અંતિમ વળાંક - 7 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતિમ વળાંક - 7

અંતિમ વળાંક

પ્રકરણ ૭

લગ્ન જીવનના દસ વર્ષ પુરા થયા બાદ ઉર્વશીની બાળક દત્તક લેવાની ફરમાઈશ સાંભળીને ઇશાન ખુશીથી ઝૂમી ઉઠયો હતો.

“ઇશાન મારી ઈચ્છા છે કે જો કોઈ ઇન્ડીયન બાળક મળી જાય .. અને તેમાં પણ જો તે ગુજરાતી હોય તો વધારે સારું”. ઉર્વશીએ તેના મનમાં રમતી વાતની સ્પષ્ટતા કરી હતી.

“ઉર્વશી, એ તો તો જ શક્ય બને કે આપણે ઇન્ડિયા જઈને અમદાવાદના જ કોઈ અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક લઇ આવીએ”.

હજૂ તો ઇશાન વાક્ય પૂરું કરે તે પહેલાં અચાનક મૌલિક આવી ચડયો. ઇશાનની વાત પરથી મૌલિકને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે બાળક દત્તક લેવા માટે ઉર્વશી માની ગઈ છે. મૌલિકે સોફા પર બેસતા વ્હેંત કહ્યું “તમને બંનેને અભિનંદન”

“ફોર વ્હોટ?” ઇશાન અને ઉર્વશી એક સાથે બોલી ઉઠયા.

“અરે ભાઈ, પેરેન્ટસ બનવા માટે .. આઈ મીન ટૂ સે બાળક દત્તક લેશો એટલે માતા પિતા જ બનશો ને?”. મૌલિક ખડખડાટ હસી પડયો.

“મૌલિકભાઈ. તમે પણ શું ચાલુ ગાડીએ ચડી જાવ છો? હજૂ તો ભેંસ ભાગોળે છે”. ઉર્વશીએ મોઢું ફુલાવીને કહ્યું.

“યાર મૌલિક, હું તો કહું છું હજૂ ભેંસ જન્મી જ નથી” ઈશાને હસતાં હસતાં કહ્યું.

“મતલબ?”

“મતલબ એમ કે ઉર્વશીની ઈચ્છા ગુજરાતી બાળક જ દત્તક લેવાની છે. હવે તેના માટે તો અમારે ઇન્ડિયા જવું પડે” ઈશાને ઉર્વશીની સામેથી નજર હટાવ્યા સિવાય કહ્યું.

“ઇશાન, ઇન્ડિયા ગયા વગર જ તમને અહીં બેઠા જ ગુજરાતી બાળક દત્તક મળી જાય તો?”

“ઈઝ ઈટ પોસીબલ? હાઉ ?” ઈશાને આશ્ચર્યથી પૂછયું.

“યેસ ઇટ ઈઝ ડેફીનેટલી પોસીબલ બીકોઝ આઈ સે” મૌલિકે જવાબ આપ્યો.

“દોસ્ત, તું આમ સસ્પેન્સ રાખીને વાત ન કર તો સારું” ઇશાન અકળાયો.

“ઇશાન, ગયા મહીને જ એક ગમખ્વાર કાર અકસ્માતમાં એક જ પરિવારના તમામ સભ્યો અવસાન પામ્યા હતા. માત્ર બે વર્ષનો ફૂલ જેવો બાળક ચમત્કારિક રીતે બચી ગયો હતો. અમારા વિક્લીમાં મેં જ તે ન્યુઝને કવરેજ આપ્યું હતું”.

“હા, એ તો મેં પણ વાંચ્યું હતું”. ઉર્વશી બોલી ઉઠી.

“ભાભી, એ પરિવાર ગુજરાતી જ હતો. બાળકનું નામ મિત છે. તમે તેને જ દત્તક લઇ લો તો એ બિચારાને પણ સહારો મળી જાય”.

ઇશાન ઉંડા વિચારમાં પડી ગયો. “ઇશાન શું વિચારે છે?” મૌલિકે ઇશાનની આંખ સામે ચપટી વગાડતા પૂછયું.

“મૌલિક, ભવિષ્યમાં તેના દૂરના કોઈ સગા બાળક માટે દાવો કરતા આપણી પાસે આવેતો?”

“અરે યાર,અત્યારે જ તેના કોઈ દૂરના સગા તે બાળકની જવાબદારી લેવા માટે આગળ નથી આવ્યા તો પછી શું આવવાના? અત્યારે બાળક બ્રિટીશ ગવર્નમેન્ટના કબ્જામાં છે. તેને જે ચાઈલ્ડ વોર્ડમાં રાખ્યો છે, ત્યાં હું પત્રકારની રૂ એ એક વાર જઈ પણ આવ્યો છું. વળી આપણે ક્યાં કાંઈ ખોટું કરવાનું છે? કાયદેસરની વિધિ કરીને જ મિતને દત્તક લેવાનો છે ને? મૌલિકની દલીલ ઇશાનના ગળે શીરાની જેમ ઉતરી ગઈ હતી.

બીજે જ દિવસે ઇશાન અને ઉર્વશી એડવોકેટની સલાહ મુજબ કાયદેસરની કાર્યવાહી કરીને બે વર્ષના મિતને ઘરે લઇ આવ્યા હતા. બાળક વગરના ઘરમાં નાનકડા મિતનું આગમન થતાં જ ઘર કિલ્લોલ કરવા લાગ્યું હતું. ઇશાન અને ઉર્વશી મિતમાં એવા ઓતપ્રોત થઇ ગયા હતા કે તેમની દરેક વાત મિત થી શરુ થતી અને મિત થી જ પૂરી થતી. ચાર વર્ષનો સમય તો ક્યાં વીતી ગયો તે ઉર્વશી કે ઇશાન કોઈને ખબર પણ ન પડી. મિત હવે છ વર્ષનો થઇ ગયો હતો. મિત એટલો બધો રૂપાળો લાગતો હતો કે કોઈ પણ માણસની નજર લાગી જાય.

એક વાર ઉર્વશી અનાયાસે જ બોલી ઉઠી હતી “ઇશાન, હવે મને કાંઈ થાય તો તારે મિતનો સહારો તો રહેશે જ”.

“ઉર્વશી, આપણો તો અમર પ્રેમ છે સાથે જ વૃધ્ધ થઈશું”. ઇશાન ઉર્વશીને વળગીને બોલ્યો હતો. ”અરે અરે મીત જૂએ છે”. ઉર્વશીએ શરમાઈને કહ્યું હતું. ઈશાને ઉર્વશીને બાહુપાશમાંથી મુક્ત કરીને મીતને તેડી લીધો હતો. ઇશાન અને ઉર્વશીના જીવનમાં ચારે બાજૂ સુખ જ સુખ હતું. અચાનક ઇશાનના સેલફોનની રીંગ રણકી હતી. સ્ક્રીન પર મોટાભાઈનું નામ વાંચીને ઇશાન ચમક્યો હતો. તેણે તરત ઘડિયાળમાં જોયું હતું. ઈમરજન્સી વગર મોટાભાઈ આ સમયે ફોન ન જ કરે કારણકે અત્યારે ઇન્ડીયામાં રાત્રીના બે વાગ્યા હોય.

સામે છેડેથી મોટાભાઈ બોલી રહ્યા હતા. ”ઇશાન, બહુ જ ખરાબ સમાચાર છે. પપ્પાનું થોડીવાર પહેલાં જ હાર્ટએટેકને કારણે .. ” મોટાભાઈનો અવાજ રૂંધાઇ ગયો હતો. તે આગળ બોલે તે પહેલાં જ ઇશાન બોલી ઉઠયો હતો. ”મોટાભાઈ,અમે અત્યારે જ પહેલી ફ્લાઈટ પકડીને ઇન્ડિયા આવીએ છીએ. પ્લીઝ, અમારી રાહ જોજો. મારે પપ્પાના અંતિમદર્શન .. ” ઇશાન આગળ બોલી ન શક્યો.

તે રાત્રે જ ઇશાને સહપરિવાર લંડનથી અમદાવાદની વાયા દુબઈને બદલે સીધી મોંઘી ફ્લાઈટ પકડી હતી જેથી ઝડપથી અમદાવાદ પહોંચી શકાય. છ વર્ષના મિતે તો દાદાજીને જોયા જ નહોતા. ઇશાન અને ઉર્વશીના ગમગીન ચહેરા જોઇને તે પણ ગંભીર થઇ ગયો હતો. તે દિવસે લંડનથી અમદાવાદનો આઠ કલાકનો રસ્તો માંડ માંડ કપાયો હતો. આખે રસ્તે ઇશાનને પપ્પાનો ચહેરો દેખાતો રહ્યો હતો. થોડી થોડી વારે તેની આંખો ભીની થઇ જતી હતી. વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ઇશાન, ઉર્વશી અને મિત ટેક્ષીમાં ગોઠવાયા હતા. વસ્ત્રાપુરની એક સોસાયટીમાં જ સુમનરાયનું ટેનામેન્ટ હતું. ટેક્ષી ઘર પાસે ઉભી રહી કે તરત ત્યાં ભેગા થયેલા સગાં સબંધી અને પડોશીઓના ટોળામાં ચહલ પહલ વધી ગઈ હતી. સૌ કોઈ ટેક્ષીમાંથી ઉતરીને ભાડું ચૂકવી રહેલા ઇશાનને તાકી રહ્યા હતા. ઇશાન રડતી આંખે ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યો હતો. સુમનરાયની નનામી બાંધીને તૈયાર રાખવામાં આવી હતી. અંતિમ દર્શન માટે ચહેરો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. ઇશાન પપ્પાના મૃતદેહને વળગી પડયો હતો. વાતાવરણ વધારે ગંભીર બની ગયું હતું.

સ્ત્રીઓના રુદન વચ્ચે મોટાભાઈએ રડતી આંખે ઇશાનને ઉભો કર્યો હતો. ઉર્વશી ભીની આંખે ભાભીને વળગી પડી હતી. થોડી વાર બાદ “રામ બોલો ભાઈ રામ” ના નારા સાથે સુમનરાયની અંતિમયાત્રા નીકળી હતી. મોટાભાઈના ચૌદ વર્ષના દીકરા સોહમે જમણા હાથે દોણી ઉપાડી હતી. માણસ કેવું જીવન જીવ્યો છે તે જાણવું હોય તો તેની સ્મશાનયાત્રામાં ઉમટેલા માણસોની સંખ્યા પર થી ચોક્કસ જાણી શકાય. સુમનરાયની સ્મશાનયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. સુમનરાયના પરગજૂ સ્વભાવનો મોટાભાગના લોકોને અનુભવ હતો. સોસાયટીના ઝાંપા પાસે શબવાહિની ઉભી રાખવામાં આવી હતી. સૌ કોઈ સ્મશાને પહોંચ્યા ત્યારે માહોલ વધારે ગંભીર હતો. દરેકના ચહેરા પર મૃત્યુનો મલાજો વેદના બનીને સન્નાટાની જેમ છવાઈ ગયો હતો. સુમનરાયના ઉઘાડા શરીર પર લગાવાતું શુધ્ધ ઘી... બ્રાહ્મણનો મંત્રોચ્ચાર... ઇલેક્ટ્રિક ચિતા... એક નાનકડો ધક્કો... ગરગડી પર આગળ વધી રહેલું સુમનરાયનું મૃત શરીર.. ગણતરીની ક્ષણોમાં જ બંધ થઇ ગયેલો ભઠ્ઠીનો લોખંડનો દરવાજો... ખલ્લાસ. સુમનરાય ભૂતકાળ બની ગયા હતા. હવે તે ક્યારેય સદેહે દેખાવાના નહોતા. ફોટામાં સ્મરણ બનીને સચવાઈ જવાના હતા. ઇશાન મોટાભાઈને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો. સંતાન ગમે તેટલું મોટું થાય પણ પિતાના અવસાનનો ઘા ઝીલવો અત્યંત કપરો હોય છે. માથા પર થી છાપરું નહિ પણ આકાશ ઉડી ગયાનો અહેસાસ થતો હોય છે. પિતાના જવાથી દીકરાઓની ઉમર જાણેકે રાતોરાત એકદમ વધી જતી હોય છે!

બારમાની વિધિ બાદ બંનેને ભાઈઓ સગા સબંધીઓની પળોજણમાંથી મુક્ત થયા હતા. ડ્રોઈંગહોલમાં સુમનરાયનો સુખડનો હાર ચડાવેલો ફોટો રાખવામાં આવ્યો હતો. આ વખતે ઇશાન અને ઉર્વશી અમદાવાદમાં એક મહિના સુધી રોકાવાનું નક્કી કરીને જ આવ્યા હતા. મિત પણ સોહમ અને તેની બંને નાની બહેનો સાથે હળી મળી ગયો હતો. એક વાર રાત્રે બધા જમીને નિરાંતે બેઠા હતા ત્યાં જ મોટાભાઈ ઉપરના માળે જઈને સુમનરાયનું પાઉચ લઈને નીચે આવ્યા હતા. મોટાભાઈએ સૂચક નજરે પત્ની લક્ષ્મી સામે જોયું. બંને વચ્ચે આંખોથી જ કંઇક વાત થઇ તેવું ઇશાન અને ઉર્વશી બંનેને લાગ્યું. “ઇશાન પપ્પાએ વિલ તો નથી કર્યું પણ... ” મોટાભાઈ બોલતા બોલતા અટકી ગયા અને પાઉચની ચેન ખોલી.

ક્રમશઃ