Right Angle - 32 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 32

રાઈટ એંગલ

પ્રકરણ–૩૨

જોયું ને..તું કેવી છવાઇ ગઇ છે? કશિશ કોફી હાઉસ પહોંચી ત્યાં ધ્યેયનો ફોન આવ્યો.

‘અચ્છા તો આ તારું પરાક્રમ છે...આઇ નો કે તું જ હશે..‘ કશિશ સ્મિત કરતાં ફોન પર બોલી,

‘નાજી...આ વખતે આ મારું પરાક્મ નથી. ટુ બી ફ્રેન્ક, આ કામ પેલાં એડિટરનું જ છે. એ દિવસે મેં એને કહ્યું હતું કે કશિશની પર્સનલ લાઇફ ને બાદ કરતાં કેસને લગતી વિગત છાપી શકે છે. કાલે કોર્ટમાં એમનો રિપોર્ટર હાજર હતો. કાલે તો રાહુલે જે બેટિંગ કરી છે બાયગોડ! .અને તે પણ જે રીતે ગભરાયા વિના જવાબ આપ્યાં છે...આઇ એમ ઈમ્પ્રેસ્ડ!‘

કશિશ નાનપણથી ભણવામાં હોશિયાર હતી. સ્કૂલના રિઝલ્ટના દિવસે હંમેશાં એણે ટીચર્સના મોંઢે પોતાના વખાણ જ સાંભળ્યા હતા. ઉદય એવરેજ સ્ટુડન્ટ હતો એટલે એની તરફથી ઝાઝી અપેક્ષા મહેન્દ્રભાઇને રહેતી નહી. પણ કશિશનું રિઝલ્ટ જાણવા માટે મહેન્દ્રભાઇ હંમેશાં ઉત્સુક રહેતા. મોટાભાગે કશિશ એમને નિરાશ ન કરતી. હમેંશાં પહેલો–બીજો નંબર ક્લાસમાં લાવતી. એટલે ઘરમાં પણ એના વખાણ જ થતા હતા. લગ્ન પછી એના રુપના, એના સ્વભાવના વખાણ એણે બહુ સાંભળ્યા છે. પણ આજે આટલાં વર્ષો પછી એની હિંમતના, એની સિધ્ધીના વખાણ થયા છે. તે વાત કશિશને બહુ ગમી.

‘થેન્કસ ધી...મારા રુપના વખાણ થાય તે મને બહુ ગમતું નથી. કારણ કે હું માનું છું કે એમાં મારી કોઈ સિધ્ધી નથી. રુપ તો જિન્સ પર નિર્ભર કરે છે. પણ મારા કામના વખાણ થાય તે મને ગમે...એટલે જ એક લોકલ મેગેઝિન કાલે ઇન્ટરવ્યુ માટે આવે છે તો હા પાડી છે.‘

‘ઓહ...ઘેટસ ગ્રેટ..! કશિશ નાણાવટી તો હવે સેલિબ્રિટિ બની ગયા છે ને! પણ એક વાતનું ધ્યાન રાખજે...ઈન્ટરવ્યુમાં કેસ વિશે કશું ડિસ્કસ કરવું નહી. માત્ર તે શું કામ કેસ કર્યો છે તે જ વિગત આપવી. કારણ કે તું જે કહે તે વાતનું અર્થઘટન પત્રકાર જુદી રીતે પણ કરે અને કદાચ ગલત રીતે લખશે તો નુકસાન તારા કેસને થઇ શકે. એટલે બિનજરુરી ટીકા ટિપણ્ણ ટાળવી.‘ ધ્યેયએ એને પત્રકાર સાથે કેમ વાત કરવી તેનું ગાઇડન્સ આપતાં કહ્યું.

‘ઓ.કે..હું એ વાતનું ધ્યાન રાખીશ.‘ કશિશ એનો પોઇન્ટ સમજી ગઇ.

‘ઓ.કે...સી યુ!‘ ધ્યેયએ ફોન કટ કર્યો.

તે દિવસે કશિશના કોફી હાઉસ પર લોકોની અવર જવર રહી. લોકલ પેપરમાં એના કેસ વિશે સારુ એવું કવરેજ આવ્યુ હોવાથી કોઇ જિજ્ઞાસાથી કશિશને જોવા–મળવા આવતા. તો કોઈ આટલાં મોટા પરિવારની પુત્રવધુ હોવા છતાં સાવ સામાન્ય કોફી હાઉસ ચલાવે છે તે જોવા–જાણવા આવતા. કશિશ તે બધાં સાથે સહજતાથી વાતો કરી. કશિશનો સાદો સીધો કોટન કૂર્તી અને જીન્સનો પહેરવેશ એને આમ આદમી તરીકે તો રિપ્રેઝન્ટ કરતાં તો હતા, સાથે સાથે એનો દરેકને ઉષ્માભર્યો આવકાર અને મનમોહક સ્મિત લોકોના દિલ જીતવા પૂરતા હતા. એક અઠવાડિયામાં તો કશિશ અને એનું કોફી હાઉસ આ નાનકડાં શહેરમાં ગૂંજતું થઇ ગયું. લોકલ પેપર–મેગેઝિનના પાના પર એના નિખાલસ ઇન્ટરવ્યુએ લોકોમાં સહાનુભૂતિની લહેર પેદાં કરી દીધી. કશિશને સૌથી મોટો ફાયદો થયો કે લોકોને એના કેસમાં રસ પડ્યો. બે–ચાર સ્ત્રીઓ માટેની સંસ્થા પણ એના સપોર્ટમાં મેદાનમાં આવી. સ્ત્રી સંસ્થાઓનો મુખ્ય મુદ્દો એ હતો કે અગર કોઇ છોકરી ચાહે તેવો અભ્યાસ માત્ર એ સ્ત્રી હોવાના કારણે અટકાવવામાં આવ્યો હોય તો એ જાતિય ભેદભાવ કહેવાય. આ મુદ્દા પર એમણે કશિશની તરફેણમાં સરઘસ કાઢયું. શહેરના લોકોનો જનમત કશિશની ફેવરમાં થવા લાગ્યો.

કશિશ મહિલા સંસ્થાઓની આ ઝુંબેશથી રાતોરાત પેઈજ થ્રી પરથી પેઇજ વન પર આવી ગઇ. શહેરમાંથી જ ઘણી બહેન–દીકરીઓની રાવ પોલિસ સ્ટેશન પર આવવા લાગી કે એમને છોકરી કે સ્ત્રી હોવાના કારણે મનગમતું શિક્ષણ મેળવવાના હક્ક્થી વંચિત રાખવામાં આવ્યા હતા. કશિશને આ બધું જાણીને આનંદ હતો કે જે મિશન એણે ચાલુ કર્યું હતું એણે લોકોમાં પૂરતી જાગૃતિ આણી છે.

ઉદય આ બધું વાંચી–જોઇને આધાતથી સ્તબ્ધ થઇ ગયો હતો. એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે એક સામાન્ય કેસ સમાજમાં એને વિલન બનાવી દેશે. સમાજમાં નિ ભારે બદનામી થઈ. બીજી બાજુ મહેન્દ્રભાઇને પોતાની દીકરી પર ગર્વ થતો હતો. આ લોક જુવાળ જોઇને મહેન્દ્રભાઇ ખૂબ ખુશ થયા હતા. કશિશ ભલે ડોકટર ન બની શકી પણ કમસેકમ લોકોમાં જાગૃતિ આવે એવું કામ કરી શકી તે બહુ ગર્વની વાત છે. તો ત્રીજી બાજુ ઉદયના વકીલ કશિશના સેલિબ્રિટી સ્ટેટસથી માનસિક સ્ટ્રેસ અનુભવતા હતા. મિડિયામાં આ કેસની ચર્ચા કશિશની તરફેણમાં થાય તો એમનો કેસ નબળો પડવાની શક્યતા વધી જાય. કારણ કે માનો યા ન માનો મિડિયાનો થોડોઘણો પ્રભાવ તો જજમેન્ટ પર પડતો હોય છે. ભુતકાળમાં ઘણાં કેસમાં એવું બન્યું છે. કશુંક જલદ વિચારવું પડે તો જ હાથમાંથી સરી જતી બાજી જીતી શકાય. હજુ કોર્ટની તારીખને પંદર–વીસ દિવસની વાર હતી પણ એ પહેલાં કેસ ઉદયની તરફેણમાં થઇ શકે તેવું કરવું ખૂબ જરુરી હતું. નિતિનભાઇએ પોતાના વિશાળ ટેબલ પર પડેલાં કાયદાના પુસ્તકો ઊથલાવવા માંડ્યા હતા.

******

‘આ જો...‘ કોશલ સવારે ડાઇનિંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ માટે બેઠો ત્યાં અતુલભાઇએ એના તરફ લોકલ ન્યુઝ પેપર, મેગેઝિન્સ સરકાવ્યા. કૌશલે નજર ફેરવી તો કશિશના ઇન્ટરવ્યુઝ અને એના વિશેઆર્ટકિલ્સ છપાયા હતા. કૌશલે પેપર, મેગેઝિન હાથમાં લઇને વાંચવાના બદલે બાજું પર મૂકી દીધા. આ બધું એની જાણમાં હોય જે તે અતુલભાઇ જાણતા હતા અને કૌશલ પણ જાણતો હતો. કૌશલે અનુમાન કરી લીધું હતું કે ડેડ કશું કહેવા ઇચ્છે છે એટલે એણે કશું બોલ્યા વિના અતુલભાઇ સામે જોયું એટલે એ બોલ્યા,

‘કશિશ સાથે કદાચ આપણે ન્યાય નથી કર્યો જે થયું તે બહુ ખોટું થયું. હવે આપણે એને ઘરે પાછી લઇ આવવી લ જોઇએ.‘ અતુલભાઈએ પાક્કા વેપારીની જેમ હવા જોઇને પોતાનું રુખ બદલ્યું. કશિશે જે રીતે શહેરમાં નામના મેળવી તે જોઇને હવે અતુલભાઇ એ વાત ભૂલી જવા ઈચ્છતા હતાં કે પોતે જ કશિશ કોર્ટે ચડી એનો સતખ વિરોધ કર્યો હતો અને કૌશલને પણ તે માટે ઉશ્કેર્યો હતો. કૌશલ એમનું આ પાટલીબદલું વર્તન સમજી ગયો.

‘ડેડ તમને શું લાગે છે કશિશ તમારા હાથનું રમકડું છે કે તમે એને જેમ ચાહો તેમ રમાડી શકો?‘ કૌશલ પોતાના હાથમાંનો ચાનો કપ ટેબલ પર મૂકી દીધો.

‘કોફી હાઉસના લોન્ચ સમયે તમારે સમજદારી દાખવવાની હતી તે તમે કરી શક્યા નહી. તમારા પ્રભાવમાં મેં પણ એની સાથે અણછાજતું વર્તન કર્યું. આટલાં લોકો સામે એનું અપમાન થયું. તો ય કશિશે મને મનાવવાની કોશિશ કરી હતી પણ મેં એને ઘર છોડવા મજબૂર કરી. હવે ક્યાં મોંઢે હું એની પાસે જાવ? એને ય આત્મ સમ્માન હોય કે નહિ?‘ અતુલભાઇ કશું કહે તે પહેલા કૌશલ ઊભો થઇ અને ચાલવા લાગ્યો. ઘરના મેઇનડોર પર પહોંચીને ક્ષણ માટે અટક્યો,

‘આજથી હું મારા ઘરે રહીશ.‘ અતુલભાઇ કશું બોલી શક્યા નહી. આજે પહેલીવાર એમને અહેસાસ થયો કે ધંધામાં ગણતરી સાથેના સંબંધ રાખી શકાય પણ કૌટુબિંક સંબંધોમાં ગણતરી કરવાથી સંબંધ સચવાતો નથી પણ તૂટી જાય છે. એમને કૌશલને રોકવાનું મન થયું. પણ એમણે એ ભૂલ ન કરી. હવે જાય છે તો જવા દેવો. હવે કૌશલને કોઇ નિર્ણય કરવા માટે મજબૂર કરવા કરતા એ જાતે પોતાનો નિર્ણય કરે તે જ યોગ્ય રહેશે. અતુલભાઇએ આજે વેપારીના બદલે પિતાને છાજે તેવો અભિગમ અપનાવ્યો.

*****

કોફી હાઉસમાં આખો દિવસ પસાર થઇ જાય છે પણ રાત પડે ઘરે આવે ત્યારે કશિશને એકલતાં ઘેરી વળે છે. પણ કશિશે એનો ઉપાય પણ કરી લીધો છે. રોજ કોફી હાઉસથી ચાલતા ઘરે જાય છે એટલે એક તો આખો દિવસ કોફી હાઉસમાં કસ્ટમરના ઓર્ડરને પહોંચી વળવાની દોડાદોડી અને ઉપરથી કલાકનું વોકિંગ. એટલે ઘરે જઈને ફ્રેશ થઇને બેડ પર પડે તેવી જ ઉંધ આવી જાય છે.

દસ ઓગ્ષ્ટે કશિશ કોફી હાઉસ બંધ કરીને ઘરે આવી ત્યારે રાતના દસ થવા આવ્યા હતા. આજે કોફી હાઉસ લોન્ચ કર્યું એને લગભગ મહિનો થવા આવ્યો. એ રિલેક્ક્ષ થઈને પછી કોફી હાઉસનો આજસુધીનો હિસાબ કરવા બેઠી. ખર્ચ, લોન પ્લસ નફો, તે બધું મેળવતા ઠીક કહી શકાય તેવી રકમ બચતી હતી. તેથી એણે નિરાંતનો શ્વાસ લીધો કે એ હવે આર્થિક રીતે જલદી આત્મ નિર્ભર થઇ જશે. બસ પછી એકલાં રહેવાનો વાંધો આવે તેમ નથી.

એણે બેડ પર લંબાવ્યું અને થોડી જ વારમાં એને ઉંધી આવી ગઇ. અચાનક રાતે કોઇ બારણું ખટખટાવતું હોય તેવો અવાજ આવ્યો. કશિશ ગભરાઇને બેઠી થઇ ગઈ. એણે મોબાઇલમાં સમય જોયો તો રાતના પોણાબાર થયા હતા.અત્યારે કોણ હશે? એ બેડ પરથી ધડકતાં હ્રદયે ઊભી થઇ અને મેઇન ડોર નજીક આવીને એણે પહેલાં બારણું ચકાસ્યું. બારણું બરાબર લોક હતું એટલે હિંમત આવી. ત્યાં બારણું ફરી ઠોકાયું.

‘કોણ છે?‘ કશિશે હિંમતથી બૂમ પાડી પણ ડરના માર્યા એનું હ્રદય ડબલ જોરથી ધડકતું હતું.

‘અરે હું છું.‘ બહારથી અવાજ આવ્યો. કશિશે એ અવાજ ઓળખવાની દરકાર કર્યા વિના ફરી મોટા અવાજે બૂમ પાડી,

‘હું કોણ?‘

સામેથી જવાબ ન આવ્યો પણ બારણું ઠોકાયું. અને કશિશ હવે શક ગયો કે નક્કી કોઇક ચોર આવ્યો લાગે છે. એને ખબર પડી હશે કે હું એકલી રહું છું. કશિશ કિચન તરફ દોડી. ત્યાંથી વેલણ અને ચપ્પુ હાથમાં લઇને બારણા પાસે આવી પછી ફરી મોટા અવાજે બોલી જેથી સામેવાળાને અહેસાસ થાય કે ડરતી નથી.

‘જે હોય તે અત્યારે જતા રહો...સવારે આવજો. નહીં તો હું પોલિસને બોલાવું છું.‘

બહારથી બારણું ઠોકાતું બંધ થઇ ગયું. કશિશ બે–ચાર ક્ષણ રાહ જોતી ઊભી રહી કે બારણા પાછળથી કોઇ હિલચાલ થાય છે કે નહીં ત્યાં એના સેલફોનની રીંગ વાગી. એણે ફોન તરફ દોટ લગાવી અને સ્ક્રીન પર જોયું તો ધ્યેયનું નામ ફલેશ થતું હતું.

કશિશે ઝડપથી કોલ રિસિવ કર્યો, સામેથી કશું સંભળાય તે પહેલાં એ બોલી પડી,

‘ધી બહુ જ સમયસર તારો ફોન આવ્યો....મારા ઘરે ચોર આવ્યા છે..બહારથી દરવાજો ખખડાવે છે....‘

(ક્રમશ:)

કામિની સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED