Featured Books
શ્રેણી
શેયર કરો

'વિવિધતામાં એકતા' જેવા ભારતની દિવાળીનું વૈવિધ્ય

નોલેજ-સ્ટેશન * પરમ દેસાઈ

--------------------------

લાગલગાટ નવ દિવસ સુધી શ્રી રામ અને લંકાપતિ રાવણ વચ્ચે ચાલેલું યુદ્ધ વિક્રમસંવતની આસો સુદ દસમે પૂરું થાય છે. શ્રી રામના હાથે રાવણ હણાય છે અને સાથે જ બૂરાઈની પણ હાર થાય છે. ૧૪ વર્ષ સુધીના વનવાસનોય એમ અંત આવે છે ને શ્રી રામ સીતામાતાને લઈને લક્ષ્મણ તથા વાનરસેના સાથે ‘પુષ્પક’ વિમાનમાં અયોધ્યા પરત ફરવા નીકળી પડે છે. અયોધ્યામાં આસો વદ અમાસ/કારતક અમાસના દિવસે સૌનું આગમન થાય છે ત્યારે અયોધ્યા દુલ્હનની જેમ સજેલું છે અને ગામવાસીઓ હર્ષોલ્લાસ સાથે શ્રી રામ વગેરેનું સ્વાગત કરવા તૈયાર છે. ઘરે-ઘરે મીઠાઈઓ બને છે, ચારેય બાજુ દીવડાનો શણગાર ઝગારા મારે છે અને એ રીતે શ્રી રામનું ભવ્ય સ્વાગત થાય છે.

હિન્દુ પુરાણો અનુસાર લગભગ ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ કરતાં પણ પહેલાં ‘રામાયણ’ની ઘટના ઘટેલી હોવાનું ‘મનાય’ છે. રામાયણ વિશે ક્યાંય કશે પણ આધારભૂત પુરાવાઓ સાથેનું લખાણ મળતું નથી. તેમ છતાં, વાલ્મિકી ઋષિએ સૌ પ્રથમ વખત રામાયણ કહ્યું હોવાની વાત નકારી શકાય એમ નથી અને એટલે આપણે શ્રદ્ધાપૂર્વક પણ માન્યતાનો સ્વીકાર કરતાં થયાં છીએ.

શાસ્ત્રો અનુસારની રામાયણકથા આપણે બાળપણથી સાંભળતાં – વાંચતાં આવ્યાં છીએ અને એ જ કથાના અંતિમ ભાગનું જરાસરખું વર્ણન પહેલા ફકરામાં આપ્યું. આપવાનું કારણ એ કે વર્ષોના વર્ષોથી હિન્દુ ધર્મ મુજબ દિવાળી મનાવવાનું કારણ એટલે શ્રી રામની ઘરવાપસી, ખરું ને ? સૌથી પ્રચલિત કથા તો એ જ છે, તેમ છતાં જેમ દિવાળી એ તહેવારોનું એક ઝૂમખું છે એમ જ તેને ઉજવવા પાછળનાં કારણો પણ એક કરતાં વધુ છે. કોઈ ચોક્કસ કારણ નક્કી ન થઈ શકે. જેમ કે હિન્દુધર્મ માટે રામાયણકથા અતિપ્રચલિત છે તે જ રીતે વળી પૂર્વ ભારતમાં કાલિમાતાની દંતકથા પ્રચલિત છે તો શીખધર્મ માટે જુદું જ કારણ છે. દિવાળીના દિવસે તેમના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંગજી બાદશાહ જહાંગીરની કેદમાંથી મુક્ત થઈને અમૃતસર પાછા ફર્યા હતા. આ પ્રકારે દરેક ધર્મ, દરેક પ્રદેશ મુજબ અવનવી કથાઓનું જોડાણ દિવાળી સાથે છે એટલે જ કહી શકાય કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.

ચાલો, આપણે વિવિધ ભારતીય પ્રદેશાનુસાર દિવાળીના તહેવારોની કેવી વૈવિધ્યસભર ઉજવણીઓ થાય છે તેનું વિહંગાવલોકન તપાસીએ.

પૂર્વ ભારતની વૈવિધ્યપૂર્ણ દિવાળી : પૂર્વ ભારતનાં શહેરો અને ગામોમાં ઉજવાતી દિવાળીની રીતભાતો કંઈક આવી છે. અહીં ઉજવાતી દિવાળી, ખાસ કરીને પશ્ચિમ બંગાળની દિવાળી ભારતના અન્ય પ્રદેશોની સરખામણીએ તેની ‘કાલિપૂજા’ને કારણે વિશિષ્ટ છે. અન્ય પ્રદેશોમાં દિવાળીના દિવસે જે લક્ષ્મીપૂજન થાય તે લક્ષ્મીપૂજન અહીં દિવાળીના થોડા દિવસ અગાઉ, દશેરા પછીના પાંચમા દિવસે થઈ જાય છે. (સ્ત્રોત: kolkata.org.uk) અહીં દિવાળીનો દિવસ ‘કાલિપૂજા’ના દિવસ તરીકે ઓળખાય છે ને કાલિમાતાની પૂજા-અર્ચના આ દિવસોમાં કરવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ancestors/પૂર્વજોની પ્રાર્થના પણ કરે છે.

કાલિપૂજા પાછળની એક રસપ્રદ દંતકથા છે જે કંઈક આવી છે. એક વખત દાનવો સાથેની ભીષણ લડાઈમાં દેવો હારી ગયા ત્યારે દાનવોની ક્રૂરતા આસમાને ચઢી. એવે સમયે શક્તિ અને દુર્ગાના સ્વરૂપસમાં કાલિમાતા અવતર્યાં અને તમામ દાનવોનો સફાયો કર્યો. દાનવોને હણ્યા બાદ કાલિમાતા પોતાનાં પ્રકોપ પર કાબૂ ન મેળવી શક્યાં, પ્રચંડ નાચ શરૂ કરી દીધો અને તેમનાં રસ્તે પડતા દરેકનો વધ કરવાનું શરૂ કરી દીધું. એમને રોકવાનો એકમાત્ર ઉપાય હતો ભગવાન શિવજી. શિવજી આવ્યા અને અત્યંત ક્રોધે ભરાયેલાં કાલિમાતાના માર્ગમાં આડા પડી ગયા. ક્રોધમાં ગાંડાતૂર બનેલાં કાલિમાતાએ અંતે જ્યારે શિવજી પર પગ મૂકી દીધો ત્યારે તેમને ભાન થયું કે તેઓ ભગવાન શિવજી(પોતાનાં પતિ)ને ઈજા પહોંચાડી રહ્યાં છે. તેમનો ક્રોધ શમ્યો અને તેમણે રક્તરંગી જીભ શરમના આવેશમાં કરડી. કાલિમાતાની આ કથા ‘કાલિપૂજા’ની નિમિત્ત છે.

અહીં દિવાળીના દિવસે આપણે ત્યાં હોય છે તેવો જ, હર્ષોલ્લાસભર્યો માહોલ હોય છે. અહીં દિવાળીનું તહેવાર-ઝૂમખું ત્રણ દિવસનું હોય છે. વિવિધ સ્થળો પર રોશનીનો ઝગમગાટ, મોડી રાત સુધી ફટાકડાની રમઝટ, ભેટ-સોગાદની આપ-લે, સગાંસ્નેહીઓ એકબીજાને મળે... આ બધું આપણે ત્યાં હોય છે એવું જ. પશ્ચિમ બંગાળમાં કાલિપૂજા માટે અનેક સ્થળોએ ‘પંડાલ’ બાંધવામાં આવે અને તેમાં મહાકાલીની મૂર્તિઓ સ્થાપવામાં આવે. રાત્રે સરઘસો નીકળે. ચારે બાજુ જાહોજલાલીભર્યું વાતાવરણ હોય.

વળી આસામ, બંગાળ, ઓરિસ્સા જેવા પૂર્વીય રાજ્યોમાં દિવાળીના દિવસોની રાત્રે જુગાર રમવાનો અનોખો અને વિચિત્ર રિવાજ પ્રવર્તે છે. અહીંના લોકો જુગાર રમવાને ‘શુકન’ કહે છે ! તાશનાં પત્તાંનો ઉપયોગ રમવા માટે થાય છે અને બીજી આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ કે આબાલવૃદ્ધ – સૌ કોઈ રમે છે. જે બાજી જીતે તેનું આવનારું વર્ષ સમૃદ્ધ જાય એવી માન્યતાને પગલે રમત રમાય છે !

પૂર્વીય પ્રદેશોમાં દિવાળીના તહેવાર પહેલાં સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્રણ દિવસના તહેવારની દરેક રાતે અહીં ‘આલ્પોના’ નામની traditional/પરંપરાગત રંગોળી કરવામાં આવે છે. ‘આલ્પોના’ રંગોળી rice/ભાતની લૂગદી દ્વારા તૈયાર કરી તેને લાલ રંગ અને નાના દીવડાથી શુશોભિત કરવામાં આવે છે. પશ્ચિમી દિવાળીની રંગોળીઓ માફક ભલે કલરફૂલ નથી લાગતી, પરંતુ તેના અલગ પરંપરાગત અંદાજ મુજબ મનોહર જરૂર લાગે છે.

ઉપરાંત ઘણા પ્રદેશોમાં દિવાળીના આગલા દિવસની રાતે એટલે કે ચૌદશે ઘરોમાં ચૌદ નાના દીવા પ્રગટાવવાની પ્રથા છે. આ દિવસે સમૃદ્ધિની દેવી લક્ષ્મી લોકોના ઘરે પધારે છે એવી માન્યતાને કારણે આખી રાત ઘરનાં બારી-બારણા ખૂલ્લાં જ રહે છે જેથી લક્ષ્મીજી પ્રવેશી શકે. આ રિવાજ ઉત્તર ભારતમાં પણ કેટલાક શહેરો-ગામોમાં જોવા મળે છે.

બંગાળમાં દિવાળીને ‘પિતૃઓની રાત્રિ’ કહેવાય છે. ઘરની દીવાલે ને ઊંચા થાંભલાઓ પર લોકો દીવા, ફાનસ કરે છે જેથી સદ્દગત પિતૃઓ દીવાની રોશનીને સહારે મોક્ષનો માર્ગ ન ભટકે.

ઉત્તર ભારતની આલીશાન દિવાળી : ઉત્તર ભારતનાં રાજ્યો માટે પણ આપણી જેમ જ, દિવાળી જેવો મોટો બીજો કોઈ તહેવાર નથી. રોશનીના ઝગમગાટની આલમ, ફટાકડાની તડાફડી, ભેટ-સોગાદ, મીઠાઈ એ બધું તો ગુજરાત જેવું ખરું જ. ઉપરાંત શ્રી રામનું અયોધ્યા પણ અહીં આવ્યું એટલે દિવાળીનો અતિઉમંગ દેખીતી બાબત છે.

ચૌદ વર્ષના વનવાસ બાદ, રાવણનો વધ કર્યા પછી જ્યારે શ્રી રામ વતન અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે આનદ-ઉલ્લાસ સાથે, રોશનીની ચમકદમક સાથે દિવાળી ઉજવવામાં આવી હતી – હિન્દુ શાસ્ત્રોની આ કથા પશ્ચિમ ભારતની જેમ જ અહીં પણ દિવાળી મનાવવાને નિમિત્તરૂપ ઘટના છે. ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં ગુજરાત પ્રમાણે જ દિવાળી ઉજવવામાં આવે છે. અહીં ધનતેરસથી દિવાળીની શરૂઆત થાય છે અને ભાઈબીજ સુધી ચાલે છે. અહીં ધનતેરસના તૌરતરીકા પણ ગુજરાત જેવા જ. ખિસ્સાની મજબૂતી પ્રમાણે લોકો સોનું યા કિંમતી આભૂષણોની ખરીદી કરે છે. દિવાળીના દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની એકસાથે પૂજા કરવામાં આવે છે. આ સામુહિક મેળાવડો, મીઠાઈની મહેર, ફટાકડા... બધું પશ્ચિમી રીતભાત મુજબ થાય છે.

દિવાળીના ત્રણ-ચાર દિવસ દરમિયાન અહીંનું મુખ્ય આકર્ષણ હોય છે ‘રામલીલા’ જે ભારતના અન્ય રાજ્યોમાં નથી જોવા મળતું, અથવા જૂજ માત્રામાં દેખાય છે. ‘રામલીલા’ થકી ઉત્તર ભારતની દિવાળીને ચાર ચાંદ લાગી જાય છે તેમ કહીએ તો પણ નવાઈ નહીં. પરંપરાગત રીતે ‘રામાયણ’ના કેટલાક ભાગોને નાટ્યાત્મક રીતે ઊંચા સ્ટેજ પર ભજવવામાં આવે છે અને ભજવણી વળી છેક મોડી રાત સુધી ચાલુ રહે છે. સંધ્યાએ બહાર નીકળો કે ગલીએ-ગલીએ નાટક મંડળીઓ રામલીલાની ભજવણીની તૈયારી કરતી દેખાય ને રાત્રે તો એકદમ મનોરંજક અને રોમાંચક માહોલ સર્જાય. હિમાચલ પ્રદેશ, દિલ્હી વગેરેમાં પણ પૂર્વ ભારતની જેમ જુગારનો મહિમા છે.

તો વળી વારાણસી તો દિવાળીના દિવસોમાં ગાંડું બને. ગંગાઘાટ પરનાં મંદિરોમાં થતી આરતીઓ, પૂજા-અર્ચના અને રાત્રિના સમયે ગંગાનદીના વિવિધ ઘાટ પર સર્જાતી અસંખ્ય દીવડાની હારમાળા અચૂક સ્વર્ગીય અનુભવ કરાવે. વારાણસી આ દિવસોમાં ‘સ્પેશ્યલ ગંગા આરતી’ માટે પણ પ્રખ્યાત. આરતી સમયે ઘાટ પર જ્યારે દીવા-મીણબત્તીનો ઝગમગાટ થાય અને ગંગા નદીમાં પાન પર દીવાની પધરામણી વખતે જે સંખ્યાબંધ દીવા ગંગાનાં પાણીમાં રેલાય ત્યારે દૃશ્ય જોવા જેવું બની જાય છે.

ઉત્તરભારતના રાજ્યોમાં બીજી એક પ્રથા પણ છે. એક પાત્રમાં દૂધ ભરી તેમાં ચાંદીનો સિક્કો રાખવામાં આવે, પૂજા થાય અને પછી સિક્કો કાઢી લઈને પાત્રમાંના દૂધનો ઘરનાં ખૂણાઓ અને દિશાઓ તરફ છંટકાવ કરવામાં આવે. બીજી મહત્વપૂર્ણ વાત કે અહીં કાળી ચૌદશને ‘છોટી દિવાલી’નું નામ પણ છે.

હિમાચલ પ્રદેશના અમુક ક્ષેત્રોમાં ઘણાખરા લોકો મધ્યમ કદના શુશોભિત અને બધા જ એકસરખા માપના દીવાથી ઘર શોભાવે, પણ પૂજાસ્થાને ઘરના દીવાના માપ કરતાં મોટો દીવો પ્રગટાવે. ઉત્તરપ્રદેશ-બિહારમાં પણ આ રીતે મધ્યમ કદના દીવા કરે, પણ ચારના ઝૂમખામાં. ઘણાખરા પ્રદેશો-કસબાઓમાં તો ઘરની સ્ત્રી રાત જાગરણ કરીને દીવાની સંભાળ રાખે. જો દીવો હોલવાઈ જાય તો ફરી પ્રગટાવે.
અહીં ‘પાતંદા’ કહેવાતી, ઘઉંના લોટની ઢોસા જેવી વાનગી બનાવવામાં આવે છે જે ખાંડ કે ઘી સાથે ખવાય છે. અહીં એક બીજી પણ વાનગી દિવાળીના દિવસોમાં બને છે જે ‘અસકલૂ/અસકલો’ના નામે ઓળખાય છે. ભાતની લૂગદીમાંથી બનતી ‘અસકલૂ’ ચટણી અથવા ઘી સાથે ખવાય છે. ઉપરાંત માલપુઆ, પૂડા જેવી વાનગીઓ તો ખરી જ. પંજાબ અલગ રીતે દિવાળી મનાવે છે. શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંગજીને તેમનાં સત્યવાદી અને ઉદ્દાત મૂલ્યોને કારણે અન્યાયી રીતે બાદશાહ જહાંગીરની કેદમાં રખાયા હતા. ઈ.સ. ૧૬૧૯માં તેમને મુક્ત કરાતાં તેઓ પંજાબ પાછા ફર્યા એ ઘટનાના માનમાં અહીં દિવાળી સેલિબ્રેટ કરવામાં આવે છે. એથી પણ પહેલાં, ઇ.સ. ૧૫૭૭ માં ‘ગોલ્ડન ટેમ્પલ’ મંદિરનો પાયો બરાબર દિવાળીને દિવસે જ નાંખવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ શીખો માટે દિવાળી મનાવવાનું ઇજન બની છે. શીખો પરંપરાગત રીતે દિવાળી નથી ઉજવતા. પરંતુ તેઓ જુગાર રમીને, ગુરુદ્વારામાં કેન્ડલ જલાવીને, ગુરુદ્વારામાં તથા અન્ય કેટલાક સ્થળો પર રોશની કરીને અને થોડાઘણા ફટાકડા ફોડીને આ ઉત્સવ ઉજવી લે છે.

પશ્ચિમ ભારતની ‘ઘેલી’ દિવાળી : પશ્ચિમ તરફ તો પહેલુંવહેલું ‘દિવાળી ઘેલું’ રાજ્ય આવે ગુજરાત. આપણે ત્યાંના રિવાજો, પરંપરા, ઉત્સવો કશું જ અહીં આલેખવાની જરૂર ખરી ? અહીં પણ રામકથાવાળી જ થિયરી દિવાળીની પ્રેરક છે. ગુજરાતમાં તો દિવાળીનો જલસો કેટલી હદે હોય છે એ તો મારા-તમારા જેવા ગુજરાતીને ખબર જ હોય ! દિવાળીના સૌથી વધુ દિવસો ગુજરાતમાં ઉજવાય છે. વાક્બારસથી શરૂ કરીને છેક લાભપાંચમ સુધી જાણે ગુજરાત આનંદ-ઉલ્લાસના હિંડોળે ચડી બેસે છે.

ગુજરાતના પડોશી રાજસ્થાનનું પૂછો તો અહીં ગુજરાત જેવો અતિરેક નથી. છતાં દિવાળી આકર્ષક રીતે ઉજવાય છે. અહીં માત્ર ઘર, મકાન કે બિલ્ડિંગ્સમાં જ નહીં, પણ જુદી-જુદી બજારોમાં પણ રોશની અને લાઈટિંગ ડેકોરેશન જોવા મળે છે. રાજસ્થાન દર વર્ષે ‘બેસ્ટ ડેકોરેટેડ એન્ડ બ્રિલિયન્ટ માર્કેટ’ નામે સ્પર્ધા રાખે છે જેમાં સૌથી સુંદર સુશોભિત માર્કેટને બિરદાવવામાં આવે છે. વધુ એક મજાની વાત એ કે વિજેતા બનેલી બજારનું વીજળીબિલ ખુદ રાજસ્થાન સરકાર ચૂકવે છે. છેલ્લાં અમુક વર્ષોમાં જયપુરની ‘બાપુ બજાર’ અને ‘જોહરી બજાર’ રોશની માટે ‘ફેમસ’ થઈ ગઈ છે. ઉપરાંત રાજસ્થાનના સંખ્યાબંધ પેલેસના શણગાર અભિભૂત કરી દે તેવા હોય છે.

રાજસ્થાનમાં ધનતેરસ, છોટી દિવાલી, બડી દિવાલી, પાડવા અને ભાઈદૂજ – એમ પાંચ દિવસોનું ઝૂમખું હોય છે. જૈસલમેર આમ પણ કલરફૂલ સિટી તો છે જ, એમાં દિવાળીમાં તો એ ફાનસ, દીવા, રોશની, મીઠાઈ વગેરેથી ઉભરાય. વળી અહીંનું મુખ્ય આકર્ષણ રાત્રે શહેરની નાની ગલીઓમાંથી પસાર થતી ‘દિવાલી પરેડ’ છે. દરેક જણ તેમાં ભાગ લે છે. નૃત્ય, સંગીત, ઊંટના ખેલ વગેરે મનોરંજન પૂરું પાડે છે. દીપાવલી સમયે પુષ્કર શહેરમાં થતો ‘ઊંટ મેળો’ પણ જબરું આકર્ષણ ખડું કરે છે. લગભગ ૫૦,૦૦૦ થી પણ વધુ સહેલાણીઓ અહીં ઉમટે છે. પશુ લે-વેચ, રાજસ્થાની ફોક ડાન્સ, ઊંટ રેસ વગેરે આ મેળાનું જમાપાસું છે.

ગુજરાતનું બીજું પડોશી મહારાષ્ટ્ર પણ દિવાળી ઉત્સવ માટે વખણાય. અહીં ખરેખર તો દિવાળી ‘ધનત્રયોદશી’ એટલે કે ધનતેરસથી શરૂ થાય છે, છતાં તેના આગલા દિવસે – ‘વસુબારસે’ (વાકબારસ) મહારાષ્ટ્રીયનો ગાયની પૂજા કરીને ‘માતા-દીકરી’ના બંધનનું સમ્માન કરે છે. (ઉપરનો ફોટો) ત્યાર બાદ ધનત્રયોદશી મોટેભાગે (ગુજરાતની જેમ જ) વ્યાપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી કરીને મનાવાય છે. આ દિવસે ‘યમ દીપ દાન’ કહેવાતી રસમ દ્વારા પતિવ્રતા સ્ત્રીઓ મૃત્યુના દેવ યમને પોતાના પતિની લાંબી આયુ માટે પ્રાર્થે છે. યમને પ્રાર્થવા લોટના દીવા કરવામાં આવે છે. દરેક દિવસે રાત્રે રંગબેરંગી રંગોળીઓ તો ખરી જ.

છોટી દિવાલીના દિવસે વહેલા ઊઠી લોકો સુગંધિત તેલથી અને ‘ઉટણે’ કહેવાતા પેસ્ટથી સ્નાન કરે છે. (‘ઉટણે’ હળદર, ગુલાબ, ચંદન અને કપૂર દ્વારા બને છે.) ત્યાર બાદ ઘરની સ્ત્રી આરતી કરે છે. આ સંપૂર્ણ વિધિ ‘અભયમ-સ્નાન’ કહેવાય છે. દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. જેમ મહારાષ્ટ્રમાં ગુડી પાડવા છે એમ ‘દિવાલી ચા પાડવા’ના ચોથા દિવસે પત્ની પતિનાં લાંબા આયુષ્ય માટેની પૂજા કરે છે. પાંચમો ભાઈદૂજ તહેવાર ગુજરાત-મહારાષ્ટ્ર બંને માટે સરખો છે.

દક્ષિણ ભારતની ‘દિવાળી’ નહિ, દીપાવલી : સૌ પ્રથમ વાત કે દક્ષિણ ભારતની તમિલ ભાષામાં ‘દિવાલ’ અથવા ‘દિવાલી’ એટલે bankrupt/દેવાળિયું. એટલે દક્ષિણ ભારતમાં દિવાળી નહીં, પણ ‘દીપાવલી’નામે દિવાળી ઉજવાય છે. દક્ષિણ ભારતમાં ઉજવાતી દિવાળી બધાં કરતાં વિશિષ્ટ અને જુદા પ્રકારની છે. આપણે ત્યાં રામાયણની કથા પ્રવર્તે છે જ્યારે દક્ષિણમાં શ્રી કૃષ્ણ અને તેમનાં પત્ની સત્યભામાની કથા છે. દિવાળીના એક દિવસ દિવસ પહેલાં શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો ત્યારે મરતી વખતે નરકાસુરે ઉચ્ચારેલું કે, આજ પછી લોકોએ બૂરાઈ પર અચ્છાઈની જીતના પ્રતીક સ્વરૂપે આ દિવસ રંગબેરંગી પ્રકાશ સાથે ઉજવવો. ત્યારથી દક્ષિણ ભારતમાં દીપાવલીની ઉજવણી શરૂ થઈ.

દિવાળીનું જોમ જેટલું ભારતના અન્ય ભાગોમાં છે તેટલું દક્ષિણ ભાગમાં જોવા મળતું નથી. લગભગ ત્રીસેક વર્ષ પહેલાં ૧૫ થી ૨૦% તમિલો જ દીપાવલીમાં રસ દાખવતા. હવે વધીને જુમલો અડધોઅડધ થયો છે, છતાં દીપાવલી મુખ્ય તહેવારોમાં ગણના પામતી નથી.

અહીં તમિલ કેલેન્ડર મુજબ ‘ઐપસી’ (ઓક્ટોબર અથવા નવેમ્બર) મહિનામાં દીપાવલી આવે છે. રસપ્રદ વાત એ છે કે અહીં અમાવસની રાત એટલે કે દિવાળી મુખ્ય તહેવાર નથી, પણ ચૌદશ મુખ્ય તહેવાર તરીકે ઉજવાય છે. અલબત્ત, તમિલ કેલેન્ડર મુજબ દિવાળી જેવો જ પ્રકાશપર્વ કારતક માસમાં પણ આવે છે જે માત્ર દક્ષિણ ભારતમાં જ ઉજવાય છે.

ચૌદશને ‘નરક ચતુર્દશી’ કહેવાય છે. તહેવારની તૈયારીઓ એક દિવસ અગાઉ થઈ જાય છે. ઘરને ધોવામાં આવે છે અને પછી ‘કોલમ’ કહેવાતી રંગોળી કરી દેવામાં આવે છે. નાગરવેલનાં પાન, સોપારી, હળદર-ચંદનની લૂગદી, સુગંધિત તેલ, ફળ-ફૂલ વગેરેથી પૂજાનું સ્થાન મઘમઘી ઊઠે છે. નરક ચતુર્દશીની સવારે ઘરની સૌથી વડીલ વ્યક્તિ પરિવારજનો પર સીસમના તેલનાં છાંટણા કરે છે અને ત્યાર બાદ સૌ સુગંધીદાર તેલથી સ્નાન કરે છે. દિવસે થોડા પ્રમાણમાં ફટાકડા ફૂટે છે. પરિવારની કુળદેવીની એક પૂજા કરવામાં આવે છે અને ત્યાર પછી ‘મુરુક્કુ’ કહેવાતી મીઠી વાનગીનું ઈડલી-ઢોસા સાથે જમણ કરાય છે. પછીના ‘થલાઈ’ કહેવાતા દિવસે નવપરિણીત વર-વધૂ પ્રથમ વખત પિયરની દિવાળી મનાવવા જાય છે અને વડીલોના આશીર્વાદ સાથે પહેલો ફટાકડો તેઓ ફોડે છે.

જેમ ઉત્તર ભારતમાં ‘રામલીલા’ તેમ આંધ્રપ્રદેશમાં ‘હરીકથા’ની ભજવણી થાય છે. હરીકથામાં શ્રી કૃષ્ણની કથાનું નાટકીય અને સંગીતમય મંચન પ્રસ્તુત કરવામાં આવે.

કર્ણાટકમાં વળી ચતુર્દશીનો દિવસ ‘અશ્વિજ-કૃષ્ણ ચતુર્દશી’ કહેવાય. લોકો તેલ વડે સ્નાન કરે. તેલથી સ્નાન કરવા પાછળ એ માન્યતા કે શ્રી કૃષ્ણે નરકાસુરનો વધ કર્યા પછી તેના રક્તને સાફ કરવા તેલથી સ્નાન કરેલું. પછીના ‘બાલી પડ્યમી’ કહેવાતા દિવસે સ્ત્રીઓ રંગોળી કરે છે અને ગાયના છાણમાંથી ‘રેતીના કિલ્લા’ જેવી પ્રસ્તુતિ કરે છે. કર્ણાટકમાં દિવાળીના આ બે જ દિવસો ઉજવાય છે.

‘વિવિધતામાં એકતા’ના બિરુદવાળા ભારત દેશમાં દિવાળી તહેવારની પણ ખરેખર કેટલી બધી વિવિધતા છે એ હવે કલ્પી શકશો. વિવિધ રાજ્યોની પરંપરાગત ઉજવણી એ ‘વિવિધતા’ છે, પરંતુ બધાનું મૂળ હર્ષ-આનંદ-ઉલ્લાસ એટલે કે ‘એકતા’ છે ! આટઆટલી વિવિધતાઓ જ કદાચ ભારતને ‘અતુલ્ય ભારત’ બનાવે છે. ■

(આ લેખને સચિત્ર માણવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)