પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 4) અંકિતા ખોખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 4)

જેની પલકને સાંભળવા રાહ જોતી હતી. પલક બોલવા લાગી,
" બારમાં ધોરણનું વેકેશન ચાલી રહ્યું હતું, હું ક્યારેક મામામાસીના ઘરે તો બેત્રણ દિવસ ફોઈના ઘરે રહેવા જતી. બારમાંનું પરિણામ આવતા પહેલા તો અમારા જ વિસ્તારની એક કોલજમાં મારુ એડમિશન લેવાનું હતું, મન તો નહોતું મારુ છતાં મિત્રોની સાથે એકદિવસ ત્યાં ગઈ હતી.

એડમિશન તો લીધું... પણ મેં નહિ, મારી બારમાં ધોરણની એક મિત્રએ ત્યાં એડમિશન લીધું હતું. હું તેની સાથે ફોર્મને , પુરાવાઓ સબમિટ કરાવવા જતી. મારે હોસ્ટેલ જ જવું હતું, ઘરે પણ બધાને મનાવીજ લેવાની હતી. એકદિવસ તેનું ફોર્મ ભરાઈ ગયા પછી હું મારી મિત્ર સાથે તેની કોલેજ ગઈ હતી, તડકો હતો, અમે થોડી વાર કોલેજની બહારના રસ્તે એક ઓટલા પર છાંયે બેઠા હતા.

અમે બંને વાતો કરી રહી હતી ત્યાં અચાનક જ મારી નજર ત્યાં થોડે દૂર બેઠેલા એક છોકરા પર પડી. માથે તડકાના કારણે ટોપી પહેરી હતી, હાથમાં બાઇકની ચાવી હતી, બાઇક પર ઊંધો બેઠો હતો. પહેલા તો મને થયું આ બધાની જેમ રખડતો જ છોકરો હશે, પણ ત્યાં જ મારી નજર તેના હાથમાં રહેલા એ પુસ્તક પર પડી. હા, એ પુસ્તક વાંચી રહ્યો હતો, મનમાં જ હું વિચારવા લાગી કે, " આને ઘર નહિ હોઈ, અહીંયા બેસીને પુસ્તક કેમ વાંચે છે."

તે ઊંચું જોયા વિના માત્ર પુસ્તક જ વાંચી રહ્યો હતો અને હું... હું માત્ર તેને જ વાંચી રહી હતી. અમારે હવે ઘરે જવાનું હતું પણ મારુ આ દિલ બસ તેને એકવખત જોવા માંગતું હતું પણ તેનું ધ્યાન એ પુસ્તકમાં જ હતું ને એ નીચું જોઈને જ બેઠો હતો.

આખરે અમે બંને ત્યાંથી ઘરે આવવા નીકળ્યા. પણ મારુ મન અને નજર માત્ર તેના પર જ હતી, ઘણી વાર વિચાર કર્યો કે, આ બધું શું થાય છે મારી સાથે, કેમ તેને જ
જોયા કરું છું હું.. પણ વિચાર સામે નજરની જ જીત થતી રહી, હું માત્ર જતા જતા પણ તેને જ જોતી હતી, ત્યાં જ તેણે માથું ઊંચું કર્યું અને ગરમીના લીધે માથેથી ટોપી ઉતારી અને તેના ડાબા હાથને માથા સુધી લાવીને વાળ પર ફેરવ્યો, અને તેની આંખોના પલકારા જોઈને થોડી વાર માટે હું જ આંખો બંધ કરી બેઠી.

" ઓહો.. કેમ પલક, પ્રેમમાં નહોતી માનતીને , આ બધું શું હતું..?" જેની પલકની સામે હસતા હસતા બોલી.

"તું ખાલી સાંભળ, વચ્ચે ના બોલ." પલક હળવા હાસ્ય સાથે બોલી.

" સારું પછી શું થયું, કોણ હતો એ છોકરો, ફરી મળી હતી ક્યારેય ?" જેની આતુરતાથી પૂછવા લાગી

પલકે ફરી તેની સફર શરૂ કરતા કહ્યું, " બસ પછી તેને જોઈને હું ઘરે આવતી રહી, પણ ખબર નહીં મને માત્ર એ જ દેખાતો રહ્યો, જિંદગી જાણે એ જ છે એવા વિચારો આવવા લાગ્યા, જેને હું ઓળખતી જ નથી તેના પ્રત્યે ખૂબ જ લાગણી વધવા લાગી, રાતના બે વાગ્યા સુધી તે જ દેખાતો રહ્યો, તેને ફરી જોવાનું મન થતું હતું, તેની સાથે વાતો કરવી હતી મારે. બીજા દિવસે ફરી એ જ સમયે અને એ જ સ્થળે હું પહોંચી ગઈ. ત્યારે પણ તે મને ત્યાં જ દેખાણો, આજે હું તેનાથી થોડે જ દૂર હતી હું તેને જ જોતી હતી અને તે તેના પુસ્તકમાં જ ખોવાયેલો હતો. મનમાં થયું કે આ દરરોજ કેમ આ જગ્યા પર જ આવતો હશે, ચાલને લૂછી લવ. પણ આ વિચારની સાથે સાથે મારા ધબકાર વધી રહ્યા હતા, તે દિવસે કાંઈ જ બોલ્યા વિના માત્ર તેને જોઈને ફરી હું ઘરે આવતી રહી.

મનમાં વિચારો ખૂબ આવી રહ્યા હતા. બીજા દિવસે તેની સાથે વાત કરવાનું નક્કી જ કરી લીધું હતું, ફરી એ જ સમયે અને એ જ સ્થળે મિત્રના ઘરનું નામ દઈને હું ફરી ત્યાં પહોંચી. હિંમત કરીને તેની પાસે ઉભી રહી ગઈ. તેનું ધ્યાન તો પુસ્તકમાં જ હતું મને જોઈને તેણે ઊંચું જોયું અને આંખોથી શું છે? પૂછતો હોઈ તેમ નેણ કરીને મારી સામે જોયું.

" કક....કાઈ નઈ, હું તને બે દિવસથી અહીં જોવ છુ, તને નથી જાણતી પણ તને ઓળખવાનું મન થાય છે." હતી એટલી બધી જ હિંમત કરીને હું બોલી ઉઠી.

એ થોડું હસ્યો અને મેં પણ નાદાન બાળકની જેમ નાની સ્માઈલ આપી અને બોલ્યો, " મારુ નામ પવન છે, મને અહીં પુસ્તક સાથે જોઈને અજીબ લાગતું હશે તને.. પણ મને વાંચવું ગમે છે અને એ પણ શાંત વાતાવરણમાં જ. એટલે હું ઘણા સમયથી અહીં આવું છું."

મારા અને પવન...નહીં.. મારા પ્રેમના સંવાદની શરૂઆત થઈ ગઈ. અમે તે દિવસે ઘણી બધી વાતો કરી, મને તેની સાથે કરેલી વાતો હજુ યાદ છે, મારુ મન તેની વાતો સાંભળવા જ માંગતું હતું, તેની બોલી અને વાત વાતમાં મસ્તી કરવાની ટેવની હું દિવાની થઈ ગઈ. મને બસ ત્યારથી જ એ બહુ ગમતો હતો, પ્રેમ તો નહિ પણ અમે તે દિવસે જ મિત્ર બની ગયા, બીજા દિવસે પણ અહીં જ મળવાનું નક્કી થઈ ગયું.

ઘણી બધી વાતો અને લાગણીઓમાં બંને એકબીજામાં જાણે ખોવાઈ ગયા. મને તો એ પહેલા દિવસથી જ પસંદ હતો અને તેને પણ હું ગમવા લાગી હતી. બે દિવસના સંવાદમાં જ અમે અમારી જિંદગી એકબીજાને સોંપી દીધી. ઘણી બધી વાતો અને ઘણો બધો પ્રેમ. આમ જ તેની સાથેની વાતનો ચોથો દિવસ હતો. હું વ્યક્ત કર્યા વિના પ્રેમ સમજાવવા માંગતી હતી એટલે એક દિવસ ત્યાં જ હું એને ભેટી પડી, મને પણ મારા પ્રેમનો જવાબ પ્રેમથી જ મળ્યો હતો. બંને ખૂબ જ ખુશ હતા. પણ કહેવાય છે કે ખુશી લાંબી ટકતી જ નથી અને અમારી આ ખુશીનો ... પ્રેમનો...અંત એક અઠવાડિયામાં જ આવવાનો હતો.

પવનના પરિવારે પવનને ભણવા માટે બહાર મોકલી દેવાનું નક્કી કર્યું હતું, એક દિવસ હું પવનને મળી અને મને આની જાણ થતા પવનને કહ્યું,

" પવન , મને તું મળ્યો ત્યારથી મારે હોસ્ટેલના બદલે અહીં રહેવું હતું.. પણ હવે તું પણ બહાર જવાનો છે, ખબર નહીં શું થશે મારુ.."

" આ અઠવાડિયું મારી જિંદગીની ખાસ પળો હતી, જે મેં તારી સાથે વિતાવી હતી , મને તું ખૂબ જ ગમે છે અને હું મારી આખી જિંદગી તારી સાથે જ રહેવા માંગતો હતો પણ.." પવન બોલ્યો.

" પણ શું..?" મેં ગભરાતા પૂછ્યું.

" મારા પરિવારે મારા માટે અગાવથી જ એક છોકરી નક્કી કરી છે, મારા લગ્ન પણ તેની સાથે જ નક્કી કર્યા છે, હું આ બાબત તને જણાવવાનો જ હતો પણ તારા પ્રેમએ મને રોકી દીધો હતો , તને ખોવા નહોતો માંગતો હું, પણ હવે આપણે દૂર થવું જ પડશે."

હું ત્યાં જ ભાંગી પડી, મારી જિંદગી છીનવાઈ ગઈ હોઈ તેમ હું ત્યાં જ બેઠી રહી, હું પવનને જ જોઈ રહી હતી, તેણે તેની જિંદગીની અત્યારસુધીની લખેલી વાતોની ડાયરી અને તેને ગમતી નોવેલનું પુસ્તક મારા હાથમાં મૂક્યું અને મને મૂકીને જતો રહ્યો, હું થોડી વાર ત્યાં જ બેઠી રહી. શું કરવું કઈ જ સમજાતું નહોતું, પછી હું હોસ્ટેલ આવતી રહી અને તે દિવસથી જ વાતનો સબંધ પણ ન રહ્યો. તે દિવસે હું ખૂબ તૂટી હતી અને આજ સુધી હું પવન વિના તૂટેલી.. અધૂરી છું.

જેની પલકને ભેટી પડી, અને કહેવા લાગી, " તું પહેલેથી પાગલ જ છે, અઠવાડિયાના પ્રેમને આજ સુધી તું મનમાં લઈને ફરે છે, જે જાતે જ જતું રહ્યું છે તે ફરી પાછું ન મળે."

" હા, ન મળે, પણ મારુ મન ક્યારેય નહિ માને, હું મારી જિંદગી પહેલાની જેમ જ ખુશી ખુશી જીવવા માંગતી હતી અને એટલે જ હું હોસ્ટેલ આવી. પણ બહારથી તો હું ખુશ રહી લેતી પણ અંદરથી ખૂબ દુઃખી થતી અને આજે પણ થાવ છું. પવનની એ ડાયરી આજે પણ મેં હોસ્ટેલના એ કબાટમાં સાચવી છે, કબાટનું રહસ્ય પણ આજ હતું. મારા દિલમાં આજે પણ પવન જ છે, હું આજે પણ રાહ જોવ છું તેની." પલક આંખમાં આંસુ સાથે બોલી ઉઠી.

" બધું જ સમજી ગઈ, પણ પ્રેમ તારો તારા વિસ્તારમાં હતો તો હોસ્ટેલ નજીકના આ મોના પાર્કથી કેમ તને નફરત છે.?" જેની બોલી.

" જ્યારે હોસ્ટેલમાં હું એકલી રહેતી હતી, તું બીજી હોસ્ટેલમાં હતી ત્યારે એકદિવસ હું આ પાર્કની પાસેથી નીકળી હતી, ત્યારે જ મેં પવન જેવા જ એક છોકરાને આ પાર્કમાં જોયો હતો, એ પવન છે કે નહીં એતો નથી જાણતી હું, પણ બીજા દિવસે પવન હશે એ આશમાં હું સવારે અહીં આવી હતી, પણ ત્યાં કોઈ જ નહોતું, તે દિવસે ફરી હું ખૂબ રડી હતી, ફોનમાં પવનની તસ્વીર જોઈને જ મેં દિલને મનાવી લીધું હતું પણ તેની સાથેની પળોએ હંમેશા મને રડાવી દીધી, રાતે રડવાનું કારણ અને મારી જિંદગી બદલાઈ જવાનું કારણ પણ મારો પ્રેમ જ છે. " પલક બોલી.

જેની પલકની સામે જોતી મૌન બેઠી હતી. પલક પણ ચૂપ હતી, ત્યાં જ બંનેના કાનમાં એક અવાજ પડ્યો, " હું જાણું છું પવનને, તે અહીં જ છે."

જેની અને પલકનું ધ્યાન આ શબ્દો બોલતા એ છોકરા પર પડ્યું, તે ઘણા સમયથી આ બંનેની વાતો સાંભળી રહ્યો હતો.

કોણ હશે એ છોકરો ? શું પવનને એ જાણતો હશે ? શું પવન અહીં જ હશે? પલકને ફરી તેનો પ્રેમ મળશે?
ખૂબ જ રસપ્રદ કહાની જુઓ આગળના ભાગમાં...