Antim Vadaank - 5 books and stories free download online pdf in Gujarati

અંતિમ વળાંક - 5

અંતિમ વળાંક

પ્રકરણ ૫

પ્લેનમાં યુવાન એરહોસ્ટેસને જોઇને ઇશાનને ઉર્વશી યાદ આવી ગઈ હતી. ઉર્વશી તેના જીવનમાં દોઢ દાયકા પહેલા આવી હતી. કેટકેટલી યાદો હતી ઉર્વશી સાથેની... જીવનમાં કેટલાંક સંસ્મરણો હમેશા લીલા છમ્મ જ રહે છે. લગ્ન બાદના ઉર્વશી સાથેના એ દિવસો કેટલા મધુર હતા? ઇન્દ્રના દરબારની અપ્સરા જેવી જ ઉર્વશી સાથેનું તેનું લગ્ન જીવન ખુદ ઇન્દ્રને પણ ઈર્ષ્યા પમાડે તેવું હતું. મૌલિકની ઓળખાણને લીધે ઇશાનને લંડનની જ એક ટીવી ચેનલમાં ફોટોગ્રાફર તરીકે નોકરી મળી ગઈ હતી. ઉર્વશીએ પણ એરહોસ્ટેસની નોકરી ચાલુ રાખી હતી. વિકએન્ડમાં ઇશાન ફોટોગ્રાફી કરવા માટે ક્યારેક લેઈક ડીસ્ટ્રીક્ટ તો ક્યારેક વેમ્બલીની આજુબાજુના સ્થળોએ પહોંચી જતો. ફોટોગ્રાફીના પેશનને લીધે જ ઈશાને ઉર્વશીને સુહાગરાતે જ કહ્યું હતું. “ઉર્વશી,તું સારી રીતે જાણે છે કે હું એક કલાકાર છું. મારી મંઝીલ માત્ર લગ્ન કરીને ઠરીઠામ થવાની નથી. ફોટોગ્રાફી મારા જીવનનો ધબકાર છે. પાંચ દિવસની નોકરીમાં તો મારો કેમેરો માત્ર ફરજના ભાગ રૂપે જ ફરતો હોય છે. મારી સાચી ક્રિએટીવિટી તો શની- રવિ માં જ રંગ લાવશે... મારે દરેક વિકએન્ડમાં આઉટીંગ માટે તો જવું જ પડશે અને એ જ મારી કલાની સાચી સાધના કહેવાશે. તારે મારી સાથે આવવું હોય તો મને કોઈ વાંધો નહી હોય. પણ તું મારી સાથે આવે નહિ અને મને રોક લગાવે તેવું ન થવું જોઈએ. આઈ હોપ, યુ કેન અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ”. ઉર્વશી જેવો રૂપનો ખજાનો હાથમાં હોય ત્યારે સાચો કલાકાર જ સંયમપૂર્વક આવી સ્પષ્ટતા કરી શકે. જવાબમાં ઉર્વશીએ ઇશાનની છાતી પર માથું ઢાળીને કહ્યું હતું “ઇશાન,બાળક ન થાય ત્યાં સુધી તો હું જોબ ચાલુ જ રાખવાની છું. વળી મારે તો વિકએન્ડમાં ડયૂટી પણ આવી શકે છે... ક્યારેક ઘરે હોઈશ તો પણ મારા તરફથી તને તે બાબતે કોઈ જ રોકટોક નહિ થાય. આઈ પ્રોમિસ”. ઉર્વશીએ ઇશાનનો જમણો હાથ પોતાના નાજૂક હાથમાં લઈને કહ્યું હતું. ઈશાનના બત્રીસે કોઠે દીવા થયા હતા. તેણે ઉર્વશીને વહાલથી નવડાવી દીધી હતી.

“ઇશાન, મને કાયમ આવો જ પ્રેમ કરતો રહેજે. તું તો જાણે જ છે કે મમ્મીના અવસાન બાદ અપર મા ના ત્રાસને કારણે હું પપ્પાનો પ્રેમ પણ પામી શકી નથી”. “ઉર્વશી, એમાં નહિ કહેવું પડે”. ઈશાને ઉર્વશીને જકડીને કહ્યું હતું. લંડનની અવાર નવાર બદલાતી જતી મોસમમાં ઇશાન અને ઉર્વશીનું લગ્નજીવન એકદમ સ્થિર હતું... માત્ર એટલું જ નહિ પણ સોળે કળાએ ખીલી ઉઠયું હતું.

બંનેની આવકને કારણે તેઓ ખૂબ ઓછા સમયમાં મકાન લઇ શક્યા હતા માત્ર એટલું જ નહિ પણ મકાનને સાચા અર્થમાં “ઘર” માં ફેરવી શક્યા હતા. ચારે બાજૂ સુખનો સમુદ્ર ઉછળતો હતો. ઉર્વશી ડયૂટીને કારણે બહાર હોય ત્યારે પણ તેના વિદેશના રોજબરોજના અનુભવો તે ફોન પર ઇશાન સાથે શેર કરતી રહેતી. ઇશાન પણ લંડનના વિવિધ સમાચારોથી ઉર્વશીને માહિતગાર રાખતો. બંને જયારે ઘરે ભેગા થાય ત્યારે અલગ અલગ ગાળેલી રાતોનું એક જ બ્લેન્કેટ ઓઢીને સાગમટે સાટું વાળતાં.

“ઉર્વશી,આ દસકામાં આપણે વેલ સેટલ્ડ થઇ ગયા છીએ. પ્રમોશનને કારણે મારો પગાર પણ ખાસ્સો વધી ગયો છે. ક્યાં સુધી તું આમ આકાશમાં ઉડાઉડ કરીશ?” એક વાર ઈશાને તેના મનની લાગણી વ્યક્ત કરી હતી.

“ઇશાન, મને એમ કે એકાદ બાળક થશે એટલે હું નોકરી છોડી દઈશ પણ આમ ને આમ દસ વર્ષ પસાર થઇ ગયા”. ઉર્વશીની આંખોમાં ભીનાશ ઉતરી આવી હતી.

બાળક માટે તો ઇશાન પણ અત્યંત આતુર હતો. ત્રણેક વર્ષ પહેલાં મેડીકલ રીપોર્ટ કરાવ્યા ત્યારે બંનેના રીપોર્ટ પણ નોર્મલ આવ્યા હતા. “ઇશાન, જન્મ અને મરણ કદાચ ઈશ્વરે પોતાના હાથમાં એટલે જ રાખ્યું હશે કે માણસ સાવ નાસ્તિક ન બની જાય”. ઉર્વશી બોલી ઉઠી હતી. બંને વચ્ચે મૌન પથરાઈ ગયું હતું. થોડી વાર બાદ ઈશાને કહ્યું “ ઉર્વશી, ચાલને થોડા દિવસ ઇન્ડિયા જઈ આવીએ. ફ્રેશ થઇ જઈશું”. ઉર્વશી તરત સહમત થઇ ગઈ હતી. બને પંદર દિવસની રજા મૂકીને અમદાવાદ પહોંચી ગયા હતા. આદિત્યભાઈ, લક્ષ્મીભાભી અને બાળકો ઇશાન અને ઉર્વશીને જોઇને ખુશ થઇ ગયા હતા. નિવૃત્તિ બાદ સુમનરાયની તબિયત થોડી લથડી હતી. મોટાભાઈનો દીકરો સોહમ અને બંને દીકરીઓ પણ મોટી થઇ ગઈ હતી. દરેક માટે ઇશાન અને ઉર્વશી મોંઘી ગીફ્ટ લાવ્યા હતા.

એક વાર ભાભીએ કહ્યું હતું “ઉર્વશી નજીકમાં જ જટાશંકર જ્યોતિષનું ઘર છે. તમારા બંનેની કુંડળી તેમને બતાવીએ તો સંતાનયોગ ક્યારે છે તે તેઓ તરત કહી આપશે”. ઇશાન આ વાત સાંભળીને ચમક્યો “ભાભી,તમે તો જાણો જ છો ને કે આવા બધા તંતમાં હું બીલકુલ માનતો જ નથી. એટલા માટે તો અમે આજ સુધી કોઈની કુંડળી બનાવડાવી જ નથી”.

“ઇશાન, જન્મનો સાચો સમય અને તારીખ અને સ્થળ કહીએ એટલે તેના પરથી જ તેઓ કહી આપશે”. ભાભીએ લાગણીસભર અવાજે કહ્યું હતું.

“ભાભી, દોરા, ધાગા. માદળિયા, જ્યોતિષ આ બધું નબળા મનના માણસો માટેના તિકડમ છે”. ઈશાને અકળાઈને કહ્યું હતું.

“ઇશાન,એક વાર બતાવવામાં શું વાંધો છે ? એ જ્યોતિષ જો કોઈ વિધિ કરવાની કહેશે તો આપણે નહિ કરીએ બસ?” ઉર્વશી બોલી ઉઠી હતી.

આખરે ભાભીનું માન રાખવા અને ઉર્વશીનું મન રાખવા ઇશાન તૈયાર થયો હતો.

બીજે દિવસે ભાભી બંનેને જટાશંકરની ઘરે મૂકી ગયા હતા. સિત્તેર ઉપરના જટાશંકરે ધોતિયું, ઝભ્ભો,ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળમાં લાંબુ તિલક અને ચારેય આંગળીઓમાં અલગ અલગ ગ્રહની વીંટી ધારણ કરી હતી. બાજૂમાં કોમ્પ્યુટર પર તેમનો વીસેક વર્ષનો પૌત્ર મદદમાં બેઠો હતો. ઇશાન અને ઉર્વશીના જન્માક્ષર કોમ્પ્યુટરના સ્ક્રીન પર જોતા જોતા જટાશંકર ઉંડા વિચારમાં પડી ગયા હતા. રૂમમાં ભારે મૌન પથરાયેલું હતું. છતમાં ફરતાં પંખાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. ખાસ્સી વાર બાદ જટાશંકર બોલ્યા હતા “સંતાન યોગ નથી”.

“મહારાજ, કાંઈ બાધા રાખી એ તો?” ઉર્વશી પૂછી બેઠી હતી. ઈશાને નારાજગીથી તેની સામે જોયું. ઇશાન મનોમન વિચારી રહ્યો.. ભણેલી ગણેલી એરહોસ્ટેસની નોકરી કરતી અલ્ટ્રામોડર્ન ઉર્વશી પણ આખરે તો એક સ્ત્રી જ હતીને ?

“બેન, એવી ભૂલ બિલકુલ ન કરશો”

“કેમ?’ ઉર્વશીની સાથે ઇશાન પણ બોલી ઉઠયો હતો.

“ભાઈ, નસીબમાં જે વસ્તુ ન જ હોય તે આપવા માટે ભગવાનને મજબૂર ક્યારેય ન કરાય. હું તો સલાહ આપું છું કે બાળક દત્તક લઇ લો”.

જટાશંકરની સલાહ સાચી હતી પણ ઉર્વશીને પસંદ ન આવી તેણે મો મચકોડયું.

ઈશાને ઉર્વશીની સામે જોયું. હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ નહોતો. ઈશાને દક્ષિણાનું કવર ટેબલ પર મૂકીને જટાશંકરની રજા લીધી.

પંદર દિવસ તો ઝડપથી વીતી ગયા. ઇશાન અને ઉર્વશીને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા માટે આખું ઘર આવ્યું હતું. ઇશાન અને ઉર્વશી પપ્પાને પગે લાગ્યા ત્યારે સુમનરાય બોલ્યા હતા “તમારું ધ્યાન રાખજો. હવે આવતી વખતે ઇન્ડિયા આવશો ત્યારે કદાચ હું હોઉં કે ના પણ હોઉં”. “પપ્પા, એવું ન બોલોશો અમે શક્ય એટલા વહેલા જ આવી જઈશું”. ઈશાને ગળગળા થઇને કહ્યું હતું.

લંડન આવ્યા બાદ ઇશાન અને ઉર્વશી રોજીંદી જિંદગીની ઘટમાળમાં પરોવાઈ ગયા હતા.

એક વાર ઈશાને કહ્યું હતું “ઉર્વશી, પેલા જ્યોતિષની સલાહ સાવ ખોટી નહોતી. આપણે બાળક દત્તક લઈએ તો?”

“ઇશાન,કેમ આજે તને એકાએક બાળક દત્તક લેવાનો વિચાર આવ્યો?”

“ઉર્વશી, પાછલી જિંદગીમાં સહારો તો જોઇશેને?”

“ ઇશાન, તારો સહારો તો હું છું જ ને? ઇશાન યાદ રાખજે.. તારા જીવનના અંત સુધી હું તો તારી સાથે જ હોઈશ. આમ પણ તું ઘણા સમયથી કહેતો હતો ને કે ક્યાં સુધી નોકરી કરીશ? હવે હું એરહોસ્ટેસની નોકરી છોડી રહી છું. મારે તારો સહારો બનવા સિવાય હવે બીજું કામ પણ શું છે?” ઈશાન ખુશ થઇને પ્રેમથી ઉર્વશીને વળગી પડયો હતો.

ઉર્વશીએ બીજે જ દિવસે ઓફિસમાં એક મહિનાની નોટીસ આપીને નોકરી છોડવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી. અચાનક એકાદ માસ પછી લંડનથી દુબઈ જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં એરહોસ્ટેસ ઉર્વશી છેલ્લી વાર ફરજ બજાવી રહી હતી.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED