ગિરનારનું રહસ્મય તળાવ Rutvik Kuhad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગિરનારનું રહસ્મય તળાવ


ગિરનારનું રહસ્યમય તળાવ



આદીથ એ હજી હમણાં જ પુરાતત્વ માં માસ્ટર ડીગ્રી મેળવી હતી. આપણા ભારત માં જલ્દી આ વિષય કોઈ લેતું નથી અભ્યાસ માટે. ભારતમાં હજી આ એટલું પ્રખ્યાત પણ નથી. પણ આદીથને નાનપણ થી જ આવું બધું ગમે. એટલે ક્યાંય પણ ફરવા જાય અને કોઈ જૂનું મંદિર કે સ્મારક દેખાય એટલે ત્યાં જ ઉભો રહી જાય.

એને અહેસાસ થતો એ મંદિર કે સ્મારક પાછળની વાર્તા. એ કેમ બન્યું એ જાણે એની દૃષ્ટિ સામે તાદૃશ્ય થતું. એટલે એને જે અહેસાસ થયો એ અને એ સ્મારક પાછળની સાચી વાત જાણવા માટે તલપાપડ થઇ જતો અને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એને ચેન પડતો નહીં.

એટલે ઘરના લોકોના વિરોધ છતાં એણે આર્ટસ લીધું અને પુરાતત્ત્વ વિષય પર પસંદગી ઉતારી. હવે છેલ્લા વર્ષના પ્રોજેક્ટ તરીકે એને કોઈ એક મંદિર કે સ્મારક પર એક નાનકડું documentary મૂવી બનાવવાનું હતું.

એની માટે એણે ગિરનાર પર પસંદગી ઉતારી. બાકી બધા વિદ્યાર્થીઓ બને એટલું નાનું મંદિર કે સ્મારક પસંદ કરતા કે જેથી જલ્દી થાય અને ટૂંક માં પતી જાય. પણ આદીથને ગિરનાર પસંદ કરતા જોઈને વિદ્યાર્થીઓ તો શું શિક્ષક પણ આશ્ચર્ય પામ્યાં. એને ગિરનાર પસંદ ન કરવા સલાહ પણ આપી કેમ કે ગિરનાર બહુ વિશાળ છે. એની બધી જ વસ્તુઓ અને માહિતી એકત્રિત કરતા ઘણો સમય લાગે એમ છે કદાચ વર્ષો પણ.

પણ આદીથ એકનો બે ન થયો અને એ એનાં છેલ્લાં વર્ષના પ્રોજેક્ટ તરીકે ગિરનાર લઈને જ માન્યો. જોકે એને પણ ખબર નહિ પણ એને ગિરનાર તરફ ગજબ નું આકર્ષણ હતું.
એનો જ જવાબ શોધવા એ જવા માંગતો હતો.

એણે એનાં બધાં સાધનો અને જરૂરી પુસ્તકો લીધા અને નીકળી પડ્યો ગિરનારની તળેટીઓ ખૂંદવા.

ગિરનાર જેટલું સીધું સાદું દેખાય છે એટલું જ રહસ્યો થી ભરેલું પણ છે.

આદીથને ઘણાં લોકો એ જોડે આવવાં માટે પ્રસ્તાવ મૂક્યો પણ એણે તો આ બધું એકલાએ જ કરવું હતું. એટલે એણે પ્રેમપૂર્વક બધાને ના પાડી દીધી.

એણે નક્કી કર્યું કે પહેલાં ગિરનાર એકવાર ચઢી જઉં ને ઉપરનું બધું પહેલાં જોઈ લઉં પછી બીજું બધું. માં અંબેના દર્શન થાય અને સારી શરૂઆત થાય.

એણે સવારે વહેલાં ૬ વાગે જ ગિરનાર ચઢવાનું શરૂ કર્યું. સામાન વધારે હોવાથી થોડી તકલીફ પડી રહી હતી પણ ઉપર ચઢવાની મજા અને ઉત્સુકતાએ એનાં પગ રોકાવા ન દીધા.

એક જગ્યાએ એ ઉભો રહ્યો થાક ખાવા. ત્યાં એણે જોયું કે ત્યાંથી એક રસ્તો અંદર તરફ જઈ રહ્યો હતો. આમ તો અજાણ્યાં રસ્તે ન જવા વાળો આદીથને ન જાણે આજે કેમ પણ ત્યાં જવાની ઈચ્છા થઈ અને અંદર શું હશે એ જાણવાની તીવ્ર ઉત્કંઠા થઈ.

એણે આજુબાજુ જોયુ. વિચાર્યું કે કોઈકને પૂછીને આગળ વધુ તો સારું. પણ કોઈ દેખાયું જ નહીં ત્યાં. એને આશ્ચર્ય થયું કે હમણાં સુધી તો થોડા ઘણાં લોકોની અવરજવર હતી.
એકદમથી બધા ક્યાં જતાં રહ્યા?

થોડી વાર વિચાર કર્યા પછી એણે અંદર જવાનું નક્કી કર્યું. એ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ જાણે બધું બદલાતું હોય એની અંદર બધું એવું લાગ્યું.

રસ્તો થોડો સાંકળો હતો. થોડાક અંદર ગયાં પછી એને એક લોંખંડની જાળી જેવો દરવાજો દેખાયો. અંદર જઈને જોયું તો અંદર બધા સન્યાસી સાધુઓ દેખાયા. બધા પોતપોતાના કામમાં લાગેલા હતાં. એવું લાગતું હતું જાણે જમવાની તૈયારી ચાલતી હોય.

કોઈક શાક કાપતું હતું તો કોઈ મોટાં તપેલાં સાફ કરીને લાવતું હતું. કોઈ ચૂલા માટે લાકડા ભેગા કરીને સળગાવી રહ્યું હતું તો કોઈ એ તપેલાંમાં બધા મસાલા નાખી રહ્યું હતું.

એમાંથી એક જણ બહાર આવ્યાં. એમને આવતાં જોઈ બીજાં બધા એ એમને નમી નમીને પ્રણામ કર્યાં. બધા એમને ગુરુજી કહેતાં. લાંબી સફેદ દાઢી, ભગવા રંગ ની ધોતી અને એ જ ધોતી નો લાંબો છેડો શરીર પર લીધેલો. માથા પર મહાદેવ ની જેમ લગાવેલું ચંદન. એમનો ચહેરો જાણે ખુદ જ પોતાની વ્યક્તિગત ઉર્જાથી ચમકી રહ્યો હતો. એમના આવવાથી બધું જ જાણે સારું લાગવા માંડ્યું હતું.

એમણે આવીને તરત આદીથને અંદર આવવા માટે આમંત્રણ આપ્યું.

ગુરુજી: " આદીથ, અંદર આવે બેટા. ડરીશ નહિ."

આદીથ ચોંકી ઉઠ્યો. આમને મારું નામ કેવી રીતે ખબર?

ગુરુજી:" મને તારા વિશે બીજું ઘણું બધું ખબર છે જે તને નથી ખબર."

આદીથના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમને હું શું વિચારું છું એ કંઈ રીતે ખબર પડી.

આદીથ એ હાથ જોડી લીધાં. ને ઘૂંટણ પર આવી ગયો.

આદીથ:" તમને હું જે વિચારું છું એ કંઈ રીતે ખબર પડી? તમે કોણ છો?"

ગુરુજી: જરૂરી એ નથી કે હું કોણ છું? જરૂરી એ છે કે તું કોણ છે? અહીંયા કેમ આવ્યો છે?"


આદીથ:" હું તો એક વિદ્યાર્થી છું પુરાતત્વનો. મારો છેલ્લાં વર્ષનો પ્રોજેક્ટ છે આ. એટલે ગિરનાર જોવા ને સમજવા આવ્યો છું."

ગુરુજી:" બેટા, આ દુનિયામાં વિદ્યાર્થી તો બધા જ છે. બધાને કંઇક ને કંઇક શીખવાનું છે. અને રહી વાત ગિરનારની. આજ સુધી ગિરનારને કોઈ પુરે પૂરું સમજી શક્યું નથી. "

આદીથ:" પણ ગુરુજી, મને ખબર છે ત્યાં સુધી ગિરનાર પર ઘણાં સંશોધનો થયાં છે. અને ઘણી મૂવી પણ બની છે. મૂવી એટલે....."

ગુરુજી:" movie means moving picture."

એમ કહીને ગુરુજી હસવા માંડ્યા. આદીથ તો બસ એમને જોઈ જ રહ્યો.

આદીથ:" ગુરુજી તમને ઇંગ્લિશ કેવી રીતે?"

ગુરુજી:" એ બધું જવા દે. તારે ગિરનારને જાણવું છે ને. ચલ બતાવું. "

આદીથ:" પણ ગુરુજી, એટલા બધા સંશોધનો પછી મારો પ્રોજેક્ટ તો બસ એક નકલ જેવો જ લાગશે. કશું નવું નથી બચ્યું હવે બતાવવા માટે."

ગુરુજી:" તો પછી તે ગિરનાર જ કેમ પસંદ કર્યો? જો એની ઉપર એટલા બધા સંશોધનો થઈ ચૂક્યા છે તો?"

આદીથ:" ખબર નહીં. કંઇક હતું જે મને અહીંયા ખેંચી લાવ્યું."

ગુરુજી એ રહસ્યમયી રીતે સ્મિત કર્યું.

ગુરુજી:" મેં તને શું કીધું? આજ સુધી ગિરનારને કોઈ પૂરેપૂરું જાણી નથી શક્યું. ગિરનાર એની અંદર ઘણા રહસ્ય છુપાવીને બેઠું છે. આવ તને કંઇક બતાવું. "

એમ કહીને એને પોતાની જોડે લઈ ગયા. એ લોકો અંદર એમના રૂમ માં ગયા જેને એ લોકો કુટિયા કહેતાં. ત્યાં જઈને એક આસન હતું. જેની પર એ બેસતાં. એમણે એ આસન હટાયું.

એની નીચે એક દરવાજા જેવું હતું. આદીથને એ ખોલવા માટે કહ્યું. આદીથ ઉત્સુકતાથી બધું જોઈ રહ્યો હતો. એણે એ દરવાજો ખોલ્યો. ગરુજીએ એને અંદર જવા કહ્યું, પણ એ ડરી ગયો. અને આગળ ન વધ્યો.

એટલે ગુરુજી આગળ ગયાં. જેવા એ આગળ વધ્યાં કે અચાનક કંઇક અલગ જ શક્તિ એ એમને અંદર ખેંચી લીધા. આ જોઈને આદીથ વધારે ડરી ગયો.

હવે શું કરવું? થોડીવાર પછી એને થયું કે " જે થાય એ. કૂદી જવા દે. આ બધું રહસ્યમયી છે. આવું મેં ક્યારેય નથી જોયું. આવો મોકો બીજી વાર નઈ મળે. જો કઈક થશે તો ગુરુજી છે જ ને."

એમ વિચારીને એ પણ કૂદી પડ્યો. એને પણ એ શક્તિએ અંદર ખેંચી લીધો. અને ગુરુત્વાર્ષણના લીધે સીધો જ નીચે પછડાવવાને બદલે એ હવામાં જાણે તરતો હોય એમ ઊતર્યો. એની આંખો તો પહોળી જ રહી ગઈ અને મગજ ચકરાવે ચઢ્યું. આમ કેમ બને? એ ફરી વિચારમાં પડી ગયો.

એને યાદ આવ્યું કે જ્યારે એ નાનો હતો ત્યારે એને બહુ ઇચ્છા થતી હવામાં તરવાની. એની માટે એણે એકવાર ૬ ફૂટ ઊંચી દીવાલ પરથી કૂદકો પણ મારીને જોયો હતો, પણ પછી પગ તોડી બેઠો હતો. એના સપનામાં પણ બસ એવું જ દેખાતું કે એ આવી રીતે જ નીચે ઉતરી રહ્યો છે. ને આજે એનું સપનું સાકાર થતું દેખાયું એને.

એ નીચે ઊતર્યો. એ કોઈ દૈવી જગ્યા હતી. પ્રાણવાયુનું પ્રમાણ ત્યાં ખૂબ જ વધારે હતું. એમ લાગે કે એકવાર મન ભરી ને શ્વાસ લઈ લઈએ તો જાણે અમૃત મળી ગયું હોય.

અંદર એક સુંદર તળાવ હતું. પાણી જાણે એકદમ નીલું અને સ્વચ્છ. આટલું સુંદર તળાવ એણે આજ સુધી નહોતું જોયુ. એને આ પાણીને સ્પર્શ કરવાનું મન તો થયું. પણ એ રોકાઈ ગયો. એ સમજી ચૂક્યો હતો કે આ બધું સાધારણ નથી. અહીંયા કંઈપણ પગલું લેતા પહેલાં સેંકડો વાર વિચારવું પડશે. એટલે એ પાછો થઈ ગયો.

આદિથ ને હવે આ બધામાં સત્ય શું છે એ જાણવાની તાલાવેલી લાગી. એણે હવે આ બધું ગુરુજી ને પૂછી લેવાનું વિચાર્યું. એણે આમતેમ જોયું. એણે ગુરુજીને શોધ્યા પણ મળ્યા નહીં. આમતેમ ઘણાં શોધ્યા પછી એણે હવે બૂમ પાડીને બોલાવવા માંડ્યા.

એની "ગુરુજી ગુરુજી" ની બૂમોથી એ તળાવ અને એની આસપાસનું બધું જ વાતાવરણ ગુંજી ઉઠ્યું. ઘણીવાર બૂમો પાડી, પણ ગુરુજી ન આવ્યાં. એ બૂમો પાડતા પાડતા થાકી ગયો.

પણ એને ગુરુજી ન મળ્યાં. છેવટે એણે ઘૂંટણ ટેકવી દીધા અને તળાવ બાજુ હાથ જોડી મનોમન પ્રાથના કરવા લાગ્યો.

આદિથ:" ગુરુજી, તમે કોઈ સાધારણ નહીં પણ કોઈક પુણ્ય આત્મા છો એ હું જાણી ચૂક્યો છું. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. પણ મને તમારા દર્શન આપો પ્રભુ."

પ્રાથના કરતા કરતા એની આંખમાંથી અશ્રધારા વહી રહી હતી અને એનું એને ભાન પણ ના રહ્યું.

થોડીવારમાં પાણીમાં કંઇક હલચલ થઈ. અને એમાંથી ગુરુજી જાણે ઉડીને બહાર આવતાં હોય એવી રીતે પ્રગટ થયાં.

એમનાં હાથ હવે આદિથ બાજુ આશીર્વાદ આપતાં હોય એમ હતાં. આદિથ આ બધું એની ભીની આંખે જોઈ રહ્યો. એની અંદર હવે બધું શાંત થઈ ગયું હતું. કોઈપણ જાતના વિચાર હાલ એના મનમાં ઉદભવી રહ્યા નહોતા.

ગુરુજી:" ઉભો થા બેટા. કેમ રડે છે?" હજી સુધી આદિથને એ ધ્યાન જ નહોતું કે એ કેમ રડી રહ્યો છે.

આદિથ:" આ આંસુ કેમ આવ્યાં એ હું નથી જાણતો ગુરુજી. વાસ્તવમાં હું એ પણ નથી જાણતો કે મારે શું જોઈએ છે આ જીદંગીમાં."

ગુરુજી:" જે લોકો એ જાણી જાય છે એ લોકો જ આ તળાવ પાર કરી શકે છે બેટા. તારા પુનર્જન્મના કર્મોના લીધે તું અહીંયા સુધી આવી શક્યો છે. જા એ જાણવાની કોશિશ કર અને જ્યારે જાણી જઈશ ત્યારે હું જ તને આ તળાવ પાર કરાવીશ."

આદિથ:" ગુરુજી, પણ આ તળાવ કેમ? મને સમજાયું નહિ. આ તળાવમાં શું છે?"

ગુરુજી:" આ તળાવ એક માર્ગ છે શાંગ્રિલા ઘાટી સુધી જવાનો. "

આદિથ:" એ શું છે?"

ગુરુજી:" એ જાણવું હવે તારું કામ છે. તારી દુનિયામાં પણ તને એનો જવાબ મળી શકે છે. બસ આ માયાની પર રહીને આગળ વધવાનો પ્રયત્ન કર. સફળતા જરૂર મળશે. તથાસ્તુ."

આદિથ એ એમને નતમસ્તક થઈને હાથ જોડ્યા ને એ અંતર્ધ્યાન થઈ ગયા અને આદિથ બેભાન થઈ ગયો.

આદિથને જ્યારે હોશ આવ્યો ત્યારે તે જ્યાં થાક ખાવા રોકાયો હતો ત્યાં સુઈ ગઈ હતો. બાજુમાં લીંબુ પાણી વેચતાં ભાઈએ એને ઉઠાડ્યો. એની જોડે બીજા લોકો પણ ટોળું વળીને એને જોઈ રહ્યા હતા.

આદિથ:" મને શું થયું હતું?"

પેલા લીંબુપાણી વાળા ભાઈ:" તમે અહીંયા આવ્યાં ને થોડીકવારમાં સુઈ ગયા. મને એમ કે થાકી ગયાં હશો એટલે સુઈ ગયા હશો. પણ બહુ વાર થઈ એટલે મારે તમને ઉઠડવા પડ્યા."

આદિથ:" અને પેલા ગુરજી?"

પેલા ભાઈ:" કોણ ગુરુજી?"


આદિથ:" કોઈ નહીં." એ સમજી ગયો હતો કે આ રહસ્ય એના સુધી રહે તો જ મજા છે.


અસ્તુ