રાઈટ એંગલ - 42 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 42

રાઈટ એંગલ

પ્રકરણ–૪૨

ધ્યેયના સવાલથી મહેન્દ્રભાઇ મૂંઝાય ગયા. અત્યાર સુધીના જે સવાલ પૂછાયા તેના જવાબ એમણે જાતે આપ્યાં હતા. પણ હવે જે સવાલ પૂછાયો એના જવાબ એમને ગોખવવામાં આવ્યા હતા. એટલે જ એ યાદ કરવા પડે તેમ હતા. અને તેથી જ એ કન્ફયુઝ થઈ ગયા.

‘જી...મેં ક્યાં ડોકટર બનાવવાની ના પાડી હતી? એ તો એના ટકા આવ્યા નહીં...એટલે...બાકી હું તો ઇચ્છતો હતો...‘ એ જવાબ આપવામાં થોથવાઈ ગયા,

‘મહેન્દ્રભાઈ, કશિશની સાથે ભણતા બે છોકરા કે જેમને કશિશ જેટલાં જ માર્ક હતા તેમને એડમિશન મળે તો કશિશને કેમ ન મળે તેવો તમને સવાલ ન થયો? ‘ ધ્યેયના સવાલથી હવે મહેન્દ્રભાઈ અકળામણ અનુભવી,

‘જી...મેં તપાસ કરી હતી...હું કોલેજ ગયો હતો...ત્યાં જ ખબર પડી કે મેરિટ ઊંચુ ગયું છે તેથી કશિશને એડમિશન નહીં મળે.‘ આ વખતે ગોખેલો જવાબ મહેન્દ્રભાઇ સડસડાટ બોલી ગયા,

‘મહેન્દ્રભાઈ,તમે જે હમણાં કહ્યું તે સાચું છે?‘ ધ્યેયએ એદકમ નજીક આવીને પૂછયું, મહેન્દ્રભાઈ મૂંઝાયને આમતેમ જોઇ રહ્યાં, પછી એ નીચું જોઇ ગયા,

‘મહેન્દ્રભાઈ, હું તમને યાદ કરાવું શું બન્યું હતું. કશિશના નામનો ઇન્ટરવ્યુ કોલ આવ્યો હતો, તમે અને ઉદયએ જાણીજોઈને એડમિશન ઈન્ટરવ્યુ લેટર છુપાવી રાખ્યો, એડમિશનના બધાં રાઉન્ડ પતી ગયા તે પછી પણ કશિશનો કોલ લેટર ન આવ્યો એટલે એ તપાસ કરવા જતી હતી પણ તમે બન્નેએ એને રોકી અને ખુદ તપાસ કરવા ગયા કારણ કે તમારે એમને એડિમિશન ન હતું અપાવવું. તમે એને એટલાં ભણતા અટકાવી કે તમને એના માટે મેડિકલનો મોટો ખરચ કરવા ઈચ્છતા ન હતા...!‘

‘ના...ના...મને ખરચાનો વાંધો ન હતો...‘ મહેન્દ્રભાઈ વચ્ચે બોલી પડ્યા,

‘તો તમને એ વાંધો હતો કે એ છોકરી છે ક્યાંક કશું આડુંઅવળું...‘ધ્યેયએ જાણી જોઈને વાત અધૂરી મૂકી,

‘એ જ તો.. છોકરીની જાતને બહાર ભણવા મોકલું તો વળી કયાંક એનો પગ...‘મહેન્દ્રભાઈને અચાનક ભાન થયું કે પોતે આડકતરી રીતે પોતાના ગુનાની કબૂલાત કરી રહ્યાં છે એટલે એ બોલતાં અટકી ગયા, ઉદય અને નિતિનભાઈના ચહેરા પર ટેન્શન આવી ગયું,

‘બોલો...મહેન્દ્રભાઈ...તમારી વાત પૂરી કરો.‘

મહેન્દ્રભાઇ કશું બોલવાના ઘડીક ઉદય તરફ તો ઘડીક નિતિનભાઈ તરફ તો ઘડીક કશિશ સામે જોઈ રહ્યાં, ભૂલમાં એમનાથી કબૂલાત થઈ ગઈ હતી,

‘બોલો મહેન્દ્રભાઈ તમે જાણીજોઈને કશિશને ડોકટર બનવા ન દીધી...કારણ કે ઉદય ઈચ્છતો હતો કે એની બહેન છોકરી છે એટલે એને બહાર ભણવા ન જવાય દેવાય, તમે દીકરાના કારણે તમારી દીકરીને એના સપનાથી વંચિત રાખી. બોલો મહેન્દ્રભાઇ આ વાત સાચી છે? જો નથી તો કશિશના સમ ખાયને કહી દો કે આ વાત ખોટી છે! તમારા કારણે આજે કશિશની હાલત આવી છે...જે છોકરી ભણી ગણી, ડોકટર બનીને સમાજમાં લોકોની સેવા કરતી હોત, જેનું સમાજમા નામ હોત, પ્રતિષ્ઠા હોત એને આજે ઘર છોડવાનો વારો આવ્યો..પોતાનું ગુજરાન ચલાવવા કોફી હાઉસ ખોલીને લોકોના માટે નાસ્તો–કોફી બનાવવા પડે છે. તમારા કારણે એણે લોકોના એઠાં વાસણ ઉપાડવાનો વારો આવ્યો. માત્રને માત્ર તમારા એક નિર્ણયના કારણે કશિશને તમે એટલી લાચાર બનાવી દીધી કે એનું જીવન સંઘર્ષમય બની ગયુ, એક બાપ તરીકે તમને દુ:ખ નથી થતું કે તમારી દીકરીને કેવી હાલત તમે કરી નાખી જેને કદી ભગવાન પણ માફ ન કરી શકે...કશિશની આવી હાલત માટે માત્રને માત્ર તમે જવાબદાર છો..તમે જ..‘

એ સાથે જ મહેન્દ્રભાઈ વીટનેસ બોક્ક્ષમાં બેસી પડ્યા. એમણે કાન પર હાથ દાબી દીધા...

‘બસ...બસ....‘ એ બેઠાં બેઠાં રડી પડ્યા, રડતાં રડતાં બોલ્યા,

‘કશિશ બેટા મે માફ કરી દે...મારી ભૂલ થઈ ગઈ...હું ઉદયની વાતમાં આવી ગયો હતો એટલે મેં તને મેડિકલ કોલેજમાં એડમિશન લેવા ન દીધું...દીકરાં મને માફ કર...તને એડમિશન મળી ગયું હતું....મને માફ કર...‘ મહેન્દ્રભાઈની આંખમાંથી પસ્તાવો આંસુરુપે વહી રહ્યો. એમની કબૂલાતથી પળવાર માટે કોર્ટરુમમાં સન્નાટો છવાઈ ગયો.

ઉદય અને નિતિનભાઈના માંથા શરમથી નીચે ઝૂકી ગયા. મહેન્દ્રભાઈને રડતાં જોઈને કશિશ ઊભી થઈ ગઈ. એક બાજુ દિલમાં આનંદ થતો હતો કે પોતાને થયેલાં અન્યાય સામે ન્યાય મેળવવા માટે એણે કેટલાં બલિદાન આપ્યાં હતા, એ બધાં આ ક્ષણે એને વાજબી લાગ્યા. બીજીબાજુ એના પપ્પા પોતાના કારણે દોષી ઠર્યા એટલે દુ:ખ થતું હતું.

‘માય લોર્ડ...આજે પણ આપણાં દેશમાં છોકરીઓને હાયર એડયુકેશન અપાવવા માટે મા–બાપ ભેદભાવ રાખે છે. દીકરાંને ભણાવવો હોય તો લોકો લાખો રુપિયાનો ખર્ચો કરી નાંખે છે પણ દીકરી પાછળ ખરચ કરતાં પહેલાં સો વાર વિચાર કરે છે કારણ કે એમને જાત જાતના ડર સતાવે છે. છોકરીઓની સલામતીથી લઈને એમના ભણતર પાછળ ખરચ કરવામાં આવે તો એનું વળતર મળશે કે કેમ એ વિશે પહેલાં વિચાર કરવામાં આવે છે. છોકરી કોઈના પ્રેમમાં પડી જશે તો નાત બહાર લગ્ન કરવા પડશે તો સમાજમાં પોતાની શું ઈજ્જત રહેશે તે વિશે વિચાર કરવામાં આવે છે. દીકરીના લગ્ન પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરતાં મા–બાપ દીકરીના એડ્યુકેશન કે કરિયર બનાવવા માટે રુપિયા ખરચવાનું પસંદ નથી કરતા. માય લોર્ડ જાતિય ભેદભાવને કારણે કશિશને ડોટકટર બનવાથી વંચિત રાખવામાં આવી. જો સમાજના કહેવાતાં સુધરેલાં પરિવારમાં આવી પરિસ્થિતિ હોય તો સમાજના નીચલા વર્ગમાં દીકરીઓની સ્થિતિ સમજી શકાય તેવી છે. માય લોર્ડ...સમાજમાં દાખલો બેસે તે માટે આ ગુનો કરનારા મહેન્દ્રભાઈ તથા એમના સાથે કાવતરામાં સામેલ એમના દીકરાં ઉદય શાહને અદાલત કડકમાં કડક સજા કરીને કોર્ટમાં દાખલો બેસાડે તેવી મારી અરજ છે, કારણ કે આ કેસ રેર ઓફ ધ રેરસ્ટ છે તેથી એની સજા પણ એવી હોવી જોઈએ, જેથી મા–બાપ પોતાની દીકરીઓને ભણાવવા માટે આગળ આવે અને સમાજમાં દીકરીને અન્યાય ન થાય.‘

ધ્યેયનું આ નાનકડું લેક્ચર પૂરું થયું અને એ સાથે જ કોર્ટરુમ તાળીઓથી ગૂંજી ઊઠયો. જજે કોર્ટને શાંત થવા કહ્યું,

‘કોર્ટ આવતીકલે સવારે અગિયાર વાગે પોતાનો ફેંસલો સંભળાવશે. ત્યાંસુધી કોર્ટ મહેન્દ્રભાઈ તથા ઉદયને દેશ કે શહેર છોડવાની મનાઈ કરે છે, કોર્ટ ઈઝ આડજર્ન ફોર ટુ ડે.‘

જજ ગયા તે સામે જ કોર્ટરુમમાં ધ્યેય અને કશિશને અભિનંદન આપવા માટે લોકોનો ધસારો થયો. કશિશ લોકોના અભિનંદન ઝીલતી હતી, પણ એની નજર એના પપ્પા મહેન્દ્રભાઈ પર હતી. એણે જોયું કે ઉદય એમના પપ્પા તરફ નજર કર્યા વિના જ વકીલ સાથે કોર્ટરુમની બહાર નીકળી ગયો. મહેન્દ્રભાઇ એકલાં પડી ગયા હતા. કશિશ એમની પાસે જઈને ઊભી રહી. કશિશને જોતા જ મહેન્દ્રભાઈએ હાથ જોડ્યા અને બોલ્યા,

‘મને માફ કરી દે..બેટા...‘ કશિશ એમના હાથ પકડી લીધાં,

‘પપ્પા...‘ માંડ આટલું બોલી શકી, અને એમને ભેંટી પડી. બાપ–દીકરી ભેંટીને રડી પડ્યા. આ બાજુ ધ્યેયની આસપાસ પ્રેસ રિપોર્ટર્સ અને બીજા વકીલો ઊભા રહી ગયા હતા. બધાં જાત જાતના સવાલ પૂછતા હતા. ધ્યેયએ બધાંને શાંતિથી જવાબ આપતો હતો. ત્યાં એની નજર કશિશ પર ગઈ. એને અને મહેન્દ્રભાઈને રડતાં જોઈને એ એ તરફ ચાલ્યો એટલે બધાંની નજર કશિશ અન મહેન્દ્રભાઈ તરફ ગઈ. એક રિપોર્ટર્સે પૂછયું,

‘તમને શું લાગે છે? મહેન્દ્રભાઈ તથા ઉદયને શું સજા થશે?‘

ધ્યેયએ જરા વિચારીને જવાબ આપ્યો,

‘આવો કેસ આજ પહેલાં આવ્યો નથી. બાકી એમની સામે જે કલમ લગાવવામાં આવી છે તે મુજબ ત્રણ થી દસ વર્ષની સજા થઈ શકે.‘

એ રિપોર્ટર્સની સાથે સાથે કશિશે પણ સાંભળ્યું. ત્યાં એક રિપોર્ટરે પૂછયુ,

‘મેમ તમે કેસ જીતવાની અણી પર છો તેથી તમને કેવું ફીલ થાય છે?‘

‘આઈ એમ ફિલિંગ ગુડ...‘કશિશે હસીને જવાબ આપ્યો પણ રિપોર્ટરના બીજા સવાલે એનું હાસ્ય છીનવી લીધું,

‘તમારા જ પપ્પા અને ભાઈને ત્રણ વર્ષથી લઈને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે તેથી તમને ખુશી થશે?‘,

‘વ્હોટ રબિશ! મારા ભાઈ કે પપ્પાને સજા થાય તેથી હું ખુશ થાવ?‘ કશિશ ઉશ્કેરાય ગઈ.

‘સજા તો થશેજ ને..મેમ તે તમે કેવી રીતે રોકી શકો?‘ તરત જ રિપોર્ટરે સવાલ ફેંક્યો,

‘પ્લિઝ લેટ મી ગો ટુડે...હું તમને કાલે બધાં જવાબ આપીશ.‘ કશિશે મહેન્દ્રભાઈનો હાથ પકડ્યો અને સીધી ધ્યેયની ઓફિસમાં જતી રહી. એ રિપોર્ટર્સના સવાલથી પરેશાન થઈ ગઇ હતી. ઓફિસમાં આવીને કશિશે એમને પાણી પીવડાવ્યું પછી બાપ–દીકરી ચૂપચાપ બેઠાં રહ્યાં. કહેવા જેવી તો અનેક વાત હતી પણ હવે કશું કહેવાનું બચ્યું જ ન હતું. કશિશને એ સવાલ પરેશાન કરતાં હતા કે પોતાના કારણે આજે એના પપ્પાને આમ સમાજમાં નીચાજોણું થયું. તો બીજી બાજુ મહેન્દ્રભાઈએ પોતાના ગુનાની કબૂલાત કરી તેથી એ પારાવાર ક્ષોભ અનુભવી રહ્યાં હતા. કશિશ સામે જોવાની પણ એમને હિંમત થતી ન હતી. એમને બીજી ચિંતા પણ સતાવતી હતી. ઉદય એમને મૂકીને જ ઘરે જતો રહ્યો. તેથી સ્પષ્ટ હતું કે એ કેટલો નારાજ છે. હવે પોતાને એ ઘરમાં પહેલાં જેવા માન–આદાર નહીં મળે તો રહેવું કેમ અને ક્યાં?

‘પપ્પા...શું વિચારો છો?‘ કશિશ બાપ–દીકરી વચ્ચેના ક્ષોભને તોડવાનો પ્રયત્ન કર્યો,

‘બસ એ જ વિચારતો હતો કે ઉદય બહુ નારાજ થશે...મને એ રાખશે કે નહી?‘ મહેન્દ્રભાઈ દીકરી સામે ખોટું બોલી શક્યા નહી,

‘ડોન્ટ વરી પપ્પા...હું છું ને...હું એકલી જ રહું છું..તમે મારી સાથે રહેજો..!‘

કશિશ સામે મહેન્દ્રભાઈ જોઇ રહ્યાં, એમનાથી મનોમન બન્નેની સરખામણી થઈ ગઈ.

કશિશને એમની કેટલી પરવા છે! આટલું એના પર પોતે વિતાડ્યું તો ય એના દિલમાં એમના માટેના પ્રેમ–માન અકબંધ છે. આ બાજુ ઉદયને બધી સંપત્તિ આપી, એણે કહ્યું તેમ કર્યું તો ય આજે મુશ્કેલીની ઘડીએ એમને છોડીને જતો રહ્યો. નવેસરથી એમની આંખમાં આંસુ આવી ગયા. કશિશ એ જોઈને એમના હાથ પકડી લીધાં,

‘પ્લિઝ પપ્પા ડોન્ટ ક્રાય...હું છું ને તમારી સાથે!‘

‘હા..દીકરાં...તું તો મારી સાથે જ છે ને..પણ જો કે મારે રહેવાની ચિંતા કરવાની નથી..કાલથી તો હું કદાચ જેલના સળિયા ગણતો થઈ જઈશ..‘ મહેન્દ્રભાઈ સહેજ ખાસિયાણું હસી પડ્યા,

‘ના..પપ્પા...હું એવું કદી નહીં થવા દઉ...‘ કશિશ બોલી ત્યાં જ ધ્યેય ઓફિસમાં આવ્યો. કશિશે કશી જ ઔપાચારિકતા વિના સીધું જ કહી દીધું,

‘ધ્યેય....મારે કેસ પાછો ખેંચવો છે!‘ માથે વીજળી પડી હોય તેમ ધ્યેય આધાત અને આશ્ચર્યથી કશિશની સામે તાકી રહ્યો.

(ક્રમશ:)

કામિની સંઘવી