રાઈટ એંગલ - 31 Kamini Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઈટ એંગલ - 31

રાઈટ એંગલ

પ્રકરણ–૩૧

‘હા...તો મિસિસ નાણાવટી...આપ અત્યારે ક્યાં રહો છો?‘ નિતિન લાકડાવાલાએ સાહજિક રીતે પૂછયું પણ રાહુલ સચેત થઇ ગયો.

‘માય ઓબ્જેક્શન સર...આપણાં કેસ સાથે સવાલ લાગતો વળગતો નથી.‘ રાહુલે તરત વાંધો ઊઠાવ્યો. એ સમજી ગયો કે નિતિન લાકડાવાલા વાત કંઇ તરફ વાળવા માંગે છે.

‘નામદાર...આપણાં કેસ સાથે આ વિગત જરુરી છે એટલે જ પૂછું છું.‘

‘ઓબ્જેકશન ઓવર રુલ્ડ!‘

જજે ઓબ્જેક્શન રદ્દ કરી નાંખ્યું.

‘હા...તો મિસિસ નાણાવટી આપ ક્યાં રહો છો?‘ નિતિન લાકડવાલાએ ફરી પૂછયું એટલે કશિશે શટલ રીતે રાહુલ સામે જોયું. રાહુલના ચહેરા પર સહજભાવ હતા.

‘જી...હું મારા મિત્રના ફ્લેટમાં ભાડેથી રહું છું.‘

‘આપ તો કૌશલ નાણાવટીના પત્ની છો...તો નાણાવટી પરિવાર સાથે કેમ રહેતા નથી?‘

‘ઓબ્જેક્શન સર...‘ રાહુલે ફરી વાંધો ઊઠાવ્યો. જજ જવાબ આપે તે પહેલાં જ નિતિન લાકડાવાલા બોલ્યા,

‘નામદાર...મને મિસિસ નાણાવટીને સવાલ પૂછતા જાણી જોઇને અટકાવવામાં આવે છે...હું કેસને રિલેટડ જ સવાલ કરું છું તે મારા સવાલ પૂરા થશે એટલે કોર્ટને સમજાઇ જશે. મહેરબાની કરીને મને સવાલ પૂછવાની મંજુરી આપો!‘

‘ઓબ્જેક્શન ઓવર રુલ્ડ!‘ બીજીવાર પણ જજે નિતિન લાકડાવાલાની ફેવર કરી. કશિશ ચૂપચાપ બધું સાંભળતી ઊભી રહી. ફિલ્મસમાં અનેક વખત આ સીન જોયો હતો. આજે એના જીવનમાં ભજવાઇ રહ્યોં હતો.

‘મિસિસ નાણાવટી મારા સવાલનો જવાબ આપો...તમે કેમ તમારા પરિવાર કે પતિ સાથે નથી રહેતા?‘ નિતિન લાકડવાલાએ જાણીજોઇને કશિશને નીચું દેખાડવા માટે આ સવાલ પૂછયો હતો. પણ કશિશે માથું ટટ્ટાર કરીને જવાબ આપ્યો,

‘મારા પતિ અને મારા સાસરાવાળા નથી ઇચ્છતા કે હું મારા ભાઇ અને પપ્પા સામે કેસ કરું. પણ મને ન્યાય જોઇએ છીએ...એટલે મેં તેમની શરત મુજબ ઘર છોડયું છે.‘ કશિશના પ્રમાણિક જવાબ સાંભળીને નિતિન લાકડવાલાના ચહેરા પર લુચ્ચુ સ્મિત આવી ગયું.

‘મિસિસ નાણાવટી...આપે ઘર છોડી દીધું છે...તો આપ આપનો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવો છો?‘

‘જી....મેં એક કોફી હાઉસ હમણાં બે–ચાર દિવસ પહેલાં જ ખોલ્યું છે. જેથી મારો ખરચ નીકળી શકે.‘

‘તમે આ જગ્યા ભાડે લીધી છે કે પૈસા ચૂકવીને ખરીદી છે?‘

‘માય ઓબ્જેક્શન સર....આરોપીના વકીલ મારા અસીલને અર્થ વિનાનાં સવાલ પૂછીને નાહક હેરાન કરી રહ્યાં છે અને સાથે સાથે કોર્ટનો કિંમતી સમય પણ વેડફી રહ્યાં છે.‘ રાહુલે ઓબ્જેક્શન લીધું એટલે તરત જ નિતિનભાઇ પોતાનો બચાવ કર્યો,

‘નામદાર હું પહેલાં પણ કહી ચૂકયો છું કે હું કેસને રિલેટેડ જ સવાલ કરું છું. અને મારા વકીલ મિત્ર મને વાંરવાર રોકીને કોર્ટનો સમય બરબાદ કરી રહ્યાં છે.‘

‘ઓબ્જેક્શન ઓવર રુલ્ડ...તમારે જે પૂછવું હોય ટુ ધ પોઇન્ટ પૂછો. કોર્ટનો સમય બચાવો.‘ જજે નિતિનભાઇને સવાલ પૂછવાની પરમિશન આપી સાથે સાથે ટકોર પણ કરી.

‘મેં આ જગ્યા ભાડે લીધી છે.‘

‘નામદાર મારે કોર્ટને એટલું જ જણાવવાનું છે કે હાલ મિસિસ કશિશ નાણાવટીની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ છે અને પોતાને આર્થિક ફાયદો થાય તે માટે તથા પૈતૃક સંપતિમાં વારસામાં હક્ક મેળવવા માટે જ એમણે એમના પપ્પા તથા ભાઇ સામે કેસ કર્યો છે. એમની નજર પહેલેથી જ સંપતિ પર હતી. હવે એમની સાથે એમના સાસરાવાળા પણ એમની સાથે નથી એટલે એમને પૈસાની ખૂબ જરુર છે. તે માટે એમણે મારા અસીલને ખોટી ફરિયાદ કરીને ફસાવ્યા છે. એટલે મારી અદાલતને દરખાસ્ત છે કે અદાલત આ મુદ્દા પર ગોર કરે.‘

નિતિનભાઇ બોલવાનું પૂરું કર્યું. ત્યાં બેલિફ એક કવર રાહુલને આપી ગયો. રાહુલે તેના પર નજર ફેરવીને જજ સામે મૂકયો,

‘નામદાર...અગર મારી અસીલ મિસિસ કશિશ નાણાવટીએ માત્ર પૈસાની લાલચમાં કેસ કર્યો હોત તો એ આમ પહેરેલ કપડે એણે ઘર છોડ્યું ન હતો. કારણ કે કોર્ટ જાણે જ છે કે સાસરા તરફથી મળતાં દાગીના પર સ્ત્રીનો હક્ક હોય છે. મારી અસીલ કશિશ નાણાવટીએ સંપત્તિમાં હિસ્સો મેળવવા કેસ નથી કર્યો. તેના પુરાવા રુપે હું તેમના પતિ કૌશલ નાણાવટીનો આ લેખિત પત્ર રજુ કરું છું. જે કોર્ટની સામે જ મને હમણાં મળ્યો છે. જેમાં એમણે કબૂલ કર્યું છે કે કશિશ નાણાવટીના દર–દાગીના, બેન્કના ક્રેડિટ/ડિબેટ કાર્ડ વગેરે એમના સાસરાવાળા પાસે જ છે. મારી અસીલે ધાર્યુ હોત તો સાસરાવાળાની મિલકત પર તાગડધિન્ના કરી શકી હોત. પણ એમણે પોતાનો રસ્તો જાતે કંડારવાનું નક્કી કર્યું છે. મારી અસીલની આ પ્રમાણિકતા તથા ખુદ્દારી પર કોર્ટને ગર્વ થવો જોઇએ કે આપણી ભારતીય નારી કેટલી હિંમતવાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોર્ટની સમક્ષ કશિશ નાણાવટી રુપે છે. મારા વકીલ મિત્ર ભારતીય નારીની ખુદ્દારીને બિરદાવવાના બદલે એમના પર લાંછન લગાવીને એમના સ્ત્રીત્વનું અપમાન કરી રહ્યાં છે.‘

રાહુલને ધ્યાનથી સાંભળતી કશિશને તરત લાઇટ થઇ. કાલે રાતે ધ્યેય અને રાહુલ કદાચ આ વિશે જ વાત કરતાં હતા. રાહુલે જ કૌશલ પાસેથી આ પત્ર મેળવ્યો હશે. પોતે ઘર છોડી ગઇ તે છતાં પોતાના વ્યવહારમાં શાલીનતા જાળવી રાખી તેથી કૌશલ પ્રત્યે કશિશને માન થયું. રાહુલની સ્પીચથી પુરું કોર્ટમાં વાતાવરણ કશિશ તરફી બની ગયું હતું.

જજે બધી નોંધ કરીને બન્ને પક્ષના વકીલ તરફ જોઇને કહ્યું,

‘બચાવ પક્ષના વકીલે ફરિયાદી પર ખોટા આક્ષેપ કરવાના બદલે આરોપી નિર્દોષ છે તેવા પુરાવા રજુ કરવા પર ધ્યાન આપવું..નેકસ્ટ ડેટ ટવેન્ટી ફોર્થ ઓગસ્ટ...કોર્ટ ઇઝ આડજર્ન ટુ ડે.‘ જજનો ઠપકો સાંભળીને નિતિન લાકડાવાલાનું મોઢું પડી ગયું. ઉદય તરફ વિજયી નજર ફેંકતી કશિશ કોર્ટરુમની બહાર નીકળી.

‘વેલડન રાહુલ...‘ બહાર આવીને કશિશે પહેલું કામ રાહુલને બિરાદવવાનું કર્યું. આખરે એણે પાક્કું હોમવર્ક કર્યું હતું. જેને કારણે આજે આટલી સફળતા મળી.

‘થેન્કસ મેમ..‘ રાહુલ આટલું બોલીને ઓફિસ તરફ જવા લાગ્યો એટલે કશિશે એને અટકાવ્યો.

‘હેય વેઇટ...‘ કશિશ એની નજીક આવીને કશું પૂછવા ગઇ. પણ પાછી અટકી ગઇ. એ કોઈ અવઢવમાં છે તે દેખાય આવતું હતું.

‘મેમ તમારે કંઇ પૂછવું છે?‘ રાહુલ એના ચહેરા પરની મૂંઝવણ જોઇને બોલ્યો,

‘તું કૌશલને મળ્યો હતો? આ લેટર માટે?‘ આખરે કશિશના દિલની વાત હોઠ પર આવી જ ગઇ.

‘જી..મેમ આજે સવારે જ મેં એમને ફોન પર વાત કરી હતી. એમણે સારો સહકાર આપ્યો. મેં માણસને લેટર લઇને મોકલ્યો હતો એમણે રાજીખુશીથી સહી કરી આપી.‘ આમ તો કશિશ કોર્ટમાં લેટર રજુ થયો ત્યારે જ બધું જાણી ગઇ હતી તો પણ આ બધું પૂછવામાં એને ખૂબ આનંદ આવતો હતો. પતિ–પત્નીના સંબંધ એમ દૂર રહેવાથી કાપી શકાતા નથી.

કશિશ ગીત ગણગણતી ચાલવા લાગી. એના ચહેરા પર અજીબ સુરખી હતી. એ જ મૂડમાં એ કોફી હાઉસ પહોંચી તો કોફી હાઉસમાં ચાર–પાચં સ્ટુડન્ટસ બેઠાં હતા. કોફી હાઉસ એમની વાતો અને હસી મજાકથી ગૂંજતું હતું. એ જોઇને કશિશને સુખદ આંચકો લાગ્યો. કશિશની હેલ્પર બધાં ઓર્ડરને પહોંચી વળવા દોડાદોડી કરતી હતી. કશિશ ક્ષણ બે ક્ષણ બધું અચરજથી જોઇ રહી. પછી તરત જ એણે કાઉન્ટર સંભાળી લીધું અને હેલ્પરને મદદ કરવા લાગી. રાતે આઠ સુધી કોફી હાઉસ ધમધમતું રહ્યું. નવ વાગે બન્ને ફ્રી થયા એટલે કશિશે કોફી હાઉસ સમેટવાનું ચાલુ કરી દીધું. હિસાબ કરીને જોયું તો આજે હજાર રુપિયાનો વકરો થયો હતો. કશિશે નિરાંતનો શ્વાસ લીધો. ચાલો આજે એક ગોલમાં એ સફળ થઇ રહી છે તેવું કહી શકાય. એકલાં જીવન જીવવું એટલું પણ આકરું નથી હોતું. બસ જાતે રસ્તો બનાવતા આવડવું જોઇએ, બસ ખુદ્દ પર ભરોસોં હોવો જોઇએ, અને હિંમત અને સાહસ કરવાનું જોખમ ઊઠાવવાની ત્રવેડ હોવી જોઇએ તો આસમાન પણ પોતાનું થઇ શકે છે.

બીજે દિવસે સવારે ઊઠીને કોફી હાઉસ જવાની તૈયારી કરતી હતી એ એની નજર પેપર પર પડી. સિટિ પેઇજ પર મોટા અક્ષરે હેડલાઇન છપાઇ હતી

‘અજીબોગરીબ જાણવા જેવો કેસ...શહેરની નાંમાકિત પરિવારની સ્ત્રીએ ન્યાય માટે પતિ અને ઘર છોડ્યા!

કશિશે ફટાફટ બધાં સમાચાર પર નજર ફેરવી તો કાલે જે કોર્ટમાં એના કેસમાં બન્યું હતું તેની સંપૂર્ણ વિગત સાથે ખરેખર કેસ શું છે તે વિશે પણ માહિતી હતી. કશિશની બહાદૂરી અને ખુદ્દારીની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. ત્યાં તો કશિશના ફોન નંબર પર રીંગ વાગવા લાગી. એણે જોયું તો નંબર અજાણ્યો હતો. એણે હેલો કહ્યું તે સામેથી તરત જ સંભળાયું,

‘મેમ...તમારી અપોઇન્ટમેન્ટ જોઇએ છીએ. અમારા મેગેઝિન માટે તમારું એક્સલુસિવ ઇન્ટરવ્યુ જોઇએ છે.‘ કશિશ હજુ કશો જવાબ આપે તે પહેલાં તો બીજા નંબરથી ફોન આવવા લાગ્યો. હજુ એ ફોન કટ કરે ત્યાં વળી ત્રીજા નંબર પરથી રીંગ આવવા લાગી. કશિશ સ્તબ્ધ થઇને એના મોબાઇલ પર આવતાં ફોનકોલ્સ સામે તાકી રહી. એના મનમાં સવાલ ઊઠયો, આખરે આ કામ કોણે કર્યું?

(ક્રમશ:)

કામિની સંઘવી