મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 3 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 3

આ HR મેનેજર એ બીજું કોઈ નહિ પણ આપણી આ કથાનો નાયક નીતિન, Mr. નીતિન પટેલ. આ કોલ સેન્ટરમાં છેલ્લા 5 વર્ષથી નોકરી કરતા અને 1 વર્ષથી નવા આવતા ફ્રેશરોને ટ્રેઇનિંગ આપનાર વ્યક્તિ.

રિધિમાં આવી ત્યારે જેવી રિસેપ્સનિસ્ટ પાસે પહોંચી અને એણે જેવું નોકરી માટે મેનેજરને મળવા કહ્યું ત્યારે રિસેપ્સનિસ્ટે રિધિમાંને અગમચેતી આપતા જ કહ્યું કે "મેનેજર નહિ પણ એમના ખાસ માણસ તમને મળશે, જો એ તમને નોકરી પર રાખશે તો તમારી નોકરી પાકી, બસ એમને ખુશ કરવામાં કોઈ ખામી ના રાખતા"

આવું સાંભળીને રિધિમાં ખચકાઈ પરંતુ "તેણે વિચાર્યું જે હોય તે મારે તો ઇન્ટરવ્યૂ આપવાથી મતલબ, આવી છું તો ઇન્ટરવ્યૂ આપી જ દઉ, મારે કોઈને ખુશ નથી કરવા બસ મારા કામથી કામ રાખવું છે." અને એ કેબીન તરફ વધી. દરવાજો નોક કરી અડધો ખુલ્લો રાખી તેણે નીતિનની રજા માટે રાહ જોઇ.

આ બાજુ નીતિન ફક્ત રિધિમાં સામે જ જોઈ રહ્યો હતો. ખબર નહીં કેમ પણ સામાન્ય દેખાવની, શરીરના ઢોળાવો ધરાવતી રિધિમાં એને પહેલી નજરમાં જ આંખોમાં વસી ગઈ. ને એની એ કાળી-કાળી આંખો ને એની પર લગાવેલું હલકું આઈ લાઇનર, એના કુદરતી ગુલાબી હોઠ નીતિનને જાણે આકર્ષી રહ્યા હતા, કે એક પળ માટે પણ નીતિનની નજર રિધિમાં પરથી હટી રહી ન હતી. અહીં આ બાજુ નીતિનના આવા વર્તન પરથી રિધિમાંને પણ રિસેપ્સનિસ્ટ સપનાની વાતમાં તથ્ય જણાયું. પહેલી જ નજરમાં નીતિન રિધિમાંની નજરમાં ખરાબ રીતે જ વસ્યો.

લગભગ 30 સેકન્ડના ઇન્તેજાર પછી તેણે રિધિમાંને અંદર આવવા રજા આપી. જેવી તે અંદર આવી તેને પોતાની સામેની ખુરશી પર બેસવા કહ્યું. નીતિને રિધિમાંને તેની લાયકાત અને તેના વિશે થોડું જણાવવા કહ્યું. એ દરમિયાન એક વાર પણ તેની નજર રિધિમાંના ચહેરા પરથી હટી નહીં. અંતે તેને કોમ્પ્યુટર વિશે 2-3 સવાલ પૂછ્યા. રિધિમાંએ થોડો અસંતોષકારક જવાબ આપ્યો, કારણકે કોમ્પ્યુટર વિશેના સચોટ જવાબ તેની પાસે ન હતા. અને એવામાં નીતિનની નજર તેની સામેથી હટતી ન હતી જેના કારણે તે વધુ નર્વસ થઈ ગઈ હતી.

નીતિને ત્યારપછી પોતાની વાત શરૂ કરી, "જુઓ મિસ, અમમ...."
"રિધિમાં, રિધિમાં પરમાર" રિધિમાંએ કહ્યું.
"હા, મિસ રિધિમાં, અહીં આ કંપનીમાં આમ તો થોડો અનુભવ હોય તો અમને પણ સરળતા રહે, પરંતુ તમારી પાસે એવો કોઈ અનુભવ નથી અને તમને કોમ્પ્યુટર વિશે પણ એટલો ખ્યાલ નથી, અહીં એની પર જ બધુ કામ થાય" નીતિને કહ્યું. નીતિનને તો કઈ બીજું બોલાઈ રહ્યું હતું પણ એ વિચારતો કઈ ઓર જ હતો. એને તો રિધિમાંનું નામ પણ ખૂબ શોભતું જણાયું જાણે રિધિમાંના નામ અને અવાજના રણકારની જેમ જ રિધમ (સંગીત) વાળું. આવા વિચારોની સામે રિધિમાં તો બીજું જ કઈ વિચારતી હતી.
"આ નોકરી પણ ગઈ! ચાલો સારું જ છે આવા બોસ નીચે કામ કરુ એના કરતાં તો નોકરી ન જ મળે એ જ સારું" એમ રિધિમાંને હાશકારો થયો.
"પણ અમને લાગે છે કે તમે જલ્દી શીખી શકશો અને પોતાના કામ પ્રત્યે પણ એટલું ધ્યાન આપી શકશો અને ફ્રેશરને લેવાનો ફાયદો એ છે કે એ બીજી કોઈ આડી-અવળી વાત અથવા ઓફિસના રાજકારણથી પણ દુર રહે છે આથી એ પણ એક રીતે સારું જ છે આથી અમે તમને આ જોબ પર લઈએ છીએ. તમે કાલથી જ જોબ જોઈન્ટ કરી શકો છો, કોંગ્રેચ્યુલેશન્સ......"
નિતીને હાથ મેળવવા હાથ લાંબો કર્યો, પણ રિધિમાંએ માત્ર નમસ્કારની મુદ્રામાં અભિવાદન સ્વીકાર્યું.

રિધિમાંના હાથ ન મિલાવવાથી નીતિનને એક હળવો આંચકો લાગ્યો, પણ તરત જ પોતાની જાતને સંભાળી લીધી અને હાથ પાછો ખેંચી નમસ્કાર કર્યું. રિધિમાં નીતિનના કેબિનમાંથી બહાર નીકળી.

બહાર નીકળી એ સાથે જ ઘણા બધા વિચારોએ એના મગજ પર આક્રમણ કરી દીધું. નોકરી કરવી ન કરવી એ ઉપરાંત એને નીતિનનું પાત્ર સારું ન લાગ્યું અને જો નોકરી કરે તો રોજ એનો સામનો કરવો પડે ને પાછું એ સિવાય કંઈક અયોગ્ય વર્તન થાય તો આવા વિચારો સાથે એ રિસેપ્સન પાસે પહોંચી , ને જતા-જતા એણે રિસેપ્સનિસ્ટને જોયું, રિસેપ્સનિસ્ટે રિધિમાં સામે આંખ મિચકારી અને હળવું સ્મિત આપ્યું. રિધિમાં સમજી ગઈ કે સપના એની સામે કટાક્ષ કરી રહી છે.

અહીં નોકરી કરવી કે ન કરવી એ બાબતે વિચારતી રિધિમાં ઘરે પહોંચી ગઈ. મમ્મીએ એના ચહેરા પર આજે તણાવ જોયો અને ફરીથી એના પપ્પા પર ખિજાઈ, પણ રિધિમાંએ પોતાની મમ્મીને શાંત રાખી અને કહ્યું કે એને નોકરી મળી ગઈ છે ને એ બહુ સારી જગ્યા છે ચિતા ન કરવા જણાવ્યું. રિધિમાંને ખ્યાલ આવી ગયો કે જો એ આખી વાત મમ્મીને કહેશે તો કદાચ મમ્મી આવી જ્ગ્યાએ નોકરી કરવાની ના પાડશે. એણે મમ્મીને કઈ જ ન કહ્યું અને ખાલી નોકરી મળી છે એ વાત જ કરી જેથી મમ્મી ખુશ રહે.

આખો દિવસ રિધિમાં વિચારતી રહી. અંતે એણે નક્કી કર્યું કે "કઈ વાંધો નહીં અત્યારે અહીં નોકરી કરી લઉ અને બીજી જગ્યાઓ પર પણ ઇન્ટરવ્યૂ આપતી રહીશ જયારે બીજી કોઈ જગ્યાએ નોકરી મળશે ત્યારે આ છોડી દઈશ. ત્યાં સુધી અહીં પણ નોકરી કરી લઉં બસ કોઈ અન્યની વાતમાં માથું નહીં મારુ અને ના તો કોઈને મારી વાતમાં વચ્ચે લાવીશ. બસ, હવે નક્કી છે કે હું કાલે મારી નોકરી જોઈન્ટ કરીશ." ને તે નોકરી મળવા અને કરવાના વિચારો સાથે જ સુઈ ગઈ.

સવાર પડી ને રિધિમાં ઉઠી એક નવી આશાની કિરણ સાથે, નિત્યક્રિયા પતાવીને મમ્મીને મદદ કરવા લાગી. પોતાનું ને પપ્પાનું ટિફિન તૈયાર કર્યું. એની ઓફીસ કોલેજ અને ઘરની વચ્ચેના રસ્તા પર હતી. પણ ટિફિન તો લઈ જ જવું પડે, વચ્ચે ઘરે તો ખાવા આવી ન શકાય અને જો ન લઈ જાય તો રાતના 8 વાગી જાય. ટિફિન લઈને બસસ્ટોપ પર પહોંચી અને બસમાં સીધી કોલેજ. રિધિમાંએ કોલેજમાં બધાને પોતાની જોબ વિશે જણાવ્યું. બધા મિત્રોએ શુભકામનાઓ તો આપી પણ સાથે-સાથે પાર્ટી પણ માંગી. રિધિમાંએ પહેલી સેલરીનો વાયદો કર્યો. લેકચર ભરીને એ બધા સાથે નાસ્તો કરવા ન રોકાઈ. સીધી જ બસ પકડીને ઓફિસની જગ્યાએ પહોંચી.

ઓફીસ જઈને રિસેપ્સનિસ્ટ સપનાને મળી ને પોતાના કામ વિશે પૂછ્યું, તેણે રિધિમાંને નીતિન પાસે મોકલી. અને પાછું એ જ બોસને હંમેશા ખુશ રાખવાનું સૂચન કર્યું. રિધિમાં એની વાત ગણકાર્યા વગર જ નીતિનના કેબિનમાં ગઈ અને દરવાજો ખટખટાવ્યો. નીતિને અંદર આવવા જણાવ્યું ને સામેની ખુરશી ઓફર કરી. રિધિમાં ખુરશી પર બેસી.

"સર, આજે મારો આ ઓફિસમાં પ્રથમ દિવસ છે, અને મને મારા કામ વિશે કોઈ જાણકારી નથી. શુ તમે મને મારા કામથી માહિતગાર કરશો?" રિધિમાં એકશ્વાસમાં નીતિનની સામે જોઈ બોલી ગઈ.

પણ નીતિન તો હજુ પણ એની સામે બેસેલી વ્યક્તિમાં ખોવાયેલો હતો. તેને જવાબ ન આપ્યો તો રિધિમાંએ ફરીથી આખું વાક્ય એની સામે બોલી ગઈ.

નીતિન થોડો ખચકાયો. અને પછી સ્વસ્થ થઈ બોલ્યો "મિસ રિધિમાં, તમારે મોસ્ટલી તો ક્લાયન્ટના ફોન હેન્ડલ કરવાના રહેશે અને એમની જે પણ કંમ્પ્લેઇન હોય તે નોંધી આગળ પાસ કરવાની રહેશે બસ એમાં અમુક કોમ્પ્યુટરનો ઉપયોગ રહેશે. એ સિવાય હાલ પૂરતું બીજું કોઈ કામ નહીં, અને હા તમારી ભાષા શક્ય હોય ત્યાં સુધી નમ્ર રાખવાની રહેશે. ગ્રાહક ભગવાન છે એ વાત સમજીને ચાલશો તો બહુ સારું રહેશે."

નીતિને થોડાક વધુ ઇન્સ્ટ્રક્શન આપ્યા ને પછી રિધિમાંને જોઇનિંગ લેટર આપ્યો અને કહ્યું "એક ખાસ વાત ધ્યાનમાં રાખજો મિસ, તમે જો આ નોકરી છોડવા ઇચ્છતા હોવ તો કંપનીને 3 મહિના પહેલા જણાવવું પડશે, જેથી અમે તમારું રિપ્લેસમેન્ટ શોધી શકીએ."

આટલી ઇન્સ્ટ્રક્શન સાંભળી રિધિમાંની ચિંતા વધી ગઈ કે "જ્યારે નોકરી છોડવાની થશે ત્યારે મને કંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને, છોડ! જ્યારે એ સમય આવશે ત્યારે જોઈ લઈશ."

રિધિમાંને એની ડેસ્ક બતાવવામાં આવી ત્યારે એને ખબર પડી કે એ એકલી જ નથી અહીં તો બહુ બધી કિશોરી અવસ્થાની છોકરીઓ આ જોબ કરતી હતી. એણે વિચાર્યું કે આ બધાને પણ એ રીતે જ કોઈ ને કોઈ તકલીફને લીધે જ મજબૂરીમાં આ નોકરી કરવી પડતી હશે, કોઈક જ હશે કદાચ જે પોતાની મરજીથી જોબ કરતું હશે.

આ એકલતા મને બહુ સાલે
આ મજબૂરી મને બહુ પછાડે
શુ કરું કઈ રસ્તો ન સૂઝે,
પણ ઉઠીને ચાલીશ હું ઝીંદગી
તને મારી સફળતાં બતાવીશ હું ઝીંદગી....

વધુ વિચાર કર્યા વગર રિધિમાં પોતાના કામમાં લાગી ગઈ. "બસ કોઈની વાત નથી સાંભળવી, કોઈના વિશે ખરાબ નથી વિચારવું જે થશે એ સારું જ થશે અને હું એ જ સારા માટેની મહેનત કરીશ" રિધિમાંના મનમાં આ વિચારો ચાલતા હતા.

પણ કુદરતનો ખેલ તો કઈ ઓર જ હતો ને એ ઉપરવાળાએ નીતિનની કિસ્મતને રિધિમાં સાથે જોડી દીધી હતી ક્યાં અને કેવી રીતે તે હવે આગળના ભાગમાં જોઈશું.