સંયોગ Abid Khanusia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંયોગ

** સંયોગ **

ફોરમ એક સામાન્ય કુટુંબની દેખાવડી યુવતી હતી. તે તેના માબાપનું એકલું સંતાન હતી. શાળા જીવન પૂર્ણ કરી જ્યારે તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી તે જીવનના રંગીન સપનાઓ જોવા માંડી હતી. તેના સપનાઓ ખૂબ રંગીન હતા. તેને એક રાજકુમાર જેવો સોહામણો જીવન સાથી જોઈતો હતો જે તેને ખૂબ પ્રેમ કરે અને હંમેશા તેની સાથે જ રહે. તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુખ ન હોય તેવા સુખી લગ્ન જીવનની તેણે ખેવના કરી હતી. તેની સાથે ભણતો કુમાર તેના સપનાઓ પૂરા કરશે તેવો વિશ્વાસ બેસતાં તે કુમાર તરફ આકર્ષાઈ હતી. ફોરમને કુમારનો ઉજળો વાન, તેનો ઊંચો અને શશક્ત બાંધો, તેના થોડાક વાંકડિયા વાળ અને તેની સ્વપ્નિલ આંખો ખૂબ ગમતી હતી.

કુમાર પણ સામાન્ય કુટુંબનો યુવાન હતો. તે પણ તેના માબાપનું એકલું સંતાન હતો. તેના પણ ઘણા સપના હતા. તે પણ જીવનને ભરપૂર માણવા ઈચ્છતો હતો. કુમાર અને ફોરમના વિચારો એક સરખા હોવાથી બંને એક બીજાનો પર્યાય બની ગયા હતા. કોલેજથી છૂટી બંને તેમની કોલેજથી થોડે દૂર શહેરની મધ્યમાં આવેલ બગીચામાં આવી એક ચંપાના ઝાડ નીચે મૂકવામાં આવેલ લાકડાના બાંકડા પર કલાકોના કલાકો બેસી તેમના ભાવિ જીવનના સપના કંડારતા રહેતા હતા.ચંપાના ઝાડથી થોડે દૂર મધુમાલતીની વેલ ઊભી હતી. તેના રંગબેરંગી ફૂલો જેવા રંગીન સપનાં બંનેએ સેવ્યાં હતાં. તે બંને જણા રોજ આ જગ્યાએ આવીને તેમની મસ્તીમાં મસ્ત થઈ જતાં હતાં.

બંનેના વડીલો તેમના પ્રેમથી વાકેફ હતા તેથી તેમણે બંનેને લગ્નના બંધનમાં બાંધી લેવાનું નક્કી કર્યું હતું એટલે બંનેને એક બીજાને સમજી લેવા માટે લગ્ન પહેલાં સાથે હરવા ફરવાની છૂટ અપાઈ હતી. જ્યારથી તે બગીચામાં આવતા થયા હતા ત્યારથી તેમને આ બાંકડા પાસે પડી રહેતા બાબા સાથે લગાવ થઈ ગયો હતો. બંને જણા બાબા માટે તેમનું પેટ ભરાય તેટલો નાસ્તો લઈને જ આવતા હતા. બાબા, ચંપો અને મધુમાલતી તે બંને પ્રેમીઓના નિર્દોષ પ્રેમના સાક્ષી હતા. ફોરમ અને કુમાર છૂટથી પ્રેમાલાપ કરી શકે તે માટે બાબા તેમના દ્વારા લાવવામાં આવેલ નાસ્તાનું પડીકું લઈ બગીચાના ખૂણામાં ચાલ્યા જતા અને તેમના ગયા પછી જ પોતાની પથારી પર આવીને આરામ કરતા હતા. કોલેજ જીવનના ચાર વર્ષ જોત જોતામાં પૂરા થઈ ગયા.
એક દિવસે બાબા બીમાર હતા. કુમાર ફોરમ કરતાં થોડોક વહેલો બગીચામાં આવી ગયો હતો. બાબા માથે ઓઢીને સૂતા હતા. તેણે બાબાની પથારી પાસે નાસ્તાનું પડીકું મૂક્યું જે લેવા બાબાએ પોતાનો હાથ ન લંબાવ્યો એટલે કુમારે બાબાએ ઓઢેલી ગોદડી ઊંચી કરી તેમના કપાળ પર હાથ મૂક્યો. બાબાનું માથું ખૂબ ગરમ હતું. તેણે બાબાના હાથ પર પોતાનો હાથ મૂકી ટેમ્પરેચરનો એહસાસ કર્યો. તેને લાગ્યું કદાચ બાબાને ૧૦૨ જેટલો તાવ હશે. તે તરત તેમના માટે તાવની ગોળીઓ લેવા માટે બગીચાની બહાર ગયો. તે પરત આવ્યો ત્યારે ફોરમ આવી ગઈ હતી અને બાબાને પથારીમાં બેઠા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. બંનેએ સાથે મળી તેમને બેઠા કર્યા અને તાવની ગોળીઓ આપી. બાબા ફરી માથે ઓઢી સૂઈ ગયા. બાબાએ થોડીવાર પછી પોતાના માથે ઓઢેલી ગોદડી ખસેડી લીધી. તેમના આખા શરીરે પરસેવો વળી ગયો હતો. ફોરમ અને કુમાર સમજી ગયા કે હવે બાબાનો તાવ ઉતરી ગયો હતો. બાબાએ નાસ્તાનું પડીકું લઈ પથારીમાં બેઠાં બેઠાં ભોજન કર્યું અને ફરી સૂઈ ગયા.

ફોરમ અને કુમાર પ્રેમાલાપમાં ગૂંથાયા. ફોરમ બોલી “ કુમાર હવે મારા પિતાજીએ આપણા લગ્નની તૈયારી શરૂ કરી દીધી છે. ગોર મહારાજને લગ્નનું મુહૂર્ત કાઢવાનું જણાવી દીધું છે. દાગીના બનાવવા આપી દીધા છે અને કપડાની ખરીદી માટે આજે કાપડ માર્કેટમાં ગયા છે. મને પણ મારી પસંદગીના કાપડા ખરીદવા માટે કાપડ માર્કેટમાં બોલાવી છે. તેમને ખબર છે કે હું તારા વિના એકલી કાપડ માર્કેટમાં નહીં જાઉં એટલે તને પણ સાથે લાવવાનું કહ્યું છે એટલે હું તને લેવા આવી છું. આપણે થોડીવારમાં નિકળીએ. “
કુમાર બોલ્યો “ ઓફ... હો...ફોરમ ! આજે મારે એક અગત્યનું કામ છે. ઘરે મારા ફોઇ અને ફૂઆ આવ્યા છે એટલે મારી બાએ સાંજે જમવામાં મીઠાઇ લઈ જવાનું મારા શિરે નાખ્યું છે. તું એક કામ કર તારી સ્કૂટી લઈ કાપડ માર્કેટમાં પહોચ હું ઘરે મીઠાઇ પહોચાડી અડધા કલાકમાં ત્યાં આવી પહોંચું છું. ”

ફોરમનો તોબરો ચઢેલો જોઈ કુમાર હસી પડ્યો અને બોલ્યો “ બેબી, બેર વિથ મી, યાર !. જસ્ટ ફોર હાફ એન અવર..ઓ,,,... કે. બાય .. “ કહી કુમાર હાથ હલાવતો ચાલતો થયો હતો. ફોરમ પણ બાબાને તાવ ઉતરી ગયો છે તેની ખાતરી કરી કાપડ માર્કેટમાં જવા માટે રવાના થઈ હતી. કુમાર ઘરે મીઠાઇ પહોચાડી કાપડ માર્કેટ પહોચ્યો ત્યારે તેણે કાપડ માર્કેટની આખી બિલ્ડીંગ ભડ ભડ બળતી જોઈ. થોડાક સમય પહેલાં ત્યાં સિરિયલ બોમ્બ ધડાકા થયા હતા.કુમાર જાણતો હતો કે ફોરમ અને તેના મમ્મી પાપા કાપડ માર્કેટમાં હતા. તેને તેમની ફિકર થઈ. પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. કોઈને ત્યાં જવાની છૂટ ન હતી. ત્રણ બંબા આગ બુજાવવાના કામે લાગી ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ફૂર્તિલા જવાનો લોકોને બચાવવાની કામગીરીમાં કાર્યરત હતા. માર્કેટમાં ફસાએલાઓના ભયભીત આવાજો અને આગથી દાઝી ગયેલાઓના કણસવાના આવજો આવી રહ્યા હતા. કુમાર આ દુખદ બનાવને નજરે જોનાર લોકો સાથે વાતચીત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કોઈ ચોક્કસ અને સ્પષ્ટ માહિતી મળતી ન હતી. દરેક જણ એટલું કહેતા હતા કે આતંકવાદી હુમલો થયો છે. ચાર બોમ્બ ધડાકા થયાનું લોકો કહેતા હતા અને ખૂબ મોટી જાન અને માલની ખૂંવારીનો અંદાજ હતો.

મોડી રાત્રે સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે પાકિસ્તાન પ્રેરિત એક આતંકવાદી સંગઠને તે હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં કાપડ માર્કેટની ભોયતળિયાની લગભગ બધી દુકાનોને સિત્તેર થી એંશી ટકા જેટલું નુકશાન થયું હતું. લગ્ન સિઝન હોવાથી દરેક દુકાનોમાં કાપડનો વિપુલ જથ્થો હતો જે લગભગ સળગી ગયો હતો. પાંત્રીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અંદાજે બસોથી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને શહેરની વિવિધ હોસ્પીટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. મૃતકોને શહેરની સિવિલ હોસ્પીટલના મોર્ગમાં રાખવામા આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ મૃતકો અને ઘાયલોના સબંધીઓને હોસ્પિટલોમાં જવા સૂચના આપી હતી. આખું શહેર આખી રાત જાગતું રહ્યું હતું.

કુમાર ત્યાંથી સીધો સિવિલ હોસ્પિટલ પહોચ્યો. હોસ્પિટલના બર્ન્સ વિભાગ અને ટ્રોમા સેંટરની મુલાકાત લઈ તેણે ફોરમ અને તેના માતા પિતાની ભાળ કાઢવાની કોશિશ કરી. તેણે તેમને ત્યાં ન જોયા એટલે તે બીજી હોસ્પીટલમાં જતાં પહેલાં સિવિલ હોસ્પિટલના મોર્ગમાં પહોચ્યો. મૃતકો પર સફેદ ચાદરો ઓઢાડવામાં આવી હતી. ઘણા લોકો પોતાના સ્વજનોની તપાસ કરવા ત્યાં ઉપસ્થિત હતા. કુમારે એક પછી એક ચાદર ઊંચી કરી મૃતકોના ચહેરા જોયા. તે ફોરમના માતા પિતાને મૃતકોમાં જોઈ ડઘાઈ ગયો. તેણે બધા મૃતકોને ફરી એકવાર જોઈ લીધા. ફોરમ તેમાં ન હોવાથી તેને ફોરમ જીવતી હોવાની આશા બંધાઈ. તે ફોરમના સમાચાર મેળવવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ વચ્ચે દોડાદોડી કરતો રહ્યો પરંતુ ફોરમ કોઈ હોસ્પીટલમાં તેને જોવા ન મળી. કદાચ તે ઘરે પહોંચી ગઈ હશે તેમ માની તે ફોરમના ઘરે પહોચ્યો પરંતુ ત્યાં દરવાજે તાળું લટકતું જોઈ તેને ફોરમ વિષે ફિકર થવા માંડી.

કાપડ માર્કેટના બેઝમેંટમાં પણ એક ધડાકો થયો હતો અને ઘણા વાહનો સળગી ગયા હતા. પોલીસને ત્યાંથી જે વાહનો મળ્યા હતા તે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા. કુમારને તેમાં ફોરમની અડધી સળગી ગયેલી સ્કૂટી જોવા મળી. તેનો મતલબ કે ફોરમ ધડાકા પહેલાં કાપડ માર્કેટ પહોંચી ગઈ હતી તેમ છતાં ફોરમ ઘાયલો અને મૃતકોમાં જોવા મળી ન હતી તો પછી તે ક્યાં ગઈ તે કુમાર માટે કોયડા સમાન હતું !.


કુમારે ફોરમના માતા પિતાના શબોનો કબજો મેળવ્યો અને ફોરમના સબંધીઓને સાથે રાખી તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. તેણે ફોરમ ગુમ થવાની ફરિયાદ નોંધાવી જેની પોલીસ સત્તાવાળાઓએ રજીસ્ટરમાં જાણવાજોગ નોંધ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી.

કુમારનું મન કહેતું હતું કે ફોરમ જીવે છે પરંતુ તેને સમજણ પડતી ન હતી કે તે ગઈ ક્યાં ?. ધડાકા પછી ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ ઝડપથી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી એટલે કોઈ માણસ પૂરેપૂરું આગમાં બળીને ખાક થઈ જાય તે વાત માનવા લાયક ન હતી. ફોરમના માતા અને પિતાની લાશો પાસે પાસેથી મળી હતી માટે જો ફોરમ તેમની પાસે પહોંચી હોત અને તેનું મૃત્યુ થયું હોત તો તેની લાશ પણ તેમની પાસે જ હોવી જોઈતી હતી. ફોરમની લાશ તેના માતા પિતા પાસે ન હતી તેનો મતલબ કે ફોરમ માર્કેટમાં ક્યાંક અન્યત્ર હોવી જોઈએ. કુમારે પોલીસ અધિકારીઓ સાથે તેના મનમાં ઉઠતાં દરેક સવાલો બાબતે ચર્ચા કરી હતી પરંતુ ફોરમ વિષે તેને કોઈ સંતોષ કારક જવાબ મળતો ન હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કદાચ તેવું બને કે જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ફોરમ તેની નજીક હોય તો બ્લાસ્ટના કારણે તેના શરીરના ફુરચે ફુરચા ઊડી ગયા હોય અને તેની લાશ ન મળી હોય. આ દલીલ પણ કુમારના ગળે ઊતરતી નહતી કેમકે ચારેય ફિદાયીન હુમલાખોરોના ક્ષત વિક્ષત મૃતદેહો મળી આવ્યા હતા. કુમારે સતત બે વર્ષ સુધી ફોરમની શોધ ખોળ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા પરંતુ તેને નિરાશા જ સાંપડી હતી.

કુમાર ફોરમના વિયોગમાં ઉદાસ રહેવા લાગ્યો હતો. તે કલાકોના કલાકો બગીચાના તેમના પ્રિય બાંકડા પર જઈને બેસી રહેતો અને ફોરને યાદ કરી ગુમસૂમ રહેતો હતો. બાબા તેને આશ્વાશન આપતા હતા પણ કુમાર પર તેની કોઈ અસર થતી ન હતી. કુમારના માતા પિતા ફોરમને ભૂલી તેને મન ગમતી અન્ય યુવતી સાથે લગ્ન કરી ઘર સંસાર વસાવી લેવા ખૂબ કાલાવાલા કરતા હતા પરંતુ કુમારને વિશ્વાસ હતો કે ફોરમ જીવતી છે માટે તેમની વાત માનતો ન હતો. દિવસે દિવસે કુમારનું મન સંસાર પરથી ઊઠતું જતું હતું. તેને જીવન જીવવામાં કોઈ રસ રહ્યો ન હતો. તેના માતા પિતા તેના જીવનને નવપલ્લવિત કરવા માટે દવા દારૂ ઉપરાંત દોરા ધાગા, બાધા આખડી કરતા હતા પણ કુમારે જાણે જીવન ત્યાગી દેવાનો સંકલ્પ કર્યો હોય તેમ દિવસે દિવસે એકાંકી થતો ગયો.

ફોરમના ગુમ થયાને લગભગ ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. કુમાર હવે બાબા પાસે બગીચામાં પણ આવતો ન હતો. એક દિવસે બાબા કુમારના ઘરે પહોંચ્યા. તેમની સાથે એક વયોવૃદ્ધ સાધુ મહારાજ હતા. સાધુ મહારાજના માથે ભગવા રંગની પાઘડી હતી. સફેદ ઝભ્ભા અને ધોતીમાં સજ્જ સાધુ મહારાજ ખૂબ જ્ઞાની દેખાતા હતા. તેમની દાઢીના બધા વાળ સફેદ થઈ ગયા હતા. જાણે દાઢીના વાળમાં શેમ્પૂ કર્યું હોય તેમ તેમની છાતી સુધી ફેલાએલી તેમની દાઢીનો એક એક વાળ છૂટ્ટો અને ફરફર થતો હતો. જ્ઞાનનું તેજ તેમના ભાલ પ્રદેશ પર સ્પષ્ટ વરતાતું હતું. બાબા પાસેથી કુમારની વાત સાંભળી તે કુમારના ઘરે આવ્યા હતા. કુમારના માતા પિતા કોઈ સંત મહાત્માને પોતાના ઘરે આવેલા જોઈ અડધા અડધા થઈ ગયા હતા. તેમણે મહારાજને પોતાના દીકરાને નિરાશાની ગર્તામાંથી બહાર લાવવા માટે કાકલૂદી કરી.

ખાટલામાં પડેલા કુમારના આખા શરીરે હાથ ફેરવી મહાત્માએ કુમારના માથા પર હાથ મૂકી બોલ્યા “ ચલ બેટા ખડા હો જા.” કુમારે કોઈ અજાણ્યો અવાજ સાંભળી તેની આંખો ખોલી. સામે મહાત્માને જોઈ તે ફિક્કું હસ્યો. મહાત્મા તેના ખાટલા પર બેઠા અને કુમારનું માથું તેમના ખોળામાં લઈ તેના માથે હાથ ફેરવતા રહ્યા. તેમણે બાબા પાસેથી કુમાર અને ફોરમની બધી વાતો જાણી હતી. કુમાર અવાર નવાર આંખો ખોલી મહાત્મા સામે જોતો હતો. જ્યારે કુમારની આંખો મહાત્માની આંખો સાથે મળતી ત્યારે તેને અલૌકિક અનુભૂતિ થતી હતી. તે મહાત્માની આંખોમાંથી નિતરતા દિવ્ય તેજથી અભિભૂત થઈ પાછો આંખો બંધ કરી દેતો હતો. કુમારને મહાત્માનો સ્પર્શ ગમતો હતો. તેનામાં કોઈ અલૌકિક પ્રવાહ વહેતો થયો હોય તેવી તેને અનુભૂતિ થતી હતી. મહાત્માએ કુમારના પિતાને ફોરમનો ફોટો આપવા કહ્યું. કુમારની માતાએ કુમાર અને ફોરમનો એક સંયુક્ત ફોટો મહારાજ સામે ધર્યો. મહારાજ બંનેના ફોટાને થોડીવાર માટે જોઈ રહ્યા અને તેમની આંખો મીંચી ધ્યાનસ્થ થઈ ગયા. થોડી વાર પછી મહારાજે આંખો ખોલી અને બોલ્યા “ બેટા કુમાર, ચલ અબ ખડા હો જા, ફોરમ જિંદા હૈ ! “
મહાત્મા દ્વારા બોલાએલા શબ્દો “ ફોરમ જિંદા હૈ “ એ જાણે કુમારના શરીરમાં પ્રાણ ફૂંક્યો હોય તેમ કુમાર એકદમ તેની પથારીમાં બેઠો થઈ ગયો અને બોલ્યો “સચ મહારાજ ! ફોરમ જિંદા હૈ ? કહાં હૈ મેરી ફોરમ, મહારાજ મુજે બતાઈયે ” કુમારે મહાત્માના ચરણ પકડી લીધા.
મહાત્મા બોલ્યા “ શાયદ યહાંસે બહોત દૂર હૈ. વો કોઈ મુસીબતમે ફંસ ગઈ હૈ. હમ ઉસે ઢૂંઢ લેંગે. તું તૈયાર હો જા, હમ કલસે ઉસે ઢૂંઢને નિકલેંગે. તુમ્હે મેરે સાથ આના પડેગા.” કુમારે મૂક સંમતિ આપી.
બીજા દિવસે કુમાર જરૂરી સમાન અને પૈસા લઈ માતા પિતાના આશીર્વાદ મેળવી સાધુ મહાત્મા સાથે તેની પ્રાણપ્યારી ફોરમને શોધવા નિકળી પડયો.

ઉત્તરપૂર્વ રાજય આસામનું કોકરાઝાર શહેર તેના નૈસર્ગિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગૌરાંગ નદીના રમળીય તટે હિમાલયની પર્વતમાળાની તળેટીમાં વસેલા આ ખૂબસુરત શહેરમાં બરફથી આચ્છાદિત ધવલ શિખરો પર જ્યારે સૂર્યના સોનેરી કિરણો પડે ત્યારે જે નયનરમ્ય દ્રશ્ય રચાય છે તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. તેની ખૂબસૂરતી જોઇને જ માણવી પડે. કોકરાઝાર તેના નૈસર્ગિક સૌદર્યની સાથો સાથ પરદેશી ઘૂસંખોરોના કારણે હમેશાં ચર્ચામાં રહે છે. સરકાર દ્વારા કોકરાઝારમાં ઘૂસણખોર પરદેશી મહિલાઓ માટે એક ડિટેન્શન કેમ્પ બનાવવામાં આવ્યો છે જેમાં ભારતીય નાગરિકત્વ ન ધરાવતી મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. આ ડિટેન્શન કેમ્પમાં આશરે ચારસો મહિલાઓનો સમાવેશ કરી શકાય તેટલી જગ્યા છે પરંતુ પાડોશી દેશ બાંગલાદેશમાંથી ખૂબ ઘુસણખોરી થતી હોવાથી સરકારને મજબૂરી વશ ચારસો કરતાં વધારે મહિલાઓને રાખવી પડતી હતી. મહિલાઓ સાથે તેમના બાળકો પણ રહેતા હોવાથી કેમ્પમાં કીડિયારું ઉભરાતું હોય તેમ માનવો હતા. ફોરમ પણ તે પૈકીની એક હતી. ચારસો મહિલાઓ વચ્ચે ફક્ત બે બાથરૂમ અને ચાર સંડાસ હતા. ગોબરા અને ગંધતા આ માહોલમાં ફોરમે સાત વર્ષ કાઢ્યા હતા. આજે તેના માટે સોનાનો સુરજ ઊગ્યો હતો. આજે તેને કેમ્પમાંથી છૂટી કરવામાં આવનાર હતી. તેને થતું હતું કે આજે તે નાચે અને કૂદે અને તેની સ્વતંત્રતાની મોજ માણે. પણ હજુ તેના માટે તેને થોડાક કલાકો સુધી હજુ રાહ જોવાની હતી.

સાત વર્ષ પહેલાંનો તે ગોઝારો દિવસ ફોરમને યાદ આવી ગયો. ફોરમ બાબાને તાવ ઉતરી ગયો છે તેની ખાતરી કરી કાપડ માર્કેટમાં જવા માટે રવાના થઈ હતી. તે કાપડ માર્કેટના બેઝમેંટ પાર્કિંગમાં તેની સ્કૂટી પાર્ક કરવા ગઈ ત્યારે તેણે બે ઇસમોને પાર્કિંગના ખૂણામાં અંધારામાં નાની હાથબત્તીના અજવાળે કઈક શંકાસ્પદ હિલચાલ કરતા જોયા. તેમના હાથમાં એક ખુલ્લી શૂટકેશ જેવુ હતું જેમાં કોઈ ડિવાઇસ જોડેલી હતી અને તેમાં ઘણા બધા લાલ, પીળા અને વાદળી વાયરો જોડેલા હતા. ફોરમસમજી ગઈ કે આ લોકો આતંકવાદીઓ છે અને કાપડ માર્કેટમાં ટાઈમ બોમ્બ વડે વિસ્ફોટ કરવા માગે છે. તેણે તેમને પડકાર્યા એટલે એક જણે આવી તેનું મોંઢું દબાવી દીધું અને કોઈકને ઈશારો કર્યો એટલે પાર્કિંગના બીજા છેડેથી એક વાન જેવી ગાડી આવી જેમાં તેને પરાણે ધકેલી દીધી અને તેને ક્લોરોફોર્મ સૂંઘાડી બેહોશ કરી દીધી.

ફોરમને જયારે ભાન આવ્યું ત્યારે તેણે તેની જાતને એક જહાજના ભોયતળિયામાં બંધનાવસ્થામાં જોઈ. તેનું આખું શરીર તૂટતું હતું. તેને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. ફોરમે આજુબાજુ નજર નાખી પણ તેને કોઈ નજરે ન પડ્યું. તેના મોઢા પર ટેપ મારેલી હતી એટલે ફોરમ કોઈને સાદ પાડી બોલાવી શકે તેમ ન હતી તેમ છતાં તેણે બંધ મોઢે હું...હું... હું.....આવાજ કાઢવાનો પ્રયત્ન કર્યો જે સાંભળી એક વાંકડિયા વાળવાળો કાળો આધેડ વયનો પુરુષ તેની પાસે આવ્યો. તેણે તેને પાણી આપવા ઈશારો કર્યો એટલે તે એક બોટલમાં પાણી લઈ આવ્યો. અને તેની સમક્ષ બોટલ મૂકી ત્યારબાદ તેણે તેના મોઢા પરથી ટેપ હટાવી પાણીની બોટલ તેના મોં આગળ ધરી. ફોરમ બંધાએલા હાથે બોટલ પકડી આખી બોટલ પાણી પી ગઈ અને “મને ખૂબ ભૂખ લાગી છે માટે મને ખાવાનું આપ” તેવું તેણે ગુજરાતી અને ત્યાર બાદ હિન્દીમાં કહ્યું. તે માણસ કદાચ ગુજરાતી કે હિન્દી ભાષા જાણતો ન હતો એટલે

તે સીડી ચઢી જહાજ ના ઉપરના ભાગે ગયો અને બીજા એક યુવાનને બોલાવી લાવ્યો. તે યુવાને તેને હિન્દીમાં પૂછ્યું “ ક્યા ચાહીએ ?” ફોરમે ટૂંકો જવાબ આપ્યો “ ખાના. “ તે થોડી વાર પછી થોડીક ઇડલી અને સંભાર લઈને હાજર થયો. તેણે તેના હાથ છોડી નાખ્યા. ફોરમ ભોજન પર તૂટી પડી. હજુ તેના પગ બંધાએલા હતા. અંધારું થવા આવ્યું હતું. ફોરમ જમીને સૂઈ ગઈ.

બીજા દિવસે સવારે ફોરમ જાગી ત્યારે તે સંપૂર્ણ પણે બંધન મુક્ત હતી. ફોરમે તેના અકડાએલા શરીરને હરકત આપી. તેના શરીરમાં હજુ પણ દુખવાનો એહસાસ થતો હતો. જહાજ હજુ દરીયામાં જ હતું. ફોરમ ડરતાં ડરતાં ધીમે ધીમે સીડી ચઢીને જહાજના ભંડાકીયામાંથી જહાજના ઉપરના મજલે આવી. અહી જહાજના મશીનના તિવ્ર અવાજો સાંભળતા હતા અને થોડાક માણસોની ચહેલ પહેલ હતી. એક કાળો યુવાન તેની સામે પ્રગટ થયો. ફોરમે તેને આંગળીના ઇશારાથી ટોઇલેટ માટે પૂછ્યું. તે તેને એક લેડીઝ ટોઇલેટ પાસે મૂકી ચાલ્યો ગયો. ફોરમ ફ્રેશ થઈ બહાર આવી ત્યારે તે જ યુવાન તેના માટે એક જોડી પુરુષના કપડા લઈ હાજર થયો અને તેને જહાજના બીજા છેડે બાથરૂમ તરફ દોરી ગયો. અહીથી તેને દૂર દૂર સુધી અફાટ સમુદ્ર દેખાતો હતો. ફોરમ સમજી ગઈ આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું છે અને તેને દરીયાઈ માર્ગે પરદેશ લઈ જઇ રહ્યા છે. પણ તેને એક વાતનું આશ્ચર્ય હતું કે તેને કોઈ કનડગત કરવામાં આવતી ન હતી. ફોરમે બાથરૂમમાં શાવર બાથ લીધું અને બહાર આવી.

જહાજ પર સમજી ન શકાય તેવી ભાષામાં લોકો વાતચીત કરતા હતા. આ એક કાર્ગો જહાજ લાગતું હતું કેમકે તેના સિવાય અન્ય કોઈ પ્રવાસી જહાજમાં ન હતા. ફોરમ જહાજના છેક ઉપરના માળે પહોંચી. ફોરમે જહાજ પર શ્રીલંકાનો ધ્વજ જોયો. ફોરમ સમજી ગઈ કે તેને શ્રીલંકા લઈ જવામાં આવી રહી છે અને જહાજના કર્મચારીઓ જે ભાષા બોલે છે તે ક્યાં તો તામિલ છે અથવા તો સિંહાલી છે. તે આખો દિવસ ફોરમ મુક્ત રીતે જહાજમાં ડર વિના છૂટથી વિવિધ જગ્યાએ ફરતી રહી. જે યુવાને તેની સાથે હિંદીમાં વાતચીત કરી હતી તે ક્યાંય દેખાતો ન હતો. અન્ય કોઈ તેની સાથે વાતચીત કરતું ન હતું. રાત પડવા આવી એટલે તેને તેની જાતની ખૂબ ફિકર થવા માંડી. એક શ્રિલંકન યુવાન તેને જહાજની એક કુપેમાં દોરી ગયો. તેણે તેની સાથે અંગ્રેજીમાં વાત કરવા પ્રયત્ન કર્યો પણ તેણે કોઈ જવાબ ન આપ્યો એટલે ફોરમે તેને હિન્દીમાં પૂછ્યું કે “ આપણે ક્યાં જઈએ છીએ અને ક્યારે મને છોડવામાં આવશે ? “ તે કદાચ તેની વાત સમજ્યો હતો પરંતુ તે કોઈ જવાબ આપ્યા સિવાય ચાલ્યો ગયો. ફોરમ કુપેનો દરવાજો અંદરથી લોક કરી પથારીમાં પડી.

થોડી વાર પછી કોઈએ દરવાજો નોક કર્યો એટલે ફોરમે દરવાજો ખોલ્યો. ગઈ કાલ વાળો યુવાન જમવાનું લઈ હાજર હતો. તેણે ફોરમ સામે જોઈ સ્મિત કર્યું. ફોરમે પણ સ્મિતનો જવાબ સ્મિતથી આપ્યો. તે ખુશ થયો. ફોરમે જમતાં જમતાં તેની સાથે વાતચીત કરી. તે ખૂબ ઉમદા સ્વભાવનો યુવક હતો. તેણે તેને થોડીક વિગતો આપી. તેની સાથેની વાતચીત પરથી તેને જાણવા મળ્યું કે તે એક શ્રિલંકન કાર્ગો જહાજ હતું અને જાફના જઈ રહ્યું હતું. બીજા દિવસે સાંજે તે જહાજ જાફના પહોચવાનું હતું. તેને ક્યાં લઈ જવાની છે અને તેનું કોણે અપહરણ કર્યું છે તેની કોઈ વિગતો તેણે ન આપી પરંતુ તેણે સધિયારો આપ્યો હતો કે ફોરમ સંપૂર્ણ સલામત હતી.
ફોરમે તેને પૂછ્યું “મને આ જહાજમાં ક્યાંથી બેસાડવામાં આવી હતી ?
તે બોલ્યો “ ગુજરાતના દરિયા કિનારેથી “
ફોરમે તેનું નામ પૂછ્યું જે તેણે ન જણાવ્યુ અને તે ચાલ્યો ગયો.

ફોરમે વિચાર્યું તેના શહેરથી દરિયો ઘણો નજીક છે. તેને મધદરિયે આ જહાજમાં લાવવામાં આવી હતી તેનો મતલબ તેનું અપહરણ થયું તે દિવસે જ તેને દરીયામાં પહોચાડી હશે. એટલે કે એક દિવસ અને એક રાત જેટલા સમય ગાળા માટે તે બેભાનવસ્થામાં રહી હશે. ફોરમે ગણતરી કરીને વિચાર્યું તેનું અપહરણ થયાને આજે ત્રણ દિવસ થઈ ગયા હશે. તેના માતા પિતા અને કુમાર તેની ફિકર કરતાં હશે. તે દિવસે પછી બોમ્બ વિસ્ફોટ થયો હશે કે કેમ ? કોઈ જાનહાની થઈ હશે કે કેમ ? વિગેરે વિચારો કરતાં કરતાં ફોરમને ઊંઘ આવી ગઈ.

બીજા દિવસે સવારે પક્ષીઓનો મધુર કલરવ સાંભળી ફોરમ જાગી ગઈ. તેણે વિચાર્યું પક્ષીઓ બોલે છે માટે હવે કિનારો નજીક હશે. ફોરમ સ્ફૂર્તિથી જહાજના તૂતક પર આવી ગઈ. તેને ઘણો દૂર કિનારો દેખાઈ રહ્યો હતો. દૂર દૂર વૃક્ષોની હારમાળાઓ દેખાતી હતી. જહાજની આસપાસ આકાશમાં પંખીઓ ઊડતાં હતા અને શિકાર માટે અવાર નવાર દરિયામાં ડૂબકી લગાવી નાની નાની માછલીઓ પોતાની ચાંચમાં પકડી તેમની ઉદર તૃપ્તિ કરતાં હતા. કિનારો નજીક હોવાનું જાણી તેના હદયમાં આનંદની ઊર્મિઓ ઉભરાવા લાગી. તેણે પોતાનો આનંદ વ્યક્ત કરવા એક ચકરડી ખાધી ત્યાં તેની સામે પેલો યુવાન પ્રગટ થયો. ફોરમ શરમાઈ ગઈ. તે તેની સામે જોઈ હસ્યો. તેણે પણ તેનો પડઘો પાડ્યો. તે યુવાને ફોરમને ફ્રેશ થઈ ચા નાસ્તા માટે જહાજના પહેલા મજલે આવેલ રસોડામાં આવી જવા કહ્યું. ફોરમ જહાજના રસોડામાં પહોંચી ત્યારે જહાજના ક્રૂ મેમ્બર્સ ડાઈનિંગ ટેબલ પર બેસી નાસ્તો કરી રહ્યા હતા. લગભગ પંદર થી સત્તર જેટલા માણસો હતા. તે બધા સી ફૂડ આરોગી રહ્યા હતા જે જોઈ ફોરમને એક ઊબકો આવી ગયો. ફોરમ રસોડામાંથી દોડીને તેના કુપેમાં આવી ગઈ. ફોરમ રડી પડી. થોડી વાર પછી પેલો યુવાન તેના માટે ઉત્તપમ અને કોફીનો મગ લઈ હાજર થયો. ફોરમે નાસ્તો કરવાની ના પડી અને રડતી રહી. પેલા યુવાને કહ્યું “ મેડમ નાસ્તા કર લીજીએ. જહાજમે વેજીટેરિયન ફૂડ નહીં પકતા ઇસલીયે આપકો શામ તક દૂસરા કુછ નહીં મિલેગા” તેણે ચૂપચાપ નાસ્તો કરી લીધો.

ફોરમે પેલા યુવાનને આજે ફરી તેનું નામ પૂછ્યું. તેણે હસીને કહ્યું “ મેરા નામ મુથ્થાઇ હૈ “
“ ઇંડિયન હો ?”
“ નહીં, શ્રીલંકન”
“ ફિરભી તુમ હિન્દી સમજ લેતે હો યે બહોત અચ્છી બાત હૈ ?” જવાબ આપવાના બદલે તે ફક્ત હસ્યો.
“ આજ કૌનસા ડે હૈ ?”
“ સનડે “
તેનો જવાબ સાંભળી તેણે વિચાર્યું તેના અપહરણ થયાને પાંચ દિવસ થઈ ગયા હતા. આ પાંચ દિવસોમાં તેના માતા પિતા અને કુમાર પર શું વીત્યું હશે. ફોરમ ચિંતાતુર હતી તેમ છતાં ફોરમે મુથ્થાઇને પૂછ્યું “ ન્યૂઝ પેપર મિલેગા?” તે હસ્યો અને બોલ્યો ક્યા કામ હૈ “
“ બસ યુંહી ... સમાચાર જાનને કે લીએ ”
“ ક્યા જાનના હૈ ?”
“ ગુજરાતમે કોઈ બમ ધમાકા હુઆ હૈ ?”
“ હા, સિરિયલ બ્લાસ્ટ હુએ હૈ. કઈ ઇન્સાન મારે ગયે હૈ.”

ફોરમ તે યુવાનની વાત સાંભળી ખૂબ દુખી થઈ ગઈ હતી.

ફોરમે મુથ્થાઇને તે બ્લાસ્ટ બાબતે તે જે જાણતો હોય તે બધુ તેને જણાવવા વિનંતી કરી. મુથ્થાઇએ જે વાત કરી તે મુજબ તે દિવસે ચાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કાપડ માર્કેટના બેઝમેંટ અને ત્રણેય માળ પર એક એક મિનિટના અંતરે એક સાથે બ્લાસ્ટ થયા હતા અને ઘણા માણસોની જાન હાની થઈ હતી. આ બોમ્બ બ્લાસ્ટમાં પાકિસ્તાની આતંકવાદી ગ્રૂપનો હાથ હોવાનું ખૂલ્યું હતું. બોમ્બ બ્લાસ્ટ કરનારા માનવ બોમ્બ હતા અને બ્લાસ્ટમાં તેઓ પણ મરી ગયા હતા એટલે કોઈ આતંકવાદી જીવતો પકડાયો ન હતો.

તેને પાછળથી ખબર પડી હતી કે તેનું અપહરણ કરીને આતંકવાદીઓ તેને વાનમાં લઈને ભાગી ગયા પછી વીસેક મિનિટમાં ચાર બ્લાસ્ટ થયા હતા. જેમાં ઘણા માણસોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેના માતા પિતાએ પણ પોતાના જાન ગુમાવ્યા હતા. તેનું અપહરણ કરીને તેને વાનમાં બેહોશ કરીને તે શહેરની બહાર નીકળી ગયા હતા અને ભાવનગરના દરિયા કિનારા પાસે છુપાવી રાખેલી એક મોટર બોટ મારફતે તેઓ તેને પાકિસ્તાન લઈ જવા માગતા હતા પરંતુ ભારતીય કોસ્ટલ ગાર્ડની નાકાબંધીથી તે આખી રાત મોટર બોટ લઈ આમ તેમ ભટકતા રહ્યા હતા. મોટર બોટનું ઈંધણ ખતમ થવા આવ્યું ત્યાં સુધી ફોરમ હોશમાં આવી ન હતી એટલે આતંકવાદીઓ ગભરાયા. તેમણે રેડિયો મારફતે પાકિસ્તાનમાં તેમના આકાઓનો સંપર્ક કર્યો. તેમના આકાઓએ થોડી વાર પછી તેમને જણાવ્યુ કે તેમનાથી થોડેક દૂર શ્રીલંકન જહાજ પાકિસ્તાનથી એલ.ટી.ટી.ઈ. (તામિલ ટાઇગર્સ) માટે શસ્ત્રો લઈ જઈ રહ્યું છે તેના કેપ્ટન સાથે વાત થઈ ગઈ છે માટે બધા ણ તે જહાજમાં બેસી જાય. તે આતંકવાદીઓને ફોરમની નજરે ન પાડવાની તાકીદ કરવામાં આવી હતી.આ રીતે ફોરમ શ્રીલંકન જહાજમાં આવી ગઈ હતી. ફોરમ પાકિસ્તાની આતંકવાદી ગ્રૂપની અનામત હોઇ તેને કોઈ કનડગત કરવામાં આવતી નહતી તેની તેને પાછળથી જાણ થઈ હતી.

સાંજ ઢળવા આવી ત્યારે શ્રીલંકન જહાજ જાફના બંદરની પાસે આવી થોડે દૂર દરિયામાં ઊભું રહ્યું. અંધારું થયું ત્યાં સુધી જહાજ કોઇની રાહ જોઈ રહ્યું હતું. અંધારમાં એક મોટરબોટ તે જહાજ પાસે આવીને ઊભી રહી. થોડીવાર પછી મુથ્થાઇ એક થેલીમાં તેના માટે આંતર વસ્ત્રો સાથે ચાર જોડી સલવાર કમિજ લઈને આવ્યો, જે પેલી મોટરબોટમાં આવેલા માણસો લાવ્યા હતા, અને બોલ્યો “ મેડમ કપડે ચેન્જ કરકે તૈયાર હો જાઓ તુમકો મોટરબોટ મેં કહીં કો જાનેકા હૈ “ ફોરમ ગભરાઈ ગઈ. મુથ્થાઇ ખૂબ ભલો યુવાન હતો અને બે ત્રણ દિવસના સહવાસમાં ફોરમને તેના ઉમદા વહેવારના કારણે તેના માટે ખૂબ માન થયું હતું એટલે ફોરમે તેને પૂછ્યું “ ભૈયા, તુમ ભી મેરે સાથ આ રહે હો ના ?” તેણે માથું હલાવી ના કહી. ફોરમ ગભરાઈ. તેને અજાણ્યા લોકો સાથે રાત્રીના સમયે જવામાં ડર લાગ્યો એટલે ફોરમે મુથ્થાઇને કહ્યું “ મૈ કહી નહીં જાઉંગી “ તેણે ફોરમને સમજાવ્યું કે તે પાકિસ્તાની આકાઓની અનામત હોવાથી તેઓ તેને કોઈ શારીરિક નુકશાન નહિ પહોંચાડે અને જો ફોરમે તેમનાથી છૂટકારો મેળવવો હોય તો તેમના આદેશનું પાલન કરવું પડશે નહિતર તે લોકો તેને ગોળીથી ઉડાડી દેવામાં વાર પણ નહીં કરે. મુથ્થાઇએ ફોરમને ભારે અવાજે કહ્યું “ મેડમ યે હમારી આખરી મુલાકાત હૈ. હમ શાયદ જિંદગીમે ફીર કભી નહીં મિલેંગે.” મુથ્થાઇના અવાજમાં ફોરમથી જુદા થવાનો ગમ જણાતો હતો.

ફોરમે વિચાર્યું તે દરિયા કિનારે પહોચીને મોટરબોટમાંથી કૂદી પડી ભાગી જશે. ફોરમ ચૂપચાપ તૈયાર થઈ ગઈ અને મજબૂત દોરીની સીડી મારફતે મોટરબોટમાં બેસી ગઈ. આ લોકો અગમચેતીવાળા હતા. ફોરમ કિનારા નજીક જઇ દરિયામાં કૂદી ન પડે તેની સાવચેતી રૂપે તે બંધ કેબિનવાળી મોટર બોટ લાવ્યા હતા. ફોરમ મોટરબોટમાં દાખલ થઈ એટલે તેમણે કેબિનનો દરવાજો બંધ કરી દીધો. તે સુખ સુવિધાઓથી સજ્જ એક આધુનિક મોટર બોટ હતી. તેમાં ચાર પુરુષો હતા. એક ઝટકા સાથે મોટરબોટ શરૂ થઈ. ફોરમ તેના ભાગ્યને કોસતી કોસતી અંધારાને તાકી રહી. પેલા લોકો બંગાળી ભાષામાં વાત કરતાં હતા જે ફોરમને સમજાતી ન હતી. ફોરમ ચૂપચાપ તેમના સાંકેતિક આદેશોનો અમલ કરતી હતી. દરિયાના મોજાઓનો ઘુઘવાટ રાતના આંધકારને વધારે ભયાવહ બનાવી રહ્યો હતો. તેને ભૂખ અને તરસ લાગી હતી. ફોરમ “વૉટર” એટલું બોલી એટલે મોટરબોટના ફ્રીજમાંથી પાણીની એક બોટલ અને થોડાક ફળો તેની આગળ મૂકવામાં આવ્યા. ફોરમે ફળો ખાઈ ઉદર તૃપ્તિ કરી પાણી પી લીધું. તેને ઉંઘ આવવા લાગી હતી. તેણે ઊંઘવા માટે જગ્યા કરી આપવા ઈશારો કર્યો. તે પૈકી એક જણ કરડા અને સત્તાવાહી અવાજે બોલ્યો “ થોડી દેર ચૂપ ચાપ બૈઠી રહો “ તેના સત્તાવાહી અવાજથી ફોરમ ગભરાઈ ગઈ. ચાર પૈકી એક માણસે મોટર બોટની એક કેબિન ખોલી ફોરમને અંદર જવા ઈશારો કર્યો. ફોરમ તે કેબિન માં દાખલ થઈ. તેમાં બે બેડ હતા અને એક ટોઇલેટ હતું. એક ખૂબ મોટું ફ્રિજ હતું જેમાં ખાવા પીવાની વસ્તુઓ ભરેલી હતી. તેણે કેબિનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પથારીમાં પડી. વિચારો કરતી કરતી તે ક્યારે ઊંઘી ગઈ તેનું તેને ભાન ન રહ્યું.

ઉગમણી દિશામાં પ્રભાતનું અજવાળું દેખાવા લાગ્યું ત્યારે ફોરમની આંખ ખૂલી. મોટરબોટ ખૂબ ઝડપે પાણી પર દોડતી હતી. હજુ તેઓ સમુદ્રની વચ્ચે જ હતા. તે આખો દિવસ અને આખી રાત મોટર બોટ દોડતી રહી. રાત્રે ફોરમને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવી. ફોરમે બુરખો પહેરવાનો વિરોધ કર્યો એટલે એક આતંકવાદી તેની સામે પિસ્તોલ ધરી. ફોરમ ગભરાઈ ગઈ અને કામને તેને બુરખો પહેરી લીધો. તે સમજી ગઈ કે તેને બાંગલાદેશ લઈ જવામાં આવશે પણ પડશે તેવા દેવાશે તેમ માની તેણે તેમનો અત્યાચાર સહન કરી લીધો.
બીજા દિવસે વહેલી પરોઢે મોટરબોટ બાંગલાદેશની દરીયાઈ સીમામાં પ્રવેશે તે પહેલાં ભારતીય કોસ્ટલ ગાર્ડ દ્વારા પરવાનગી સિવાય ભારતીય દરીયાઈ સીમામાં બિન અધિકૃત પ્રવેશ કરવાના ગુના બદલ બંગલાદેશી મોટરબોટને આંતરીને ડિટેઇન કરી તેમના કબજામાં લઈ લીધી અને ફોરમ તથા મોટરબોટમાં બેઠેલા ચાર પુરૂષોની ધરપકડ કરી કોસ્ટલ ગાર્ડની કોલકત્તા ખાતેની ઓફિસે લઈ ગયા. બસ અહીથી ફોરમના દુખના દિવસો શરૂ થયા હતા.

કોલકત્તાની કોસ્ટલ પોલીસ દ્વારા બધાની પૂછપરછ કરવામાં આવી. પક્ડાએલા માણસો પાસે બંગલાદેશન પાસપોર્ટ હતા. તેમની બોટ બંગલાદેશમાં પણ નોધાએલી ન હતી એટલે પોલીસને કોઈ મોટા કાવતરાની શંકા પડી. વધુમાં પકડાએલા બંગલાદેશી માણસો પૈકી એક માણસે ફોરમની તેની પત્ની તરીકેની ઓળખાણ આપી જેનો ફોરમે વિરોધ કરી જણાવ્યુ કે તે ખોટું બોલે છે. તેણે અધિકારીને હકીકતમાં તેનું ગુજરાતમાં થએલા બોમ્બ બ્લાસ્ટના સ્થળેથી અપહરણ થયું હોવાની રજૂઆત કરી પરંતુ તેની વાત માનવામાં ન આવી. તેની પાસે તે ભારતીય છે તેવા કોઈ દસ્તાવેજો ન હતા અને ગુજરાતમાં પણ ઘણા બંગલાદેશીઓ બિનઅધિકૃત રીતે રહે છે તેમ કહી ફોરમ પણ બંગલાદેશી ઘૂસણખોર છે તેવું તેમણે તારણ કાઢ્યું. ફોરમે કોસ્ટલ પોલીસને વિનંતી કરી કે તેઓ ગુજરાત પોલીસને તેની વિગતો આપી તેના ઘરના સરનામે તપાસ કરાવી તે ભારતીય હોવાની ખરાઈ કરાવવામાં આવે પરંતુ તે બંગલાદેશની મોટરબોટમાંથી પકડાઈ હોવાથી તેમજ ધરપકડ વખતે ફોરમે બુરખો પહેરેલો હતો તેથી તે વિદેશી મહિલા છે તેવું માની તેની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવી. ફોરમ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને તેને બંગલાદેશી ઘૂસણખોર ગણી સ્થાનિક પોલીસના હવાલે કરવામાં આવી. સ્થાનિક પોલીસે ત્યાંથી ટ્રાન્ઝીટ વોરંટથી પોલીસ પહેરા સાથે ફોરમને કોકરાઝારના મહિલા ડિટેન્શન કેમ્પમાં મોકલી આપી હતી. પેલા ચાર બંગલાદેશી માણસોનું શું થયું તેની ફોરમને કોઈ જાણ ન હતી.

ફોરમને રાખવામા આવી હતી તે કોકરાઝારનો મહિલા ડીટેન્શન કેમ્પ નર્ક કરતાં ય બદતર હતો. તેને ડિટેન્શન કેમ્પ કહેવાના બદલે જેલ કહેવું વધારે ઉચિત હતું. ચારસો જેટલી મહિલાઓને સમાવી શકાય તેટલી વ્યવસ્થા હતી પરંતુ તેમાં આશરે સાડા પાંચસો સ્ત્રીઓને રાખવામાં આવી હતી. કેટલીક સ્ત્રીઓ સાથે તેમના નાના બાળકો પણ હતા જો તેમની સાથે ગણતરી કરવામાં આવે તો આશરે સવા છસો માણસો બકરાની જેમ ભરવામાં આવ્યા હતા. અહી મુસ્લિમ, હિન્દુ અને બૌધ્ધ ધર્મ પાળતી નેપાળી સ્ત્રીઓ હતી. કેટલીય સ્ત્રીઓ બીમાર હતી. તાજેતરમાં ઘુસણખોરી કરતાં પકડાએલી આઠ દસ સ્ત્રીઓ સગર્ભા હતી. આ કેમ્પમાં સગવડના નામે મોટું મીંડું હતું. ઘણા દિવસોથી નાહયા ધોયા વિનાના ગંધતા અને ગોબરા બાળકો આમથી તેમ ફરતાં હતાં. કેટલાએ બાળકો ભેંકડો તાણીને કાન ફાડી નાખે તેવા તીવ્ર આવજો કાઢતા હતાં. મહિલાઓ અંદરો અંદર બીભત્સ ગાળા ગાળી કરી ઝગડતી રહેતી હતી. અહી કોઈ પણ જાતની સ્વતંત્રતા નહતી. સૌને અપરાધી ગણી તેમની સાથે અમાનવીય વહેવાર કરવામાં આવતો હતો. કેદીઓની લેવામાં આવેછે તે રીતે ફોરમના હાથની દસે આંગળીઓની છાપ લેવામાં આવી. તેને કેદીની જેમ એક નંબર પણ આપવામાં આવ્યો હતો હવે તે ફોરમના બદલે નંબરથી ઓળખાવા લાગી હતી.

પ્રથમ દિવસે ફોરમને આખી રાત ઊંઘ ન આવી. બીજા દિવસે આખો દિવસ તેણે માંડ માંડ પસાર કર્યો. તેણે એક અઠવાડીયા સુધી આ જીવતા નર્કમાંથી છુટકારો મેળવવાના વિચારો કર્યા. સૌથી મોટી વિડંબણા ભાષાની હતી. મોટાભાગે અસમિયા અને બંગલા ભાષામાં લોકો વાતો કરતાં હતાં. લોકો હિન્દી અને ઉર્દુ ભાષા સમજતા હતાં પરંતુ બોલતા ન હતાં. લગભગ એક મહિનો પસાર થયો હતો. તે રાત્રે એક બાઈને પ્રસૂતિની પીડા ઉપડી. અહી કેમ્પમાં તે માટે કોઈ અલગ વ્યવસ્થા ન હતી. કોઈ ડોકટરની સેવા ઉપલબ્ધ ન હતી. ચાર સ્ત્રીઓએ એક પ્લાસ્ટિકના ટુકડાને પકડી રાખ્યો તેની આડમાં બે સ્ત્રીઓએ પ્રસૂતિ કરવી. તે બાઈને પુત્રી અવતરી હતી. પ્રસૂતિ વખતની તે બાઈની વેદના અને ત્યાર પછીના દુખદ ઊંહકારા સાંભળી ફોરમ ખૂબ વ્યથિત થઈ ગઈ. તેણે એક મક્કમ નિર્ધાર કર્યો અને બીજા દિવસથી આ કેમ્પમાં જીવન જરુરીયાતની સગવડો પૂરી પાડવા એક આંદોલન શરૂ કર્યું.

તેણે શરણાર્થી અને ડીટેન્શન કેમ્પ માટે સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ “રિવ્યુ કમિટી” માં લેખિત રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ તેને તેની પરવાનગી આપવામાં ન આવી. તેણે લખેલ દરખાસ્ત તેના દેખાતાં ફાડીને કચરા ટોપલીને હવાલે કરી દેવામાં આવી. તેને કહેવામા આવ્યું કે જ્યારે “ રિવ્યુ કમિટી “ કેમ્પની મુલાકાત લે ત્યારે તે મૌખિક રજૂઆત કરી શકશે. છ માસ સુધી રિવ્યુ કમિટી કેમ્પની મુલાકાતે ન આવી. ફોરમને સરકારની નિષ્ક્રિયતા પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે કેમ્પમાં રહેતી મહિલાઓને એકત્ર કરી તોફાનો કર્યા. ફોરમના આ પગલાથી સ્થાનિક પ્રશાશને કેમ્પમાં સુવિધાઓ પૂરી પાડવાના બદલે ફોરમ પર અત્યાચારો કરવા માંડ્યા. તેની ધરપકડ કરી બે દિવસ સુધી તેને સ્થાનિક લોકઅપમાં પૂરી રાખી. ત્યાં તેને માર મારવામાં આવ્યો અને બે દિવસ સુધી ભૂખી તરસી રાખવામાં આવી. ફરીથી આવી હરકત ન કરવાની તાકીદ કરી ફોરમને ફરીથી કેમ્પમાં મૂકી પોલીસ રવાના થઈ ગઈ.

એક વર્ષ સુધી ફોરમ શાંત રહી અને ત્યાંથી છુટકારો મેળવવાના ઉપાયો વિચારતી રહી. તેવામાં એક સ્થાનિક ચેનલની મહિલા પત્રકારે ડિટેન્શન કેમ્પની ગુપ્ત મુલાકાત લીધી. ફોરમે તે પત્રકારને પોતાની દુખદ કહાની જણાવી અને કોકરાઝાર મહિલા ડિટેન્શન કેમ્પમાં સગવડોનો અભાવ અને સુખાકારીના નામે કોઈ સુવિધા ન હોવાની વાતો લોકોના ધ્યાને લાવવા વિનંતી કરી. તે પત્રકારે તેમની ચેનલમાં સ્થાનિક ભાષામાં કોકરાઝાર મહિલા ડિટેન્શન કેમ્પમાં મહિલાઓની દયનીય સ્થિતિ તો દર્શાવી સાથો સાથ એક ફોરમ નામની ગુજરાતી યુવતીને ખોટી રીતે બંગલાદેશી ઘૂસણખોર ગણાવી તે કેમ્પમાં રાખી હોવાની વાત ઉજાગર કરી. આ કાર્યક્રમ પ્રસારિત થયા પછી સ્થાનિક પ્રશાશન હરકતમાં આવ્યું. રિવ્યુ કમિટીએ કેમ્પની મુલાકત લીધી અને ફોરમની વિગતો મેળવી તેને કાયદાકીય સલાહ અને સહાય પૂરું પાડવાનું આશ્વાશન આપ્યું. બધુ કામ મંથર ગતિએ ચાલતું હતું. એ વાત ને એક વર્ષ વીતી ગયા પછી તેને ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરવાની તક આપવામાં આવી. ફોરમની રજૂઆતના સબંધે ગુજરાત પોલીસ પાસેથી ફોરમની વિગતો માગવામાં આવી જેના સંદર્ભે ફોરમ ગુમ થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ ગુજરાતમાં નોંધેલી હોવાનું અને ફોરમનો ફોટો તે ગુમ થયેલ યુવતી સાથે મળતો આવતો હોવાનો અહેવાલ લગભગ એક વર્ષ પછી પૂરો પાડવામાં આવ્યો. ત્યાર બાદ બીજા બે વર્ષ સુધી તારીખ પે તારીખ પડતી રહી અને તેના કેસની સુનાવણી થતી રહી. સુનાવણી પૂરી થયા બાદ ઘણા લાંબા સમય પછી તેને પોતે ભારતીય નાગરિક છે તેના અસલ દસ્તાવેજો ગુજરાતથી લાવવાની શરતે જામીન આપવાનું નક્કી થયું. ફોરમને ત્યાં કોઈ ઓળખતું ન હોવાથી કોઈ જામીન થવા તૈયાર ન હતું. જે મહિલા પત્રકારે ફોરમની સ્ટોરી ઉજાગર હતી તેની જાણમાં તે વાત આવતાં તે ફોરમની જામીન થઇ.
આમ લગભગ સાત વર્ષ પછી કાયદાકીય વિધિ પૂરી કરી મોડી સાંજે તેને કોકરાઝાર મહિલા ડિટેન્શન કેમ્પમાંથી જામીન પર છૂટી કરવામાં આવી. પેલી ભલી મહિલા પત્રકારે તેને વતન આવવા માટે થોડીક રકમની સહાય પણ કરી હતી. તેનું ઋણ માથે ચઢાવી ફોરમ વતન આવવા રવાના થઈ ગઈ.
ફોરમને સાત વર્ષ પછી પણ પોતાના પૈતૃક શહેરમાં કઇં બદલાયેલું લાગ્યું નહીં. શહેરની મધ્યમાં આવેલ તેની કોલેજનું બિલ્ડીંગ થોડું જૂનું જરૂર થયું હતું પરંતુ તેનો રુઆબ પહેલાં કરતાં પણ વધારે સારો લાગતો હતો. કોલેજ કમ્પાઉન્ડમાં આધુનિક વસ્ત્રો પહેરીને યુવકો અને યુવતીઓ એક બીજા સામે ટીખળીઓ કરી મુકત હાસ્ય વેરતા નજરે પડતાં હતા. તે કોલેજ પર નજર નાખતી રહી અને ઓટો રીક્ષા આગળ વધી ગઈ. કોલેજથી એકાદ કીલોમીટરના અંતરે આવેલ બગીચા આગળ રીક્ષા આવીને ઊભી રહી. તે એક મિનિટ માટે તદ્દન નવા રંગ રોગાનથી સુશોભિત કરવામાં આવેલ બગીચાના પ્રવેશદ્વારને તાકી રહી. ઓટો ડ્રાઈવરના “ મેડમ બગીચો આવી ગયો “ ના શબ્દો સાંભળી તે હળવેથી ઓટોમાંથી નીચે ઉતરી અને ભાડું ચૂકવી બાગના પ્રવેશદ્વારમાં દાખલ થઈ. દસેક પગલાં જેટલું ચાલ્યા પછી તે પાછી ફરી અને પ્રવેશદ્વારની જમણી બાજુએ આવેલી ચા નાસ્તાની હોટલો તરફ રવાના થઈ. તેની ફેવરીટ રેસ્ટોરન્ટ “ જય અંબે નાસ્તા ગૃહ” પાસે તે આવીને ઊભી રહી. હવે તે પહેલાં જેવી જૂની પુરાણી રેસ્ટોરન્ટ ન હતી. “ જય અંબે નાસ્તા ગૃહ “ ના બદલે તેનું નવું નામ “ જોય ફાસ્ટ ફૂડ સેન્ટર” હતું. કાચ અને આધુનિક પડદાઓથી સુશોભિત એક શાંત રેસ્ટોરન્ટ જેવી ભાસતી હતી. તે “PUSH” લખેલા કાચના દરવાજાને ધકેલી રેસ્ટોરન્ટમાં દાખલ થઈ. સાત વર્ષ પહેલાં તે એક ખુલ્લી દુકાન જેવી હતી. કાઉન્ટર પર માથે ગાંધી ટોપી અને કાળો ડગલો પહેરીને દવે કાકા બેસતા હતા અને તેમનો દીકરો ગટુ ગ્રાહકોના ઓર્ડર લેતો હતો. અત્યારે એક વીસ-બાવીસ વર્ષનો દેખવાડો યુવાન કાઉન્ટર પર બેઠેલો હતો. કાઉન્ટરની પાછળ સુખડના હાર ચઢાવેલી દવે કાકા અને ગટુની તસ્વીરો હતી જેના ઉપર તેમની મૃત્યુતિથી લખેલી હતી એટલે તે બંનેનો સ્વર્ગવાસ થઈ ગયો છે તેવું ફોરમ સમજી ગઈ હતી. તેણે કાઉન્ટર પર બેસેલા યુવાનને પૂછ્યું “ ભાઈ તમે ગટું ભાઈના પુત્ર છો ?” પેલા યુવાને હકારમાં પોતાનું માથું હલાવ્યું અને ફોરમને તાકી રહ્યો. તે સમજી ગયો કે આ બેન તેમના દાદા વખતથી આ રેસ્ટોરન્ટમાં આવતા હશે અને કદાચ ખૂબ લાંબા સમય પછી તેની રેસ્ટોરન્ટમાં આવ્યા હશે.
તે બોલ્યો “ મેડમ મારા દાદા વૃધ્ધવસ્થાના કારણે ચાર વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને મારા પાપા એક નાની બીમારીમાં બે વર્ષ પહેલાં ગુજરી ગયા છે.” તેણે તેનું નામ જય જણાવ્યુ અને કહ્યું “ હવે હું અને મારો નાનો ભાઈ મારા દાદાનો વારસો સાચવી રહ્યા છીએ. જરૂરીયાત મુજબ રેસ્ટોરન્ટનું નામ અને શકલની સાથોસાથ વાનગીઓમાં પણ ફેરફાર કર્યો છે. ”
ફોરમ બોલી “ તમે જૂના નાસ્તા ગૃહની કાયાપલટ કરી દીધી છે !. હું સાત વર્ષ પછી આ શહેરમાં આવી છું એટલે મને થયું કે દવે કાકાને અને ગટું ભાઈને મળું અને દવે કાકાનો એ વખણાતો નાસ્તો કરી જૂની યાદો તાજી કરું પરંતુ હવે કદાચ અહિયાં એ જૂનો નાસ્તો નહિ મળતો હોય !, બરાબર ને ?”
જય બોલ્યો “ આંટી, અમે મારા દાદાની યાદગીરી રૂપે હજુય પીઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડની સાથો સાથ દાળવડા, કચોરી અને સમોસા પણ બનાવીએ છીએ. તમે અંદર બેસો હું વેઇટરને ગરમાગરમ દાળવડાની ડીશ પહોચડવાનું કહું છું “
ફોરમ “ ના બેટા એક કામ કર મને દાળવડા, કચોરી અને સમોસાનું એક પાર્સલ પેક કરી આપ.”
જયે “ઓકે” કહી એક પાર્સલ મંગાવ્યું અને ફોરમને આપ્યું. ફોરમે પાંચસો રૂપિયાની નોટ કાઢી જય સામે કાઉન્ટર પર મૂકી જે જયે લેવાની ના પડી દીધી. ફોરમે ખૂબ આગ્રહ કર્યો તો જયે કહ્યું “ આંટી આ કોમ્પ્લિમેંટરી છે. તમે સાત વર્ષ પછી મારા દાદા અને પાપા ને મળવા આવ્યા અને હું પૈસા લઉં તો તેમની આત્માઓ મને માફ નહી કરે.” ફોરમ વધુ આગ્રહ કરવાનું માંડી વાળી નાસ્તાનું પાર્સલ લઈ જયનો આભાર માની રેસ્ટોરન્ટની બાહર નીકળી ગઈ અને ફરીથી બગીચામાં દાખલ થઈ ગઈ.

ફોરમ વિચારતી હતી તેણે “બાબા” માટે નાસ્તાનું પાર્સલ તો લીધું છે પરંતુ “બાબા” હયાત હશે કે કેમ ? અગાઉના તેમના એ સ્થળે મળશે કે કેમ?. તેવા વિચારો ને વિચારોમાં તેણે બગીચા ફરતે નજર કરી. બાગમાં પહેલાં કરતાં વધારે હરિયાળી દેખાતી હતી. દૂર પામના ઊંચા અને સુંદર વૃક્ષોની હારમાળા નજરે પડતી હતી જે આજથી સાત વર્ષ પહેલાં ન હતા. જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. મોર્નિંગ વોક માટે એક સર્કલ હતું જેમાં ૭૫૦ મીટર લખેલું પાટિયું નજરે પડતું હતું. બપોરના સમયે પણ બગીચામાં ખાસી વસ્તી દેખાતી હતી. તે બગીચાના પશ્ચિમ બાજુના ખૂણા પાસે પહોંચવા આવી હતી. દૂરથી તેની નજર તેના પ્રિય સ્થળ પર પડી. ચંપો હવે ખૂબ મોટો થઈ ગયો હતો. પહેલાં ચંપાથી થોડે દૂર ઉગેલી મધુમાલતી હવે ચાંપાને વીંટળાઇ વળી હતી. તેના રંગ બેરંગી ફૂલોના લૂમખાં ચંપાની ડાળીઓ પરથી ડોકિયાં કરીને સુમધુર હાસ્ય સાથે હવામાં તેની સોડમ ફેલાવી રહ્યાં હતા. ચંપા નીચે ગોઠવેલા લાકડાના બાંકડાને નવો રંગ કરેલો જણાતો હતો. તેના પ્રિય સ્થળને જોઈ તેના શરીરમાં એક સુખદ ઝણઝણાટી ફેલાઈ ગઈ. તેની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઇ આવ્યા. તેણે ખૂબ ઊંડા શ્વાસ લઈ જૂની યાદોને તેના ફેફસાં મારફતે તેના દિમાગમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તેની છાતી ખૂબ ઊંચી નીચી થવા માંડી હતી. તેની ચાલમાં ઝડપ આવી ગઈ હતી. લગભગ દોડતી દોડતી તે તેના પ્રિય સ્થળ પાસે પહોંચી ગઈ. પરિચિતતાનો અહેસાહ માણવા તે થોડીક ક્ષણો માટે આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેવા માંડી. તે લાકડાના બાંકડા પર રીતસરની ફસડાઈ પડી. તેની બંધ આંખોમાંથી રેલાતા આંસુની ધાર તેના મુલાયમ ગાલ પરથી વહી રહી હતી.

ફોરમ સ્વસ્થ થઈ. તેણે બાંકડાની પાછળ કાયમ પડી રહેતા બાબાને શોધવા નજર નાખી. બાબાનો ક્યાંય પત્તો ન હતો. તે બેબાકળી થઈ ગઈ. થોડેક દૂર તડકામાં તેને બાબાની પથારી નજર આવી. તેના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. તેનો ઉચાટ દૂર થયો. તેણે વિચાર્યું બાબાની પથારી છે માટે બાબા હયાત હશે અને ક્યાંક ગયા હશે તો હમણાં આવી જશે. તેણે નાસ્તાનું પાર્સલ તેની પાસે બાંકડા પર મૂક્યું અને હળવેકથી તેની ગરદન બાંકડાની પીઠના મથાળે ગોઠવી તેની આંખો બંધ કરી દીધી.
એકાએક પથારી ઝાટકવાનો આવાજ સાંભળી ફોરમે પાછળ નજર કરી. તેણે જોયું બાબા તેમની પથારી પાથરી રહ્યા હતા. બાબાની કાયા કંતાઈ ગઈ હતી. હવે મુઠી હાડકાનો દેહ રહ્યો હતો. ચહેરા પર કરચલીઓ દેખાતી હતી. આંખોના ભવાં સફેદ થઈ ગયા હતા. શરીરની ચાંબડી લબડી પડી હતી. આગળના દાંત પડી ગયા હતા. ફોરમ તેની જ્ગ્યાએથી ઊભી થઈ બોલી “ બાબા... કેમ છો ? “ બાબાને ખૂબ ઝાંખું દેખાતું હોય તેવું લાગતું હતું. બાબાએ પોતાની ધ્રૂજતી કાયાએ કપાળ પર હાથનું નેજવું કરી આંખો ખેંચી તેમને બોલાવનારને ઓળખવાનો પ્રયત્ન કરતા જોઈ ફોરમ બાંકડા પાછળ ગઈ અને બાબા પાસે જઇ બોલી “ બાબા.. હું... ફોરમ મને ન ઓળખી...? ફોરમે બાબાનો હાથ પકડી તેમને તેમની પથારી પર બેસાડયા અને તેમના માટે લાવેલું નાસ્તાનું પાર્સલ તેમની સમક્ષ મૂક્યું. બાબા ફોરમને ઓળખી ગયા. તેમની આંખોમાંથી ધડ ધડ આંસુ વહેવા લાગ્યા. તે ફોરમને કઈક કહેવા ગયા પરંતુ તેમના શબ્દો તેમના હીબકામાં થીજી ગયા. ફોરમ ઘણી વાર સુધી તેમની પીઠ પસરાવતી રહી. તેણે બાબા સામે પાણીની બોટલ ધરી જે તેમણે હાથના ઈશરાથી લેવાની ના પડી દીધી. તે રડતાં રડતાં બોલ્યા “ ફોરમ તારી કોઈ વસ્તુ હું સ્વીકારીશ નહીં. હું તારાથી ખૂબ નારાજ છું. તું કોઈને કઈ જણાવ્યા વગર ક્યાં ચાલી ગઈ હતી ? આવું કરી તેં કુમાર સાથે દગો કર્યો છે માટે હું તને કદી માફ નહીં કરું. તને ખબર નહિ હોય તારા ગયા પછી કુમારની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. તે એક જીવતી લાશ બની ગયો હતો. તને શું વાત કરું બેટા મારાથી તેની હાલત જોઈ શકાતી ન હતી !. “

ફોરમ બોલી “ બાબા મને કુમાર વિષે વાત કરો. હું તેના વિષે જાણવા તમારી પાસે આવી છું. હું ગઈ કાલે જ આવી છું અને એક હોટલમાં ઉતરી છું. હું કુમારના ઘરે ગઈ હતી પરંતુ તેના ઘરે તાળું છે. બાબા મેં કુમાર સાથે કોઈ દગો કર્યો નથી. હું સંજોગોનો શિકાર બની હતી. મેં પણ આ સાત વર્ષમાં ખૂબ યાતનાઓ વેઠી છે. બાબા.... પ્લીઝ કુમારની ભાળ આપો. “ કહી ફોરમ રડવા લાગી.

બાબા બોલ્યા “ ફોરમ તું મને પહેલાં તારી વાત જણાવ પછી જ હું કુમાર વિષે જણાવીશ “ ફોરમ બોલતી રહી અને બાબા સાંભળતા રહ્યા. બાબા ફોરમની દુખદ દાસ્તાન સાંભળી રડી પડ્યા. ફોરમ પોતાની આંખોના ભીના ખૂણા લૂછી બોલી “ પ્લીઝ... બાબા મને કુમાર વિષે જણાવો. તે ક્યાં છે ?”

બાબાએ કહ્યું “ કુમારને એક સાધુ મહાત્માએ તેમના જ્ઞાન વડે તું જીવતી હોવાનું જણાવ્યુ હતું. તે મહાત્મા સાથે તારી ભાળ કાઢવા ગયો હતો. તેમણે બે વર્ષ સુધી તને શોધવાની કોશિશ કરી પરંતુ તારા કોઈ વાવડ મળ્યા ન હતા. તે દરમ્યાન મહાત્મા બીમાર પડ્યા અને તે માંદગીમાં તેમનું અવસાન થઈ ગયું જેના કારણે તેમના આશ્રમની જવાબદારી કુમારના શિરે આવી ગઈ. મહાત્માએ તેમના અવસાન પહેલાં કુમારને કહ્યું હતું “ બેટા કુમાર, તું મારી વાત પર વિશ્વાસ રાખજે. ફોરમ જીવતી છે તું તેણે શોધવાનું ચાલુ રાખજે. તને જરૂર એક ને કે દિવસે તેનો ભેટો થશે.” કુમારને મહાત્મા પર સંપૂર્ણ શ્રધ્ધા ને વિશ્વાસ હતો. આશ્રમની જવાબદારીના વહનમાં તેના માતા પિતાને અન્યાય ન થાય અને તે તેમની સેવા ચાકરી કરી પૂણ્ય મેળવી શકે તે હેતુ સર એકાદ વર્ષ પહેલાં તે ઘરે આવ્યો હતો અને તેના માતા પિતાને તેની સાથે લઈ ગયો છે. તેણે સન્યાસ લઈ પોતાનું શેષ જીવન આશ્રમને સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો છે. જતાં પહેલાં તે મને મળવા આવ્યો હતો અને મને પણ તેની સાથે આવવાનો આગ્રહ કર્યો હતો પરંતુ મારુ મન ન માન્યુ એટલે હું તેની સાથે ગયો ન હતો. જતી વખતે તેણે મને કહ્યું હતું કે તેને તું જીવતી હોવાનો વિશ્વાસ છે અને તે તારી શોધખોળ ચાલુ રાખશે. તેણે મને કહ્યું હતું કે તું ભવિષ્યમાં જરૂર મને મળવા આવીશ તેથી તે મને તેના આશ્રમનું સરનામું આપી ગયો છે અને તને આશ્રમમાં મળવા જવાનું કહ્યું છે. ” તેમ કહી બાબાએ પોતાની ઝોળીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં સાચવીને રાખેલ એક પત્ર આપ્યો.
ફોરમે આશ્રમનું સરનામું વાંચ્યું. નેપાળની સરહદને અડીને આવેલ બિહારના એક સ્થળે તે આશ્રમ આવેલો હતો. ફોરમ કુમારના તેના પ્રત્યેના પ્રેમ અને પોતાના જીવિત હોવાની આસ્થા જાણી અભિભૂત થઈ ગઈ. કુમાર માટે તેના મનમાં ખૂબ અહોભાવ થયો. તે મનોમન કુમારને વંદી રહી.

ફોરમે બાબાને પ્રેમથી જમાડયા. કોકરાઝાર ખાતે પોતાના ભારતીય હોવાના પુરાવા રૂપે કાનૂની દસ્તાવેજો જમા કરાવી કુમારના આશ્રમમાં જઇ કુમાર સાથે ખભે ખભા મિલાવી શેષ જીવન માનવ સેવામાં પૂરું કરવાના નિર્ધાર સાથે બાબાના આશીર્વાદ લઈ ફોરમ ચાલી નીકળી. ફોરમ દેખાતી રહી ત્યાં સુધી આંખમાં આંસુ સાથે બાબા તેને નિહાળતા રહ્યા.

- આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી )
- તાં. 15-12-2019