મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 2 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 2

બસમાં કોલેજ જતા આ બધું વિચારતી રિધિમાંને ખ્યાલ પણ ન આવ્યો ને લાલ દરવાજા આવી ગયું, કંડકટરની બૂમ સાંભળતા જ એ પોતાની વિચારોની દુનિયાથી બહાર નીકળી. બસમાંથી ઉતરીને એ બીજી બસ પકડવા માટે 5 નંબરના પ્લેટફોર્મ પર ગઈ. આજે આ જગ્યા એને એટલી ખુશી ન આપતી હતી. આજે એને અહીંની ચહલ-પહલ પસંદ ન આવી. રિધિમાંની બીજી બે બહેનપણીઓ ત્રિશા અને અંજુ એની પાસે આવ્યા. આજે આ બંનેને પણ અજુગતું લાગ્યું કે દરરોજ પોતાની હસીની સાથે સ્વાગત કરતી રિધિમાં આજે આટલી ચૂપચાપ કેમ છે? પણ આ વાત એ બંનેને સમજ ન આવી.

આમ ઘણો વખત વીત્યો તેમ છતા રિધિમાં કઈ ન બોલી એટલે અંજુએ એની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો, "હાય, રીધુ કેમ છે? મજામાને? ઘરે કઈ તકલીફ? તું આજે કઈ બોલતી કેમ નથી?"

રિધિમાંએ વાત ટાળવા માટે કહ્યું, "ના યાર એવું કંઈ નથી, બસ એમ જ બધું વિચારતી હતી. તું ચિંતા ન કર, હું ઠીક છું. બસ કેમ હજુ આવી નથી એ જ ચિંતા કરું છું. ક્યાંક લેકચર માટે મોડું ન થાય બસ એ જ કારણ મારી ચિંતાનું"

અંજુ અને ત્રિશાને રિધિમાંની વાત પર ભરોસો ન બેઠો તેમ છતાં આગળ કઈ પણ પૂછવું એમને હિતાવહ ન લાગતા પૂછવાનું ટાળ્યું.બસ આવી ને ત્રણે બસની સીટ પર ગોઠવાયા ને 5 જ મિનિટમાં તો બસ તેમની કોલેજના સ્ટેન્ડ પર પહોંચી ગઈ. સ્ટેન્ડ પરથી ફટાફટ પોતાના લેક્ચર માટે ત્રણે કલાસરૂમ તરફ ભાગ્યા, ને 4 માળ ચઢતા ચઢતા તો હાંફી ગયા. ક્લાસમાં તરત જઇ પોતપોતાની બેન્ચ પર ગોઠવાઈ ગયા.
લેકચર દરમિયાન પપ્પાની વાત વિચારતી રિધિમાંને બધા મિત્રોએ પરેશાન જોઈ ને એની સાથે વાત કરવા વિચાર્યું.

બે લેકચર પત્યા ને રિધિમાંની સાથે તેના બધા મિત્રો અંજુ, ત્રિશા, રાહુલ, અનન્યા, સૂરજ, નેહલ, રિયા, રાજ અને પ્રીત સાથે કેન્ટીનમાં બ્રેક સમય દરમિયાન નાસ્તો કરવા ગઈ. બધાએ આજે રિધિમાંનું વર્તન જોયુને તેમને કઈક અજુગતું લાગ્યું. બધાએ પોતપોતાના સ્વભાવ પ્રમાણે એને પૂછી પણ જોયું. છેવટે આ બધી વાતોથી કંટાળીને રિધિમાએ જ બધાને પોતાના પિતા સાથે થયેલી વાતચીત જણાવી. બધા જ મિત્રો આ સાંભળી હસવા લાગ્યા.

એમણે કીધું કે, "અમને તો લાગ્યું કે કોઈ મોટી વાત છે પણ આ તો સામાન્ય નોકરીની વાત છે, તે તો અમને બધાને ડરાવી દીધા." ત્યારબાદ રિધિમાંની મુશ્કેલી સમજી રાહુલે જ પોતાની વાત શરૂ કરી, " જો રીધુ, અમે બધા પણ એક માધ્યમ વર્ગીય પરિવારમાંથી આવીએ છીએ અને અમારે પણ અમારા શોખ પુરા કરવા કામ તો કરવું જ પડે છે, એનો મતલબ એ તો નથી કે ભણવાનું છોડી દઈએ. અમે બંને સાથે જ કરીએ છીએ મારા ખ્યાલથી તારે પણ આ જ કરવું જોઈએ."

રિધિમાં, "મને ખ્યાલ છે અને હું પણ એ બંને કામ અને ભણતર સાથે કરવા માગું છું પણ મને કાઈ જ સમજ નથી આવતું કે હું કઈ જોબ કરી શકું? બસ આ જ વિચારીને મારુ મગજ કામ કરવાનું બંધ કરી દે છે. હું પણ પપ્પાની વાતથી સહેમત છું પણ હું શરૂઆત ક્યાથી કરું બસ એ સમજ નથી આવતું."

નેહલે પોતાની વાત મૂકી, "જો રીધુ, હું પણ આ જ વાતથી પરેશાન હતો, પણ મેં ન્યૂઝપેપરમાં ટચૂકડી જાહેરાત જોઈ ને તેમાં અમુક જગ્યાઓ પરના વોક-ઇન-ઇન્ટરવ્યૂ જોયા જે અનુસાર આજે જ એક કોલ સેન્ટરનો ઇન્ટરવ્યૂ થવાનો છે ને તેમને અમુક કોલેજીયન છોકરા અને છોકરીઓની જરૂર છે હું તો તેમાં ઇન્ટરવ્યૂ આપવા જવું છું જો તારે આવવુ હોય તો તું પણ મારી સાથે ચાલ."

રિધિમાંએ નેહલની વાત સ્વીકારી ને એની સાથે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થઈ ગઈ. એને કઈ સમજાતું ન હતું પણ ક્યાંકથી તો શરૂઆત કરવી જ છે ને એ સમજી એ તૈયાર થઈ ગઈ.

કોલેજ પત્યા પછી નેહલ અને રિધિમાં બંને ઇન્ટરવ્યૂ આપવા ગયા. કોલ સેન્ટરમાં ઘણા બધા લોકો હતા. આમાંથી મોટાભાગના લોકો કોલેજ કરતા હોય તેવું રિધિમાંને લાગ્યું ને એ પણ બધાને જોવા લાગી. 3 કલાકના લાંબા ઇન્તેજાર પછી એનો નંબર આવ્યો પણ આવા કોઈ ઇન્ટરવ્યૂમાં શુ કેવું એની એને સમજ ન હતી. ને એનો આત્મવિશ્વાસ સાવ ડગી ગયો ને એ જોબમાંથી બાકાત રહી ગઈ અને નેહલને જોબ મળી ગઈ. ઉદાસ તો થયું એનું મન, પણ ખુદને એણે સંભાળી લીધી. નેહલને નોકરી માટે શુભકામનાઓ આપી અને ઘર આવવા માટે નીકળી ગઈ.

રસ્તામાં ઘણા બધા વિચારો એને આવતા રહ્યા કે આ જોબ હાથમાંથી જતી રહી હવે શું કરું? હવે કઇ રીતે જોબ શોધું? આ બધા વિચારોમાંથી હજી એને જોબ શોધવાનો કોઈ સચોટ રસ્તો મળી રહ્યો ન હતો અને ઘરે પગ મુકતા જ એની મમ્મી એનું સ્વાગત કરવા ઉભી હોય એમ કહેવા લાગી, "કેમ બેટા, આવતા આટલી વાર લાગી? કોલેજમાં કઈ એક્સ્ટ્રા કલાસ હતા કે કોઈ ફંક્શન?"

રિધિમાંએ આખા દિવસ દરમિયાન બનેલી બધી જ ઘટનાઓ પોતાની મમ્મીને જણાવી અને મમ્મીના ખોળામાં માથું મૂકી આખો બંધ કરી દીધી....

"તારા ખોળામાં મારી દુનિયા
ને તારા ચરણોમાં મારુ સ્વર્ગ,
હું તો તને જ પરમેશ્વર જાણું
ને આ દુનિયા એક પથ્થરને પૂજે,
એવી તું છે જે મારા માટે
એ વિરાટ શક્તિ સાથે પણ લડી જાય માં,
ને આ હું છું જે તને તારી આ તકલીફોથી
છુટકારો પણ નથી આપી શકતી........"

રિધિમાં ક્યારેક વિચારતી કે "આ હાથ જે આટલા કટાયેલા, સોયના લીધે આટલા ઘવાયેલા એ જ્યારે મારા માથા પર ફરે ત્યારે મને આટલી ઠંડક કેમ મળે છે? ને આજે પણ એ જ ઠંડક અનુભવી રહી છું જે નાની હતી ત્યારે મળતી હતી"

પોતાની વ્હાલસોયી દીકરી આટલી પરેશાન હોય એ કઈ માં સહન કરે અહીં પણ એવું જ હતું. દીકરીને પરેશાન જોઈ વિનિતાબેને કહ્યું "આ તારા પપ્પા પણ બહુ ખરાબ છે, મારી દીકરીને કેટલું હેરાન કરી રહ્યા છે? આવવા દે આજે તો એમને જો એમને પણ ના ખખડાવી નાખું તો મારુ નામ પણ વિનિતા નહિ કેટલું પરેશાન કરી રહ્યા છે મારી છોકરીને?"

"ના મમ્મી એવું નથી પપ્પા બસ એ જ કરી રહ્યા છે જે કોઈ પણ જવાબદાર બાપા પોતાના છોકરાઓ માટે કરે એ મને મારા પગ પર ઉભા રહેતા શીખવાડી રહ્યા છે અને એ મારે આજે નહીંતર કાલે કરવાનું જ છે તો આજે કેમ નહીં? હું નોકરી શોધીશ પણ અને કરીશ પણ! પછી જો જે તને પણ મારી પર ગર્વ થશે મમ્મી..." મમ્મીને શાંત કરવા રિધિમાં બોલી.

મમ્મી તો શાંત થઈ ગઈ પરંતુ હવે આગળ શું કરવું? એ વિચારમાં રિધિમાં ડૂબી ગઈ અને આ દિવસની રાત થતા વિચારોમાં જ સુઈ ગઈ. નવા દિવસનો નવો સૂરજ ઉગ્યો અને એ ઊંઘને જાકારો આપી, પથારી અને ચોરસાને લાત મારી આટલી ગુલાબી ઠંડીમાં પોતાની મીઠી-મીઠી નીંદરમાંથી ઉઠી.

ઉઠતા જ સૌપ્રથમ એણે છાપું વાંચવાનું કામ કર્યું, એમાં જેટલી જગ્યાઓ પર કોઈ કામ માટે માણસની જરૂર હતી તે બધી જગ્યાઓ નોંધી લીધી અને એ અનુસાર પોતાનું સમયપત્રક બનાવી દીધું. કોલેજ પુરી કરીને બે જગ્યાએ વોક-ઇન-ઇન્ટરવ્યૂ આપવા ગઈ. નોકરી તો ન મળી પણ નિષ્ફળતા પચાવવાની તાકાત મળી ગઈ.

રોજનો આ જ કાર્યક્રમ થઈ ગયો હતો રિધિમાંનો હવે, કોલેજ પતાવી નોકરીની શોધ કરવી. 20 દિવસ થયા ને નાપસંદ થવાના બહોળા અનુભવ વચ્ચે એને આશાની કિરણ દેખાઈ. એક જગ્યાએથી એને સામેથી નોકરી માટે ફોન આવ્યો. એ એક કોલ સેન્ટરમાંથી હતો, જ્યાં કેટલીક પ્રોડકટ બાબતે અમુક ગ્રાહકોને સમજાવવાનું રહેતું. ને રિધિમાં ફરીથી ત્યાં ગઈ.

આ વખતે ત્યાં કેબિનમાં મેનેજર નહિ, પરંતુ એની નીચે કામ કરતો અને નવા જે ફ્રેશર આવતા હોય તેને ટ્રેઇનિંગ આપનાર HR બેઠો હતો. તેણે રિધિમાંને દરવાજા પર જોઈ અને જોતો જ રહી ગયો.........

(આગળની વાર્તા આવતા અંકમાં રજૂ થશે.)