“બાની”- એક શૂટર
ભાગ : ૭
“અરે મને આમ બહાર કેમ બોલાવી? તારા ઘરે મને બોલાવતો કે મારા ઘરે તું આવતો.” બાનીએ કહ્યું અને નાના બાળકની જેમ એક્ટિંગ કરતાં બોલી, “ બાની જલ્દી મને અત્યારે મળો.”
“અરે કમોન મારા પણ કોઈ પ્લાન સેટ કરેલા હોય છે. તો પણ હું ટાઈમ કાઢીને આવી છું. હવે બકો યાર ચૂપ કેમ છે?” બાની એકધારુ બોલતી ગઈ.
“જો તું ચૂપ રહીશ તો હું કશુંક બકુ ?” લકીએ ગુસ્સાથી કહ્યું.
બાની ચૂપ રહી અને લકીએ બોલવાનું ચાલુ કર્યું, “ તને ખબર જ છે અને આપણી બંને ફેમીલીનો પહેલાથી જ એવો વિચાર હતો કે આપણે બંને એકમેકને પસંદ કરીને મેરેજ કરી લઈએ. પણ હું એક વીક પહેલા જ દિયાને જોઈને આવ્યો. એ વાત તો તને ત્યારે જ ખબર હતી કે અમે છોકરી જોવા જવાના છે. તો સારી વાત એ છે કે અમે બંને એકમેકને પસંદ કરી લીધા છે.”
“તો એમાં વાંધો શું છે? તું એમ ઈચ્છે છે કે પંડિતનું કામ હું કરું? મંત્ર વાંચીને તારા લગ્ન કરું?” તદ્દન સ્વભાવિકતાથી ફટથી બાની બોલી.
“અરે તું મજાક છોડ. તારા ડેડનો ફોન આવ્યો હતો. પણ મારા ડેડ ને સારું નથી લાગતું સામેથી કહેવાં માટે. એટલે હું ઈચ્છું છું કે તું તારા ડેડ ને કહી દે કે લકી મને પસંદ નથી.” લકીએ બાનીના હાવભાવ જોતાં કહેવાં લાગ્યો.
“તારી શક્ક્લ જોઈ?” બાનીનું માન ઘવાયું હોય તેવી રીતે સિરીયસ થતાં કહ્યું. “ મારા બાપા સાથે આ વાતને લઈને ગઈકાલની રાત્રે જ ડિસ્કસ કરી નાંખ્યું છે. મને કોઈની સાથે પ્રેમ બ્રેમ નો ચક્કર રહેવા જોઈએ કે નહીં?”
“પ્રેમ નો ચક્કરવાળો વિચાર એ તારો પર્સનલ મંતવ્ય છે. હું તને પસંદ કરતો હતો. મને એમ પણ લાગતું હતું કે બાની જેવી ખુબસુરત છોકરી લાઈફમાં બીજે કશે જોવા ના મળે. પણ દિયાને મળીને લાગ્યું એ તો હુસ્નની પરી છે.” લકીએ સહેજ કહ્યું.
“હા તો તું કર ને મેરેજ હુસ્નની પરી સાથે. ડેડને હું સંભાળી લઈશ.” બાનીએ આશ્વસ્ત કરતાં કહ્યું.
“થેંક યુ બાની. આજે ફર્સ્ટ ડેટ છે દિયા સાથે. કોઈ ટીપ્સ?” ચીડવતો હોય તેવી રીતે લકીએ બાનીને પૂછ્યું.
બાનીએ તરત જ એના હાથમાં ધબ્બો મારતા કહ્યું, “ તું હુસ્ન જોઈને આવ્યો છે. દેખાવ સાથે મતલબ ના રાખતો. સામેથી લવ આપજે લવ મળશે.”
“બરાબર..!! કોઈ પ્રેમ બ્રેમનો ચક્કર રહેવા જોઈએ કે નહીં.” લકીએ કહ્યું અને બંને ખડખડાટ હસી પડ્યા.
પરંતુ બેખબર બાનીને ક્યાં ખબર છે કે હવે એના લાઈફમાં પણ પ્રેમ બ્રેમનું આગમન જલ્દી જ થવાનું છે...!!
****
લકીએ ઘરમાં જઈને બાની સાથે થયેલી મુલાકાતની વાત કહી. પરંતુ અંદરખાને દિપકભાઇનું મન માનતું ન હતું. તેવું જ લકીના મોમ જ્યોતિબેનનું પણ હતું. તેઓ તો ચાહતા જ હતાં કે બાની આ ઘરની વહુ બને..!! સ્થિતિ એવી આવી ગઈ હતી કે હવે હા કે ના નો જવાબ કોને આપે? કેમ કે દિયા લકીએ એકમેકને પસંદ કરી લીધા હતાં જયારે બાનીને વહુ બનાવા માટે લકીના મોમ ડેડ ઘણા ઉત્સુક પહેલાથી જ હતાં અને હવે તો સામેથી બાનીના ડેડ કનકભાઈએ પણ ફોન કરીને જણાવી દીધું કે એવું હોય તો આપણે આગળ વાત કરીએ.
ઊંડો શ્વાસ લેતાં દિપકભાઈએ કહ્યું, “ લકી, તું સાચ્ચે જ દિયા સાથે મેરેજ કરવાં માગે છે ને? જો એવું ન હોય તો આપણે બાની સાથે...” દિપકભાઈની વચ્ચે જ વાત કાપતાં લકીએ કહ્યું, “ ડેડ, પ્લીઝ હવે આ બાની નામનું ચેપ્ટર ક્લોઝ કરો. એ મને નથી પસંદ કરતી. એના ડેડ વ્યવહારુ છે એટલે બાનીનો વિચાર કરીને આપણા ઘરમાં આપવાં માંગે છે. પણ બાનીને પસંદ ન હોય તો વાત આગળ વધાવીને કોઈ અર્થ નથી. હું દિયાને પસંદ કરી ચુક્યો છું.”
થોડી પળો માટે આલીશાન બંગલાના ડ્રોઈંગ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. લકી પોતાના બેડરૂમમાં જતો રહ્યો. જ્યોતિબેન અને દિપકભાઈ ઊંડી ચર્ચામાં ઉતર્યા. કોઈ નિષ્કર્ષ કરતાં એમણે ફરી કનકભાઈને ફોન લગાવ્યો, “ કનકભાઈ, તમે ખોટું નહીં લગાડશો. પણ લકી માટે છોકરી જોવા જવાની વાત તો તમારી સામે જ કરી હતી. એ જ જનકભાઈ અને રૂપાબેનની છોકરી દિયા પર લકીએ પસંદગી ઉતારી છે. પણ હું મારા નાના છોકરા ઇવાન માટે બાનીની જો હા હોય તો વાત આગળ ધપાવીએ. વિચારીને કહેજો. ઉતાવળ નથી.” દિપકભાઈએ ખૂબ જ પ્રેમપૂર્વક કહ્યું.
“ વાંધો નહીં. મારા પરિવારમાં વાત કરીને પછી જણાવું આપને.” કનકભાઈએ પણ એટલા જ પ્રેમપૂર્વક વાત કરીને ફોન મુક્યો.
****
“ડુડ, આપણું આખું ફ્રેન્ડ સર્કલ એન્જીનીયરીંગ કરીને ફસ્યું હોય એવું લાગે છે.” એહાને કહ્યું. અને ઈવાન સિગારેટનો લાંબો કશ લેતો ધુમાડો ઉડાવતો વાત સાંભળતો રહ્યો.
એહાન...!! એટલે કે આ બોયઝ ગ્રુપનો નવો જોડાયેલો ફ્રેન્ડ. એ પણ ઈવાન ક્રિશ બાની હની સેમ રહેમાનની જેમ એન્જિનિયરનું ભણવાનું પતાવ્યું હતું પણ બીજી કોલેજથી. એહાનને ફક્ત ઈવાન ક્રિશ અને લકી જ ઓળખતાં હતાં. પણ જીગરી દોસ્ત જેવો માનીતો થઈ ગયો હતો.
“હા યાર ફસ્યું તો ફસ્યું. પણ સાલું જોબ કરવાં માટે પણ ઈન્ટરેસ્ટ નથી જાગતો યાર. મારા મોમ ડેડ તો મને જીવતા જ ખાઈ જશે એવું લાગે છે.” ક્રિશે કીધું અને ઈવાનની જલતી સિગારેટ લઈને પોતાના મોઢામાં મૂકી.
“એહાન..!! તું મેઈન ટોપિક પર આવને. શું કહેવાં માટે આજે ભેગા થયા છે?” ઈવાને પૂછ્યું.
“તને તો આમ જ સામેલ કર્યો છે આ ટોપિકમાં. બાકી તને આ આઈડિયા સાથે કોઈ સંબધ નથી.” એહાને કહ્યું.
“હા અમે બધા રહ્યાં ગરીબના ગરીબડા. તું રહ્યો અમીરનો અમીર. એટલે ફક્ત સાંભળ્યા કર.” ક્રિશે કીધું.
“અરે તું ઠોક ને યાર તારી આઈડિયા.” રહેમાન ક્યારનો ચૂપ બેઠો હતો એણે વચ્ચે જ ટાપસી પૂરી.
એહાને ત્રણેય ફ્રેન્ડના મોઢા જોયા અને વાતની શુરૂઆત કરી, “ જુઓ યાર, કોઈ સારો જોબ ના મળે ત્યાં સુધી આપણે કઈક સોશિયલ એક્સ્પરીમેન્ટ કરીએ કે? હું એકલો આ બધું કરી શકું એમ નથી. જો તમારો સાથ સાથે હોય તો..!!”
“એય્ય ટોપું ચલ આગળ બક યાર.” ક્રિશે અધીરાઈથી કહ્યું.
“જો મારી આઈડિયા એવી છે કે આ કામ માટે આપણે બીજા કોઈને હાયર કરી શકીએ એમ નથી. જાણો જ છો આપણે બધા જ અત્યારે પૈસા વગરના છીએ.” એહાનને પોતાના ફ્રેન્ડોને કંઈ પણ કરીને પોતાની આઈડિયામાં સામેલ કરવાં હતાં. એટલે એ એક એક શબ્દને ખુબ જ સમજાવી વિચારીને બોલતો હતો.
“અરે તું ફેક ને યાર. જરા જલ્દી કર. એટલી અધીરાઈ તો મેં હની સાથે પણ દેખાડી નથી. હું શું કહું છું એ તમે શાનમાં સમજી જાઓ.” ક્રિશે કીધું અને જાણે બધાને જોક્સ સુજ્યો હોય તેમ એહાન સિવાય બધા ફ્રેન્ડે હાસ્યનો ટહાકો લગાવ્યો.
“હું પ્રેન્ક વિડિઓ બનાવા માગું છું.” એહાને ફટથી કીધું અને બધા ફ્રેન્ડો શાંત થયા પછી ફરી જોર જોરથી હસ્યા.
“પ્રેન્ક અને એનો એન્કર કોણ?” એહાન? જે દોસ્તો સામે સરખું બોલવા માટે પણ શરમાય છે. એ શું પબ્લીક સામે જઈને વિડીઓ શૂટ કરશે ?” રહેમાને કીધું.
“આઈડિયા તો સારી છે. પણ આ કામ ઇવાનને આપે તો. ભાઈનો મસ્તીભર્યો નેચેર છે.” ક્રિશે કીધું.
“એન્કરનું કામ આપણે ચારો દોસ્તો કરીશું. બધાને એક પછી એક બધું જ કામ સોંપવામાં આવશે. જેથી બધા જ બધું કામ શીખી શકશે. હવે મને તમારો બધાનો અભિપ્રાય સાંભળવો છે.” એહાને શાંતિથી કહ્યું.
“એટલે ભૈયા પણ હવે કરવાનું જેવું શું છે યાર.” ક્રિશ અકળાયો.
“સિમ્પલ અને સરળ ભાષામાં લોકો સામે જઈને કોઈ ટોપિક પર વિડિઓ બનાવાનો. છુપો કેમેરો લગાવેલો હશે. એટલે કે એન્ટરટેન્ટ કરવાં માટે વિડિઓ શૂટ થશે. અને સોશિયલ મિડિયા પર વાઈરલ થતાં જ આપણે બધા આસમાનમાં ઉડવા લાગીશું.” રહેમાન નરી આંખે સપનાં જોતો હોય તેવી રીતે કહ્યું.
“એ બધું થઈ જશે.” એહાને કહ્યું. બધાનાં ફરી એક વાર મોઢા જોતાં પૂછ્યું. “તો શું સમજું ?”
“ચાલો ભાઈ હાથ આજમાવીએ બીજું શું.” ઈવાને કહ્યું.
એહાન સમજી ગયો કે ઈવાનની હા એટલે બધા ફ્રેન્ડોની હા. ઈવાન ફ્રેન્ડ ગ્રૂપનો લીડર હતો.
એહાન લાસ્ટમાં એટલું જ બોલ્યો, “ સાલું આપણાને હવે એવું લાગવા લાગ્યું છે કે એન્જીનીયરીંગનું તો ભણ્યાં. પણ એ કામ સિવાય આપણે બધું જ કામ કરીને બેસવાનાં છે.”
બધા ફ્રેન્ડો તાલી મારીને હસ્યાં.
(ક્રમશઃ)
(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)