અંતિમ વળાંક - 20 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અંતિમ વળાંક - 20

અંતિમ વળાંક

પ્રકરણ ૨૦

બપોરે જમીને ઇશાન પરમાનંદને મળવા આશ્રમ પર પહોંચી ગયો. પરમાનંદ જમીને એક શિષ્યની મદદ વડે હસ્તપ્રક્ષાલન કરી રહ્યા હતા. શિષ્ય પાણીનો જગ લઈને ખંડની બહાર ગયો એટલે પરમાનંદ મંદ મંદ સ્મિત કરતાં બોલ્યા “ ઇશાન, તારી જ રાહ જોતો હતો. મને ખબર જ હતી કે તું અહીં ચોક્કસ આવીશ”. ઇશાનને નવાઈ લાગી તે મનમાં વિચારી રહ્યો... પરમાનંદે જયારે સ્મૃતિની વાત કરી ત્યારે ઈશાને સ્મૃતિને મળવા માટે કોઈ જ ઉત્સુકતા બતાવી નહોતી. છતાં પરમાનંદ ઇશાનની સ્મૃતિને મળવાની તાલાવેલી કઈ રીતે જાણી ગયા હશે? ઈશાને જાણીજોઈને પ્રશ્ન કર્યો.. ”હું અહીં આવીશ જ તેવું અનુમાન તમે ક્યા આધારે લગાવ્યું ?”

“તું અહીં સ્મૃતિના આશ્રમનું એડ્રેસ લેવા માટે આવીશ તે આધારે ” પરમાનંદે સ્પષ્ટતા કરી.

“પરમાનંદ , તમારી ધારણા સાચી છે”. ઇશાને નિખાલસતાપૂર્વક સ્વીકારી લીધું.

“ઇશાન, ઋષિકેશ જતા પહેલાં ડાબા હાથે “ બાલઆશ્રમ” લખેલો એરો આવશે. બસ એ જ ખાંચામાં સ્મૃતિ શુક્લનો આશ્રમ છે. બે બાજુ ખેતરની વચ્ચે પાકો રસ્તો છે. ”

“ત્યાં કેટલાં બાળકો રહે છે? હું અહીંથી સ્વીટ લઈને ત્યાં જવા માંગું છું”. ઈશાને પોતાનો ઈરાદો જણાવ્યો.

“લગભગ પચાસેક બાળકો ત્યાં રહે છે”.

ઈશાને પરમાનંદના આશ્રમની બહાર નીકળતા પહેલાં આખરે પૂછી જ લીધું “તમારું નામ આપીશ તો ત્યાં એકાદ રાત રહેવાની મારી વ્યવસ્થા થઇ શકશે?”

“ઇશાન, બાલઆશ્રમનું એડ્રેસ મેં જ આપ્યું છે તેમ કહેવામાં સહેજ પણ સંકોચ ન રાખીશ. મેં તને ગઈકાલે કહ્યું તેમ એ આશ્રમની મોટાભાગની આર્થિક જવાબદારી અમારો આ આશ્રમ જ ઉપાડે છે મારા ખ્યાલ પ્રમાણે એ લોકો પાસે એકાદ વધારાનો રૂમ પણ છે”.

પરમાનંદની રજા લઈને ઈશાન શહેરના મુખ્ય બજારમાં પહોંચી ગયો. ઈશાને કંદોઇની મોટી દુકાનમાંથી તાજી બની રહેલી સ્વીટના સાઠ જેટલાં બોક્સ પેકિંગ કરાવ્યા.

ઇશાન હોટેલ પર આવ્યો ત્યારે હોટેલના મેનેજરની નજર ઇશાનની સાથે બોક્સ પેકિંગ ઊંચકીને આવી રહેલા મજૂર પર પડી. મેનેજરે ઇશાનને પૂછયું “સાબ. મંદિરકે બહાર ગરીબોમેં બાંટને કા હૈ ?

“નો.. નો.. યહાં નહિ બાંટના હૈ. મુઝે આપકી એક હેલ્પ ચાહીએ ... મુઝે ટેક્ષીકા ઇન્ત્ઝામ કર દો.. પાંચ બજે ઋષિકેશ જાના હૈ”.

મેનેજરે ફોન કરીને ઇશાન માટે ટેક્ષીની વ્યવસ્થા કરી દીધી. ઈશાને રૂમ પર જઈને ત્રણેક કલાકની ઉંઘ ખેંચી કાઢી. ફ્રેશ થઇને કપડા બદલીને ઇશાન પાંચ વાગે બહાર આવ્યો ત્યારે ટેક્ષી હોટેલના દરવાજે આવીને ઉભી હતી. હરિદ્વારથી ઋષિકેશ બાય રોડ માત્ર ત્રીસ મીનીટનો રસ્તો હતો. રસ્તામાં રીપેરીંગ કામ ચાલતું હોવાથી ઇશાનને બાલઆશ્રમ પર પહોંચતાં સવા કલાક થઇ ગયો. સાંજનો સમય હતો. આશ્રમનું બે માળનું મકાન નવું જ દેખાતું હતું. દૂર દૂર દેખાતાં ખેતરો પાછળ સૂર્યાસ્ત થઇ રહ્યો હતો. ડ્રાયવરને ટેક્ષી બહાર જ ઉભી રાખવાનું કહીને ઇશાન એકલો જ આશ્રમના દરવાજાની અંદર પ્રવેશ્યો. વિશાળ મેદાનમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. એકાએક બોલ ઇશાન તરફ આવ્યો. ઈશાને બોલને કેચ કરી લીધો. એક બાળક દોડીને આવી પહોંચ્યો. ”. અંકલ.. બોલ પ્લીઝ”. ઈશાને તેના હાથમાં બોલ આપતાં પૂછયું “બેટે, ઓફીસ કહાં હૈ ?” બાળકે જમણી બાજૂ અંગૂલી નિર્દેશ કર્યો. ઈશાને તે તરફ નજર દોડાવી. એક રૂમનો દરવાજો ખુલ્લો હતો જેના પર “કાર્યાલય” તેવું હિન્દીમાં લખેલું બોર્ડ દેખાતું હતું. ઈશાને ઝડપથી તે દિશામાં પગ ઉપાડયા.

ઓફીસનો અધખુલ્લો દરવાજો ખોલીને ઈશાને અંદર નજર કરી. સામે ખુરશી પર એક સુંદર યુવતી ફાઈલ ખોલીને પેપરવર્ક કરી રહી હતી. એકાએક તેણે ઊંચું જોયું. ચહેરા પરથી વાંચવાના ચશ્માં હટાવીને આવકાર આપતાં કહ્યું.. ”આઇએ”

ઇશાનનું હ્રદય ધબકારો ચૂકી ગયું. સામે બેઠેલી યુવતીના ચહેરા પરથી નજર હટાવ્યા વગર જ ઇશાન આગળ આવીને તેની બરોબર સામેની ખુરશીમાં બેઠો. એ યુવતી આબેહૂબ ઉર્વશી જેવી જ દેખાતી હતી. ઇશાન કુદરતના આ કરિશ્માને નિહાળી રહ્યો.

“કહીએ ક્યા કામ હૈ આપ કો ?”

ઓહ અવાજ પણ બિલકૂલ ઉર્વશી જેવો જ હતો. ઇશાન સ્તબ્ધ થઇ ગયો.

ખુરશી પર બેસીને ઇશાનથી અનાયાસે જ બોલાઈ ગયું “ઉર્વશી”.

“જી મેરા નામ ઉર્વશી નહિ સ્મૃતિ હૈ”. સામે બેઠેલી યુવતીએ ટહૂકો કર્યો.

“ઓહ સોરી... સ્મૃતીજી, મેરા નામ ઇશાન હૈ. મૈ લંડનસે આયા હું... ગુજરાતી હું. ” ઈશાને બંને હાથ જોડીને એકદમ શાલીનતાથી કહ્યું.

“ઓહ, નાહકની હું તમારી સાથે હિન્દીમાં વાત કરી રહી હતી.. હું પણ ગુજરાતી જ છું”. સ્મૃતિ મુક્ત મને હસી પડી. ઇશાન મંત્રમુગ્ધ બનીને એકીટશે સ્મૃતિને તાકી રહ્યો. “ગુજરાતમાં ક્યાં? સ્મૃતિએ હાથમાં રહેલી બોલપેન ટેબલ પર મૂકતાં પૂછયું. “જી... અમદાવાદ”.

અચાનક સ્મૃતિના ટેબલ પર રાખેલા લેન્ડલાઈન ફોનની રીંગ વાગી. “એક્સક્યુઝ મી” કહીને સ્મૃતિએ રીસીવર ઉપાડયું. સ્મૃતિ વાત કરી રહી હતી ત્યારે ઇશાન પ્રયત્ન કરવા છતાં પણ સ્મૃતિના ચહેરા પરથી નજર હટાવી ન શક્યો. સ્માર્ટ સ્મૃતિને તે વાતનો ખ્યાલ તરત આવી ગયો. રીસીવર મૂકીને તેણે સીધું ઇશાનને પૂછી જ લીધું “બોલો.. ”

સ્મૃતિ ભલે આગળ બોલી નહી કે.. શું કામ હતું? પણ તેના પૂછવાની સ્ટાઇલ પરથી ઈશાન સમજી ગયો એટલે તેણે તરત મુદ્દાની વાત કરી... ”હું અત્યારે હરિદ્વારથી આવું છું. અહીંનું એડ્રેસ પરમાનંદ સ્વામી પાસેથી મેળવ્યું છે”.

“તમે ડોનેશન આપવા માટે આવ્યા હો તો તમે ખોટો ધક્કો ખાધો છે”.

“કેમ ?”

“પરમાનંદના આશ્રમમાં જ આપી દીધું હોત તો પણ ચાલત. આમ પણ આશ્રમનો નેવું ટકા વહીવટ તેમના આશ્રમમાં આવતા દાનના પ્રવાહમાંથી જ થાય છે”

“સ્મૃતીજી, વાસ્તવમાં હું તમને મળવા માંગતો હતો”.

”કેમ?” સ્મૃતિને નવાઈ લાગી.

“કેમ? નો જવાબ આ ફોટો તમને આપશે”. ઈશાને ખીસામાંથી વોલેટ કાઢીને ઉર્વશીનો ફોટો ટેબલ પર મૂક્યો. સ્મૃતિએ ફોટો જોઇને કહ્યું “બિલકુલ મારા જેવી જ દેખાતી આ સન્નારી કોણ છે ?”

“ઉર્વશી.. મારી પત્ની. આ ફોટો પરમાનંદને મેં બતાવ્યો હતો. તેમણે મને અહીં મોકલ્યો.. બાય ધ વે એક વાત કહેતાં ભૂલી ગયો કે પરમાનંદ અને હું અમદાવાદની સ્કૂલમાં બાળપણમાં સાથે ભણ્યા હતા. અચાનક ગઈકાલે વર્ષો બાદ અમારી મુલાકાત તેમના આશ્રમ માં થઇ”.

”મિસ્ટર, માનુ છું કે આ ફોટો બિલકૂલ મારા જેવો જ છે.. પણ મારો નથી એ પણ હકીકત છે. સરખો ચહેરો હોય તેનો મતલબ એ નથી કે તમે મારો કોઈ પણ પ્રકારનો લાભ લેવા માટે અહીં સુધી આવી જાવ”. સ્મૃતિએ કડક વલણ અપનાવતા કહ્યું.

“સ્મૃતીજી, તમારી વાત સાથે હું બિલકુલ સહમત છું. હું અહીં તમારો લાભ કે ગેરલાભ લેવા આવ્યો જ નથી. સૌથી પહેલાં તમે પરમીશન આપો એટલે બહાર ટેક્ષીમાં રાખેલી સ્વીટ અંદર મંગાવી લઉં. અહીં રહેતા તમામ બાળકો માટે હું સ્વીટ લાવ્યો છું. જો મારી મથરાવટી મેલી હોત તો મેં પહેલાં બાળકોને સ્વીટ વહેંચી હોત અને ત્યાર બાદ જે વાત પહેલાં કરી તે પાછળથી કરી શક્યો હોત. મને રમત રમતાં આવડતું નથી... ઇવન ચેસ જેવી રમતથી પણ હું બાળપણથી જ દૂર રહ્યો છું” ઈશાનના અવાજમાં સચ્ચાઈનો રણકાર હતો.

ઇશાનની રજૂઆતથી સ્મૃતિ થોડી પીગળી તો હતી જ ... વળી પરમાનંદના રેફરન્સથી આવનાર વ્યક્તિનું આત્મસન્માન તો જાળવવું જ પડે તે વાત પણ સ્મૃતિ બરોબર સમજતી હતી.

“ઠીક છે.. મંગાવી લો. ”

ઈશાને ડ્રાયવરને મોબાઈલ ફોન વડે જ મીઠાઈનો બોક્ષનો થેલો અંદર લાવવાની સૂચના આપી દીધી. દસ મિનીટમાં જ ડ્રાયવર આશ્રમની અંદર મોટા થેલા સાથે હાજર થઇ ગયો.

“તમારા હાથે જ વહેંચી દો”. સ્મૃતિએ કહ્યું.

સ્વીટના બોક્સનો થેલો આવેલો જોઇને તમામ બાળકો ક્રિકેટ રમવાનું પડતું મૂકીને ઓફીસ ની બહાર લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા. ડ્રાયવરની મદદ લઈને તમામ બાળકોને સ્વીટના બોક્ષ આપ્યા બાદ ઈશાને એક બોક્સ ડ્રાયવરને આપીને તેને બહાર ટેક્ષીમાં બેસવાનું કહ્યું. બાકી વધેલાં બોક્સ ઓફિસમાં એક ખૂણામાં મૂકીને ઈશાને કહ્યું “ખૂબ ખૂબ આભાર સ્મૃતીજી. ”

“લંડનથી તમારા પત્ની સાથે નથી આવ્યા?” આખરે સ્મૃતિએ જીજ્ઞાશાવશ પૂછી જ લીધું.

ઇશાને સ્મૃતિની આંખમાં જોયું. ઇશાનની આંખો ઝીલમીલાઈ. તે ગળગળો થઈને બોલ્યો. “ તેની યાદમાં તો અત્યારે આ બાળકોને સ્વીટ વહેંચી”.

ક્રમશઃ