Antim Vadaank - 8 books and stories free download online pdf in Gujarati

અંતિમ વળાંક - 8

અંતિમ વળાંક

પ્રકરણ ૮

મોટાભાઈએ પાઉચમાંથી એક પ્લાસ્ટિકની કોથળી કાઢીને કહ્યું “ઇશાન,પપ્પા એ વિલ તો નથી કર્યું પણ આમાં તેમની બેંક ડીપોઝીટની રસીદો તથા લોકરમાં મમ્મીના જે દાગીના મૂકેલા છે તેની વિગત લખેલી છે. આ બધાની કીમત લગભગ એંસી લાખ જેટલી છે. કાયદેસર રીતે જોઇએ તો મકાનનાં પણ બે ભાગ પડે અને મકાનની પણ આજની કીમત લગભગ એંસી લાખ જેટલી જ ગણાય. મારી અને તારા ભાભીની ઈચ્છા એવી છે કે આ દાગીનો અને એફ. ડી તમે રાખો અને મકાન અમે રાખીએ જેથી પપ્પાની મિલ્કતના બંને ભાઈઓ વચ્ચે લગભગ સરખા ભાગ થઇ જાય”.

ઇશાન વિચારમાં પડી ગયો. ઇશાન એક શબ્દ પણ ન બોલ્યો એટલે મોટાભાઈએ ખુલ્લા દિલે સ્વીકાર કર્યો “ઇશાન, આમ તો મારી ઓછી આવકને કારણે આટલા વર્ષોમાં પપ્પાની ઘણી ખરી આવક મારા પરિવાર પાછળ જ વપરાઈ છે તે હું સ્વીકારું છું”. બોલતાં બોલતાં મોટાભાઈ ગળગળા થઇ ગયા. ભાભીએ ફ્રીઝમાંથી પાણી લાવીને મોટાભાઈને આપ્યું.

ઈશાને ઉર્વશીની સામે જોયું. બંને વચ્ચે આંખોથી જ વાત થઇ ગઈ. ઉર્વશીની આંખમાં પણ ઇશાન જેટલી જ સહાનુભૂતિ મોટાભાઈ અને તેમના પરિવાર પ્રત્યે હતી.

“મોટાભાઈ,તમારે આવી સ્પષ્ટતા કરવાની જ ન હોય. આ બધું પણ તમારે જ રાખવાનું છે. તમારે હજૂ ત્રણ બાળકોના પ્રસંગના ખર્ચા પણ આવશે. મારી દ્રષ્ટીએ મારા કરતાં તમારે પૈસાની વધારે જરૂર છે”. ઈશાને મોટાભાઈ હાથમાં આપેલું પાઉચ ટેબલ પર મુકીને કહ્યું.

“ઇશાન, એ યોગ્ય ન કહેવાય. કાલે ઉઠીને સમાજ કહેશે કે મોટાભાઈએ નાના ભાઈનો ભાગ પચાવી પાડયો”. ભાભી બોલી ઉઠયા.

“ભાભી, સમાજ શું કહેશે તેના કરતાં વધારે આપણા દિલમાં એક બીજા પ્રત્યે જે આદર છે તે વાત વધારે મહત્વની છે. તમે આ ઘરમાં આવ્યા ત્યારે મારી ઉમર માત્ર દસ વર્ષની હતી. તમે મને ક્યારેય મા ની ખોટ પડવા દીધી નથી”. ઇશાનની આંખ ભીની થઇ ગઈ.

“ભાભી, ઇશાનની વાત સાચી છે. શું પપ્પાની મિલકતના બે ભાગ પાડવા જરૂરી છે? બીજું કે મોટા ભાઈ કહે છે કે મારા પરિવાર પાછળ પપ્પાની આવકનો મોટો હિસ્સો વપરાયો છે તો મારે તમને એટલું જ પૂછવું છે કે તમારો પરિવાર અમારો પરિવાર નથી ? તમારા બાળકો અમારા બાળકો નથી ?આપણે બધા અલગ થોડા છીએ?” ઉર્વશી બોલી ઉઠી. દેરાણી તરીકે ઉર્વશીની ખાનદાની જોઇને ભાભી રડી પડયા.

“ઇશાન , આજના જમાનામાં દેરાણી જેઠાણી એક બીજા માટે બસો પાંચસો રૂપીયાની કિમતની વસ્તુ પણ જતું ન કરી શકતી હોય તેવા માહોલમાં ઉર્વશીના વિચારોનો હું ખરેખર આદર કરું છું”. મોટાભાઈ બોલી ઉઠયા.

“મોટાભાઈ, પ્લીઝ હવે આપણે આ ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ”. ઈશાને વાત પૂરી કરવાના ઈરાદાથી કહ્યું. મોટા ભાઈએ દીવાલ પર લગાવેલા પપ્પાના ફોટા સામે ભીની આંખે જોયું. સુમનરાય જાણે કે ફોટામાંથી પણ આશીર્વાદ આપી રહ્યા હતા.. દીકરાઓ રામ લક્ષ્મણની જેમ કાયમ આમ જ સંપીને રહેજો.

રાત્રે બેડરૂમમાં ઈશાને ઉર્વશીને બાહુપાશમાં સમાવીને કહ્યું હતું “ઉર્વશી, તારું તન જેટલું સુંદર છે તેટલું જ મન પણ સુંદર છે, તે વાત આજે તે સાબિત કરી બતાવી છે”.

“ઇશાન, આપણા ઉપર તો લક્ષ્મીજીની કૃપા છે. વળી તારી એ વાત પણ સોળ આના સાચી છે કે આપણા કરતાં મોટાભાઈને પૈસાની વધારે જરૂર છે”. બાજૂમાં જ ઊંઘી ગયેલા મિતના માથા પર હાથ પસવારતાં ઉર્વશીએ કહ્યું.

થોડીવાર બાદ ઉર્વશી રડી પડી. ” કેમ શું થયું ?” ઇશાનને નવાઈ લાગી.

“ઇશાન, દરેક સબંધો લેણ દેણ પર આધારિત હોય છે. તે જોયુંને? પપ્પાજીના બેસણામાં મારા મમ્મી પપ્પા માત્ર ફોર્માલીટી કરવા આવ્યા હોય તેમ આવીને જતા રહ્યા”. ઉર્વશીના મનમાં દસ દિવસથી ઘૂંટાતી વાત આખરે બહાર આવી જ ગઈ. “ઉર્વશી, આપણે મન મોટું રાખવાનું”. ઈશાને ઉર્વશીના માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું.

ઇશાન પણ મનમાં તો સમજતો હતો કે ઉર્વશીની અપર મા નો જ વધારે વાંક છે કારણકે શરૂઆતથી જ તે ઉર્વશીના પપ્પાને ઉર્વશી સાથે સબંધ રાખવા દેવામાં અડચણ રૂપ હતી. દિવસો વિતતા ગયા. ઇશાન અને ઉર્વશીને લંડન જવા આડે માત્ર સાત દિવસ જ બાકી હતા ત્યાં જ એક દુર્ઘટના બની. સાંજે સોહમ સાથે વસ્ત્રાપુર ગાર્ડનમાં રમવા ગયેલ મિતનું કોઈએ અપહરણ કરી લીધું હતું. ચૌદ વર્ષના સોહમે દોડીને ઘરે આવીને હાંફતા હાંફતા સમાચાર આપ્યા હતા.. ”પપ્પા... કાકા , આપણા મીતને ગુંડાઓ મારુતિવાનમાં ઉઠાવી ગયા છે”. સોહમની વાત સાંભળીને ઘરમાં સોપો પડી ગયો. મોટાભાઈએ આગળ આવીને સોહમના ગાલે તમાચો લગાવી દીધો. “ગધેડા જેવડો થયો તો પણ ભાન નથી પડતું કે છ વર્ષના મિત ને રેઢો ના મુકાય”

“અરે , મોટા ભાઈ આ શું કરો છો?” ઈશાને મોટાભાઈનો હાથ પકડીને તેમને વાર્યા.

“પપ્પા, તમે પહેલાં મારી વાત તો પૂરી સાંભળો”. સોહમ તેના લાલ થઇ ગયેલા ગોરા ગાલ પર ડાબો હાથ રાખીને રડમસ અવાજે બોલ્યો.

“હા જલ્દી બોલ” મોટાભાઈ બરાડયા.

“પપ્પા અમે ગાર્ડનમાંથી બહાર આવ્યા. રસ્તાની સામે જ આઈસ્ક્રીમ મળતો હતો. મિતે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં એક મદારી ડમરું વગાડીને બંદરને ખેલ કરાવવાની શરૂઆત કરી રહ્યો હતો. બે ચાર બાળકો ત્યાં તે જોવા માટે ઉભા રહી ગયા હતા. મિત તે જોવા ઉભો રહ્યો. હું રસ્તો ક્રોસ કરીને સામે આઈસ્ક્રીમ લેવા ગયો. આઈસ્ક્રીમ લઈને પરત આવ્યો ત્યારે મિત ત્યાં ના દેખાયો. અચાનક થોડે દૂર મારું ધ્યાન પડયું. બે હેલ્મેટ પહેરેલા માણસો મિતને ઊંચકીને એક સફેદ રંગની મારુતિ વાનમાં બળજબરીથી બેસાડી રહ્યા હતા. મિત આનાકાની કરતો હતો. ત્યાં ઉભેલા અન્ય છોકરાઓ મદારીનો ખેલ જોવામાં મશગુલ હતા. હું બુમ પાડીને તે તરફ બંને હાથમાં આઈસક્રીમ સાથે દોડયો. મને ઠોકર વાગી. હું નીચે પડી ગયો. મારુતિવાન મીતને લઈને પવનવેગે નીકળી ગઈ. ગભરાટમાં હું તેનો નંબર પણ ન વાંચી શક્યો”. સોહમ રડી પડયો. તેના બંને ગોઠણ છોલાયેલા હતા. જીન્સ ફાટી ગયેલ હતું. ઈશાને તરત સોહમને ગળે લગાવ્યો. ઇશાન હજુ એક પણ શબ્દ બોલે તે પહેલાં ઉર્વશી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ઈશાને તેના તરફ ફરીને કહ્યું. “ઉર્વશી , ચિંતા ન કર. આપણા મિતને કઈ જ નહિ થાય”. ઇશાન ઉર્વશીને આશ્વાસન આપી રહ્યો હતો પણ અંદરથી તો તે પણ ડરી જ ગયો હતો. ઇશાન સારી રીતે સમજતો હતો કે આવા ગુંડાઓનો કોઈ ભરોસો નહિ. કિડનેપ કરેલા બાળકને જાનથી મારી પણ નાખે. મોટાભાઈએ ઇશાનનો હાથ પકડીને હાંફળા ફાફળા થઈને કહ્યું “ચાલ ઇશાન, અત્યારે જ આપણે પોલીસસ્ટેશને ફરિયાદ કરવા જવાનું છે”.

મોટાભાઈ ઇશાનને લઈને બહાર ફળિયામાં એકટીવા પાસે આવી પહોંચ્યા. ઘડીના છઠ્ઠા ભાગમાં જ મોટાભાઈએ એકટીવા સ્ટાર્ટ કર્યું. ઇશાન તેમની પાછળ બેસી ગયો. બંને ભાઈઓ પહેરેલ કપડે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. બંને ભાઈઓ જીવનમાં પહેલી વાર પોલીસસ્ટેશનનું પગથીયું ચડી રહ્યા હતા. અંદર આવ્યા બાદ પૂછપરછ કરતાં એક હવાલદારે તેમને ઇન્સ્પેકટર રાઠોડ સાહેબની કેબીનમાં જવા કહ્યું. કેબીનમાં પ્રવેશ્યા બાદ બંનેએ જોયું કે રાઠોડ સાહેબ ફોન પર ઊંચા અવાજે કોઈની સાથે વાત કરી રહ્યા હતા. રાઠોડ સાહેબે ઈશારા વડે જ બંનેને સામે પડેલી ખુરશી પર બેસવાનું કહ્યું. લગભગ દસેક મિનીટ સુધી રાઠોડ સાહેબની ફોન પર વાત ચાલતી રહી. ઇશાન અને મોટાભાઈ નાછૂટકે ધીરજ ધરીને બેસી રહ્યા. બંનેના ચહેરા પર અકળામણના ભાવ ઉતરી આવ્યા હતા. સત્તા આગળ શાણપણ કરવામાં મજા નહિ તે વાત બંને ભાઈઓ સારી રીતે સમજતા હતા. ફોન પર વાત પૂરી થયા બાદ રાઠોડ સાહેબે પૂછયું “બોલો શું કામ હતું ?” “સાહેબ , મારો છ વર્ષનો દીકરો ગુમ થઇ ગયો છે. ઈનફેક્ટ, તેનું અપહરણ થયું છે”. ઈશાને કહ્યું.

“એ તમે કઈ રીતે કહો છો ?” ઇન્સ્પેકટર રાઠોડે ઈશાનની આંખમાં જોઈને સત્તાવાહી અવાજે પૂછયું.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED