કેરીના કારનામા Rutvik Kuhad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેરીના કારનામા

રશીદ, કિશન અને શેઠ. બધા ઍક સરકારી ખાતામાં જોડે નોકરી કરતા. નવી નવી ભરતી થયેલા આ બધા જોડે મોજ મસ્તી કરતા ને મજાથી જીવન વિતાવતા.

એકનું નામ લો અને બીજાને ભુલાય એવા એકથી એક ચડિયાતા. અંદર અંદર ઘણી વખત ઝઘડો પણ કરી લેતા પણ જ્યારે બહારનું કોઈ સામે આવે તો ભેગા મળીને સામેવાળાના નાળિયેરની જેમ છોતરા કાઢીને ફોલી નાખે એવા ભાઈબંધ હતા.

એમની સાથે જ અનુષા નામની એક છોકરી નોકરી કરતી હતી. કામનો બહોળો અનુભવ, ઉંમરમાં આમના કરતાં મોટી અને મદદગાર સ્વભાવ આ ત્રણેય ગુણોના સંગમથી તે આ બધાની માનીતી દીદી થઈ ગઈ હતી. અનુશાના ઘરવાળા એટલે આમના જીજાજીને દર અઠવાડિયે શની રવિની રજાઓ આવતી હોવાથી એ ત્યાં એમના ગામ આવતા. માનીતી દીદી અનુશાના ઘરવાળા એટલે એ જીજાજીને પણ બધા સારી રીતે સાચવતા.

જીજાજી દેખાવે એકદમ ટિટમકોડી, ટીટોડીનો ટાંગો જ જોઈ લો. એમ લાગે કે જોરથી પવન આવશે તો એમના ટાંગા જમીન પર રહેશે કે નહી. પણ સ્વભાવ સારો અને પૈસે ટકે પણ સુખી ખરા. એટલે જ્યારે આવતા ત્યારે એમની આદત મુજબ એમની વસ્તુ દેખાડીને મોટી મોટી વાતો કરતાં. કંઈપણ સારી વસ્તુ હોય કે પછી પૈસા હોય, એ દરેક વસ્તુનો દેખાડો કરતા. પણ એ દેખાડો એ હદે વધી જતો કે છેવટે પોપટ જ થાય.


લોકડાઉનમાં લાંબી રજાઓ ભોગવ્યા પછી જીજાજી અનુશાને નોકરી પર મુકવા આવ્યા. હવે લોકડાઉન દરમિયાન એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાય એટલે પરાણે પરાણે આઇસોલેશનમાં રાખવામાં આવતાં. ચૌદ દિવસ એક જ ઘરમાં પુરાઈ રહેવાનું. એ પણ પોતાનું અમદાવાદ મૂકીને સૌરાષ્ટ્રમાં! એમ વિચારીને જ જીજાજીના મોતિયા મરી ગયા. જરૂર કરતાં વધારે લાંબુ નાક હોવા છતાં થોડીવાર ગભરામણ લાગવા માંડ્યું. પણ પોપટ પાંજરે પુરાણા પછી બે દિવસ અકળાઈને બોલે અને પછી એમાં રહેવા ટેવાઈ જાય એમ આ જીજાજી પણ ધીમે ધીમે ટેવાઈ ગયા. પાંજરે પુરાયેલા પોપટ ને ય મનગમતું મરચું આપો તો પાંજરું ય વ્હાલું લાગે એમ જ આ જીજાજીને સોરઠની કેસર કેરી જીભે ચડી. અમદાવાદમાં તો આવી કેરી મુશ્કેલીથી મળતી, અને એ પણ બે ત્રણ ગણા ભાવ સાથે. એટલે એમને તો સસ્તા ભાડે જાણે સિદ્ધપુરની જાત્રા કરવા મળી હોય એટલો આનંદ થયો. જિંદગીમાં ક્યારેય કેરી જોઈ ન હોય એમ ઠુસી ઠુસીને કેરીઓ ખાધી. એટલાથી ધરાયા ન હોય એમ શું સૂઝ્યું કે પોતાને શહેર બધા સગાવહાલા માટે કેરીઓ લઈ જવાનો પાનો ચડ્યો.
એટલે જીજાજી એમના પાળીતા સાળા રશીદ સાથે ઉપડ્યા કેરી લેવા. રશીદને જીજાજી પૈસાવાળા એટલે વધુ ગમતા. ક્યારેક કામ આવે એમ વિચારી એનું બધું કામ કહ્યાગરી વહુની જેમ કરતો. સામે પક્ષે જીજાજીને એમ કે આને ભાવતાલ સારા આવડે છે. તો બે પાંચ રૂપિયા ઓછા કરાવશે. એટલે બંને એકબીજાને મસ્કા મારે. સરવાળે ગધેડો ઊંટ નું રૂપ વખાણે અને ઊંટ ગધેડાનું ગીત વખાણે એવું લાગતું. પણ રસિદ એકલો ન હોય. ભૂંડના બચ્ચાં ના ટોળાની જેમ એની જોડે આખી ટોળકી હોય જ. એટલે કિશન, કીશનનો ભાઈ રમલો અને શેઠ પણ કેરીની ખરીદી કરવા સાથે ગયાં. ભેંસ લીધા પહેલા જ દૂધનો હિસાબ કરતાં હોય એમ આખી ટોળકીને જોડે લઈ જતા જીજાજી ઘણા હરખાયા. કે આજે તો બહુ સરસ કેરીઓ લઈશું ને શહેર જઈને બધાને આપણે લાવેલી કેરીઓ ખવડાવશું. સસ્તું મળતું હોય ત્યાં સુધી મુકાય નહી એવી દાનતથી ખરીદી ત્યારે ક્યાં ખબર હતી કે આ કેરીઓ એમનો રસ કાઢી નાખવાની છે.


બે ત્રણ જગ્યાએ જોઈને કૂતરાની જેમ સૂંઘી સૂંઘીને એક જગ્યાએ કેરીઓ પસંદ કરી. કેરીઓનો રંગ હજુ લીલો જ હતો. એટલે કેરી વેચવાવાળાએ બોક્સમાં કેરી નાખતાં નાખતાં બાહેંધરી આપી કે,"આ તો હાંખની પાકેલી સે સાબ. કાલે તો ખાવા જેવી ય થઈ જાહે. વધીન બે તયણ દી'. બાપના હમ બસ."


બાપના સમ કોઈ ખોટા ખાઈ ખરા, એમ વિચારી આઠ દસ પેટીઓ એકસાથે ગાડીમાં ભરીને બધા નીકળી પડ્યાં. એમને ખબર નહોતી તો આ બધાએ બાપને સમ ખાવા પૂરતો જ રાખ્યો છે. ૨ દિવસમાં તો જીજાજીએ એમના શહેરમાં બધા સગાઓને ત્યાં ટપાલી ટપાલ પહોંચાડે એટલી સ્પીડથી કેરીઓ પહોચાડી દીધી. એમાંથી ઘણાએ સામે ચાલીને ના પાડતા હોવા છતાં પરાણે પૈસા પણ આપ્યા. જીજાજીને તો બેય હાથે લાડવા મળ્યા જેટલી ખુશી થઇ. પણ હવે એ ખુશી ફુગ્ગા અંદરની હવાની જેમ હવામાં ફરર થઈ જવાની હતી.

એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ પણ કેરીઓ પાકી નહિ. કેરીને ઊંઘી ચતી, કરી જોઈ. ટકોરા મારી જોયા કે ખોટી તો નથી ને. વળી પેટી પેક કરી કે કદાચ કાલે પાકશે. થયા, ૩ દિવસ થયા…પણ કેરીઓ પાકે નહીં. ચોથા દિવસે એમના માતાનો ઘરેથી ફોન આવ્યો કે,
"તોતારામ આ કેસર કેરી છે કે પોપટકેરી? પાકતી કેમ નથી. એની પાકવાની રાહમાં તો હવે હું થાકી પાકી ગઈ."


એમને ગમે તેમ મનાવ્યા કે ધીમે ધીમે પાકશે. કાર્બાઈડ વગરની છે.. વગેરે વગેરે ત્યાં વાળી સાળીનો ફોન આવ્યો કે "હવે આનું અથાણું કરી નાખું બનેવીલાલ? આ ભવમાં તો નહી પાકે આ." વળી એમની સાથે લમણા ઝીંક કરીને મનાવ્યા. હવે તો જીજાજી પોતે પાકી ગયા હતા. આવ પાણા પગે પડ એ આનું આમ.


એમનું દોઢ ડહાપણ આ વખતે બધાને ભારે પડ્યું. એકબાજુ કેરીઓ ખરાબ તો નીકળી અને પૈસા પણ ગયા. એટલે અમુક ભીંડા જેવા સબંધી એ એ પૈસા લેખે લાગે એ માટે એ કાચીપાકી બગડેલી કેરીઓ પણ ખાવાનું પસંદ કર્યું. એટલે એમને એમનું પોતાનું ડહાપણ પણ નડ્યું. કેરીનો રસ કેમેય કરી એમના પેટમાં સમાઈ નહોતો રહ્યો. દિવસમાં ચાર પાંચ વખત શૌચાલય ની મુલાકાત લેવી પડતી તોય અંદર કેરી નો રસ તો જાણે ગુડ ગુડ કરીને કહેતો હોય કે જ્યાં સુધી મારો એકાદ અંશ પણ અંદર રહેશે ત્યાં સુધી તો હું બધું ખાલી કરીને જ રહીશ. આટલું ઓછું પડતું હોય એમ જીજાજીનાં સસરાનું પણ બૂચ ખુલી ગયું. બૂચ શું નળ જ ખુલી ગયો હતો. ટોયલેટમાં જ બેઠા રહેતા આખો દિવસ. માંડ બે મિનિટ શાતા વળી એટલી વાર માં તો અનુશાને ફોન કરીને ફરિયાદ કરી કે " જમાઈ આ કેવી કરી લાવ્યા છે. બધાના પેટ ખરાબ કરી નાખ્યાં." બસ હવે શું જોઈતું તું. જીજાજીની હાલત એમની ધર્મપત્નીએ ખરાબ કરી નાંખી. ને એમનો રસ કાઢી નાખ્યો.


ટીટીમીટી જેવા જીજાજી ચિંતામાં ને ચિંતામાં હજી અડધા થઈ ગયાં. પણ, હવે આ કેરીના વેપારીને કોઈ હિસાબે નહીં છોડે એવો મનોમન નિશ્ચય કરી લીધો.

એના પછીના અઠવાડિયાના શનિવારે જીજાજી ધુઆપૂઆં થતાં આવી પહોંચ્યા. આખી ટોળકીને ભેગી કરીને બધી વાત કરી. બધા ગુસ્સે ભરાયા.

" આમ કેમ આપણને બનાવી જાય? જોઈ લઈએ કાલે." બધાને પોતાની સાથે જોઈને જીજાજીનો ગુસ્સો ઔર વધ્યો.

" હા, હવે તો જોઈ જ લઇશુ." રવિવારે જીજાજીએ બધા સાળાઓને ભેગા કરીને ફરી એ વેપારી જોડે પહોંચ્યા.

" ઓ ભાઈ.. ગયા અઠવાડિયા અમે તમારી જોડેથી સાત પેટી કેરીઓ લઈ ગયા હતા. તમે કીધું હતું બે ત્રણ દિવસમાં પાકી જશે. અઠવાડિયું થવા આવ્યું. તેમ છતાં હજી પાકી નથી. હવે આમાં અમારે શું કરવું?" કિશને વાત શરૂ કરી.

કિશન અને રસીદ બંને પાકા મિત્રો. જાણે રામ લક્ષ્મણની જોડી જોઈ લો. ઓફિસમાં બધા એ બંનેને સાઢુભાઈ કહીને ચીડવતા. રસીદ હોય ત્યાં કિશન હોય જ. કિશન આમ મનમોજીલો માણસ. પણ એકવાર બોલવાનું શરૂ કરે એટલે એને બંધ કરાવવો એ કોઈના બસની વાત નહોતી. પણ એની ચાવી રસીદ જોડે હતી. રસિદ એને ચૂપ કરાવી શકતો. એટલે રસિદના ઇશારે કિશને બોલવાનું શરૂ કર્યું.


" અને કેરીઓ તમે કીધું હતું કે કેસર છે એટલે લઈ ગયા હતા પણ, એ કેરીઓ કેસર પણ નહોતી. અથાણાની કેરીઓ હતી બધી. તમારા લીધે અમારે નીચે જોવાનું થયું." એકલા હાથે ડાળી પણ તૂટે નહીં એવા જીજાજી બધા જોડે હોવાથી થોડી હવામાં રહીને વાત કરી રહ્યા હતા.

" ભાઈ પણ મેં તો એવી કેરીઓ વેસી જ નથી. હું પેટીનો વેપાર કરતો જ નથી. હું તો સુટક કેરીઓ વેસુ સુ. બાપના હમ બસ." વેપારી ખંધો ખેલાડી નીકળ્યો. તાવ જોઈને એણે તો આખી વાત જ બદલી નાંખી.

" એલા તે દિવસે ય તે તારા બાપના હમ ખાધા હતાં. ને આજે પાછો ખોટા ખાય છે. અને અમે આટલા છ જણા આવીને કહીએ છીએ તો અમે ખોટા એમ?" કિશનનો પારો ધીરે ધીરે વધી રહ્યો હતો.

કેરીના ગોટલા જોડે પણ કંઇ નિસ્બત ન્હોતી, તે છતાં એમના બાપાનો મોંઘામુલો દાગીનો ચોરાઈ ગયો હોય એમ જીજાજીના વ્હાલા સાળાઓ પેલા કેરીના વેપારી પર ચઢી ગયાં. આ જોઈને જીજાજીને તો ટેસ પડી ગઈ.

" જો ભાઈ જૂઠું ના બોલ. અા કેરીઓ તારી જોડે થી લઇ ગયા હતા." રસીદ વચ્ચે વચ્ચે બોલતો, પણ શાંતિથી વાત કરતો.

" પણ મેં આવી કેરીઓ વેસી જ નથી, તો ક્યાંથી લઇ જાવ મારી પાહેથી? બાપના હમ બસ" વેપારી એક નો બે થવા તૈયાર નહોતો.

" તને હું લાગે સે અમે આયાં રોલ કરવા આવ્યા સીએ?" ગુસ્સો આવે ત્યારે માણસ પોતાના અસલ રૂપમાં આવી જાય એમ કિશનના મોઢામાંથી એની પ્રાદેશિક ભાષાની સરવાણી ફૂટી. સરકારી નોકરી કરતો કિશન હવે બધું ભૂલીને એની ગામઠી ભાષામાં આવી ગયો.

"આ...આ દેખાય સે તને?" પોતાના શર્ટ પરનું નિશાન બતાવતા કિશન બોલ્યો:" આ ગવર્મેન્ટ નોકરી કરી સી. તારી આ કેરીઓ હાટુ અમે કાંઈ ભૂખ્યા નથ મરવાના." એમ કહીને ત્યાં આગળ પડેલું વજનનું બાટીયું જોરથી લારી પર પછાડ્યું.

એટલામાં બીજો એક ગ્રાહક પેલા વેપારી જોડેથી કેરીઓ લેવા આવ્યો ને પૂછવા માંડ્યો:" ભાઈ...આ કેરીઓ શું ભાવ છે? "

પણ ગુસ્સે થયેલા કિશને એને ભગાડી મૂક્યો:" એ ભાઈ જતો રે. આ બગડેલી કેરિયું વેસે સે. અમે એના જ પૈસા લેવા આવ્યા સીએ." વાતાવરણ તંગ જોઈને પેલો ગ્રાહક ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો.

તમાશાને તેડું ન હોય એમ આજુબાજુ લોકો આ તમાશો જોવા ભેગા થઇ ગયા. વેપારી આ જોઈને આજુબાજુવાળા બીજા વેપારીઓને બોલાવી બોલાવીને કહેવા લાગ્યો:" અરે આમને કોઈ કહો કે હું સુટક કેરીઓ જ વેસુ સુ. હું પેટીઓ વેસતો જ નથી."

પેલો બીજો વેપારી કંઈ બોલે એ પહેલા જ આ બધા વચ્ચે તૂટી પડતાં:" હવે એને શું ખબર કે તું શું કરે છે અને એ દિવસે તો એ હતો પણ નહીં તો એ કઈ રીતે કહેવાનો?"


એટલામાં રસિદ બધાને શાંત કરતા બોલ્યો:" તમે લોકો શાંતિ રાખો. એ પૈસા આપી દેશે. કિશન તું ઘરે જા." રમલા બાજુ જોઈને બોલ્યો:" ઓ ભાઈ…. આને ઘરે લઈ જા. અમે બે શાંતિથી વાત કરીએ છીએ. એ પ્રેમથી પૈસા આપી દેશે મને. તમે ટેન્શન ના લો."


એટલામાં જીજાજી ધીરે રહીને માંદી મીંદડીની જેમ વેપારીને બોલ્યા:" તારી જોડેથી કેરીઓ લઈને અમે બીજા સંબંધીઓને આપી કે અહીંયાની કેરીઓ સારી આવે અને તે અમને ખરાબ કેરીઓ પકડાવી. હવે એ લોકો શું વિચારતા હશે?"

" હાસ્તો, તારા લીધે અમારી ઈજ્જત ગઈ." ક્યારનો કંઈ ન બોલતો રમલો હવે ગુસ્સે થઈ ગયો. એ ક્યારનો બોલવા માટે લાગ જોતો હતો. રમલો એ કિશનનો સગો ભાઈ. કદાવર કદ કાઠી.આમ તો કહેવા માટે પોલીસની ભરતી માટે તૈયારી કરતો હતો. પણ, હંમેશા ઝઘડા માટે તૈયાર. કોઈ નાનો મોટો ઝઘડો થયો હોય તો એ ત્યાં હાજર જ હોય. કિશનના આ બધા ઓફિસના મિત્રો જોડે એને પણ ફાવતું એટલે આ બધા જોડે જ આખું ગામ રખડતો.


" અરે બાપના હમ, મેં કેરીઓ વેસિ જ નથી તો હું ક્યાંથી તમને પૈસા આપુ?" વેપારીએ એના રોતડા રોવાના ચાલુ રાખ્યા.

બધા અંદર અંદર વાત કરવા લાગ્યા કે આ તો મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

હવે અત્યાર સુધી શાંત બેઠેલો રસીદ દૂધ ઉકળે એમ ઉકળી ઉઠ્યો. નજીક આવીને ધીરે પણ બહુ ગુસ્સાથી પેલા વેપારીને લાફો મારવા જતો હોય એમ હાથ ઉપાડ્યો પણ હિમ્મત ન થતાં એનાં ગાલે અડાડીને બોલવા માંડ્યો:" તારા આ બાપના હમના લીધે જ તારા ગાળિયામાં ભરાયા તા, તારા બાપાની તો.. " મોઢા સુધી આવેલી ગાળ અંદર જ ગળી જઈ તે આગળ બોલ્યો, "ક્યારના શાંતિથી કહીએ છીએ તો ખબર નહીં પડતી તને. કેરીના પૈસા તો અમે લઈને જ જઈશું. અને જો તારે ન આપવા હોય તો.. " એટલું બોલી કિશન સામે જોઈ કહ્યું,".. કિશન... આ કેરેટ લઈ જા ભાઈ, 3 કેરેટ લઈ જા. પૈસા આપે એટલે પાછા આપીશું. જોઉં છું આ શું કરી લે છે."

કિશન ભરેલા કેરેટ એક ઝાટકે ઉપાડવા જતાં ઉપડ્યા નહીં એ હાથમાંથી છટકતાં પાડતા પાડતા બચ્યો. એટલે ત્યાં ને ત્યાં એમજ પડી રાખ્યા.

એટલામાં રમલો પણ ફાટ્યો:" તારે પોલીસને બોલાવી હોય તો બોલાવ. જોઈએ કોને પકડીને લઈ જાય છે? એલા… ફોન લગાવો તો પેલા ઇન્સ્પેક્ટરને. શું નામ હતું એનું?"

આજુબાજુ વાળા બધા પૂછવા માંડ્યા કે શું થયું? બધાએ એમને પણ આખી વાત કીધી કે કેવી રીતે કેરીઓમાં આ વેપારીએ એમને છેતર્યા.


આજુબાજુના લોકો પણ જોવા લાગ્યા ને પૂછવા લાગ્યા, પણ આમની જોડે આવેલો શેઠ એક શબ્દ પણ બોલે નહિ. શેઠ એટલે કે નરેન. નરમ ઢીલી ઘેંસ જેવો. એને ઠાઠમાઠથી બસ પડ્યા રહેવા જોઈએ. હરામ બરાબર જો કોઈના કોઈ કામમાં આવ્યો હોય તો. પોતાનું કામ પણ બીજું કોઈ કરી આવે એવું એને ગમે. બસ પગ લાંબા કરીને બેઠા રહેવાનું. શેઠ જેવી જિંદગી જીવવા જોઈએ. એ જેવો આવ્યો હતો એવો જ ત્યાંનો ત્યાં ચૂપચાપ બાચકા જેવો બેઠો રહ્યો.

વાત પોતાના હાથમાંથી જતા જોઇને પેલા વેપારીએ એના માલિક રાજુભાઈને ફોન કરીને બોલાવી લીધો. એનો માલિક રાજુ એકદમ ગુસ્સામાં છાતી પહોળી કરીને આવ્યો.

" હું સે ભાઈ તમને વાંધો હું સે? આમ કેરેટ કાં ઉઠાવી લ્યો સો તમે?"

એનો રૂઆબ જોઈ આ બધા થોડા ઢીલા પોચા થયાં. અને એકબીજા સામે જોવા લાગ્યા. પછી રસિદે જ વાત શરૂ કરી. એન બધી હકીકત જણાવી અને પ્રેમથી એને બાટલીમાં ઉતાર્યો. " આપણે પહેલા પણ મળેલા છીએ. હું તમને સારી રીતે ઓળખું છું એટલે તમે શાંતિ રાખો અને આને કહો કે અમારા પૈસા આપે એટલે અમે છૂટા."

રાજુભાઈ હવે પેલા વેપારીને ધીરે ધીરે પાણીમાં બેસતા દેખાયા. ગુસ્સે થઈને આવેલા રાજુભાઈ હવે પ્રેમથી અને હસીને વાત કરવા લાગ્યા. રસીદે આપેલી ગોળી એ પ્રેમથી પી ગયા અને પેલા વેપારીને સમજાવવા લાગ્યા કે:" જો ભાઈ આટલા બધા લોકો આવ્યા સે તો કાંઈ જૂઠું બોલતા નહીં હોય. જો ખરેખર તે એમને ખરાબ કેરીઓ અાયપી તી તો તારે એમને પૈસા આપવા પડે એ દેખીતી વાત સે."

" સારુ તમે કેરી લઈ આવો જોઈ. મારી જ પેટીઓ હશે તો હું લઈશ." વેપારીએ નવો દાવ રમવાનું શરુ કર્યું.

હવે જીજાજી ટેન્શનમાં આવી ગયા:" એક અઠવાડિયા પછી તારી ખરાબ કેરીઓ કેમની વધી હશે? ને તારી આ કેરીઓ બીજા સગાઓને આપી છે. એમની જોડે હવે માંગવા જવાની?"

" જો ભાઈ કેરીઓ પાસી આપવી હોય તો પેટીઓ તો બતાવવી જોહે." વેપારી એની વાત પર કાયમ રહ્યો.

રાજુભાઈએ પણ એના સૂરમાં સૂર પુરાવ્યો. જીજાજીને હવે ટેન્શનમાં પરસેવા ઉતરવા માંડયા. જીજાજી તો સાચા જ હતા પણ કેરીઓ લાવવી તેમની તેના માટે યક્ષ પ્રશ્ન થઈ ગયો. પણ રસીદ હાર માને એવો નહોતો. એ તરત જ એના વ્હાલા જીજાજીના વહારે આવ્યો:" વાંધો નહીં જીજાજી આપણે લેતા આવજો. ખરાબ તો ખરાબ કેરીઓ. પેટીઓ લાવીને એના મોઢા પર મારશું અને પૈસા લઈને જાશું."

હવે પાછી બાજી જીજાજીના હાથમાં આવતા જણાઈ. જીજાજી ખુશખુશાલ થઇ ગયા. બાકી બધા પણ જોડે જોડે બોલવા માંડ્યા:" હા ખરાબ તો ખરાબ. આને લાવીને આપી દઈશું. આપણે પૈસાથી મતલબ."

વેપારી હવે કરગરવા માંડયો:" સાહેબ હું ગરીબ માણસ છું. હું ક્યાંથી એટલા પૈસા લાવિશ?"

" આ વસ્તુ તો તારે ખરાબ કેરીઓ વેચતા પહેલા વિચારવું જોઈતી હતી ને. હવે શું?"


બધા ત્યાંથી ઝઘડો કરીને એવું નક્કી કરીને નીકળી ગયા કે ભલે ખાલી પેટીઓ બોલાવીને આપશું પણ પૈસા તો લઇને જ રહીશું. જીજાજીને સારી રીતે સમજાવી દીધા કે તમે ખાલી મળે તો ખાલી પેટીઓ લઈને જ આવજો. જીજાજી એ પણ આમાં હા માં હા પાડી.

છાતી ઠોકીને બધા ત્યાંથી નીકળ્યા ને કહેતા ગયા કે આવતાં અઠવાડિયે આવીને પૈસા લઈ જઈશું. વેપારીને એની ભૂલનો પછતાવો થઈ રહ્યો હતો. એ દિવેલ પીધા જેવું મોઢું કરીને આ બધાને જતાં જોઈ રહ્યો.


" વાહ… તમે લોકોએ તો પેલાની પથારી ફેરવી નાંખી. હું એકલો હોત તો આટલું બધું ના બોલી શક્યો હોત." જિજાજીએ બધાની સામે એમના બધાના વખાણ કર્યા ને પોતે જેવા છે એવા બધાની સામે સ્વીકાર કર્યું.


પણ સાચી હકીકત એમના શહેર પાછા આવ્યા પછી ખબર પડી. નસીબ અવળા હોય તો ભોંયમાંથી પણ ભાલા વાગે એમ જેટલી કેરીઓ બધા સગાને આપી હતી એમાંથી મોટાભાગના લોકોએ બધી કેરીઓ ફેંકી દીધી હતી અને જોડે જોડે પેટી પણ ફેંકી દીધી હતી.


હવે તો નાગા બાવા જેવી હાલત થઈ ગઈ હતી. ન્હાવું શું ને નીચોવવુ શું. હવે શું કરવું? પેલા વેપારી જોડેથી પૈસા કેમના લેવા? આખી ટોળકી જે ફાંકા ફોજદારી કરીને આવી હતી એ બધું પાણીમાં ગયું.

પછીના અઠવાડિયે જ્યારે જીજાજી પાછા આવ્યા ત્યારે ખબર પડી કે ના કેરીઓ છે કે ના પેટીઓ. બધી મહેનત પાણીમાં ગઈ. ને જે છાતી ઠોકીને વાયદા કરી આવ્યા હતા એ પણ એળે ગયાં. બધા સાળાઓ જીજાજી પર તૂટી પડ્યા અને ફરી જીજાજીનો પોપટ થયો.


અસ્તુ