રાઈટ એંગલ - 41 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 41

રાઈટ એંગલ

પ્રકરણ–૪૧

ત્રણવાર ડેટ પાછળ ઠેલ્યાં પછી હવે ફાઈનલી ડિસેમ્બરની દસ તારીખે નિતિનભાઈ કોર્ટમાં પોતાના અસીલ સાથે હાજર રહ્યાં. ફરિયાદીની જુબાની પતી ગઈ હતી, હવે આરોપીની જુબાની લેવાની હતી. આજનો દિવસ બેઉ પક્ષ માટે મહત્વનો હતો.

‘ઉદયભાઈ ફિરયાદીનો તમારા પર આરોપ છે કે તમે તમારા પપ્પા મહેન્દ્રભાઈ સાથે મળીને તમારી બહેન કશિશ નાણાવટીને મેડિકલમાં એડમિશન મળતું હોવા છતાં તમે એને સાથે જૂંઠું બોલીને એના પ્રવેશને અટકાવ્યો હતો, તે આરોપ તમને મંજૂર છે?‘

ઉદય સામેનું આરોપનામું કહેવામાં આવ્યું. ઉદય ટટ્ટાર થઈને કઠેડામાં ઊભો હતો,

‘ના..જી..મારી સામેના આરોપ તદ્દન ખોટા તેમજ મનઘડત છે.‘

‘એટલે તમે એમ કહેવા ઈચ્છો છો કે ફરિયાદીના નામનો મેડિકલમાં એડમિશન આપતો લેટર મળ્યો જ નથી?‘ નિતિન લાકડાવાલાએ જાણીજોઈને આ સવાલ પૂછયો,

‘જી સાહેબ...એવો કોઈ લેટર આવ્યો નથી. તે સમયના મેરિટ મુજબ મારી બહેનને એડમિશન મળે તેમ ન હતું.‘

કશિશને હતું કે ધ્યેય આ સામે ઓબ્જેક્શન લેશે, પણ એતો ચૂપચાપ બેઠો હતો. એની સાથે નજર મળી,

એના જવાબમાં ધ્યેયે માત્ર સ્માઈલ કર્યું,

‘ફિરયાદીએ કોર્ટ સામે આ કોલેજમાંથી મેળવેલો લેટર પુરાવા રુપે મૂકયો છે તે તો સાચી હકીકત બયાન કરે છે ને?‘ નિતિન લાકડાવાલાના એક એક સવાલ–જવાબ અતિ મહત્વના હતા. એમણે અને ઉદયે પાક્કું હોમવર્ક કર્યું છે તે દેખાય આવતું હતું.

‘વકિલ સાહેબ આવા પુરાવા કેમ ઊભા કરી શકાય તે સમજી શકાય તેવી વાત છે. તમે જાણો જ છો માણસ પૈસા ખરચીને જીવતાને મરેલાં સાબિત કરે તેવા સર્ટી મેળવી લે છે તો આ તો સાવ નાની વાત છે.‘ ઉદય તદ્દન સાહજિકતાથી જવાબ આપતો હતો.

‘એની ઓબ્જેકશન?‘ ધ્યેયને પૂછાયું તો એણે નનૈયો ભણી દીધો,

‘નો સર.‘ ધ્યેય એક પણ બાબતમાં ઓબ્જેક્શન નથી લેતો તેની બધાંને નવાઈ લાગતી હતી, નિતિન લાકડાવાલાએ પોતાની પૂછપરછ ફરી આગળ ઘપાવી,

‘ફરિયાદીએ તમારા પપ્પાનો સાઈન કરેલો લેટર પણ પુરાવા રુપે મૂક્યો છે જેમાં લખ્યું છે કે તમે રાજીખુશીથી આ મેડિકલ સીટ જતી કરો છો તે વાત તો સાચી છે ને?‘

‘સાહેબ જ્યારે મેડિકલમાં એડમશિન મળે એટલો સ્કોર હતો જ નહીં અને મારી બહેન કદી મેડિકલમાં જવા ઈચ્છતી જ નહી તો આ પુરાવો ક્યાંથી સાચો હોઈ શકે? બધી વાત તદ્દન વાહિયાત અને મનઘડત છે. મારી બહેન કશિશને મારા પપ્પાની મિલકતમાં ભાગ જોઈએ છે એટલાં માટે જ એ અમને બદનામ કરવા કેસ કર્યો છે. મારી બહેનનું હું શું કામ અહિત કરું? હું એને બહુ જ પ્રેમ કરું છુ. બસ એને ગલતફેહમી થઈ ગઈ છે કે એને અમે મેડિકલમાં જતાં અટકાવી છે. તો ય મને એના પ્રત્યે નફરત નથી..હું એને આજેપણ પહેલાં જેટલી જ કેર કરું છું. બસ પણ એનો કેસ ખોટો છે..અમે એની સાથે કોઈ અન્યાય કર્યો નથી.‘ ઉદયે જે રીતે કોર્ટમાં વાત રજૂ કરી તેથી તો એવું જ સાબિત થતું હતું કે એ બહુ કેરિંગ ભાઈ છે. આખી ય વાતને ઈમોશનલ ટચ આપીને એણે કેસને પોતાની ફેરવમાં કરવાની પૂરેપૂરો પ્રયત્ન કર્યો. કશિશ એની જુબાની સાંભળીને ઊંચીનીચી થતી હતી કારણ કે ઉદય જે પણ કોર્ટમાં કહેતો હતો તે હળાહળ જૂંઠ હતું. પણ ધ્યેય શાંતિથી બેઠો હતો એણે હજુ સુધી એક પણ ઓબ્જેક્શન લીધું ન હતું તેથી જ કશિશ વધુ અકળાતી હતી.

‘નામદાર...મારા અસીલના જણાવ્યા મુજબ આ આખો ય કેસ માત્રને માત્ર મારા અસીલને બદનામ કરવા માટે અને મિલકતમાં ભાગ પડાવવા માટે જ કરવામાં આવ્યો છે. મારી અદાલતને અરજ છે કે મારા અસીલ પરના આ આરોપને ખારીજ કરવામાં આવે અને એમને બા–ઈજ્જત બરી કરવામાં આવે.‘

આ સાથ નિતિન લાકડાવાલાની આરોપીની ઉલટતપાસ પૂરી થઈ.

‘યોર વીટનેસ પ્લિઝ..‘ એમણે ધ્યેય સામે જોઈને કહ્યું.

ધ્યેય શાંતિથી ઉદયના પાસે ઊભો રહ્યો.

‘તમે એમ કહો છો કે ફરિયાદીએ જે પુરાવા રજૂ કર્યા છે તે બધાં પુરાવા ખોટા છે તો એને કોર્ટ ધ્યાનમાં લેવા ન જોઈએ, બરાબર?‘ ધ્યેય આવો સવાલ કેમ પૂછી રહ્યોં છે તે ઉદય સમજવાની કોશિશ કરતો હતો. કારણ કે એ જાણતો હતો અત્યાર સુધી ધ્યેયએ ઉલટતપાસમાં એકપણ વાર ઓબ્જેક્શન લીધું નથી તો નક્કી કંઈક એના ભાથામાં સોલિડ તીર હશે.

‘જી...‘

ધ્યેયએ એક લેટર કાઢીને એને દેખાડ્યો,

‘જો તમે એમ કહેતા હોવ કે અહીં કોર્ટમાં પ્રિન્સિપાલની સહીવાળો પુરાવા રૂપે રજૂ થયેલો પત્ર જાલી છે તો પછી કશિશની આ સહીવાળો પત્ર પણ જાલી કહેવાય?‘

એ લેટર જોઈને ઉદયના કપાળે પસીનો બાઝી ગયો. આ એ જ કાગળ હતો જેના પર એણે કશિશની સાઈન કરાવી લીધી હતી કે એને મિલકતમાં કોઈ ભાગ જોતો નથી.

‘માય લોર્ડ..જો આરોપી એમ કહેતો હોય કે કશિશ નાણાવટીએ માત્ર મિલકત માટે જ એમના ભાઈ અને પિતા સામે આરોપ લગાવ્યો છે અને એટલે જ કોર્ટ કેસ કર્યો છે તો તે વાતને આ લેટર ખોટી સાબિત કરે છે. કારણ કે જો કશિશને મિલકતમાં ભાગ જોતો હોત તો એણે આ પત્ર પર સાઈન કરી જ ન હોત. મારી અસીલ માત્ર એને થયેલાં અન્યાય માટે લડી રહી છે. એને મિલકત માટે કોઈ લગાવ નથી. તેથી હું કોર્ટને વિંનતી કરું છું કે ઉદય શાહની વાતને માન્ય રાખવામાં ન આવે.‘

ધ્યેયએ જજને પેલો પત્ર આપ્યો જેમાં ઉદય અને એની પત્નીએ કશિશ પાસે સાઈન કરાવી હતી કે એને એના પપ્પાની મિલકતમાં હિસ્સો જોતો નથી અને એ મિલકત પરનો હક્ક જતો કરે છે.

ઉદય અને એના વકીલની પરિસ્થિતિ વિસ્ફોટક થઈ ગઈ. જો તેઓ એમ કહે કે કશિશની સાઈન વાળો આ પત્ર ખોટો છે તો એનો મતલબ એ કે એણે ભવિષ્યમાં કાનૂન મુજબ કશિશને એના પપ્પાની મિલકતમાંથી ભાગ આપવો પડે. અને અગર એને સાચો ઠેરવે છે તો આપોઆપ કોર્ટમાં કશિશના વકીલે રજૂ કરેલાં પુરાવાને સાચા છે તે સાબિત થઈ જાય.

નિતિન લાકડાવાલા અને ઉદય બરાબર ફસાઈ ગયા હતા. સાપે છંછુદર ગળ્યો હોય તેવી પરિસ્થતિ થઈ હતી. રિસેસનો સમય થયો એટલે કોર્ટરુમમાંથી બધાં બહાર આવ્યા.

‘તે તો મને ટેન્શનમાં લાવી દીધી, હતી, પણ તારી પાસે એ આ લેટર ક્યારે હાથમાં આવ્યો?‘

‘તે જે દિવસે મને કહ્યું હતું ને કે ઉદયે તારી પાસે તારા પપ્પાની મિલકતમાં હક્ક નથી જોતો તેવા કાગળ પર સાઈન કરાવી છે તે દિવસથી હું લાગમાં હતો. તારા ઘરે હું ચોરીછૂપીથી તારા એડમિશનનો કોલેજમાંથી આવેલો પત્ર શોધવા ગયો ત્યારે આ મળ્યો એટલે એ હું લેતો આવ્યો હતો.‘ ધ્યેયએ આંખ મીચકારી.

‘ગ્રેટ...! પણ તે ઉદયના વકીલ બધાં આરોપ જૂંઠા છે તેવું કહેતા હતા તો ઓબ્જેક્શન કેમ ન લીધું?‘

‘કિશુ...ઉદય આપણી કોઈ વાતમાં ફસાય તેમ નથી. આપણું મેઈન કાર્ડ તારા પપ્પા છે...હવે રિસેસ પછી એમની ઉલટતપાસ થશે...જો જે આજેને આજે જે કેસ પૂરો.‘

કશિશ આશ્ચર્યથી એને તાકી રહી,

‘ધ્યેય પાસે એવા ક્યાં કાર્ડ છે જેથી કેસ પતી જાય?‘

‘વેઈટ...હું એક ફોન કરી લઉ..!‘ કશિશ કશું વધુ પૂછે તે પહેલાં ધ્યેયએ કહ્યું,

‘એડિટર સાહેબ...આજે તમારો રિપોર્ટર આવ્યો છે?‘

‘હા...તમે કહ્યું હતું એટલે આવજે ને..મારા મિત્રોને પણ જાણ કરી છે. એટલે મોટાભાગના મિડિયામાં કવરેજ આવશે..‘ સામેથી જવાબ આવ્યો એટલે ધ્યેયએ એમનો આભાર માનીને ફોન મૂકી દીધો.

‘યોર ઓનર, હવે હું મહેન્દ્રભાઈ શાહને ઇગ્ઝેમિન કરવા ઈચ્છું.‘ રિસેસ પછી કોર્ટ કાર્યવાહી ચાલુ થઈ. જજસાહેબે પરવાનગી આપી એટલે મહેન્દ્રભાઈ વિટનેસ બોકક્ષમાં આવીને ઊભા રહ્યાં,

‘મહેન્દ્રભાઇ, તમારે કેટલાં સંતાન છે?‘ ધ્યેય એમની નજીક કઠેડાને પકડીને ઊભો રહ્યોં.

‘જી, બે ..એક દીકરો ઉદય અને એક દીકરી કશિશ.‘ મહેન્દ્રભાઈએ કશિશ સામે જોયું,

‘તમે દીકરાં અને દીકરીના ઉછેરમાં કદી કોઈ ભેદભાવ રાખ્યો છે?‘ મહેન્દ્રભાઇને જે રીતે નિતિનભાઈ બ્રીફ કર્યા હતા કે એમને ગૂંચવવા માટે કેવા પ્રકારના સવાલ પૂછાય શકે એને બદલે ધ્યેય એકદમ અલગ સવાલ પૂછયો તેથી મહેન્દ્રભાઇને નવાઈ લાગી પરંતુ એ હળવાશથી જવાબ આપ્યો.

‘જી મેં દીકરાં અને દીકરીના ઉછેરમાં કદી કોઈ ફરક રાખ્યો નથી. હું તો મારે બન્ને સંતાનને સરખા જ સમજું છું.‘

‘બહુ જ સરસ, મારા જાણ મુજબ તમે તમારી દીકરીને પણ દીકરાં તરીકે સંબોધન કરો છો, જેથી એને એમાં પણ ભેદભાવનો ફરક ન વર્તાય? બરાબર?‘ ધ્યેય પૂછયું,

‘બરાબર છે..મેં હમેંશા કશિશને કશિશ દીકરાં તરીકે જ સંબોધન કર્યું છે.‘ મહેન્દ્રભાઇએ ગર્વથી કહ્યું,

‘ઉદય અને કશિશ એ બન્નેમાંથી ભણવામાં કોણ હોશિંયાર હતું?‘ ધ્યેય બોલ્યો એ સાથે જ નિતિન લાકડાવાલાએ ઓબ્જેક્શન લીધું,

‘માય ઓબ્જેક્શન માય લોર્ડ...ફરિયાદીના વકીલ કેસને રિલેટેડ સવાલ પૂછે તેવી મારી વિંનતી છે.‘

‘યોર ઓનર હું કેસને રિલિટેડ સવાલ જ પૂછી રહ્યોં છું પ્લિઝ મને પૂછવાની પરવાનગી આપો.‘

‘ઓબ્જેક્શન ઓવર રુલ્ડ!‘ જજે ધ્યેયને પરવાનગી આપી,

‘ઉદય કરતાં કશિશ ભણવામાં બહુ તેજ હતી. પહેલાં ધોરણથી જ એનો કલાસમાં હમેશા પહેલો–બીજો નંબર આવ્યો છે. સ્કૂલમાં બહુ ઇનામ મેળવ્યા છે. એક બાપ તરીકે મને એના માટે બહુ ગર્વ છે. એના સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપાલ કશિશના બહુ વખાણ કરતાં હતા. મને કહેતાં કે તમે તમારી દીકરીને ખૂબ ભણાવજો...ડોકટર બનાવજો..‘ મહેન્દ્રભાઈ બહુ ઉત્સાહમાં આવી ગયા.

‘ઉદયને તમારા ધંધામાં એટલે જોડી દીધો કે એ હોશિયાર ન હતો?‘

‘માય ઓબ્જેક્શન માય લોર્ડ ફરિયાદીના વકીલ બિનજરુરી સવાલ પૂછીને અદાલતનો સમય વેડફી રહ્યાં છે.‘ નિતિનભાઈએ વાંધો ઊઠાવ્યો, જજ કશું બોલે તે પહેલાં ધ્યેયએ બોલ્યો,

‘માય લોર્ડ આરોપીના વકીલ બિનજરુરી દખલ કરીને મને વારંવાર અટકાવીને કોર્ટનો સમય વેડફી રહ્યાં છે તેથી મને મારી વાત પૂરી કરવા માટે એમને કોર્ટ શાંતિ રાખવા કહે.‘

‘ફરિયાદીના વકીલની પૂછપરછ પૂરી થવા દો..પછી તમને પણ ચાન્સ મળશે..‘ જજે નિતિનભાઈને કહ્યું એટલે એ બેસી ગયા,

ધ્યેયએ ફરી સવાલ પૂછયો એટલે મહેન્દ્રભાઇ બોલ્યા,

‘હા..કારણ કે એ બીજું કશું કરી શકે તેમ ન હતો.‘

‘અગર ઉદય ભણવામાં હોશિંયાર હોત તો તમે એને એન્જિનિયર કે ડોકટર બનાવ્યો હોત?‘

‘ચોક્કસ..મને તો ઉદય પણ ભણી ગણીને ડોકટર–એન્જિન્યર બને તો વાંધો ન હતો.‘ મહેન્દ્રભાઈ એકદમ સહજતાથી વાતવાતમાં જે કહેવું ન જોઈએ તે કહી દીધુ,

‘માય લોર્ડ આ પોઈન્ટ નોટ કરશો..‘ જજે માથું હલાવીને આ વાતને નોંધ કરી.

‘જો ઉદય હોશિયાર હોત તો તમે એને ડોટકર બનાવવા રાજી હતા તો પછી કશિશ હોશિયાર હતી એને તો એટલાં ટકા પણ આવ્યા હતા તો તમે એને કેમ ડોકટર ન બનાવી?‘ ધ્યેયએ ઘીમે રહીને સવાલ પૂછી લીધો.

(ક્રમશ:)

કામિની સંઘવી