મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 6 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 6

આખરે રિધિમાંની પરીક્ષા સારી રીતે પુરી થઈ અને પુરા દોઢ મહિનાનું વેકેશન પડ્યું. એની ઈચ્છા પાછી ઓફિસમાં જવાની ન હતી, પણ એ વગર ચાલે એમ પણ ન હતું. નોકરી હાલ છોડી શકાય એમ નહતી. રિધિમાંએ વિચાર્યું કે આ સમયનો પણ સારી રીતે ઉપયોગ કરી લઉં. એમ પણ નોકરીમાં તો બપોરે 1 વાગ્યે જ જવાનું છે તો સવારના સમય દરમિયાન જો કોઈ અન્ય જગ્યાએ ઇન્ટરવ્યૂ આપું અને નોકરી મળી જાય તો આ નોકરી છોડી દેવાય અને નીતિનનો ચેહરો પણ ન જોવો પડે.

દસ દિવસમાં પહેલી વાર રિધિમાંના મો પર નીતિનનું નામ આવ્યું અને એના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાઈ આવી. કંઈ નહીં આજે એક દિવસ તો ખુશી મનાવી લઉં, કાલથી તો એમ પણ એનો ચેહરો જોવાનો જ છે ને! રિધિમાં રજાના છેલ્લા દિવસની ખુશી મનાવવા લાગી.

બીજા દિવસે રિધિમાં 6 વાગે ઉઠી તો મમ્મીએ યાદ કરાવ્યું "બેટા તારે વેકેશન પડી ગયું છે, તો હવે આજે તો આરામથી સુઈ જા હું તારા પપ્પાનું ટિફિન બનાવી લઈશ" મમ્મીની વાત સાંભળી તેમને થેંક યુ કહી રિધિમાં પાછી સુઈ ગઈ. લગભગ 9 વાગે ઉઠીને નિત્યક્રિયા પતાવી અને ઘરનું કામ આટોપી લીધું. 11 વાગ્યા અને જમી લીધું ટિફિન લઈ જવાનો કે ઘરેથી જલ્દી નીકળવાનો તો સવાલ જ ઉભો થતો ન હતો.

આ બાજુ નીતિન તારીખો ગણી રહ્યો હતો, એને યાદ હતું કે આજે રિધિમાં આવવાના છે, અને હવે એ બસ એક-એક પળ મુશ્કેલીથી વિતાવી રહ્યો હતો. જલ્દી આવો એવા વિચાર સાથે એ વારે-વારે દરવાજા સામે જોઈ રહ્યો હતો. અંતે રિધિમાં સમય અનુસાર 12:55 એ ઓફિસમાં આવી. પોતાના કેબિનના કાચમાંથી એને આવતા જોઈ નીતિનના હૃદયની ધડકન વધી ગઇ, અને એક મોટી સ્માઈલ એના ચેહરા પર આવી ગઈ.

રિધિમાંએ સપના સામે જોયું અને એક સ્માઈલ આપી અને જૂની ખરાબ યાદો ભુલાવવાનો એક નાનો પ્રયત્ન કર્યો. અંદર આવીને રિધિમાં સીધી જ નીતિનના કેબિન તરફ ગઈ, અને હળવેથી દરવાજો ખટ-ખટાવ્યો.
નીતિને ખુશી છુપાવતા કહ્યું, "યસ"
"સર, મેં આઈ કમ ઇન" રિધિમાં દરવાજો અડધો ખુલ્લો રાખી બોલી.
નીતિને રિધિમાંને જોઈ, ગુલાબી કલરની લાંબી સ્લીવ્ઝવાળી કુરતી અને સફેદ લેગીન્સ અને એની પર બાંધણીનો દુપટ્ટો, વાળ પોની કરેલા અને એક લટ ખુલ્લી એના ચહેરા પર રમત કરતી, હાથ પર કોઇ ઘડિયાળ કે બ્રેસલેટ કઈ જ નહિ અને એકદમ સાદા સ્લીપર. આટલું નિરીક્ષણ નીતિને ખાલી 30 સેકન્ડમાં કરી લીધું. રિધિમાંની સાદગી જોઈ નીતિન ખુદને કાબુ કરવામાં અસક્ષમ બન્યો.
રિધિમાંએ 1 મિનિટ સુધી રાહ જોઈ અને દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં જ,
"મિસ રિધિમાં, અંદર આવો" નીતિને તંદ્રામાંથી બહાર આવીને કહ્યું.
"સર, મારી પરીક્ષા હજુ ગઈ કાલે જ પુરી થઈ અને આજથી જ હું જોબ જોઈન કરવા ઈચ્છું છું." રિધિમાં બોલી ગઈ.
"ઓકે, તમે આજથી જ જોબ જોઈન કરી શકો છો." નીતિન બોલ્યો ને રિધિમાં કેબિનમાંથી નીકળી ગઈ.
નીતિન એની પાછળ કાચ સુધી ગયો અને ડેસ્ક પર બેઠેલી રિધિમાંને જોવા લાગ્યો. રિધિમાં અને એના વાળની લટ નીતિનને આકર્ષિત કરી રહી હતી. નીતિન મંદ-મંદ મુસ્કાઈ રહ્યો હતો.

એટલામાં એની નજર આદિત્ય પર ગઈ, આદિત્ય પણ રિધિમાં સામે જ જોઈ રહ્યો હતો. આ જોઈ નીતિનને ખૂબ ગુસ્સો આવ્યો, પણ એ આ પરિસ્થિતિમાં કઈ જ કરી શકે એમ ન હતો. નીતિન પાછો આવી પોતાની ખુરશી પર બેસી ગયો.

રિધિમાં પોતાનું કામ કરી રહી હતી અને સાંજે 5 વાગ્યે ચા પીવા રિધિમાં બહાર નીકળી અને આદિત્ય પણ એની પાછળ-પાછળ ગયો. "હેલો રિધિમાં હેલો......... ક્યાં ગાયબ થઈ ગયા હતા" આદિત્ય થોડું જોરથી બોલી ગયો અને સપનાને આ સંભળાઈ ગયું. એને રિધિમાં પર ખૂબ ગુસ્સો આવ્યો. પણ એ કઈ બોલી નહિ. અને રિધિમાં પાછળ વળી અને ચા પીવાનો ઈશારો આદિત્ય સામે કર્યો. આદિત્ય પણ એની સાથે ચા પીવા જોડાઈ ગયો.

બાજુમાં આવેલી એક ફાસ્ટફૂડની દુકાનમાં વડાપાઉં અને ચા નો ઓર્ડર આપી બંને જણ એક ટેબલ પર બેઠા. આદિત્યએ ઓફિસમાં પુછેલો સવાલ ફરીથી પૂછ્યો. રિધિમાંએ પરીક્ષાની વાત કરી અને એ સિવાય 15 દિવસ દરમિયાન રહી ગયેલી ઘણી વાતો આ ચા ના સેશનમાં જ થઈ આ બન્ને વચ્ચે. આદિત્ય અને રિધિમાં ખૂબ ખુશ હતા એકબીજાને મળીને અને જ્યારે ચા પતાવી અંદર આવ્યા ત્યારે નીતિન એમને અંદર આવતા જોઈ ગયો એને ખૂબ ગુસ્સો આવ્યો. આદિત્યને એક જોરદાર થપ્પડ મારવાની પણ ઈચ્છા થઈ ગઈ નીતિનને, પણ હાથ ટેબલ પર જોરથી પછાડીને જ સંતોષ લેવો પડ્યો.

રિધિમાં ડેસ્ક પર બેઠી ને કામ કરવા લાગી. પણ નીતિનનું મન કામમાં ન લાગ્યું.

એકબાજુ નીતિન અને બીજી બાજુ આદિત્ય આ બન્ને વચ્ચે રિધિમાંનું મન સરખામણી કરવા લાગ્યું. "આદિત્ય કેટલો સારો, ફ્રેન્ડલી અને છોકરીઓની ઈજ્જત કરવાવાળો અને એકબાજુ નીતિન બસ ખાલી છોકરીઓની સામે જોયા કરે ને બસ પોતાના મતલબની વાત. મારે એનાથી દુર જ રહેવું જોઈએ." એમ એ વિચારતી થઈ ગઈ.

8 વાગ્યા ને એ ડેસ્ક પરથી ઉભી થઇ અને એ ત્યાંથી નીકળી. ઓફીસ જે કોમ્પ્લેક્સમાં હતી એ કોમ્પ્લેક્સના ગેટ આગળ જ લગભગ રિધિમાં પહોંચી ત્યાં આદિત્ય જોડે આવ્યો, "રિધિમાં ચાલો, હું તમને આજે મારી બાઇક પર મૂકી જાઉં, એમ પણ મારે તમારી સાથે બહુ બધી વાતો કરવી છે." રિધિમાંએ ના પાડી તો એનો હાથ પકડીને આદિત્ય એને બાઇક તરફ લઈ જવા લાગ્યો. " પ્લીઝ -પ્લીઝ- પ્લીઝ- પ્લીઝ, ચાલો ને મારે બહુ બધી વાતો કરવી છે " રિધિમાં ના પડતી રહી પણ આદિત્ય એને પોતાની જોડે બાઇક પાસે લઈ જ ગયો. છેલ્લે રિધિમાંને કહેવું પડ્યું, " જુઓ, મારી ફેમિલી શુ વિચારે જો તમારી સાથે જઉં તો? પ્લીઝ મને જવા દો આપણે કાલે બહુ બધી વાત કરીશું ઓકે." આદિત્યએ રિધિમાંને જવા દીધી અને એ નારાજગીનું નાટક કરતો બાઇક લઈને નીકળી ગયો.

રિધિમાં પાર્કિંગમાંથી બહાર નીકળતી હતી ને સામેથી નીતિન આવતો હતો. એને રિધિમાંને આદિત્યની જોડેથી આવતા જોઈ. નીતિન ખૂબ ગુસ્સે થયો. રિધિમાંને ત્યાં જ રોકી અને કહ્યું, "જુઓ મિસ રિધિમાં, ઓફીસના સબંધો તમે અહીં પૂરતા સીમિત રાખશો તો સારું રહેશે, એમ પણ બધા કઈ સારા નથી હોતા કે બધા પર વિશ્વાસ કરી શકાય" આટલું કહી નીતિન ત્યાંથી પોતાની બાઇક પાસે જતો રહ્યો. અને રિધિમાં ત્યાં જ ઉભી રહી ગઈ. એને નીતિનને બધું ખરાબ સંભળાઈ દેવાની ઈચ્છા થઈ પણ પોતાને રોકી લીધી.

નીતિનની વાતોનો વિચાર કરતા એ ત્યાંથી નીકળવા લાગી. રિધિમાંને નીતિન એમ પણ પસંદ ન હતો અને આજે આટલી બદતમીજીથી વાત કરી એટલે એ રિધિમાંની નજરમાં સાવ જ નીચે પડી ગયો. રિધિમાં ઘરે પહોંચી ને આજે થયેલી બધી જ બાબતો મમ્મીને જણાવી. મમ્મીએ કોઈ પ્રતિભાવ આ બાબતે આપ્યો નહિ, ખાલી એટલું કહ્યું કે "જો એટલી જ તકલીફ નીતિન ઉભી કરતો હોય તો તારે નોકરી બદલી દેવી જોઈએ."

મમ્મીની વાત પર રિધિમાંએ વિચાર કર્યો અને કીધું કે "હું જલ્દી બીજી કોઈ નોકરી શોધી જ લઈશ" જમવાનું અને કામ પતાવી બધા જ સુઈ ગયા. બીજા દિવસે રિધિમાં 7 વાગ્યે ઉઠી અને પેપર વાંચવા લાગી, એમા જેટલી પણ નોકરીની જાહેરાત જોઈ એમાંથી એને જે વ્યવસ્થિત લાગી એમા ઇન્ટરવ્યૂ આપવા જવા નક્કી કર્યું. 9 વાગ્યે રિધિમાં પોતાનું ટિફિન લઈને નીકળી ગઈ અને ઇન્ટરવ્યૂ આપ્યું. તે 12 વાગ્યે પૂરું થયું. રિધિમાંએ નોકરીનો અનુભવ છુપાવ્યો કારણકે જો અનુભવ બતાવે તો સર્ટીફીકેટ પણ આપવું પડે અને નીતિનને ખબર પડી જાય. એને ખબર પડે એ ઠીક નથી એમ જાણી રિધિમાંએ ફ્રેશર તરીકે જ ઇન્ટરવ્યૂ આપ્યું પણ એનું ઇન્ટરવ્યૂ સારું ગયું, અને તેને જલ્દી જાણ કરવામાં આવશે એમ પણ કહેવામાં આવ્યું.

રિધિમાંએ એક સારી જગ્યાએ બેસીને લંચ પૂરું કર્યું અને ઓફીસ નીકળી ગઈ. ઓફિસમાં પહોંચી પોતાના ડેસ્ક પર કસ્ટમરોના ફોન એટેન્ડ કરવા લાગી. ત્યાં જ એક માથાભારે માણસનો ફોન આવ્યો હશે, રિધિમાંએ 5 મિનિટ સુધી સામેવાળાને સમજાવવા પ્રયત્ન કર્યો પણ એનાથી વાત ન બનતા એ આમ-તેમ આદિત્યને શોધવા લાગી, આદિત્ય પોતાના ડેસ્ક પર ન હતો.

નીતિન કેબિનમાંથી જ રિધિમાંની મૂંઝવણ સમજી ગયો અને આ કોલ એણે એટેન્ડ કર્યો. સામેવાળાની બધી વાત સમજી તેને આખી જ વાત ગળે ઉતારી ફોન મુક્યો, રિધિમાંને શાંતિ થઈ. "થેંક યુ, સર" પહેલીવાર રિધિમાંએ નીતિન માટે આભારની લાગણી પ્રગટ કરી. અહીં નીતિન ખુશ થઈ પોતાના કેબિનમાં ગયો અને ત્યાં રિધિમાં કામે વળગી.

સાંજની ચાનો સમય થયો અને રિધિમાં ચા પીવા ગઈ, આ વખતે આદિત્ય પહેલેથી જ બહાર ઉભો હતો. ફરી એ જ વડાપાઉં અને ચાનો ઓર્ડર. બંને જણ એક ટેબલ પર બેઠા, રિધિમાંએ આદિત્ય સાથે કઈ વાત ન કરતા પરિસ્થિતિ પારખી આદિત્ય બોલ્યો, "હેય, કેમ તમે આજે સાવ ચૂપ-ચાપ બેઠા છો? કઈ થયું છે કે શું?"
રિધિમાંએ આખી વાત કહી જે બપોરે બન્યું એ અને સાથે ઉમેર્યું, "આમ તો તમે દરવખતે મારી મદદ કરવા તત્પર રહો છો જ્યારે મદદ જોઈતી હતી ત્યારે જ ગાયબ થઈ ગયા. બાય ધ વે, બપોરે 2 વાગ્યે ક્યાં ગયા હતા તમે?"
રિધિમાંનો આવો ઓચિંતો સવાલ સાંભળી આદિત્યની જીભ થોથવાઈ ગઈ, એ વિચારવા લાગ્યો અને છેવટે બોલ્યો, "ઘરે ઇમરજન્સી હતી તો લંચ બ્રેકમાં ઘરે ગયો હતો"
"જો એવું જ હોય તો ઘરે જ રહેવું હતું ને એક દિવસની રજાથી શુ બગડી જવાનું હતું?" રિધિમાંએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
"અરે બોસ જેવા તમારી પર મહેરબાન છે એવા અમારી પર ક્યાંથી! રજા લેવી તો દૂર અમારી જોડે તો ઓફીસ સિવાય પણ એક્સ્ટ્રા ટાઈમમાં બધું કામ કરાવે" આદિત્ય મસ્તીના મૂડમાં બોલ્યો.

આદિત્યની મસ્તી રિધિમાંને ન ગમી અને ત્યાંથી ઉભી થઇ પછી ઓફિસમાં અંદર જતી રહી, પણ આ વખતે આદિત્ય તેની પાછળ ન ભાગ્યો અને બૂમ પણ ન પાડી. રિધિમાં ડેસ્ક પર જઈને ખુરશી પર બેસી, એને આદિત્યની વાત યાદ આવવા લાગી અને નીતિનની કરેલી મદદ પણ.

"શુ ખરેખર નીતિન એટલો ખરાબ છે કે બધા એના વિશે આવું જ વિચારે છે? ખરેખર એ મારી પર મહેરબાન થઈ રહ્યો છે? જેમ લોકોને લાગે છે કે માત્ર મારી મદદ કરે છે? કોની પર ભરોસો કરું એ જ નથી સમજાતું? અને એમાં આ લોકોની આવી વાતો મને તકલીફ પહોંચાડી રહી છે શું કરું?" રિધિમાં વિચારી રહી હતી.

નીતિન રિધિમાંને આદિત્ય સાથે જતા જોઈ એટલે એના મનમાં કઈ અન્ય જ દંદ્વ ચાલી રહ્યું હતું "રિધિમાંને કઈ રીતે સમજાવું કે એમની માટે આ બધું ઠીક નથી. એ સાવ ભોળા છે અને ક્યારે આદિત્ય એમને ફસાવી લે એ પણ ખ્યાલ નહિ આવે. આદિત્યને હજી પણ તમે નથી ઓળખતા. મારે જ હવે તમને બચાવવા પડશે. ભલે તમે મને કેટલો પણ ખરાબ સમજો! પણ હું તમને તકલીફ નહિ પહોંચવા દઉં"

અજાણતા જ રિધિમાં નીતિન તરફ આકર્ષાઈ રહી હતી અને એના વિશે વિચારી રહી હતી અને અહીં નીતિન બધું જ જાણતો હોવાથી રિધિમાંને કોઈ મુશ્કેલીમાં મુકવા માંગતો ન હતો. નીતિન રિધિમાંથી દુર રહી શકતો ન હતો અને રિધિમાંની ગેરસમજો નીતિનને નજીક આવવા દેતી ન હતી.

(નીતિન અને રિધિમાંની કહાનીમાં એક મોટો વળાંક આવતા ભાગોમાં વાંચકોની રાહ જોઈ રહ્યો છે, જે ખૂબ જલ્દી માતૃભારતી પર મુકવામાં આવશે)