પ્રકરણ ૩
સવાર થઈ, આખી રાત એકબીજામાં સમાઈ ને સુતા હતા. વહેલી સવારમાં સરિતા તૈયાર થઈ ગઈ. નવી સાડી, ભીના વાળ, કોઈ નવ વધુ હજી કાલ જ પરણીને આવી હોય તેવી લાગતી હતી. જયેશભાઈ તો હજી સુતા હતા. પાસે જઈને જગાડ્યા.. હજી તો સાત વાગ્યા હતા. આટલી વહેલી સવારમાં તો કોઈ દિવસ જાગ્યા નહોતા એટલે આંખ ખુલતી નહોતી પણ સરિતાને ભીના વાળમાં જોઈ એટલે ઉંઘ ઉડી ગઈ.
સરિતાએ બાંધેલા ભીના વાળ ખોલી દીધા. બારી માંથી આવતા સૂર્યના કિરણ તેના વાળ માંથી ઉડતા પાણી માંથી પ્રવેશી જયેશના આંખોમાં મેઘધનુષ બનાવતા હતા.
"ચાલ, આજ આપણે ફરી એ કાફેમાં જઈએ જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા" જયેશભાઈ સરિતાના ઘાટીલા શરીરને પ્રેમભરી નજરથી જોતા બોલ્યા.
"હા.." સરિતા એ હકારમાં જવાબ આપ્યો.
"આપણે હેતલને હમણાં જાણ નથી કરવી" વાળ સાફ કરતા બોલ્યા.
"કેમ..." સવાલ કર્યો પણ પછી તેનો જવાબ મળતા હોય સામેથી ના કીધી.
"તમે તૈયાર તો થઈ જાવ.. હું આવું કે... તમને તૈયાર કરવા..
કોને ખબર હતી કે આપણે વર્ષો પહેલા જોયેલા સપના આજ સાચા પડશે. હું તો બધું હારી બેઠી હતી. કદાચ હવે તમે મને મળશો જ નહીં"
સરિતા જયેશને પાછળથી વીટળાઈને બોલી.
"કેમ ના મળે, આપણે પ્રેમ કરતા હતા ને કરીએ છીએ, એવું માનશું કે વચ્ચે થોડા વર્ષ જિંદગી જીવવાનું ભૂલી ગયા હતા" મીઠો પ્રેમભર્યા જવાબ આપ્યો.
થોડીવારમાં નાહીને જયેશભાઈ તૈયાર થઈ ગયા. જુની બુટકટ સ્ટાઇલમાં બનાવરાવેલું પેન્ટ ને ખુલતું શર્ટ. સરિતા પણ જુના ઢબની સાડી પહેરી લીધી. ફરી ભૂતકાળમાં પહોંચવા માટેની એક બાબત છોડી નહીં.
બંનેએ સવારનો નાસ્તો સાથે કર્યો. બંને દસ વાગ્યાની રાહ જોઈ બેઠા હતા. દસ વાગ્યે બહાર નીકળવાનું હતું.
ઘડિયાળમાં દસ વાગ્યા તેની જ રાહ જોઈ બેઠા હતા. સરિતાબેન ચાલતા તો પગની ઝાંઝર સાથે હાથની બંગડી પણ ખન ખન થતી હતી. તે ખન ખન બંગડીઓ એ ફરી એક વાર જયેશને આજુબાજુ વીંટાઈ અને દિલના ભાગમાં ચુંબન કરી લીધું. પછી ઘરની બહાર નીકળ્યા.
ઘણા દિવસથી કાર બહાર કાઢી નહોતી, કાર પર લાગેલી ધૂળ જયેશભાઇ સાફ કરતા હતા અને સરિતાબેન તેને આંખોમાં સમાવતા હતા. કાર સાફ કરી એટલે સરિતા બાજુનો દરવાજો જયેશએ ખોલી દીધો. સાડી સરખી કરતા સરિતાબેન બેસી ગયા. ને બાજુમાં જયેશભાઈ પણ ગોઠવાઈ ગયા.
પહેલેથી જ નક્કી હતું કે ક્યાં જવાનું છે. પણ રસ્તો સાથે કપાય એટલે લાંબો રસ્તો પડે એ બાજુથી કાર ચલાવી. એટલે સમય ખાસ્સો નીકળી ગયો. રસ્તામાં મીઠી મીઠી વાતો કરતા હતા. એકબીજા ને સ્પર્શ કરતા... લાંબો રસ્તો પણ એકદમ ટૂંકો લાગતો.
કાફે પાસે પહોંચી ગયા. ત્યાં પાર્કિંગમાં કાર પાર્ક કરી, બંને હોંશે હોંશે અંદર ગયા. બંનેએ જુનવાણી પોશાક પહેર્યો હતો એટલે બધાની નજર જયેશ ને સરિતા પર કેન્દ્રિત થઈ.
સરિતા માટે ખુરશી પાછળ ખેંચી આપી, ને બાજુમાં તે બેસી ગયા. ફરી વાતોએ વળગ્યા. સરિતાબેન જયેશભાઈના ખભા પર માથું ટેકવીને બેઠા હતા. થોડી વાર પછી વેઇટર ઓર્ડર લઈ ગયો..
જ્યારે જ્યારે જયેશભાઈ બોલતા ત્યારે આજુબાજુના બધા લોકો તેની જ સામે જોઈ રહેતા.
ઓર્ડર આપ્યા પ્રમાણે જમવાનું આવ્યું. ડિશ એક જ હતી એટલે જયેશભાઈએ બીજી ડિશ મંગાવી ત્યારે વેઈટર એકીટશે સામે જોઈ રહ્યો. થોડીવાર પછી બીજી વાર બોલ્ય પછી લેવા માટે ગયો.
અમૃતપાન કરતા હોય તેવી રીતે બંને પ્રેમ ભરીને જમ્યા. જમ્યા પછી થોડીવાર ત્યાં બેઠા જિંદગી વીતેલા અરસાની વાતો માંડી. તેમાં અભયની વાતો આવતી, મનીષાની વાતો આવતી. હેતલને પણ કદી નજરઅંદાજ કરી નહોતી.
જયેશભાઈને તો બધું જ હવામાં જળુંબતું સપનું જ લાગતું હતું. સપનું હતું છતાં એ સપનામાં રહેવા માંગતા હતા. તેને તો સરિતા મળી ગઈ એટલે તે તેના પ્રેમ ભર્યા નીરમાં નાહી લીધા.
ઘરની ભીંત પર ઉગેલી બોગનવેલ, બાગમાં રોપેલા ફૂલછોડ, જુની ઢબથી બનાવેલ ઘરમાં બીજી બાજુ ધનવેલ. એ બધાનું સુખ મૂકી સરિતાના નીર જોવા લાગ્યા હતા.
સમય સડસડાટ નીકળી જતો હતો. થોડીવાર પછી બહાર નીકળ્યા કાઉન્ટર પર બિલ આપ્યું.. નીકળી ગયા.
પહેલી વાર અહીંયા મળ્યા હતા. એ વાતો ને યાદો પણ ઘણી તાજી કરી લીધી.
"અહીંયાથી ડુમસ થોડું જ દૂર છે, ચાલોને આપણે ત્યાં જઈએ" સરિતાને બોલવું અને જયેશને તે વાત પૂરી થાય તે પહેલાં તે વાત પૂરી કરવી.
કાર ડુમસ બાજુ વાળી લીધી.. સુરતના છેવાડે દરિયાકિનારો જોવા માટે તો દૂર દૂરથી લોકો આવતા હતા.
ત્યાં પહોંચીને કાર પાર્ક કરી.
કિનારાની બાજુએ બાજુએ બંને હાથ એકબીજાના હાથમાં ભીડી દીધા. કોઈ સ્વર્ગની સીડી પર ચડતા હોય તે રીતે ચાલતા હતા.
"જિંદગીના બધા સપના આજે જ પુરા કરી લેવા છે તારે?" હાથ આગળ પાછળ કરતા જયેશભાઈ બોલ્યા.
"મારા મનનું ચાલે તો મારે કદી પણ મારા સપના પુરા જ નથી કરવા. મારે તો ફક્ત તારી સાથે જ રહેવું છે" સરિતાના શબ્દોમાં વર્ષો પહેલાનો પડછાયો દેખાયો. વર્ષો પહેલા આ જ જગ્યા પર આ જ લાઈન બોલી હતી.
જયેશને થયું હજી પણ યાદ હશે આ લાઈન. થોડું ચાલ્યા પછી એક જગ્યા પર બેઠા. રેતીમાં નવયુગલ જેમ રેતીમાં નામ લખે તેવી રીતે નામ લખ્યુંને બંને એકબીજાના નામ સામે હેતથી જોતા રહ્યા.
થોડીવારા બેઠા પછી હળવે હળવે પગલાં ભરતા તેઓ પોતાની કાર પાસે આવ્યા. કારમાં બેઠા.. પછી સરિતાએ જયેશને એક મીઠું આલિંગન આપ્યું.
આજ તો ઉંમરનું કે પોતાના ચારિત્ર્યનું ભાન જ ભૂલી ગયા. કોણ છે, શું છે, કઈ ઉંમર છે..
પ્રેમ હતો પણ આજ પ્રેમને પ્રેમથી, હેતથી શણગાર્યો હતો.
જે વર્ષો પછી ઉગેલા સૂરજના, ચાંદાના, તારાના, અંધારાના કિરણોમાં જગમગાટ કરતો હતો.