ધ ફાઈનલ સોલ્યુશન : પ્રકરણ - ૧ Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ફાઈનલ સોલ્યુશન : પ્રકરણ - ૧

એક ભૂલાયેલું પ્રકરણ * પ્રતીક ગોસ્વામી
-----------------------------------

...અને બે હજાર વરસ જૂની ઘટનાએ નાઝી યહૂદી નરસંહારનો પાયો નાખ્યો

--------------------------------------------------------------

“...મારી ધાર્મિક વૃત્તિને જોઈને મારા પિતા મને ઘણીવાર સમજાવતા. પણ હું મારા માટે ગુરુ શોધવાની બાબતે મક્કમ હતો. અંતે મેં પેલા મોઇઝને મારો ધાર્મિક ગુરુ ગણી લીધો.

એક સાંજે મોઇઝે મને પ્રાર્થના કરતી વખતે રડતા જોઈને પૂછ્યું, ‘તું પ્રાર્થના કરતી વખતે રડે કેમ છે?’

‘મને ખબર નથી.’ મારો જવાબ હતો. મને સાચે જ ખબર નહોતી કે હું કેમ રડું છું. હું માત્ર એટલું જ જાણતો કે મારી અંદર એવું કશુંક હતું જે મને પ્રાર્થના કરતી વખતે રડવાનું કહેતું.

‘તું પ્રાર્થના કેમ કરે છે?’ એ તેનો બીજો સવાલ હતો. કેવો વિચિત્ર પ્રશ્ન હતો એ! મારા માટે જેમ શ્વાસ લેવો અને જીવવું હતું, એમ જ પ્રાર્થના પણ હતી...”

- ઈલાઈ વિસેલ, ઉંમર : 13 વર્ષ

“...આશરે દસેક હજાર કેદીઓ પ્રાર્થના માટે ભેગા થયા હતા. લોકોને આગની ભઠ્ઠીમાં ફેંકવાનું કામ કરવાવાળા જલ્લાદો અને તેમના અફસરો પણ તેમાં સામેલ હતા.

‘હે ઈશ્વર! તારું નામ હંમેશા કાયમ રહે.’ બધાને સંબોધી રહેલા કેદીનો અવાજ વાતાવરણમાં ગૂંજયો.

‘હે ઈશ્વર! અમે સૌ તારી કૃપાની યાચના કરીને તને યાદ કરીએ છીએ.’

હજારો લોકો નીચા નમીને પ્રાર્થના કરવા લાગ્યા.

ઈશ્વરને યાદ કરીએ? શા માટે હું તેને યાદ કરું? મારા અસ્તિત્વનો દરેક અણુ તેની સામે બંડખોર બન્યો. હું તેને યાદ કરું કેમકે તેણે હજારો નિર્દોષ બાળકોને આગના હવાલે થવા દીધાં? હું તેને યાદ કરું કેમકે તેના જ લીધે કેમ્પમાં 6 આગની ભઠ્ઠીઓ દિવસ-રાત નિર્દોષ લોકોને જીવતા ભૂંજવાનું કામ કરી રહી છે? તેણે જ બર્કેનાઉ, ઓશ્વિત્ઝ, બુના અને એવા જ બીજા કૅમ્પોને બનવા દીધા. આ યાતના ભોગવવા માટે તેણે કરેલી અમારી પસંદગી માટે હું તેને યાદ કરું? હું શા માટે તેને યાદ કરું?!...”

- ઈલાઈ વિસેલ, ઉંમર : 16 વર્ષ

(‘કાળરાત્રી’માંથી લીધેલ અંશો. અનુવાદક: નરેન્દ્રસિંહ રાણા)

આશરે બે લાખ વર્ષ પહેલાં આફ્રિકામાં ‘હોમો ઇરેક્ટસ’માંથી આધુનિક માનવનો ઉદ્ભવ થયો. હજારો વર્ષ સુધી રખડાઉ જીવન વિતાવ્યા પછી ગુફાવાસી માનવ શિકારી પ્રવૃત્તિઓ છોડી ખેતી તરફ વળ્યો. ખેતીના પ્રતાપે તેણે સ્થાયી વસાહતો સ્થાપી, જે આગળ જતાં મહાન સામ્રાજ્યોમાં પરિણમી. પશુમાંથી ‘સામાજિક પ્રાણી’ બનેલો માનવ ઉત્ક્રાંતિની સીડીઓ ચડતો રહ્યો અને નવી નવી શોધોને પરિણામે વિકસિત બનતો રહ્યો. વીસમી સદીમાં તો વિકાસ ‘ગાંડો’ બન્યો! વિમાન, રોકેટ, કોમ્પ્યુટર, ફોન, ઈન્ટરનેટ જેવી અનેક ક્રાંતિકારી શોધો પાછલી સદીમાં થઈ. પણ, પૃથ્વીનો સૌથી બુદ્ધિશાળી જીવ બન્યા છતાં; વિજ્ઞાન અને ટેક્નોલોજિ ક્ષેત્રે હરણફાળ ભર્યા છતાં; બ્રહ્માંડના અનેક રહસ્યોનો તાગ મેળવ્યા છતાં-અને પોતાની આવડતના બળે સમૃદ્ધિનાં શિખરો સર કર્યા છતાં પણ, ઘણીવાર માનવજાતે-આપણે હાથે કરીને એ સાબિત કરી આપ્યું છે કે ગમે તેટલા સભ્ય બની જઈએ, છેવટે તો આપણે પશુ જ છીએ. વરુ કે દીપડા જેવા નહિ, પણ એમનાથીય વધુ ખતરનાક! વાત થોડી અજુગતી લાગશે, છતાં તવારીખ એની સાબિતી છે, જેમાં આપણા હાથે એવાં એવાં લોહિયાળ પ્રકરણો લખાયાં છે, જે આપણા સભ્ય હોવા પર કાળા પ્રશ્નાર્થ ચિન્હ સમાન છે! આવું જ એક લોહિયાળ પ્રકરણ છે નાઝી જર્મનો દ્વારા થયેલો યહૂદી નરસંહાર. વિશ્વ ઇતિહાસની એવી કંપારીજનક ઘટના, જેણે કરોડો લોકોની જિંદગી હંમેશ માટે બદલી નાખી...!

સૌ પ્રથમ તો એક વાત બરાબર સમજી લો. વિશ્વ ફલક પર ઘટતી દરેક ઘટના એ માત્ર ઘટના નથી હોતી, અપિતુ ભૂતકાળમાં ઘટી ચૂકેલી અનેક ઘટનાઓનું સારું કે નરસું પરિણામ પણ હોય છે. હિટલરે ચલાવેલા યહૂદી નરસંહારનાં મૂળિયાં આશરે બે હજાર વર્ષ પૂર્વે ઈસુ ખ્રિસ્ત પર ગુજારવામાં આવેલા અત્યાચાર સુધી લંબાય છે. ત્યારથી જે ઘટનાક્રમ શરૂ થયો તેણે યહૂદી નરસંહાર માટે પૂર્વભૂમિકા તૈયાર કરી. માટે અહીં તેના વિશે વિગતવાર ચર્ચા કરવી અસંગત નહિ ગણાય.

જાણીતી વાત છે કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત હતા. ઓછી જાણીતી વાત એ છે કે ઈસુ ખ્રિસ્ત જન્મે યહૂદી હતા. પણ સાવ જ અજાણી વાત એ છે કે યહૂદ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના સ્થાપકોના પૂર્વજ એક જ-પિતામહ અબ્રાહમ હતા. (એટલે જ આ ત્રણ ધર્મોને અબ્રાહમિક ધર્મો કહેવાય છે. ત્રણેય એકેશ્વરવાદમાં શ્રદ્ધા ધરાવે છે.) અબ્રાહમ એટલે અનેક રાષ્ટ્રોના પિતા.

ઇસવીસન પૂર્વે ૧૯૫૦ની આસપાસ જન્મેલા પિતામહ અબ્રાહમની અનેક સંતાનો પૈકી બે પુત્રોનાં નામ હતાં આઇઝેક અને એશ્માયલ. આઇઝેકના પુત્રનું નામ જેકબ હતું જેમને ઈઝરાયેલ તરીકે પણ ઓળખવામાં આવતા (વર્તમાન ઈઝરાયેલ દેશનું નામકરણ તેમના નામ પરથી જ કરવામાં આવ્યું છે.) જેકબને વળી બાર પુત્રો હતા, જેમાંથી ચોથા નંબરના પુત્ર જુડાહ કે યેહુદાના વંશજ હતા ઈસુ ખ્રિસ્ત. ખ્રિસ્ત એટલે મસીહા. પોતાને ઈશ્વરના પુત્ર ગણાવતા ઈસુએ લોકોમાં પ્રેમ અને ક્ષમાનો પ્રચાર કર્યો, માનવતા અને સત્ય પર તેમને શિક્ષા આપવી શરૂ કરી. (આ બાબતે આપણે ભારતીયો વધુ નસીબદાર છીએ, કારણ કે ઈસુના જન્મથી સદીઓ પૂર્વે ભારતમાં ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી સત્ય, પ્રેમ, અહિંસા અને સાત્વિક જીવન જીવવાનો સંદેશ આપી ચૂક્યા હતા!) ધીમે ધીમે લોકોમાં ઈસુની લોકપ્રિયતા વધતી ચાલી અને તેમની ગણના દૈવી અવતાર તરીકે થવા લાગી.

આશરે ૨૩ થી ૭૧ રબ્બીઓની (રબ્બી = યહૂદી ધર્મગુરુ) બનેલી અને સેન્હેડ્રિન તરીકે ઓળખાતી સમિતિને ઈસુ સાથે વાંકું એ વાતે પડ્યું કે તેમના વિચારો અને શિક્ષાઓને પરિણામે સેન્હેડ્રિનના આધિપત્ય પર ખતરો ઊભો થયો હતો. જો આમ જ ચાલતું રહે તો તો બહુ જ જલ્દી ધર્મગુરુઓના ‘ધંધા-પાણી’ બંધ થઈ જાય. તેથી ઈસુ ખ્રિસ્તને માર્ગ પરથી હટાવવા તેમણે સરળ રસ્તો અપનાવ્યો.

એ વખતે યુરોપ સહિત મધ્ય એશિયાના ઘણા ભાગો સુધી રોમન સામ્રાજ્ય વિસ્તરેલું હતું. પોન્ટીયસ પિલાટ નામનો ગવર્નર જેરુસાલેમમાં રહીને રોમન સમ્રાટ ટિબેરીયસ વતી જુડાહ પ્રાંત પર શાસન ચલાવતો હતો. યહૂદીઓને આ ધૂંસરી પસંદ ન હતી. તેઓ રોમનોને હૃદયપૂર્વક નફરત કરતા. પિલાટ આ વાત જાણતો હતો. એટલે જ તે હંમેશા ધ્યાન રાખતો કે સમ્રાટ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર વિદ્રોહીને બરાબર સજા મળે.

આ બાબતથી સારી રીતે વાકેફ એવા યહૂદી ધર્મગુરુઓએ અફવા ફેલાવવી શરૂ કરી કે ‘નઝારેથનો ઈસુ’ પોતાને મસીહા તરીકે ઓળખાવે છે અને પોતે યહૂદીઓનો રાજા હોવાનો દાવો કરે છે. તેની આગેવાની તળે જ સમ્રાટ વિરુદ્ધ યુદ્ધની છૂપી તૈયારીઓ પણ થઈ રહી છે.

આ તો ભયંકર ગુનો હતો. રોમન સમ્રાટના રાજમાં પોતાને રાજા ઘોષિત કરવો એ રાજદ્રોહ લેખાતો, જેની સજા મૃત્યુદંડ હતી. સરળ મૃત્યુ નહિ, પણ ક્રોસ પર હાથ-પગ બાંધી, ખીલા ઠોકીને અત્યંત રિબાવીને આપવામાં આવતું દર્દનાક મૃત્યુ. અફવાઓ જેવી રોમન અધિકારીઓના કાને પહોંચી (કહો કે પહોંચાડવામાં આવી) કે તરત તેમણે ઈસુની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. ઈસુના ૧૨ શિષ્યોમાંના એક-અને સંબંધે તેમના પિતરાઈ એવા જુડાસ ઈસ્કારિઓતે પોતાના ગુરુને પકડાવવા માટે ચાંદીના ૩૦ સિક્કાની માંગણી કરી, જે સહર્ષ સ્વીકારાઈ. તેણે આપેલી બાતમીને આધારે ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા અને સેન્હેડ્રિન તેમનો ન્યાય કરી સજા સંભળાવવા બેઠી.

અલબત્ત, ગુનો જ ન થયો હોય તો એની સજા કેમ મળે? છતાં અહીં મળી. ચુકાદો તો પૂર્વ નિર્ધારીત જ હતો: મૃત્યુદંડ! બીજા દિવસે જ્યારે પિલાટ સામે ઈસુ ખ્રિસ્તને રજૂ કરવામાં આવ્યા ત્યારે પણ સેન્હેડ્રિનના સભ્યોએ એ જ રટણ પકડી રાખ્યું. અંદરખાને પિલાટ જાણતો હતો કે ઈસુ ખ્રિસ્ત નિર્દોષ હતા. માટે તેણે સેન્હેડ્રિનને ઈસુ અને જુડાહ પ્રાંતના સૌથી ક્રૂર અપરાધી વચ્ચે પસંદગી કરવાનું કહ્યું. જેની પસંદગી થશે તેને મુક્ત કરવામાં આવશે એવું પણ તેણે વચન આપ્યું. રોમનો આવાં વચનો ભાગ્યે જ આપતાં. સેન્હેડ્રિનના સભ્યોએ સર્વાનુમતે પેલા અપરાધીની પસંદગી કરી! કમને પિલાટે ઈસુને મૃત્યુદંડની સજા કરી. રોમન સૈનિકોએ ઈસુ ખ્રિસ્ત પર સખત જુલમ ગુજાર્યો અને અંતે તેમને ક્રોસ પર લટકાવવામાં આવ્યા... આગળની ઘટનાઓ જાણીતી છે.

હવે સવાલ એ થાય કે પોતાની પાસે સત્તા હોવા છતાં પિલાટે સમિતિને પસંદગી કરવાનું શા માટે કહ્યું? તે ધારત તો ઈસુ ખ્રિસ્તને નિર્દોષ જાહેર કરી શકત. ઉપરાંત તે જાણતો હતો કે ઈસુ પર લગાવેલા આરોપો હળાહળ ખોટા છે. નિર્દોષ હોવા છતાં ઈસુને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. તો પછી તેમના મૃત્યુ માટે પિલાટ-અને સરવાળે રોમન સામ્રાજ્ય જવાબદાર ગણાય કે નહિ?

ઈસુને પકડાવવા જુડાસે લાંચ સ્વરૂપે ત્રીસ સિક્કા લીધા હતા એ સાચું, પણ પાછળથી પોતાના હીન કૃત્ય માટે તેને પસ્તાવો થયો હતો અને તેણે બધા સિક્કા સેન્હેડ્રિનને પરત કરી દીધા હતા. ઈસુના મૃત્યુના થોડા જ સમય પછી ગળે ફાંસો ખાઈને તેણે આત્મહત્યા કરી લીધી. પશ્ચાતાપ!

પાપ પર પસ્તાવો થાય ત્યારે એ પાપમાંથી મુક્તિ મળશે એવું બાઈબલમાં લખ્યું છે :

“માટે પોતાની જાતને જુઓ. જો તમારાં ભાઈ-બહેન ખોટું કરે તો તેમને ઠપકો આપો; અને જો તેઓ પોતાનાં કૃત્ય પર પસ્તાવો વ્યક્ત કરે તો તેમને માફ કરો.” (Gospel of Luke 17:3)

જુડાસને પોતાના કર્યા પર પસ્તાવો હતો, તેથી તે બાઈબલ અનુસાર માફીનો હકદાર હતો. છતાં તેને સતત દગાબાજ-અને યહૂદીઓને ઈસુના હત્યારા ગણવામાં આવ્યા. હત્યારી, આખી કોમ? તો પછી જેકબના વંશજો યહૂદી હતા, એનું શું? ઈસુના ઘણા અનુયાયીઓ યહૂદી હતાં, એનું શું? ખ્રિસ્તી ધર્મનો પાયો જ એક યહૂદીએ-ઈસુ ખ્રિસ્તે નાખ્યો હતો, એનું શું? આટલાં બધાં સત્યો - કડવાં સત્યોથી વાકેફ હોવાં છતાં યહૂદી કોમ વિરુદ્ધ ઝેર ભરવાનો હક ચર્ચને કોણે આપ્યો? કોઈએ નહિ.

અલબત્ત, કેથોલિક ચર્ચના ધર્મગુરુઓને આવા કોઈ હકની જરૂર પણ ન હતી. ચોથી સદીમાં રોમન સમ્રાટોએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લેતાં હવે ચર્ચ પાસે પૂરતી સત્તા હતી. ‘બાય હૂક ઓર બાય ક્રૂક’ તેમણે બિન ખ્રિસ્તીઓને વટલાવવાનું શરૂ કર્યું. પણ ઘણાં યહૂદીઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાને બદલે પોતાની આસ્થા જાળવી રાખી. ચર્ચની દ્રષ્ટિએ એ સૌથી ગંભીર અપરાધ હતો. અપરાધની સજા તો યહૂદીઓને મળવી રહી, માટે ચર્ચે યહૂદીઓને ‘ઈર્ષાળુ, અણઆવડતવાળા અને મુશ્કેલી સર્જનાર’ કહીને નફરતનાં બીજ વાવવાની શરૂઆત કરી. અપમાનો અને આલોચના રોજિંદી બની. જે પ્રકારે આ બધું કરવામાં આવી રહ્યું હતું એ જોતાં એટલું તો નક્કી જ હતું કે ક્યારેક ને ક્યારેક તેનાં પરિણામો ગંભીર આવશે. ક્યારે-અને ક્યાં આવે એ જ જોવાનું રહેતું હતું.

આખરે યહૂદી નરસંહાર માટે કુદરતનું ‘હોકાયંત્ર’ જર્મની તરફ વળ્યું!

ઈસુના ક્રુસિફિક્શન પછી સદીઓ વીતી. એ દરમિયાન ચર્ચના પ્રભુત્વમાં ખાસ્સો વધારો થયો હતો જેને જાળવી રાખી ઓર વધારવાનું કામ પાદરીઓએ સ્વીકારી લીધું. ધાર્મિક વક્તવ્યો અને પ્રાર્થનાઓ વડે લોકોના મનમાં ઠસાવવામાં આવ્યું કે મોક્ષ મેળવવાનો એકમાત્ર રસ્તો ચર્ચમાં થઈને જતો હતો. મધ્યકાળ આવતાં આવતાં તો શાંતિ અને ક્ષમાના પાયા પર રચાયેલા ધર્મનું નગ્ન બજારીકરણ શરૂ થઈ ચૂક્યું હતું. ઈસુ ખ્રિસ્ત ગરીબીને ઘરેણું સમજતા, પણ તેમના વારસદાર ગણાતા પોપ અને ચર્ચના અનુયાયીઓને એ વિચારમાં ખાસ શ્રદ્ધા ન હતી. ચર્ચના ધર્મગુરુઓ અને પાદરીઓ લાલચના રવાડે ચડી ગયા. ભ્રષ્ટાચાર અને લાગવગની સાથે સાથે અનેક દૂષણોએ તેમનો ભરડો લીધો. રાજ્યોની અંગત બાબતોમાં પોપની વધેલી દખલગીરીને પરિણામે યુરોપના શાસક વર્ગમાં અસંતોષ વધતો જતો હતો. એવામાં ઇ.સ. ૧૫૧૭માં જ્યારે પૉપ લિઓ દસમાએ એક વિચિત્ર જાહેરાત કરી ત્યારે આ અસંતોષની આગને હવા મળી.

હકીકતે વાત એમ હતી કે પોપને રોમમાં સેન્ટ પીટર્સ નામનું ભવ્ય દેવળ ચણાવવાનો અભરખો હતો. પણ એ માટે ચર્ચ પાસે પૂરતું ભંડોળ ન હતું. ભંડોળ એકત્રિત કરવા તેમણે જાહેરાત કરી કે, નિશ્ચિત થયેલી રકમ ચર્ચને આપીને બદલામાં કોઈ પણ ખ્રિસ્તી પોતાના ગુનાની માફી મેળવી શકશે. મતલબ કે તમે ગમે તેવો ગંભીર અપરાધ કર્યો હોય, ટેક ઈટ ઇઝી! ચર્ચમાં જાઓ, પાદરીને અગાઉથી બાંધેલી રકમ આપો અને ગુનામાંથી મુક્તિ મેળવો. આપેલા ધનના બદલામાં ઈશ્વરે નિયુક્ત કરેલો ‘પ્રતિનિધિ’ તમને માફી બક્ષશે! ધર્મનું કેટલી હદે વેપારી-કમ-વિકૃતીકરણ!

આ પ્રથા સાવ નવી ન હતી. અગાઉ ક્રુસેડ વખતે પણ તે અમલી હતી, પણ આ વખતે પરિસ્થિતિઓ અલગ હતી. વિટેનબર્ગ યુનિવર્સીટીમાં ધર્મશાસ્ત્ર ભણાવતા માર્ટીન લ્યુથર નામના પાદરીએ આ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો એટલું જ નહિ, પણ પોપના આધિપત્યને પણ પડકાર્યું. કેથોલિક ચર્ચે લ્યુથરનો બહિષ્કાર કર્યો. વાત વધી પડી. માર્ટીન લ્યુથર જર્મન હતા (‘જર્મન’ શબ્દ પર માર્ક કરજો.) જર્મનો આમ પણ સારા કેથોલિક ન ગણાતા. યુરોપ પર શાસન કરતા અને પોપની વારંવારની દખલગીરીથી કંટાળી ગયેલા અનેક રાજવંશોને પણ ચર્ચના પ્રભાવમાંથી મુક્તિ જોઈતી હતી. તેમણે લ્યુથરને ટેકો આપ્યો. સામાન્ય લોકો પણ લ્યુથરની પડખે થયા. અલબત્ત, આ બધામાં દરેકનો અંગત સ્વાર્થ હતો. ચર્ચના અનુયાયીઓ અને વિરોધીઓ વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું અને અંતે ખ્રિસ્તી ધર્મના રોમન કેથોલિક અને પ્રોટેસ્ટંટ, એમ બે ભાગ પડ્યા.

પ્રોટેસ્ટન્ટ ચળવળના પિતા ગણાતા માર્ટિન લ્યુથરનો જર્મની અને પાડોશી દેશોમાં બહોળો અનુયાયી વર્ગ હતો. શરૂઆતમાં તો લ્યુથરે યહૂદીઓની તરફદારી કરી. ઈસુ પોતે યહૂદી હતા એ વાતનો સંદર્ભ આપીને તેમણે લોકોને અપીલ કરી કે યહૂદીઓ સાથે સારું વર્તન કરવામાં આવે. હેતુ એટલો જ કે તેમની આ ‘સદ્દભાવના’થી અંજાઈને યહૂદી લોકો નવોસવો સ્થપાયેલો પ્રોસ્ટેટન્ટ પંથ સ્વીકારે. આમ છતાં યહૂદીઓ, યહૂદી જ રહ્યા.

લ્યુથરનો પિત્તો ગયો. સદીઓથી અપમાનિત થતી કોમ પ્રત્યે તેમણે સાલસતા દાખવી છતાં તેણે પ્રોટેસ્ટન્ટ પંથ કેમ ન અપનાવ્યો? નક્કી એ કોમમાં જ ખામી હોવી જોઈએ, કૃતઘ્ન કોમ!

પ્રોટેસ્ટન્ટ પંથ અપનાવવા બાબતે યહૂદીઓની ઉદાસીનતાથી ક્રોધે ભરાયેલા લ્યુથરે ‘ગંદા’ યહૂદીઓ સાથે કેવું વર્તન કરવું એના પર ૧૫૪૩માં પોતાની ‘પ્રામાણિક’ સલાહ આપી:

‘સૌ પ્રથમ, તેમનાં સિનેગોગને (સિનેગોગ = યહૂદી દેવળ) આગ લગાડી દેવી જોઈએ. જે ભાગ આગમાં નાશ ન પામે તેને કિચડથી નવડાવી દેવો જોઈએ જેથી કોઈ પણ યહૂદી એ સિનેગોગનો પથ્થર સુદ્ધાં ન જોઈ શકે. યહૂદીઓના ઘરોની પણ એવી જ દશા થવી જોઈએ. તેમનાં ઘરમાંથી હાંકીને તેમને તબેલામાં-જેમ ઢોર રહે તેમ-પૂરવા જોઈએ જેથી તેમને ખાતરી થાય કે તેઓ આપણી જમીનના માલિક નથી. આજીવિકા રળવામાં તેમના નાકે દમ આવી જાય એટલી હદે તેમની હાલત કફોડી કરી દેવામાં આવે. આવા ઝેરી કીડાઓને તો તેમની બધી માલ-મિલકતમાંથી બેદખલ કરીને દેશમાંથી હંમેશ માટે તડીપાર કરી દેવા જોઈએ.’

યુરોપીય સમાજની પુન:રચનામાં મહત્વનો ભાગ ભજવનાર માર્ટિન લ્યુથરનો ધર્મ સુધારક, સમાજ સુધારક તરીકે વારંવાર ઉલ્લેખ થાય છે, પણ તેમની આ કાળી બાજુ પર જાણી જોઈને પ્રકાશ પાડવામાં નથી આવ્યો. આવા મતલબી વલણથી બે કોડીના નેતાઓની જેમ લ્યુથર જેવા ધર્મગુરુઓને પણ ખાસ ફરક પડતો ન હતો. પણ તેમનાં આવાં ભાષણો અને લેખોએ લોકલાગણીને ભયાનક હદે યહૂદીદ્વેષી બનાવી દીધી. અગાઉ કહ્યું તેમ, જર્મની અને ઓસ્ટ્રીયા જેવા દેશોમાં લ્યુથરના અનુયાયીઓ વિશાળ સંખ્યામાં હતાં. જજ સાહબ, જર્મની શબ્દ કો ફિર સે નોટ કિયા જાય!

આમ જોવા જઈએ તો વાંક યહૂદીઓનો પણ હતો. સદીઓથી અપમાનિત થતી આવેલી-અને પરિણામે ખ્રિસ્તીઓ સાથે ઓછો મનમેળ ધરાવતી કોમે આખરે મતલબી બનવાનું પસંદ કર્યું. તેમનો આ ‘મતલબ’ અન્ય લોકો માટે ખર્ચાળ-અને સરવાળે ઘાતક હતો. વેપાર-ધંધામાં તેઓ પ્રતિસ્પર્ધી ખ્રિસ્તી વેપારીઓને નાકે દમ લાવી દેવા માંડ્યા. નફાખોરી અને વ્યાજખોરીમાં તો તેમની તોલે આવવું અશક્ય હતું. ઊંચા દરે વ્યાજ વસૂલી, કંગાળ બનેલા કરજદારની સંપત્તિ પચાવી પાડવામાં યહૂદી શાહુકારો માહેર હતા. આવાં કારણોને લીધે યહૂદી અને બિનયહૂદી કોમો વચ્ચે અણગમો ક્રમશઃ વધતો ચાલ્યો.

જ્યારે જર્મનીમાં થયેલા સત્તા પલટાએ લોહિયાળ ઘટમાળને આખરી અંજામ આપ્યો...

સપ્ટેમ્બર, ૧૯૧૯

બર્લિન, જર્મની.

બર્લિનમાં બ્રિટિશ મિશનના કમાન્ડર મેજર જનરલ નિલ માલ્કમ જર્મન સેનાના ચીફ ઓફ સ્ટાફ જનરલ એરિક લ્યુડેન્ડ્રોફ સાથે ડિનર કરી રહ્યા હતા. ૧૯૧૪ માં શરૂ થયેલું પ્રથમ વિશ્વયુદ્ધ જર્મનીની હાર સાથે સમાપ્ત થઈ ચૂક્યું હતું. યુદ્ધમાં કરોડોની જાનહાનિ વેઠીને સાવ પાયમાલીની હદે પહોંચવાની સાથે સાથે પોતાનું આત્મસમ્માન પણ ગુમાવનાર જર્મની માટે કપરો સમય ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલાં સુધી એકબીજાનાં કટ્ટર દુશ્મન રહેલાં બે રાષ્ટ્રોના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અત્યારે સાથે બેસીને ભોજન લઈ રહ્યા હતા! જર્મનીએ મિત્ર દેશોની શરણાગતિ સ્વીકારી લીધા પછી અને વર્સેલ્સની અપમાનજનક સંધિ પર હસ્તાક્ષર કરી લીધા પછી હવે તેઓ દુશ્મન ન હતા. જમતી વખતે મેજર જનરલ માલ્કમે લ્યુડેન્ડ્રોફને જર્મનીની હારનું કારણ પૂછ્યું. લ્યુડેન્ડ્રોફે કેટલાંક સંભવિત કારણો આપ્યાં જેમાંથી એક પર માલ્કમને આશ્ચર્ય થયું. તેમણે ફરી પૂછ્યું, ‘શું તમે એમ કહેવા માગો છો કે જર્મન સેનાની હાર માટે નાગરિકો જવાબદાર છે? પીઠ પાછળ છરો ભોંકાયો હોવાનું તમે અનુભવો છો?’

‘પીઠ પાછળ છરો? હા, બરાબર એમ જ! આ જ કારણે જર્મનીએ હાર ખમવી પડી છે.’ જનરલ લ્યુડેન્ડ્રોફનો હતાશા અને ગુસ્સા મિશ્રિત જવાબ હતો. પીઠ પાછળ છરો ભોંકનાર લોકોમાં તેમના મતે સામ્યવાદીઓ, યહૂદીઓ અને વાઈમાર ગણતંત્રના તરફદારોનો સમાવેશ થતો હતો. જર્મન પ્રજા પણ આવું જ મહેસૂસ કરી રહી હતી. યુદ્ધમાં હાર માટે સામ્યવાદીઓ અને યહૂદીઓને જવાબદાર ગણાવનાર જમણેરી સંગઠનોનો પ્રભાવ જર્મનીમાં વધવા માંડ્યો હતો. યહૂદીઓ અને સામ્યવાદીઓ સાથે તેમની અથડામણો રોજિંદી બની.

આવા જ એક જમણેરી પક્ષનું નામ હતું ‘નેશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી - નાઝી પાર્ટી.’ જર્મન ભાષામાં નેશનલનો ઉચ્ચાર ‘નાઝીઓ’ એવો થાય છે એટલે એના પરથી નાઝી શબ્દ ચલણી બન્યો.

નાઝી પાર્ટીના મુખ્યમથક મ્યુનિકમાં ફેબ્રુઆરી ૨૪, ૧૯૨૦ના દિવસે ૨૫ મુદ્દાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો, જેનો હેતુ મહાન જર્મનીનું નિર્માણ કરવાનો હતો. આ સિવાય મિત્રદેશોએ આંચકી લીધેલાં જર્મન સંસ્થાનો પાછા મેળવવાં; બેરોજગારી નાબૂદ કરવી; યહૂદીઓને, યુદ્ધ પછી તેમણે વ્યાજખોરી દ્વારા ચલાવેલી ધોળી લૂંટ બદલ સજા કરવા જેવી કલમોનો પણ સમાવેશ થતો હતો. નાઝી પાર્ટીના ૨૫ મુદ્દાના કાર્યક્રમમાં યહૂદી વિરોધી મુદ્દાઓનો ડ્રાફ્ટ ઘડનારા ત્રણ જણમાંથી એકનું નામ હતું: એડોલ્ફ હિટલર.

વિશ્વના સૌથી ક્રૂર તાનાશાહોનાં લિસ્ટમાં મોખરે આવતા (અને ખડૂસ શબ્દનો પર્યાય બની ચૂકેલા) એડોલ્ફ હિટલરનો જન્મ ૨૦ એપ્રિલ, ૧૮૮૯ના ઓસ્ટ્રીયામાં થયો હતો. બાળપણમાં જ પિતાને ગુમાવી દેનાર હિટલર યુવાન થયો ત્યાં સુધી માતા ક્લારા પણ મૃત્યુ પામી. રોજગાર મેળવવા તે મ્યુનિક આવ્યો. અહીં પોતે દોરેલાં ચિત્રો વેચીને તેનો ગુજારો થઈ જતો. મ્યુનિક જર્મનીનું ઐતિહાસિક શહેર હતું, એટલે સ્વાભાવિક રીતે અહીં જર્મન સંસ્કૃતિનું ભવ્ય પ્રતિબિંબ જોવા મળતું. ભાગ્યે જ કોઈના પ્રભાવમાં આવનાર હિટલર આ બધાથી પ્રભાવિત થયો; એટલી હદે કે ‘આર્ય’ જર્મનો સમગ્ર પૃથ્વી પર રાજ કરવા જન્મ્યા છે એવું તે દ્રઢપણે માનવા લાગ્યો.

એટલામાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. હિટલરે જર્મની વતી લડવાનું નક્કી કર્યું અને જર્મન સેનામાં ભરતી થઈ ગયો. યુદ્ધમાં અપ્રતિમ બહાદુરી માટે તેણે ‘આયર્ન ક્રોસ’ (આપણા ‘પરમવીર ચક્ર’ને સમકક્ષ) મેળવ્યો. ઓક્ટોબર, ૧૯૧૮માં હિટલર ઘાયલ થયો અને તેને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સમાચાર મળ્યાં કે જર્મનીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી.

જર્મનીની હાર પછી કૈઝર વિલ્હેમ ગાદી છોડીને નેધરલેન્ડ નાસી ગયો અને જર્મનીની સામાન્ય જનતા વિજેતા રાષ્ટ્રોના રોષનો ભોગ બની. એવા દેશોના મતે જર્મનીએ યુદ્ધ શરૂ કરીને વિશ્વને જબરદસ્તી તેમાં ધકેલ્યું હતું. જાનમાલની પુષ્કળ ખુવારી થઈ, અનેક ઐતિહાસિક ઇમારતો અને દસ્તાવેજો નાશ પામ્યાં, કરોડો લોકો બેઘર બન્યાં એ બધાં માટે પણ વિજેતા રાષ્ટ્રોના મતે જર્મની જ જવાબદાર હતું.

અલબત્ત, યુદ્ધ જર્મનીએ શરૂ નહોતું કર્યું તેમ યુદ્ધનું મુખ્ય કારણ પણ માત્ર જર્મનીની જ આક્રમક નીતિ ન હતી. યુરોપી દેશોમાં એ સમયે સંસ્થાનો મેળવવાની જે ઉગ્ર હોડ જામી હતી તેના પરિણામે વિશ્વયુદ્ધ સળગ્યું હતું. પણ અહીં લાચાર જર્મનીના પક્ષે વકીલાત કરવાવાળું કોઈ ન હતું. તેથી બધો દોષ તેના પર મઢી દેવામાં આવ્યો અને વર્સેલ્સની અપમાનજનક સંધિના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી. યુદ્ધદંડનો હવાલો આપીને જર્મન અર્થતંત્રને બેડીએ બાંધી દેવામાં આવ્યું. ખરો હેતુ જર્મનીને ફરી શક્તિશાળી બનતું રોકવાનો હતો, જે બરાબર સિદ્ધ થાય એ નિશ્ચિત કરવાનું કામ નવી બનેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘લીગ ઓફ નેશન્સ’નું હતું. ટૂંકમાં, બધી રીતે જર્મનીને ફોલી ખાવામાં આવ્યું.

યુદ્ધને આવશ્યક માનતા અને યોદ્ધાઓની પૂજા કરતા દેશની આવી હાલત જોઈ હિટલર હતાશ થયો. લ્યુડેન્ડ્રોફની જેમ જ તેના મતે હાર માટે મુખ્ય ત્રણ કસૂરવારો હતાં. સૌથી પહેલાં તો એ નબળાં જર્મનો કે જેમણે યુદ્ધથી ડરીને શાંતિ મંત્રણા પર હસ્તાક્ષર કરી આપ્યાં કે એવું કરવા માટે સરકાર પર દબાણ કર્યું. બીજા સામ્યવાદીઓ કે જેમણે અર્થવ્યવસ્થા ચલાવી રાખવાને બદલે હડતાળો પડાવી અને દેશના ઉધોગોની કમર તોડી નાખી. ત્રીજાં (અને હિટલરના મતે સૌથી વધુ દોષી) યહૂદીઓ કે જેમણે ગરીબ બનેલાં જર્મનોને ઊંચા વ્યાજે પૈસા આપીને તેમનું શોષણ કર્યું. પરપૈસે અમીર બનેલાં યહૂદી કુટુંબો તેમની સંપત્તિ પાછી સ્વિત્ઝર્લેન્ડમાં ઠાલવવા માંડ્યા એટલે હિટલર ઓર ઉકળ્યો.

પોતાની તેજાબી અને આસાનીથી સામાન્ય લોકોના ગળે ઉતરી જતી ભાષાને લીધે હિટલર ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય થઈ ગયો. સતત હાડમારી વેઠી થાકેલાં અને આત્મસમ્માન ખોઈ બેસેલાં જર્મનોને હિટલરે ૧૦૦૦ વર્ષ સુધી ચાલનાર ‘થર્ડ રાઈખ’નું સપનું બતાવ્યું. (થર્ડ રાઈખ = ત્રીજું સામ્રાજ્ય) લોકોને એવો વિશ્વાસ અપાવવામાં તે સફળ થઇ રહ્યો હતો કે જર્મનીને માત્ર તે જ ઉગારી શકે તેમ હતો. હવે તે જાહેરમાં યહૂદીઓ વિરુદ્ધ બોલતો. યહૂદીઓને જાતીય ટ્યૂબરક્યુલોસીસ ગણાવતો જેના લીધે યુરોપી દેશો પતન તરફ ધકેલાઈ રહ્યા હતા. (ટ્યૂબરક્યુલોસીસ યાને કે ટી.બી. એ વખતે અસાધ્ય બીમારી હતી.) આ બિમારીને નાથવાનો ઉપાય શો હતો? હિટલરે કહ્યું તેમ એક જ હતો – યહૂદી પ્રશ્નનો એક ‘સંપૂર્ણ ઉકેલ.’ જર્મનીની શાસન કરવા સર્જાયેલી આર્ય પ્રજાના શુદ્ધિકરણ માટે એ પગલું વળી અત્યંત જરૂરી હતું!

૧૯૨૩માં હિટલરે બળવાની કોશિશ કરી, પણ તે નિષ્ફળ ગયો. રાજદ્રોહના આરોપસર ચાલેલા ખટલાને અંતે તેને ૫ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. જેલમાં હિટલરે પોતાની આત્મકથા ‘માઈ કામ્ફ - મારો સંઘર્ષ’ લખી. એક વર્ષ પછી તેનો બીજો વોલ્યુમ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં હિટલરના શબ્દો હતા : ‘જો યુદ્ધની શરૂઆતમાં કે યુદ્ધ દરમિયાન એ દસ-પંદર હજાર ભ્રષ્ટ યહૂદીઓનો સફાયો કરી નાખવામાં આવ્યો હોત તો યુદ્ધમાં આપણે લાખો સૈનિકો ગુમાવવા ન પડત.’

જાન્યુઆરી ૧, ૧૯૩૦.

નવા વર્ષના દિવસે જ નાઝી પાર્ટીના અર્ધલશ્કરી દળ તરીકે ઓળખાતા ‘સ્ટોર્મ ટ્રુપર્સ’ એટલે કે ‘તોફાની સૈનિકો’એ આઠ યહૂદીઓની હત્યા કરી. નાઝીકાળનો ભોગ બનનાર તેઓ પ્રથમ પીડિત હતા. સત્તા પર આવતા પહેલાં જ શરૂ થયેલો આ ઉત્પાત યહૂદીઓને છદ્મ ભાષામાં અપાતી અનેક પૈકીની એક ચેતવણી સમાન હતો. દરમિયાન નાઝી પક્ષનો પ્રભાવ ધીમે ધીમે વધતો જતો હતો. ૧૯૩૨માં રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંટણીમાં ફિલ્ડ માર્શલ વોન હિન્ડેનબર્ગ ૫૩% મત સાથે વિજયી થયા. હિટલરને ૩૬% મત મળ્યા. થોડા જ સમય પછી રાષ્ટ્રીય ચુનાવો થયા જેમાં નાઝી પક્ષને ૨૩૦ બેઠકો મળી. રાઈસ્ટાગ (જર્મન સંસદ)માં બેસવા અને શાસન ચલાવવા માટે હિટલર પાસે બેઠકો તો હતી, પણ પૂરતી બહુમતી ન હતી. નાઝી પક્ષ સાથે ગઠજોડ રચવા માંગતા પક્ષો પાસે હિટલરે શરત મૂકી હતી કે તેને ચાન્સેલર (વડાપ્રધાન) બનવા દેવામાં આવશે તો જ નાઝી પક્ષ સરકાર બનાવશે. ગજગ્રાહ લાંબો ચાલ્યો. આખરે અન્ય પક્ષોએ ઝૂકવું પડ્યું અને ૩૦ જાન્યુઆરી, ૧૯૩૩ના દિવસે ૪૩ વર્ષના હિટલરે જર્મનીના ચાન્સેલર તરીકે હોદ્દો સંભાળ્યો. એ સાથે જ જર્મની તથા પાડોશી દેશોમાં વસતા યહૂદીઓની કુંડળીઓમાં પણ આશરે સવા દશક ચાલનાર પનોતીએ પ્રવેશ કર્યો.

હિટલર ચાન્સેલર બન્યો એના અઠવાડિયાની અંદર જ રાઈસ્ટાગમાં આગ લાગી. લાગી નહોતી, પણ સ્વયં હિટલરના વફાદારો દ્વારા લગાવવામાં આવી હતી. આ કૃત્ય કરવાનો આરોપ સામ્યવાદી પક્ષો પર મૂકી, તેમના બધા મુખ્ય નેતાઓને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવ્યા. રાષ્ટ્રજોગ જાહેરાત દ્વારા દેશમાં કટોકટી લાદી દેવામાં આવી. વિરોધ પક્ષો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્રેસની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. ટ્રેડ યુનિયનોની ઓફિસોને તાળાં લાગી ગયાં. મજૂરોને હડતાળ પાડવાની સખત મનાઈ કરવામાં આવી. રાઈસ્ટાગમાં હવે નાઝી પક્ષની વિરુદ્ધ બેસનારા નેતાઓની ખુરશીઓ ખાલી રહેવાની હતી, કારણ કે હિટલરના જર્મનીમાં કોઈને પણ હિટલરનો વિરોધ કરવાની છૂટ ન હતી.

ઓક્ટોબર, ૧૯૩૩.

હિટલરના સત્તારોહણ પછીના ટૂંકાગાળાની અંદર જ, જર્મનીમાં શિસ્ત જાળવવા અને ગુનેગારોને કડક સજા આપવાના હેતુથી નવા કાયદાઓ અમલમાં આવ્યા. ડચાઉ ખાતે રીઢા ગુનાખોરોના ‘લાભાર્થે’ પ્રથમ કેમ્પ સ્થાપવામાં આવ્યો. અહીં કાયદા તળે તેમને મૃત્યુદંડ જેવી સખત સજાઓ આપવામાં આવનાર હતી. આ કેમ્પ ભવિષ્યમાં યહૂદીઓ માટે બનનાર કોન્સન્ટ્રેશન કેમ્પોનો પ્રાથમિક મોડલ હતો.

નાઝીઓના ડરથી જર્મની છોડી પોતાના પ્રાચીન વતન પેલેસ્ટાઈનમાં સ્થાયી થઈ રહેલા યહૂદીઓ માટે ઓક્ટોબર કપરો મહિનો હતો. પેલેસ્ટાઈનમાં યહૂદીઓની સતત વધતી જતી સંખ્યાને પરિણામે ત્યાં રહેતા આરબો વિફર્યા અને યહૂદી વિરુદ્ધ આરબોનાં રમખાણો ફાટી નીકળ્યાં. યહૂદીઓનાં અનેક ઘર અને જાહેર ઇમારતો નષ્ટ કરી દેવામાં આવ્યાં. આગમાં તેલ હોમવા માટે પેલેસ્ટાઈન, ઇજિપ્ત અને સીરિયામાં યહૂદી વિરોધી પ્રસારણ કરીને જર્મન રેડિયો સ્ટેશનોએ હોંશે હોંશે ફાળો આપ્યો. હિટલરની તત્પરતા એવી પરિસ્થિતિ સર્જવામાં હતી કે યહૂદીઓ જ્યાં પણ જાય ત્યાં તેમને હેરાનગતિનો સામનો કરવો પડે. પેલેસ્ટાઈન એ સમયે બ્રિટનના વાલીપણા હેઠળ હતું. બ્રિટન રમખાણોને દબાવવામાં સફળ તો થયું, પણ યહૂદી નીતિ વિશે પુનઃવિચારણા કરવાની તેને ફરજ પડી. આરબ રાષ્ટ્રોમાં તેલના સમૃદ્ધ ભંડારો મળી આવ્યા હતા, માટે અંગ્રેજોને આરબોમાં સખત ગરજ હતી. તેમને ખુશ કરવા બ્રિટને પેલેસ્ટાઈનમાં યહૂદીઓનાં આગમન પર નિયંત્રણો લાદયાં. અગાઉ પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટનના વિદેશમંત્રી આર્થર બાલ્ફરે કરેલી જાહેરાત અનુસાર, પેલેસ્ટાઈનમાં યહૂદીઓનો સ્વતંત્ર દેશ સ્થાપવાનો બ્રિટને વાયદો કર્યો હતો એ વાત પણ સગવડતાપૂર્વક ભૂલી જવામાં આવી. હિટલર ખુશ હુઆ!

૧૯૩૩ દરમિયાન જર્મનીમાં ૩૬ યહૂદીઓની હત્યા કરવામાં આવી. ૩૫,૦૦૦ થી વધુ યહૂદીઓએ જર્મની છોડી અમેરિકા, બ્રિટન, પેલેસ્ટાઈન જેવા દેશોમાં આશ્રય મેળવ્યો. કેલેન્ડરમાં ૧૯૩૪નું વર્ષ બેઠું ત્યારે યહૂદીઓ આગલાં વર્ષનાં લેખાં-જોખાં સારી રીતે જોઈ-સમજી શકતા હતા. આવનારા બે વર્ષમાં નિરાશ્રિતોની કુલ સંખ્યા ૭૫,૦૦૦નો આંકડો વટાવી ગઈ. એ પોણો લાખમાંથી જેમણે ફ્રાન્સ, પોલેન્ડ તથા જર્મનીના અન્ય પાડોશી દેશોમાં આશ્રય મેળવ્યો હતો તેમને હિટલરથી નાસવાનો સરવાળે કોઈ ફાયદો થવાનો ન હતો, કારણ કે થોડા જ સમય પછી હિટલર એ દેશોને જીતી લેવાનો હતો.

હજુ જર્મનીમાં રહેલાં અને કોઈ દૈવી ચમત્કારની આશા સેવી રહેલા યહૂદીઓ પ્રત્યે નાઝીઓ અને સામાન્ય જર્મનોનું વલણ તેમની આશાઓ ધૂંધળી કરવા માટે પૂરતું હતું. ૧૯૨૦માં નાઝી પાર્ટીએ આપેલા ૨૫ મુદ્દાના કાર્યક્રમમાં યહૂદીઓને સબક શીખવવાનું વચન આપ્યું હતું. હવે પંદર વર્ષ પછી હિટલરે યહૂદીઓને આપેલાં ‘વચનો’ પાળવાનું શરૂ કર્યું. સામાજિક કાર્યો તથા જાહેર આરોગ્યની સંસ્થાઓ સાથે જોડાયેલાં દસ હજારથી વધુ યહૂદીઓને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યાં. હજારો વકીલો, કલાકારો, સંગીતકારો, પત્રકારો, વિજ્ઞાનીઓ, પ્રાધ્યાપકો તથા શિક્ષકો નોકરી વિહોણાં થઈ ગયાં. બુદ્ધિજીવીઓની આવી કફોડી હાલત હતી તો સામાન્ય યહૂદી કામદારોનું શું પૂછવું!

૨૫ મુદ્દાના કાર્યક્રમના આધારે જ ઘડવામાં આવેલા અને હિટલર દ્વારા જાતે સહી કરવામાં આવેલા નવા કાયદાઓ ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૫ના દિવસે રાઈસ્ટાગમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા. આ કાયદાઓ ‘નરેમ્બર્ગ લૉ’ના નામે કુખ્યાત બનવાના હતા. ‘રાઈખ નાગરિકતા’ની નવી વ્યાખ્યા બાંધવામાં આવી. જેના અનુસાર,

● શુદ્ધ જર્મન લોહી ધરાવતા લોકોને જ જર્મનીના નાગરિક ગણવામાં આવ્યા.

● કોઈ પણ યહૂદી જર્મનીનો નાગરિક નહિ ગણાય તેવું ઠેરવવામાં આવ્યું.

● જર્મનો-યહૂદીઓ વચ્ચેનાં લગ્નો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કાયદાની અવજ્ઞા કરીને કરવામાં આવેલાં લગ્નો ફોક ઠેરવવાની જોગવાઈ કરવામાં આવી.

● જર્મનો-યહૂદીઓ વચ્ચે લગ્નોપરાંત બંધાતા જાતીય સંબંધો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો.

● યહૂદીઓ પાસેથી જર્મન રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હક છીનવી લેવામાં આવ્યો.

‘નરેમ્બર્ગ લૉ’ પછી યહૂદીઓની હાલત ઓર કફોડી થઈ. જર્મનીમાં તેમને જીવવાની છૂટ તો હજીય હતી, પણ શરત એટલી કે એ જીવનમાં સુખની આશા રાખવામાં ન આવે. કારણ કે એમ કરવાનો હક જ તેમની પાસેથી છીનવાઈ ચૂક્યો હતો.

વર્સેલ્સની સંધિનું છેડેચોક ઉલ્લંઘન કરીને હિટલરે જર્મન દળોને શસ્ત્ર સજ્જ કરવાં માંડ્યાં. ૧૯૩૫માં તેણે રહાઇનલેન્ડ પર કબજો કર્યો. આ વિસ્તાર અગાઉ જર્મનીનો હતો, પણ વર્સેલ્સની સંધિ થકી તે ફ્રાન્સને આપી દેવામાં આવ્યો હતો. થોડી હો-હા છતાં મિત્ર દેશો ચૂપ રહ્યા. હિટલરને ફાવતું મળ્યું. હવે તે સરેઆમ એલાન કરવા માંડ્યો કે જ્યાં જ્યાં જર્મન ભાષી લોકોની બહુમતી હશે, તેમને જર્મનીમાં ભેળવવામાં આવશે. હિટલરના મત મુજબ એમ કરવું એ જર્મનીના ‘ચોકીદાર’ હોવાને નાતે તેની ‘નૈતિક’ ફરજ હતી. હિટલરના આ દાવાને ગપગોળો લેખાવતા દેશોને ઝાટકો ત્યારે લાગ્યો, જ્યારે તેણે ‘વિયેરમાર્ક’ તરીકે ઓળખાતી જર્મન સેનાને ઓસ્ટ્રીયા પર કબજો કરવા મોકલી. ઓસ્ટ્રીયા હિટલરનું જન્મસ્થળ હતું એટલું જ નહિ, પણ ત્યાં જર્મન ભાષા બોલતા લોકો ઘણી બહોળી સંખ્યામાં હતા. હવે તેઓ ઓસ્ટ્રીયન મટી ‘થર્ડ રાઈખ’ના નાગરિક બન્યા. પણ ઓસ્ટ્રીયામાં વસતા ૧,૮૩,૦૦૦ યહૂદીઓ રાતોરાત નોંધારા બન્યા. ‘નરેમ્બર્ગ લૉ’ ઓસ્ટ્રીયામાં પણ લાગુ પાડી દેવામાં આવ્યો. બરતરફી, પ્રતિબંધો અને સતત અપમાનનો સિલસિલો શરૂ થયો. રાહતની વાત હોય તો એટલી કે તેમને દેશ છોડી જવાની સપ્રેમ છૂટ હતી. (ભૂતપૂર્વ) ઓસ્ટ્રીયાની રાજધાની વિયેનામાં તેમનાં માટે ખાસ ‘સેન્ટ્રલ ઓફીસ ફોર જ્યૂઈશ ઇમિગ્રેશન’ ખોલવામાં આવી જેનો વડો એડોલ્ફ આઈકમાન નામનો ૩૨ વર્ષીય ‘S.S.’ ઓફિસર હતો.

વિવિધ દેશોમાં યહૂદી નિરાશ્રિતોની વધી રહેલી સંખ્યા અને તેના પરિણામે ઊભી થયેલી અગવડોમાંથી નીકળવાનો રસ્તો વિચારવા ૬ જુલાઈ, ૧૯૩૮ના દિવસે ફ્રાન્સના એવિયાન શહેર ખાતે એક આંતરરાષ્ટ્રીય બેઠક બોલાવવામાં આવી. ‘લીગ ઓફ નેશન્સ’ના સભ્ય રાષ્ટ્રો તેમાં મોજુદ હતાં. હાજર રાજદૂતો વચ્ચે ચર્ચાનો હેતુ યહૂદીઓને ભોગવવી પડતી હાલાકી ઓછી કરવાનો નહિ, બલ્કે પોતપોતાના દેશમાં એ વણજોઈતા અતિથિઓનું આગમન ન થાય એ સુનિશ્ચિત કરવાનો હતો. ચર્ચા દરમિયાન ઓસ્ટ્રેલિયાના રાજદ્વારીએ તો એટલે સુધી કહ્યું, ‘બેશક, યહૂદીઓ માટે આવી અપમાનજનક પરિસ્થિતિ સર્જનારાઓની અમે કડક નિંદા કરીએ છે, છતાં એનો મતલબ એવો તો જરાય નથી કે હજુ સુધી વંશીય સમસ્યાઓથી મુક્ત રહેલા અમારા દેશમાં અમે (યહૂદીઓને સ્વીકારીને) હાથે કરીને એવી સમસ્યાઓ ઉભી કરીએ.’ અત્યારે પોતાનો અંગત સ્વાર્થ જોઈ રહેલાં આ રાષ્ટ્રો જ બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદી નરસંહાર પર મગરના આંસુ સારવાનાં હતાં. શું આ નરસંહાર માટે આડકતરી રીતે તેઓ પણ જવાબદાર નહોતાં?!

ધ નાઈટ ઓફ બ્રોકન ગ્લાસ!

૭ નવેમ્બર, ૧૯૩૮.

પેરિસ, ફ્રાન્સ.

પેરિસમાં આવેલી જર્મન એમ્બેસીમાં એક અજાણ્યો કિશોર રિસેપ્શન પાસે ઉભો ઉભો ક્યારનો રકઝક કરી રહ્યો હતો. તેને જર્મન રાજદૂતને મળવું હતું. કારણ પૂછતાં તેણે જણાવ્યું કે તે એક જર્મન જાસૂસ હતો અને ખૂબ જ સંવેદનશીલ બાતમી મેળવી લાવ્યો હતો. બાતમીની અગત્યતા અને ગોપનીયતા જોતાં તેની વિગતો માત્ર જર્મન રાજદૂતને જ આપી શકાય તેમ હતી. ફ્રાન્સમાં જર્મનીના રાજદૂત કાઉન્ટ વેલઝેક હતા, જે હજુ થોડી વાર પહેલાં જ એમ્બેસી છોડી ગયા હતા એટલે ક્લાર્ક આગંતુકને અર્નસ્ટ વોમ રાથ નામના રાજદ્વારીની કેબીન સુધી દોરી ગયો. ૨૯ વર્ષીય જર્મન રાજદ્વારીએ કથિત જાસૂસને પેલી ગુપ્ત બાતમી આપવા જણાવ્યું. જવાબમાં એ કિશોરે પોતાના કોટમાંથી પિસ્તોલ કાઢી અને વોમ રાથના શરીરમાં ધડાધડ પાંચ ગોળી ધરબી દીધી. ‘બાતમી આપીને’ તે ભાગવા ગયો પણ એમ્બેસીમાં રહેલી ગેસ્ટાપો નામની જર્મન છૂપી પોલીસે તેને પકડી લીધો. પકડાયા પછી ખબર પડી કે તે કિશોર યહૂદી હતો. નામ હતું હર્ષલ ગ્રિન્ઝસ્પાન.

વાત ખરેખર એમ હતી કે પેરિસમાં પોતાના કાકા પાસે રહેતા હર્ષલને જર્મનીમાં વસવાટ કરતા તેના પિતાએ પત્ર લખ્યો હતો. પત્રમાં હિટલરના શાસન હેઠળ પોતાની અને પોતાના ભાઈ-ભાંડુંઓની હાલત કેટલી કરુણ છે એની બીના વર્ણવેલી હતી. પિતાની આવી હાલત વિશે જાણીને ગુસ્સાથી ભભૂકી ઉઠેલા હર્ષલે જર્મનો સાથે બદલો લેવાનું નક્કી કર્યું હતું અને જર્મન રાજદૂતને મારવા એમ્બેસીમાં ધસી ગયો હતો. અર્નસ્ટ વોમ રાથને વાગેલી ગોળીઓ ખરેખર તો રાજદૂત કાઉન્ટ વેલઝેકના ‘લાભાર્થે’ હતી, પણ સદનસીબે તેઓ બચી ગયા.

હુમલાના સમાચાર બર્લિન પહોંચ્યા. હિટલર તમતમી ગયો. આ કૃત્યને તેણે યહૂદીઓ દ્વારા જર્મની વિરુદ્ધ ઘડાઈ રહેલું ષડયંત્ર ગણાવ્યું. વોમ રાથને બચાવવા હિટલરે પોતાના અંગત તબીબ કાર્લ બ્રાન્ટને મોકલ્યો. પણ ઘણા પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો નહિ. ૯ નવેમ્બરે તેના મૃત્યુની ઘોષણા કરવામાં આવી.

યહૂદીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે હવે ઉતાવળા બનેલા હિટલરને ફાવતું મળ્યું. હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સે વોમ રાથનાં મૃત્યુ પછી પોતાની અંગત ડાયરીમાં લખ્યું, ‘બપોર પછી વોમ રાથના મૃત્યુનાં સમાચાર મને મળ્યાં. સારું થયું. મેં હિટલરને જાણ કરી. હિટલરનો આદેશ હતો: ‘પોલીસને નિષ્ક્રિય રહેવાનું જણાવી દો. લોકો દેખાવ કરતા હોય તો કરવા દો. યહૂદીઓને જર્મન પ્રજાના ગુસ્સાનો અનુભવ થવો જોઈએ!’ હિટલરે સાચું જ કહ્યું હતું. હવે પ્રતિક્રિયા આપવાની વારી લોકોની હતી. પછી મેં પોલીસ અને નાઝી પાર્ટીને કેટલીક સૂચનાઓ આપી...!

થોડા જ કલાકોમાં સમગ્ર જર્મનીમાં યહૂદીઓ વિરુદ્ધ હુલ્લડ ફાટી નીકળ્યાં. આ ઘટના ઇતિહાસમાં ‘ધ નાઈટ ઓફ બ્રોકન ગ્લાસ’ તરીકે નામચીન થવાની હતી. હિટલરનો દરેક આદેશ ‘જો હુકુમ મેરે આકા’ ગણી મસ્તક પર ચડાવતું તંત્ર ચૂપ રહ્યું. પરિસ્થિતિ થાળે પડી ત્યાં સુધીમાં ૯૦ થી વધુ યહૂદીઓ માર્યા ગયા હતા. ૩,૦૦૦ થી વધુ યહૂદીઓને અશાંતિ ફેલાવવાના ગુના હેઠળ(!) પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. તેમાંથી ૧,૦૦૦ જેટલા યહૂદીઓ જેલમાં ગુજારવામાં આવનાર જુલમોને લીધે મૃત્યુ પામવાના હતા. હજારો યહૂદીઓનાં ઘર, દુકાનો, ઓફિસો અને સિનેગોગને નષ્ટ કરી દેવામાં આવ્યાં. કુલ એક અબજ રાઈખ માર્ક જેટલી કિંમતની માલમત્તા નાશ પામી. આ મિલકતમાંથી ઘણી ખરી યહૂદીઓની માલિકીની હતી જેના નુકસાનની ભરપાઈ માટે તેઓ ઇન્શ્યોરન્સ ક્લેમ કરીને વળતર મેળવી શકે એમ હતાં. પણ જર્મન ઇકોનોમિક પ્લાનિંગના ઇન્ચાર્જ હેરમાન ગોરિંગે જાહેરાત કરી કે આ કિસ્સામાં યહૂદીઓને કોઈ વળતર મળશે નહિ. ઊલટું એક જાહેરપત્ર બહાર પાડીને તેમની ૨૦% મિલકત જબરદસ્તી જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ તો હદ થઈ. આમ છતાં યહૂદીઓ લાચાર હતાં. હિટલર પૂરી પ્રામાણિકતાથી યહૂદીઓને આપેલાં એક પછી એક ‘વચનો’ પૂરાં કરી રહ્યો હતો, છતાં પ્રતિકારમાં યહૂદીઓ કશું પણ કરી એમ નહોતા.

જાન્યુઆરી ૩૦, ૧૯૩૯.

બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાને હજુ સાત મહિનાની વાર હતી. પણ તે પહેલાં જર્મનીના નકશામાં રહાઇનલેન્ડ અને ઓસ્ટ્રીયાની સાથે સાથે ચેકોસ્લોવેકીયાના સુટેડનલેન્ડનો પણ બળજબરીપૂર્વક સમાવેશ કરી લેવામાં આવ્યો હતો. પોતાને સત્તા પર આવ્યાનાં છ વર્ષ પૂરા થવા પર હિટલરે રાઈસ્ટાગમાં ભાષણ આપ્યું. જેમાં તેણે કહ્યું, ‘જો યહૂદી સંસ્થાઓ અને યુરોપનાં અન્ય રાષ્ટ્રો ફરીથી વિશ્વયુદ્ધ શરૂ કરશે તો તેનું પરિણામ તેમના વિજય સ્વરૂપે નહિ, પણ યુરોપમાંથી યહૂદીઓનાં સમૂળગા નિકંદન સ્વરૂપે આવશે.’ માત્ર યહૂદીઓને નહિ, પણ સમગ્ર વિશ્વને હિટલર દ્વારા અપાયેલી એ સંભવતઃ આખરી ચેતવણી હતી.

શ્વેતપત્ર, કાળી કલમો!

પેલેસ્ટાઈનમાં યહૂદીઓની વધતી સંખ્યાને લીધે ફાટી નીકળેલા વિદ્રોહોને લઈને બ્રિટિશ સરકાર પરેશાન હતી. પરેશાનીનું કારણ ‘પર્સનલ’ હતું, ગરજ. ગરજ સિવાય તો સ્વાર્થી અંગ્રેજો સગા બાપને પણ ન ગણકારે, તો આરબો વળી શું ચીજ હતા! બ્રિટનની ઈચ્છા નમતા પલ્લે બેસવાની હતી. આરબોના પલ્લામાં ‘ખનિજ તેલ ભરેલાં પીપડાં’ હતાં એટલે સ્વાભાવિક રીતે એ નમેલું હતું. આરબોને ખુશ કરવા મે ૨૩, ૧૯૩૯ના દિવસે બ્રિટનની સંસદમાં એક ‘શ્વેતપત્ર’ જાહેર કરવામાં આવ્યો જેની કાળા અક્ષરે લખાયેલી કલમો પણ કાળી હતી. આ જાહેરાત અનુસાર, આવનારાં ૫ વર્ષમાં માત્ર ૭૫,૦૦૦ યહૂદીઓને પેલેસ્ટાઈનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી. આમ કરવા પાછળ બ્રિટને એવો તર્ક આપ્યો કે યહૂદીઓની વધતી સંખ્યાને પરિણામે પેલેસ્ટાઈનમાં સમતુલા ખોરવાઈ હતી. ૫ વર્ષ પછી જો આરબોની મરજી હોય તો યહૂદીઓને પ્રવેશવાની છૂટ, નહીંતર નહિ.

પેલેસ્ટાઈનમાં વસનારા યહૂદીઓ સ્થાયી થવા માટે આરબો પાસેથી જમીન ખરીદતા. પણ હવે ‘શ્વેતપત્ર’ દ્વારા કેટલાક વિસ્તારોમાં યહૂદીઓને જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકાયો. જર્મનીમાં યહૂદીઓની હાલત વિશે બ્રિટન સારી રીતે (લિટરલી, સારી રીતે) વાકેફ હતું, છતાં પોતાનો મતલબ સાધવા ખાતર તેણે એ કોમને નસીબના ભરોસે છોડી દીધી.

‘શ્વેતપત્ર’ પર યહૂદી પ્રત્યાઘાતો બેશક જલદ હતા, છતાં તેઓ બહેરાના કાનમાં બણગાં ફૂંકવા બરાબર હતા. ખરેખર તો ‘શ્વેતપત્ર’ પેલેસ્ટાઈનમાં શાંતિ જાળવવા માટે નહિ, પણ પોતાની સત્તા લોલુપતાને ટેકો આપવા માટે બહાર પાડવામાં આવ્યું હતું. નજીકના ભવિષ્યમાં થનારી યહૂદીઓની દયનીય હાલત માટે જવાબદાર દેશોની લાંબી લિસ્ટમાં અજાણતાં જ બ્રિટને પણ પોતાનું નામ નોંધાવી દીધું.

સપ્ટેમ્બર ૧, ૧૯૩૯.

ઊગવા-આથમવાની રોજિંદી ફરજ નિભાવતો સૂરજ એ દિવસે અનેક નવાજૂનીઓ લઈને ક્ષિતિજે ઊગ્યો. સ્વચ્છ આકાશ તળે પથરાયેલા બાલ્ટીક સમુદ્ર પર ફીણ પાડતો એક જર્મન નૌકાકાફલો પૂરઝડપે ડાન્ઝિંગ બંદર તરફ આગળ વધી રહ્યો હતો. કાફલામાં મોખરે ‘શ્લેઝવિગ હોલસ્ટાઈન’ નામનું તોતિંગ યુદ્ધજહાજ હતું. ડાન્ઝિંગ બંદર મૂળ તો જર્મનીનો ભાગ હતો, પણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેને મિત્રરાષ્ટ્રોએ હસ્તગત કરી લીધું હતું અને પોતાનો સમુદ્રી વ્યવહાર ચલાવવા પોલેન્ડને તેનું સંચાલન સોંપી દીધું હતું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીને ભૌગોલિક રીતે અલગ પાડતા ડાન્ઝિંગ પર હિટલરની ઘણા સમયથી નજર હતી. મિત્ર રાષ્ટ્રોના નમાલા વલણથી હવે તે કોઈ પણ આક્રમક પગલું ભરી શકવા જેટલો આશ્વસ્ત અને દુઃસાહસી બની ચૂક્યો હતો. જર્મન નૌકાકાફલાએ બંદર પર સખત તોપમારો શરૂ કર્યો – અને એ સાથે જ માનવ ઇતિહાસની સૌથી ભીષણ લડાઈ શરૂ થઈ. ડાન્ઝિંગ જર્મનોના હાથમાં ગયું. મિત્ર રાષ્ટ્રોની ચેતવણી છતાં જર્મનો પાછા ન હટ્યા, એટલે ૩ સપ્ટેમ્બર, ૧૯૩૯ના બ્રિટન અને ફ્રાંસે જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. વિશ્વ ફરી બે છાવણીઓમાં વહેંચાઇ ગયું. યુદ્ધની ઓફિશિયલ ઘોષણા કર્યા પછી પણ બ્રિટન કે ફ્રાંસે જર્મની પર હુમલો ન કર્યો. તેમની ઉદાસીનતા પોલેન્ડમાં વસતાં યહૂદીઓને ભારે પડી રહી હતી.

પોલેન્ડનો જે વિસ્તાર ‘વિયેરમાર્ક’ના કબજામાં આવતો ત્યાં થોડા જ કલાકમાં શૂત્ઝસ્ટાફેલ-S.S.ના સૈનિકો તૈનાત થઈ જતા. યહૂદીઓનો કાયમી ‘બંદોબસ્ત’ કરવાની જવાબદારી એપ્રિલ, ૧૯૨૫માં રચાયેલા એ સંગઠન પર હતી. જર્મન સેનાને આવી બાબતોથી શરૂઆતથી જ દૂર રાખવામાં આવી હતી. આવા જ એક શહેર વિરુઝોવમાં S.S.ના સૈનિકો દાખલ થયા. શહેરમાં રહેતાં ૨૦ યહૂદીઓને પકડવામાં આવ્યાં અને તેમને કતારબંધ ઉભા રાખવામાં આવ્યાં. આ યહૂદીમાં એક વૃદ્ધનો પણ સમાવેશ થતો હતો. વૃદ્ધ પિતાને મૃત્યુ સમીપ જોઈને જ્યારે તેમની પુત્રી તેમને આખરી વિદાય આપવા આવી, ત્યારે ‘ઘોંઘાટ’ ફેલાવવા બદલ એક સૈનિકે તેણીને મોઢું ખોલવાનો આદેશ આપ્યો. જેવું મોઢું ખૂલ્યું કે પેલા સૈનિકની રાઈફલમાંથી ગોળી છૂટી અને એ વૃદ્ધની લાચાર આંખો સામે જ તેની પુત્રી મૃત્યુ પામી. બાકીના ૨૦ જણાને પણ તરત મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

૫ સપ્ટેમ્બરે એક ગામમાં જર્મન સેના દાખલ થઈ. પાછળ પાછળ S.S.ના યમદૂતો પણ પધાર્યા. શહેરના જે વિસ્તારમાં યહૂદીઓ રહેતાં હતાં ત્યાં મકાનો અને ઇમારતોને આગ ચાંપવામાં આવી. ભાગવાનો પ્રયત્ન કરનારા લોકોને ગોળીએ દેવામાં આવ્યા. આગથી બચી જવા પામેલા ઘરોમાં S.S.ના સૈનિકો દાખલ થયા અને તેમાં રહેતા પરિવારોને બહાર કાઢ્યા. પછી તેમને ભાગવાનો આદેશ આપ્યો. ભયના માર્યા, જીવ બચાવવાની રહીસહી આશાઓ સેવી બેઠેલા લોકોએ ભાગવાનું શરૂ કર્યું, પણ પાછળથી તેમના પર ગોળીઓની વણઝાર થઈ. થોડીવાર પછી ત્યાં જીવતા માણસોને બદલે લાશોનો ઢેર પડ્યો હતો. આવી સ્થિતિ ઠેર ઠેર હતી. વિશ્વયુદ્ધ શરૂ થયાના માત્ર બે જ મહિનાની અંદર પોલેન્ડમાં વસતાં ૫,૦૦૦ થી વધુ યહૂદીઓને આવી જ રીતે મોતને હવાલે કરવામાં આવ્યાં. છતાં...

છતાં હજી તો આ શરૂઆત હતી... શરૂઆત હતી માનવજાતને શરમથી પાણી પાણી કરનાર એક ભયાનક હત્યાકાંડની... શરૂઆત હતી ‘જાતીય શુદ્ધિકરણ’ના નામે જંગાલિયતની બધી સીમાઓ ઓળંગવાની... શરૂઆત હતી એક એવા પ્રકરણની, જેને લખવા માટે કુદરત લાખો નિર્દોષોના રક્તનો શાહી તરીકે છૂટથી ઉપયોગ કરવાની હતી!

(વધુ આવતા અંકે...)