પલક કુસુમભાભી પાસે બેઠી હતી. મનમાં હજુ કમલને જોઈને હસી રહી હતી. ત્યાં જ પલક પર રુદ્રનો ફોન આવ્યો, કુસુમભાભી પાસે બેઠા હતા માટે પલકે ફોન કાપી નાખ્યો. આ જોઈને કુસુમભાભી પલકને જોઈને હસીને કહેવા લાગ્યા, " પલકબેન, રુદ્રનો ફોન કાપી દીધો.. હું જાણું છું તમને રુદ્ર ગમે છે."
પલક થોડું શરમાઈને હસવા લાગી. કુસુમભાભી રસોડામાં ગયા બાદ પલકે રુદ્રને ફોન પર બધી જ વાત કરી. થોડી વાર થઈ અને પંકજભાઈ ઘરે આવ્યા. પલકને પાસે બેસાડી અને કમલની વાત શરૂ કરે એ પહેલા જ બાજુમાં બેઠેલી પલકે બોલવાનું શરૂ કરી દીધું કે.. "પપ્પા, મને એ છોકરો પસંદ જ નથી પડ્યો મારે વાત પણ નથી કરવી તેના વિશે."
પંકજભાઈ આગળ કાંઈ જ ન બોલ્યા અને પલક સામે જોઈને હસવા લાગ્યા. થોડી વાર રહીને બોલ્યા, "આજે નિખિલે મને બધી જ વાત કરી છે, રુદ્ર અહીં આવવાનો જ છે તેના પરિવાર સાથે, તું આટલી મોટી થઈ ત્યાં સુધી અમે તારી બધી જ વાત અને જીદ માની છે તો હવે પ્રેમની પસંદગી પર અમે ના કેમ કહી શકીએ. "
પલક આજે બહુ ખુશ હતી તે મનમાં વિચારતી હતી કે, " હું બહુ નસીબદાર છું.. મારા પરિવારે મને ખૂબ સમજી છે."
ઘણા ઓછા કેસમાં આવું જોવા મળે છે કે પરિવાર સમજી જાય છે. ઘણા પરિવારો છોકરીઓને જાણે બાંધીને રાખે છે, વિશ્વાસનો અભાવ અને સમાજના ડરથી છોકરીઓમાં રહેલી કળા તેની અંદર જ મરી જતી હોય છે, નોકરી કરીએ તો સમાજ નીચા ગણે, છોકરી છે તો તેને ઘરે જ રહેવાનું.. કેમ સમજાવવા એ લોકોને .. કેમ કહેવું કે.. છોકરીઓની પણ એક જિંદગી છે, તે બહાર નીકળે તો જ તેનો વધુ વિકાસ શક્ય છે અને પ્રેમની પસંદગીનો અધિકાર છોકરીને પણ છે, હા માન્યું.. પરિવાર હમેશા ભલું જ ઈચ્છે છે પણ શું એક છોકરી તેના જીવનસાથીની પસંદગી ન કરી શકે.
બીજા જ દિવસે રુદ્ર તેના પરિવાર સાથે પલકના ઘરે પહોંચ્યો. પલક રુદ્રના આછા ગુલાબી રંગનો શર્ટ , બ્લેક પેન્ટ, દાઢી અને તેના હાસ્યને બારીમાંથી ઉભી ઉભી જોઈ રહી હતી. બધા જ આ સંબંધથી ખૂબ રાજી હતા, બંનેના પરિવારને પણ કંઈ જ વાંધો નહોતો. રુદ્રએ પંકજભાઈ ને જણાવી દીધું હતું કે, લગ્ન એકબે વર્ષ પછી જ નક્કી કરીશું, અને પંકજભાઈની પણ આવી જ ઈચ્છા હતી.
પલક ખૂબ નસીબદાર હતી. તે તેના પ્રેમ રુદ્રની સાથે સાથે તેણે જે અભ્યાસ કર્યો છે એ માટે નોકરી પણ ગોતી લે છે. પલક ખૂબ હોશિયાર હતી, અઠવાડિયાની ટ્રેનિંગ બાદ તે બધું જ શીખી ગઈ હતી. આમ રોજે તે નોકરી માટે જતી અને ત્યાં સ્ટાફ સાથે પણ પલકને ખૂબ જ ભળતું.
પલક અને રુદ્ર આમતો દૂર હતા પણ દિલથી બહુ નજીક હતા, ઘણી વખત જોયું છે કે, પ્રેમ છે એટલે બે વ્યક્તિને એકબીજા સાથે જ રહેવાની જીદ હોઈ પણ પલક અને રુદ્ર માટે દૂર રહીને પણ એટલો જ પ્રેમ, એટલો જ વ્હાલ શક્ય હતો.
એકવખત રવિવારના દિવસે રુદ્ર પલકના ઘરે આવવાનો હતો અને પલક સાથે બહાર ફરવા જવાનું નક્કી કર્યું હતું, પલકે પણ પંકજભાઈની મંજૂરી લઈ લીધી હતી. રુદ્ર ઘરે આવ્યો અને પલક તેની સાથે ઘરની રજા લઈને નીકળી. બંનેના વિચારો ખૂબ જ અલગ હતા બંને મુવી કે કોઈ પાર્કમાં જવાના બદલે પહેલા ઘરથી થોડે દૂર એક મહાદેવના મંદિરે પહોંચ્યા. મનની શાંતિ અને મહાદેવમાં ખૂબ જ માનતા રુદ્ર અને પલક મંદિરમાં દર્શન માટે ગયા. રવિવારનો દિવસ હતો તેથી લોકો પણ ઘણા હતા.
મંદિર જેટલો જ પવિત્ર સબંધ રુદ્ર અને પલકનો હતો. બંનેએ મહાદેવના દર્શન કર્યા અને મંદિરની બીજી તરફ રહેલા નદી તટે થોડી વાર બેઠા. સુંદર પવન લહેરાતો હતો, બંને વાતો કરી રહ્યા હતા. થોડી વાર બાદ બંને નજીકના કાફેમાં પહોંચ્યા અને ખુરશી પર બેઠા.
બેઠતા જ પલકે ઓર્ડર આપી દીધો, " બે કડક ને મસ્ત ચા પ્લીઝ."
રુદ્ર પલકને જોઈને હસવા લાગ્યો અને આ વખતે પણ ફરી પલક રુદ્રના હાસ્ય વખતે તેના ગાલમાં પડતા ખાડામાં મોહી ગઈ. રુદ્રનું હાસ્ય પલકને જાણે સ્વર્ગનો અનુભવ કરાવતું હતું.
બંને વાતો કરતા કરતા ચા પી રહ્યા હતા. થોડીવાર થઈ અને રુદ્રને ફોન આવ્યો, ફોન રાખ્યા બાદ રુદ્ર પલકને કહેવા લાગ્યો, " ચાલ ઘરે જવું પડશે આપણે."
" પણ, આજે તો રજા છે, એવું તે કેવું કામ છે અને આટલા દિવસ પછી તારી સાથે બેસવાનો મોકો મળ્યો છે." પલક થોડી ઉદાસ થઈ બોલી.
" કામ છે પલક, હું પણ આ દિવસની રાહ જોતો હતો પણ આપણે જવું પડે તેમ છે, સમજ મને." રુદ્ર બોલ્યો.
પલક રુદ્રને ખુબ સમજતી. બંને ઘરે પહોંચ્યા ઘરે આવીને પલકે જોયું તો ઘર સાવ ખાલી. બધા જ રૂમમાં પલક જઈ આવી પણ કોઈ જ નહોતું. પલકને ચિંતા થવા લાગી હતી.
ઘર સાવ ખાલી ? વધુ રસપ્રદ કહાની વાંચો આગળના ભાગમાં..