Palak - aek rahasymay chokri (bhag 2) books and stories free download online pdf in Gujarati

પલક - એક રહસ્યમય છોકરી (ભાગ 2)

જેની પલકને આમતેમ ગોતી રહી હતી, હોસ્ટેલ રૂમની બધી જ બાજુએ જેનીએ જોઈ લીધું. પણ પલક ક્યાંય જોવા ન મળી. જેનીએ ફોન હાથમાં લઈ પલકને કોલ કર્યો પણ પલકનો જવાબ ન મળ્યો. થોડી વાર થઈને ફરી કોલ કર્યો. પલકે ફોન ઉપાડ્યો ને તરત જ જેની બોલવા લાગી, " બુદ્ધિ છે તને પલક, કીધા વિના ક્યાં પહોંચી ગઈ છે તું, મને જલ્દી કે."

" અરે જેની, શાંત થા હું અહીં આપણી નજીકના જ મોના પાર્કમાં આવી છું, સવારે ઊંઘ નહોતી આવતી એટલે ફ્રેશ થવા અહીં આવી, તું ચિંતા ન કર હું હમણાં જ આવી." પલક ગભરાતી હોઈ તેવા અવાજે બોલી.

" સારું જલ્દી આવ." જેનીએ રાહતનો શ્વાસ લઈ કહ્યું અને જેની મનમાં જ વિચારવા લાગી, " આ પાર્કથી તો પલકને નફરત છે, એ બધી જ જગ્યા પર આવતી પણ આ પાર્કનું નામ સાંભળતા જ ગુસ્સે થઈ જતી ને આજે એ જ આ પાર્કમાં પહોંચી, કંઈક તો છે જે પલક મારાથી છુપાવે છે.'

થોડી વાર થઈ ત્યાં જ પલક ઘરે પહોંચી અને જેનીને મળી. જેનીએ તેના મનમાં ચાલતું બધું જ પલકને પૂછતાં કહેવા લાગી, " પલક, તને તો એ પાર્ક જ નથી ગમતું અને આજે તું ત્યાં કેમ ગઈ, તું કંઈક તો છુપાવે જ છે મારાથી."

" અરે કાંઈ જ નથી છુપાવતી જેની, તને તારી મિત્ર પલક પર વિશ્વાસ જ નથી." પલક ઉદાસ થઈને મો નીચું કરીને બોલી.

જેનીથી આ ન જોવાતું માટે તેણે આ વાતને ટાળી દીધી અને બીજી વાતો કરવા લાગી. પલકે પણ ઊંડો શાંતિભર્યો શ્વાસ લીધો. બંનેને કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા નજીક હતી, થોડા દિવસ કોલેજમાં પણ રજા હતી. બંને આખો દિવસ સાથે રહેતી અને ક્યારેક પરીક્ષાની તૈયારી તો ક્યારેક મસ્તીભરી વાતો કર્યા કરતી.

એક દિવસ મોડી રાત સુધી જેની અને પલક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. રાતના બે વાગી ગયા હતા. જેની હવે કંટાળી હતી માટે આમતેમ રૂમમાં ફરી રહી હતી અને પલક હજુ પુસ્તકોમાં જ હતી. ત્યાં જ જેની પલકને કહેવા લાગી, " પલક ચાલને હવે મુકને, કંટાળી ગઈ છું હું."

"બસ થાકી પણ ગયા મેડમ, હમણાં જ મુકું છું ચલ." પલક જેનીને જોઈને બોલી.

જેની આમતેમ ફરી રહી હતી, ત્યાં જ તેની નજર પલકના રૂમમાં રહેલ એક નાના એવા કબાટ પર પડી. ત્યાં તાળું મારેલું હતું , જેનીએ થોડી વાર ત્યાં જ આજુબાજુ ચાવી ગોતી ચાવી મળતાં જ એ કબાટ ખોલવા લાગી. હજુ કબાટનો દરવાજો ખુલે એ પહેલા જ પલક ત્યાં આવી પહોંચી અને તરત જ જેનીનો હાથ પકડીને કહેવા લાગી, " પાગલ થઈ ગઈ છે તું, આ કેમ ખોલે છે."

" કેમ અહીં કાંઈ ખાસ છે?" જેની પલકને જોઈને કહેવા લાગી.

" ના હવે, આતો એમ જ આ કબાટનો દરવાજો બહુ જૂનો છે અને ખોલીએ તો પછી જલ્દી બંધ નથી થતો એટલે હું ના કહું છું." પલક થોડી ગભરાટ ને મોં પર આછા હાસ્ય સાથે બોલી.

" સારું કઇ વાંધો નહિ, ચલ હવે મને બહુ ઊંઘ આવે છે પલક." જેની ઘેરાતી આંખો સાથે બોલી.

બંને રાતના અઢી વાગ્યે ઊંઘી ગયા. જેની થોડીવારમાં જ ઘસઘસાટ ઊંઘી ગઈ પણ પલકને ઊંઘ નહોતી આવતી. પલક ખૂબ મુંજાયેલી હતી અને મૂંઝવણનું કારણ પણ પલક એકલી જ જાણતી હતી. રાતના સાડા ત્રણ થયા હજુ પલક જાગતી જ હતી. થોડી વાર માટે ફોન હાથમાં લીધો અને ખૂબ જ જૂની સફર શરૂ થઈ ગઈ. અચાનક જ ફોનને બાજુમાં મૂકીને પલક ખૂબ જ હીબકાં ભરતી રડવા લાગી. માથું ઊંધું કરીને ખૂબ જ રડતી પલકને જોઈને જેની જાગી ગઈ અને લાઈટ કરી પલકની પાસે પહોંચી અને ચિંતા કરતી કરતી પલકને પૂછવા લાગી, " શું થયું પલક, કેમ રડે છે..મારાથી કંઈ છુપાવે છે તું, હું અહીં રહેવા આવી તે દિવસથી મને બધું જ અજીબ અજીબ લાગે છે, કંઇક તો બોલ."

પલક રડતી બંધ થઈ આંસુ લૂછી ઉભી થઈને જેનીને કહેવા લાગી, " મને કંઈ જ નથી થયું, ઘરની થોડી યાદ આવી ગઈ એટલે, તું ચિંતા ન કર."

" ઘરની યાદ...., રોજે તો તું તારા પરિવાર સાથે આટલી બધી ફોન પર વાતો કરે છે, આમ અચાનક જ રડવા લાગી તું, તું કેમ આમ રહે છે."

" અરે ના બાબા, જેની તું ચિંતા ન કર, હું ઠીક જ છું અને તારાથી શું છુપાવવાનું. ચલ સુઈ જા તું." પલક જેનીને ભેટીને બોલી ઉઠી. સવાર થઈ, જેની ઉઠી અને ફ્રેશ થઈ પલકને ઉઠાડી. બંનેએ સાથે જ ચા નાસ્તો કર્યો થોડું કામ નીપટાવ્યું ત્યાં જ બંનેને કોલેજથી પરીક્ષાની હોલટીકીટ લેવા માટે ફોન આવ્યો. બંને તૈયાર થઈને કોલેજ પહોંચી ગઈ.

પરીક્ષા શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી હતા. બંને હોલટીકીટ લઈને હોસ્ટેલ પરત ફરી. થોડા જ દિવસથી તોફાની પલક હવે શાંત રહેવા લાગી હતી. હંમેશા ખુશ રહેતી પલક હવે થોડી બદલી ગઈ હતી. જેનીને હંમેશા ચીડવ્યા કરતી પલક હવે મસ્તી જ જાણે ભૂલી રહી હતી. હંમેશા પરિવારની વાતો કરતી પલક હવે પરિવારને યાદ જ નહોતી કરતી. કારણ તો માત્ર પલક જ જાણતી હતી.

આખરે બી.કોમની છેલ્લા સેમની પરીક્ષા આવી અને દરેકે ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી. કોલેજનો કલાસ હવે છૂટો પડ્યો હતો. પરીક્ષા પુરી થતા જ જેની તેના ઘરે અને પલક તેના ઘરે પહોંચી ગઈ. પરિણામ આવવાને હજુ વાર હતી. પલક આગળ એમ.કોમ. પણ એ જ હોસ્ટેલ રૂમમાં રહી અને એજ કોલેજમાં રહીને કરવા માંગતી હતી. પલકના મમ્મી પારુલબેન અને પંકજભાઈ પલકને ખૂબ જ ભણાવવા માંગતા હતા, તેઓ પલકની ખુશીમાં જ તેમની ખુશી માનતા. પછી એ અભ્યાસની બાબત હોઈ કે પછી પ્રેમની. પંકજભાઈ તેના દીકરા નિખિલને જેટલી છૂટ ન આપતા તેનાથી વધુ પલકને આપતા હતા. પલકના સ્વભાવ વિશે તેઓ ખૂબ જ સારી રીતે જાણતા હતા. બીજી તરફ પલકની મિત્ર જેનીના પરિવારમાં જેનીને એમ.કોમ. માટે છૂટ નહોતી. જેની પલકની સાથે રહેવા માંગતી હતી, માટે કંઈ પણ કરીને તેણે તેના પરિવારને વધુ બે વર્ષ હોસ્ટેલ જવાની રજા લઈ લીધી.

આખરે પરિણામ આવ્યું. પલક અને જેની બંનેએ સારું પરિણામ મેળવ્યું અને એમ.કોમ.માં એડમિશન લઈ લીધું. વધુ બે વર્ષ બંનેને ફરી તે જ હોસ્ટેલ રૂમમાં રહેવાનું હતું. પલક અને જેનીને હવે કાંઈક વધુ જ ભળતું હતું. આખરે કોલેજ ખુલવા આવી અને ફરી જેની અને પલક બંને હોસ્ટેલ રૂમમાં સામાન સાથે પહોંચી ગઈ. બંનેના વિચારો ખૂબ જ મળતા. હવે બંને ખૂબ સમજદાર પણ થઈ ગઈ હતી. ક્યારેક જેની નોકરી માટે કહેતી પણ પલક ના કહેતી. બંને સાથે જ કોલેજ જતી પરંતુ બસમાં હંમેશા જેનીને વાતો કરાવનાર પલક હવે શાંત રહેવા લાગી હતી.

પલકને કેમ પાર્કથી નફરત હશે.? નફરત છતાંય પાર્કમાં કેમ ગઇ હશે..? કબાટમાં એવું તો ક્યુ રહસ્ય હશે..?
પલકને રાતે અચાનક જ રડવાનું કારણ શું હશે ? પલક આટલી બધી શાંત કેમ થઈ ગઈ હતી..?
ખૂબ જ રસપ્રદ કહાની જુઓ આગળના ભાગમાં...
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED