અચાનક આદિત્યના મોબાઈલ પર રિંગ વાગી. અનન્યાનો કોલ જોઈને આદિત્યએ તરત રિસીવ કર્યો.
"હા અનન્યા બોલ કેમ ફોન કર્યો??"
"તું પહોંચી ગયો રાજસ્થાન??"
"ના હજુ રસ્તામાં જ છું મારી કાર બગડી ગઈ હતી. એટલે એક ફ્રેન્ડ મળી ગયો એની સાથે જ જઈ રહ્યો છું." આટલું બોલીને આદિત્યએ બાજુમાં બેસેલ વ્યક્તિ તરફ નજર કરી તો તે ચીસ પાડી ઉઠ્યો.
"ઓહ માય ગોડ આઆઆઆ"
આદિત્યએ જોયું તો તેની બાજુમાં કોઈજ નહોતું. ગાડી તેની જાતેજ રસ્તે દોડી રહી હતી. આદિત્યના જોવાથી ગાડીમાં એક જોરદાર વળાંક આવ્યો. આદિત્યની ચીસ સાંભળીને અનન્યા ચિંતામાં આવી ગઈ.
"આદિ આદિ તને મારો અવાજ સંભળાય છે?? ક્યાં છે તું??" અનન્યા જોરજોરથી ચીસ પાડતી બોલતી રહી.
આદિત્યની આંખ સહેજ મીંચાઈ ગઈ. તેણે જોયું તો કાર એક ઝાડ સાથે ટક્કર ખાઈને બંધ પડી ગઈ હતી. અનન્યાની બૂમો આદિત્યને ફોનમાં સ્પષ્ટ સંભળાઈ રહી હતી. આદિત્યએ ઘવાયેલ હાલતમાં નીચે પડી ગયેલો ફોન ઉઠાવ્યો.
"હ.... હેલો"
"આદિ વોટ હેપન્ડ?? જલ્દી બોલ. મને ચિંતા થઇ રહી છે."
"અનુ મને કાંઈ ખબર નથી પડતી આ બધું શું થઇ રહ્યું છે??"
"તું ક્યાં છું આદિ?? પ્લીઝ સાચું બોલજે.. "
"હું અત્યારે તો કદાચ ભરૂચની આસપાસ છું. પણ ખબર નહીં હું પાછો આવીશ પણ કે નહીં??"
"આ શું બોલે છે તું?? હું તને કંઈજ નહીં થવા દઉં. તું મને તારું લોકેશન સેન્ડ કર. હું હમણાં જ આવું છું."
અનન્યાના બોલવાથી સામે કોઈ જવાબ ના આવતા અનન્યાએ બે ત્રણ વાર આદિત્યને બૂમો મારી પણ અનન્યાએ સ્ક્રીન તરફ જોયું તો ફોન બંધ થઇ ચૂક્યો હતો. તેણે ફરી ફોન લગાવવાના પ્રયત્નો કર્યા પણ આદિત્યનો ફોન સ્વીચઓફ બતાવવા લાગ્યો. અનન્યાને માથામાં પોટ વાગવાથી તેના કપાળે લોહીના ટીપા જામી ગયા હતા. તે આદિત્યના ઘરેથી નીકળીને પોતાની હોસ્ટેલ પર આવી ચૂકી હતી. ત્યાંથી જ તેણે આદિત્યને કોલ કર્યો અને આ બધું થઇ ગયું. અનન્યાએ તરત પોતાના મોંઢા પર પાણીની છાલકો મારી અને પોતાના લોહીનાં ડાઘાને સાફ કરીને તે ફટાફટ પોતાની હોસ્ટેલથી નીચે ઉતરવા લાગી.
હોસ્ટેલથી ઉતરીને જ તેણે પોતાની આંખો બંધ કરી અને એ સાથે જ એક કારનો દરવાજો ખુલી ગયો. અનન્યા માત્ર એટલું જાણતી હતી કે આદિત્ય રાજસ્થાન નીકળ્યો છે તો તે નક્કી ક્યાંક રસ્તામાં ફસાયો હશે. અનન્યાએ કારને ચાલું કરીને મુંબઈથી બહાર જતા રિંગરોડ તરફ દોડાવી.
રસ્તામાં અનન્યાને સતત વિચારો આવી રહ્યા હતા.
આદિત્ય સાથે કોણ હશે??
આદિત્યની સાથે કાંઈક....?? ના ના હું એને કાંઈ જ નહીં થવા દઉં....'
પણ હું એને ક્યાં શોધીશ??
મારા ત્યાં પહોંચતા પહેલા મારે આદિત્યને પહેલા સેફ કરવો પડશે.
અચાનક આ વિચાર આવતા જ અનન્યાએ પોતાની આંખો બંધ કરી અને મનમાં કાંઈક ગણગણવા લાગી.
તેની કારમાં ડેશબોર્ડ પાસે જ એક સ્ત્રીઆત્માનો સફેદ પડછાયો ઉપસાયો.
"શું થયું અનન્યા?? કેમ મને બોલાવી??" તે પડછાયાએ અનન્યાને ઉદ્દેશીને કહ્યું.
"મારે આદિત્ય વિશે જાણવું છે. તેના શરીરમાં રહેલી આત્માનો સંપર્ક કરીને મને જણાવ કે એ અત્યારે ક્યાં છે?!!"
"હા જરૂર.... અનન્યા આદિત્ય અત્યારે અમદાવાદની હદમાં પ્રવેશી રહ્યો છે." તે પડછાયાએ એક બે મિનિટ પોતાની આંખ બંધ કરીને આદિત્ય વિશે અનન્યાને જણાવ્યું.
"શું કીધું?? અમદાવાદ?? ના હોય." અનન્યા આ સાંભળીને એકદમ ચોંકી ગઈ.
"આદિત્ય તે બહુ મોટી ભૂલ કરી નાખી અમદાવાદ જઈને." કહીને અનન્યાએ એક્સિલેટર પર પગ મૂકીને ગાડીને પૂરપાટ વેગે અમદાવાદ તરફ જતા રોડે દોડાવી.
*******************
આ તરફ આદિત્યનો ફોન બંધ થઇ ગયો.
"શીટ!! આ ફોનને પણ અત્યારે જ ડેડ થવો હતો." આટલું બોલીને આદિત્યએ ફોનને જોરથી નીચે પટક્યો.
તે ગાડીમાંથી બહાર આવી ગયો. નિર્જન રસ્તા અને તેની બંને બાજુ ઘનઘોર જંગલ જેવો માહોલ આદિત્ય ઘડીક તો સ્તબ્ધ થઇ ગયો. વેરાન રસ્તે કોઈ વાહન તો ઠીક પણ એક પાંદડું પણ હલવાનું નામ નહોતું લેતું. બપોરનાં 5 વાગી ચૂક્યા હતા. તેને હવે ગમે તેમ કરીને પણ અમદાવાદ પહોંચવું હતું. આદિત્યએ ત્યાંજ રસ્તે ચાલવાનું વિચાર્યું. ત્યાંજ એક એક્ટિવા પાછળથી આવતું હોય એવો અવાજ આદિત્યનાં કાને પડ્યો. તેણે પાછળ તરફ નજર કરી તો એક છોકરી એક્ટિવા લઈને જઈ રહી હતી. આદિત્યએ તેને તરત બુમ મારી. તે છોકરીએ થોડેક આગળ જઈને એક્ટીવાને થોભાવ્યું.
"બોલો??" તે છોકરીએ નરમાશથી કહ્યું.
"મને લિફ્ટ આપશો પ્લીઝ હું ફસાયો છું. મારું અમદાવાદ પહોંચવું ખૂબજ જરૂરી છે. તમે જ્યાં સુધી લિફ્ટ આપી શકો ત્યાં સુધી આપજો ને.." આદિત્યએ વિનંતી કરતા કહ્યું.
"તમે બેસી જાઓ. હું તમને તમારે જ્યાં જવું હશે ત્યાં ઉતારી દઈશ." તે છોકરીએ વિનમ્રતાથી કહ્યું.
આદિત્ય તરત તેની પાછળ બેસી ગયો. રસ્તામાં તેને કયારે ઊંઘ આવી ગઈ તેની એને ખબર જ ના રહી.
અચાનક તે છોકરીએ આદિત્યને ખભેથી હડસેલ્યો ત્યારે આદિત્યની ઊંઘ ઉડી. આદિત્યએ જોયું તો તે અમદાવાદ આવી ચૂક્યો હતો.
"તમારે જ્યાં ઉતરવું હતું ત્યાંજ મેં ઉતાર્યા છે. તમે ચિંતા ના કરશો બસ મગજ અને મનને સતર્ક રાખીને કામ લેજો એટલે તમારા દરેક પ્રશ્નનું નિરાકરણ આવી જશે."
"પણ તમે મને છેક સુધી કેમનો અહીં લાવ્યા?? મેં તો તારી આગળ કોઈ જગ્યાનું નામ જ નહોતું લીધું તો તને કેવી રીતે ખબર કે મારે સાયન્સસિટી વિસ્તારમાં જ જવું છે??"
"દરેક સવાલનો જવાબ સરળતાથી નથી મળતો. કયારેક જવાબ શોધવા દિલ અને દિમાગથી ચાલવું પડે છે. પાછળ જો તારી મંઝિલ પણ આવી ગઈ."
આદિત્યએ પાછળ ફરીને જોયું તો એક અજાણી છોકરી તેના ઘર પાસે રહેલ અગાસીએથી આદિત્ય તરફ આવી રહી હતી. આદિત્યએ ફરીને પેલી એક્ટિવાવાળી છોકરીને પોતાની કઈ મંઝિલ એ વિશે પૂછવા વિચાર્યું ત્યાં સુધીમાં તો તે ક્યાં અદ્રશ્ય થઇ ગઈ એની આદિને ખબર જ ના રહી.
"તું છું આદિત્ય??. " પેલી છોકરીએ નજીક આવીને પૂછ્યું.
"હા હું છું. તને કેવી રીતે.....??" આદિત્યએ નવાઈ લાગતા પૂછ્યું.
"હાય!! હું છું માધવી. ઓમની ગર્લફ્રેન્ડ. ઓમ ક્યાં રહી ગયો તેણે જ મને કહ્યું હતું તમે લોકો આવવાના છો. તમારે આટલું લેટ કેમ થયું?? ઓમનો ફોન પણ બંધ આવે છે." માધવીએ એકસાથે સવાલોનો મારો ચલાવ્યો.
આદિત્યએ માધવીને અંદર જવા માટે કહ્યું. ઘરની અંદર જતા જ આદિત્ય માધવીને તેમની સાથે બનેલ દરેક ઘટના કહેવાનું ચાલું કર્યું. ઓમની ડેથ સાંભળીને માધવીને આંચકો જરૂર લાગ્યો. પણ તેણે પોતાની જાતને સંભાળી.
"તો તું ચાલતો ચાલતો આવ્યો??"
"ના. એક છોકરીએ લિફ્ટ આપી. તે જોઈ નહીં??"
"તારી આસપાસ કોઈ નહોતું. એ કોઈ સારી આત્મા હશે જેણે તારી મદદ કરી અને રક્ષા પણ."
"એ મેં જ મોકલી હતી." પાછળથી અનન્યાનો અવાજ સાંભળીને આદિત્ય અને માધવી બંને ચોંકી ગયા અને એ તરફ નજર કરી.
અનન્યા બેફામ ચાલતી ચાલતી તેમની તરફ આવી રહી હતી...
"માધવી આદિત્યને અહીંયા બોલાવીને તે ઠીક નથી કર્યું." આટલું બોલીને તરત અનન્યાએ પોતાનો હાથ માધવીના ગળા પાસે રાખીને જોરથી ભીંસવા લાગી.......
(ક્રમશ:)
આપને કેવી લાગી નોવેલ એ કહેવાનું નાં ભૂલશો...