Diwali Bonus books and stories free download online pdf in Gujarati

દિવાળી બોનસ!

પોઝિટીવીટી * ભાવિક ચૌહાણ

---------------------------

“કહાં સે આયે હો ?”

“યહાં, SRT કોલોની સે આયા હું, સાબ.” એણે જવાબ આપ્યો.

“કહાં કામ કરતે હો ?”

“SRT કંપની મેં કામ કરતાં હું, સાબ.”

“તો અબ કહાં જાઓગે ?” સામેના માણસે ફરી પ્રશ્ન પૂછયો.

“ઘર જાના હૈ, રાજસ્થાન. કોઈ ટ્રેન મિલેગી યહાં સે જાને કે લિયે ?” જવાબ આપીને તે છોકરાએ પ્રશ્ન પૂછ્યો.

“આજ કે દિન મેં તો કોઈ ટ્રેન નહીં હૈ રાજસ્થાન જાને વાલી. તેરે કો કલ હી ટ્રેન મિલેગી.” પેલાએ ઉદાસ મોઢે જ ‘હા’માં મોઢું હલાવ્યું.

“ક્યા કામ કરતે હો ?” તે માણસે પૂછ્યું.

“લેબર કા કામ કરતાં હું, સાબ.” છોકરાએ નીચું જોઈને જ જવાબ આપ્યો.

૧૭ વર્ષના એક છોકરા અને ગામડાના એક માણસ વચ્ચે રેલ્વે સ્ટેશન પર વાત ચાલી રહી હતી.

રાજસ્થાનના અલવર પાસેના એક ગામડામાં રહેતો તે છોકરો - દિલાવર પોતાના વતન રાજસ્થાનમાં જે કંપનીમાં કામ કરતો હતો ત્યાંના અન્ય બે સાથી મિત્રો સાથે કચ્છની એક ખાનગી કંપનીમાં વધુ પગાર મળતો હોવાથી કામ કરવા માટે આવ્યો હતો. તે ત્રણેય મિત્રોને અન્ય એક માણસ જે કચ્છમાં એ ખાનગી કંપનીમાં કામ કરતો હતો તે પોતાની સાથે રાજસ્થાનથી કચ્છ કામ કરવા માટે લાવ્યો હતો. પરંતુ થયું એવું કે દિલાવરના સાથી મિત્રો અને એ વ્યક્તિ દગાબાજ નીકળ્યા. બે દિવસ દિલાવરને પોતાના રૂમ પર રાખ્યો. પછી ત્રીજે દિવસે રાત્રે જ્યારે દિલાવર કંપની દ્વારા અપાયેલી નાનકડી ઓરડીમાં સૂતો હતો ત્યારે રાત્રે તેના અન્ય બે સાથી મિત્રો અને ત્રીજો એ માણસ જે આમને સાથે લાવ્યો હતો - તે ત્રણેય દિલાવરને એકલો છોડી અને કોઈ અન્ય જગ્યાએ કોઈને કહ્યા વિના ભાગી ગયા અને સાથે દિલાવરનું પાકીટ જે પથારી નીચે મૂકેલું હતું તેમાં જે કાંઈ પણ રૂપિયા હતા તે પણ ચોરી કરી સાથે લેતા ગયા. દિલાવરનો મોબાઈલ ફોન પેન્ટનાં ખિસ્સામાં હતો તેથી તે બચી ગયો.

સવારે ઊઠીને જ્યારે જોયું તો પથારી નીચે રાખેલાં પાકીટમાંથી રૂપિયા ગુમ હતા અને દિલાવરે તેના કોન્ટ્રાક્ટર સાથે વાત કરી ત્યારે સાચી હકીકત દિલાવરને જાણવા મળી કે એ લોકો કોન્ટ્રાક્ટર પાસેથી પણ કંપનીમાં અન્ય રાજ્યમાંથી લોકોને લઈ આવી કામે રાખવાના - લેબર માણસોના રૂપિયા અર્થાત્ પોતાનું જે કમિશન થાય તે લઈ અને કોઈ જાણ કર્યા વિના આજે રાત્રે ભાગી ગયા હતા.

સવારથી દિલાવર તેની સાથે આવેલા મિત્રોને ફોન કરી સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તેમને કોલ લાગતો જ ન હતો. તે લોકોએ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. આ ઘટના બન્યા બાદ હવે તો કોન્ટ્રાક્ટરને પણ દિલાવર પર વિશ્વાસ રહ્યો ન હતો. “તુ ભી ઉસકે જૈસા નીકલે તો ફિર મૈં કિસકો ઔર કહાં ઢુંઢને જાઉં ?” તેમ કહી હવે તેને કામ પર રાખવાની ના પાડી દીધી અને ત્રણ દિવસના કામ કરવાનો પગાર પણ ન આપ્યો. દિલાવર આજીજી કરતો રહ્યો, પણ કોન્ટ્રાક્ટર કોઈ વાત સમજવા તૈયાર ન થયો.

ફરતો ફરતો કેટલાક લોકોને પૂછતો એ રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યો.

“કુછ ખાયા પિયા કી નહીં ?” રેલ્વે સ્ટેશન પરના તે માણસે પૂછ્યું.

“નહિ સાબ. કલ રાત સે કુછ નહીં ખાયા.” એણે નીચું જોતાં જ મોઢા પર દુઃખી ભાવ સાથે ટૂંકમાં જવાબ આપ્યો.

ચહેરા પર અપાર વેદના રહેલી હતી. આંખોમાં આંસુ આવી જતાં હતાં, પણ કોની સામે પોતાનાં આંસુ ઠાલવવા ? કોને પોતાની વેદના સમજાવવી ? આ અજાણ્યા પ્રદેશમાં તેને કોઈ ઓળખતું પણ ન હતું. ઉંમર પણ હજુ નાની હતી.

એક દિવસથી કાંઈ જમ્યું ન હતું. બસ, આમ તેમ સતત ભટક્યા કર્યું હતું. સતત ટેન્શનમાં અને ટેન્શનમાં ૧૭ વર્ષની એ ઉંમરે કાંઈ સૂઝતું પણ ન હતું કે હવે શું કરવું ? ક્યાં જવું ? ખિસ્સામાં એક પણ રૂપિયો મળે નહિં કે જેથી તે ઘરે જવાની કોઈ વ્યવસ્થા કરે. ટ્રેનમાં ઘરે જવું હતું, પરંતુ ‘રસ્તામાં ટીસી પકડી લેશે તો ?’નો મનમાં ડર હતો. ઘરે જવું તો પણ ત્યાં શું કામ કરવું તે ચિંતા તેને સતાવતી હતી. ત્યાં પણ તે નોકરી છોડીને જ તો અહીંયાં કામ કરવા માટે આવ્યો હતો.

શરીરના પરસેવાની ભીંજાઈ ગયેલાં એ પેન્ટ અને શર્ટ પર સફેદ ધાબાં દેખાઈ રહ્યાં હતાં. થોડાં થોડાં મેલાં કપડાં, પગમાં કાળા રંગના સેફ્ટી બુટ પહેરેલા અને સાથે એક થેલો અને ચહેરા પર અપાર મૂંઝવણ વચ્ચે એ ૧૭ વર્ષનો દિલાવર રેલ્વે સ્ટેશન પર ઊભો ઊભો એ માણસ સાથે વાત કરી રહ્યો હતો.

ઘરની સંપૂર્ણ જવાબદારી દિલાવર અને તેની માતા પર આવી પડી હતી. પિતાનું બે વર્ષ પહેલાં કેન્સરની બીમારીનાં કારણે મૃત્યુ થયું હતું. ઘરમાં ગરીબીનો આંટો ઘેરી વળ્યો હતો. પરિવારમાં પોતે એક ભાઈ, બે નાની બહેન અને માતા - એમ ચાર જણ હતાં. એક બહેન સાતમા ધોરણમાં અને બીજી બહેન નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ઘર ખર્ચ અને બહેનોના અભ્યાસનો ખર્ચ કાઢવો એ જવાબદારી હવે દિલાવર અને તેની માતા પર આવી પડી હતી. દિલાવરે દશમું ધોરણ ભણીને અભ્યાસ છોડી દીધો હતો અને ઘરે રૂપિયાની જરૂરિયાત ઉદ્દભવતાં કામ પર લાગી ગયો હતો. ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી હાલત થઈ ગઈ હતી.

હવે ઘરે પરત જવું પણ પોસાય તેમ ન હતું. મનના એકાદ ખૂણે વિચાર આવતો હતો કે અહીંયાં જ કોઈ બીજી જગ્યાએ કામ મળી જાય તો કામ પર લાગી જાઉં, પણ કામ માટે જવું ક્યાં અને કોણ રાખશે કામ પર ? વિસ્તાર તદ્દન અજાણ્યો છે. હજુ ચાર જ દિવસ થયા હતા કે તે આ નવા વિસ્તારમાં આવ્યો હતો. કોઈને ઓળખતો પણ ન હતો. ખિસ્સામાં રૂપિયાનું એક ફદિયુંય ન મળે. એ જ મેલાંઘેલાં કપડાં ને એક થેલો લઈને એ ફરતો હતો.

“પર સાબ, વહાં જાકે મૈં ક્યા કામ કરુંગા ? ઈસસે અચ્છા હૈ યહાં કોઈ કામ મિલ જાવે તો અચ્છા રહેગા. વો કોન્ટ્રાક્ટર ને તો મના બોલ દિયા કામપે રખને કા.” તે બોલ્યો.

“તેરે પાસ અધાર કાર્ડ ઔર કોઈ ડોક્યુમેન્ટ હૈ ?” એ ભાઈએ પૂછ્યું.

“જી સાબ, મેરા આધાર કાર્ડ હૈ.” તેણે પોતાના રૂપિયા વિનાનાં ખાલી પાકીટમાંથી આધાર કાર્ડ કાઢીને બતાવ્યું. તે ભાઈએ આધાર કાર્ડની તમામ માહિતી વાંચી.

“ઔર કુછ ડોક્યુમેન્ટ હૈ ?”

“નહિ સાબ. પાસપોર્ટ ફોટો હૈ ઔર બાકી એક મેરે મમ્મી-પપ્પા કા ફોટો હૈ સાથ મેં. બાકી તો કુછ નહિ હૈ.” જવાબ આપતાં આપતાં તે થોડો ઢીલો પડી ગયો.

તે ભાઈનું નામ હતું કિશોરભાઈ. કિશોરભાઈએ પોતાના એક ઓળખીતા કોન્ટ્રાક્ટરને ફોન કરી અને સંપૂર્ણ વાત જણાવી તેને પરિસ્થિતિ સમજાવી. કિશોરભાઈ દિલાવરને પોતાની જૂની એવી એ બાઈક પર સાથે લઈ ગયા અને પછી તમામ આધાર પુરાવા જમા કરાવી અને નજીકની એક કંપનીમાં દિલાવરને લેબર કામ માટેની નોકરી અપાવી તેમજ રહેવા અને જમવાની વ્યવસ્થા કરાવી આપી. ત્યાર પછી કિશનભાઈ ત્યાંથી છુટા પડ્યા. દિલાવરે કિશોરભાઈનો ખૂબ જ આભાર માન્યો.

દિલાવરે માટીની તે કંપનીમાં કામ શરૂ કરી દીધું હતું. કંપનીમાં તેના ઉપરી સાહેબ જે કામ કહે તે કામ એ કરી આપતો. કોઈ દિવસ કોઈ કામની તે ના જ ન પાડતો. સારી એવી મહેનતનાં કારણે અને ઓવરટાઈમ કરવાનાં કારણે મહિને સાડા છ - સાત હજારનો પગાર મળી જતો. એમાંથી પોતાના ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા જ પોતે રાખતો. બાકીની તમામ રકમ તે પોતાના ઘરે પોતાની માતાને મોકલાવી દેતો હતો.

દરરોજ ઘરની ખૂબ યાદ આવતી. સાંજે રૂમ પર બેઠાબેઠા કેટલીયે વાર દિલાવર રડી પડતો. તેની આંખો ટપટપ આંસુથી વહેવા લાગતી. પરંતુ હવે તે ક્યાં જાય અને કોને કહે ? ઘરની પરિસ્થિતિ સુધારવા માટે અને બહેનને ભણાવવા માટે અહીંયાં નોકરી કરવી ખૂબ જરૂરી હતી. જો અહીંયાં કામ છોડીને તે પોતાનાં વતનમાં જતો રહે તો ત્યાં ઓછો પગાર મળે તે મુશ્કેલી હતી. તેથી સુખેદુ:ખે અહીં જ દિવસો કાઢી કામ કરવા પોતાનું મન તેણે મનાવી લીધું હતું.

ઉંમરમાં નાનો હોવાથી કેટલીક વાર અન્ય સાથી મજૂરો હેરાન કરતા ત્યારે તેનો પણ સામનો તેણે કરવો પડતો. કેટલીક વાર કંપનીવાળા ઓવર ટાઈમ કરાવતા, પગાર મોડો આપતા - આ બધું જ સહન કરવું પડતું. દિલાવરની મજબૂરી હતી કેમ કે અહીંયાં બીજી કંપનીઓ કરતાં થોડો સારો પગાર મળતો હતો. ઘરે પણ પૈસાની ખૂબ જરૂર હતી એટલે નોકરી છોડી દેવાનો તો વિચાર આવતો જ નહીં. બહુ નાની ઉંમરે તેનામાં યોગ્ય પરિપક્વતા અને સમજણ આવી ચૂક્યાં હતાં. કોઈ પણ પરિસ્થિતિ કેવી રીતે સાચવવી તે તેને હવે બરાબર આવડી ગયું હતું.

કેટલીક વાર ઓવર ટાઈમ કરવાનાં કારણે તે ખૂબ થાકી જતો. ઘણી વાર તો કામ કરતાં કરતાં જરા બેસતો ને ઝબકી કયારે આવી જતી તેનો ખ્યાલ પણ ન રહેતો. સતત કામનાં કારણે અને રહેવાની જગ્યા પણ એટલી વ્યવસથિત સાફ સુથરી ન હોવાના કારણે તેમજ જમવાનાં કોઈ ઠેકાણાં ન હોવાના કારણે તે ક્યારેક બીમાર પડી જતો. એક દિવસ તેને થોડો થોડો તાવ આવવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં બહુ ધ્યાન ન આપતાં તાવ ખૂબ વધી ગયો. ચોથા દિવસે તાવ એટલી હદે વધી ગયો કે શરીરમાં એકદમ નબળાઈ આવી ગઈ ત્યારે બાજુના શહેરમાં ડોક્ટરને બતાવવા માટે ગયા ત્યારે ડોક્ટરે તપાસીને કહ્યું, “તને મેલેરિયા થયો છે. હમણાં તો થોડા દિવસ ફરજીયાત આરામ જ કરવો પડશે અને કામ પર રજા રાખવી પડશે.”

“આજે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. પછી રિપોર્ટ શું આવે છે તેનાં પરથી બાકીના ઈલાજનો ખ્યાલ આવશે.” ડોક્ટરે કહ્યું. દિલાવર સાથે તેનો એક સાથી કર્મચારી આવ્યો હતો.

ડેન્ગ્યુની વધુ અસરનાં કારણે અને અશક્તિ આવી જવાનાં કારણે તે સતત ૧૪ દિવસ સુધી કામ પર ન જઈ શક્યો. તેથી એ કંપનીના સાહેબે તેને પગાર આપી અને કામ પરથી છૂટો કરી દીધો. હવે દિલાવરને ફરી એ જ ઉપાધિ આવી પડી હતી જે સૌથી પહેલા આવી હતી. નવ મહિના સુધી તેણે એ કંપનીમાં કામ કર્યું. હવે ફરી કોઈ નવી જગ્યાએ કામ શોધવાનું હતું.

શોધખોળનાં અંતે તેણે એક રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકેની નોકરી સ્વીકારી કામ કરવાનું શરૂ કર્યું. એક વર્ષ તેણે તે રેસ્ટોરન્ટમાં કામ કર્યું. ત્યાં તેને કામ કરવાની મજા નહોતી આવતી અને પગાર પણ ઓછો મળતો હતો. તેથી તેને એ નોકરી પસંદ નહોતી આવતી. પરંતુ અહીંયાં તેની નોકરી થોડી સુરક્ષિત હતી અને જમવાનું પણ થોડું સારું મળતું એટલે એક વર્ષ સુધી સુખેદુ:ખે ચલાવી લીધું. ફરી તેણે નવી નોકરીની શોધ શરૂ કરી દીધી.

તેની ઉંમર પણ વધીને હવે ૧૯ વર્ષ થઈ ગઈ હતી. બે વર્ષ દરમિયાન અનેક ઉતાર-ચડાવ તેણે પોતાની જિંદગીમાં જોયા હતા. ખૂબ કપરા દિવસો આટલી નાની ઉંમરે જોયા હતા. એ બે વર્ષ દરમિયાન કેટલીક વાર તો એવા દિવસો પણ આવ્યા હતા કે આખો દિવસ ભૂખ્યા કામ કરીને છેક રાત્રે માંડ ત્રણ રોટલી અને પાણી જેવી દાળ જમવા માટે મળતાં. આ બે વર્ષ દરમિયાન જુદી જુદી ત્રણ જગ્યાએ નોકરી તે કરી ચૂક્યો હતો. દરેક જગ્યાએ પોતાનાથી બનતું સારું કામ આપવાનો તેણે પ્રયાસ કર્યો હતો. કોઈ દિવસ તેનાં કામ માટે ફરિયાદ આવી ન હતી. કેટલીક વાર અન્ય લોકોની હરામપાઈનો તે ભોગ જરૂર બન્યો હતો.

શરૂઆતનાં બે વર્ષ તો તેણે દિવાળી કચ્છનાં લોકો સાથે જ ઉજવી હતી. બે વર્ષ સુધી તે ઘરે ગયો જ ન હતો. ફોન પર ઘરે વાત થતી એટલું જ. તે સતત એક મશીનની જેમ કામ કર્યા કરતો અને મહિનાને અંતે જે પગાર મળતો તે ઘરે - રાજસ્થાન મોકલાવી દેતો. તેમાંથી તેના ઘરનો ખર્ચો અને બે બહેનનો ભણવાનો ખર્ચો નીકળી જતો. એ બે વર્ષના સમયગાળા દરમિયાન તેને રૂપિયા અને ઘરની પરિસ્થિતિ સારી થઈ જાય એ સિવાય બીજું કશું દેખાતું જ ન હતું.

રેસ્ટોરન્ટમાં કામ કરવાનું એક વર્ષ પૂર્ણ થયું એટલે તેને બીજા જ દિવસથી એક સ્ટીલના નળ બનાવતી કંપનીમાં નોકરી મળી ગઈ. ત્યાં કામ થોડું મહેનતવાળું હતું, પરંતુ સામે પગાર પણ એક હજાર રૂપિયા વધારે મળતો હતો તેથી તેણે એ કંપનીમાં કામ કરવાનું શરૂ કરી જ દીધું. પોતાની લગન અને મહેનતનાં કારણે તે હવે અન્ય સાથીઓ તેમજ સાહેબનો પ્રિય બની ગયો હતો.

ધીરે ધીરે સમય જતો ગયો. સ્ટીલના નળ બનાવતી કંપનીમાં કામ કરતો હતો તેને હવે ત્રણ વર્ષ પૂરાં થવા આવ્યાં હતાં. એ કંપનીમાં તેને બોઈલર પર કામ મળ્યું હતું. ત્યાં તે ખૂબ જ સારું કામ છેલ્લાં ત્રણ વર્ષથી કરી રહ્યો હતો. તે કંપનીમાં તેનાં સાહેબ પણ તેનાં કામથી ખૂબ ખુશ અને સંતુષ્ટ હતા. તે શર્મા સાહેબ પણ દિલાવરની ઘરની પરિસ્થિતિ વિશે જાણતા હતા.

એક વખત દિલાવરને ઘરે રૂપિયાની ખૂબ જરૂરીયાત આવી પડી હતી ત્યારે તેણે શર્મા સાહેબને પોતાની સંપૂર્ણ વાત પહેલેથી કરી અને કચ્છમાં તેણે ૧૭ વર્ષની ઉંમરથી અત્યાર સુધી કેમ કામ કર્યું તે બધી જ વાત કરી હતી. ત્યારે સાહેબે તેને ચાર હજાર રૂપિયાની મદદ પણ કરી હતી.

શર્મા સાહેબ દર શનિવારે પોતાના નાનકડા દીકરાને કંપની પર લઈ આવતા. એક વખત સાહેબનો નાનકડો દીકરો જ્યારે બગીચામાં રમતો હતો અને તેને અચાનક વીંછી કરડ્યો હતો ત્યારે શર્મા સાહેબને જાણ કરી તેને તાત્કાલિક દિલાવર જ કંપનીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. એ દિવસથી સાહેબ તેના પર ખૂબ રાજી હતા.

દિવાળી નજીક આવી રહી હતી. આ વખતે દિલાવર ૧૦ દિવસની સાહેબ પાસેથી રજા લઈ અને ઘરે જવાનો હતો. સાહેબે પણ તેને ખુશીથી રજા આપી દીધી હતી. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા તેથી કંપનીનો દરેક લેબર કર્મચારી અને અન્ય તમામ કર્મચારીઓ દિવાળી બોનસની રાહ જોઈ રહ્યાં હતાં. દિવાળીના બરાબર એક અઠવાડિયા પહેલાં કંપનીના તમામ લેબર કામદારોને તેમજ અન્ય કર્મચારીઓને દિવાળી બોનસ અને સાથે મીઠાઈ આપાઈ ગયાં હતાં. એ દિવસે સાંજે જ્યારે દિલાવર કંપનીમાં કામ પૂરું કરીને પોતાના રૂમ પર જઈ રહ્યો હતો ત્યારે તેને ગેટ પરના વોચમેને રોક્યો અને કહ્યું, “આજ તુજે શર્મા સાહબ કો મિલકર ઘર જાના હૈ, સાહબ ને બોલા હૈ.”

દિલાવર તો ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો કે એવું તો શું થયું કે આજે મને સાહેબે તેમની ઓફિસમાં બોલાવ્યો છે ? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે કેમ ? કાંઈ ખ્યાલ જ નથી આવતો... - તે વિચાર કરતો કરતો સાહેબની કેબીન પાસે પહોંચ્યો. સાહેબ પાસે અંદર આવવાની રજા માગી. શર્મા સાહેબે દિલાવરને પ્રેમથી કહ્યું, “બેસ બેટા, સામેની ખુરશી પર. આજે મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે.” દિલાવર મૂંઝવણમાં આવી ગયો - એવી તો શું મહત્વની વાત હશે ? હવે તો દિલાવર ગુજરાતી બરાબર સમજતો થઈ ગયો હતો.


“જો દીકરા, તું છેલ્લાં ત્રણ વર્ષથી આપણી આ કંપનીમાં કામ કરી રહ્યો છે. હું તને અને તારા કામને નિયમિત જોઉં છું. તારા કામમાં કોઈ જગ્યાએ કોઈ જ કચાશ નથી જોવા મળતી. સાથે તું તારા કામ સિવાયનું પણ અન્ય ઘણું કામ કરે છે એ પણ કોઈ જાતના વધારાના પગાર વિના જ. કેટલીયે વાર આપણો માળી રજામાં હોય ત્યારે તું બગીચાના માળીનું પણ કામ કરે છે. આપણા નાનકડા ગાર્ડનની ખૂબ સારી તકેદારી રાખતો મેં તને ઘણી બધી વાર જોયો છે. જ્યારે બે મહિના પહેલાં મારા દીકરાને વીંછી કરડ્યો હતો ત્યારે પણ તે જ એને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. મને તારા પર ખૂબ ગર્વ છે અને મને તારામાં સારા ભવિષ્યની આશા દેખાય છે. આ વખતે તું દિવાળી પર ઘરે જાય છે તો તારા માટે બહુ મોટી ભેટ દિવાળી બોનસ તરીકે મારે તને આપણી કંપની તરફથી આપવાની છે.” શર્મા સાહેબે કહ્યું.

“આજથી જ્યાં સુધી તારી બંને બહેન જેટલો પણ, જે કાંઈ પણ અભ્યાસ કરશે તેની સંપૂર્ણ જવાબદારી આપણી કંપની ઉપાડશે અને સાથે સાથે તારી માતાનો કોઈ પણ દવાનો ખર્ચ કંપની ઉપાડશે. અને તું ૧૦મા ધોરણ પછી ITI કે ડિપ્લોમાનો અભ્યાસ કર અને બપોર પછી આપણી કંપનીમાં કોઈ સારું અને ઓછી મહેનતવાળું કામ મળી રહે તેવી હું વ્યવસ્થા કરાવી આપું છું.”દિલાવર આ બધું સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો. તે ખુશીથી સમાતો ન હતો એટલી તેને ખુશી થતી હતી. તેની આંખોમાંથી દડ દડ કરતાં આંસુ ટપકી પડ્યાં. તે તરત જ ખુરશીમાંથી ઊભો થઈ પોતાના સાહેબને ભેટી પડ્યો. ખૂબ રડ્યો. શર્મા સાહેબ પણ થોડા લાગણીશીલ બની ગયા હતા. સાહેબ દિલાવરની ૧૭ વર્ષની ઉંમરે શરૂ કરેલા સંઘર્ષની કહાણી સાંભળીને ખૂબ ખુશ થયા હતા.

દિલાવર જ્યારે ઘરે પહોંચ્યો અને શર્મા સાહેબ તરફથી અપાયેલી દિવાળી બોનસની વાત જ્યારે ઘરે કરી તયારે તેની માતા અને બહેનો ખુશીનાં માર્યાં નાચી ઉઠ્યાં. ઘણાં લાંબા સમયગાળા બાદ દિલાવરે અને તેનાં પરિવારે સૌથી શ્રેષ્ઠ દિવાળી મનાવી હતી. દિલાવરની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે આટલી બધી સુંદર ભેટ દિવાળી બોનસના રૂપે તેને અને તેનાં પરિવારને મળી હતી.■


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED