સમર્પણ - 9 Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પણ - 9

સમર્પણ - 9
આગળના ભાગમાં જોયું કે રુચિના મનમાં હજુ કોલેજમાં યોજાયેલી ડિબેટ સ્પર્ધાને લઈને અને નિખિલ ઉપર આવેલા ગુસ્સાના કારણે મૂંઝવણો ચાલી રહી હતી. તેને કોલેજ જવાનો પણ મૂડ નહોતો. દિશાએ તેની મૂંઝવણને શાંત કરતાં હકીકત વિશે અવગત કરાવી સમજણ પુરી પાડી. રુચિને પણ તેની મમ્મીની વાત ગળે ઉતરી ગઈ. અને કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ. નિખિલને સ્પર્ધામાં વિજેતા બનવા ઉપર સ્પર્ધાના દિવસે રુચિએ ગુસ્સામાં શુભકામના આપી નહોતી તો આજે કૉલેજમાં નિખિલને શુભકામના આપવા હસતા ચહેરે સામેથી ગઈ, પણ નિખિલે થોડો એટીટ્યુડ બતાવ્યો. અને રુચિના ચહેરાનું હાસ્ય દૂર થતાં ત્યાંથી ચાલી ગઈ. હવે નિખિલ જ્યારે જ્યારે રુચિની સામે આવતો ત્યારે રુચિ રસ્તો બદલીને ત્યાંથી ચાલી જતી. હવે તો નિખિલને આ રીતે એને હેરાન કરવામાં મઝા આવવા લાગી હતી. કોલેજમાંથી પીકનીક ગોઠવાઈ ત્યારે રુચિ પહેલા બસમાં આવી ગઈ હતી પણ નિખિલ નહોતો આવ્યો જેના કારણે તે થોડી મૂંઝવણમાં હતી પણ છેલ્લા સમયે નિખિલ આવી જતા તેને હાશ અનુભવી...પિકનીકની જગ્યાએ પહોંચતા જ તળાવમાં છોકરાઓ નાહવા પડ્યા હતા. અને છોકરીઓ પોતાના વર્તુળ બનાવી મસ્તી કરી રહી હતી. ત્યારે કોલેજની એક છોકરી તળાવ બાજુથી રડતાં-રડતાં આવતી દેખાઈ, એક છોકરો એની પાછળ આવતો દેખાયો. બંને કોલેજના અનિલ અને પ્રિયા હોવાની જાણ થતાં, કોલેજના બીજા યુવકો પણ એની પાછળ આવવા લાગ્યા. એમાંના જ વિક્રમે અનિલને આ બધાનું કારણ પૂછ્યું. હવે જોઈએ આગળ શું થયું.....!!!


સમર્પણ..9

અનિલ : ''મેં કંઈ કર્યું નથી, એ રિસાઈ ને જતી રહી. હવે સાંભળતી જ નથી.''
નિખિલ : '' કારણ વગર તો કોઈ ના જ રિસાય ને ? શુ કર્યું તે એને સાચું બોલ...''
અનિલ : (ગુસ્સામાં) ''તું મને પૂછવાવાળો કોણ ? જે હશે એ અમારી પર્સનલ મેટર છે...અમે સોલ્વ કરી લઈશું. તારે વચ્ચે પડવાની જરૂર નથી. તને પ્રિયાની આટલી ચિંતા કેમ થાય છે ?''
નિખિલ : (મગજ ગુમાવીને) ''છોકરીઓના માં-બાપ આપણાં ભરોસે એમને આપણી સાથે મોકલે છે. પ્રિયા હોય કે બીજી કોઈ પણ હોય. હું સાથે છું એટલે દરેક છોકરી મારી પણ જવાબદારી છે. શુ થયું પ્રિયા ને એ તારે કહેવું જ પડશે..''
પ્રિયા રડતી-રડતી છોકરીઓના ટોળા તરફ આવી રહી બધી જ છોકરીઓ એને વીંટળાઈ ગઈ. ઉપરથી નીચે સુધી ભીંજાઈ ગયેલી પ્રિયા રડવાનું બંધ જ નહોતી કરતી. રુચિ અને અમિષાએ એને સમજાવીને રડવાનું કારણ પૂછ્યું...
પ્રિયા : (રડતાં-રડતાં) '' મને અનિલે ઇશારાથી તળાવ પાસે બોલાવી, હું ત્યાં ગઈ, તો એણે મને તળાવમાં ધક્કો મારી દીધો.'' (હજુ વધારે રડવા લાગી)
રુચિ : ''પણ તું ગઈ શુ કામ ? બોયઝ હોય જ એવા તકવાદીઓ... આપણે એમને મોકો જ શુ કામ આપવો જોઈએ ?''
ત્યાં સુધીમાં નિખિલ, એની સાથેના પાંચ-છ છોકરાઓ અનિલને લઈને પ્રિયા પાસે આવી ગયા હતાં.
અનિલ : ''સોરી, પ્રિયા...લે આ મારો શર્ટ.. ફરી થી આવી મસ્તી નહીં કરું...''(કાન પકડીને ઉઠક-બેઠક કરવા લાગ્યો)
બધા ઓચિંતાનું આ બધું જોઈ આશ્ચર્યથી ડઘાઈ ગયા. હવે પ્રિયા રડતાં-રડતાં હસી રહી હતી. બીજા બધા તો સાચી વાત જ શુ હતી એજ સમજી ના શક્યા.
નિખિલ : ''આ શું ચાલે છે સમજાતું નથી ? પ્રિયા હમણાં તો કેવી રડતી હતી ? હવે હસે છે કેમ ?''
પ્રિયા : ''મારી અને અનિલની સગાઈ થઈ ગઈ છે અમારે અઠવાડિયાથી ઝગડો ચાલતો હતો. એણે મને પાણીમાં ધક્કો દીધો પણ મારી પાસે બીજા કપડાં હતા નહીં એટલે આ બધું....''(નીચું જોઈ ગઈ.)
''ગઈ ભેંસ પાણીમાં'' જેવો ઘાટ થયો બધાનો.
નિખિલના જવાબદારી ભર્યા વર્તનના કારણે એ રુચિની નજરમાં હજુ એક પગથિયું ઉપર આવી ગયો હતો.
રસોઇયાએ રસોઈ બનાવી લીધી હતી. બધા ત્યાં ભેગા થયા. બુફે ની જેમ ચાર છોકરાઓ એક બાજુ આપતા હતા. બીજા બધા જ લાઇન માં ડિસ્પોઝેબલ ડિશમાં જમવાનું લઇ રહ્યા હતા. નિખિલ, વિક્રમ, ઉમેશ, અનિલ અને રોહિત..અનુક્રમે મોહનથાળ, શાક, પુરી, પાપડ, દાળ અને ભાત આપી રહ્યા હતા. છોકરીઓ લેવા આવી રહી હતી. દરેકને એક જ મોહનથાળ આપવો જેથી બગાડ ના થાય એમ નક્કી કરેલું હતું. રુચિનો વારો આવતાં જ નિખિલે બે મોહનથાળ મૂકી દીધા. બધાએ રુચિ અને નિખિલ સામે ચૂપચાપ જોયા કર્યું. રુચિએ એક બટકું પાછું મૂકી દઈ આગળ વધી.
બધાએ જમી લીધા પછી પીરસવાવાળા પાંચ છોકરાઓ અને બે રસોઈયાઓ બાકી હતા. રુચિ, પ્રિયા અને અમિષાએ પીરસવાનું નક્કી કર્યું. બધા જમતા હતા. રુચિની નજર નિખિલની ડિશ પર જ હતી. એ કઈ પણ લેવા જાય, ત્યાં રુચિ વધારે આપવા માટે અટકાવી દેતી. બધાની નજરોએ આ નોટિસ કર્યું. નિખિલને પણ નવાઈ લાગી રહી હતી. જમી લીધા પછી નિખિલની ડીશમાં અડધી પુરી અને થોડા ભાત બાકી રહ્યાં હતાં. બધા જ ડીશ મુકવા ગયા ત્યાં જ....
રુચિ : (નિખિલને)'' આ ડીશમાંનું બધું પૂરું કરો.''
નિખિલ : ''પૂરું તો કર્યું.''
રુચિ : ''એમ નહીં. એઠું મૂકેલું ખાઈ જાઓ.''
નિખિલ આજુ બાજુ બધા સામે જોઈ રહ્યો એની સાથેના બીજા પણ ડીશ હાથમાં પકડી જોઈ રહ્યા.
નિખિલ : ''પણ વાંધો શુ છે ? મારે નથી ખાવું ? અડધી પુરી જ તો છે.. ને ચમચી ભાત છે..આને એઠું ના કહેવાય..''
રુચિએ મમ્મીનું શીખવાડેલું આખેઆખું ભાષણ સંભળાવી દીધું, ''ચમચી ભાત અને અડધી પુરીની તમારે મન કોઈ કિંમત નથી..પણ એમનું શુ જેમને આ પણ નસીબમાં નથી. ? ના ખવાય એમ હોય તો થાળીમાં લેવું જ શુ કામ ? વધેલું અન્ન ફેંકી દેવાના બદલે કોઈને પ્રેમથી જમાડો તો દુનિયામાં કોઈ ભૂખ્યું ના રહે..''
નિખિલની સાથે બીજા બધા પણ ચૂપચાપ એનું ભાષણ સાંભળીને ડીશમાંનું વધેલું બધું જ ખાઈ ગયા.
સાંજે પાછા વળતાં બધાજ થાકી ગયા હતા. લગભગ બધા જ બસમાં સુઈ ગયા. રુચિ પણ જાગવાનો પ્રયત્ન કરતાં આખરે સુઈ ગઈ. નિખિલ એને સુઈ ગયેલી જોઈ રહ્યો. મનોમન પોતાની પસંદથી હરખાઈ રહ્યો.
રાત્રે લગભગ નવ વાગે ઘેર આવીને રુચિએ આખા દિવસનો બધો જ અહેવાલ દિશાને આપ્યો. નિખિલનું દોડતું આવવું, આખા રસ્તે એને સભળાવાતી નિખિલની કૉમેન્ટ્સ, અનિલ-પ્રિયાની લડાઈ, એમાં નિખિલનું આગળ પડતું થવું અને જમવામાં નિખિલને એઠું ખવડાઈ દેવું એ બધી જ વાતો રુચિએ અચકાયા વગર કહી સંભળાવી.
દિશા :'' રુચિ, તને એમ નથી લાગતું કે નિખિલ તને પસંદ કરતો હશે ?''
રુચિ : ''લાગે તો છે મમ્મી, પણ મને તો એના વિશે કાઈ જ ખબર નથી.''
દિશા : ''હમ..આગળ વધે તો સમજી વિચારીને આગળ વધજે, એને સમજવા માટે પૂરતો સમય લેજે. ''
રુચિ : (ખોટું ખોટું ચિડાતાં) ''શુ મમ્મી તું પણ ? હું તો એની સાથે બોલતી પણ નથી. એજ મને જ્યારે હોય ત્યારે ચીડવ્યા કરે છે. મને તો એવું કંઈ મનમાં પણ નથી.''
દિશા : ''બેટા, તું એ ના ભુલીશ કે હું તારી મમ્મી છું. તને શું એમ લાગે છે કે તારા મનમાં શુ છે એ તું મને કહીશ તોજ ખબર પડશે ? ''
રુચિ : (દિશાને પાછળથી વળગી કે જેથી ચહેરા ના હાવભાવ મમ્મી જોઈ ના શકે)'' મને ખબર છે કે તું કીધા વગર જ બધુ સમજી જાય છે. પણ સાચે હજુ અમારી વચ્ચે એવું કંઈ જ નથી.''
દિશા : (એના ખભા પર રહેલા રુચિ ના ચહેરાને હાથથી સહેલાવતા) '' તને ગમે છે ને એ ?''
રુચિએ કંઈજ બોલ્યા વગર ગરદન હલાવી હકારમાં જવાબ આપ્યો.
દિશા એને પાછળથી આગળ લાવી ખુશીથી ભેટી પડી.
દિશા : ''જો બેટા, તને એ ગમે એમાં મને કોઈ વાંધો નથી, પણ તારું સગપણ મારી દેખરેખ હેઠળ થાય એમ હું ઈચ્છું છું. લાગણીમાં આવી જઈ સંબંધમાં આંધળુંકિયા ના થઇ જાય એ મારી જવાબદારી છે. તારી પસંદગીને હું ચોક્કસ જ આવકારીશ, પરંતુ આગળ-પાછળનો વિચાર કર્યા પછી જ. જો ખોટું થઈ રહ્યું હશે તો હું તને અટકાવીશ જ, અને તારે અટકવું જ પડશે. એમાં કોઈ સમાધાન હું નહીં ચલાવી શકું.''
રુચિ : '' હા, યાર.. તને લાગે છે કે હું તારી ઈચ્છા વિરુદ્ધના કોઈ સંબંધમાં બંધાઈ શકું ? વિશ્વાસ રાખજે મોમ, મારા લીધે તારી આંખમાં તકલીફના આંસુ નહીં આવે. હા... ખુશીના આંસુએ તને ખોબલે ખોબલે નવડાઈશ.''
ગંભીર વાતાવરણને કેવી રીતે એકબીજા માટે હળવું બનાવવું એમાં બંને પારંગત હતાં.
કોલેજમાં હવે નિખિલ વહેલો આવી જતો. રુચિ પહોંચે એટલે એની પહેલી નજરે એના ઉપર જ પડવી જોઈએ એવું એ વિચારતો. કેમકે પછી તો આખો દિવસ રુચિની આંખો એને જાતે જ શોધી લેતી.
રુચિના થોડા ગરમ સ્વભાવના લીધે નિખિલ એને સીધેસીધું બોલાવી શકતો નહીં પરંતુ જ્યારે પણ મોકો મળે ત્યારે આડકતરી રીતે એને સંભળાવવાનું ચૂકતો નહીં. રુચિ દિવસે-દિવસે એનામાં ખોવાતી જતી હતી. ક્યારેક રુચિની પોતાના માટેની વ્યાકુળતા જોવા નિખિલ રોજની જગ્યા બદલીને ક્યાંક આજુબાજુમાં સંતાઈ જતો. ત્યારે થતું પણ એવું જ, જાણે કે કોઈ કિંમતી વસ્તુ ચોરાઈ ગઈ હોય એમ રુચિ રઘવાઈ થઈ જતી. પછી એને જોતા જ ખોટો ગુસ્સો બતાવતા પગ પછાડતી આગળ નીકળી જતી. બંનેમાંથી કોઈ પોતાનો ઈગો મુકીને સામેથી સીધેસીધી વાત કરવાની પહેલ કરવા રાજી નહોતા.
રુચિ થોડા ઘણાં અંશે પણ દિશાને પોતાના જુના શોખ તરફ વાળવામાં સફળ થઈ હતી.
થોડા જ દિવસોમાં દિશાને મોબાઈલમાં એપ્લિકેશન વિશેનું જરૂરી બધું જ સમજમાં આવી ગયું, અને પહેલાની સરખામણીએ હવે બેધડક કંઈકને કંઈક લખીને ઓનલાઈન મુકતી રહેતી..
દિશા અને રુચિ એકબીજાને પૂરતો સમય આપતાં, છતાં રુચિ હવે અભ્યાસમાં તથા દિશા પોતાના લખાણમાં વ્યસ્ત રહેવા લાગી. રુચિને પોતાને આ બધામાં રસ નહીં હોવા છતાં દિશાનું લખેલું દરેક લખાણ વાંચી, એને નવું-નવું અને વધુને વધુ લખવા પ્રેરતી રહેતી. બીજું કોઈ જોવે કે ના જોવે વાંચતી વખતે રુચિની આંખોની ચમક, પોતાના દરેક લખાણને ઓસ્કાર ટ્રોફી આપી દેતી. પરંતુ એ વાતથી એ અજાણ હતી, કે રુચિ ફક્ત લખાણ જ નહીં, પરંતુ એનામાં ધરબાયેલી દરેક ઈચ્છાઓ કે મનોમંથનને શબ્દો સ્વરૂપે બહાર કઢાવવા માંગતી હતી.
એક દિવસ નિખિલ કોલેજમાં દેખાયો નહીં. રોજની જેમ આજે પણ એ ક્યાંક સંતાઈને હેરાન કરે છે સમજીને થોડું શોધવાના પ્રયત્ન કર્યા પછી ક્લાસમાં જતી રહી. એ પછી પણ પાંચેક દિવસ વીતી ગયા, પણ નિખિલ દેખાયો નહીં. હવે રુચિને ચિંતા થવા લાગી હતી, ''કંઈ થયું તો નહીં હોય ને ? નહીં તો આટલા દિવસ એ મને જોયા વગર રહી જ ના શકે...'' પણ હવે પૂછવું કોને ?
વધુ આવતાં અંકે...