જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 34
લેખક – મેર મેહુલ
હું નિધિના ઘરે આવ્યો હતો. નિધિના પપ્પાએ જ મને આમંત્રણ આપ્યું હતું. મારાં અને નિધિના સંબંધ વિશે તેઓ જાણતાં ન હોય એવી રીતે શરૂઆતમાં મારી સાથે વાતો કરી.અચાનક તેઓના ચહેરા પરના હાવભાવ બદલાયાં. તેઓએ મને પૂછ્યું, “તો તું કેટલાં રૂપિયા આપીશ?,મારી દીકરી સાથે લગ્ન કરવા માટે”
“શું કહ્યું તમે કાકા?”મેં પૂછ્યું, “મને કંઈ સમજાયું નહીં”
“તું નિધીને પ્રેમ કરે છે ને”તેઓએ કહ્યું, “તેની સાથે લગ્ન કરવા માટે કેટલાં રૂપિયા આપી શકીશ મને?”
એક મિનિટ માટે મારું મગજ સુન્ન પડી ગયું.તેઓના આમંત્રણ પાછળનો ઈરાદો શું હતો એ હવે મને સમજાય રહ્યું હતું. તેઓ મારી સાથે નિધિ વિશે વાત કરવા ઇચ્છતાં હતા.એટલે જ તેણે નિધિ અને તેનાં મમ્મીને સબંધીઓને ત્યાં મોકલી દીધાં હતાં.હું પાછી મારવાના મૂડમાં નહોતો.
“તમે નિધીને વેચવાની વાત કરો છો?”મેં પુછ્યું.
“તારી ઔકાત બતાવું છું તને”તેઓએ ભવા ચડાવ્યાં, “અગિયાર હજાર પગાર છે ને તારો,તારી કરતાં મારાં ઘરના નોકરોનો પગાર વધુ છે”
શું જવાબ આપવો એની મને સમજ નહોતી પડતી.મેં આવા સવાલો માટે તો પ્રેક્ટિસ નહોતી જ કરી.
“અને તે વિચારી જ કેમ લીધું કે તું નિધીને લાયક છે?,ભિખારી છો તમે,માંગવા નીકળતાંને તમારાં પૂર્વજો,હજી એ જ ઔકાત છે તમારી”તેઓએ હદ વટાવી રહ્યાં હતાં. મારો મગજનો પારો ઉપર આવી રહ્યો હતો પણ નિધીને કારણે હું ચૂપ હતો.
“હકીકતમાં ભૂલ તારી નથી,ભૂલ તારાં બાપની જ છે.જેનાં બાપમાં જ એવાં લક્ષણો હોય એનાં છોકરાના લક્ષણો કઈ રીતે સારાં હોય?”
“બસ ઑય…”હું ત્રાડુક્યો, “ તું શું લક્ષણોની વાત કરે છે?, એક દિવસ…,બસ એક દિવસમાં જ તારી દીકરીને મારી પાછળ ફરતી કરી દીધી છે.પ્રેમ કરું છું એને એટલે તેની શરમ ભરુ છું.નહિતર તારી જેવાને સીધાં કરતાં મને સારી રીતે આવડે છે”હું શું બોલતો હતો એ મને ખબર નહોતી પણ હું ચૂપ રહેવા નહોતો માંગતો.
“તું ભિખારીની વાત કરે છે ને”હું ઉભો થઇ ગયો, “આ જ ભિખારી તારી કરતાં ધનવાન થશે અને તારી દીકરી સાથે લગ્ન પણ કરશે.”
“હું તને બરબાદ કરી દઈશ”તેણે કહ્યું, “ક્યાંયનો નહિ છોડું તને”
હું અટક્યો,પાછળ ઘૂમ્યો.મારી આંખોમાં અંગાર ભભકતાં હતાં.
“ઉખાડી લેજે,જે ઉખાડવું હોય એ”કહી હું પગ પછાડી ચાલતો થયો.
“આજથી તારી બરબાદીના દિવસો શરૂ થઈ ગયા છે”એ બકતો રહ્યો.બાઇક શરૂ કરી હું ત્યાંથી નિકળી ગયો.
આ મેં શું કર્યું?પહેલાં ઓછી મુસીબતો હતી જે પોતે જ સામેથી મુશ્કેલીઓને નોતરી દીધી.નિધિના પપ્પાને હું આવું સંભળાવીને આવ્યો હતો.નિધીને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે એ કેવું રિએક્શન આપશે?,એ તો સહન જ નહીં કરી શકે. એ તો જમાઇરાજા-જમાઇરાજા કહીને ખુશ થતી હતી.હવે જ્યારે નિધિને માલુમ થશે કે તેઓના પપ્પા સાથે મેં આવું વર્તન કર્યું છે ત્યારે…?
ભૂલ મારી નહોતી.હું તો શાંતિથી વાત કરવા જ ગયો હતો. મારે નિધિની જરા સુધ્ધાં વાત પણ નહોતી કરવાની.નિધિના પપ્પાએ જ શરૂઆત કરી હતી.તેણે ન સંભળાવવાનું સંભળાવી દીધું પછી હું કેમ ચુપ રહું?
વિચારવાની વાત તો એ હતી કે તેઓને અમારાં સંબંધ વિશે જાણ કેવી રીતે થઈ?, અને ચાલો જાણ થઈ ગઈ તો આવું રિએક્શન કેમ આપ્યું?,મેં કંઈ અપરાધ તો નહોતું કર્યું.
બાઇક સાઈડમાં રોકી મેં નિધિને કૉલ લગાવ્યો.તેનો ફોન એંગેજ આવતો હતો.મારી નિધિ સાથે વાત થવી જરૂરી હતી.જો તેનાં પપ્પા નિધિના મગજમાં બીજું ભુસું ભરાવી દેશે તો પછી નિધીને સમજાવવી મુશ્કેલી ભર્યું હતું.મેં શેફાલીને કૉલ લગાવ્યો.નિધિની ભાળ લેવાની ભલામણ કરી હું ઘર તરફ વળ્યો.
હવે મને નિધિના પપ્પા વિશે આવેલાં વિચારો પર ફરી વિચાર કરવાની આવશ્યકતા જણાય.તેઓનાં સ્વભાવ પરથી તેઓ પણ એ લિસ્ટમાં હોય એની સંભાવના પૂરેપૂરી હતી.
ઘરે આવી પહેલાં મેં લેપટોપ શરૂ કર્યું.આજે પણ કૃતિએ જમવા માટે બોલાવ્યો પણ આજે મેં કોઈ જવાબ ના આપ્યો.
હું જલ્દીથી ફાઇલ ખોળવા લાગ્યો.કસ્ટમરના ફોલ્ડરમાં ‘રામદેવ ટ્રાવેલ્સ’ નું નામ ક્યાંય તો નીકળવું જોઈએ.અને મારી ધારણા સાચી ઠરી.રામદેવ ટ્રાવેલ્સ કરીને એક ફોલ્ડર હતું.મેં એ ફોલ્ડર ખોલ્યું. ‘લાલજીભાઈ પટેલ’ની બધી જ માહિતી હતી એમાં.મેં તેમાં રહેલી એક્સેલ ફાઇલ ખોલી.સાલો છેલ્લાં ત્રણ વર્ષથી રોજ છોકરીઓને બોલાવતો.એક નહિ,રોજની દસથી બાર.આટલી બધી છોકરીઓ સાથે એ શું કરતો હશે?
તેનાં પેમેન્ટ પણ લાખોમાં હતું.ટર્નઓવર કરોડોમાં.એ મને ઔકાતની વાત કરતો હતો.એની ઔકાત તો તેના આ ડેટા પરથી જ ખબર પડી જતી હતી.
છેલ્લાં એક અઠવાડિયામાં મારી લાઈફ સાવ બદલાય ગઈ હતી.નિધિના કહેવાથી એક બીડું ઉપાડ્યું હતું જે હાલ મોટું પોટલું બની ગયું હતું.મારાં શિરે મોટી જવાબદારી આવી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં ગુસ્સામાં આવી નિધિના પપ્પા સાથે ઝઘડો કરવા જેવી ભૂલ હું ના કરી શકું.
હું વિચારોમાં ડૂબ્યો હતો ત્યારે શેફાલીના કૉલે મારું ધ્યાન ભંગ કર્યું.મેં ફોન રિસીવ કર્યો.
“નિધિના પપ્પાએ ફોન રિસીવ કર્યો હતો.ભડકેલા લાગતાં હતા”શેફાલીએ કહ્યું.
“શું કહેતાં?”મેં પૂછ્યું.
“કહેતાં હતા,મારી છોકરીઓ સાથે સંબંધ રાખવાની કોઈ જરૂર નથી.એક મહિનામાં તેના લગ્ન થઈ જવાના છે અને એ અમેરિકા ચાલી જવાની છે,કંઈ થયું હતું તમારી વચ્ચે?”
“કંઈ ખાસ નહિ”મેં કહ્યું, “હું જમીને વાત કરું તારી સાથે”
મેં ફોન કટ કરી દીધો.મને ધ્રાસ્કો પડ્યો.બે દિવસ પહેલાં નિધિ કોઈના બાયોડેટાની વાત કરતી હતી.તેનાં પપ્પા એ છોકરાં સાથે જ લગ્ન કરાવવાની વાત કરતાં હતાં.નિધિની ઈચ્છા વિરુદ્ધ તેનાં પપ્પા તેનાં લગ્ન કરાવી દેશે,મને એ વાતનો ડર હતો.
મને ફરી બીજો વિચાર આવ્યો, નિધિનો ફોન તેનાં પપ્પા પાસે હતો,એણે જ મારો નંબર બ્લૉક કર્યો હશે.એને ખબર હશે કે હું બીજાં કોઈ વ્યક્તિ મારફત નિધીનો સંપર્ક કરવાની કોશિશ કરીશ.મને ગુમરાહ કરવા માટે જ તેણે શેફાલીને મારફતે આ સંદેશો મોકલાવ્યો હશે.
મારાં માટે અત્યારે નિધિ સાથે વાત કરવી પણ મહત્વની હતી અને નિધિના પપ્પા જેવાં વ્યક્તિઓ સામે લડવું પણ જરૂરી હતું.હું બંનેમાંથી એક કામ કરી શકું એમ હતો.મતલબ મારી પાસે બે વિકલ્પ હતાં જેમાંથી મારે એક વિકલ્પ પસંદ કરવાનો હતો.
મેં એક વિકલ્પ પસંદ કર્યો.નિધિ સામે મુસીબતોમાં ફસાયેલી છોકરીઓનું પલ્લું ભારે લાગ્યું.જો અત્યારે નિધિ મારી સાથે હોત તો એ પણ આ જ વિકલ્પ પસંદ કરવાનું કહેત.
મારે તાત્કાલિક પ્લાન બનાવવાનો હતો.કોઈપણ સંજોગોમાં મારે આ ચેઇનને તોડવાની હતી.પણ ક્યાંથી શરૂઆત કરવી એ મને સમજાતું નહોતું.મેં ગથન કર્યું.હું સીધો કોઈની કૉલર નહોતો પકડી શકવાનો.મારે ધીમે ધીમે કડીથી કડી મેળવીને આગળ વધવાનું હતું.હું એકલો આ બધું નહોતું કરી શકવાનો.મારે ઘણાં બધા લોકોને વિશ્વાસમાં લેવાના હતા.
એ માટે મારી પાસે જબરદસ્ત પ્લાન હતો.જે માહિતી આ ડિસ્કમાં હતી એ ચાલી છે કે ખોટી તેની ખાતરી મારે રૂબરૂ કરવી હતી.મેં કસ્ટમરના ફોલ્ડરમાંથી નજીક પડતી એક હોટેલની માહિતી લીધી.ઉતાવળથી જમવાનું પતાવી, ‘આજે દોસ્તનો જન્મદિવસ છે એટલે તેનાં ઘરે સુઈ જઈશ’ એવું બહાનું બનાવી ઘરથી નીકળી ગયો.
બહાર આવી પહેલાં બકુલને ફોન કર્યો.મારે આ કામ કરવા થોડાં રૂપિયાની જરૂર હતી.બકુલ પાસેથી મેં પાંચ હજાર રૂપિયા મારાં ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા.પહેલાં મારો મતલબ કઢાવવા મેં બકુલને ફસાવ્યો હતો પણ હવે બકુલ સારો દોસ્ત બની ગયો હતો.
મારાં પ્લાનને અંજામ આપવા હું એ હોટેલ પહોંચી ગયો,હોટેલ વિજય પેલેસ.
(ક્રમશઃ)
જૈનીતના મગજમાં શું ચાલી રહ્યું હતું?, શું તેણે નિધિ સાથેના સંબંધોનો અંત કરવાનું વિચારી લીધું હતું?,નિધીને જ્યારે ખબર પડશે કે જૈનીતને તેનાં પપ્પા સાથે આવું વર્તન કર્યું છે ત્યારે નિધિ કેવું રિએક્શન આપશે?,જૈનીત હોટેલ વિજય પેલેસમાં જઈને શું કરવાનો હતો?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226