ત્યાંજ આદિત્યએ ચહેરા પર ડરામણી સ્માઈલ લાવીને પોતાનો પગ લાંબો કર્યો....અનન્યાએ તરત તેનો હાથ પકડ્યો અને એને અંદરની બાજુ ખેંચી લીધો.
આદિત્ય પણ જાણે કોઈ સંમોહનથી છૂટ્યો હોય એમ અનન્યાની સામું અચરજ પામીને જોતો રહી ગયો ત્યાંજ આદિત્યએ અનન્યાને પુસ્તક તરફ ઈશારો કર્યો.
પુસ્તક બંધ થઇ ચૂક્યું હતું અને તેના લોક પણ બંધ થવા લાગ્યા હતા.
"ઓહ!! શીટ!! આતો બંધ થઇ ગયું.હવે શું કરીશું?" આદિત્ય એ ચિંતાતુર સ્વરે કહ્યું.
"કાંઈ નહીં જે જાણવાનું હતું એ મેં જાણી લીધું છે." અનન્યાએ આદિત્યનાં ખભે હાથ મૂકીને કહ્યું.
આદિત્યએ રાહતનો શ્વાસ લીધો.
"તો શું જાણ્યું તે??" આદિત્યએ અનન્યાને સવાલ કર્યો.
"આપણે 2 દિવસ બાદ જવું પડશે ઉજ્જૈન. ત્યાં બાલાઘાટ કરીને એક પ્રદેશ છે. ત્યાંજ આપણને આપણી જોઈતી વસ્તુ મળી શકશે."
"ઓક્કે તો હું કાલે મારું કામ પતાવું પછી આપણે ઉજ્જૈન જવા નીકળી જઈશું પણ અનુ..."
"શું થયું?? કેમ ચિંતામાં લાગે છે??"
"અનુ જેમ આ પુસ્તકની હકીકત જાણવામાં આપણને બાધાઓ આવી એમ તે વસ્તુને મેળવવામાં પણ -"
"નહીં આવે અને આવી તો હું છું ને તારી સાથે. શું કામ ચિંતા કરે..." અનન્યાએ આદિત્યની વાત કાપતા કહ્યું.
"સારુ તો હું નીકળું ઘરે જવા.મારે સવારમાં નીકળવાનું છે. તારી સાથે રહીશ તો આરામ નહીં કરી શકું." કહેતા આદિત્યએ અનન્યાને આંખ મારી.
"ઓક્કે ગુડનાઈટ માય લવ."
********************
"શું થયું આદિ?? કામ થયું કાંઈ??" શીલાએ આદિત્યને ઘરમાં પ્રવેશતા તરત પૂછ્યું.
"યા મોમ. એ પુસ્તક તમે કહ્યું હતું એમ અનન્યા વડે જ ખુલ્યું અને તેને જ એની અંદરના રહસ્યો જાણવા મળ્યા."
"તો એણે તને ના કીધા?? તે એને પૂછ્યું કે નહીં??" શીલા ગુસ્સામાં બરાડતા બોલી.
"એણે મને સાથે આવવાનું જ કીધું છે તો પૂછીને શું કરું."
"મૂર્ખ એ સાચું બોલી કે નહીં એની શું ગેરંટી?? એ પાગલ સાથે રહીને તું પણ પાગલ થઇ ગયો લાગું છું."
શીલાનું આવું ક્રોધિત રૂપ આદિત્યએ આ પહેલા કયારેય જોયું નહોતું.
"રિલેક્સ મોમ. શું થઇ ગયું છે તને?? આટલો બધો ગુસ્સો શું કરવા કરે છે."
"સોરી આદિ, હું કાંઈક વધારે પડતી સિરિયસ થઇ ગઈ." શીલાએ પોતાના હાવભાવમાં ફેરફાર લાવતા કહ્યું.
"મોમ હું કાલે આબુ જઉં છું. મારા ફ્રેન્ડની પાર્ટી છે. ત્યાંથી આવીને હું સીધો અનન્યા સાથે ઉજ્જૈન જવા નીકળીશ." આટલું કહીને આદિત્ય જવા લાગે છે.
"બેટા અનન્યા એ વસ્તુ તને આપી દે પછી તારે એને ત્યાંજ મારી નાખવાની છે સમજી ગયો." શીલાએ આદિત્યને રોકતા કહ્યું.
"હા મને ખબર છે. આપણા પ્લાન પ્રમાણે એ વસ્તુ મારી પાસે આવતા જ મારે એને મારી નાખવાની છે. પણ મોમ એ વસ્તુ છે શું?? નથી અનન્યા મને કહી રહી કે નહીં તમે."
"એ જયારે તારા હાથમાં આવે ત્યારે જ તું જાણી જજે. જા સુઈ જા બેટા. ગુડનાઈટ." આટલું કહીને શીલા હવામાં અદ્રશ્ય થઇ ગઈ. આદિત્ય પણ ત્યાંથી નીકળીને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો.
આદિત્યએ સુવા માટે આંખો બંધ કરી પણ તેને સતત અનન્યનો ચહેરો જ દેખાતો હતો. તેને સમજ નહોતી પડતી કે અનન્યા સાથે તેને શું સાચેમાં પ્રે....નો નો એ શક્ય જ નથી. મારે એને ખુદ મારા હાથોથી મારી નાખવાની છે. મોમે મને એના વિશે કહ્યું જ હતું કે એણે એના માબાપને મારી બેરહમીપૂર્વક મારી નાખ્યા હતા. એ કોઈના ભરોસાને લાયક નથી. મારી સાથે પણ નાટક જ કરી રહી છે.
આ બધા વિચારો કરતા કરતા આદિત્યને કયારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના રહી.
*********************
આદિત્યનાં ફોનમાં રિંગ વાગે છે.... આદિત્યએ ઊંઘ ભરેલી આંખોએ જોયું તો સ્ક્રીન પર ઓમ લખેલું હતું. તે તરત બેઠો થઇ ગયો અને ફોન ઉપાડ્યો.
"હા બોલ ઓમ સોરી હું લેટ થઇ ગયો."
"હું તારી જુહુ બીચ પર રાહ જોઉં છું. 10 મિનિટમાં આવી જા."
"હા બસ આવ્યો."
આદિત્ય ફટાફટ રેડી થઈને પોતાની કાર લઈને નીકળી પડે છે.
આદિત્યની આ હડબડાટ જોઈને શીલાને મનમાં શંકા જાગે છે.
"આદિત્ય આવી રીતે ગયો !! કાંઈ સમજમાં નથી આવતું. ક્યાંક તે મારાથી ખોટું તો નથી બોલ્યો ને... ના ના... એના માટે હું એની બેસ્ટ મોમ છું. એ મારો માનીતો મુરઘો છે. હાહાહાહા."
******************
ઓમ અને આદિત્ય કારમાં અમદાવાદ જવાના રસ્તે ઉપડે છે.
"આદિત્ય કોઈને જાણ તો નથી ને કે તું અમદાવાદ મારી સાથે... "
"ના ના ડોન્ટ વરી. કોઈને પણ નથી ખબર. અનન્યાને પણ એમજ છે કે હું રાજસ્થાન જઉં છું."
"ઓક્કે સમજી ગઈ એ.. "
"યસ એ મને પ્રેમ કરે છે. એટલું તો સમજે ને.. "
"આદિત્ય અનન્યા વિશેની તારી માનસિકતા કદાચ અમદાવાદથી પાછા ફરતી વખતે બદલાઈ શકે છે તો તું હિંમત રાખજે." ઓમે આદિત્યને સમજાવતા કહ્યું.
આદિત્યએ માત્ર હકારમાં ડોકું હલાવ્યું.
********************
"ક્યાં છો માય ડિયર સાસુમોમ???" અનન્યાએ આદિત્યનાં ઘરમાં પ્રવેશતા તરત કહ્યું.
અનન્યાનો અવાજ સાંભળીને તરત શીલા બહાર આવી.
અનન્યાને જોઈને તેને આદિત્ય પર ગયેલ શંકા દૂર કરવાનું કારણ મળી ગયું.
"શું કામ આવી છું અહીંયા?? આદિત્ય ઘરે નથી." શીલાએ રુક્ષતા દાખવતા કહ્યું.
"મને ખબર છે આદિ આબુ ગયો છે. એટલે જ તો આવી છું તમારા ખબર અંતર લેવા. હાહાહા" અનન્યા એકદમ બેફામ જવાબ આપતાં બોલી.
"લાગે છે તું તારી આ ઘરની પહેલી મહેમાનનવાઝી ભૂલી ગઈ છું!!" શીલાએ મોં મચકોડતાં કહ્યું.
"હું ક્યાં મહેમાન છું. હું તો આ ઘરની માલકીન છું. લાગે છે તમે ભૂલી ગયા કે તમે હવે જીવિત નથી રહ્યા."
"આ ઘર મારું છે સમજી. તને હું અહીંયા કયારેય નહીં આવવા દઉં."
"મને આ ફાલતુનો બકવાસ જાણવામાં રસ નથી. બસ એટલું કહી દે કે તું આ પ્રેત બનવા માટે કેમ પ્રેરાઈ??" અનન્યાએ સોફા પર લંબાવતા શીલાની સામું જોઈને પૂછ્યું.
"હું શું કરવા તને કહું !!"
"હું પહેલા આવી ત્યારે કોઈ તૈયારી વગર આવી હતી પણ આજે ખાલી હાથે નથી આવી." આટલું કહીને અનન્યાએ પોતાના પર્સમાં હાથ નાખીને ભસ્મ જેવું મુઠ્ઠીમાં ભરતા શીલા ઉપર નાખ્યું.
આ સાથે જ શીલા ચીસો પાડવા લાગી.
"આ તું.. આ તું ઠીક નથી કરી રહી છોકરી. તારી હું બહુજ ખરાબ હાલત કરી નાખીશ." શીલા દર્દથી કણસતી બોલી.
"મેં પૂછ્યું એનો જવાબ આપી દે ખાલી. નહીં તો આખા શરીરે છાંટી દઈશ કે તું એ પીડા સહન પણ નહીં કરી શકે."
"કહું છું કહું છું હું રોકાઈ જા."શીલા હાથ જોડતા બોલી.
"મને કેન્સર પણ મેં ખુદ હાથે કરીને કરાવ્યું હતું પણ આદિત્ય ડોક્ટરનું જ ભણતો હતો એટલે એણે મારી સારવાર કરાવી ને હું સાજી થઇ ગઈ હતી. મારી પાસે સમય ખુબ ઓછો હતો એટલે જે દિવસે હું ઘેર આવી એ દિવસે જ મેં આત્મહત્યા કરવાનો નિર્ણય લઇ લીધો હતો."
"આ બધી મને ખબર જ છે પણ તે કેમ કરી અને શેના માટે ટાઈમ ઓછો હતો એ કહે."
શીલા હજુ કાંઈ વધારે બોલે એ પહેલા તો એણે અનન્યાના માથા પર કાચના પોટ વડે પ્રહાર કરી દીધો. અનન્યા કાંઈ વધુ એ સમજે એ પહેલા તો એને ચક્કર આવતા તે નીચે જમીન પર ફસડાઈ પડી.
(ક્રમશ : )
(જો આપને મારી નોવેલ ગમી હોય તો પ્રતિભાવ આપવાનું ના ભૂલશો...)