ કે તમે જ આખી પરિસ્થિતિને ત્રીજા માણસ તરીકે જોઈ શકશો. વસુ આન્ટી કે ઘરના બીજાં...’’

નીરવની આંખ સામે અલયનો ચહેરો તરવરી ઊઠ્યો, ‘‘ઘરનાં બીજાં... લક્ષ્મી, સૌને એમની સામે ફરિયાદ છે, પીડા છે, દુઃખ છે.’’

‘‘હોય જ. હું ક્યાં ના પાડું છું ? પણ વીતેલા સમયની કડવાશને યાદ કરીને આવનારો સમય શા માટે બગાડવો ?’’ લક્ષ્મીએ એકદમ સંયત, સમજદાર અવાજમાં દલીલ કરી, ‘‘નીરવ, જીવન માત્ર ભૂતકાળના બેગેજિસ નથી કે નથી ભવિષ્યની ચિંતાના ઢગલા... લાઇફ ઈઝ ધીસ વેરી મોમેન્ટ ! જીવન વર્તમાન છે અને વર્તમાન એ છે કે મારા ડેડી છેક અમેરિકાથી તારાં વસુમાના બોલાવવાથી અહીં આવ્યા છે. ’’

‘‘ભલેને આવ્યા.’’

‘‘અને, એ વસુ આન્ટીને મળ્યા વિના પાછા અમેરિકા ન જાય એ હું જોઈશ...’’

‘‘વેરી ગુડ ! આમ તો એ જ શ્રેય છે.’’

‘‘શું છે ?’’ અમેરિકન છોકરીને શ્રેય સમજાયું નહીં કદાચ.

‘‘શ્રેય છે - બેટર છે - કરેક્ટ છે.’’ નીરવે કહ્યું અને હસી પડ્યો... એક તોળાઈ રહેલી દલીલ વિખરાઈ ગઈ. બંને જણા બીજી વાતે ચડી ગયાં. ફોન એન્ગેજ જ રહ્યો...

વૈભવીએ ઘડિયાળ જોઈ. સાડા ચાર...

એ પથારીમાંથી ઊભી થઈ. બાલ્કનીમાં આવીને ઊભી રહી. એ લગભગ આખી રાત સૂતી નહોતી. એનું મગજ જાતજાતના દાવપેચ કરતું રહ્યું. આખી રાત ચેસ રમીને થાકેલી વૈભવી ગેલેરીમાં ઊભી રહીને વિચારવા લાગી... ‘‘અભયને ફોન કરીને જો કહી દઉં કે એના પિતા આવી ગયા છે તો આજે સવારે થનારી શ્રાદ્ધની ક્રિયા અટકી જાય. હરિદ્વાર ગયેલું આખુંયે ટોળું લીલાં તોરણે પાછું ફરે ! અભયની નજરમાં મારું મહત્ત્વ વધી જાય અને વસુમાની નજરમાં મારી ઇમેજ ચોખ્ખી થઈ જાય. સૂર્યકાંત મહેતા ગદગદ થઈ જાય અને આજે જે કંઈ કમાયા છે એ બધું કદાચ...’’ વૈભવીના ચહેરા પર સ્મિત આવી ગયું. એને પોતાની જાત પર જ ગર્વ થઈ ગયો. ‘‘શું વિચારે છે ! વેબ્ઝ, યુ આર જિનિયસ...’’

એણે પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને અભયને નંબર લગાડ્યો. માથા પર ઓશિકું દાબીને ઘસઘસાટ ઊંઘતા અભયના ફોનના રિંગ વાગી. અભયે પ્રિયાનો ફોન હશે એમ માનીને જોયા વિના જ ફોન કાપી નાખ્યો.

વૈભવી ચિડાઈ. એણે ફરી ફોન લગાડ્યો. અભયે તંદ્રામાં ફરી ફોન કાપી નાખ્યો.

વૈભવીએ ત્રીજી વાર ફોન લગાડ્યો. અભયે ફોન ડિસકનેક્ટ કર્યો એટલું જ નહીં, સ્વીચઓફ પણ કરી નાખ્યો...

વૈભવીની અકળામણ હદ વટાવી ગઈ. એક તો અભયે એનો ફોન કાપ્યો... એનો ! વૈભવીનો !!

અને બીજું, કે જો આ સમાચાર સમયસર ના પહોંચે અને શ્રાદ્ધ થઈ જાય તો બાજી પોતાના હાથમાંથી સરકી જાય. એ પછી વસુમાને એ જણાવે કે ન જણાવે બહુ મોટો ફેર ન પડે... આ વાત વૈભવી બરાબર સમજતી હતી. એને તકનો લાભ લેવો હતો, પણ અભય એની પહોંચની બહાર હતો. એણે થોડી વાર વિચાર કરીને અલયનો નંબર જોડ્યો...

ઘસઘસાટ ઊંઘતા અલયે ઊંઘમાં જ ફોન ઉપાડ્યો, ‘‘બોલ મારી જાન... રાત્રે સપનામાં આવીને સૂવા નથી દેતી અને સવાર પડે એ પહેલાં ઊંઘ ઉડાડી મૂકે છે... હુકમ કરો.’’

‘‘વૈભવી બોલું છું.’’

‘‘હલ્લો... હલ્લો... હલ્લો... હલ્લો...’’ ફોન કપાઈ ગયો હતો. વૈભવીનો અવાજ સાંભળતાની સાથે જ અલયની ઊંઘ ઊડી ગઈ. એનું મગજ ફટાફટ ગણતરી કરવા લાગ્યું. ગઈ કાલ રાતના નીરવના ફોન સાથે એણે દાખલાનો તાળો મેળવી લીધો. એ સમજી ગયો અથવા એણે ધારી લીધું કે વૈભવીનો ફોન એના પર શું કામ આવ્યો?

હવે આખી બાજી ધીમે ધીમે ખૂલી રહી હતી.

‘‘સૂર્યકાંત મહેતા કદાચ ઘરે ગયા હોય, વૈભવીને મળ્યા હોય અને વૈભવી... બાકી અભયનો ફોન છોડીને આ મહામાયા મને શું કામ ફોન કરે? પરંતુ એ જાણે છે કે સૌથી પહેલાં સૂર્યકાંત મહેતાના સમાચાર જો મને આપે તો જ આગ બરાબર લાગે... પણ વૈભવી મહેતા, તમારી ભૂલ થાય છે. મારું નામ અલય મહેતા છે. અલય વસુંધરા મહેતા... હું તમારાથી બે ચાલ આગળ વિચારી શકું છું. ગુડબાય મિસિસ મહેતા...’’ અને અલયે પણ ફોન સ્વીચઓફ કરી નાખ્યો !

વૈભવીએ ફરી ફોન જોડ્યો, ‘‘તમે જે નંબરનો સંપર્ક સાધવા માગો છો તે હાલમાં તમારો કોલ લઈ શકતા નથી, આભાર...’’

‘‘ઉફ ! આ ભાઈઓને થઈ શું ગયું છે ?’’ વૈભવીની અકળામણ હદ વટાવી ગઈ. એ બાથરૂમમાં ગઈ. મોઢામાં બ્રશ નાખીને શાવર ચાલુ કર્યો. ઠંડા પાણીએ જ નાહીને રોબ પહેરીને બહાર નીકળી.

કબાટમાંથી સિલ્કની સાડી કાઢી. તૈયાર થઈ અને નીચે ઊતરી...

ડોક્ટર પારેખના ક્લિનિકમાં સવારે સાડા દસે પણ ખાસ્સી ભીડ હતી. બેસવાની જગ્યા પણ કરી લેવી પડે એમ ખીચોખીચ પ્રેગનન્ટ સ્ત્રીઓ બેઠી હતી ! અમુકનાં પેટ જોઈને પ્રેગનન્સીનો ખ્યાલ આવી જતો હતો, જ્યારે અમુક સ્ત્રીઓના ચહેરા પરની ખુશી અને એમના પતિઓની એમના પરત્વેની કાળજી એમની પ્રેગનન્સી જાહેર કરી દેતી હતી...

પ્રિયાએ ચારે તરફ નજર દોડાવી. એક ખૂણામાં અંજલિ અને રાજેશ બેઠાં હતાં. અંજલિનો ચહેરો રાજેશ તરફ હતો. રાજેશ એનો એક હાથ પોતાના હાથમાં લઈ પંપાળી રહ્યો હતો અને કંઈક કહી રહ્યો હતો. અંજલિ ચહેરા પર હળવા સ્મિત સાથે સાંભળી રહી હતી. પ્રિયા એમને જોઈને પાછી વળતી જ હતી કે પોતાના વાળ સરખા કરવા ગયેલી અંજલિની નજર પ્રિયા પર પડી...

‘‘અરે પ્રિયા !’’

અંજલિએ કહ્યું અને ઊઠીને એની પાસે આવી.

પ્રિયા ગભરાઈ ગઈ. એના ચહેરા પર પકડાઈ ગયાના ભાવ સ્પષ્ટ થઈ ગયા.

‘‘અહીં શું કરે છે ?’’

‘‘અ...બ...પ... થોડો ગાયનેક પ્રોબ્લેમ છે, પણ બહુ ભીડ છે, હું પછી આવીશ...’’ પ્રિયા અંજલિનો હાથ છોડાવીને જવા લાગી, પણ અંજલિએ હાથ પકડી રાખ્યો.

‘‘તને ખબર છે પ્રિયા, હું પ્રેગનન્ટ છું ? ટુ મન્થ્સ કમ્પ્લીટ, થર્ડ રનિંગ... ’’

‘‘ક...ક... કોન્ગ્રેચ્યુલેશન...’’ પ્રિયાએ ફરી હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો. એ જ વખતે સામેથી ડો.પારેખની આસિસ્ટન્ટ બહાર નીકળી.

‘‘હાય પ્રિયા !’’

‘‘અ... હાય !’’

‘‘યુ આર પ્રેગનન્ટ ! કોન્ગ્રેચ્યુલેશન્સ... તારો રિપોર્ટ કલેક્ટ કરી લેજે અંદરથી... તૈયાર જ છે !’’ અને એ બાજુનો દરવાજો ધકેલીને અંદર જતી રહી.

પ્રિયા અને અંજલિ એકબીજાની સામે જોઈ રહ્યાં. કોઈ સવાલ-જવાબની જગ્યા બાકી નહોતી બચી. પ્રિયા નજર બચાવીને ઊભી હતી અને અંજલિના હાથમાં પકડાયેલો એનો હાથ થરથર ધ્રૂજી રહ્યો હતો. બીજા કોઈ સવાલ-જવાબ થાય એ પહેલાં પ્રિયાએ ઝટકાથી અંજલિનો હાથ છોડાવ્યો અને ક્લિનિકની બહાર નીકળી ગઈ. અંજલિ હજી ત્યાં જ ઊભી હતી. ચૂપચાપ ! સ્તબ્ધ !

હજી દોઢ મહિના પહેલાં તો ડાયમંડના એક વેપારીના દીકરાનાં લગ્નમાં બધાં પ્રિયા માટે મૂરતિયો શોધતા હતા...

અભય સાથે લગ્નમાં આવેલી પ્રિયાને જોઈને ડાયમંડના એક બીજા વેપારીની પત્નીએ કમેન્ટ પણ કરેલી... ‘‘છોકરીઓ કમાતી થઈ જાય એટલે લગનની ઉતાવળ ના રહે !’’ ને બહુ અર્થપૂર્ણ રીતે પ્રિયાને પૂછેલું, ‘‘છોકરા જુએ છે કે નહીં તારાં મા-બાપ ?’’

ત્યારે રાજેશે કહેલું, ‘‘પ્રિયા માટે છોકરાની ક્યાં કમી છે ? એક વાર હા પાડે તો લાઈન લગાડી દઉં મૂરતિયાઓની... ઘરમાં પત્ની ને ઓફિસમાં સેક્રેટરી... આવી ટુ ઈન વન ક્યાં મળે ?’’ બધાં હસી પડેલાં. પ્રિયા નહીં !

ને ત્યારે અભયે કહેલું, ‘‘હુંય કહું છું, હવે પરણી જા... પણ આ ક્યાં સાંભળે છે ?’’ ને ત્યારે પ્રિયાએ અભય સામે કેવી ધારદાર નજરે જોયેલું એ અંજલિને યાદ આવી ગયું...

‘‘એ પરણેલી તો નથી જ ! તો પછી...’’ અંજલિનું મન વિચારે ચડી ગયું. એ ત્યાં જ ઊભી હતી. રાજેશે પાછળથી આવીને એના ખભે હાથ મૂક્યો.

‘‘બેબી, અહીં શું કરે છે ? ચાલ, ડોક્ટર ઇઝ કોલિંગ અસ...’’ અંજલિ અન્યમનસ્ક જેવી એની જોડે ઘસડાઈ...

બહાર નીકળીને પ્રિયાએ અભયનો નંબર ડાયલ કર્યો. અભયનો ફોન સ્વીચઓફ હતો ! પ્રિયા ઝનૂનથી નંબર ડાયલ કરતી જતી હતી અને દરેક વખતે સ્વીચઓફનો સંદેશો સાંભળીને એની અકળામણ એક ડિગ્રી વધતી જતી હતી...

સવારના સાડા દસ થયા હતા. ત્રણેય ભાઈઓ નાહી-ધોઈને ડાકબંગલાના પેસેજમાં ઊભા હતા. વસુમાની રાહ જોવાતી હતી. વસુમાએ નાહી લીધું હતું, પણ એ ઠાકોરજીની પૂજા કરતાં હતાં. શ્રાદ્ધ પહેલાં કંઈ ખાવું નહીં એવું બ્રાહ્મણે ગઈ કાલે જ કહી દીધું હતું, એટલે બ્રેકફાસ્ટનો સવાલ નહોતો.

ત્રણેયનાં મન જુદી દિશામાં હતાં. ત્રણેય સાવ જુદું જ વિચારતા કશુંયે બોલ્યા વિના ઊભા હતા. લગભગ આઠ-દસ મિનિટથી સાથે ઊભેલા આ ત્રણ સગા ભાઈઓ એકબીજા સાથે એક શબ્દયે બોલ્યા નહોતા ! અલયના મનમાં કોઈ પણ રીતે આ શ્રાદ્ધ કઈ રીતે પૂરું થઈ જાય એની રમત ગોઠવાતી હતી. એણે નીરવને કહ્યું હતું એટલે એ સાડા બાર પહેલાં ફોન નહીં જ કરે એવી અલયને ખાતરી હતી. તેમ છતાં કદાચ નીરવનો વસુમા પ્રત્યેનો પ્રેમ જાગી ઊઠે, પોતાના બાળપણના દિવસો એને યાદ આવી જાય અને એનો આત્મા એને મજબૂર કરી નાખે તો નીરવ પણ પોતાની જાતને રોકી ના શકે એવું બને. એમ માનીને અલયે સ્વીચ ઓફ કરેલો ફોન ચાલુ કર્યો જ નહોતો. આમ તો એના મનમાં ક્યારની ચટપટી હતી- શ્રેયા સાથે વાત કરવાની...

શ્રેયાનો અલાર્મની ઘંટડી જેવો અવાજ ના સાંભળે ત્યાં સુધી અલયની સવાર ભાગ્યે જ પડતી. પરંતુ આજે શ્રેયાના ફોનની રાહ જોયા વિના એણે ફોન બંધ જ રાખ્યો હતો. એને ખાતરી હતી કે એક વાર પ્રયત્ન કરીને જો ફોન નહીં લાગે તો શ્રેયા અકળાયા વિના એના ફોનની રાહ જોશે... અથવા એક, બે અથવા દસ-બાર મેસેજિસ કરશે ! મિટિંગમાં કે બીજી કોઈ પણ જગ્યાએ અલય બિઝી હોય, ફોન ના ઉપાડે, અથવા એનો ફોન બંધ મળે ત્યારે શ્રેયા સુંદર મેસેજિસ કરતી. કવિતાઓ કે સેન્સ ઓફ હ્યુમરવાળા એવા અદભુત મેસેજિસની અલયને જાણે તરસ રહેતી. ઘણી વાર તો માત્ર શ્રેયાના સારા મેસેજ આવે એટલા માટે પણ એ ફોન બંધ કરી દેતો ! પછી ફોન ચાલુ કરતા પહેલાં વિચારતો, ધારતો કે શ્રેયાએ શું લખ્યું હશે ! એણે ખિસ્સામાંથી ફોન કાઢી અને એક વાર જોયો. પછી ફોન ચાલુ કર્યો. બંધ ફોન ચાલુ થતાં જ સ્ક્રીન ઉપર સ્ક્રીનસેવરમાં એને શ્રેયાનો ચહેરો દેખાયો. સ્ક્રીન ઉપરની શ્રેયા ખડખડાટ હસી પડી. એણે ચહેરા પર આવી ગયેલા વાળ ખસેડ્યા અને અલયે એ ચહેરા પર હાથ ફેરવી લીધો... પહેલો મેસેજ, બીજો, ત્રીજો, ચોથો... અલય બધા તો વાંચી શકે એમ નહોતો, પણ એણે પહેલાં બે મેસેજ વાચવાની તરસ છીપાવી લીધી... ‘‘કેમ ડાર્લિંગ, તરફડવાની મજા લે છે ? બંધ ફોને પણ મેં શું લખ્યું હશે એ વિચારતો હતો ને? પણ આ વખતે મેં કંઈ નથી લખ્યું...’’ અલયના ચહેરા પર એક સ્મિત આવી ગયું. લખીને પણ કંઈ નથી લખ્યું કહેતી આ છોકરીની એના માટેની ઘેલછા અલયને પોતાને ક્યારેક પીગળાવી દેતી ! એણે બીજો મેસેજ ઓન કર્યો :

બૂંદ બૂંદ તુમ બહતે હો, મેં પીઘલતી કતરા કતરા

જાને કૈસા યૈ રશ્તિા હૈ બનતા જાતા કતરા કતરા

મેરા જિસ્મ મોમ હો ચલા હૈ આંચ તુમ્હારે હાથોં મેં

રોઆં રોઆં જલને લગતા, સાસ સુલગતી કતરા કતરા

હોઠોં પર એક પ્યાસ ઊગી હૈ રંગ છલકતે આંખોં મેં

તુમ જૈસે અહેસાસ કી બારિશ મેં ભીગતી કતરા કતરા

જાને કૈસે ઇતની સદિયાં તુમ બિન મેરી સાસ ચલી

તુમકો જાના, તો જાના હૈ જીના મૈને કતરા કતરા

અલયના મનમાં એક તોફાની વિચાર આવી ગયો. આ ઠક્કર લોહાણાના ઘરમાં આવી કવિતા લખતી છોકરી ક્યાંથી જન્મી ? સતત અને સખત રીતે પ્રેમમાં જ રહેવા માગતી આ છોકરી અલયની આગળ કે અલય વગર કશું વિચારી જ શકતી નહોતી...

અલયના ચહેરા પર સ્મિત જોઈને અભય સમજી ગયો કે એ શ્રેયાનો મેસેજ વાંચે છે. એને પણ પ્રિયા યાદ આવી ગઈ.

અભય જાણતો હતો કે પ્રિયા એને બહુ પ્રેમ કરતી હતી. પ્રિયાની જિંદગીમાં એક દારૂડિયા પિતા સિવાય બીજું કોઈ નહોતું.સ્કોલરશિપ પર ભણેલી પ્રિયા પહેલી વાર અભયની ઓફિસમાં નોકરી માટે આવી ત્યારથી જ અભયને પ્રિયા માટે સહાનુભૂતિ થઈ હતી. એ સહાનુભૂતિ ધીમે ધીમે ક્યારે પ્રેમ બની ગઈ એની અભયને જ ખબર ના પડી ! જૂહુ- વિલે પાર્લાની હોટેલ હોરાઈઝનથી ઈસ્કોન તરફ જતી ક્રિશ્ચિયન વસ્તીની નાનકડી ગલીમાં એક રૂમ-રસોડાના મકાનમાં પ્રિયા અને એનો બાપ રહેતાં હતાં. એ પછી અભયે પ્રિયાને જૂહુ ગલીમાં એક ફ્લેટ અપાવી દીધો હતો. અભયે સમજીને એ ફ્લેટ પ્રિયાના નામે ખરીદ્યો હતો... અને ‘‘શ્રીજી વિલા’’થી બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં એવી જગ્યાએ ખરીદ્યો હતો !

અઠવાડિયામાં બે રાત, ક્યારેક તક મળે તો ત્રણ-ચાર રાત અભય પ્રિયાના ફ્લેટ પર ગાળતો... પ્રિયા એક પત્ની કરે તે બધું જ કરતી. અભય માટે ગરમ ગરમ રોટલી ઉતારવી, એના માથામાં તેલ નાખી આપવું... અભય કલાકો પ્રિયાના ખોળામાં સૂઈને એની સાથે વાતો કર્યા કરતો ! એમની વચ્ચે શરીરનો સંબંધ નકારી શકાય એમ નહોતું, પણ પ્રિયા અભયને એ આપતી જેને માટે અભય પોતાના લગ્નનાં આટલાં વર્ષોમાં તરસતો રહ્યો ! પ્રિયા અભય માટે શાંતિ, સુકુન અને નિરાંતની પળો હતી... જે અભય માટે આટલાં વર્ષો એક તદ્દન દુર્લભ, એક તદ્દન સ્વપ્નવત બાબત બની ગઈ હતી...

પ્રિયાનો વિચાર આવતાં જ અભયના તન-મનમાં જાણે એક ઠંડક થઈ ગઈ... ગંગાના પ્રવાહમાં પગ બોળ્યાની અનુભૂતિ જેવી શાંત અને ઠંડી અનુભૂતિ એના આખા શરીરમાં વ્યાપી ગઈ...ગઈ કાલે રાત્રે એણે પ્રિયા સાથે બહુ સારી રીતે વાત નહોતી કરી. થોડો અફસોસ પણ થયો, એને ફોન ચાલુ કરવાનું મન થયું પણ પછી વિચાર આવ્યો કે ફોન ચાલુ કરે અને પ્રિયાનો ફોન આવે તો બધાની હાજરીને કારણે ફરી ગઈ કાલ જેવું જ થશે. એટલે એણે નક્કી કર્યું કે શ્રાદ્ધ પૂરું થયા પછી જ એને ફોન કરશે અને પ્રિયાને મનાવી લેશે...

સામેથી વસુમા આવતાં દેખાયાં. મરુન કલરની ખાદીસિલ્કની સાડી, જેમાં ઓફ વ્હાઇટ કલરનાં નાનાં નાનાં ફૂલો ચીતરેલાં હતાં. મોટો વેલબૂટ્ટાનો પાલવ હતો અને બંધ ગળાનો કોણી સુધી બાંયવાળો ઓફ વ્હાઇટ કલરનો બ્લાઉઝ... કપાળમાં એ જ મોટો ચાંદલો, ગળામાં મંગળસૂત્ર... અને બે હાથના ખોબામાં સમાય એવો ગરદન પર ઝૂકી આવેલો અંબોડો...

‘‘મા આજે પણ કેટલી સુંદર લાગે છે નહીં ?’’ અજયથી બોલ્યા વિના ના રહેવાયું. અભય અને અલયે એકબીજાની સામે જોયું. વગર બોલ્યે પણ જાણે બંને વચ્ચે બધી જ વાતચીત થઈ ગઈ.

‘‘આજે પૂજામાં જરા વધારે વાર લાગી ગઈ નહીં ?’’ વસુમાએ કહ્યું અને જવાબની રાહ જોયા વિના જ રિસેપ્શનની બહાર પોર્ચમાં ઊભેલી ગાડી તરફ ચાલવા માંડ્યું. વસુમાની પાછળ પાછળ ત્રણે ભાઈઓ દોરાયા. ચારેય જણા બહાર ઊભેલી ઇન્ડિકા ટેક્સીમાં બેસીને હરકીપૌડી તરફ રવાના થયાં...

બધા પાસે પોતાના મોબાઈલ હોવાના કારણે ક્યાં ઉતરવાના છે અથવા ક્યાં બુકિંગ છે એ વિશે કોઈ પૂછપરછ ન કર્યાનો વૈભવીને અફસોસ થયો. આમ તો એ અભયની બધી જ પંચાત કરતી. બહારગામ મિટિંગ માટે કે કોન્ફરન્સ માટે જતા અભયને પણ હોટેલનું બુકિંગ, ફોનનંબર આપીને જવાની ટેવ હતી, પણ એમાં તો વસુમાનું કારણ વધુ અગત્યનું હતું. વસુમાએ સૌને ટેવ પાડી હતી. ઘરમાંથી કહ્યા વિના બહાર નહીં જવાની, ઘરના લોકોને પોતાના વિશે માહિતી આપવાની...

આ વખતે તો વસુમા જ સાથે હતાં એટલે અભયે વિગતો આપવાની ચિંતા નહોતી કરી અને વૈભવીએ પણ છૂટ્યાના હાશકારામાં અને ઓવરકોન્ફિડન્સમાં અભયને કશું પૂછ્‌યું જ નહોતું... હવે એ બરાબરની અકળાઈ હતી. અગિયાર વાગવા આવ્યા. અભયનો ફોન હજુ બંધ હતો ! એને સમજાતું નહોતું કે એ શું કરે તો આ લોકોનો સંપર્ક થાય. સવારે સાડા છ વાગ્યાની નાહી-ધોઈ સિલ્કની સાડી પહેરીને બેઠેલી વૈભવી તાજ પહોંચી જવું કે નહીં એનો નિર્ણય ચાર કલાકના મનોમંથન પછી પણ નહોતી કરી શકી.

જાનકીએ ઊઠીને વૈભવીને સાડી પહેરીને તૈયાર થઈ ગયેલી જોઈ! એણે બેભાન થવાની એક્ટિંગ કરીને વૈભવીને પૂછ્‌ુયું, ‘‘આજે સૂરજ ઊગ્યો છે કે નહીં ? તમે મારી પહેલાં ઊઠ્યાં, નાહી લીધું... સાડી પણ પહેરી લીધી... મારી ઊંઘ નથી ઊડી ? હું સપનું જોઈ રહી છું કે શું ?’’

વૈભવીએ ફિક્કું હસીને કહ્યું હતું, ‘‘આજે શ્રાદ્ધ છે ને ?! આપણે જઈ તો શક્યા નહીં, પણ ઘરમાં તો...’’

જાનકીને નવાઈ તોલાગી હતી અને એવું પણ સમજાયું હતું કે વૈભવી જે કહે છે તે સાચું નથી, પણ આગળ પૂછપરછ કરવાના બદલે એ કામે વળગી હતી. કામ કરતાં કરતાં એના કાન વૈભવીના ફોન પર લાગેલા રહ્યા. વૈભવી બે વાર તાજનો રૂમ નં. ૧૦૧૧ માગી ચૂકી હતી... ફોન કોઈ ઉપાડતું નથી એવો જવાબ સાંભળીને એણે ફોન પટક્યો હતો એ જાનકીની નજરથી છાનું નહોતું... વૈભવી જે ઉશ્કેરાટથી અને ચીડમાં ફોન જોડતી હતી, પટકતી હતી એ જાનકી સતત નોંધતી જતી હતી. એણે વૈભવીને બબડતી પણ સાંભળી... ‘‘જ્યારે જરૂર હોય ત્યારે જ મોબાઈલ બંધ કરી દે એનું નામ અભય મહેતા ! ફોન બંધ કરવાની શી જરૂર હતી ? સાયલન્ટ પર રાખે તો ખબર તો પડે કે કોઈ ટ્રાય કરે છે.’’

વૈભવીનો બબડાટ સતત ચાલુ હતો, ‘‘અલયે પણ ફોન બંધ કરી દીધો છે. કોણ જાણે એવું ત્યાં શ્રાદ્ધમાં શું દાટ્યું છે. કેટલા અગત્યના સમાચાર આપવાના છે, પણ સમજે તો ને...’’

જાનકીએ મનોમન તાજનો રૂમ નંબર અને વૈભવીની અકળામણનો તાળો મેળવવા માંડ્યો. ગઈ કાલે કોઈ આવીને ગયું એ વાત હજી એના મનમાંથી નીકળી નહોતી... સ્ત્રીસહજ સિક્સ્થ સેન્સ કામે લગાડીને કોલેજ જવાના બદલે જાનકી વિલેપાર્લેથી ચર્ચગેટ સ્ટેશન અને ચર્ચગેટથી ટેક્સી પકડીને તાજ પહોંચી...

તાજની લોબીમાં જઈને એ થોડી વાર આમતેમ જોતી રહી. પૂછવું કે નહીં, તપાસ કરવી કે નહીં એના વિચારમાં, ગડમથલમાં એણે થોડી મિનિટો કાઢી નાખી. પછી રિસેપ્શન પર જઈ પૂછ્‌યું, ‘‘રૂમ નં.૧૦૧૧માં કોણ છે ?’’

રિસેપ્શનિસ્ટે મધ જેવું સ્મિત કરીને કહ્યું, ‘‘મેમ, અમારા ગેસ્ટની ગોપનીયતા અને વિશ્વસનીયતા અમારી ફરજ છે. હું તમને વિગતો નહીં આપી શકું.’’

‘‘એક્ચ્યુલી હું રૂમનંબર ભૂલી ગઈ છું એટલે પૂછું છું. મારા એક ગેસ્ટ આવ્યા છે.’’

‘‘ક્યાંથી ?’’ ચાલાક રિસેપ્શનિસ્ટે પૂછ્‌યું.

‘‘અ...બ...’’ જાનકી ગૂંચવાઈ. પછી લાગ્યું તો તીર, નહીં તો તુક્કો કરીને એણે રિસેપ્શનિસ્ટની આંખમાં આંખ નાખીને ફેંકી, ‘‘ક્યાંથી... ધેટ્‌સ નોટ ઇમ્પોર્ટન્ટ... એમનું નામ સૂર્યકાંત મહેતા છે. એવા કોઈ ગેસ્ટ તમારે ત્યાં છે ?’’

જાનકીની સાડી, વાળેલો અંબોડો, ચાંદલો, પ્રોફેસર લૂક અને એનું જાજરમાન વ્યક્તિત્વ કામ કરી ગયું, કદાચ ! રિસેપ્શન પર ઊભેલી છોકરીએ કહ્યું, ‘‘એક મિનિટ...’’ એણે કમ્પ્યુટરમાં ચેક કર્યું અને કહ્યું, ‘‘યેસ મેડમ, યુ આર રાઇટ... તમે જે રૂમ નંબર કહ્યો હતો એ સૂર્યકાંત મહેતાનો જ છે. આઈ એમ સોરી ફોર ધ ઇનકન્વિનિયન્સ... પણ તમે જાણો છો કે અમારે...’’

‘‘નોટ એ પ્રોબ્લેમ...’’ જાનકીએ હસીને કહ્યું અને લિફ્ટ તરફ આગળ વધી ગઈ. જાનકીએ લિફ્ટનું બટન દબાવ્યું. લિફ્ટ આવતાં લાગેલી થોડીક ક્ષણો જાનકીનું હૃદય ધબકતું અટકી ગયું હતું. એણે ઘડિયાળમાં જોયું, ‘‘શ્રાદ્ધ...’’ હરિદ્વાર ફોન કરવો કે આ સાચા સૂર્યકાંત મહેતા છે એ ચેક કરવું... બેની વચ્ચે ઝોલા ખાતી જાનકી હજુ પહેલાં આઘાતમાંથી બહાર આવે એ પહેલાં લિફ્ટનો દરવાજો ખૂલ્યો !

લિફ્ટની અંદરની તરફ નીરવ અને એક અમેરિકન છોકરી ઊભાં હતાં... જાનકી એકીટશે નીરવ સામે જોતી રહી. નીરવના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. બંને એકબીજા સામે જોતાં રહ્યાં અને જાનકી લિફ્ટમાં દાખલ થાય એ પહેલાં ઓટોમેટિક ડોરક્લોઝરે પોતાનું કામ કરી લીધું...

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Hemant Sanghvi

Hemant Sanghvi 2 માસ પહેલા

Sweta Patel

Sweta Patel 3 માસ પહેલા

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 માસ પહેલા

Hetal Ghodasara

Hetal Ghodasara 5 માસ પહેલા

MUNESH SHAH

MUNESH SHAH 9 માસ પહેલા