ખૂટતી કડી Rutvik Kuhad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂટતી કડી

ખૂટતી કડી


" પારસ, ધ્યાન રાખજે આજે થોડું. આપણી ચેનલની ઈજ્જત હવે તારા હાથમાં છે. " એબીસી ચેનલના વાઇસ પ્રેસિડેન્ટ મિ પરાગરા આજે આમતેમ આંટો મારી રહ્યા હતા. એ.સી. કેબીન હોવા છતાં તેમને પરસેવો ઉતરી રહ્યો હતો.

" સર, તમે આવું બધું બોલીને મને વધારે હેરાન ન કરો. હું ઓલરેડી ટેન્શનમાં છું."

" હા, સારું સારું. ખોટું ટેન્શન ન લે. બધું ઠીક થઇ જશે. કશું મોકલાવું તારી માટે. ઠંડુ - ગરમ કંઈક ?"

" ના, ચાલશે. હું કહી દઈશ પટાવાળા કાકાને. હમણાં જરા ફરી આ સ્ક્રિપ્ટ વાંચી જાઉં છું. છેલ્લા ટાઈમ પર ક્યાંક લોચા ના પડે. " માથા પર હાથ મુકતા પારસ બોલ્યો.

પારસ આજે થોડો ચિંતિત હતો. આજ પહેલા એણે ઇન્ટરવ્યૂ તો લીધા હતા, પણ ક્યારેય આટલી મોટી હસ્તીનો ઇન્ટરવ્યૂ એણે નહોતો લીધો. એટલે આજે હાલત ખરાબ હતી કે ક્યાંક કઈ ભૂલ ન થઇ જાય?

એ ઇન્ટરવ્યૂ શહેરનાં જ નહીં, પણ દેશમાં જેમનું નામ થઈ ચૂક્યું હતું એવા ગુંજ એન જી ઑ ના સંસ્થાપક શ્રી કમલેશ દારૂવાલાનો હતો. એક સફળ નોકરી કરી અને તેના પછી એક સફળ બિઝનેસમેન બન્યા અને આજે એક સફળ એન જી ઓના સંસ્થાપક હતા. જે આજે ઘરડાઘર, અનાથાશ્રમથી લઈને ગરીબ મજ઼દૂરોના હક માટે પણ લડતા આવ્યા હતા.

એમની પ્રામાણિકતા અને નીડરતાથી આજ એમની સંસ્થાનું નામ આખા દેશમાં જાણીતું બન્યું હતું. એમના આ ગુણોને લીધે જ આ સંસ્થાનું એટલું નામ થયું હતું અને આ સંસ્થાને આટલું દાન મળતું રહેતું હતું.

કમલેશભાઈ આમ ક્યારેય કોઈને ઇન્ટરવ્યૂ ન આપતા. પણ, એક ગુજરાતી હોવાના લીધે અને ચેનલના ચેરમેન એમના મિત્ર હોવાના લીધે ઘણીબધી વાટાઘાટો પછી એ પહેલીવાર આમ ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થયા હતા.

તેઓ દ્રઢપણે માનતા કે " કંઇક બોલીએ એના કરતાં કંઇક કરીએ એ વધારે સારું રહે. અને યોગી કરતાં ઉપયોગી બનવું વધારે સારું. " એટલે આવા ઇન્ટરવ્યૂની જગ્યાએ કામને વધારે મહત્વ આપતા. પણ હવે મિત્રતા માટે તૈયાર થયા હતા.

કમલેશભાઈ ઇન્ટરવ્યૂ રૂમમાં આવીને બેઠા. રૂમની સજાવટ અને આખો એ સ્ટુડિયો જે રીતે તૈયાર કરાયો હતો એ ખરેખર વખાણવા લાયક હતો. આજુબાજુની સ્ક્રીન પર એમના અલગ અલગ ફોટા હતા અને એટલા સરસ રીતે મૂકવામાં આવ્યા હતા કે જોનાર અભિભૂત થઇ જાય. આમતેમ નજર કરતા એ એકદમ ખુશ થઈ રહ્યા હતા. આમ નજર ફેરવતા એમનું ધ્યાન ઇન્ટરવ્યૂ લેનાર પારસ પર પડી. અને જોયું તો પારસ ચિંતિત દેખાયો એટલે એમણે સહજભાવે જ પૂછ્યું :" આર યુ ઓકે?"

પારસ:" યસ સર. આઈ એમ ફાઈન. બસ તમારા જેવા મોટા સેલિબ્રિટીનુ પહેલી વાર ઇન્ટરવ્યૂ લઉં છું. અને તમારા ઇન્ટરવ્યૂ સાથે અમારી ચેનલનું નામ પણ ઉપર જશે. એટલે એનું પણ દબાવ છે મારી ઉપર કે કોઈ ભૂલ ન થઈ જાય.
અને એમાં પણ તમે પહેલીવાર ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો. એટલે તમારા વિશે મને ઝાઝી ખબર પણ નથી. એટલે ક્યાંક તમને કંઇક.... ખોટું..."

કમલેશભાઈ હસી પડ્યા:" અરે યાર... બહુ ડરી રહ્યો છે તું. મને તારો દોસ્ત જ સમજ. હું તારી જેમ જ સીધો સાદો માણસ છું. "

પારસ પરાગરા સાહેબ સામે જોવા લાગ્યો. પરગરા સાહેબે જરાક હકારમાં માથું ધુણાવ્યું. ને પારસના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. કમલેશભાઈના આમ હસીને એકદમ સહજતાથી કરેલી વાતની પારસ પર એક જાદૂઈ અસર થઈ અને એણે પૂરા આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ શરૂ કર્યું.

પારસ:" મિત્રો આજે આપણી સાથે જોડાયા છે એક એવા વ્યક્તિ જેમના નામથી એમની આખી સંસ્થા ચાલી રહી છે. એમનું વ્યક્તિત્વ અને ગુણોના લીધે એમની લોકચાહના એકમાત્ર ગુજરાત પૂરતી નહિ રહીને આખા ભારતમાં ફેલાઈ છે."

કમલેશભાઈ મોઢા પર સ્મિત લઈને પારસને સાંભળી રહ્યા.

પારસ:" કમલેશભાઈ, તમારું સ્વાગત છે અમારા શો જેનું નામ છે શોવબીઝ. કમલેશભાઈ પહેલી વાર કોઈ ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે અને એ પણ એક ગુજરાતી ચેનલને જેની એમને ભારોભાર ખુશી છે. "

કમલેશભાઈ:" ખૂબ ખૂબ આભાર આપનો. પણ હું મૂળ એક ગુજરાતી છું અને પોતાની ધરતી અને એની સુગંધને હું ક્યારેય ન ભૂલી શકું. એટલે જ એ સુગંધને તાબે થઈને આજે અહીંયા બેઠો છું તમારી સામે. "

પારસ:" તમે તમારી સંસ્થા ' ગુંજ ' દ્વારા આજે ઘણા સામાજિક કામ કરી રહ્યા છો. અને એક સારું નામ થયું છે તમારી સંસ્થાનું. તમે આ બધું કેવી રીતે કર્યું?

કમલેશભાઈ:" બસ પોતાને આવેલા વિચારોને માત્ર પોતાના હ્રદયમાં જ સીમિત નથી રાખતો. એને જન્મ લેવા દઉં છું. અને એની માટે મહેનત પણ કરું છું. બસ એટલા માટે કે રાતે મારો માહ્યલો મને જંપીને સુવા દે. "

પારસ:" વાહ.... કેટલા સરસ વિચાર!! અને આ વિચારો થકી જ આ સંસ્થા આગળ આવી છે એમાં બેમત નથી. કમલેશભાઈ... મારો બીજો સવાલ એ હતો કે આ સંસ્થા ઉભી કરવા પાછળ કોઈ કારણ? કોઈ એવો વિચાર કે જે આ સંસ્થા માટે મૂળભૂત કહી શકાય? તમને કેવી રીતે આવું કરવાનો વિચાર આવ્યો?"

કમલેશભાઈ:" આજે હું તમને બધી જ વાત વિસ્તારથી જણાવી દઉં. આની પાછળ એક નાની એવી પણ ખૂબ માર્મિક વાત છે.

મારે એક સારી નોકરી અને જોડે જોડે બાપદાદાનો બિઝનેસ પણ હતો. બધું જ સારું. છતાં કંઇક ખૂટતું હોય એવું લાગતું. કંઇક હજી નથી એ મહેસૂસ થતું.

હું અને મારી પત્ની બંને નોકરી કરતા. અને સરકારી નોકરીમાં એનું પોસ્ટિંગ જરા દૂર સૌરાષ્ટ્રમાં આવ્યું હતું.એટલે દેખીતી રીતે જ મારે ત્યાં આવવા જવાનું છાશવારે થતું. પહોચતા સુધીમાં ૫-૬ કલાક એમ જ થઈ જતાં. એવામાં એક દિવસ ડ્રાઈવિંગથી થાકીને હું થાક ખાવા એક ટોલનાકાની નજીક જ રોકાયો. ત્યાં મારી નજર સામે એક વૃદ્ધા પર પડી. તેને જોઈને લાગતું કે તે કોઈની રાહ જોઈને ત્યાં ઊભી છે. પાલવમાં કંઈક સંતાડેલ હતું. તે વારેઘડીએ તેની અંદર જોતી અને તેના બોખલા મોં પર સ્મિત ફરકી જતું. વળી કોઈ જોઈ ન જાય એવી રીતે તેને સાડીના પાલવ નીચે સંતાડી દેતી. ફરી તેની નજર પાછી રસ્તા પર મંડાતી. ખાસ્સી એવી વાર થઈ પણ કોઈ આવ્યું નહીં. તેના કરચલીવાળા ચહેરા પર નિરાશાના વાદળો ઘેરાતા લાગ્યા. મને પણ એના વિશે થોડું કુતૂહલ જાગ્યું. ક્યાંક જવું હોય તો હું એમને મૂકી આવું એ વિચારથી હું એમની પાસે ગયો.

મેં એમને જઈ પૂછ્યું, "શું થયું માજી, કોઈની રાહ જુઓ? ક્યાંય જવું હોય તો હું મૂકી જાઉં."

તેમણે મારા તરફ શંકાભર્યો દૃષ્ટિપાત કર્યો. અવિશ્વાસની ભાવના તેમની આંખોમાં હું સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. પાલવમાં રાખેલી એ એમની કિંમતી વસ્તુ મને દેખાઈ નજાય એમ સંતાડતા તેમણે પોતાની નજર પાછી રસ્તા પર રાખતાં જ જવાબ આપ્યો,

"મારાં દીકરાની રાહ જોઉ છું. એણે મને કહ્યું હતું કે હું તને અઠવાડિયા પછી લઈ જઈશ. હું જો ત્યાં સામે જ રહું છું. પણ આજે હવે અહીંથી જતી રહીશ." પોતાના રહેઠાણ તરફ આંગળી ચીંધી તે વૃદ્ધાએ આજે અહીંથી જતા રહેવાના ઉત્સાહ સાથે જવાબ આપ્યો.
તેણે જ્યાં આંગળી ચીંધી તેના તરફ નજર પડતાં જ મારી દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. એ જ્યાં રહેતી હતી તે હતું "ઘરડાઘર".
મને સમજતા વાર ન લાગી કે પુત્ર ખોટું આશ્વાસન આપી એમને અહી રાહ જોવા જ મૂકીને કાયમ માટે તરછોડી ગયો છે. એ માજીની હાલત જોઈ મારું હૃદય દ્રવી ઉઠ્યું.

એ દિવસ મારી નજર ત્યાં બાજુમાં રહેલા ઘરડાઘર પર પડી. મેં નજીક જઈને જોયું. એમાં ઘરડાઓ તો હતા, પણ ઘર જેવું કંઈ ન્હોતું. બસ દીવાલો ઊભી કરવામાં આવી હતી અને ઉપર છાપરાં. તેમ છતાં એ ઘરડાઓ ત્યાં એકદમ સારી રીતે રહી રહ્યા હતાં. એમણે એને એક ઘર બનાવી રાખ્યું હતું. જેમના હાથ પગ ચાલતાં એ લોકો બધું કામ કરતા અને જે લોકોની ઉંમર વધારે થઈ ગઈ હતી એમની પણ સેવા કરતાં. ટુંકમાં એ બધા એક પરીવારની જેમ રહેતા અને એકબીજાની મદદ કરતાં. હું ગયો તો એમણે મને બેસાડ્યો ને પાણી પીવડાવ્યું. હું એક દાદા જોડે વાત કરું ત્યાં સુધીમાં એક બા એ મારી માટે સરસ ચા બનાવી આપી. એમની આવી હાલત કે એમને એમના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય તેમ છતાં દુનિયા માટે કોઈ તિરસ્કાર નહિ અને જે પણ મહેમાન કે રાહ ચાલતો આવે એની દિલથી આગતા સ્વાગતા કરતા જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. એટલે મેં મારી તરફથી દાન આપવાની વાત કરી. એમણે ફોન કરીને એક ભાઈને બોલાવ્યાં. કોઈક દાન આપવા આવે તો નજીકના ગામના કોઈક મોભી હતા એ આવતાં. કોઈ દાન આપે એટલે એ મોભી પૈસા લે અને તેની પાક્કી પહોંચ આપે. મને એમની આમ પહોંચ આપવાની રીત સારી લાગી. પણ, મને હવે જરા આ ઘરડા લોકોની ચિંતા થવા લાગી. લાગ્યું કે ખરેખર આમને કોઈ જતાં દિવસે આમ સાવ નોંધારા મૂકીને જતું રહેતું હશે? એમનો જીવ કેમનો ચાલતો હશે. મારા દાદી મોટી વયે ગાંડા જેવા થઈ ગયા હતા. તેમ છતાં અમે ઘરે જ રાખ્યા હતા એમને. બધી જ સેવા કરી. બગડેલા કપડાં પણ અમે ધોવ્યા. ને આ લોકોને આ હરતા ફરતા મા બાપ નડે છે? "

બોલતા બોલતા કમલેશભાઇની આંખો ભીની થઈ ગઈ અને ગળું ભરાઈ આવ્યું. ને સાંભળતાં સાંભળતા બીજા લોકો પણ ઘરડાઘરમાં રહેતા વૃધ્ધોની આ પરિસ્થિતિનો ચિતાર જોઈને દુઃખી થયાં.

પારસે ટેબલ પર તેમની સામે મૂકેલો પાણીનો ગ્લાસ કમલેશભાઇને ધર્યો. કમલેશભાઈએ પાણી પીધું અને પારસને " થેંક્યું " કીધું.

કમલેશભાઈએ ફરી બોલવાનું શરૂ કર્યું:" હું પણ ત્યારે એક પી એસ યુ માં નોકરી કરતો. દરેક પી એસ યુ નો એક નિયમ હોય છે કે જેમાં એમનો જે કંઈપણ નફો થાય એમાંથી થોડો ભાગ નજીકના વિસ્તાર અને સમાજને ઉન્નત કરવામાં વાપરવામાં આવે. આ નિયમને દરેક કંપનીમાં અલગ અલગ નામથી ઓળખે. અમારી કંપનીમાં સી એસ આર કહેતા. એટલે મેં મારી કંપનીમાં આ ઘરડાઘરની વાત કરી. એની માટે બધા જરૂરી કાગળો અને બધો જ રિપોર્ટ મેં જાતે તૈયાર કર્યો અને આ વૃદ્ધાશ્રમને બને એટલા વધારે રૂપિયા મળે એવો પ્રયાસ કર્યો કે જેનાથી એમનો આ ઘડપણનો સહારો સારો બને અને એ લોકો સારી રીતે રહી શકે.

આ બધું જાણવા માટે જરાં વધારે ઊંડા ઉતરતા મને ખબર પડી કે ગામમાંથી જે મોભી આવીને પૈસા લઈને પહોંચ આપતા હતા એમાંથી ઘણો ખરો ભાગ એ જાતે જ લઈ લેતા. આ વાત મને હેરાન કરી ગઈ. બેઘર થયેલા અને ખુદના જ સંતાનો દ્વારા તરછોડાયેલા કોઈકના બુઢ્ઢા મા બાપના મદદ માટે આપેલા પૈસા પણ કોઈ કંઈ રીતે લઈ શકે?

એટલે મેં સી એસ આર ના આવેલા બધા પૈસાનો ઉપયોગ જાતે કરવાનો નિર્ણય લીધો. થોડા દિવસની રજા લઈને મેં જ બધું આયોજન કર્યું. આખા ઘરડાઘરના બાંધકામ માટે મેં જ એક ડિઝાઈનર અને બિલ્ડરને રોક્યો. આખું પ્લાનિંગ થાય નહિ ત્યાં સુધી ત્યાં જ રહ્યો. બાંઘકામ ચાલુ થયાં પછી જ ત્યાંથી ખસ્યો હતો.

આ બધું જ કરતાં મને એક શાંતિની અનુભૂતિ થતી. એ દિવસોમાં મને જે ઊંઘ આવતી એ આજ સુધી નથી આવી. એવું લાગ્યું જાણે અત્યાર સુધી જિંદગીમાં જે ખૂટતું હોય એ આ જ છે. મારે આ જ કરવું જોઈએ. લોકોની મદદ. અને બસ ત્યારથી હું આ બાજુ વધારે ને વધારે વળ્યો. દિવસે દિવસે જેમ મેં એ લોકો માટે કામ કર્યા એમ મને વધારે ને વધારે ગમવા લાગ્યું. જાણે મારી અંતરાત્મા મને આ જ કરવા પ્રેરતી હોત એમ. અને બસ મે નક્કી કરી લીધું કે હવે આ જ કરીશ હું આગળ. આગળ જતાં મેં નિવૃતિ જલ્દી લીધી અને આ જ કામને મારું બધું બનાવી લીધું.

પણ હા, આ કામ જેટલું સરળ છે એટલો જ ત્યાગ માંગે છે. પણ, એની મજા જ કંઇક અલગ છે. અને આમ મને મારા જીવનની એ ખૂટતી કડી મળી ગઈ."

' થેંક્યું ' કહીને કમલેશભાઈએ દર્શકો તરફ બે હાથ જોડયા.

અને તાળીઓના ગડગડાટથી ત્યાં હાજર પ્રેક્ષકોએ એમની આ નાનકડી પણ અત્યંત પ્રેરણાદાયી વાતને વધાવી લીધી.


અસ્તુ