Featured Books
શ્રેણી
શેયર કરો

K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 12

પ્રકરણ ૧૨

શ્રુતિનાં મોબાઈલમાં ફોન આવ્યો. શ્રુતિની હોસ્પિટલથી ફોન હતો.

‘મેડમ આજે જરા થોડા વહેલા આવી જજો. અપોઈન્ટમેન્ટ વધુ છે.’

‘હા, મહેન્દ્રભાઈ આવું છું’ (મહેન્દ્રભાઈ એ શ્રુતિની જે હોસ્પીટલમાં જોબ કરતી હતી તે હોસ્પીટલમાં કામ કરતા હતા અને શ્રુતિના અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરતા હતા.)

‘ક્રિષ મારે જવું પડશે. આજે હોસ્પીટલમાં અપોઈન્ટમેન્ટ વધુ છે એટલા માટે.’

‘તારું શું શેડ્યુલ છે ? ‘

‘મારે પણ 12 વાગ્યાનું શૂટ છે.’

‘કવિથની ડાયરી વાંચવા માટે આપણે સાંજે મળીએ તો કેવું રહે.? શ્રુતિએ ક્રિષાને કહ્યું. ‘પાક્કું.’ સાંજે પેલા વાઈડ એન્ગલ મોલ સાઈડ મળીએ. ત્યાં સી.સી.ડી છે ને તો શું ‘બેસીને આરામથી ડાયરી વાંચીશું.’

‘ઓકેય. ડન ચલ બાય .!!’ કહી શ્રુતિ ત્યાંથી જતી રહે છે.

આ બાજુ ક્રિષા પણ તૈયાર થવા માટે બાથરૂમમાં પ્રવેશી. સફેદ રંગથી સજ્જ બાથરૂમની દીવાલો થોડા સમય પહેલાં કવિથની પ્રતિકૃતિઓ ઉપસાવી આપતી હતી. ક્રિષા બાથરૂમમાં એકલી ન હતી પ્રવેશતી તેની યાદોમાં આશામય ‘સ્વપ્નશીલ’ કવિથ રહેતો. રાતની છેલ્લી યાદ, સવારની પહેલી યાદ અને આ વચ્ચે આવેલા અગણિત રાતોના અગણિત સ્વપ્નાઓમાં સ્વપ્ન પુરુષ કવિથ હતો. તૈયાર થવા જયારે બાથરૂમની અંદર પ્રવેશતી આદમકદ આયના સામે ઉભી રહીને પોતાની જાત બાથરૂમ, આયનાને સમર્પિત કરતી હતી ત્યારે મનોમન કવિથ પણ ત્યાં જ છે એવું વિચારી બેસતી હતી. કોલેજ સમયમાં સવાર સવારમાં ઉઠીને જયારે કોલેજ જવા નીકળે તે પહેલાં નાં જાણે પેલાં આદમકદ આયનાને ક્રિષાને જોઇને ગજબ ખુશી મળતી હતી. ક્રિષાનાં યૌવનનો સાક્ષી પેલો આયનો બનતો. ક્રિષાનાં સ્વપ્નોમાં આવનારો પુરુષ આજે ક્રિષાથી દુર હતો. દુર શું કોઈ જ પ્રકારની આશા નાં રાખીશ એવું કહીને દુર થયો હતો. આજે એ આદમકદ આયનો મુર્ઝાયેલી ક્રિષાને જોઇને ખુદ મુરઝાઈ બેઠો હતો. બાથરૂમ આખુ સુન્ન અને યાદોમય હતું. ક્રિષાએ શાવર શરુ કર્યો અને પાણીના ટીપાં સાથે યાદોના ટીપાં પણ સાથે સાથે ભીંજાય ગયા. તેણે સ્ટ્રોંગ બનવાનું હતું એ તેને ખબર હતી અને લોકો સામે નહિ જાતે એકલી રડી શકે એટલું સ્ટ્રોંગ જે તે સમય જતા બની પણ રહી હતી. જેમ કોઈના જીવનમાંથી જવાથી જીવન ક્યારેય અટકતું નથી..દુઃખ થાય છે, અસહ્ય દર્દ થાય છે પણ જીવન ચાલે છે કોઈના વગર પણ..!!

સાંજે ક્રિષા અને શ્રુતિ નિર્ધારિત સમયે સી.સી.ડીમાં મળ્યા અને ત્યાંથી ફરી શરુ થઈ કાવ્યાનાં જીવનની કવિતા.

**

‘એ પછી કાવ્યા મારી સામે દુઃખી બની રડી રહી હતી તેના જીવનમાં તેના પિતાનું મહત્વ તેની આંખમાંથી આવતા આંસુ મને સમજાવી રહ્યા હતા. એને દુઃખી જોઈ મને પણ થોડી બેચેની અનુભવાતી હતી. ‘પછી કાવ્યા ?’ એવું પૂછી શકું એવી મારામાં હિંમત ન હતી. પણ એની અંદર છુપાયેલું જે દર્દ છે તે કહી દે એ જરૂરી હતું.

‘તેણે તેનું માથું મારા ખભે ટેકવ્યું અને મને તેને ટેકો આપ્યાની ખુશી મળી.’

‘મારા પિતાજીના મૃત્યુ પછી હું અને મા એકલા થઇ ગયા હતા..બાજુમાં કાકા લોકો રહેતાં પણ તેમને એમ કે અમારા ઘરની આર્થિક જવાબદારી તેમના માથે આવશે એટલે તે લોકોએ પણ ધીમેધીમે બોલવાનું ઓછું કરી દીધું હતું.. હું ૧૦મા ધોરણમાં હતી અને ૧૦ માં પછી આગળ ભણી શકીશ કે નહિ એ બાબતે મને પ્રશ્નાર્થ હતો....

પણ સરકાર અને કંપની તરફથી મળેલાં રૂપિયા, કુલ આઠ લાખ જેટલા રૂપિયાને મા એ બેન્કમાં ફિક્સ ડીપોઝીટ તરીકે મુક્યા અને એમાંથી વ્યાજ રૂપે થોડા ઘણાં રૂપિયા મળી જતાં હતાં. જેનાથી અમારા બંનેનું ભરણપોષણ થઇ જતું હતું.

મારે તો આગળ ભણવાનું જ છે. આવી કઠીન પરિસ્થિતિમાં પણ, મારી મા એ નિર્ણય કર્યો.

‘પણ મા પૈસા ?’

‘પૈસાની ચિંતા તું શું કામ કરે છે ? હું હજી બેઠી છું. મા એ ખુબ વિશ્વાસપૂર્વક કહ્યું.’

‘ અને સાચું કહું તો એવું કહીને મારા માથા પરનો ભાર મારી મા એ ઉતારી દીધો. જોકે કોઈ પણ મા એના દિકરા દિકરીના માથે ભાર રહેવા જ ન દે.’

મારું ભણવાનું આગળ શરુ થયું..આવા કઠીન સમયમાં પસાર થઇ હોવા છતાંય મારે મેટ્રિકમાં ૭૮ % ગુણ આવ્યા. અને એ પછી આર્ટસ વિષય સાથે મેં 12 મુ ધોરણ કરવાનું નક્કી કરી લીધું.

પેલા વ્યાજે મુકેલા પૈસાથી અમારો ઘરનો ખર્ચો તો નીકળી જતો વધુ ખર્ચા માટે મારી માએ એક ત્યાં ધ્રાંગધ્રા તાલુકામાં બાજુમાં આવેલા ગામમાં એક રૂ માંથી દોરા બનાવતી કંપનીમાં લેબર વર્ક તરીકેનું કામ શરુ કર્યું જ્યાં પણ રોજનાં ૩૫૦ લેખે અંદાજીત ૯૦૦૦ જેટલા મળતાં જે મારા ભણવાના ખર્ચમાં ઉપયોગ થતો હતો..આ રીતે આમ તકલીફદાયક પણ માનસિક શાંતિનું જીવન અમે મા દિકરી જીવતા હતાં..!!

પિતાજીના ગયાને હવે બે વર્ષ થઇ ચુક્યા હતા. મારું 12મુ ધોરણ પણ પૂરું થવાને આરે હતું. પરીક્ષા પૂરી થઇ ગઈ હતી અને તેનું રિઝલ્ટ ટૂંક સમયમાં જ આવશે એવા સમાચાર પણ હતા અને એક રાતે હું અને મા ફળીયામાં બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા.

‘ હવે, તારું ભણવાનું પૂરું થાય એટલે તારા લગ્ન વિશે વિચારવું પડશે ને’ મા એ કહ્યું.

‘આટલી જલદી શું છે ? અને હું તને મુકીને ક્યાંય જવાની નથી’ એમ કહી હું માનાં ખોળામાં માથું મુકીને સુઈ ગઈ.

‘હું થોડી આખી જીદંગી તારી સાથે રહી શકીશ, તારે તારું ઘર વસાવવું પડશે ને’ મા એ મારા માથે હાથ ફેરવતા કહ્યું.

‘ હું કઈ ઘર બર વસાવવાની નથી, તું અને હું એય ને આરામ થી જીવીશું તું શું ચિંતા કરે છે.’

‘નાં, તને પરણાવી દઉં એટલે હું નિરાંત અનુભવું અને પછી....’

‘પછી શું મા ?’

‘પછી હું એકલી આ ઘરમાં...એટલું બોલતા બોલતા મા રડી પડી અને તેનો ડૂમો ભરાઈ ગયો’

‘મા, તું રડ નહિ..હું તને મુકીને ક્યાય જવાની નથી’

‘બધાં એ જવું પડે છે..હું પણ અહિયાં આવી હતી અને તું પણ તારા ઘરે જઈશ..હું તો હવે કેટલાં વર્ષ છું..’

‘મા નું છેલ્લું વાક્ય સાંભળીને હું થોડી ડરી અને ત્યાંથી ઉભી થઇ ગઈ..એક વિચિત્ર પ્રકારની ગભરામણ મને થવા લાગી.

‘ચાલ, આપણે સુઈ જઈએ..તું મને બહુ હેરાન કરે છે, લગ્ન નાં નામે એમ કહી ત્યાંથી ચાલવા લાગી.’

‘મારી મા નાની નાની વાતમાં બહુ વધુ વિચારી લેતી હતી. તેની એ આદતથી હું હંમેશા ચિડાય જતી હતી, વધુ વિચારી લેતી એટલું જ નહિ તેનું મગજ વિચારોમાં ચાલ્યું જતું. હવે શું થશે ? આમ થશે તો, હું શું કરીશ ? પેલાં મને ભણાવવાનું ટેન્શન હતું તો હવે મારું ભણવાનું પતશે પછી મને પરણાવવાનું ટેન્શન. એટલું જ નહિ જેને લીધે મારી મા ને મેં કેટલીય વાર આખી આખી રાત જાગતી અને આ વિચારવાયુ કરતી જોઈ પણ છે. જે ક્યાંક મને ડરાવી મુકતું હતું કે મારી મા ને કૈઈક થશે તો હું શું કરીશ મારું કોણ રહેશે..! એમ પણ પિતાજીનાં ગયા પછી મા ઘણી બધી વાતો પોતાની અંદર જ રાખતી હતી. સારું હતું કે એ ઘણો બધો સમય પેલી મિલમાં કામ કરતી એટલે જતો રહેતો હતો.

આજે પણ આવી લગ્નની ને એવી થોડી લાગણીભરી વાતો થઇ હતી એટલે મને ખબર હતી કે મા આખી રાત ઊંઘશે તો નહિ જ અને વિચારો કરે રાખશે. અને એવું જ થયું. તે વિચારોમાં હતી. મેં તેને બે ત્રણ વાર કીધું પણ ખરું મા સુઈ જા, વધારે પડતા વિચારો કરીશ નહિ. પણ મા તે મા. માને એ મારી મા થોડી. મને કીધું કે તું સુઈ જા હું મારી રીતે સુઈ જઈશ. લગભગ અડધી રાત થઇ હશે અને વિચારો અને ટેન્શન ને લીધે મા અચાનક જોર જોરથી હાંફવા લાગી. હું ડઘાઈને ઉભી થઇ ગઈ.. પલંગમાંથી ઉતરી નીચે મા જે પથારીમાં સુતી હતી એ પથારીમાં જઈને મેં પૂછ્યું

શું થાય છે મા ? , તને કીધું છે કે તું બહુ વિચારો નાં કર ટેન્શન નાં લે. પણ મારું માનવું છે કોને ?

મેં દોડીને પાણીયારામાંથી પાણી ભર્યું. અને માને પીવડાવવાનો પ્રયત્ન કર્યો. પણ છતાંય તે હાંફતી હતી. તે ભર શિયાળામાં પરસેવે રેબઝેબ થઇ ચુકી હતી. મેં પંખો શરુ કર્યો અને લાગ્યું કે મા ની તબિયત વધુ બગડી રહી હતી. તે ખુબ જોર જોરથી શ્વાસ લઇ રહી હતી. તે હાંફી રહી હતી. હું પણ ચિંતાતુર હતી

હું દોડીને બાજુમાં રહેતા કાકાને ત્યાં ગઈ..અડધી રાતે તેમના ઘરનો દરવાજો જોર જોરથી ખખડાવવા માંડી, જલ્દી આવો. મારી માને કૈક થાય છે. બધા દોડી આવ્યા.

‘અડધી રાતે જ મા ને હોસ્પિટલાઈઝ કરવામાં આવી. અમારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં.’

ડોકટરે તપાસીને કહ્યું કે ટેન્શનને લીધે તેમને શ્વાસ ચડ્યો હતો અને વધુમાં તે જે ‘ રૂમાંથી દોરા બનાવવાની ફેકટરીમાં કામ કરે છે તેના લીધે તેમને અસ્થમાની અસર થઇ ગઈ છે. અને તેને લીધે તેમને શ્વાસ ‘વધુ ચડ્યો હતો.. આખી રાત હું માનો હાથ પકડીને ત્યાં બેસી રહી. રડી રહી હતી..!!

**

કાવ્યા, હાલ મારો હાથ પકડીને રડી રહી હતી.. તેની આંખોમાં આંસુ સુકાતા ન હતા. હું તેને પૂછું કે તારી માને હવે કેમ છે ? તેની પહેલા અમારી વચ્ચે ‘એક વિચિત્ર આવાજે’ અમારા બંનેનું ધ્યાન ભંગ કર્યું. કોઈનો ફોન વાઈબ્રેશન મોડ પર હતો અને આ આવાજ તે વાઈબ્રેશન મોડ ફોનનો જ હતો તેવું મેં અનુમાન લગાવ્યું. કાવ્યાએ તેના પર્સમાંથી ફોન કાઢ્યો. સ્ક્રિન પર કોઈ ‘પ્રમોદ’ નામ ઝબકી રહ્યું હતું અને તે જોઈ આ ઠંડા વાતાવરણમાં પણ તેના કપાળ પરસેવાની ‘ભારે’ બુંદો બાઝી આવી. તે સફાળી બેઠી થઇ ગઈ. તેને પોતાની આંખના આંસુ લૂછ્યા અને તે વાત કરવા માટે મારાથી થોડી દુર ચાલી ગઈ. હું આશ્ચર્ય અને પ્રશ્નાર્થ સાથે ત્યાં જ બેસી રહ્યો. તેણે જલ્દી જ ફોન કટ કર્યો અને દોડતી મારા સુધી આવી.

‘હેય, મારે જલ્દી જ નીકળવું પડશે. તું મને ઇન્કમટેક્ષ સુધી મૂકી જઈશ ?’ તેણીએ મને કહ્યું.

‘હા મૂકી જઈશ. પણ શું થયું અને કોણ હતા આ પ્રમોદભાઈ ?’

‘એ બધી વાતનો અત્યારે સમય નથી. તું મને જલ્દી મૂકી જાને પ્લીઝ.’

‘તું દર વખતે આવું કરે છે, તું મને તારો ‘સારો’ દોસ્ત નથી સમજતી, દરેક મુલાકાતમાં અધુરી વાતો.’ હું તેની સાથે હકથી ઝઘડવા લાગ્યો.

‘કવિથ, પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર મારે જવું પડે એમ છે નહીતો...’

‘નહીતો શું કાવ્યા ?’

‘નહીતો હું કદાચ હેરાન થઈશ, અને તું તારી ‘સારી દોસ્તને’ હેરાન થતી જોઈ શકીશ ખરો ?’ ‘આપણી આવતી મુલાકાતમાં હું તને બધું જ કહી દઈશ..’તેણે પાળ બાંધી.

‘હું તને હેરાન થતી નહિ જોઈ શકું..’ હું થોડો લાગણીવશ થયો..

‘તો ચાલ મને જલ્દી મુકીજા.’ અને કહ્યું ટ્રસ્ટ મી આવતી મુલાકાતમાં તારાં દરેક પ્રશ્નોનાં ઉત્તર મળી જશે...જો આજે કહીશ તો તું ૧૦૦ % દુઃખી થઈશ અને...કદાચ.’

‘તેણીએ ફરી વાક્ય આધુરું છોડ્યું’..અને મને પ્રશ્નાર્થ ચિહ્ન બનાવી દીધો.

‘તેણીએ મને હગ કર્યું..એક ટાઈટ હગ...અમારા વચ્ચે આ મજબુત હગ ફરી મજબુત ‘સંબંધનો’ સમાનાર્થી આપી ગયું..એક પૂર્ણ ‘શરીરસ્ય’ ‘સ્પર્શનો’ આ અમારો પહેલો અનુભવ હતો. તેના બંને હાથ મારી પીઠ પર અને મારા બંને હાથ તેની પીઠ પર મજબૂતાઈથી ફરતાં હતાં. ‘ભારે’ આંસુઓ પછીની અદભુત આલ્હાદક આનંદની આ ક્ષણ હતી.. કદાચ અમારા બંનેમાંથી કોઈ એકબીજાને છોડવા ઈચ્છતા ન હતા..જુન જુલાઈ માસનો એ સમય હતો..પહેલો વરસાદ બુંદબુંદ રૂપે અમારા બંને પર પડવા લાગ્યો હતો...પ્રેમનો આ મલ્હારરાગ રચાયો એવું કુદરતને લાગ્યું હશે...એટલે જ આ બુંદબુંદ હવે તીવ્ર ગતિએ અમને ભીંજવી રહી હતી..કાવ્યા તેની ઉતાવળ ભૂલી ગઈ હશે તેને પણ આનંદ આવતો હશે તેવું મને લાગવા લાગ્યું..મારો હાથ તેની પીઠ પર હતો ભીના વસ્ત્રોને પાર તેણીની પીઠને અડકતાં અડકતાં અચાનક તેનું ધ્યાન ભંગ થયું અમારું હગ પણ ભંગ થયું..તેણીએ ઉન્હ્કાર કર્યો..કદાચ ત્યાં તેને કઈ વાગેલું હશે અને મારો હાથ બરાબર એ જ જગ્યાએ આવ્યો એવું મેં અનુમાન લગાવ્યું..!! અથવા તો તે જે ઘાવ છુપાવવા માંગતી હતી તે ઘાવને કુદરતે મારી સમક્ષ આજે મૂકી દીધા..

‘શું થયું કાવ્યા ?’

‘કઈ નહિ..’ કહી ફરી તેણે ‘પેલી’ વાતને ત્યાં જ ટાંકો માર્યો અને તેનો ‘ઘા’ મને ફરી વાગ્યો.

‘ચાલ જઈશું હવે..’ તેણીએ મને કહ્યું.

‘હા ચાલ..જઈએ. વરસાદ છે તો હું તને તારા ઘર સુધી મૂકી જાઉં. જો તને ફાવે એમ હોય તો.’ મેં કહ્યું

‘તેણીએ નાં પાડી..તું મને ઇન્કમટેક્ષ સુધી જ મૂકી જા.પછી હું મારી રીતે મેનેજ કરી લઈશ.’

‘જેવી તારી મરજી..’

‘ભીંજાયેલા અમે બંને હાથ પકડીને વાતો કરતાં કરતાં મારી ગાડી સુધી આવ્યા.’ કારમાં બેઠાં અને મારી કાર ઇન્કમટેક્ષ તરફ આગળ વધી..

મેં તેણીને ઇન્કમટેક્ષ ઉતારી..હું દુરથી જોતો રહ્યો અને તે પ્રાઇવેટ વિહીકલ શોધી રહી હતી..અને હું મારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ...!!

**

વોટ ધ ફક...વાંચતા વાંચતા ક્રિષા જોરથી આ શબ્દ બોલી ઉઠી..! આ કાવ્યા થોડી વિચિત્ર લાગે છે તેણે શ્રુતિને કહ્યું..

હા મને પણ...

કઈ પણ કવિથને કહેતી નથી માત્ર તેની સિમ્પથી મેળવવા તેને મળવા આવતી લાગે છે અને વળી આ પ્રમોદ ક્યાંથી આવ્યો..કવિથને ‘ફેરવતી’ તો નથી ને. આપણો કવિથ પાછો ભોળો રહ્યો.. કાવ્યામાં ફસાઈ ગયો તો નહિ હોય ને..બે કાવ્યા આ કવિથની જિંદગી બરબાદ નાં કરીદે ક્યાંક..અને સૌથી મોટો પ્રશ્ન આ કાવ્યા હાલ છે ક્યાં ? તેની તપાસ કરવી પડશે.. ક્રિષા શ્રુતિ સામે એક શ્વાસે બોલી ઉઠી..

‘રિલેક્ષ ક્રિષુ..કશુંય નહિ થાય..કવિથ ઓસ્ટ્રેલીયાથી આવે એટલે તેને મળવા જઈએ અને આ પ્રશ્ન તેને જ પૂછીએ તો કેવું ?’

‘સારું એવું કરીશું..’

‘ચાલ જઈએ હવે બહુ લેટ થઇ ગયું છે’...ફરી મળીએ આ ડાયરી વાંચવા માટે..

‘હું બહુ વેઇટ નહિ કરું ડાયરી વાંચવામાં જો તું નહિ આવે અને મને ઈચ્છા થશે તો હું રાત્રે જ ડાયરી વાંચવાનું પાછુ ચાલુ કરીશ.’

‘સારું મારી મા..પણ મને શેર કરજે વાત..’

‘હા પાક્કું..’

‘એમ કહી શ્રુતિ અને ક્રિષા ત્યાંથી છુટા પડ્યા..અનેક પ્રશ્નોનાં મનમાં વિચાર કરતાં કરતાં..

‘ક્રિષાની ગાડી તેના ઘર તરફ આગળ નીકળી અને તે વિચારી રહી હતી.
કોણ છે આ કાવ્યા ? કોણ છે આ પ્રમોદ ?, કાવ્યાની મા નું શું થયું ? તે જીવતી હશે ? કે પછી..!! આ અનેક પ્રશ્નોની ભીડ વચ્ચે ક્રિષાની કાર પણ અમદાવાદની ભીડોમાં ભરાઈ ગઈ...!


તમારાં મનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોનાં જવાબ સાથે મળીએ આવતાં અંકમાં..

(તમારાં અભિપ્રાયો અચૂક આપતાં રહેજો)

લેખકનાં દિલની વાત :

વિરહમાં મિલનની આશ હોય છે,

મિલનમાં વિરહ પછીની હાશ હોય છે..