પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 6) અંકિતા ખોખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 6)

પલકને એમ જ થતું હતું કે પવન જ તેને મળવા આવ્યો હશે પણ દરવાજે જોયું તો ફરી ત્યાં નિખિલભાઈ હતા. પલકને અજીબ લાગતું હતું, નિખિલભાઈ અંદર બેઠા અને પલક સામે જોઈને કહેવા લાગ્યા, " પલક સાંભળ , આજે જ પવન સાથે મારી વાત થઈ, તેના લગ્ન નક્કી થઈ ગયા છે, એ તને મળવા આવવાનો જ હતો પણ તેના પરિવારે જલ્દી જ તેના માટે છોકરી જોઈ રાખી અને હવે પવન તને ક્યારેય નહિ મળે. "

પલક ફરી ભાંગી પડી, આટલા વર્ષો બાદ મો પર આવેલું એ હાસ્ય ફરી દર્દ બની ગયું, પલક ખૂબ જ રડવા લાગી, નિખિલભાઈ તેને સમજાવતા હતા..

" પલક આમ જો, પવન તારી આદત છે , અને આદત છૂટી જશે પછી બધું જ સારું થઈ જશે, તું ચિંતા ન કર, આના કરતા સારો છોકરો તારા નસીબમાં હશે."

પલક રડતા રડતા નિખિલભાઈને જોતી હતી અને પછી તરત જ તે તેના રૂમમાં અંદર જતી રહી, નિખિલભાઈને મોડું થતું હતું માટે તેઓ પણ બધું જ જેની પર છોડીને ઘરે જવા નીકળ્યા. પલક રૂમમાં ખૂબ જ રડી રહી હતી, જેની તેની પાસે ગઈ અને તેને સમજાવતા કહેવા લાગી, " નિખિલભાઈ સાચું જ કહેતા હતા, પવન તારી આદત હતી હવે તેને ભૂલી જા."

" આદત, પ્રેમ હતો મારો, હું તેને ક્યારેય નહિ ભૂલી શકું, અને આદત હોત તો આજ સુધી મને તેનો પ્રેમ યાદ પણ ન હોત, કંઈ પણ હોઈ , પવન બસ મને જ પ્રેમ કરતો હશે." પલક આંસુ લૂછતાં બોલી.

" પાગલ થઈ ગઈ છે તું, અઠવાડિયાભરના પ્રેમ ને લઈને તે તારી જિંદગી બગાડી દીધી છે, સમજતી કેમ નથી તું, એના કરતા સારો જ છોકરો મળશે તને." જેની બોલી.

પલક ફરી કહેવા લાગી, " મેં રમત નહિ પ્રેમ કર્યો છે, હું આખી જિંદગી એમ જ રહી લઈશ, પણ પવન સિવાય કોઈનાથી પ્રેમ નહિ થાય મને."

" સારું અત્યારે થોડી વાર સુઈજા, ને રડવાનું બંધ કર , બધું સમય અને નસીબ પર છોડી દે." જેની બોલી.

પલકને હવે જિંદગી બેકાર લાગતી હતી, તેને બસ હવે બે જ રાહ હતી , એક પવનની અને એ ન મળે તો મૃત્યુની. આટલી બધી સમજદાર છોકરી હોવા છતાં પલકના મનમાં અજીબ અજીબ વિચારો આવતા હતા, પલકને અહીં ભણવાનું ચાલી રહ્યું હતું અને બીજી તરફ પવનના લગ્નની તૈયારીઓ થવા લાગી હતી, પવન આજસુધી તેના પરિવારનું જ માનતો રહ્યો હતો, અને લગ્નની બાબતમાં પણ પરિવારનું માનીને તેણે તેની જિંદગી તેનાથી દૂર કરી દીધી. પરિવારની ખુશી માટે તેની ખુશી અને તેનો પ્રેમ પવને ગુમાવી દીધો.

પલક હોસ્ટેલ પર જેની સાથે જ હતી, તે બસ પવનને એકવાર જોવા માંગતી હતી, પણ આ કદાચ પલકની એક એવી ઈચ્છા હતી, જે માત્ર એક ઈચ્છા જ બનીને રહી જવાની હતી, એક અઠવાડિયું આમને આમ જ વીતી ગયું હતું, પલકને આખરે એ જાણ પણ થઈ ગઈ હતી કે, તેના પવનના હવે લગ્ન પણ થઈ ગયા હતા. પલકને જિંદગીથી રસ જ ઉડી ગયો હતો, ના અભ્યાસનું સારું પરિણામ આવ્યું કે ન તો એ પ્રેમમાં પાસ થઈ. તેની જિંદગી એક રમત બની ગઈ હતી, તે રોજે થોડું થોડું મરવા લાગી હતી, પવનની યાદોથી અને તેના વિચારોથી દૂર રહેવાની ઘણી કોશિશો બાદ પણ પલકને પવન જ દેખાતો હતો, શું કરવું કાંઈ જ સમજાતું નથી.

પલક ઘરે જવા નહોતી માંગતી અને હોસ્ટેલ ભણવામાં પણ મન નહોતું લાગતું, જેની આજસુધી પલકની સાથે જ રહી હતી, જેનીથી પલકનું આ દુઃખ નહોતું જોવાતું, ક્યારેક તો પલકને રડતા જોઈ જેની પણ ખૂબ જ રડવા લાગતી, અને ક્યારેક કંઈક ને કંઈક કરીને પલકને ખુશ કરવા પ્રયત્નો કરતી. બીજી તરફ નિખિલભાઈ પલક માટે પવન કરતા પણ સારો છોકરો શોધી રહ્યા હતા, અને છેવટે તેમાં સફળ પણ રહ્યા હતા. નિખિલભાઈએ ઘરે કોઈને પણ જાણ કર્યા વિના જ પલક માટે એક છોકરો પસંદ કર્યો હતો અને હજુ સુધી પલકને પણ જાણ નહોતી કરી, તેઓ પલકને જાણ કરવા નહોતા માંગતા.

પલકની હોસ્ટેલથી થોડે જ દૂર આ છોકરો રહેતો હતો, જેનું નામ હતું રુદ્ર.. રુદ્ર પટેલ. એન્જિનિયરિંગ પૂરું કરીને ત્યાં જ નજીક સારી એવી નોકરી કરતો હતો, ઘરમાં તેના મમ્મી ,પપ્પા અને તેનાથી મોટા એક બેન હતા, બેનના એક વર્ષ પહેલા જ લગ્ન થઈ ગયા હતા. રુદ્ર અને નિખિલભાઈ ઘણા વર્ષોથી એકબીજાને જાણતા હતા, રુદ્ર આમતો પહેલેથી જ નિખિલભાઈને ગમતો, કેમ કે તેના સંસ્કાર, લાગણીશીલ વર્તન, પ્રેમભર્યા સ્વભાવ હંમેશા નિખિલભાઈને ગમતું. માટે રુદ્રને તેમણે પલક બાબતે બધું જ જણાવ્યું અને કાંઈ પણ કરીને પલક સાથે વાત કરવાનું અને તેને સમજાવવાનું કામ સોંપ્યું, રુદ્રના માટે ઘણું અઘરું હતું આ, પણ નિખિલભાઈની વાત ન ટાળી શકાય અને પલકની જિંદગી સુધરે તે માટે તેને હા કહી હતી.

રુદ્રએ હોસ્ટેલ પણ જોઈ હતી અને પલકને પણ તસ્વીરમાં જોઈ હતી. તે હવે પલકને રૂબરૂ મળવા માંગતો હતો. એક દિવસ નોકરી પર રજા હતી અને રુદ્રએ પલકની કોલેજ જવાનું નક્કી કર્યું. ત્યાં પહોંચ્યો આજુબાજુ જોયું, અને કેન્ટીનમાં જોતા જ તેને પલક દેખાણી, હાથમાં ચાનો કપ હતો, વિચારોમાં ખોવાયેલી હતી અને ચહેરો રડેલો અને ઉદાસ હતો. રુદ્રને આમ અચાનક વાત કરવી યોગ્ય ન લાગી માટે તે ઘરે આવતો રહ્યો.

શું ફરી પલક બેઠી થઈ શકશે ? તેની જિંદગી ફરી ખુશી ખુશી જીવી શકશે? વધુ આવી જ કહાની જુઓ આગળના ભાગમાં..