અંતિમ વળાંક - 21 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ વળાંક - 21

અંતિમ વળાંક

પ્રકરણ ૨૧

ઈશાને જયારે ભીની આંખે કહ્યું કે આશ્રમના બાળકોને સ્વીટ તેની પત્ની ઉર્વશીની યાદમાં જ વહેંચી છે ત્યારે જ સામે બેઠેલી સ્મૃતિને ખ્યાલ આવ્યો કે ઇશાનની પત્ની આ દુનિયામાં નથી.

“ઓહ , આઈ એમ એક્ષ્ટ્રીમલી સોરી. ”

‘સ્મૃતીજી, ગયા વર્ષે જ ઉર્વશીનું લંડનમાં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. તેના અસ્થિવિસર્જન માટે જ હરિદ્વાર આવ્યો છું. ગઈ કાલે જ એ પવિત્ર કામ પતાવીને હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે અનાયાસે જ પરમ એટલેકે પરમાનંદ સ્વામી સાથે મુલાકાત થઇ”.

“પરમાનંદ સ્વામીના અમારા આશ્રમ પર અનેક ઉપકારો છે. ગયા વર્ષે આર્થિક તંગીને કારણે આ આશ્રમ બંધ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. અચાનક તેમણે ખૂબ મોટી રકમની મદદ કરી હતી. હવે તો દર મહીને નિયમિત મોટી રકમની મદદ ત્યાંથી આવતી જ રહે છે”. ઈશાને નોંધ્યું કે સ્મૃતિના ચહેરા પર પરમાનંદ પ્રત્યે આદરનો ભાવ હતો.

“સ્મૃતીજી, હું અહીં ત્રણેક દિવસ માટે રોકાઈ શકું ?”

“તમારે આગળ ઋષિકેશ દર્શન માટે નથી જવાનું?” સામાન્ય રીતે જે લોકો આશ્રમની મુલાકાતે આવે છે તેઓ મોટે ભાગે ઋષિકેશ જ રોકાતા હોય છે. બાય ધ વે તમારો અહીં રોકવાનો હેતુ જાણી શકું ?”સ્મૃતિએ આખરે મનમાં રમતી વાત પૂછી જ લીધી.

“સ્મૃતીજી, સાચું કહું તો ઉર્વશીનાં અવસાન બાદ મને મંદીરમાં જવાની ઈચ્છા જ થતી નથી. તેથી ઋષિકેશ તો કદાચ ન પણ જાઉં. બીજું કે હું નિરાંતે તમને મારી પત્ની ઉર્વશી વિષે જણાવવા માંગું છું”. ઈશાને પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“ ઇશાન,માત્ર એટલા જ માટે કે મારો ચહેરો તમારી પત્ની સાથે મળતો આવે છે ?” સ્મૃતિએ ધારદાર સવાલ કર્યો.

ઉર્વશીએ પહેલી વાર ઇશાનને તેના નામથી સંબોધન કર્યું જે ઈશાનને સારું લાગ્યું.

“હા.. એક કારણ એ તો ખરું જ.. પણ સાચું કહું તો જીવનમાં કેટલીક વ્યક્તિઓને મળીને એવું લાગતું હોય છે કે આ વ્યક્તિ પાસે જ હ્રદય ખોલી શકાય... જેમ કે પરમાનંદે ગઈકાલે પહેલી વાર મને મળ્યા બાદ તેમનો પૂર્વાશ્રમ યાદ કર્યો હતો”.

“તમે હમણાં તો કહ્યું કે એ તમારા બાળપણના મિત્ર હતા”. સ્મૃતિએ દલીલ કરી.

“હા, પણ પુર્વાશ્રમને યાદ કરવું સાધુ માટે તો પાપ જ કહેવાય પણ એ પાપની પરવા કર્યા વગર તેમણે મારી સમક્ષ હ્રદય ખોલી દીધું હતું. બીજું કે એક વાર માણસ સન્યાસ ધારણ કરે પછી તેના માટે તેના ઘરના સભ્યો પણ પરાયા થઇ જતા હોય છે. વાસ્તવમાં સન્યાસ ધારણ કર્યા બાદ તે વ્યક્તિનો પુનર્જન્મ થયો છે તેમ આપણા શાસ્ત્રો પણ કહે છે. એ દ્રષ્ટીએ તેમના માટે હું એટલો જ અજાણ્યો હતો જેટલા અત્યારે આપણે બંને છીએ”.

સ્મૃતિ ઉંડા વિચારમાં પડી ગઈ. ઇશાનની વાત સાવ કાઢી નાખવા જેવી નહોતી. ઇશાનની આંખમાં જ નહી પણ સમગ્ર વ્યક્તિત્વમાં સચ્ચાઈ છલકાતી હતી. સ્મૃતિએ ચાલીસ વર્ષની ઉમરમાં આ પહેલો પુરુષ એવો જોયો હતો જેનામાં દંભનું નામનિશાન નહોતું. સ્મૃતિને અનાયાસે જ ઈશાનમાં રસ પડયો હતો. જે મનમાં હોય તે જ સામેની વ્યક્તિને કહેવાની ઇશાનની વર્ષો જૂની ટેવ આજે સ્મૃતિના દિલની નજીક લઇ જવામાં મદદરૂપ થઇ રહી હતી.

“ઇશાન, તમારી આટલી બધી ઈચ્છા છે તો ત્રણ દિવસ રોકાઈ શકો છો.. આશ્રમમાં એક ખાલી રૂમ પણ છે... પણ.. ”સ્મૃતિ બોલતાં બોલતાં અટકી ગઈ.

“પણ શું ?” ઇશાન બોલી ઉઠયો.

“અહીં તમને હોટેલ જેવી ફેસીલીટી નહી મળે.. બીજું કે અહીં આશ્રમના બાળકો માટે મેં લાદેલા નિયમો ખુદ હું પણ પાળું છું, જે તમારે પણ પાળવાના રહેશે”.

“ ઓકે.. ડન.. ” ઈશાને જમણા હાથનો અંગૂઠો ઉંચો કરીને ઉત્સાહપૂર્વક કહ્યું.

“ઇશાન, તમારે એ જાણવું નથી કે શું નિયમો પાળવાના થશે ?”

“સાચું કહું સ્મૃતીજી, તમે આ કાયદાપાલનની વાત કરીને મારું દિલ જીતી લીધું છે”.

“એ કઈ રીતે ?” સ્મૃતિને નવાઈ લાગી.

“સ્મૃતીજી, તમારી આ વાત પર થી જ મને ખ્યાલ આવી ગયો કે તમે મને મહેમાન ગણ્યો નથી.. પણ આશ્રમના જ એક બાળક જેવો અથવા તો એક સભ્ય જેવો જ માન્યો છે. આનાથી મોટી વાત મારા માટે બીજી કઈ હોઈ શકે ?”

“ઓહ.. આભાર. ”. સ્મૃતિને ઇશાનની શાલીનતા સ્પર્શી ગઈ. ઇશાનનો દરેક વાતમાં હકારાત્મક અભિગમ સ્મૃતિને તેના તરફ ખેંચાવા માટે મજબૂર કરી રહ્યો હતો.

સ્મૃતિએ પોતાના મનમાં ઉદભવેલા ઇશાન તરફના ભાવ છુપાવતાં કહ્યું... “ સવારે છ વાગે બેલ વાગે એટલે ઉઠી જવાનું રહેશે. સાત વાગે પરવારીને પ્રાર્થના ખંડમાં હાજરી આપવી પડશે. બપોરે અને રાત્રે આશ્રમના બાળકો સાથે જ જમવા બેસવું પડશે. ”

સ્મૃતિને બોલતી અટકાવીને ઇશાન બોલી ઉઠયો.. ”સ્મૃતીજી,મને આશ્રમના તમામ નિયમો મંજૂર છે... અને હા,એક રીક્વેસ્ટ છે. ”

“રીક્વેસ્ટ?” સ્મૃતિ ચમકી... તે મનમાં જ વિચારી રહી.. દરેક વાતમાં હા એ હા કરતો ઇશાન શું ઈચ્છતો હશે ?

“ અત્યારે હું અહીં આવ્યો ત્યારે બાળકો ક્રિકેટ રમતા હતા.. આવતી કાલે હું પણ તેમની સાથે ક્રિકેટ રમવા માંગું છું... ઘણાં વર્ષોથી રમ્યો જ નથી”

“ઓહ.. શ્યોર” સ્મૃતિ હસી પડી. ઇશાન તેના મુક્ત હાસ્યને માણી રહ્યો.

સ્મૃતિ ફરીથી એકદમ સાવધ થઇ ગઈ. તેણે મુદ્દાની વાત કરી. “ઇશાન,તમારો ડ્રાઈવર અહીં નહી રોકાઈ શકે”.

“સ્મૃતીજી, હું વિચારું છું કે ટેક્ષીને હરિદ્વાર પરત જ મોકલી આપું.. જયારે કહીશ ત્યારે મને લેવા અહીં આવી જશે”.

“ઓકે.. ગૂડ”.

ઈશાને આશ્રમની બહાર આવીને ટેક્ષીમાંથી તેની કપડાની નાની બેગ બહાર કાઢીને ડ્રાયવરને પૂરું પેમેન્ટ આપીને પરત મોકલી દીધો.

સ્મૃતિએ ઇશાનને ત્રણ દિવસ સુધી આશ્રમમાં રહેવાની પરવાનગી આપી હતી તે બાબત ઇશાન માટે રાહતજનક હતી. આશ્રમમાં એક ભોલુ નામનો અઢારેક વર્ષનો છોકરો હતો, જે આશ્રમનું તમામ નાનું મોટું કામ સંભાળતો હતો. બિલ્ડીંગની પાછળના ભાગમાં આવેલ છાપરા વાળા મકાનમાં બે બહેનો રસોઈ કરી રહી હતી. ભોલુ થાળી વાટકા ટેબલ પર ગોઠવવામાં લાગી ગયો હતો. ઇશાન મેદાનમાં થઇને હાથમાં બેગ સાથે કાર્યાલય પાસે આવ્યો ત્યારે સ્મૃતિ કાર્યાલયનો દરવાજો લોક કરી રહી હતી. સ્મૃતિએ સાદ પાડીને ભોલુને બોલાવ્યો. ભોલુ દોડતો આવ્યો એટલે સ્મૃતિએ આદેશના સૂરમાં કહ્યું. “ભોલુ, સાબ કા સામાન દસ નંબરમેં રખ દો” ભોલુએ તરત ઇશાનના હાથમાંથી બેગ લઈ લીધી. તે ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલા છેલ્લા રૂમ તરફ જવા લાગ્યો. ઇશાન પણ ભોલુ પાછળ યંત્રવત દોરવાયો.

ઈશાનને રાતે જમવા માટે ભોલુ જ બોલાવવા આવ્યો. ઈશાન તેની પાછળ બિલ્ડીંગની પાછળના ભાગમાં આવેલા મોટા હોલમાં આવ્યો. તમામ બાળકો લાઈનસર ઉભા રહીને શાંતિથી મોટા ટેબલ પર રાખેલી ખાદ્ય સામગ્રીમાંથી પોતાની ડીશમાં એક પછી એક વસ્તુ લઇ રહ્યા હતા. કોઈના ચહેરા પર સહેજ પણ રઘવાટ નહોતો. ઇશાન પણ બાળકોની પાછળ હાથમાં ખાલી થાળી લઈને લાઈનમાં ઉભો રહી ગયો. અચાનક તેની પાછળ જ સ્મૃતિ પણ હાથમાં થાળી લઈને ઉભી રહી. તમામ બાળકો થાળીમાં ખાવાનું લીધા બાદ હોલમાં પાથરેલા પાથરણા પર બેસી ગયા. ઇશાન અને સ્મૃતિ પણ બાળકોની લાઈનની સામેના ભાગમાં રાખેલા પાથરણા પર બેસી ગયા. ઇશાન રોટલીને અડવા ગયો ત્યાં જ સ્મૃતિએ ઈશારા વડે જ તેને રોક્યો. અચાનક એક બાળકે પ્રાર્થના ગાવાનું શરુ કર્યું. તમામ બાળકોએ તેને ઝીલી. ત્યાર બાદ સૌ કોઈ થાળીને નમન કરીને શાંતિથી જમવા લાગ્યા. આશ્રમના શિસ્તભર્યા માહોલથી ઇશાન પ્રભાવિત થઇ ગયો.

જમ્યા બાદ તમામ બાળકો પોતાના રૂમમાં ચાલ્યા ગયા. મેદાનમાં જ સામસામે ગોઠવેલા બે બાંકડા હતા. વિશાળ મેદાનમાં લાઈટના થાંભલામાંથી વેરાતો પ્રકાશ એ બાંકડા પર પણ પડી રહ્યો હતો. “ઇશાન, અહીં બેસીએ”. બંને સામસામે બેઠા. ઇશાન સમજી ગયો કે આ જ મોકો છે સ્મૃતિ સમક્ષ ખુદના ભૂતકાળને ખોલવાનો. ઇશાન અમદાવાદથી શરુ કરીને લંડન સુધીની તેની જીવનયાત્રા તથા ઉર્વશી સાથે ગાળેલાં લગ્નજીવનના ચૌદ વર્ષ એક પછી એક વાગોળવા લાગ્યો. સ્મૃતિ ઇશાનના વાણી પ્રવાહમાં તણાતી ગઈ. ઉર્વશીના અવસાનની વાત કરતી વખતે ઇશાન ગળગળો થઇ ગયો. તેનાથી અનાયાસે જ સ્મૃતિનો હાથ પકડાઈ ગયો. સ્મૃતિએ પોતાનો હાથ ત્વરિત ગતિએ પાછો ખેંચી લીધો. સ્મૃતિ બોલી ઉઠી. ”ઇશાન, મને તમારા પ્રત્યે હમદર્દી છે. પણ એક સ્પષ્ટતા અત્યારે જ કરી દઉં છું કે હું કુંવારી નથી”.

ક્રમશઃ