The colour of my love - 10 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 10

નીતિનની સામે જોઈ રહેલી રિધિમાં પોતાના મનમાં ઉઠી રહેલી લાગણીઓ પ્રત્યે નીતિનની બેરુખી સહન ન કરી શકી. આંસુ નીકળ્યા પણ જો એ તરફ ધ્યાન આપે તો ઓફિસમાંથી નીકળી જવું પડશે. જો નીતિન સાથે વાત ન થાય તો કદાચ ઓફિસમાં બીજી વાર પગ પણ મૂકી ન શકાય. જો કઈ ન બોલી તો નીતિનથી હમેશા માટે દૂર થઈ જવું પડે. બસ આ જ વિચારીને રિધિમાં એક વિચાર સાથે ઉભી થઇ, આંસુ લુછયા અને નીતિનની કેબિનનો દરવાજો નોક કરી અંદર જવાની પરમિશન માંગી.
નીતિને રજા આપી અને કમ્પ્યુટરમાંથી નજર હટાવી અને દરવાજા પર ઉભેલી રિધિમાંને જોઈ એ બોલ્યો, "યસ મિસ રિધિમાં, આઈ ડોન્ટ થિંક કે હવે કંપની અને તમારી વચ્ચે કોઈ ચુકવણી કે અન્ય કોઈ વસ્તુ બાકી રહી હોય તો પછી આપનું આવવાનું કારણ જાણી શકું?"
"સર તમે મને આમ અચાનક કાઢી ન શકો? મારી વાત તો સાંભળવી હતી એક વાર"
"હા તો બોલો શુ કહેવા ઇચ્છો છો તમે?"
"સર મને તમારી ચિંતા થતી હતી, તમે મને મારા ઘરે મૂક્યા પછી ક્યાં ગયા એ કોઈને ખ્યાલ નહતો. મને ચિંતા થતી હતી. તમને એ વિશે એકવાર પણ મારી સાથે વાત કરવા ન સુજ્યું. અહીં સુધી કે આજે આવ્યા પછી તમે મને સીધી જ ઓફિસથી કાઢી મુકવા ઇચ્છો છો! શુ તમે એકવાર પણ મને પૂછવા નથી માંગતા કે આટલા દિવસથી શુ હાલ હતો મારો?"
"રિધિમાં, પ્લીઝ આમ નાના છોકરાની જેમ વાત ન કરો. આ ઓફિસ છે અહીં તમારા કોઈ જ પર્સનલ પ્રોબ્લેમ સાંભળવામાં કોઈ જ રસ નથી. અને એમ પણ તમે જ ઓફિસમાંથી જવા માંગતા હતા, હવે તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો. એમપણ બિમાર હું હતો, એનાથી તમને કોઈ લેવા-દેવા જ નથી. હું હવે તમારી સાથે કોઈ પણ ચર્ચા કર્યા વગર માત્ર એટલું જ કહીશ કે હવે તમે જઈ શકો. આભાર......"
"આઈ એમ સોરી સર, પણ હું અહીંથી જવા ઇચ્છતી નથી. મારા માટે અહીં રહેવું જરૂરી છે. તમે મને નીકાળી શકો છો, પણ હું જાતે અહીંથી નહીં જઉં."
નીતિનની સામે જે રીતે રિધિમાં બોલ્યે જતી હતી, નીતિનને લાગ્યું કે બસ હવે વધારે તકલીફ નથી આપવી, બધા બંધનો તોડી પોતાની વાત મુકું, પણ એ એવું ન કરી શક્યો. બસ રિધિમાંને રડતા જોઈ રહ્યો અને બસ એને જતા જોઈ રહ્યો.

નીતિનને એ પરિસ્થિતિ સ્વીકાર્યા સિવાય કોઈ જ રસ્તો નહતો. રિધિમાં કેબિનની બહાર આવી અને ડેસ્ક પર બેસી. થોડી જ વારમાં પ્યુન આવ્યો અને રિધિમાંને એના ડોક્યુમેન્ટ આપ્યા અને ડેસ્ક ખાલી કરવા જણાવ્યું. રિધિમા પોતાનો સામાન સમેટવા લાગી. એના ડેસ્ક પર પડેલા ડોક્યુમેન્ટ, રિઝાઇન લેટર એની બેગ બધું ઉઠાવ્યું અને ડેસ્ક પર ગણપતિજીની મૂર્તિ તરફ હાથ લંબાવ્યો. હવે તો એ જ કઈ કરી શકે એ વિચારથી રિધિમાં મનોમન પ્રાર્થના કરવા લાગી. મૂર્તિ ઉઠાવી પોતાની બેગમાં મૂકી એ ઓફિસથી બહાર નીકળવા લાગી.

રિસેપશન સુધી પહોંચી અને સપના સામે જોયું તો સપના તેની આ ઉદાસી ન જોઈ શકી. ઉદાસીનું કારણ પૂછતાં રિધિમાંનો જવાબ કઈક એવો હતો, "મે આદિત્યને કારણે રિઝાઇન કર્યું હતું, પણ હવે મને અહીં ગમવા લાગ્યું છે. મારે નોકરી નથી છોડવી. શુ કરું સમજાતું નથી?"
સપના પણ પરેશાન થઈ ગઈ અને કહેવા લાગી, "યાર તો તારે કહેવું હતું ને! તો સર તને ના નીકાળતા, મને પણ તારી વગર નથી ગમતું. હું શું કરીશ એકલા?"
"મને ખુદને નથી સમજાતું, મારે ઓફિસમાં જ રહેવું છે" એકદમ રિધિમાંની આંખમાં એક ન કળી શકાય એવો ભાવ આવ્યો, "સપના તું વાત કર ને, કદાચ તારી વાત માની જાય."
"પાગલ છે શું? નીતિન સર તારી વાત નથી સાંભળતા તો મારી સામે તો જોશે પણ નહીં."
એકદમ પાછી રિધિમાંને ઉદાસ થતી જોઈ સપના બોલી, "ચલ કઈ વાંધો નહિ, હું કઈક રસ્તો નિકાળુ છું. તું ચિંતા ન કર. હું કોઈક રીતે તો તને પાછી લાવીશ જ"
રિધિમાંએ સપનાનો આભાર માન્યો અને ઓફિસમાંથી નીકળી ગઈ.

ઘરે આવી અને એને આટલી જલ્દી આવેલી જોઈ મમ્મીએ કારણ પૂછ્યું. રિધિમાંએ કઈ જ જવાબ ન આપ્યો અને બધું મૂકીને ફરીથી ઘરની બહાર નીકળી ગઈ અને નજીકના મંદિરે જઈ બેઠી. બધો જ અજંપો ત્યાં ઠાલવીને હકારાત્મક ઉર્જા લઈને ઘરે પાછી ગઈ. કોઈને નોકરી છોડવા વિશે કઈ જ ન કહ્યું. અને બસ એમ જ આખો દિવસ પસાર કર્યો. આમ ને આમ બે દિવસ જતા રહ્યા અને રિધિમાં ઘરે રજાનું બહાનું બતાવી મમ્મીને શાંત રાખ્યા કરવા લાગી.

ત્રીજો દિવસ થોડો સારો હતો. સપનાનો ફોન રિધિમાંના પપ્પાના ફોન પર આવ્યો. એના પપ્પાએ રિધિમાંને ફોન આપ્યો અને સપનાએ જણાવ્યું, "રિધિમાં આજે ગણેશ ચતુર્થી છે આજે કંપનીના માલિક મિ. મજુમદાર આવવાના છે પૂજા કરવા. તો જો તું આવી જાય તો બહુ સારું રહેશે. આજે જ કોઈ ચક્કર ચલાવીને હું તને પાછી લાવી દઈશ. તો તું આવીશ ને?" ",હા હા ચોક્કસ કેટલા વાગે બાર વાગ્યે છે ને હું ચોક્કસ આવીશ"
રિધિમાં એટલી અપસેટ હતી કે આજે કોલેજમાંથી ગણેશ ચતુર્થી ને કારણે રજા મળી હતી એ પણ ભૂલી ગઈ. એના બેસટેસ્ટ ફ્રેન્ડનો આગમનનો દિવસ એ ભૂલી ગઈ. પણ કઈ વાંધો નહિ સપનાના ફોનના કારણે એક આશાનું કિરણ નજરે ચઢ્યું હતું. હવે તો જ્યારે એની તકલીફ દૂર કરવા સાક્ષાત બાપા આવવાના હોય તો એને શુ ચિંતા? એમ વિચારી રિધિમાં ફટાફટ તૈયાર થઈ એ ઓફિસ જવા નીકળી.

રિધિમાં 11:45 એ જ ઓફિસમાં પહોંચી ગઈ, પૂજાની તૈયારી કરતા સપના એને જોઈ ખુશ થઈ ગઈ. એ જોડે આવી બોલી, " જો રિધિમાં આમ તો ખાલી એમ્પ્લોઈ જ આ પૂજામાં રહી શકે, પણ આટલી સારી તક જોઈ મે તને બોલાવી લીધી." એટલામાં પંડિતજીને આવતા જોઈ એ ઉતાવળ કરતા રિધિમાંને કહેતી ગઈ, "તું ફક્ત હું કહું એટલું જ કરજે બાકી બધું જ હું સંભાળી લઈશ"
સપનાએ પંડિતજીને પાણી આપ્યું અને પૂજાની સામગ્રી જોવાનું કીધું. પંડિતજીએ સામગ્રી યોગ્ય છે એમ કહેતા પૂજા શરૂ કરવા મિ. મજુમદારને બોલાવવા કહ્યું. સપના મિ. મજુમદારને બોલાવ્યા પહેલા નીતિનને બોલાવવા ગઈ અને નીતિન બહાર આવ્યો.
આવતા સાથે જ એણે પૂજારીની મદદ કરી રહેલી રિધિમાંને જોઈ. પીળો સૂટ સાથે એજ કલરની ચુડીદાર સલવાર, ડાબા હાથ પર ઘડિયાળ અને જમણા હાથ પર થોડીક વધુ પહેરેલી ઓકસોડાઈઝની બંગડીઓ, ખુલ્લા વાળ અને માથા પર ઓઢેલ દુપટ્ટો, એના ગોળ ગૌવર્ણ ચહેરા પર સામાન્ય લિપસ્ટિક અને આંખોમાં કાજલ એ સિવાય માથા પર શોભતી નાનકડી ડાયમંડની બિંદી. એની આ આભા નીતિનની નજર હટવા ન દેતી હતી. એ બસ એના આ સૌંદર્યમાં પુરી રીતે ખોવાઈ ગયો હતો.

નીતિનને આ તરફ આવતા હોવાનો આભાસ થતો હોઇ રિધિમાં એની સામે જુએ છે. સામે નીતિન પણ એ જ રીતે પીળા કુર્તા-ઝભ્ભામાં ઉભો હતો. રોજિંદા પેન્ટ-શર્ટની ફોર્મલ કોમ્બિનેશન કરતા કઈક અલગ નીતિન લાગી રહ્યો હતો. જે આકર્ષણ રિધિમાં અનુભવી રહી હતી, જે રીતે એ ઓફિસમાં પાછી આવવા માટે કઈ પણ કરવા તૈયાર હતી એનાથી એને એટલું સમજાઈ ગયું હતું કે આ આકર્ષણ એને નીતિન પ્રત્યે જ હતું. અને આજે એને આમ જોઈ એને સપનાની મદદ લેવામાં જે ખચકાટ હતો એ દૂર થઈ ગયો.

અહીં આ બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા. એટલામાં સપના એમના બોસને લઈને આવી ગઈ. નીતિને અને રિધિમાંએ એકબીજા પરથી નજર હટાવી અને પૂજામાં મન લગાવ્યું. પૂજા પુરી થઈ અને પ્રસાદ વહેંચાયો. ઓફિસમાં લગભગ 50 માણસોનો સ્ટાફ હતો, આ બધા જ માટે આજે ઓફિસમાં જ જમવાનું ગોઠવવામાં આવ્યું હતું. આમ તો મિ. મજુમદાર બ્રાહ્નણ હતા પરંતુ ગણપતિ બાપામા એમની ખાસ શ્રદ્ધા હતી. એટલે એ દરવર્ષે આટલો જ મોટો ઉત્સવ આયોજિત કરતા. નીતિન પ્રત્યે એમને અતૂટ વિશ્વાસ હતો. એ જ કારણસર ઓફિસનું મોટા ભાગનું કામ નીતિનને સોંપી એ પોતાના બીજા વ્યવસાયોમાં ધ્યાન આપતા.

પૂજા પુરી થયા બાદ મજુમદાર અને નીતિન અન્ય વ્યવસાયિક વાતો કરવા માટે એમના કેબિનમાં ગયા અને જતા પહેલા બધાને જમવા માટે કહેતા ગયા.

"રિધિમાં ચાલ આ જ તક છે તને ઓફિસમાં લાવવાની. હું કહું એમ જ કરજે." રિધિમાંનો હાથ ખેંચતા સપના બોલી. રિધિમાં અસમજમાં હતી કે આ યોગ્ય છે કે નહીં, પણ સપના એને ખેંચીને મજુમદારના કેબિન સુધી લઈ જ ગઈ. દરવાજો નોક કર્યો અને અડધો ખોલી સપના અને રિધિમાં ત્યાં જ ઉભા રહીને કીધું, "મે આઈ કમ ઇન સર"
"યસ આવો આવો.." મિ. મજુમદાર ખુશ થતા બોલ્યા.
"સપના કેવી રહી પૂજા? ગમ્યું ને આજનુ જમવાનું?"
"હા સર બહુ જ સારો રહ્યો આજનો દિવસ"
"હા બોલ તારે શુ કામ હતું અને આ આપણા એમ્પ્લોઈમાના જ એક છે ને?"
સપના રિધિમાંની સામે જોઇને બોલવાનું શરૂ કર્યું," સર, રિધિમાં હમણાં સુધી કંપનીના એમ્પ્લોઈ હતા, હમણાં 2 દિવસ પહેલા જ નીતિન સરે એમનું રેજીગનેશન સ્વીકાર્યું. આજે ગણપતિ બાપાની પૂજા અને દર્શન માટે જ ખાસ આવ્યા છે. સર આ એ જ છે જેમને 6ઠઠા મહિનામાં શ્રેષ્ઠ એમ્પ્લોઈનો એવોર્ડ મળ્યો હતો.
"મિસ રિધિમાં, તમે પૂજામાં આવ્યા મને બહુ ગમ્યું પણ તમારી કામગીરી આટલી સારી હોય અને કોઈ ખાસ કારણ વગર જ તમે ઓફિસ છોડી દીધી! એવું તો શું થયું" પછી નીતિન સામે જોઈ હસતા હસતા બોલ્યા, "કેમ નીતિન કાઈ કારણ આપ્યું નોકરી છોડવાનું કે બીજી કોઈ જગ્યાએ વધારે પૈસા મળ્યા અને નોકરી છોડી દીધી."
"ના સર, એવું નથી રિધિમાંએ મજબૂરીમાં 3 મહિના પહેલા જોબ પરથી રિઝાઇન આપવું પડ્યું હતું, બસ એ જ 3 મહિનાની નોટિસ સાથે નીતિન સરે સ્વીકાર્યું. કોઈ અન્ય જગ્યાએ એણે જોબ શોધી જ નથી હજુ તો." સપના બોસના મનમાં રિધિમાંને લઈને કોઈ ગેરસમજ ઉભી થાય એ પહેલાં બોલી ઉઠી.
"મતલબ?"
"સર એક્ચ્યુલી, જે આદિત્યને નીતિન સરે 3 મહિના પહેલા નોકરીમાંથી નીકળ્યો હતો, એની જસ્ટ પહેલા એનાથી જ કંટાળી આને રિઝાઇન મૂક્યું. સર આદિત્ય આને બહુ હેરાન કરતો હતો. અને રિધિમાં એને જવાબ આપવાની હિમ્મત ધરાવતી નહતી. જેના કારણે આદિત્ય એને વધુ હેરાન કરવા લાગ્યો અને આને જોબ છોડી દીધી હતી."
"ઓહ"
આદિત્યની વાત નીકળતા રિધિમાંના ચહેરા પરની ઉદાસી સ્પષ્ટ દેખાઈ આવી, નીતિને પણ એ વાત ધ્યાનમાં લીધી.
"મિસ, તો તમે એની કંમ્પ્લેઇન કરી શકતા હતા, આમ નોકરી છોડવાની વાત ક્યાં આવી? આઈ હોપ કે એનો જવાબ તો તમે જાતે જ આપશો સપના નહિ."
સપનાએ રિધિમાંને કોણી મારી અને એ પોતાના દુઃખના દરિયામાંથી બહાર આવી બોલી, "હા સર કંમ્પ્લેઇન કરી શકત, પણ આદિત્ય મારા પહેલાથી અહીં જોબ કરતો હતો. મારી વાત પર કોઈ ભરોસો ના કરત અને મારી છબી ખરાબ થાત. બસ એ જ કારણ હતું કે મે નોકરી છોડી જેથી હું અન્ય જગ્યાએ તો સરખી રીતે જોબ કરી શકું."
રિધિમાંના મનનો ભાવ સમજી ગયા હોય એમ મજુમદાર બોલ્યા, "જુઓ મિસ, સમજી શકું છું કે છોકરીઓને બધી જગ્યાએ અમુક વસ્તુઓ સહન કરવી પડે છે, આજે નહિ તો કાલે, અહીં નહીં તો બીજે ક્યાંક તમારે આ બધી જ વસ્તુઓનો સામનો તો કરવો જ રહ્યો. જો બધેથી આમ ડરી જશો તો જીવશો ક્યારે? એટલે હવે મુસીબતોનો સામનો કરતા શીખો. એ જ યોગ્ય રહેશે. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ."
મજુમદારની વાત કોઈ વડીલ જેવી જ હતી, જેમ ઘરનો કોઈ વડીલ પોતાના બાળકને સમજાવે એ રીતે જ એણે રિધિમાંને સમજાવી. પણ છેલ્લે જે શુભકામનાઓ આપી એનો મતલબ સ્પષ્ટ હતો કે હવે રિધિમાંએ જવું જ પડશે. રિધિમાં વીલા મોઢે નીતિનની તરફ એક નજર નાખી. આ આખી વાતમાં નીતિન કઈ જ બોલ્યો નહતો. રિધિમાંની આશાઓ નીતિન તરફથી વધારે હતી. પણ એના કઈ ન બોલવાથી રિધિમાં હતાશ થઈ ગઈ અને કેબિનમાંથી નીકળવા લાગી ત્યાં પાછળથી અવાજ આવ્યો.
"રિધિમાં હાલ તો આદિત્ય નથી અને તમને કદાચ એવી કોઈ સમસ્યા નહિ નડે, પાછું અહીં આવવાની ઈચ્છા ખરી?" નીતિન સામે જોઇને, "કેમ તું શું કહે? એમ પણ જો શ્રેષ્ઠ એમ્પ્લોઈનો એવોર્ડ મેળવી ચુક્યા હોય એમને આવા કોઈ ફાલતુ કારણના લીધે ન જવા દેવાય. જો એ બીજે ક્યાંય વધારે સારી જગ્યાએ નોકરી કરે તો વાંધો નહિ પણ આવી સમસ્યાના કારણે જશે તો આપણું પણ નામ ખરાબ થશે. નહીં!" રિધિમાંની સામે જોઈ "તમે આજથી જ ફરીથી નોકરીમાં જોઈન થઈ જાઓ, જો તમારી ઈચ્છા હોય તો!"

રિધિમાં તો ખુશ થતા તરત બોલી, "હા સર હું તો અહીં જ આવવા ઈચ્છું છું." એની ઉત્તેજના જોઈ મજુમદારની અનુભવી આંખો કેટલીક બાબતો સમજી ચુકી હતી. અને નીતિનને પણ સારી રીતે જાણતા હોઇ એ પણ સમજી ચુક્યા હતા કે નીતિનના ચહેરા પર કોઈ અજાણી ખુશીનો ભાવ પ્રગટ્યો છે.
"ડન, કોંગ્રેચ્યુલેશન ફરીથી કંપનીના એમ્પ્લોઈ બનવા માટે."
"થેંક યુ સર, ગણેશ ચતુર્થીની શુભકામનાઓ" રિધિમાંની ઉત્તેજના ઓછી થવાનું નામ જ લઇ રહી નહતી.
"સર હું પુરી નિષ્ઠાથી મારુ કામ કરીશ." આટલી વાતો પછી સપના અને રિધિમાં ખુશી ખુશી કેબિનમાંથી નીકળ્યા.

અહીં આ તરફ કેબિનમાં નીતિન રિધિમાંને જોઈ રહ્યો હતો. અને મજુમદાર નીતિનને. બસ આટલી જ વાતમાં જ એ આખી પરિસ્થિતિ સમજી ગયા.
"નીતિન છોકરી સારી છે નહીં, અહીં જોબ કરશે તો સારું જ છે."
"હમ્મ, હા સર" નીતિન મજુમદારનો આ વાતને ઉકેલી ન શક્યો. અને કામની અન્ય વાતો એમની વચ્ચે શરૂ થઈ.

રિધિમાં તો કેબિનમાંથી નીકળી સીધી જ રિસેપશનની બાજુમાં મુકેલી ગણપતિ બાપાની મૂર્તિ તરફ ગઈ અને બે હાથ જોડી મનમાં બોલી, "બાપા આજે તો તમે મને જ ગણેશ ચતુર્થીની ખુશીઓ એકસાથે જ આપી દીધી. થેંક યુ સો મચ ગંનું બાપા. મને અહીં નીતિન જોડે પાછી લાવવા."
'નીતિન જોડે' આ શબ્દો એના મનમાં ફરવા લાગ્યા. એ શું બોલવા માંગતી હતી અને શું બોલાઈ ગયું એનું ભાન હવે એને પડ્યું!

પાછળથી સપનાએ રિધિમાંના ખભા પર હાથ મુક્યો, જેવી રિધિમાં પાછળ ફરી કે એને ગળે લગાવતા સપના બોલી, "કોંગ્રેચ્યુલેશન"
"થેંક યુ સો મચ" રિધિમાં પણ સપનાને હાથ વીંટળાવતા બોલી.
"તારા વગર આ શક્ય ન બનત, થેંક યુ.. થેંક યુ... થેંક યુ... થેંક યુ... થેંક યુ........"
"બસ.. બસ.. આટલા થેંક યુ ની જરૂર નથી. એમ પણ દોસ્તીમાં થેંક યુની જગ્યા નથી." પછી રિધિમાંને અળગી કરી એનો હાથ પોતાના હાથમાં મૂકી સપના ગંભીરતાથી બોલી, "સોરી રિધિમાં, મારા કારણે તારે ખૂબ સહન કરવું પડ્યું, બસ એમ સમજ કે હું મારી ભૂલ સુધારવા માંગતી હતી એટલે જ મે તને મદદ કરી."
"અચ્છા એમ, મતલબ હું તારી દોસ્ત નથી. તારે ખાલી તારા હૃદયનો ભાર હળવો કરવો હતો." હાથ છોડાવી રિધિમાં જમણી તરફ વળી ગઈ.
"ના ના એવું નથી. તું મને ખોટું સમજે છે, હું તો ખૂબ ખુશ છું તારા જેવી દોસ્ત મેળવી. પણ હું તારી દોસ્તીને લાયક નથી. મે તને બહુ હેરાન કરી છે, તેમ છતાં તે અને સરે મારુ કરિયર બચાવી લીધું. એટલા માટે. ઓકે છોડ સોરી, તારું દિલ દુખાવવા માટે."
રિધિમાં સપના તરફ ફરી અને ખોટો ગુસ્સો બતાવતા બોલી, "જો આજ પછી આવી વાત કરી ને તો થપ્પડ મારીસ, એમ પણ દોસ્તીમાં નો થેંક યુ, નો સોરી...." અને ફરીથી હસતા હસતા ગળે લાગી ગઈ.

નીતિન બધી વાતચીત પુરી કરી મજુમદારની કેબિનમાંથી બહાર જ આવતો હતો અને બધાને જમ્યા છે કે નહીં એ પૂછવા બહાર રિસેપશન આગળ આવ્યો અને આ દ્રશ્ય જોયું, આ જોઈ તેને ખૂબ ખુશી થઈ. સપના અને રિધિમાં વચ્ચે આટલું સારું બોન્ડ કઈ રીતે બન્યું એ વિચારતા એણે ભૂતકાળની અમુક ખરાબ યાદો યાદ આવી ગઈ.

નીતિન મનમાં "બસ આ જ રીતે હમેશા હસતા રહો, અને હંમેશા ખુશ રહો, કોઈ ઉદાસી તમારી આસપાસ ના ભટકે, મારી બદનસીબી પણ તમારી આસપાસ ના ભટકે."

નીતિનની નજર રિધિમાં પરથી હટી અને રિધિમાંની નજર નીતિન પર ગઈ. એ સપનાથી અળગી થઈ અને સપના બીજું કામ જોવા માટે ગઈ. રિધિમાં નીતિનની પાછળ એના કેબિન સુધી ગઈ. નીતિન અંદર જતો રહ્યો. અને રિધિમાં એને કાચમાંથી જોઈ રહી.

રિધિમાંના મોઢા પર એક મોટી સ્માઈલ આવી ગઈ, "સર, અત્યાર સુધી મને પ્રશ્ન હતો કે કદાચ હું તમને પસંદ કરું છું, પણ આજે તો ગણપતિ બાપાએ પણ આ વાત કનફોર્મ કરી દીધી. મને ભલે અત્યાર સુધી ના સમજાયું કે હું ઓફિસમાં કેમ પાછી આવવા માંગતી હતી? પણ હવે એનો જવાબ મળી ગયો મને. તમારા માટે, મારા દરેક સવાલનો એકમાત્ર જવાબ તમે છો, અને હવે મારે એ જ વાત મારા મગજ અને તમને પણ સમજાવવી પડશે, કેમકે મારુ મન તો ક્યારનું સમજી ચૂક્યું છે."

(નીતિન જે લાગણી રિધિમાં માટે અનુભવતો હતો, તે હવે રિધિમાંના મનમાં પણ ઉદભવી છે. તેમ છતાં નીતિન રિધિમાંને પોતાનાથી દૂર કરવા માંગે છે એનું શું કારણ હોઈ શકે? નીતિનની લાગણીઓ રિધિમાં માટે શાંત રહેતી હતી, અનુભવવા છતાં કઈ ન બોલવું. પણ રિધિમાંની લાગણી નીતિન માટે એક સ્પંદનની જેમ છે. અને એમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. જે મજુમદાર સમજ્યા એ વાત નીતિન પણ સમજી ગયો છે તેમ છતાં રિધિમાંને દૂર કરવા ઇચ્છે છે, શુ કારણ હોઈ શકે એનું? બસ એક નાનકડા વિરામ બાદ વાર્તાનો આગળનો ભાગ રજૂ કરવામાં આવશે.....)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED